Dear Paankhar - 14 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૧૪

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૧૪

" તારો પ્રોબ્લેમ શું છે ? મને એજ નથી સમજાતું ? તન્વી પ્રત્યે આટલી નફરત કેમ છે તને ? " અમોલે ગુસ્સે થઈને કહ્યું.

" નફરત નથી! પણ મારું રિસર્ચ છે. થોડા વખતમાં તને‌ પ્રૂફ પણ મળી જશે. ડિવોર્સ માટે રોકાવાનું નહીં કહું કેમકે તું આકાંક્ષાને લાયક જ નથી. " કહી ગૌતમ ઉભો થઈને જતો રહ્યો.
અમોલ ક્યાંય સુધી સૂનમૂન થઈને ત્યાં જ બેસી રહ્યો. ગૌતમનાં શબ્દો કાનમાં પડઘાંની જેમ રણકી રહ્યા હતા , ' તું આકાંક્ષા ને લાયક જ નથી ', ' તન્વીનું પ્રૂફ મળી જશે. '

અમોલ એટલું જાણતો હતો કે ગૌતમ તથ્ય વગર વાત ના કરે. પરંતુ પૂરી વાત નજર સમક્ષ આવે ત્યાં સુધીનો સમય તો નર્કની અનુભૂતિ કરાવી રહ્યો હતો. ગૌતમની વાતો એ અમોલના મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરી દીધા હતા. 'શું ખરેખર તન્વી મારો ઉપયોગ કરી રહી છે ? એક વખત એ વાત વાતમાં બોલી ગઈ હતી કે , ' તારી બધી મિલકત તો આકાંક્ષા અને તારા છોકરાઓને જ મળશે ને ? ' મેં એ વાત ને દિલ પર નહોતી લીધી . પરંતુ એ વાત કહેવા પાછળ શું ઈરાદો હતો ? એ વિચાર્યું જ નહીં મેં. '

ગૌતમ ઘરે પહોંચ્યો. આકાંક્ષા રસોડામાં રસોઈ બનાવતી હતી. ગૌતમે આકાંક્ષાને પૂછ્યું , " આકાંક્ષા ! અમોલને‌ મળી હતી? "
" હા ! મળી હતી ! " આકાંક્ષા લોટ બાંધતા બાંધતા વાત કરી રહી હતી.
" હું ‌ પણ મળીને આવ્યો. કહેતો હતો કે તું ડિવોર્સ માટે માની ગઈ છું અને અમુક રકમની માંગણી કરી છે. " ગૌતમે સિંગદાણાનો ડબો ખોલીને ખાતા - ખાતા કહ્યું.

" તો શું કરું ? હાથ જોડીને કરગરુ એમની આગળ ? અને રહી વાત પૈસા ની. તો પૈસા તો જોઈશે ને બાળકોનાં ભવિષ્ય માટે ! નોકરી કરી લઈશ પરંતુ આટલા વર્ષો પછી મને કેવી નોકરી મળશે ? કેવી રીતે મળશે ? એમણે તો એમને જે નિર્ણય લેવો હોય, લઈ શકે !! જ્યારે લેવો હોય લઈ શકે . અને પૈસા માટે એ કોઈનાં ઉપર આધારિત નથી. જયારે મારા જેવી જિંદગી જીવવી પડે ને ત્યારે ખબર પડે કે એવી જિંદગી જીવવી કેટલી કપરી છે. " આકાંક્ષા જાણે દિલનો ઊભરો ઠાલવી રહી હતી.

" તે જે કાંઈ પણ કર્યું છે, બરાબર કર્યું છે અને રહી વાત નોકરીની ! તો તેની તું ચિંતા ના કરીશ . એની વ્યવસ્થા હું કરી આપીશ. " ગૌતમે કહ્યું. બહારથી ભરતભાઈએ ગૌતમને બૂમ પાડી બોલાવ્યો. ગૌતમ બહાર ગયો અને ભરતભાઈ સાથે વાતો કરવા લાગ્યો .

આકાંક્ષાનો‌ મોબાઈલ રણક્યો. ડૉ. શિવાલીનો ફોન હતો.
" આકાંક્ષા ! કાલે ફ્રી હોઉં તો ઑફિસમાં આવી શકું છું ? "
" હા ! ચોક્કસ ! આવીશ ! " આકાંક્ષાએ ટૂંકમાં જવાબ આપ્યો.
" તું ઠીક તો છું ને ? તારો અવાજ બહુ નરમ છે. " શિવાલીએ પૂછ્યું.
" હા ! ઠીક છું. કાલે‌ મળીએ ત્યારે વાત કરું. " આકાંક્ષા એ કહ્યું.
" સારું તો‌ ! મારી જ્યાં મદદ ની જરૂર હોય કહેજે . " શિવાલીએ કહ્યુ અને‌ ફોન મૂક્યો.

*. *. *
કાઉન્સિલિંગ રૂમનો દરવાજો ખુલ્યો , શ્રીકાંતભાઈ એમના દિકરા સાથે આવ્યા હતા. બન્ને કાઉન્સિલ રુમ‌માં પ્રવેશ્યા તથા સોફા પર બેઠા. શ્રીકાંત ભાઈનો‌ દિકરો થોડો વિડંબણામાં હોય એવુ લાગતુ હતુ.

" આ મારો દિકરો છે , સમીર !" શ્રીકાંતભાઈએ કહ્યું.
શિવાલી એ સમીર સામે જોઈ ને સ્મિત આપ્યું અને કહ્યું ,
" તમારી સાથે થોડી વાત કરવી જરૂરી હતી, માટે મેં શ્રીકાંત ભાઈને આગ્રહ કર્યો હતો કે તમને સાથે લાવે. વાત એમ છે કે શ્રીકાંત ભાઈ સાથે વાત કરતાં મને લાગ્યું કે એમને એલઝાઈમસૅ' હોવાની શક્યતા છે. એમણે એમની રોજિંદી ઘટનાઓનું વર્ણન કર્યું અને અવલોકનથી એમની તકલીફ વિશે મને વાત કરી. એલઝાઈમસૅ' નો કોઈ ચોક્કસ ઈલાજ નથી. તમને એ વિશે ખબર તો હશે જ. પરંતુ થોડું કાઉન્સિલિંગ અને થોડી મેડિસિન થી રોજીંદી ક્રિયાઓમાં સામાન્ય રીતે પડતી તકલીફોને ઓછી કરી શકાય છે. પરંતુ એ માટે પરિવારનો સહકાર ખૂબ જ જરૂરી છે અને તેથી જ મેં શ્રીકાંત ભાઈને ભાર પૂર્વક કહ્યું હતું કે એ તમને મારી સાથે એક વાર મુલાકાત કરાવે." શિવાલી એ સમીરને વાત સમજાવતાં કહ્યું.

" ચોક્કસ ! અમારે શું મદદ કરવાની છે ?" સમીરે પૂછ્યું.

" સૌ પ્રથમ તમારો ફોન નંબર ફોર્મ માં ભરવા વિનંતી . જેથી શ્રીકાંત ભાઈ સાથે સંપર્ક સાધવા માટે સરળતા રહે. દર અઠવાડિયે એમણે આવવું જરૂરી છે. એમના પ્રોગેસ પ્રમાણે હું આગળની વિધી તમને બતાવતી રહીશ. પરંતુ એ પહેલાં મારે તમારા તરફથી જાણવુ છે. એમના કોઈ હાલમાં બનેલો બનાવ જે તમને બતાવવા યોગ્ય લાગતો હોય ." શિવાલીએ પૂછ્યું.

" કાલે જ એવુ બન્યું. એમણે ત્રણ‌ વાર સ્નાન કર્યું. ઘણી વખત એ એકનું એક કામ‌ બે ત્રણ વાર કરી લે છે, જેમ કે જમવા નું , બ્રશ કરવાનું વગેરે. " સમીરે કહ્યું.

શિવાલી એ એમને મેમરી ગેઇમ રમાડી . અને સમીરને કહ્યું ,
" આ ગેઇમ દિવસ માં ત્રણ ચાર વાર કરાવી. તથા શારિરીક કસરત દશાર્વુ છું એ પ્રમાણે કરાવવી. સમય અનુકૂળ હોય તો તમે સાથે આવજો નહીં તો જરૂર પડે હું તમારો સંપર્ક કરીશ. "

" સાથે આવવા ઈચ્છું છું પરંતુ વાઈફ વર્કિંગ છે અને બાળકો નાના છે. મમ્મી નથી એ કદાચ તમને કહ્યું હશે. પરંતુ આ શા કારણે થાય ? " સમીરે પૂછ્યું.
" મેડિકલ કોઈ ચોક્કસ કારણ નથી આપતું , ફેમીલી હિસ્ટ્રીમાં કોઈ ને હોય. ન્યુરો ડીસ્ટરબન્સનાં કારણે પણ હોઈ શકે. " અને શિવાલી એ ઉમેર્યું , " એક બાળકની માફક જ સાચવવા પડશે. થોડું અઘરું છે, પણ‌ ધીરજ રાખવી જરૂરી છે. "

" હા ! બાળકો ને સંભાળવા ક્યારેક સરળ લાગે છે. " સમીરે થોડા માયૂસ થઈને‌ કહ્યું.

" એટલે , કે ! આપણું મન એમને વયોસ્ક વૃદ્ધ માની ચૂક્યું હોય છે. એને ફરીથી વાયરીંગ કરવુ પડે નવું સમજાવવા. " શિવાલીએ કહ્યું.

"એમને‌ વાંચવા નો બહુ શોખ છે. " સમીરે કહ્યું.
" તો‌ એમને પુસ્તક આપજો. બાગકામ શક્ય હોય તો કરાવજો. એમને જરુર મજા આવશે. " શિવાલીએ કહ્યું.

" ડૉક્ટર બીજુ કંઈ ધ્યાનમાં રાખવાનું ?" સમીરે પૂછ્યું.
" ના ! ફિલહાલ તો એમનું જ ધ્યાન રાખજો. કેમકે એમના માટે પણ અત્યારે જે કાંઈ પણ બદલાવ થઈ રહ્યા છે એ સ્વીકારવા તૈયાર નહીં હોય. " કહી શિવાલીએ શ્રીકાંત ભાઈ તરફ જોયું , એ ફરી નાના પુસ્તકાલય જોવામાં ખોવાઈ ગયા હતા. કદાચ પુસ્તકાલય પ્રત્યે એમને અજીબ લગાવ હતો.

(ક્રમશઃ )