" જુઓ અંકિતભાઈ.... આ તમારો ત્રીજો સ્પર્મ રિપોર્ટ પણ નેગેટિવ છે. સ્પર્મ કાઉન્ટ નીલ છે. તમે આયુર્વેદ દવા ચાલુ કર્યા ને લગભગ આઠ મહિના થયા તોપણ કોઈ રીઝલ્ટ નથી. શુક્રાણું બનતા જ નથી. હવે આમાં બીજું કંઈ પણ ન થઈ શકે "
ડોક્ટર મુનશીના ફર્ટીલીટી ક્લિનીકમાં અંકિત આ ચોથી વાર આવ્યો હતો. લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા અને ઉંમર પણ 34 વટાવી ચૂકી હતી. હજુ સુધી એની પત્ની શિવાની ને પ્રેગનેન્સી આવતી નહોતી. શિવાનીના સંપૂર્ણ રિપોર્ટ નોર્મલ હતા. માસિક પણ એકદમ રેગ્યુલર હતું.
પહેલી જ મુલાકાતમાં ડોક્ટર મુનશીએ નીલ રિપોર્ટ જોઈને સ્પષ્ટ ના પાડી હતી કે તમે બીજું કંઈ વિચારો. પણ અંકિત એમ જલ્દી હાર માને એમ નહોતો. એણે આયુર્વેદિક ઉપચારથી શુક્રાણુ પેદા કરવાનું વિચાર્યું અને એક જાણીતા વૈદ્ય ની ટ્રીટમેન્ટ પણ લીધી. આઠ મહિના ની ટ્રીટમેન્ટ પછી પણ રીઝલ્ટ ઝીરો હતું.
" તમારી પાસે ત્રણ ઓપ્શન છે. કાં તો તમારા કોઈ જાણીતા વ્યક્તિનું સ્પર્મ આપણે લઈએ. બીજું ઓપ્શન સ્પર્મ બેન્કમાંથી ડોનેશનમાં આવેલું સ્પર્મ આપણે શિવાની માટે ઉપયોગમાં લઈએ અને લાસ્ટ ઓપ્શન દત્તક લેવાનું છે. પહેલા બે ઓપ્શનમાં હું તમને મદદ કરી શકું બાકી તમારી ઈચ્છા. "
અંકિત ને દત્તક લેવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો. એ માત્ર શિવાની માટે જ આ બધું કરી રહ્યો હતો. સંતાન કદાચ ન થાય તો પણ અંકિત ને બહુ ફરક નહોતો પડતો પણ શિવાની ની જીદ આગળ એ લાચાર હતો.
પહેલું ઓપ્શન પણ એને પસંદ નહોતું કારણ કે કોઈ પણ જાણીતા વ્યક્તિનું સ્પર્મ લેવામાં આવે અને શિવાનીના ગર્ભમાં રોપવામાં આવે તો એ વ્યક્તિની શિવાની તરફની નજર જ બદલાઈ જાય. એટલું જ નહીં ભવિષ્યમાં કદાચ એ હક પણ જતાવે. ના ના એ રિસ્ક ના લેવાય. લાસ્ટ ઓપ્શન બરાબર છે.
અને બરાબર એક મહિના પછી ડોક્ટરની સલાહ મુજબ જ સ્પર્મ બેન્કમાંથી જરૂરી સ્પર્મ લઈ શિવાનીના કેટલાક ટેસ્ટ કરી ગર્ભાશયમાં દાખલ કરવામાં આવ્યું. જો કે ખર્ચો પણ સારો એવો થયો પણ ખર્ચાની અંકિતને ચિંતા નહોતી.
શિવાની પ્રેગ્નેન્ટ થઈ અને ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. શિવાની ખૂબ જ ખુશ હતી. અંકિતને જો કે થોડો ઘણો ચચરાટ હતો કે શિવાની કોઈ પારકા પુરુષના સંતાનની મા બનવાની હતી !! પણ આ બાબતમાં એ લાચાર હતો.
ડોક્ટરે આપેલી તારીખ પ્રમાણે જ શિવાનીએ દીકરાને જન્મ આપ્યો. શિવાની ખૂબ જ ખુશ હતી. પુત્રનો પિતા થયો એટલે અંકિત પણ થોડો ઘણો ખુશ હતો પણ મનથી એ રાજી ન હતો. એનું સ્વમાન ઘવાતું હતું. છોકરાનો બાપ કોઈ બીજો જ હતો એ વાત એને ખટકતી હતી.
સાત સાત વર્ષ પછી ઘરમાં પારણું બંધાયું હતું અને પોતાની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો. પોતાનો વારસદાર આપ્યો હતો તોપણ અંકિત ને એ બાળક તરફ જરાપણ વહાલ નહોતું આવતું.
અંકિત ના મિત્રો પણ ખુબ ખુશ હતા. સગાં વહાલાં ના પણ અભિનંદનના ફોન આવતા હતા. અંકિત નો ધંધાદારી મિત્ર જયદીપ તો બીજા દિવસે સવારે ફૂલોનો મોટો બુકે લઈને વધાઈ દેવા આવ્યો. અંકિત કન્સ્ટ્રક્શનના ધંધામાં હતો અને નાની-નાની સ્કીમો કરતો. જયદીપ નો ટાઇલ્સ નો શોરૂમ હતો.
" અભિનંદન ભાભી... દીકરો પણ કેટલો સ્વીટ છે બિલકુલ તમારા જેવો." કહીને જયદીપે બુકે શિવાની ની બેડ ઉપર મૂક્યો.
" તું બહુ લકી છે અંકિત.. એક ખોટ હતી તે પણ આજે પુરાઇ ગઇ. પાર્ટી ક્યારે આપે છે ,? અને હા પાર્ટીમાં શિવાની ભાભી ની હાજરી તો જોઈએ જ " જયદીપ હસમુખો હતો અને થોડો બોલકો પણ હતો.
પરંતુ જયદીપ જેટલું નિખાલસતાથી બોલી રહ્યો હતો એટલું નિખાલસપણે અંકિત નહોતો સાંભળતો. એણે શિવાનીના બેડ ઉપર દીકરા ની બાજુ માં બૂકે મુક્યો એ પણ ન ગમ્યું. દીકરાના બહાને શિવાનીને એણે સ્વીટ કહી દીધી. પાર્ટીમાં શિવાનીની હાજરી ની વાત કરી !! અંકિત પોતાની રૂપાળી પત્ની ના કારણે આમ પણ શંકાશીલ હતો. જયદીપ ની વાતો થી એની બેચેની વધી ગઈ.
દીકરો જેમ જેમ મોટો થતો ગયો એમ અંકિત નો સ્વભાવ પણ બદલાતો ગયો. એ હવે વાત વાતમાં શિવાની ઉપર ગુસ્સો કરતો. દીકરા તરફ તો એને જરા પણ મમતા ન હતી.
માણસનું મન જ્યારે નેગેટીવ વિચારતું થાય ત્યારે એના જીવનમાં નેગેટીવ ઘટનાઓ જ આકાર લેતી હોય છે. બન્યું એવું કે અંકિત નો એક જુનો સ્કૂલ મિત્ર મનદીપસિંઘ મુંબઈમાં સેટ થયો હતો. એ કોઈ કામથી સુરત આવ્યો અને અંકિત એને રસ્તામાં ક્યાંક જોઈ ગયો.
" અરે મનદીપ તું ક્યારે આવ્યો ? કેટલા સમય પછી આપણે મળ્યા ? "
" હા યાર હું તો હવે મુંબઈમાં જ સેટ થઈ ગયો છું. તારું કેમ ચાલે છે ? હવે તો તું બાપ બની ગયો ને ? કોંગ્રેચ્યુલેશન્સ !!"
" થેન્ક્સ મનદીપ.... તારે પણ આઇ.વી.એફ થી જ સંતાન જન્મ થયો ને ? બાબો કે બેબી ? "
" છોડને યાર... મારો તો ડિવોર્સનો કેસ ચાલે છે. આઈ.વી.એફ કરાવ્યું એ પહેલાથી જ એ કોઈના ચક્કરમાં હતી. દીકરીનો જન્મ તો થયો પણ કોણ જાણે કોનું સંતાન હશે !! એક દિવસ રંગે હાથ પકડાઇ ગયાં બન્ને. શું બોલે ? પેલાને મેં બરાબર નો માર્યો. 6 મહિના થી ડિવોર્સ નો કેસ ચાલે છે કોર્ટ માં. "
અને અંકિત નું મગજ ફરી ચકરાવે ચઢી ગયું. એક તો શંકાશીલ મગજ હતું અને એમાં મનદીપે આવી વાત કરી.
અંકિત નું વર્તન દિવસે દિવસે બદલાતું ગયું. એને હવે શિવાનીના ચારિત્ર્ય ઉપર પણ શંકા થવા લાગી. તે દિવસે હોટેલ માં પાર્ટી આપી એમાં પણ જયદીપ શિવાની નું કેટલું ધ્યાન રાખતો હતો ? તે દિવસે પાર્ટીમાં જમતા જમતા અંશ રડવા લાગ્યો તો જયદીપ એને તેડીને કેવો બહાર લઈ ગયેલો !!
" લાવો ભાભી મારી પાસે. એ મારી પાસે તરત ચૂપ થઈ જશે. રડતા બાળકને ચૂપ કરવામાં મારી માસ્ટરી છે. હું એને લઈને બહાર ચક્કર મારી આવું." કહીને જયદીપે એને તેડી લીધો.
અંકિત વિચારે ચડી ગયો. નક્કી આ બંને જણ વચ્ચે કંઇક તો છે જ. કદાચ અંશ નો ચહેરો પણ જયદીપને મળતો આવતો હતો. પોતે તો આખો દિવસ સાઈટ ઉપર રહેતો હતો તો જયદીપ છાનોમાનો શિવાની ને તો નહીં મળતો હોયને ? એ વગર આટલું બધું વહાલ મારા દીકરા ઉપર કેવી રીતે આવે ?
અને એક દિવસ સાંજે જમતી વખતે શિવાની એ અંકિત આગળ વાત છેડી
" કહું છું અઠવાડિયા પછી અંશ નો પહેલો જન્મ દિવસ છે તો આપણે ઘરે જ પાર્ટી જેવું રાખીએ તો ? મારી મમ્મી ને પણ બોલાવી લઉં અને તમે તમારા ખાસ મિત્રોને પણ ઘરે બોલાવો. એ બહાને બધા ભેગા જમીશું. "
હમ્... તો હવે એ બહાને જયદીપ ને ઘરે બોલાવીને જમાડવો છે. વાહ શિવાની વાહ !! હું તને બરાબર ઓળખી ગયો છું હવે.
" પાર્ટી જરૂર થશે પણ જયદીપ નહિ આવે"
" કેમ એ બહારગામ જવાના છે ? એમના વગર તો પાર્ટીમાં મજા જ ના આવે અંકિત."
" મજા આવે કે ના આવે... જયદીપ હવે આ ઘરમાં ના જોઈએ. અને તને પણ કહી દઉં છું કે આજ પછી આ ઘરમાં જયદીપ નું નામ પણ નહીં લેવાનું. "
શિવાની તો સડક થઈ ગઈ અંકિતની વાતથી. અંકિત આ શું બોલી રહ્યા છે ? અને આટલા બધા ગુસ્સામાં કેમ છે ?
" અરે પણ અંકિત તમને થયું છે શું ? આજે કેમ આવી વાત કરો છો ? જયદીપભાઇ તમારા મિત્ર છે... મારા નહિ !! "
" હું બધું જાણું છું શિવાની... નાટક રહેવા દે. તમે લોકો મને હવે મૂરખ નહીં બનાવી શકો. તારા ખોળે જન્મેલો આ છોકરો કોનો છે તે બધું જ હું જાણું છું. એનો આખો ચહેરો જયદીપનો છે. મને બહુ બોલાવીશ નહીં...નહીંતો આજે ક્યાંક મારો હાથ ઉપડી જશે !!
સ્ત્રી બધુ સહન કરી શકે છે પણ પવિત્ર સ્ત્રી પોતાના ચારિત્ર્ય ઉપર કોઈ આંગળી ઉઠાવે એ ક્યારે પણ સહન કરી શકતી નથી.
આજે અંકિતે ખરેખર હદ કરી હતી. એક વર્ષમાં ક્યારેય પણ અંકિતે પોતાના દીકરાને વહાલથી રમાડ્યો નથી. અરે એને રમવા ક્યારેય કોઈ રમકડું સુધ્ધાં લાવ્યા નથી. તો શું એની પાછળ આ જ કારણ હતું ? મને આટલી બધી ચારિત્ર્યહીન સમજી લીધી ?
ના હવે આ ઘરમાં એક મિનિટ પણ ના રહેવાય !! હું પવિત્ર છું. મારે કોઈ પણ ખુલાસા કરવાની જરૂર નથી. આઠ નવ વર્ષના દાંપત્ય જીવન પછી જો આ માણસ મારા માટે આટલુ ખરાબ વિચારી શકતો હોય તો એની સાથે જિંદગી કેમ જીવાય ?
પ્રોબ્લેમ એનો હતો. શુક્રાણું એનામાં નહોતાં. બાપ બનવાની તાકાત એનામાં નહોતી. અને સાત સાત વર્ષ સુધી સહન કર્યું મેં !! સાસુ અને નણંદ ના મેણા ટાંણા મેં સાંભળ્યા. તો પણ હું ચુપ રહી. અને આજે જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ થી બાળક થયું તો પેલા જયદીપભાઈ ઉપર શંકા ? કેટલા વિવેકી અને સજ્જન માણસ છે એ ?
અને એ જ રાત્રે અંકિત નું ઘર કાયમ માટે છોડી દેવાના સંકલ્પ સાથે શિવાની અંશ ને લઈને મમ્મીના ઘરે આણંદ જતી રહી. ઘરે આવીને મમ્મી-પપ્પાને બધી વાત કરી.
બરાબર પંદર દિવસ પછી અંકિત ને વકીલની નોટિસ મળી જેમાં અંકિતને પુરુષત્વની ખામી અને પત્નીને માનસિક ત્રાસ આપવાનું કારણ બતાવી ડિવોર્સ માગેલા. અંકિત શ્રીમંત હતો એટલે પત્ની અને બાળકના ભરણપોષણ માટે 50 લાખનું વળતર પણ માંગેલું.
અંકિત ના હોશ ઉડી ગયા. આવું તો સપનામાં પણ વિચાર્યું ન હતું. જાહેર કોર્ટમાં આ રીતે પુરુષત્વ ની ચર્ચા થાય અને 50 લાખ જેવી જંગી રકમ આપવી પડે.... એ બંને એના માટે આઘાત જનક હતાં !
નવ વર્ષના સુખી દાંપત્ય જીવન પછી શિવાની મને છોડીને જતી રહી હતી. શિવાની એ આજ સુધી ક્યારેય પણ મને ફરિયાદનો કોઈ મોકો નહોતો આપ્યો. આ પહેલાં ક્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થયો ન હતો. અને તે દિવસે પણ એણે ક્યાં ઝઘડો કર્યો હતો ? બસ ચૂપચાપ ચાલી ગઈ હતી.
મારાથી આ શું થઈ ગયું ? આટલો મોટો આક્ષેપ મેં એના ચારિત્ર્ય ઉપર કર્યો ? અને જયદીપ તો મારો અંગત મિત્ર છે. એ કદી આવું કરે ખરો ? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં એવું કાર્ય કર્યું છે કે મને માફી પણ નહીં મળે.
અને શિવાનીના ચારિત્ર્ય ઉપર ખોટો આરોપ મૂકીને હું એના ઘરે પગ પણ કઈ રીતે મૂકું ? જયદીપ ને જ વાત કરવા દે એ જ કદાચ સમજાવે. અને એણે જયદીપને શિવાની નો મોબાઇલ નંબર મેસેજ કર્યો - ' શિવાની નો આ નંબર સેવ કરી દેજે પછી હું વાત કરું છું'
મેસેજ કર્યા પછી અંકિત ને લાગ્યું કે જયદીપ ને પણ વચ્ચે લાવી શકાય તેમ નથી કારણકે એને તો સત્ય ખબર જ નથી. એ સાચી વાત જાણે તો મારું જ ગળું પકડે. કોઈ બીજો રસ્તો કાઢવો પડશે.
અંકિતે મનોમન વિચાર કરી લીધો અને જેણે નોટિસ મોકલી હતી એ વકીલને જ સીધો ફોન કર્યો.
" સુધાકર ભાઈ... હું અંકિત બોલું છું સુરતથી. તમારી નોટિસ મને મળી છે. તમે શિવાની ના વકીલ છો એટલે મારાથી તમારી સાથે કોઈ ચર્ચા ના થાય. તોપણ મારે તમને મળવું છે. એક માનવતાની દ્રષ્ટિએ તમે અર્જન્ટ સુરત આવીને મને મળો. તમારી આવવા-જવાની ટિકીટ અને ફી હું આપી દઈશ. પ્લીઝ કોઈની જિંદગીનો સવાલ છે !!"
" સોરી સાહેબ આપણે કોર્ટમાં જ મળીશું. મારા ક્લાયન્ટ શિવાની બેન કોઈ જ કોમ્પ્રોમાઇઝના મૂડમાં નથી એટલે હવે મને ફોન ના કરતા." કહી એડવોકેટ સુધાકરે ફોન કાપી નાખ્યો.
હવે અંકિત ખરેખર મૂંઝાઈ ગયો. કોઈપણ હિસાબે આ બધી અંગત બાબતો કોર્ટમાં ઉછાળવી નથી. એડવોકેટ ડિવોર્સ માટે કોર્ટમાં ગમે તેવા આક્ષેપો કરી શકે છે. જાહેર સમાજમાં પોતાનું નામ ખરાબ થાય એ અંકિત જરા પણ ઇચ્છતો નહોતો. એ ફરી સુધાકરને ફોન કર્યો.
" સુધાકર ભાઈ તમે શિવાનીને એક વાર વાત કરી જુઓ. જો એ ન જ માને તો ડિવોર્સ માટે હું તૈયાર છું પણ પરસ્પર સંમતિથી થાય એમ હું ઇચ્છું છું. એક ફાઇનલ સેટલમેન્ટ રકમ નક્કી કરો અને જોઈન્ટ ડિવોર્સ પીટીશન કોર્ટમાં આપી દો. "
છેવટે 30 લાખની રકમ નક્કી થઈ. દીકરા ઉપર એના પિતા નો કોઈ હક ક્યારે પણ રહેશે નહીં એ શરતે છ મહિના પછી ડિવોર્સ મળી ગયા.
અંકિત અને શિવાની વચ્ચે ડિવોર્સ થઈ રહ્યા છે એ વાતની જયદીપ ને ખબર તો પડેલી પણ એને સાચી વાતની ખબર નહોતી. શિવાની જેવી સુશીલ પત્ની આ રીતે ઘર છોડીને જતી રહે અને ડિવોર્સ માગે એટલે વાત જરૂર ગંભીર હતી !! મારે ગમે તેમ કરીને સાચું કારણ તો જાણવું જ જોઈએ.
જયદીપ અંકિત નો મિત્ર હતો એટલે અંકિતને એ બરાબર જાણતો હતો. એ થોડો શંકાશીલ હતો એ પણ એને ખબર હતી. અંકિતને પૂછીશ તો એ સાચો જવાબ નહીં જ આપે અને શિવાની નો જ વાંક કાઢશે. મારે શિવાની ને પૂછીને કમ સે કમ સત્ય તો જાણવું જ જોઈએ.
એને યાદ આવ્યું તે શરૂઆતમાં જ્યારે શિવાની ચાલી ગઈ ત્યારે એને મનાવવા માટે અંકિતે એને શિવાની નો મોબાઇલ નંબર સેવ કરવાનો મેસેજ કરેલો.
જયદીપે શિવાની ને ફોન લગાવ્યો. સાંજના ચાર વાગવા આવ્યા હતા એટલે અત્યારે શિવાની ફ્રી હશે.
" શિવાની ભાભી હું જયદીપ... સોરી તમને ભાભી નું સંબોધન કરવું પડ્યું પણ મારે તમને શું સંબોધન કરવું એ સમજાતું નહોતું એટલે એક શરૂઆત કરી. તમે કેમ છો ? અમારા પ્રિન્સ શું કરે છે ? "
" નો પ્રોબ્લેમ જયદીપભાઈ !! તમારા ફોનથી મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે. તમે મારાથી મોટા છો તમે ખાલી શિવાની કહો તો પણ ચાલે. ભાભી ના સંબંધ તો ક્યારના પુરા થઈ ચૂક્યા છે એ તમે જાણો જ છો. આજે ઘણા દિવસ પછી અમારી યાદ આવી ?"
" સંબંધો એટલા જલદી ભુલાઈ જતા નથી શિવાની. તમે તો સુરત છોડી દીધું પણ મને આજ સુધી ખબર નથી પડી કે તમારા ડિવોર્સ નું સાચું કારણ શું હતું ? તમારો સ્વભાવ જોતા ડિવોર્સની તો હું કલ્પના જ કરી શકતો નથી. "
" જે થયું તે સારું થયું જયદીપભાઇ. ક્યારેક રૂબરૂ મળો તો વિગતવાર વાત કરું. આમ ફોન ઉપર ટૂંકી પતાવવાનું મને નહીં ગમે "
" તો ઘરે ક્યારે બોલાવો છો ? એ બહાને અંશ ને રમાડવાનો પણ લહાવો મળશે "
" પરમ દિવસ રવિવાર છે. ઘરે જ આવો ને મમ્મી-પપ્પા ને પણ મળાશે "
જયદીપે શિવાની નું એડ્રેસ સમજી લીધું અને બે-ત્રણ સારા ટોઇઝ પેક કરાવીને આણંદ પહોંચી ગયો.
સૌથી પહેલા મોંઘા રમકડાનું પેકેટ અંશ ના હાથ માં મૂક્યું. અંશ 2 વર્ષ નો થવા આવ્યો હતો. શિવાની એ આ બાબતની ખાસ નોંધ લીધી કે આજે પણ જયદીપ અંશની કેટલી કાળજી રાખે છે.
ચા પાણી પીધા પછી એક અલગ રૂમમાં શિવાની જયદીપ ને લઈ ગઈ. શરૂઆતથી ડિવોર્સ સુધીની તમામ ચર્ચા એણે જયદીપ સાથે ખુલ્લા દિલથી શેર કરી.
" પ્રોબ્લેમ અંકિત માં હતો અને સાસરા પક્ષ માં લોકોનાં મેણા ટોણા મારે સાંભળવા પડતાં હતાં. સાત સાત વરસ સુધી સહન કર્યા પછી નાછૂટકે મેં આઈ.વી.એફ નો સહારો લીધો. આ તમામ બાબત એને ખબર હતી છતાં પણ મારા પવિત્ર ચારિત્ર્ય ઉપર એણે સવાલો કર્યા." કહીને શિવાની રડી પડી.
જયદીપ મનમાં સમસમી ગયો. આટલા વર્ષોની મિત્રતા ઉપર અંકિતે કલંક લગાડ્યું. મને તો આજ સુધી આ વાતની ખબર જ નથી. શિવાની જેવી સ્ત્રી માટે એ આવું વિચારી જ કેવી રીતે શકે ?
" હવે આગળ નું શું વિચાર્યું છે શિવાની ? હજુ તમારી ઉંમર 30 આસપાસ હશે. અને પાછું તમે એક સંતાનની માતા પણ છો. "
" હું કંઈ જ વિચારી શકતી નથી. મારા મમ્મી-પપ્પા પણ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે. મારું ભાવિ ખૂબ જ ધૂંધળું થઈ ગયું છે. "
" હા પણ એ ધૂંધળા ભાવિમાં હજુ પણ આશાનું એક કિરણ છે. જો તમે સંમત થાવ તો !! "
" કઈ રીતે ? મને તો કોઇ જ માર્ગ દેખાતો નથી. તમે જો મને બીજા લગ્ન માટે કહેતા હો તો એ સુખી હોવાની કોઇ ગેરંટી નથી. અને મારો અંશ ભવિષ્યમાં દુઃખી થાય એવું કોઈ પગલું ભરવા હું તૈયાર નથી. અંકિત અંશને છોડી શકે પણ મેં તો નવ મહિના એને ગર્ભમાં ઉછેર્યો છે. "
" તમારું લગ્ન જીવન એકદમ સુખી બને અને અને તમને પોતાની હથેળીમાં સાચવે, પાણી માગો ત્યાં દૂધ આપે એવી એક વ્યક્તિ મારા ધ્યાનમાં છે. અંશને પણ પોતાના દીકરાની જેમ જ સાચવશે... જો તમે હા પાડો તો !! "
" તમે ગેરેન્ટી લો છો એમની ? હું માત્ર તમારા ભરોસે જ હા પાડી શકું. પણ મારે એમને એક વાર મળવું પડે. "
" હા ચોક્કસ.. આ વ્યક્તિ 33 વર્ષે પણ હજુ સુધી અનમેરિડ છે અને એને તમારી સાથે લગ્ન કરવા માં કોઈ પ્રોબ્લેમ નથી. તમે પહેલાં એનો ફોટો જોઈ લો. ફોટામાં તમને ગમે તો આગળ વિચારીએ"
જયદીપે મોબાઇલમાં ગેલેરી ઓપન કરીને એક ફોટો સિલેક્ટ કરી મોબાઈલ શિવાનીના હાથમાં મૂક્યો. આ છે એ વ્યક્તિ ! તમે એના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકો. જિંદગીમાં ક્યારેય પણ તમારી આંખમાં આંસુ નહીં આવવા દે એની ગેરંટી મારી !!!
શિવાની ઘડીકમાં ફોટા સામે તો ઘડીકમાં જયદીપ સામે જોઈ રહી. એ કંઈ બોલી નહીં પણ એની બંને આંખોમાં આંસુ છલકાઈ આવ્યાં.
" હું તૈયાર છું જયદીપ !! બોલો લગ્ન ક્યારે કરવાં છે ? તમારાથી શ્રેષ્ઠ લાઈફ પાર્ટનર મારી જિંદગીમાં બીજું કોઈ હોઈ જ ના શકે !!!"
અશ્વિન રાવલ (અમદાવાદ)