વાર્તા- ડબલ વડલો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા
નાનુભાઇ ને અચાનક કંઇક કામ યાદ આવી ગયું એટલે ઘરે કહી દીધું કે હું રામપુરા ગામે જઇને બે કલાકમાં પાછો આવું છું.ખીંટી ઉપરથી બાઈકની ચાવી લીધી અને બાઇકને કીક મારી.ઝરમર વરસાદ ચાલુ હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું.સૂર્યાસ્ત થઇ ગયો હતો અમાવાસ્યા ની સંધ્યા હતી અને ધીરેધીરે અંધારૂં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યું હતું.વરસાદના કારણે રોડ ઉપર ખાડા પડી ગયા હતા એટલે નાનુભાઇ બાઇક ધીમેધીમે ચલાવી રહ્યા હતા.
બાઇકની હેડલાઇટ થોડી ડીમ હતી એટલે અંધારામાં બરાબર દેખાતું નહોતું પણ ગામડાં ના રોડ ઉપર ખાસ ટ્રાફિક નહોતો એટલે ચિંતા જેવું નહોતું.રામપુરા ગામની લાઇટ દેખાઇ એટલે નાનુભાઇ ને હાશ થઇ.પણ વળતાં અંધારામાં વરસાદમાં જવાનું છે એ વાતે મનમાં થોડો ડર હતો.
વિચારોમાં ડૂબેલા નાનુભાઇએ થોડે દૂર મોટો ખાડો આવી રહ્યો હતો એ જોવામાં ગફલત કરી અને નાનુભાઇ બ્રેક મારે એ પહેલાં તો બાઇક ખાડામાં પ્રવેશી ગયું હતું.નાનુભાઇ ને થયું કે હવે બચી નહીં શકાય અને ગભરાટમાં સ્ટીયરીંગ ઉપરથી હાથ છૂટી ગયા આંખો મીંચાઈ ગઇ અને મોંઢામાંથી બૂમ પડાઇ ગઇ મરી ગયો કોઇ બચાવો.
નાનુભાઇએ ખાડામાં પડતાં પડતાં એટલું સાંભળ્યું કે ' લે તને બચાવી લીધો બસ'.પછી શું થયું કંઇ ખબર ના પડી.લગભગ ત્રણ કલાકે નાનુભાઇની આંખ ખુલી તો નાનુભાઇ ઘરમાં ખાટલામાં હતા અને તેમની પત્ની મધુબેન,બે દીકરીઓ તથા મહોલ્લાનાં બધાં માણસો એમના ખાટલાની આજુબાજુ વિંટળાઇને ઊભાં હતાં.નાનુભાઇને હવે યાદ આવ્યું કે તેઓ બાઇક લઇને ખાડામાં પડ્યા હતા.પણ તો પછી મને કશી ઇજા કેમ થઇ નથી? તેમને નવાઇ લાગી કારણકે તેઓ જે રીતે પડ્યા હતા તેમાં હાથ પગ કશું સલામત રહે એવું નહોતું.તો પછી કશી ઇજા કેમ નથી થઇ?
' એક અજાણ્યા ભાઇ તમને બાઇક પાછળ બેસાડીને ઘરે મુકી ગયા.' મધુબેને કહ્યું.પડોશીઓ પણ એ જાણવા આતુર હતાકે નાનુભાઇ ને શું થયું હતું.
' વરસાદમાં બાઇક સ્લીપ ખાઇ ગયું એટલે હું બાઇક ઉપરથી નીચે પટકાયો હતો પણ ભગવાનની કૃપાથી કશું વાગ્યું નથી.પડોશીઓ ને વાતમાં કંઇ સચ્ચાઇ ના લાગી કેમકે બાઇક ઉપરથી પટકાયેલા માણસને બિલકુલ ના વાગે એવું થોડું હોય.લોકો તો એ પછી પોતપોતાના ઘરે જતા રહ્યા પણ આ પ્રશ્ન તો નાનુભાઇ ને પણ સતાવતો હતો કે હું બચી કેવી રીતે ગયો?
' તમે રોજ સવાર સાંજ હનુમાન ચાલીસા કરોછો એટલે બચી ગયા' મધુબેન પાસે જવાબ તૈયાર હતો.પણ નાનુભાઇનું મગજ વિચારેતો ચડી જ ગયું હતું.
'આજે તમારા કારખાને થી માણસ પૂછવા આવ્યો હતો કે કેમ ત્રણ દિવસથી નાનુભાઇ નોકરી આવતા નથી?' બપોરે નાનુભાઇ ને હાથમાં ચા નો કપ આપતાં મધુબેને કહ્યું.
' પછી તેં શું જવાબ આપ્યો?'
' તાવ આવ્યો છે એટલે આરામ કરેછે એવું કહીને રવાના કર્યો'
પણ સાંજે ખરેખર નાનુભાઇને તાવ ચડ્યો.વિચારી વિચારીને મગજ થાક્યું એટલે તાવ થી શરીર તપી ગયું.
'મને જે માણસ બાઇક ઉપર મુકવા આવ્યો હતો એને તું જુએ તો ઓળખી જાય?'
' તમને બાઇક લઇને એ ભાઇ મુકવા આવ્યા ત્યારે હું બજારમાં શાક લેવા ગઇ હતી. મેં તો જોયા જ નથી.બાજુવાળાં રેખાબેને કહ્યું કે એક અજાણ્યા ભાઇ બાઇક પાછળ નાનુભાઇને બેસાડીને ઘરે મુકી ગયા.'
સવારે નાહીધોઇ ને નાનુભાઇ ઓસરીમાં ખુરશી ઉપર બેસીને પેપર વાંચી રહ્યા હતા એ વખતે એમણે રેખાબેનને તેમના આંગણામાં ઊભાં રહેલાં જોયાં.નાનુભાઇએ જરા મોટા અવાજે પૂછ્યું ' રેખાબેન, મને જ્યારે બાઇક ઉપર બેસાડીને અજાણ્યા ભાઇ મુકવા આવ્યા ત્યારે તમે હાજર હતાં એટલે તમે એ ભાઇને જોયા તો હશે જ.'
' ના નાનુભાઇ મેં જોયા નહોતા.પણ જ્યારે હું અહીંથી નીકળી એ વખતે તમારૂં ઘર બંધ હતું અને તમે ઓસરીમાં ખાટલામાં સુઇ રહ્યા હતા પણ એ વખતે એક કાકા ત્યાંથી પસાર થયા એમણે મને કહ્યું કે આ ભાઇની તબિયત ખરાબ હોવાથી એકભાઇ એમને બાઇક પાછળ બેસાડીને ઘરે મુકી ગયા છે.'
' કોણ હતા એ કાકા?' નાનુભાઇ એ અધીરાઇથી પૂછ્યું.પણ રેખાબેન તો એટલું બોલીને ત્યાંથી રવાના થઇ ગયા કે હું એ કાકા ને ઓળખતી નથી.
નાનુભાઇ વધારે ગુંચવાયા.બધા કહેછે કે કોઇ અજાણ્યા ભાઇ મને મુકી ગયા પણ કોઇએ એમને જોયા જ નથી એ કેવું કહેવાય.
પાંચ દિવસ પછી નાનુભાઇ કારખાનામાં નોકરી ઉપર હાજર થઇ ગયા.બપોરે બધા મિત્રો ટિફીન લઇને જમવા બેઠા ત્યારે એમના ખાસ મિત્ર દશરથભાઇ એ કહ્યું પણ ખરૂં કે ' અલ્યા નાનુભાઇ એવોતો કેવો બિમાર પડી ગયો કે ચાર દિવસમાં મોં લખોટી જેવું થઇ ગયું?' સાથે બીજા મિત્રો જમવા બેઠા હતા એમણે પણ દશરથભાઇ ની વાતમાં સૂર પુરાવ્યો.
નાનુભાઇ એ જવાબ તો ના આપ્યો પણ એમની ચિંતામાં વધારો થયો.એમને રહીરહીને એકજ પ્રશ્ન સતાવતો હતો કે મને કશું વાગ્યું કેમ નહીં અને મને બચાવ્યો કોણે?
દિવસો વિતતા ગયા એમ વાત થોડી વિસારે પડી.મધુબેનને પણ ધરપત થઇ.આ વાતને મહિના જેવું થઇ ગયું.
' આજે મારે રામપુરા જવું પડશે.ગણેશભાઇને પચીસ હજાર રૂપિયા આપ્યે છ મહિના થયા.આજેતો ઉઘરાણી જવું જ પડશે.મહિના પહેલાં ઉઘરાણી એ જતી વખતે અકસ્માત થયો અને આખો મહિનો વિતી ગયો.' નાનુભાઇએ નોકરીથી વહેલા આવી જઇને મધુબેનને કહ્યું.
' તમારે એકલાએ નથી જવાનું હું સાથે આવું છું.અને બાઇક ઉપર નથી જવું.સ્પેશ્યલ રીક્ષા ભાડે કરીએ' મધુબેન તૈયાર થઇ ગયા.એટલામાં બાજુવાળા રેખાબેન ઘરમાં આવ્યા અને મધુબેનને કહેવા લાગ્યા કે મારે રામપુરા જવું છે થોડું કામછે તમે મારી સાથે આવશો? મધુબેને કહ્યું રેખાબેન જલ્દી તૈયાર થઇ જાઓ અમે રામપુરા જ જઇએ છીએ.
રામપુરા જતાં વચ્ચે ચામુંડા માતાજીનું મંદિર આવેછે એનાથી થોડે આગળ એક જબરદસ્ત મોટું વડનું ઝાડ આવેછે એને બધા ડબલ વડલો તરીકે ઓળખેછે.આ ડબલ વડલા આગળ ખાડામાં નાનુભાઇ પડી ગયા હતા.એમણે મધુબેનને જગ્યા બતાવી પણ મધુબેને આ વાત યાદ કરવામાં મજા નથી એટલે મહત્વ ના આપ્યું.
રીક્ષા ગણેશભાઇ ના ઘર આગળ ઊભી રાખી અને બધાં સાથે ઘરમાં ગયાં.ગણેશભાઇનાં પત્ની રાગીબેને પાણી આપ્યું.થોડીવાર પછી નાનુભાઇ એ પૂછ્યું ' ગણેશભાઇ હાજર નથી? સાંભળીને રાગીબેનની આંખો વરસવા લાગી.એટલામાં અંદરના રૂમમાંથી ગણેશભાઇ ની દીકરી બહાર આવી અને નાનુભાઇ ને કહ્યું ' કાકા તમને કશી ખબર જ નથી? બાપાને ગુજરી ગયેતો મહિનો થઇ ગયો.'
' શું વાત કરેછે બેટા,ક્યારે ગુજરી ગયા અને આમ અચાનક?' નાનુભાઇ નો ચહેરો પડી ગયો.
' કાકા, ગઇ અમાવાસ્યા ના દિવસે સવારે બાઇક લઇને ચામુંડા માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા.વરસાદ ચાલુ હતો.મંદિરની પહેલાં ડબલ વડલો આવેછે ત્યાં એક મોટો ખાડો આવેછે એમાં પડી ગયા.માથામાં ચોટ વાગી હતી.દવાખાને લઇ જતા પહેલાં જ ગુજરી ગયા.' નાનુભાઇના હાથપગ ધ્રુજવા લાગ્યા.પરસેવો વળવા લાગ્યો.મધુબેન સમજી ગયા.એમણે તુરંત વાત અટકાવી દીધી અને ઘરે જવામાં મોડું થાયછે એવું કહીને ઊભા થઇ ગયા.જતાં જતાં સામે ભીંત ઉપર લગાવેલા ગણેશભાઇ ના હાર પહેરાવેલા ફોટાને પગે લાગ્યા અને ઝડપથી બહાર આવીને રીક્ષામાં બેસી ગયા.
રીક્ષામાં નાનુભાઇ આંખો મીંચી ને બેસી રહ્યા હતા.રીક્ષા થોડી આગળ નીકળી પછી મધુબેને કંઇક વાત કરવા માટે રેખાબેનની સામે જોયું તો રેખાબેન પરસેવે રેબઝેબ હતા અને ચહેરો ભયથી ધ્રુજી રહ્યો હતો.
' શું થયું તમને રેખાબેન આમ અચાનક? કેમ કશું બોલતા નથી?'
'મહામુસીબતે રેખાબેન આટલું બોલ્યાં ' તે દિવસે નાનુભાઇ ને કોઇ બાઇક ઉપર ઘરે મુકી ગયું છે એવું મને જે અજાણ્યા કાકાએ કહ્યું હતું એ આ ગણેશભાઇ હતા'
આખા રસ્તે સન્નાટો છવાયેલો રહ્યો.