એક રાત્રે ટીચર સાક્ષી પોતાનાં વિદ્યાર્થીઓનું પેપર ચેક રહી હતી, ત્યારે જ તેનો પતિ સંજય તેની બાજુમાં આવીને બેસી ગયો. સંજય પોતાનાં મોબાઈલમાં મસ્ત હતો, ગેમ રમી રહ્યો
હતો. અચાનક સાક્ષીની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા.
તે જોર-જોરથી રડવા માંડી.
જ્યારે સંજયને રડવાનો અવાજ આવ્યો ત્યારે મોબાઈલમાંથી વગર આંખ હટાવ્યે પૂછ્યું "શું થયું સાક્ષી, મારાથી નારાજ છે કે શું?"
સાક્ષી બોલી "નહિ, હું તારાથી નારાજ નથી. મેં મારી સ્કૂલમાં સામાન્ય પરીક્ષામાં નિબંધલેખનમાં ઘણો સારો અને રસપ્રદ વિષય આપ્યો હતો કે... જો તમારી ઈચ્છા હોય તો તમે શું બનવા માંગશો?.
પતિ સંજય જોરથી હસવા માંડ્યો અને બોલ્યો "તો આમાં રોવા જેવી શું વાત છે, ફાલતુમાં મારી ગેમ ખરાબ કરી નાખી."
સાક્ષી બોલી "સંજય ફોન છોડ અને આ જો.. એક બાળકીએ શું લખ્યું છે એના નિબંધલેખનમાં, તું ખુદ વાંચીને પણ રોઈ પડીશ."
સંજયે કહ્યું "અરે... હું થાક્યો છું, પ્લીઝ તું વાંચીને સંભળાવી દે."
સાક્ષીએ આંસુ લૂછીને વાંચવાનું શુરૂ કર્યું "ડિયર ટીચર, મારો આ નિબંધ મારા પપ્પાને ન બતાવતા, નહિતર મારાં પર ખૂબ ગુસ્સો કરશે. હું જ્યારે પણ ઘરે જાઉં છું... મારા મમ્મી-પપ્પા હંમેશા મોબાઇલમાં વ્યસ્ત રહે છે, મારા તરફ જોવાનો પણ ઓછો ટાઈમ મળે છે તેમને. મોબાઈલનું એટલું ધ્યાન રાખે છે, એટલી કેયર કરે છે કે... મારાથી વધારે તો ફોનને પ્રેમ કરે છે. મારા મમ્મી અને પપ્પા સાંજે તો થાકી જાય છે અને પછી તેઓ મારી સાથે સમય નથી ગુજારતા પણ પોતાનાં મોબાઈલ સાથે સમય ગુજારે છે.
તેમની પાસે મોબાઈલ માટે બોવ સમય છે પણ મારા માટે બિલકુલ પણ સમય નથી. હું ત્રણવાર બોલાવું છું તોપણ તેમને મારો અવાજ સંભળાતો નથી પણ જો મોબાઈલની ધીમી રિંગટોન પણ વાગે તો પોતાનું કામ છોડીને પણ મોબાઈલ જુએ છે. મને ઘણીવાર ઈચ્છા થાય છે કે મારા મમ્મી-પપ્પા મને પોતાનાં હાથથી ખાવાનું ખવડાવે પણ ખાતા સમયે પણ તેઓનાં એક હાથમાં મોબાઈલ હોય છે. મેં તો સાંભળ્યું હતું કે સવારે ઉઠીને એક માં પોતાનાં બાળકોને ઉઠાડે છે, દેખભાળ કરે છે પણ મારી મમ્મી તો સવારે ઉઠીને મોબાઈલ જુએ છે, મને ક્યારેય નથી ઉઠાડતી.
મારા પપ્પા પણ આખો દિવસ ફાલતુંનાં વિડીયો જુએ છે, દરેક સમયે ગેમ રમ્યા કરે છે. ક્યારેક હું મારું કઈક કામ લઈ તેમની પાસે જાઉં તો મને કહે છે... સોરી બેટા, આઈ એમ બીઝી. એટલું જ નહીં પણ હવે મારી મમ્મીએ પોતાનાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે તેટલા માટે ઘણીવાર તેઓ રાત્રે મોડાં સુવે છે અને સવારે મોડાં ઉઠે છે. સવારે જ્યારે મારૂ ટિફિન તૈયાર ન હોય ત્યારે પૈસા આપીને મને કહે છે કે... કેન્ટીનમાં ખાઈ લેજે. મારા ટિફિન કરતા પણ વધારે જરૂરી મમ્મીને તેમનો સ્માર્ટફોન છે.
હાં, Daughter's Day નાં દિવસે તેઓ બન્ને મારી સાથે ફોટો લે છે પણ તે મારી માટે નહીં પણ પોત-પોતાનાં સ્ટેટસ અને સ્ટોરીમાં મુકવા માટે, જેથી દુનિયાને ખબર પડે કે તેઓ પણ ટ્રેન્ડની સાથે ચાલે છે. વિડીયોકોલમાં પોતાનાં દોસ્તો સાથે એક-એક કલાક વાત કરશે પણ જ્યારે હું કોઈક વાર વાર્તા સંભળાવવાનું કહું તો કહે છે... બેટા, ઈન્ટરનેટ પર સાંભળી લે. તેઓ મારી આદત બગાડી રહ્યા છે, જો હું ખોટા રસ્તા પર જતી રહી તો આખી દુનિયા મને ખરાબ સમજશે.
એટલે જ મારું પણ એક એવું સપનું છે કે... હું પણ એક સ્માર્ટફોન બની જાઉં. આખો દિવસ મારા પપ્પાનાં હાથમાં રહીશ, રાત્રે સુવાનાં ટાઈમે પણ તેમની આંખોની સામે રહીશ. સુતા પછી પણ તેમનો હાથ મારા પર જ રહેશે. ખાવાનું તો નઈ મળે... પણ હાં, ટાઈમ ટૂ ટાઈમ રિચાર્જ થતું રહેશે. મારુ પૂરું ધ્યાન રાખવામાં આવશે. મારા પર એક કાતરો ય નહિ પડવા દેય, જ્યાં પણ જશે મને તેમની સાથે લઈ જશે, હંમેશા બન્નેની આંખોની સામે રહીશ.
આટલું સાંભળી સંજય થોડુંક ભાવુક થઈ ગયો અને ફરીથી મોબાઈલમાં ગેમ રમવા માંડ્યો અને બોલ્યો "ઠીક છે, સારું લખ્યું છે સાક્ષી, પણ એમાં રોવા જેવું કશું નથી. તને આટલી નાની વાતમાં રોવાનું કેમ આવ્યું. બી સ્ટ્રોંગ, કમ ઓન."
તો સાક્ષીએ કંઈક એવું કહ્યું કે ખુદ સંજય પણ પોતાની જાતને સાંભળી ન શક્યો. સાક્ષી બોલી કે "સંજય, આ નિબંધ જેણે લખ્યો છે એ આપણી જ દીકરી છે." બન્નેનાં આંસુ રુકવાનું નામ નથી લઈ રહ્યા, બન્ને દોડતા દોડતા પોતાની દીકરીનાં બેડરૂમમાં ગયા. જોયું કે તે મમ્મી-પપ્પાનો ફોટો છાતી સરસો ચાંપીને સુઈ રહી છે. આ દ્રશ્ય જોઈને બન્નેને વધુ રડવાનું આવી ગયું. સાક્ષી અને સંજયે બન્નેએ પોતાની દીકરીને ઊંઘમાંથી ઉઠાડી, બન્નેએ તેની માફી માંગી અને કહ્યું "બેટા, તે અમારી આંખો ખોલી દીધી.. અમને માફ કરી દે. હવેથી સ્માર્ટફોન નહિ પણ તું અમારી આંખોની સામે રહીશ". પુરા પરીવાર માટે ખૂબ જ ભાવુક પળ હતા.