રેખાને આઠમો મહિનો પૂરો થવા આવ્યો છે. નવમા મહિનાની છાંયા ચાલું છે ત્યાં જ એક દિવસ બપોરે કોઈ અજાણ્યો માણસ રેખાના ઘરને શોધતો શોધતો આવે છે અને કહે છે કે મોહનનું એક મોટા અકસ્માતમાં મોત થયું છે.
રેખા માથે આભ ફાટી પડ્યું. એ કઈ રીતે એની જાતને સંભાળી શકે. એના હાલ સાવ બેહાલ થયા હતા. એ સાવ જડ બની ગઈ. સપના સાકાર થવાના દિવસો આવ્યા ત્યાં જ કુદરતની થપાટે એક માળો પીંખી નાખ્યો. કેટકેટલા સપના સાથે વિતાવેલા દિવસ અને રાત એક પળમાં જ તૂટી ગયા.
ફરી એકવાર રેખા એકલી પડી ગઈ. એકબાજુ ગર્ભાવસ્થા અને બીજી બાજુ જીંદગીની એકલતા. કેવી વિટંબણા !!!
માંડ માંડ નવમો મહિનો પૂરો થયો કે મોહનનો જ અંશ એવો 'માધવ' જન્મયો. હવે એ થોડી સ્વસ્થ હતી પણ એકલી જ હતી. પ્રસૂતિની પીડા પણ એની જીંદગીની પીડા પાસે વામણી સાબિત થઈ રેખાની સામે.
રેખાને સહારો બધાનો મળ્યો એની એકલતામાં પણ મતલબીલોકોનો. એ દિવસે દિવસે તૂટતી જતી હતી. એ એની વ્યથા પણ કોઈ પાસે ન ઠાલવી શકતી એટલી લાચાર બની
ગઈ હતી. માધવને મોટો કરવા એને બે - પાંચ રૂપિયા કમાવા જરૂરી બની ગયા હતા. એને પોતાનો પાપડ, અથાણા અને ખાખરાનો ધંધો ફરી ચાલું કરવા વિચાર્યું.
એના એક કાયમી ગ્રાહક મહેતાભાઈ હતા. એમનો પરિવાર રેખાને બહુ સહકાર આપતા. એણે રેખાને બનતી મદદ અને આધ્યાત્મિક બનાવી દીધી. રેખાને પોતાના તરફ આત્મવિશ્વાસ વધવા લાગ્યો. માધવ પણ હવે આઠ વર્ષનો થયો હતો. મોહન વગરના આ આઠ વર્ષ રેખા માટે સૈકા સમાન હતા.
એ જયારે જયારે નિરાશ થતી ત્યારે મોહનની તસવીર સામે બેસી મન ખોલી બધી વાત કરતી. જાણે મોહન એના પ્રેમની શકિતથી એનામાં ગજબ હિંમત ભરતો હોય. મોહનનો હસતો ચહેરો અને માધવની જવાબદારી એને ક્ષણે ક્ષણ લડતા અને જીવતા શિખવતા..
સ્ત્રી આવી જ હોય લાગણીશીલ. સાંભળી લેશે અને સંભાળી પણ લેશે ફક્ત જરુર છે એને કદરની. એના હર એક નાના-મોટા કામકાજની જે તેની સુઝબુઝ અને આવડતથી કર્યા હોય એની કદર.
પાયલે પણ યોગેશની સાથે રહી બે પરિવારને સંભાળવાના હતા. તે પોતે આવડતવાળી અને સમજું હતી. તેને બધે પહોંચી વળવાની માનસિક તૈયારી જ દાખવવાની હતી. સીમા પણ રાજ માટે બનતા પ્રયાસો કરે છે પરંતુ, રાજ એને જરા પણ મચક નથી આપતો. સીમાને બે બાળકોની પણ જવાબદારી હતી જ. એનો આખો દિવસ બીજાના કામકાજ માટે જ વિતાવવાનો હતો પોતાના માટે સમય કાઢવો થોડું મુશ્કેલ ભર્યું હતું.
રેખા પણ હવે મજબૂત થવા અને પગભર થવા અથાગ પરિશ્રમ કરતી. નાની ઉંમરે આવી પડેલું દુઃખ એના માટે હિંમત જરૂર બન્યું પણ માધવની ચિંતા એના શરીર અને મનને કોરી ખાતું. નાના ઘરની વાતો પણ ક્યારેક મોટી સમસ્યા હોય એમ રેખાનું એકલું આવનજાવન એના પાડોશીને બહુ ન ગોઠતું. રેખાના સાસરિયાપક્ષના લોકોનો નાનો એવો સહકાર પણ એના માટે સપના જેવો જ હતો. મર્યાદા અને નરી મર્યાદા જ માનવીને સંકુચિત બનાવે છે. એના વિચાર ભલે શિખરે પહોંચવાના હોય પણ એ કાચબાના કવચની જેમ સમાજના વેધક સવાલ સ્ત્રીઓ માટે તળેટીથી જ પાછા ફરવા મજબૂર કરનારાં હોય છે. રેખા પણ આમાંથી બાકાત ન હતી.
આ બાજુ સુહાનીને સાગર પતિ પત્ની જ હતા પણ આંગણે મોટી ખોટ એના બેયના ઝઘડાનું કારણ બનતું. સુહાનીને પોતાના સ્વબળે કાંઈક કરી બતાવવું હતું. સાગરની મરજી વિરુદ્ધ એ ઊંબરો ન ઓળંગનારી સ્ત્રીના સપનાઓ પણ સામે મળવા થોડા આવે? એ એના ઘરમાં મુક્ત પણ હતી અને કેદ પણ હતી. એને હરદમ કોઈનો સાથ જોઈતો હતો. એની એકલતાની વાત સાંભળવા જેટલો સમય એના ડોકટર પતિ પાસે નહોતો.
આ ચારે સખીઓ એકસરખું જીવન બિલકુલ નહોતી જીવતી તો પણ. એનામાં ક્યાંક ને ક્યાંક સામ્યતા જરૂર હતી. એ હતી એમની ઉદાસિનતા. થોડો વિશ્વાસ, થોડી કાળજી અને થોડી શાંતિ જો મળતી હોયને ઉદાસ જીંદગીને તો એ જીવનપરિક્ષાનું પરિણામ સોએ સો ટકા સફળતાથી ભરપૂર જ મળે. સંઘર્ષ અને સહકાર બેય સ્ત્રીઓના આભૂષણ છે. જે જન્મજાત જ મળ્યા હોય છે. એમાં પણ સંસ્કારના નામે સહનશીલતાનો ગુણ વારસામાં મળે એટલે મૌન રહીને પણ સ્ત્રીઓ પોતાના સાંસારિક જીવનને ટકાવી રાખવા કયારેક નિરર્થક અને ક્યારેક સાર્થક પ્રયત્નો તો કરતી જ રહે છે.
સીમા અને પાયલ એ બેયની દોસ્તીથી બેય એકબીજાને સમજે છે. રેખાને બધા સમજે છે પણ લાચારીનું લેબલ એને ખુદને પસંદ નથી. સુહાનીના જીવનમાં કંઈ જ કમી ન હોવા છતાં ઘણી કમીઓ છે જ. આમ જ બધા પોતાની દિનચર્યામાં
વ્યસ્ત રહી દીવસો ઓછા કરે છે.
આજ પાયલ ઓફિસેથી મોડી આવી. એ ખૂબ થાકેલી હોવા છતા રસોઈ અને વધારાના કામકાજ પતાવી થોડું ઓફિસનું કામ પણ કરે છે. ત્યાં જ એના મોબાઈલમાં યોગેશનો કોલ આવે છે. પ્રેમીપંખીડા પોતાની વાતચીત કરે છે ને ફોન મૂકાય છે. પાયલ ફ્રૈશ થઈને સુવાની તૈયરી કરતી હતી ત્યાં જ એના મેસેંજરમાં મેસેજ આવ્યો. પાયલે ફોનમા જોયું પરંતુ અજાણ્યો નંબર હતો એટલે એણે ધ્યાનમાં ન લીધો. પછી એ સૂઈ ગઈ. પરંતુ આંખ બંધ કરતા જ ફરી મોલમાં જોયેલા એ બે ધુંધળા ચહેરા એને જતા દેખાયા એ ઝડપથી થી બેઠી થઈ ગઈ અને ' એ કોણ હશે ?' વીચારવા લાગી.
"એ ચહેરા ક્યાંક તો જોયેલા જ છે. કોણ છે એ બે વ્યક્તિ ?" વીચાર કરતી ફરી સુઈ ગઈ.
શુભ સવારના અલાર્મ સાથે પાયલ ઉઠી. સવારે ચા પીતા પીતા છાપું હાથમાં લીધું. પાના ફેરવતા ફેરવતા એક જગ્યાએ એની નજર અટકી. એની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ.. "શું હશે એ ખબર ????"
------------- (ક્રમશઃ) ------------
લેખક.➡️ doli modi✍
Shital malani ✍
🙏જય શ્રીકૃષ્ણ 🙏