Adhura premni anokhi dastaan - 7 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 7

Featured Books
Categories
Share

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 7

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૭



આદિત્ય કોલેજે પહોંચીને રાજુનો હાથ પકડી તેને કેન્ટીન તરફ લઈ ગયો. કેન્ટીનમાં પહોંચી રાજુએ પૂછ્યું, "તું શું કરી રહ્યો છે? મને અત્યારે અહીં શાં માટે લાવ્યો?"

"મારે તને એક વાત જણાવવી ખૂબ જ જરૂરી છે. તો તું પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળ." આદિત્યએ ગંભીર અવાજે કહ્યું.

"કાલે સુજાતાની ઘરે જે કાંઈ થયું‌. એ મેં જ કર્યું હતું. પેલા ચોકીદારને મેં જ માર્યો હતો, ને તેને માર્યા પછી મેં ખુદ જ મારાં માથામાં ડંડો માર્યો, ને બેહોશ થવાનું નાટક કર્યું." આદિત્ય બધું એક જ શ્વાસે બોલી ગયો.

"શું બકવાસ કરે છે તું? ક્યાંક માથાંમાં વાગવાથી તું પાગલ તો નથી થઈ ગયો ને?" રાજુએ હસતાં હસતાં આદિત્યને પૂછ્યું.

"યાર, હું પાગલ નથી થઈ ગયો, ને હું જે કહું છું. એ સાચું કહું છું. એ બધું મેં જ કર્યું હતું, ને એ પણ મારાં પપ્પાનાં કહેવાથી કર્યું હતું." આદિત્યએ પોતાની વાત બીજીવાર દોહરાવીને કહ્યું.

"શું? તારાં પપ્પાનાં કહેવાથી?" રાજુએ ચોંકીને પૂછ્યું.

"હાં, હવે એ બધું શાં માટે કર્યું? એ હું તને પછી સમજાવું. પહેલાં આપણે કાલે સુજાતાને જે ફોટો મળ્યો હતો. એ લેવાં અત્યારે જ સુજાતાની ઘરે જવું પડશે." આદિત્યએ કહ્યું.

"પણ તને એ ફોટોની કેવી રીતે ખબર? તું તો ત્યારે બેહોશ હતો ને?" રાજુએ આશ્ચર્ય સાથે કહ્યું.

"ત્યારે હું નાટક કરતો હતો. હું બેહોશ થયો જ નહોતો. હાલ તું એ બધું છોડ, ને ચાલ આપણે એ ફોટો લેતાં આવીએ. એ ફોટો ખૂબ જ જરૂરી છે." આદિત્યએ ફોટાની ઉતાવળ બતાવતાં કહ્યું.

"પણ ત્યાં કાલે જ એક મર્ડર થયું છે. જે તે કર્યું છે. હવે તું ત્યાં જાય. તો તને કોઈ ઓળખી લેશે તો?" રાજુએ પૂછ્યું.

"મને કોઈ કાંઈ નહીં કરી શકે. કેમકે, મારાં પપ્પાએ રાત્રે જ એ બોડીને ઠેકાણે પાડી દીધી છે. આપણાં ત્રણ સિવાય અને મારાં પપ્પા સિવાય કોઈને નથી ખબર કે કાલ ત્યાં કોઈનું મર્ડર થયું હતું. તો હવે પ્લીઝ તું તારાં સવાલ બંધ કર, ને ચાલ એ ફોટો લેવાં." આદિત્યએ રાજુને વિનંતી કરતાં કહ્યું.

"ઓકે, ચાલ." રાજુએ ટૂંકમાં જવાબ આપતાં કહ્યું.

રાજુનો જવાબ મળતાં જ આદિત્ય પોતાની બાઈક લઈને આવ્યો, ને રાજુ તેની પાછળ બેસી ગયો. આદિત્યએ બાઈકને સુજાતાના ઘર તરફ ભગાવી. સુજાતાના ઘરથી થોડે દૂર બાઈક ઉભી રાખી. રાજુ અને આદિત્ય બંને પાછળની બારીમાંથી અંદર ગયાં, ને સીધાં ડ્રોઈંગરૂમમાં ગયાં. થોડીવાર શોધખોળ કર્યા પછી, ફોટો ટેબલ પાસે જમીન પર પડેલો મળ્યો. ફોટો મળતાં જ રાજુ અને આદિત્ય જ્યાંથી અંદર આવ્યાં હતાં, એજ બારીએથી બહાર નીકળી ગયાં.

બહાર નીકળી, આદિત્ય કોલેજે જવાની જગ્યાએ રાજુને એક કાફેમાં લઈ ગયો. જ્યાં જઈને આદિત્ય એ ફોટો જોવાં લાગ્યો. એ ફોટાંમાં એજ સ્ત્રી હતી. જે સ્ત્રીનો ફોટો આદિત્યએ તેનાં પપ્પા પાસે જોયો હતો. એ સ્ત્રીને જોઈને, આદિત્ય મનોમન વિચારવા લાગ્યો, "શું આ સ્ત્રી માટે મારાં પપ્પા મારી મમ્મીને છોડવાં માટે, સુજાતાને મારવાં માટે, અને તેનાં મિત્રનો વિશ્વાસઘાત કરવાં માટે તૈયાર થઈ ગયાં?"

આદિત્યને વિચારોમાં ખોવાયેલો જોઈ, રાજુએ પૂછ્યું, "ક્યાં ખોવાઈ ગયો? આપણે અહીં શાં માટે આવ્યાં છીએ? એ જણાવીશ?"

"હું તને બધું જણાવીશ. પણ તારે મને પહેલાં એક વચન આપવું પડશે. હું તને જે કાંઈ પણ કહું, એ તારે થોડાં સમય પૂરતું સુજાતાને કહેવાનું નથી." આદિત્યએ રાજુ પાસે સુજાતાથી બધી વાત છુપાવવાનું વચન માંગતા કહ્યું.

"પણ એવી શું વાત છે? જે સુજાતાથી છુપાવવી પડે? પહેલાં તું જણાવ તો ખરાં." રાજુએ કહ્યું.

"પહેલાં તું વચન આપ. હું જે કાંઈ કરું છું. એ આપણાં બધાંના સારાં માટે જ કરું છું. અત્યારે કેટલાંય લોકોનો જીવ જોખમમાં છે. જેને માત્ર આપણે જ બચાવી શકીશું." આદિત્યએ વાતની ગંભીરતા સમજાવતાં કહ્યું.

"ઠીક છે, આપ્યું વચન. હવે બોલ શું કહેવું છે તારે?" રાજુએ કહ્યું.

"આ ફોટોમાં જે સ્ત્રી છે. એ આપણને સુજાતાના પપ્પા સુધી પહોંચવામાં મદદ કરશે." આદિત્યએ કહ્યું.

"હાં, એવું તો કાલ સુજાતા પણ મને કહેતી હતી કે, તે સ્ત્રીને જોઈને, તેને એવું લાગે છે કે, એ તેને તેનાં પપ્પા સુધી પહોંચાડશે." રાજુએ કહ્યું.

"આ સ્ત્રી સાથે જ બધી કડીઓ જોડાયેલી છે. જો આ મળી ગઈ. તો ઘણાં બધાં રાઝ ખુલશે." આદિત્યએ કહ્યું.

"તેને તો આપણે ઓળખતાં પણ નથી. તો આપણે તેને કેવી રીતે, ને ક્યાં શોધીશું?" રાજુએ પૂછ્યું.

"મને તેનું નામ આરુ છે, એટલી ખબર છે." આદિત્યએ તેને ખબર હતી એટલું જણાવતાં કહ્યું.

"માત્ર નામ અને ફોટા સાથે આટલાં મોટાં સુરત શહેરમાં તેનાં સુધી કેવી રીતે પહોંચવું?"

"એ તું મારાં પર છોડી દે. તારે બસ હું કહું ત્યારે મારી સાથે આવવાનું. આ સ્ત્રી સુધી મારાં પપ્પા જ આપણને પહોંચાડશે." આદિત્યએ એક ઉંડો શ્વાસ લેતાં કહ્યું.

"તારાં પપ્પા જ આ બધું કરે છે. તો એ આપણને આ સ્ત્રી સુધી કેવી રીતે પહોંચાડે? ને તું પણ તેનો જ સાથ આપતો હતો. તો તું હવે તેની સાથે નથી. એ હું કેવી રીતે માની લઉં?" રાજુએ આદિત્ય પાસે તે સાચો છે, એવી સાબિતી માંગતા કહ્યું.

"એ મારે વિગતવાર તને જણાવવું પડશે. તો જ તું સમજી શકીશ." આદિત્યએ કહ્યું.

"હું બધું સાંભળવાં તૈયાર છું. બસ તું મને જણાવ." રાજુએ બધી હકીકત જાણવાની અધીરાઈ બતાવતાં કહ્યું.

"તો સાંભળ." આદિત્યએ શનિવારે જ્યારે રાજુ સાથે વાત કરીને ફોન મૂક્યો. પછી કિશનભાઈ સાથે જે વાત થઈ એ યાદ કરતાં કહ્યું.

****

શનિવારની રાત


આદિત્ય તેનાં રૂમમાં કોલેજનું વર્ક કરી રહ્યો હતો. ત્યારે કિશનભાઈએ આવીને કહ્યું, "બેટા મારું એક કામ કરીશ?"

"હાં પપ્પા કહોને, શું કામ છે?" આદિત્યએ કિશનભાઈને પૂછ્યું.

"તું કાલે સુજાતા અને રાજુ સાથે સુજાતાનાં અસલી પપ્પા સુધી પહોંચવાનું સબૂત શોધવા તેનાં ઘરે જવાનો છે ને?" કિશનભાઈએ પૂછ્યું.

"હાં, પપ્પા. પણ તમને કેમ ખબર?" આદિત્યએ કિશનભાઈને પૂછ્યું.

"તું હમણાં રાજુ સાથે વાત કરતો હતો. એ મેં સાંભળી લીધું હતું. પણ બેટા તું સુજાતાને તેનાં પપ્પા સુધી પહોંચતાં રોકી લે. " કિશનભાઈએ ગંભીર અવાજે કહ્યું.

"પણ પપ્પા, એવું કરવાનું કારણ તો જણાવો." આદિત્યએ પૂછ્યું.

"બેટા, હું એક મોટી મુસીબતમાં છું. અને માધવનાં નામથી કલ્પેશ પાસેથી રૂપિયા લઉં છું. જો માધવ મળી ગયો. તો હું એ રૂપિયા કલ્પેશ પાસેથી નહીં લઈ શકું. તો પ્લીઝ બેટા તું સુજાતાને માધવ સુધી પહોંચતા રોકી લે." કિશનભાઈએ ગળગળા થઈને કહ્યું.

"પણ પપ્પા, એવી શું મુસીબત છે? કે તમારે તમારાં મિત્ર સાથે ખોટું બોલવું પડે છે?" આદિત્યએ પૂછ્યું.

"એ હું તને અત્યારે નહીં જણાવી શકું. તું બસ હું કહું એટલું કર. બીજું હું તને પછી જણાવીશ. તું કાલ ખાલી સુજાતાને કોઈ સબૂત મળે તો મને ફોન કરજે. પછી આગળ શું કરવું? એ હું તને ત્યારે જ જણાવીશ." કિશનભાઈએ આદિત્યને બધું સમજાવતાં કહ્યું.

"ઠીક છે, પપ્પા. તમે જેમ કહો એમ જ હું કરીશ." આદિત્યએ તેનાં પપ્પાની વાતમાં હામી ભરતાં કહ્યું.

*****

આજનો દિવસ (કાફેમાં)


"મારાં પપ્પાએ મને એવું કહીને તમને સુજાતાના પપ્પા સુધી પહોંચતાં રોકવાનું કહ્યું, એટલે મારે આ બધું કરવું પડ્યું." આદિત્યએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

"તો હવે તું તેનો સાથ છોડીને અમારો સાથ શાં માટે આપવા માંગે છે?" રાજુએ પૂછ્યું.

"આજે જ્યારે તું અને સુજાતા મારાં ઘરેથી ગયાં. પછી મારાં પપ્પા સાથે વાત કરી હું કોલેજે જવા નીકળતો હતો. ત્યારે બહાર નીકળી મને યાદ આવ્યું કે, હું સુજાતા ફરી એ ફોટો લેવાં તેની ઘરે જવાની વાત કરે, તો મારે શું કરવું? એ પૂછતાં તો ભૂલી જ ગયો. તો હું પપ્પાને એ પૂછવા ફરી તેનાં રૂમમાં ગયો.
*****

આજનાં દિવસે સવારે (આદિત્યની ઘરે)



હું ઉપર પપ્પાનાં રૂમમાં ગયો. ત્યારે તે બોલતાં હતાં કે, "મેં જ માધવ ઉપર અરવિંદભાઈની છેડતી કરવાનો આરોપ લગાવ્યો, ને તેને ઓફિસમાંથી બહાર કઢાવી મૂક્યો. પછી અરવિંદભાઈની પત્નીને મારી નાંખી અને બધાંને એવું જણાવી દીધું કે, તેનાથી માધવ દ્વારા થયેલી છેડતીનો આઘાત સહન નાં થતાં તેમણે આત્મહત્યા કરી લીધી. પોતાની પત્નીનો આપઘાત કરવું, એ અરવિંદભાઈથી સહન નાં થતાં, તેઓ બધું છોડી ક્યાંક ચાલ્યા ગયાં."

બધું બોલ્યાં પછી, મારાં પપ્પાએ કલ્પેશઅંકલને માધવઅંકલનાં નામથી ફોન કર્યો, ને મને તને અને સુજાતાને મારવાની ધમકી આપી. પાંચ લાખ રૂપિયા માંગ્યા.

રૂપિયા માંગી ફોન કાપીને મારાં પપ્પાએ કબાટમાંથી એક સ્ત્રીનો ફોટો કાઢ્યો, ને બોલવાં લાગ્યાં, "બસ એકવાર કલ્પેશ આ પાંચ લાખ રૂપિયા આપી દે, એટલે આપણે બંને ક્યાંક દૂર ચાલ્યાં જાશું. 'આઈ લવ યુ' આરુ."

*****

આજનો દિવસ (કાફેમાં)


"આ ફોટોમાં જે સ્ત્રી છે. એજ સ્ત્રી સાથે પપ્પા મારાં મમ્મીને છોડીને જવાની વાત કરી રહ્યાં હતાં, ને તેમનાં રસ્તામાં કોઈ પણ આવશે, તો એ તેને મારી નાંખશે. એવું કહી રહ્યાં હતાં. એટલે જ હવે મેં તેનો સાથ છોડી, તમારો સાથ આપવાનું નક્કી કર્યું. કેમકે, હવે મને ખબર પડી ગઈ છે કે, એ બહું ખોટું કરી રહ્યાં છે. તેમને આ બધું કરવાથી રોકવા માટે આ સ્ત્રી સુધી પહોંચવું જરૂરી છે." આદિત્યએ બધી ચોખવટ કરતાં કહ્યું.

"પણ આ બધું એટલું આસાન નથી. મને તો લાગે છે-"

"તને લાગે છે કે, તારાં પપ્પાને પણ મારાં પપ્પાએ જ ક્યાંક છુપાવ્યા છે, એમ જ ને?" આદિત્યએ રાજુની અધૂરી છોડેલી વાત પૂરી કરતાં કહ્યું.

"હાં, પણ આ બધું જેટલું સરળ લાગે છે, એટલું છે નહીં. એ તું યાદ રાખજે." રાજુએ આદિત્યને સમજાવતાં કહ્યું.

"હાં, મને ખબર છે. પણ એક કડી તો આજે જ મળી જાશે." આદિત્યએ ખુશ થતાં કહ્યું.

"કંઈ કડી?" રાજુએ આદિત્ય તરફ પ્રશ્નાર્થભરી નજરે જોતાં કહ્યું.

"મારાં પપ્પાની વાતો સાંભળ્યા મુજબ એ આજે આ સ્ત્રી સાથે અંકલ પાસેથી રૂપિયા લઈને ક્યાંક દૂર જતાં રહેવાનાં છે. પણ એ લોકો ક્યાંય જાય એ પહેલાં જ આપણે એ સ્ત્રીને પકડી પાડવાની છે. એ મળી ગઈ, એટલે બધી કડીઓ આપોઆપ મળી જશે." આદિત્યએ કહ્યું.

"પણ આપણે એ સ્ત્રી સુધી કેવીરીતે પહોંચીશું?" રાજુએ ફરી એજ સવાલ કર્યો.

"તું બસ જોતો જા. હું બધું કરી લઈશ." આદિત્યએ એક આત્મવિશ્વાસસભર અવાજે કહ્યું.


(ક્રમશઃ)