બા ના હાથનો લાફો પડતા જ હું સ્તબ્ધ બની ગઈ કે શું થયું! હું બા ની સામે એકધારું રડમસ ચહેરે જોઈ રહી હતી. રડું, પૂછું કે કેમ માર્યું કે ક્યાંક ભાગી જાઉં એ પહેલાં જ બા એ પૂછી લીધું "ક્યાં મરી હતી?"
મેં કહ્યું " રેખાની ઘરે , કહીને તો ગઈ હતી". બા ગુસ્સામાં મને એકધારું તાકી રહી હતી. "ખોટું બોલતા શરમ ય આવે છે? અઢાર પુરા થયા હવે". મને સમજાયું નહીં, અઢાર પુરા થવાને અને ખોટું બોલવાને શું સબંધ હતો. બા વધુ કાંઈ બોલે એ પહેલાં જ જાગૃતિ બોલી " રેખા દીદી તને શોધતા શોધતા અહીં આવી હતી" મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. બા એ કહ્યું રેખાના ગયા પછી હું તને શોધવા બધાના ઘરે ફળી વળી ક્યાંય મળી નહિં. ક્યાં હતી?
મેં ધ્રુજતા ધ્રુજતા કહ્યું ક્યાંય નહીં, એમ જ સારું લાગતું નહોતું તો ન્હાતા ન્હાતા ખેતર બાજુ નીકળી ગયેલી. ફરી પાછી એક થપ્પડ પડી. એકલી કઈ બાજુ ખેતરે? આજે તો તારા બાપુ પણ અહીં ઘરે જ હતા. હું કાંઈ જવાબ આપવા સક્ષમ નહોતી. ધ્રુજતા ધ્રુજતા રડતા રડતા ત્યાં જ નીચું જોઈ ઉભી રહી.
કહેવાય છે કે ખોટું બોલવું ના જોઈએ પણ ઘણી વખત સાચું પણ બોલી શકાતું નથી. ઘણી વખત આપણું સાચું સામેવાળા સમજી શકતા નથી તો ઘણી વખત આપણને જ નથી ખબર કે જે કર્યું છે એ સાચું છે કે ખોટું.
ત્યાં જ બાએ કહ્યું જા કોરી થા અને કપડાં બદલી આવ. મને મોટી હાશ થઈ જાણે મોતની સજા થતા થતા ન્યાયાધીશ નિર્દોષ છોડી દયે. હું બાથરૂમાં જઈને કપડાં બદલી આવી. મારું આખું શરીર દુખતું હતું. રડી એટલે હવે માથું પણ દુખતું હતું અને બાના મારથી હળવો તાવ પણ આવી ગયો હતો. હું ઓરડામાં જઈ સુવા ગઈ ત્યાં જાગૃતિ આવી અને મને સૌથી ખરાબ સમાચાર આપ્યા. બાપુ તારા લખેલા ચોપડા પસ્તીમાં નાખતા હતા ત્યારે એને એમાંથી દીપકની અમુક ચિઠ્ઠીઓ મળી હતી. હવે મને મારો ગુનો તો તરત જ સમજાય ગયો. હું હજુ નિર્દોષ છૂટી નહોતી હજુ ખાલી એક તારીખ પડી હતી.
સાંજે વાળું સુધી કોઈ મારી સાથે કાંઈ ના બોલ્યું. વાળું કરીને નવરા થઈને બાપુ આજે બજારે ના ગયા. કૃપાલી પણ સાંજે શહેરથી છેલ્લી બસમાં ઘરે પહોંચી હતી.
બાપુજીએ પાસે આવી કહ્યું "બેટા, ઘરની આબરૂ દીકરીના હાથમાં હોય છે ધ્યાન રાખો..સોનલબેન અને કૃપાલી બેનને જો .. બાપને કૂવો પુરવો પડે એવું કામ ના કરો" સોનલબેનના તો બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા, 18ની તો માંડ હશે. કૃપાલીને ભણીગણીને સરકારી નોકરી કરવી હતી, ભણવા અને રમવામાં હમેશા આગળ હોય. મને કાંઈ ગતાગમ પડતી નહોતી, મારા માટે તો દિપક ક્યારે જિંદગી બની ગયેલો ખબર જ ના રહી.
બા એ આવીને સીધુ જ પરખાવ્યુ - " બાપ ગામમાં ઊંચું મોઢું રાખીને ફરે એમ તો રેવા દ્યો" થોડું વધુ ગુસ્સામાં લંબાવ્યું - "નાઇત(જ્ઞાતિ) તો જોવાય ને, આપણાથી આટલા નીચા વરણને આપણે ગોરામાંથી પાણી ય નો દઈ". મને આ નાતજાત પહેલેથી જ વાહિયાત લાગતું હતું ભણવામાં પણ ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ માટે લડતા એવું આવતું હતું પણ અત્યારે બાને ગાંધીગીરી સમજાવવાનો સમય નહતો. મેં આશભરી નજરે કૃપાલી સામે જોયું.
કૃપાલી કાંઈ બોલે એ પહેલાં જ બાપુએ કીધું - હવેથી એ છોકરા સાથે કાંઈ સબંધ રાખ્યા છે તો મારું મરેલું મોઢું ભાળજે !
હવે મારે કાંઈ બોલવા જેવું હતું જ નહીં. હું સુવા ગઈ, પણ ઊંઘ જાણે ગાયબ હતી, મગજ કયાનું ક્યાં દોડતું હતું. શું કરવું કાંઈ સમજાતું નહોતું.
ત્યાં કૃપાલી મારી પાસે આવી અને હળવેથી માથા પર હાથ ફેરવ્યો અને બોલી - "જો તું નહિ સમજે તો આપણાં નાના ભાઈ બહેને ઘણું ભોગવવું પડશે, બાપને નીચાજોણું થશે અને નાતમાંથી પણ દૂર કરી દેશે".
મેં કહ્યું - "પણ હું શું કરું?"
તે દિવસે નક્કી કર્યું હવે દીપકને ક્યારેય નહીં મળું કે નહીં એની સાથે વાત કરું. મારા કુટુંબ માટે મારો પ્રેમ કુરબાન કરીશ. તો પણ અંદરખાને વિચાર આવતા હતા કે દિપક બિચારો શુ કરતો હશે? એના ઉડતા વાળ મને દેખાતા હતા. એના મજબૂત બાવડા મને બાથમાં લેતા હતા. મને જોઈને એના હોઠો પર આવતું હાસ્ય મને લાલચાવતું હતું. કેમ ય કરીને દિપક મારાથી દૂર થતો નહોતો.
ત્યાં ડોરબેલનો અવાજ આવ્યો. જાણે હું લાંબા સ્વપ્ન બાદ ઉઠી. ઉઠીને બારી ખોલીને જોયું તો બહાર દિવસ આથમવામાં હતો. વૃક્ષો પર પંખીઓ પાછા ફરી રહ્યા હતા. આકાશ ભગવો રંગ ધારણ કરી ચૂક્યું હતું. ત્યાં ફરીથી ડોરબેલ વાગી. હું દોડતી ગઈ, દરવાજો ખોલ્યો તો દર્શન આવી ગયો હતો. 55 વર્ષે પણ કેવો આકર્ષતો હતો. એને ઘરમાં આવતા જ મને બાથમાં લઈને ગાલે કિસ કરીને ગુડ ન્યુઝ આપ્યા કે આપણને એક બહુ મોટી કમ્પની તરફથી ઓર્ડર મળ્યો છે. એ મારા માટે એક મોંઘી ગિફ્ટ લાવ્યો હતો અને મને મસ્ત તૈયાર થઈ જવા કહ્યું કે આજે આપણે કંપનીની પાર્ટીમાં જવાનું છે.
(ક્રમશઃ)
(તમને આ વાર્તા કેવી લાગે છે એ જરૂરથી જણાવજો. રેટિંગ આપવાનું ના ભૂલતા).