સુહાની ઘર તરફ જવા નીકળે છે. સુહાની રસ્તે ચાલતી ચાલતી જતી હોય છે. સુહાનીને ફરી એ જ વિચાર આવે છે કે "રાજને ચૈતાલીથી ડરવાની શું જરૂર છે? ચૈતાલી અને રાજન વચ્ચે કંઈક તો છે! કંઈક એવું કે જેનાથી રાજન ડરે છે. પણ શું?"
વિચાર કરતાં કરતાં સુહાની ફરી એ જ સૂમસામ રસ્તે અટકી જાય છે. બપોરના ચાર વાગી રહ્યા હતા. સુહાની વિચારે છે કે બપોરે પણ આ રસ્તો કેટલો બિહામણો લાગે છે. આસપાસ ઘટાદાર વૃક્ષોની હારમાળા. લીલા અને સૂકાયેલા પાંદડાઓ રસ્તા પર પડ્યા હતા. થોડો થોડો પવન આવતો હતો. જેનાથી સૂકાયેલા પાંદડાઓનો અવાજ આવતો તે ડરામણો લાગતો. સુહાનીને આ રસ્તે જવાનું મન થયું. સુહાની વિચારે છે કે "રાતે તો ન જઈ શકું. પણ અત્યારે તો જઈ શકાય ને!" એમ વિચારી ધીરે ધીરે સુહાની આસપાસ નજર કરતી કરતી જાય છે. અચાનક સૂકાયેલા પાંદડા ખખડવાનો ખૂબ અવાજ આવે છે. સુહાની એ પાંદડાઓને જોઈ રહી. સુહાની ડરી ગઈ. સુહાનીએ જોયું તો બે ખિસકોલી હતી. સુહાની મનોમન કહે છે "તું પણ શું સુહાની...ખિસકોલી તો હતી. એમાં ડરવાની શું જરૂર હતી?" સુહાનીને પોતાના પર જ હસવું આવી ગયું.
સુહાની આગળ વધે છે. સુહાનીને લાગ્યું કે એની પાછળ પાછળ કોઈક આવે છે. સુહાનીને એમ કે ફરી ચૈતાલી પોતાને ડરાવે છે. સુહાની પાછળ ફરી કે સુહાની ડરી ગઈ. સુહાની નું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. સુહાનીથી આપોઆપ પોતાના દિલ પર હાથ મૂકાઈ ગયો. સુહાનીની એકદમ નજીક એક ડોશીમાં ઉભી હતી.
સુહાની:- "દાદીમાં તમે આવા સૂમસામ રસ્તા પર ક્યાં જાઓ છો?"
દાદી તો પહેલાં સુહાનીને ટગર ટગર જોઈ રહી.
સુહાનીને થોડું અજીબ લાગ્યું. સુહાનીને દાદીથી થોડો ડર લાગ્યો.
સુહાની ડરી ગઈ હતી એટલે સુહાનીએ વિચાર્યું કે "આ રસ્તો ઠીક નથી. મારે મારા ઘર તરફ જવું જોઈએ." સુહાની પોતાના ઘર તરફ જતી હતી કે સુહાનીએ ફરી દાદી પાસે આવીને પૂછ્યું "દાદીમાં એ બાજું ક્યાં જાઓ છો? આ બાજુ તો એકલું જંગલ છે."
"આ રસ્તે જ મારું ઘર છે." એમ કહી દાદીમાં તો ચાલવા લાગ્યા.
સુહાની તો પોતાના ઘર તરફ જવા લાગી. સુહાનીને થયું કે "આ દાદીનું ઘર આ સૂમસામ વિસ્તારમાં ક્યાં હશે?" સુહાનીએ પાછળ ફરીને જોયું તો સુહાનીને એમ લાગ્યું કે પોતાનું દિલ જોરજોરથી ધડકી રહ્યું છે. સુહાનીના માથે પરસેવો આવી ગયો. સુહાનીના રુંવાટા ઉભા થઈ ગયા. સુહાનીએ જોયું કે દૂર દૂર સુધી કોઈ નહોતું. સુહાનીએ આસપાસ જોયું તો કોઈ નહોતું. સુહાનીને એક જ વિચાર આવ્યો કે "દાદીમાં અચાનક જ એક જ ક્ષણમાં કેવી રીતે અદશ્ય થઈ ગયા?"
સુહાની ખૂબ ગભરાયેલી હતી. સુહાની મનોમન ઈશ્વરને યાદ કરવા લાગી. "હે ભગવાન મને કોઈ મળી જાય તો સારું." સુહાનીએ સામે જોયું તો રોનક આવતો હતો. સુહાનીએ મનોમન ઈશ્વરનો આભાર માન્યો.
રોનકે દૂરથી સુહાનીને હાથનો ઈશારો કર્યો અને સ્મિત આપ્યું. સુહાનીએ પણ સ્મિત કર્યું. રોનકની પાછળ પણ કોઈ આવતું હતું. સુહાનીએ જોયું તો રાજન હતો.
રોનક:- "સુહાની જરા પણ હલન ચલન ન કરતી."
સુહાની ઉભી રહી ગઈ.
રોનકના ચહેરા પર ચિંતા જોતાં સુહાનીએ પૂછ્યું "શું થયું રોનક?"
રાજન ફિક્કુ હસ્યો. સુહાની રાજનને હસતાં જોઈ રહી.
રોનક સુહાનીની નજીક ગયો. સુહાનીના પગની પાસે કાળોતરો સાપ બેસી રહ્યો હતો. રોનકે એ સાપને પકડ્યો અને હળવેકથી ઝાડીઓમાં છોડી દીધો. ત્યારે સુહાનીને ખ્યાલ આવ્યો. સુહાની થોડી ધ્રૂજી ગઈ.
રોનકે પૂછ્યું "સુહાની તું ઠીક છે ને?"
થોડીવાર પછી સુહાની સ્વસ્થ થઈ.
સુહાની:- "હા હું બિલકુલ ઠીક છું."
સુહાનીના દિલને સારું લાગ્યું કે રોનકે પોતાની કાળજી લીધી.
રોનક:- "હું તારી સાથે જ આવું છું."
સુહાનીને ગમ્યું કે રોનક ઘર સુધી પોતાની સાથે આવશે. સુહાની મનોમન વિચારે છે કે "રોનકને મારી ચિંતા થઈ. મને ખબર જ નહોતી કે કોઈ યુવક આપણી કાળજી લે તો કેવું લાગે છે તે. મારી તો આજ સુધી કોઈ યુવકે આવી રીતના કાળજી નહોતી લીધી."
સુહાની અને રોનક ચાલતાં ચાલતાં વાતો કરવા લાગ્યાં. સુહાનીએ પાછળ ફરીને જોયું તો રાજન ત્યાં હતો નહીં. સુહાની મનોમન બોલે છે કે "આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગયો?" સુહાનીને પેલી દાદીમાં યાદ આવી ગઈ. સુહાની ડરી ગઈ. ડરથી સુહાનીથી અનાયાસે જ રોનકનો હાથ પકડાઈ ગયો.
રોનક:- "શું થયું સુહાની?"
સુહાની:- "રાજન ક્યાં ગાયબ થઈ ગયો આટલી વારમાં?"
રોનક:- "રાજનને જંગલમાં ફરવાનો શોખ છે. આસપાસ ગયો હશે. હમણાં જ આવી જશે."
સુહાનીએ પાછળ ફરીને જોયું તો રાજન કંઈક ખાતો ખાતો આવતો હતો.
સુહાનીએ રોનક તરફ નજર કરી. સુહાનીને જોયું તો પોતે રોનકનો હાથ પકડીને ચાલી રહી છે. સુહાનીએ રોનકનો હાથ છોડી દીધો.
રોનક:- "તને ડર લાગે છે તો હાથ પકડી રાખ."
સુહાની:- "નહીં ચાલશે."
સુહાનીને રોનક સાથે સલામતીનો અહેસાસ થયો.
રોનક સુહાનીને ઘર સુધી મૂકી આવ્યો.
સુહાની:- "રોનક અંદર આવને. મારા મમ્મી પપ્પાને મળીને જા."
રોનક:- "અરે નહીં. પછી કોઈક દિવસ ચોક્કસ આવીશ."
રાજન પોતાની મેળે જતો રહ્યો.
રોનક:- "ચાલ હવે હું પણ જાઉં છું. કાલે કૉલેજમાં મળીયે."
સુહાની:- "કાલે તો રવિવાર છે."
"ઑહ હા...સોમવારે મળીયે." એમ કહી રોનક પણ જતો રહ્યો. વર્ષાબહેન ચા બનાવે છે. સુહાની ચા પીતાં પીતાં વિચારી રહી હતી કે "રોનકે મને બચાવી લીધી. રોનકને મારી કેટલી ચિંતા છે. અને રાજનને તો કંઈ ફરક ન પડ્યો."
થોડીવાર પછી બાળકો આવી રહે છે. સુહાની એમને ભણાવે છે. કલાક પછી બધાં બાળકો જતાં રહે છે. વર્ષાબહેનને રસોઈમાં મદદ કરીને સુહાની વરંડામાં બેઠાં બેઠાં ગુલાબના છોડને જોઈ રહે છે. એટલામાં ફરી એ જ પતંગિયું સુહાનીની આસપાસ ઉડવા લાગે છે. પતંગિયું સુહાનીના ખભા પર બેસી જાય છે. થોડીવાર પછી સુહાની પોતાના રૂમમાં જાય છે.
સુહાની રોનક વિશે વિચારવા લાગી. વિચારતાં વિચારતાં સુહાનીના ચહેરા પર સ્મિત આવી ગયું.
સુહાનીને અનોખો અહેસાસ થયો. સુહાની એક ડાયરીમાં લખવા લાગી. પેલું પતંગિયું પણ સુહાનીના હાથ પર બેસી ગયું.
સુહાનીએ થોડું લખ્યું. પછી હાથ પોતાના ચહેરા સામે લાવી પતંગિયાં ને જોવા લાગી. સુહાનીએ સ્મિત આપ્યું. સુહાની બારીની નજીક જઈ બેઠી.
સુહાની પતંગિયાને જોઈ કહે છે "દેવિકા મને હંમેશાં કહેતી રહેતી હોય છે કે કોઈ અકલ્પનીય ઘટના બને તો કહેજે. તો આજે મારી સાથે અકલ્પનીય ઘટના બની. રોનક મને ગમે છે. મતલબ કે ફક્ત ગમે જ છે. હું કંઈ હજી રોનકને ચાહવા નથી લાગી. રોનક પ્રત્યે મને માત્ર આકર્ષણ છે. થોડા દિવસ રાહ જોઈએ. શું ખબર આ આકર્ષણ પ્રેમમાં પણ બદલાય જાય. અને જે દિવસે મને એવું કોઈ મળી જશે ને કે મારા મનની વાત જાણશે, મને સમજશે તે જ મારા માટે અકલ્પનીય ઘટના હશે. મારા માટે એ જ ચમત્કાર હશે." એ પતંગિયું થોડીવાર રહીને ઉડી જાય છે.
વર્ષાબહેન સુહાનીને જમવા બોલાવે છે. સુહાની જમીને બહાર વરંડામાં બેઠી હતી. સુહાનીની પાડોશમાં રહેતાં કુસુમબહેન અને બીનાબહેન આવે છે. વર્ષાબહેન એ લોકો સાથે વરંડામાં બેસી જાતજાતની વાતો કરે છે. સુહાની એ લોકોની વાતો સાંભળે છે. અને સાથે સાથે રોનક વિશે પણ વિચારે છે. વાતો કરતાં કરતાં પેલાં સૂમસામ રસ્તા વિશે વાત નીકળી.
કુસુમબહેન:- "વર્ષા પેલાં સૂમસામ રસ્તા વિશે લોકો જાતજાતની વાત કરે છે. હું તો લોકોની વાત પર વિશ્વાસ નથી કરતી. પણ આજે મને અનુભવ થયો કે લોકોની વાતોમાં કંઈક તો તથ્ય છે."
બીનાબહેન:- "એવું શું થયું ત્યાં?"
કુસુમબહેન:- "ત્યાં મને કોઈકના હોવાનો અહેસાસ થયો."
વર્ષાબહેન:- "હા મને પણ ત્યાં કંઈક અજીબોગરીબ અનુભવ થયો."
સુહાની:- "કુસુમમાસી ત્યાં કંઈક તો છે! જે હોય તે પણ તમે આટલી રાતના આવી વાત ન કરો. મને ડર લાગે છે."
થોડીવાર પછી બીનાબહેન અને કુસુમબહેન જતાં રહ્યા. વર્ષાબહેન અને મુકેશભાઈ પોતાના રૂમમાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતાં. સુહાની સામે વારંવાર પેલો સૂમસામ રસ્તો આવી જતો. થોડીવાર સુધી સુહાની એ સૂમસામ રસ્તા વિશે વિચારી રહી. જો કે એને ડર તો લાગતો હતો. પણ સુહાનીને જિજ્ઞાસા પણ હતી કે એવી કંઈ શક્તિ ત્યાં છે. એટલામાં જ સુહાનીનુ ધ્યાન બે ચમકતી આંખો પર જાય છે. સુહાની ખૂબ ડરી ગઈ. એ ચમકતી આંખો નજીક આવતી જતી હતી.
ક્રમશઃ