આગળના પ્રકરણમાં તમે વાંચ્યું
વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનના ગજનેર થી આગળ રણમાં ઊંટની સવારી કરીને જઇ રહ્યા છે કારણ કે સંબલગઢનું સંભવિત સ્થાન ત્યાં છે. હવે આગળ...
* * * * *
ચેપ્ટર - 7
" શું હું એકમાત્ર કારણ હતી કે જેને લીધે તે પ્રોફેસર નારાયણન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી?" રેશ્માએ વિક્રમને પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન એ ઘણા સમયથી કરવા માંગતી હતી.
બીજીતરફ વિક્રમ પણ આ વિષય પર ઘણા સમયથી રેશ્મા સાથે ચર્ચા કરવા માંગતો હતો. એણે કહ્યું," રેશ્મા, મારી ના પાડવા પાછળના કારણમાં તારો મોટો ભાગ હતો એ ચોક્કસ. પણ એકમાત્ર તું એ કારણ ન હતી."
" તો પછી.." રેશ્માએ કહ્યું. એ અંદરથી ખૂશ હતી કારણ કે ઘણા સમય પછી વિક્રમ સાથે એ આવી રીતે વાત કરી રહી હતી.
" પ્રોફેસર અને મારા વિચારોમાં મતભેદ ઉભા થયા હતા. પ્રોફેસરના મતે એક આર્કિયોલોજીસ્ટે હંમેશા પોતાનો લાભ પહેલા જોવો જોઇએ. એના માટે ઇતિહાસનુ સત્ય તોડી મરોડીને કેમ ન પરોસવુ પડે. એમની થિયરી અને એમની બીજી રિસર્ચ એ હંમેશા પૈસા કમાવવા માટે કરતા હતા. જ્યારે મારો મત એમનાથી ભિન્ન હતો."
" તો તારા મતે આર્કિયોલોજીસ્ટ કેવો હોવો જોઈએ? " રેશ્માએ પુછ્યું.
વિક્રમે જવાબ આપ્યો," એક આર્કિયોલોજીસ્ટે હંમેશા સત્યને સૌની સામે રાખવું એ જ પોતાની પહેલી ફરજ સમજવી જોઈએ. એક આર્કિયોલોજીસ્ટ નું કામ પ્રાચીન ખંડેરો અને જૂના ગ્રંથો તપાસીને ઇતિહાસ ની વાસ્તવિકતા બધાની સામે રાખવું એટલું જ નથી. પણ એ કામ નિષ્પક્ષ પણે કરવું જોઈએ. એમાં એનો કોઇ અંગત સ્વાર્થ ન હોવો જોઈએ. આજે આપણને સંબલગઢ માં જે ખજાનો મળશે એ આપણે આપણા માટે નહીં પણ દેશ માટે શોધી રહ્યા છીએ. આ ખજાનો એટલે કે સંબલગઢના લોકોનુ આજીવન જવાન અને લાંબુ જીવન જીવવાનું રહસ્ય જ્યારે આપણે જાણી શું ત્યારે આપણે એને દુનિયા સમક્ષ રાખવાનું છે. નહીં કે આપણી સુધી જ. પણ પ્રોફેસર જાણતા હતા સંબલગઢ ક્યાં આવેલું છે. છતા એમણે એ રહસ્ય ઉજાગર ન કર્યું. "
" હું તારી વાત સાથે સહમત છું. " રેશ્માએ કહ્યું.
" રેશ્મા તને પ્રોફેસરને મધ્યપ્રદેશના જંગલોમાં મળેલા ખજાના વિશેની ખબર છે?" વિક્રમે સવાલ કર્યો.
" હા ખબર છે. " રેશ્માએ કહ્યું." સરને ત્યાં ના જંગલોમાં એક ખજાનો મળેલો. પણ તું એ શું કામ પૂછે છે? " રેશ્માએ પુછ્યું.
" પણ તને એ નહીં ખબર હોય કે એમણે જે ખજાનો સરકારને સોંપ્યો હતો એ પુરો ખજાનો ન હતો. એ માંથી ઘણી દોલત એમને કાઢી લીધા બાદ એમણે વધેલો ખજાનો સરકારને હવાલે કર્યો હતો. " વિક્રમે કહ્યું.
" શું..? " રેશ્મા ચોંકી. આ વાત તે જાણતી ન હતી. શું સાચે જ એવુ હતું કે પછી વિક્રમ જાણીજોઈને ખોટું બોલી રહ્યો હતો? એણે કહ્યું," આ બધી અફવા હશે વિક્રમ. પ્રોફેસર એવું ન કરે.
" તો તને શું લાગ્યું કે વર્ષે એકવાર એક રિસર્ચ કરીને એક વ્યક્તિ પાંચ બેડરૂમ વાળા બે મકાન અને એક ફેક્ટરી ખરીદી શકે છે? " વિક્રમે પ્રશ્ન કર્યો.
રેશ્માને બીજો ઝટકો લાગ્યો. આ વિક્રમ શું બોલી ગયો હતો? બે મકાન અને એક ફેક્ટરી? બની જ ન શકે. રેશ્માને આમાની એક પણ વસ્તુઓની જાણ ન હતી. એણે થોડા ઉંચા અવાજે કહ્યું," વિક્રમ તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે? "
વિક્રમે કહ્યું, " જ્યારે તું મને એમની સાથે કામ કરવા માટે ગઇ ત્યારે મેં મારા વિશ્વાસુ સુત્રો પાસેથી એમના પર રીસર્ચ કરાવી હતી. એમને મુંબઈમાં પણ પોશ વિસ્તારમાં એક ઘર છે. અને એક ફેક્ટરી પણ એમના નામે છે. પણ આ માનું કશું જ એમને વારસામાં નથી મળ્યું. કારણ કે એમના પિતા તો ખેડૂત હતા. તને આ વાતની ખબર નહીં હોય કે હતી?" રેશ્માને એનો પ્રશ્ન પ્રશ્ન કરતા કટાક્ષ વધારે લાગ્યો.
રેશ્માને શું બોલવું એ જ ન સમજાયું. આ બધું સાચું હોઇ શકે છે? પણ વિક્રમ જાણીજોઈને કોઈ વિશે ખોટું બોલે એવો માણસ તો નથી. તો શું પ્રોફેસર સાચે જ એવા હતા. એ પોતે વિક્રમને છોડીને એમની સાથે ગઇ હતી કારણ કે એ એક પ્રસિદ્ધ આર્કિયોલોજીસ્ટ હતા. પણ આ બધું જો સાચું હોય તો એના નિર્ણય આગળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય એમ હતું. એટલે એણે મૌન રહેવાનું વધારે પસંદ કર્યું.
રેશ્માના મૌનનું કારણ સમજીને વિક્રમે કહ્યું, "તને મારી વાત પર વિશ્વાસ ન થાય એ હું સમજી શકું છું. પણ એ જ સત્ય છે." કહીને એણે પોતાનું ઊંટ થોડું આગળ લઈ લીધું. જેથી કરીને રેશ્મા થોડીવાર વિચારી શકે.
રેશ્માના મનમાં વિચારોનું વંટોળ ઉઠી રહ્યું હતું. પ્રોફેસર વિશે આ વાતો જાણીને એને આંચકો જરૂર લાગ્યો હતો પણ વધુ નવાઇ નહોતી થઇ. દોઢ વર્ષ એમની સાથે કામ કરીને એ એટલું તો જાણી જ ગઇ હતી કે પ્રોફેસર એટલા સાફ માટીના ન હતા જેટલા આખી દુનિયા એમને માનતી હતી. પણ એક ફેક્ટરી અને બે મકાન? એના વિશે એને ખબર ન હતી. મતલબ પ્રોફેસર એની અપેક્ષા કરતાં વધારે આગળ હતા.
પ્રોફેસરને યાદ કરીને એનું મૂડ બગડી ગયું. આમ પણ પ્રોફેસર સાથે કામ કરવું એ નિર્ણય પણ એને મજબૂરીમાં લેવો પડ્યો હતો. આમ પણ વિક્રમ સાથે થયેલી એ ઘટના પછી વિક્રમે સંબલગઢને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધા હતા. પણ એ કોઇપણ કાળે સંબલગઢને શોધવા માંગતી હતી. એ એના માટે ખૂબ જ જરૂરી હતું. પણ વિક્રમે જ્યારે એ શોધ પડતી મૂકી ત્યારે નાછૂટકે એને પ્રોફેસર સાથે જવું પડ્યુ. એ વિક્રમને છોડવા નહોતી માંગતી. પણ એક દિવસ વિક્રમે જ એને સામેથી કહી દીધું કે હવે આપણે બંને વચ્ચે કંઇ જ નથી. એના આમ કરવા પાછળનું નું કારણ તો એ ન સમજી શકી. પણ એને લાગ્યું કે એ કારણ એ પ્રોફેસર સાથે જોડાઇ એ હોય શકે છે.
" રેશ્મા, ત્યાં સામે જો.." વિક્રમનો અવાજ સાંભળીને એ વિચાર વંટોળમાંથી બહાર આવી. અને એણે સામે નજર કરી. સામેનો નજારો જોઇને એ આશ્ચર્યચકિત થઇ ગઇ.
એમની સામે એમનાંથી લગભગ બસ્સો મીટર દુર સામે થોડાક પાંચેક ફુટના ઉંચા ખડકો હતા. એ ખડકોની આજુબાજુ કેટલાક તંબૂ બંધાયેલાં હતા. અહીંથી જોઇને લાગતું હતું કે બે કે ત્રણ તંબૂ હશે. રેશ્મા અને વિક્રમ બંને દિગ્મૂઢ થઇને એમની સામેનો નજારો જોઇ રહ્યા હતા. કારણ કે આ જગ્યાએ સંભવિત સંબલગઢ શહેર આવેલું હશે. પણ અહીંતો માત્ર બે ત્રણ તંબૂ જ દેખાય રહ્યા હતા. એ વાતનું આશ્ચર્ય રેશ્માના ચહેરા પર હતું પણ વિક્રમના ચહેરા પર નહી.
વિક્રમે રેશ્માને કહ્યું," આ ઊંટને અહીં જ આ ખડક સાથે બાંધી દઇએ. આગળ કોઈ ખતરો હશે તો આ ઊંટ ખતરાને જોઇને ભાગી જશે અને આપણે અહીં જ અટવાઈ જશું." રેશ્માને એની વાત યોગ્ય લાગી. બંનેએ પાસે રહેલી ખડક પર ઊંટની લગામ બાંધી દીધી. બંને ઊંટ ત્યાં જ બેસી ગયા. પછી વિક્રમ અને રેશ્મા બંને પગપાળા આગળ ચાલવા લાગ્યા. બંનેની ચાલમાં એક ઉત્સુકતા અને એક તલબ વર્તાઇ રહી હતી. આખરે સંબલગઢનું રહસ્ય એ ઉજાગર કરી શકે એમ હતા. દસેક મિનિટ રેતીમાં ચાલીને એ બંને એ જગ્યાએ એ આવી પહોંચ્યા. અને પુરી જગ્યા નું નિરીક્ષણ કરવા લાગ્યા..
ત્યાં ટોટલ પાંચ તંબૂ હતા. બધા જ તંબૂ નું કાપડ આછા સફેદ કલરનું લાગતું હતું. અને મજબૂત હતું. પણ લગભગ બંધાજ તંબૂઓ ઠેરઠેર જગ્યાએથી તૂટી ગયા હતા. અને એમના કાપડનો રંગ પણ ઉડી ગયો હતો. તંબૂઓની બહાર બધો જ સામાન વિખરાએલો પડ્યો હતો. જાણે કોઈ તોફાન આવ્યું હોય. અને હોય પણ શકે છે. એ લોકો રણની અંદર ઉભા હતા. પણ જે તંબુ અને બીજી વસ્તુઓની હાલત હતી એ જોઇને લાગતું હતું કે આ બધું જ વર્ષોથી અહીંયા પડ્યું છે. લોખંડના પોર્ટેબલ ટેબલ કટાઇ ગયા હતા. અહીની હાલત જોઇને વિક્રમ અને રેશ્મા બંનેના મગજમાં ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.
વિક્રમ અને રેશ્મા બંને એક એક તંબૂની અંદર જઇને તપાસ કરવા લાગ્યા. તંબૂઓની અંદર પણ રેતી ભરાઈ ગઈ હતી. બધી જ વસ્તુઓ તુટેલી હાલતમાં પડી હતી. જુના કાગળો ખવાઇ ગયા હતા. અને અંદર બીજી જરૂરી વસ્તુઓ જેવી કે બેડ, ટેબલ લાઇટ્સ વગેરે ભંગાર થઇ ચૂકી હતી.
વિક્રમ એક તંબૂમાંથી નીકળીને બીજા તંબુમા ગયો. ત્યાં જમીન પરનો નજારો જોઇને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એ નજારો ખૂબ ભયાનક હતો. જમીન પર એક કંકાલ પડ્યું હતું. એ કંકાલની ખોપરીમાં આંખના કાણાં માંથી એક વિંછી બહાર નીકળ્યો. એ જોઇને વિક્રમ વધારે સાવધ થઇ ગયો. કારણ કે એ કરડી લે તો તો પુરૂ. વિક્રમ જીવતો રણની બહાર ન જઇ શકે. એ વિંછી ખોપરીમાંથી બહાર આવીને જમીન ચાલતો ચાલતો દૂર નિકળી ગયો. પછી વિક્રમે ધ્યાનથી કંકાલને જોયું.
એ કંકાલ લગભગ પાંચ ફૂટ સાત ઈંચનું હતું. કોઇ પુરુષનું હતું. એના શરીરના બાકીના હાડકાં સલામત હતા પણ છાતીની પાંસળીઓ તુટેલી હતી. એ પણ માત્ર ડાબી તરફની જ. જમણી તરફની પાંસળીઓ સલામત હતી. એ જોઈને વિક્મને એક ધ્રાસ્કો પડ્યો. કારણ કે આનો એક જ મતલબ બને છે અને એ એ કે આનું હ્રદય કાઢી લેવામાં આવ્યું હશે. તો જ એ પાંસળીઓ તુટેલી હોય શકે. આ વિચારથી એ થરથરી ઉઠ્યો. એના મનમાં એક જ પ્રશ્ન ઉભો થયો, "આખરે અહીંયા શું બન્યું હશે?" એટલામાં એને રેશ્માનો અવાજ સંભળાયો, " વિક્રમ અહીં આવ.."
વિક્રમ એક તંબૂની પાછળ જ્યાં રેશ્મા ઉભી હતી ત્યાં ગયો. ત્યાં જઈને એણે પુછ્યું, " શું થયું?"
" આ જમીન પર જો શું છે."
વિક્રમે જમીન પર નજર નાખી. એ જોઇને એની આંખો પહોળી થઈ ગઈ. જમીન પર બધી બાજુ ખડકાળ જમીન હતી અને વચ્ચે એક ઉપસેલો ચોરસ આકારનો ભાગ હતો. પણ એ ભાગ કુદરતી ન હતો. પથ્થર ની જગ્યાએ એ ભાગ સ્ટીલનો બનેલો હતો. અને એક બાજુ બે પટ્ટીઓ પર નટ-બોલ્ટ લગાવેલા હતા. મતલબ આ એક દરવાજો હતો. પટ્ટીઓની સામેની બાજુ એક મોટું સીલ મારેલું તાળું હતું જે આ દરવાજાને ખોલવાથી રોકવા માટે રાખેલું હતું. એ તાળું પણ કટાઇ ગયું હતું. પણ એક વાત તો છે કે આ સ્ટીલનો દરવાજો પ્રાચીન નથી. કોઇકે જાણી જોઇને એ લગાવ્યો છે. કદાચ નીચે કંઇક એવું છે જેને છુપાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 'કદાચ આ કામ પ્રોફેસરનું જ હોઇ શકે છે. " વિક્રમ વિચારી રહ્યો હતો.
રેશ્માએ એને પુછ્યું," તને શું લાગે છે આ અહીંયા શું કામ રાખવામાં આવ્યું છે? "
" એક જ રસ્તો છે જાણવાનો.. " કહીને વિક્રમે પોતાની પેન્ટની પાછળની સાઇડમાં ખોંસેલી બંદુક કાઢી અને તાળા પર તાકીને ટ્રીગર દબાવી દીધું. વાતાવરણમાં એક મોટો ધડાકો થયો. એટલો મોટો કે દુર બાંધેલા ઊંટ પણ ચોંકી ગયા. રેશ્મા તો વિક્રમની આ અચાનક કરેલી હરકત થી ફફડી ગઇ. એણે કહ્યું, "શું કરે છે? તે તો મને ડરાવી દીધી.."
" સોરી" કહેતા વિક્રમે બંદુક પાછી કમર પર લગાવી દીધી.અને એ મોટા ચોરસ દરવાજાની કુંડી ખોલીને એણે એ દરવાજો ઉપાડ્યો. એ વજનદાર દરવાજો ઉપાડવા માટે વિક્રમે વધારે બળ લગાડવું પડ્યું. પણ એ ખુલી ગયો. રેશ્માએ એ દરવાજાની અંદર જોયું. એ એક ભોંયરુ હતું જે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. વિક્રમ અને રેશ્મા બંનેએ એકબીજા સામે જોયું. પછી વિક્રમે એક ઉંડો શ્વાસ લેતા કહ્યું, " વેલ.. હિયર ગોઝ નથિંગ.." કહીને એ અંદર કુદી ગયો. એની પાછળ રેશ્મા પણ અંદર કુદી ગઇ...
(ક્રમશઃ)
* * * * * *