પ્રતિશોધ તૃતીય અંક:
ભાગ-2
બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન
પોતાની દીકરી અંબિકાના પુત્ર જોરાવરનો એકલાનો જ માધવપુરની રાજગાદી પર હક જળવાઈ રહે એ હેતુથી રેવતીએ રાજા વિક્રમસિંહની બીજી પત્ની પદ્માના ગર્ભમાં ઊછરી રહેલા બાળકને જન્મ પહેલા જ મારી નાંખવાની ભયંકર યોજના બનાવી અને એ યોજનાનો અમલ કરવા એ અંબિકા જોડેથી પોતાના ગામમાં જવાની રજા માંગીને માધવપુરથી નીકળી ગઈ.
આ યોજનાને પૂરી કરવા હેતુ રેવતીને બીજા લોકોની પણ મદદ જોઈતી હતી અને એ લોકો માટે રેવતીએ બે વ્યક્તિઓ પર પસંદગી ઉતારી. જેમાં એક હતી જયપુરના રાજાની ચોથી પત્નીની દીકરી રૂપાદેવી, આ રૂપાદેવી એ જ યુવતી હતી જેને તલવારબાજીની છેલ્લી સ્પર્ધામાં અંબિકાએ માત આપી હતી; આ પરાજયની સાથે સ્વર્ગની અપ્સરા જેવી રૂપાદેવીના ચહેરા પર એક મોટો ઘા પણ પડ્યો હતો..જેના લીધે એનો સુંદર ચહેરો કદરૂપો બની ગયો.
અંબિકાએ પોતાને આપેલી આ માત પોતાના સ્વમાન પર ડાઘ સ્વરૂપ છે એવું માની રૂપાદેવીએ મનોમન અંબિકા સાથે પ્રતિશોધ લેવાની ગાંઠ વાળી હતી. આ કારણથી રેવતીએ રૂપાદેવીને જઈને મળવાનું વિચાર્યું. આમ તો રૂપાદેવી અંબિકાની દુશ્મન હતી પણ પોતે પોતાની સાચી ઓળખાણ છુપાવી રૂપાદેવીને મળવાનું રેવતીએ મનોમન ધાર્યું હતું.
અંબિકા અને પદ્મા વચ્ચે સારું બને છે અને અંબિકા પદ્માના આવનારા બાળકના જન્મને લઈને ઉત્સાહિત છે તો પદ્માના બાળકનો ખાત્મો કરી અંબિકાની ખુશીઓ છીનવી લેવાનું પોતે રૂપાદેવીને જણાવશે. પ્રતિશોધની આગમાં સળગતી રૂપાદેવી પોતાની વાતોમાં આવી જશે અને પોતાનો સાથ આપવા તૈયાર થશે એવી રેવતીની ગણતરી હતી. આ ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે એને જયપુર ગયા પછી ખબર પડી કે રૂપાદેવી એ એક વર્ષ પહેલા જ સંન્યાસ લઈ લીધો છે અને હાલ એ હરદ્વાર છે.
રૂપાદેવીને પોતાની સાથે ભેળવી પદ્માના ગર્ભમાં ઊછરી રહેલા બાળકને જન્મ પહેલા જ મારી નાંખવાની પોતાની યોજના પર જ્યારે પાણી ફરી વળ્યું ત્યારે રેવતીએ પોતાની આ ભયાવહ યોજનામાં વિક્રમસિંહના પિતરાઈ અર્જુનસિંહને સમાવવાનું નક્કી કર્યું; આ વિચાર સાથે જ પદ્મા પ્રત્યેનો રેવતીનો દ્વેષ માધવપુરના પતનનું કારણ બન્યો.
રેવતી પોતાની સાચી ઓળખ છુપાવી પહેલા અર્જુનસિંહને મળી અને અર્જુનસિંહને પદ્માના ગર્ભવતી હોવાની ખબર આપી. અર્જુનસિંહને જો વિક્રમસિંહ સાથે પ્રતિશોધ વાળવો હોય તો આ એક ઉત્તમ તક છે એવું અર્જુનસિંહના મનમાં ઠસાવી રેવતીએ પોતાની મદદ કરવા માટે એમનો સહકાર મેળવી લીધો.
રેવતીનું પોતાની જોડે આવીને આ યોજનામાં સામેલ કરવું એ વાત પર અર્જુનસિંહને શંકા પેઠી એટલે એમને રેવતીની અસલિયતની તપાસ કરાવી. આમ કરતા અર્જુનસિંહને જાણકારી મળી ગઈ કે રેવતી હકીકતમાં વિક્રમસિંહની પ્રથમ પત્ની અંબિકાની સાવકી માં છે, જે શક્યવત પોતાની દીકરીના હકનું કોઈ ઝુંટવી ના જાય એ હેતુથી પોતાની જોડે આ યોજના લઈને આવી હોવી જોઈએ.
રેવતી અર્જુનસિંહ જોડે જે યોજના લઈને આવી હતી એમાં અર્જુનસિંહને વિક્રમસિંહ સાથે પ્રતિશોધ લેવાની ઉત્તમ તક દેખાઈ. જે વિક્રમસિંહ સામે પોતે સામી છાતીએ લડી શકવામાં અસમર્થ છે એની જોડે વેર વાળવા રેવતીને પોતાની યોજનાનો હાથો બનાવી લેવાની મંછા સાથે અર્જુનસિંહે રેવતીને મદદ કરવાની હામી ભરી દીધી.
"તમારી હું શું સહાયતા કરી શકું એ જણાવો..?" મનોમન કંઈક અતિ ભયંકર વિચારી અર્જુનસિંહે રેવતીને પૂછ્યું.
"તમે કોઈ એવી વ્યક્તિને મહેલમાં મોકલી આપો જે તંત્ર-મંત્ર વિદ્યાની જાણકાર હોય અને મેલી વિદ્યા વડે પોતાનું ધાર્યું કામ કરી શકે." રેવતીએ ફટાક દઈને જવાબ આપી દીધા બાદ હળવેકથી પૂછ્યું. "કોઈ છે એવું વ્યક્તિ આપના ધ્યાનમાં?"
રેવતીની આ વિચિત્ર માંગણી સાંભળી અર્જુનસિંહનું મગજ ચકરાવે ચડી ગયું. આમ છતાં થોડી ધરપત રાખી અર્જુનસિંહે કહ્યું.
"એક જાદુગરની છે..પર્શિયન છે, એનું નામ છે કુબા..! ઘણા સમયથી એને મેં રાજ્યાશ્રય આપેલો છે એટલે એ અવશ્ય મારો પડ્યો બોલ ઝીલશે."
"ખૂબ સરસ..!" પ્રસન્ન થતા રેવતી બોલી પડી.
"પણ એને માધવપુર કિલ્લાની અંદર પ્રવેશ કઈ રીતે મળશે.?" અર્જુનસિંહે રેવતીની તરફ જોતા કહ્યું.
"એનું આયોજન મેં વિચારી રાખ્યું છે." આટલું કહી રેવતીએ કુબાને અમુક લોકોના ટોળા સાથે વણઝારાના વેશમાં માધવપુર આવવાની વાત કહી સંભળાવી. આ સાંભળી અર્જુનસિંહ પણ પોતાની સામે ઊભેલી રેવતીની ચાલાકી પર આફરીન પોકારી ગયાં.
પોતાની અર્જુનસિંહ સાથેની મુલાકાતના સાત દિવસ બાદ કુબાને માધવપુર મોકલી દેવાની વાત કહી. માધવપુર જતા પહેલા રેવતીએ કુબાને પણ મળી લીધું. કુબાએ રેવતીને એક પડીકી આપી જણાવ્યું કે એમાં રહેલી ભૂકીને કોઈપણ રીતે પદ્માના પેટમાં પહોંચાડી દેવી. કુબાની આજ્ઞાનું પાલન કરતા રેવતીએ એ ભૂકીને પ્રસાદમાં ભેળવી અને અંબિકા મારફત પદ્માને ખવડાવી દીધી.
આખરે રેવતીની મૂર્ખામીના લીધે પર્શિયન જાદુગરની કુબા માધવપુર કિલ્લામાં પ્રવેશ મેળવી ચૂકી હતી. રેવતીને હતું કે કુબા પોતાની યોજનાનું મોહરું છે પણ એ વાતથી રેવતી અજાણ હતી કે એ પોતે જ અત્યારે અર્જુનસિંહની યોજનાનું મોહરું બની ચૂકી છે. પોતાની દીકરીની ખુશીઓ માટે રેવતીએ ભરેલું આ પગલું એની દીકરીના સુખી સંસાર ખેદાન-મેદાન કરવા નિમિત્ત બનશે એવું કાશ રેવતીને ખબર પડી ગઈ હોત..!
************
ચાર દિવસ પહેલા, માધવપુર
પોતાની કંપનીના એક પ્રોજેકટ અંતર્ગત દુબઈથી માધવપુર આવેલ સમીર અને એની ટીમનાં ચાર સભ્યો કાર્તિક, બશીર, અબ્દુલ અને સ્વામી ઉપરાંત એમની સહાયતા માટે આવેલા દસ સ્થાનિક મજૂરો મળીને માધવપુર કિલ્લાની જર્જરિત ઈમારતોને કઈ રીતે જમીનદોસ્ત કરવી એની પળોજણમાં લાગેલા હતાં.
સમીરની ગણતરી હતી કે મજૂરોની મદદથી એ સરળતાથી કિલ્લાની જે ઈમારતો ઉભી હશે એને જમીનદોસ્ત કરી શકશે પણ જ્યારે એને બારીકાઈથી કિલ્લાની ઈમારતોને નિહાળી ત્યારે એને સમજાઈ ગયું કે આ કામ પોતે વિચાર્યું હતું એનાંથી અનેક ગણું મુશ્કેલ છે. જર્જરિત હોવા છતાં કિલ્લાની ઈમારતો ખૂબ જ સારી અવસ્થામાં હતી, જેના પથ્થરો પણ ખૂબ મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલા હતાં.
માનવબળથી પોતે આ કિલ્લાની ઈમારતોને રતિભાર પણ નુકશાન નહીં પહોંચાડી શકે એ સમજાઈ જતા સમીરે વહેલી તકે જેસીબી અને ક્રેઈનને બોલાવવાનું નક્કી કરી લીધું.
જેસીબી કે ક્રેઈનને કેટલી સંખ્યામાં બોલાવવા એ નક્કી કરવા હેતુ સમીરે પહેલા કિલ્લાની દરેક ઈમારતનું બારીકાઈથી અવલોકન કરવાનું નક્કી કર્યું. મજૂરોને બહાર રાખી સમીર પહેલા રાજમહેલની ઈમારતનું અવલોકન કરી આવ્યા. રાજમહેલને તોડવા બે જેસીબી પૂરતા છે એવું નક્કી કરી સમીર પોતાના ટીમ મેમ્બર સાથે જાહેર ઈમારતોનું અવલોકન કરવા પહોંચ્યો.
આટલા વર્ષો પછી પણ આ ઈમારતો જે સ્થિતિમાં હતી એ જોઈ સમીર અને એના સાથીદારો છક થઈ ગયાં. ઈમારતોની વર્તમાન સ્થિતિ અંગે ચીવટથી અભ્યાસ કરતા-કરતા સમીર અને એના સાથી કર્મચારીઓ જ્યારે મંદિર અને મસ્જિદ વચ્ચે પડતી સાંકડી ગલી નજીક પહોંચ્યા ત્યારે એમના કાને 'બચાવો..બચાવો'ની ચીસો સંભળાઈ.
આ ચીસોને અનુસરતો પગરવનો અવાજ સાંભળી સમીર અને એના સાથી સભ્યો સ્તબ્ધ અને સાવધ થઈ ગયા. હજુ એ લોકો વધુ કંઈ સમજે એ પહેલા તો બહાર ઊભેલા દસે-દસ મજૂરો હાંફળા-ફાંફળા બની એમની તરફ આવી રહ્યા હતાં.
"ભાગો, અહીંથી ભાગો.." જોરજોરથી ચિલ્લાઈને એ મજૂરો સમીર અને એની ટીમનાં સદસ્યોને ત્યાંથી ભાગી જવા કહી રહ્યા હતાં.
"અરે, શું થયું.?" એ મજૂરોને ઉદ્દેશીને સમીરે પૂછ્યું. "કેમ આમ રાડા નાંખો છો."
"એ લોકો આપણને મારી નાંખશે.." એક મજૂર કાંપતા અવાજે બોલ્યો.
"કોણ લોકો?" સમીરે બીજો સવાલ કર્યો.
એ મજૂર જવાબ આપે એ પહેલા તો એક મોટો ભાલો એના પેટને ચીરતો બીજી તરફ નીકળી ગયો. આ ઘટનાની કળ વળે એ પહેલા તો સમીરનો કાર્તિક નામક સાથીદાર અને એક અન્ય મજૂર પણ ગંભીર હાલતમાં ઘવાઈને નીચે પડી ચૂક્યાં હતાં.
આ બધું કરનાર લોકો કોણ છે એ જોવા સમીરે હુમલો થયો એ દિશામાં નજર ફેંકી તો એની નજરે પંદરેક હથિયારબંધ લોકોનું ટોળું ચડ્યું, જેમાં દરેકનાં હાથમાં એક તીક્ષ્ણ હથિયાર મોજૂદ હતું. આ ટોળાની આગેવાની એક એવો વ્યક્તિ કરી રહ્યો હતો જેના ચહેરા પર સફેદ અને કાળા રંગનું મોહરું હતું, જે લાંબા જેકેટ સાથે જોડાયેલી ટોપી દ્વારા ઢંકાયેલું હતું.
"રાકા, ખતમ કરી દે બધાને..ખાલી એકને છોડીને." પોતાની જોડે ઊભેલા રાકાને આદેશ આપતા એ વ્યક્તિએ કહ્યું.
"સાથીઓ, તૂટી પડો આ બધા પર..પણ, મેં કહ્યું એમાં ચૂક ના થાય." પોતાના સાથીદારોને હુકમ આપતા રાકા ખુલ્લી તલવાર સાથે સમીર અને એની જોડે મોજૂદ અન્ય લોકો તરફ ઉતાવળા ડગલે અગ્રેસર થયો.
પોતાની મોતને સામે જોઈ સમીર સહિત બાકીનાં લોકો ખૂબ જ ત્વરાથી મંદિર અને મસ્જિદ વચ્ચે આવેલી સાંકડી સર્પાકાર ગલીમાં ભાગ્યા, જ્યાં જવું એમની જીંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થયું.
રાકા અને એના સાથીઓ દ્વારા ઉગ્રતાથી ગલીને કિનારે પડેલા કાર્તિક અને બાકીના બંને મજૂરોની હત્યા કરવામાં આવી અને પછી એ લોકો આવેશમાં સાંકડી ગલીમાં ઘૂસી ગયાં.
"રાકા, મારે સમીર જીવતો જોઈએ..જો એને કંઈ થઈ ગયું તો સમજી લેજે તને અને તારી આખી પેઢીને ખતમ કરી દઈશ." ગલીમાં પ્રવેશતા રાકાને ઉદ્દેશીને હૂડી પહેરેલાં એ વ્યક્તિએ ધમકી ઉચ્ચારી.
રાકા પોતાનું કામ યોગ્ય રીતે કરશે એવી ગણતરી સાથે એ રહસ્યમય વ્યક્તિ ગલીની જમણી તરફ આવેલા મંદિરની સામે એક પથ્થર પર જઈને બેસી ગઈ.
એ વ્યક્તિએ પહેરેલા કપડાં અને એના ગળામાં લટકતા લોકેટમાં બેફમેટની આકૃતિ તથા એની ગરદન પર બનેલ પેન્ટાગોનનું ટેટુ એ સમજાવવા કાફી હતું કે એ વ્યક્તિનો સંબંધ ક્યાંક ને ક્યાંક ઇલ્યુમિનાટી સાથે હતો.!
***********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)