ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1
ભાગ:-11
રાવલપિંડી, પાકિસ્તાન
પોતાનો પીછો કરી રહેલા વ્યક્તિને નગમા એક સાંકડી ગલીમાં લઈ આવી હતી, જ્યાં સારું એવું અંધારું હતું. નગમા અને માધવનો પડછાયાની માફક પીછો કરી રહેલો એ યુવક નગમાની પાછળ-પાછળ સાંકડી ગલીમાં આવી પહોંચ્યો. પચાસેક ડગલાં જેટલું ચાલ્યા બાદ નગમા ડાબી તરફ વળીને ત્યાં પડેલી એક કારની ઓથ લઈને છુપાઈ ગઈ.
નગમા કારની પાછળ ઘાત લગાવીને બેસી છે એ વાતથી અજાણ એ યુવક જેવો ડાબી તરફ વળીને વીસેક ડગલાં ચાલ્યો ત્યાં એના પીઠ પર એક શક્તિશાળી લાત પડી અને એ ગડથોલિયા ખાઈને જમીન પર પડ્યો. આ દરમિયાન એ યુવકની પાછળ આવતો માધવ પણ દોડીને ત્યાં આવી પહોંચ્યો હતો.
"કોઈપણ જાતની ચાલાકી કરી છે તો હું તારી ખોપડીમાં ગોળી ઉતારવામાં એક ક્ષણ પણ નહીં બગાડું." ધમકીભર્યા સ્વરે નગમાએ કહ્યું.
પોતાની પર અચાનક થયેલા હુમલાથી બઘવાઈ ગયેલો એ યુવક ડરતા-ડરતા પોતાના પગ પર બેઠો થયો અને હાથ ઊંચા રાખીને નગમા અને માધવની તરફ ચહેરો કરીને ઉભો રહી ગયો.
"કોણ છે તું?" માધવે સપાટ સુરમાં કહ્યું. "અને અમારો પીછો કેમ કરી રહ્યો છે.?"
"મુસ્તફા..મારુ નામ મુસ્તફા છે." એ યુવકે પોતાની ઓળખ આપતા કહ્યું. "હું દિલાવર ભાઈનાં કહેવાથી તમારો પીછો કરી રહ્યો છું."
"અમારો પીછો કરવાનું તને દિલાવરે કહ્યું?" અચંબિત સ્વરે નગમાએ કહ્યું.
"હા."
"પણ કેમ?"
"કેમકે, દિલાવર ભાઈને લાગ્યું કે કોઈ બીજું તમારો પીછો કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું જરૂરી હતું." મુસ્તફાએ કહ્યું. "તમારા પર કોઈ જાણ બહાર હુમલો ના કરી બેસે એટલે હું હોટલની બહાર જ હાજર હતો. તમે જેવા હોટલમાંથી નીકળ્યા એટલે હું તમારી પાછળ થઈ ગયો."
"મને માફ કરી દેજે.." નગમાએ દિલગીર સ્વરે કહ્યું. "મને એમ કે તું દુશ્મનનો માણસ હોઈશ એટલે."
"વાંધો નહીં." મુસ્તફાએ હસીને કહ્યું. "પણ, મહેરબાની કરીને તમે આમ બહાર ના નીકળો તો સારું."
"હવે ધ્યાન રાખીશું ભાઈ " મુસ્તફાને ગળે લગાવી માધવે કહ્યું. "વધુ વાગ્યું તો નથી ને?"
"ના..ના, કંઈ નથી થયું..!" પોતાના કપડા પરથી ધૂળ ખંખેરતા મુસ્તફા હસીને બોલ્યો.
"સારું તો અમે નીકળીએ." નગમાએ મુસ્તફાને ઉદ્દેશીને કહ્યું. "તું હવે ઘરે જવું હોય તો જઈ શકે છે."
પોતાનો પીછો કરનાર માણસ એમનો હિતેચ્છુ હતો એ જાણ્યા બાદ માધવ અને નગમાને રાહત થઈ. વીસ મિનિટ બાદ એ બંને પાછા હોટલ ખેબર લોજ આવી પહોંચ્યા હતાં. હજુ સુધી સેટેલાઇટ ફોન કે અન્ય કોઈ મોબાઈલની વ્યવસ્થા નહીં થઈ હોવાથી માધવ અને નગમા રાજવીર શેખાવત જોડે સંપર્ક નહોતા સાધી શક્યાં.
માધવે રૂમને અંદરથી લોક કર્યાં બાદ વધારે સાવધાની રાખતા દરવાજાને અડકીને એક ટેબલ પણ ગોઠવી દીધું. ત્યારબાદ એ બંને આરામથી સુઈ ગયાં.
મુસ્તફાની સલાહ મુજબ બીજા દિવસે એ બંનેમાંથી કોઈ બીજા દિવસે હોટલમાંથી બહાર ના નીકળ્યું. જમવાનું પણ એમને પોતાના રૂમમાં જ મંગાવી લીધું. રાતનું ભોજન જમી લીધા બાદ નગમા અને માધવે થોડો-ઘણો જરૂરી સમાન અને એક જોડી કપડા એક બેગમાં ભર્યાં અને હોટલમાંથી નીકળી ગયાં.
પોતે જે કામ માટે જઈ રહ્યાં હતાં એ જોખમી હતું એ વાત માધવ અને નગમાને માલૂમ હતી, આવા કામ ઉપર જવા પર ક્યારેક એવું પણ બને કે હોટલમાં પાછા આવવું શક્ય ના પણ હોય આથી એમને થોડો સમાન જોડે લઈ લીધો હતો.
હોટલ ખેબર લોજથી નીકળી તેઓ થોડું ચાલીને મુખ્ય રસ્તા પર આવ્યા અને એક ટેક્સી કરીને જિન્નાહ ગાર્ડન તરફ ચાલી નીકળ્યા. મુસ્તફા પણ એમની પાછળ આવી રહ્યો હતો એ વાતથી માધવ અને નગમા વાકેફ હતાં.
એ બંનેએ ટેક્સીને જિન્નાહ ગાર્ડનની નજીક આવેલા એક રેસ્ટોરેન્ટ આગળ થોભાવી અને ત્યાંથી ચાલીને જ ગાર્ડનનાં પાછળનાં દરવાજા તરફ અગ્રેસર થયાં.
જ્યારે માધવ અને નગમા દિલાવરે કહ્યાં મુજબ જિન્નાહ ગાર્ડનની પાછળ પહોંચ્યાં ત્યારે રાતનાં નવ વાગે અને પંચાવન મિનિટ થઈ રહી હતી. દિલાવર થોડી મિનિટોમાં જ આવતો હશે એમ વિચારી એ બંને ગાર્ડનના પાછળના દરવાજા જોડે રાખવામાં આવેલી બેન્ચ ઉપર જઈને બેસી ગયાં.
ત્યાં આવતા-જતા લોકોને શક ના જાય એ હેતુથી નગમાએ માધવના ખભે પોતાનું માથું રાખીને એના હાથમાં પોતાનો હાથ પરોવી દીધો, જાણે કે એ બંને પ્રેમી યુગલ હોય!
માધવ જાણતો હતો કે નગમા ઑપરેશનનાં ભાગ રૂપે અત્યારે પ્રેમનું નાટક કરી રહી છે છતાં માધવ એ વિચારી ખુશ હતો કે નાટક પૂરતું તો નાટક પૂરતું પણ નગમા એની બાહોમાં તો હતી.
દસ મિનિટ બાદ અચાનક માધવ અને નગમાથી થોડે દુર એક આસોપાલવ વૃક્ષ નીચે ઊભેલા મુસ્તફાનો ફોન વાઈબ્રેટ થયો. એને ખિસ્સામાંથી ફોનને નિકાળતા કહ્યું.
"હા બોલો ભાઈ."
સામેથી કંઈક જણાવવામાં આવ્યું એટલે મુસ્તફા આજ્ઞાંકિત બાળકની માફક ગરદન હલાવતા બોલ્યો.
"સારું..બસ દસ મિનિટમાં પહોંચ્યો."
આટલું કહી મુસ્તફાએ કોલ ડિસ્કનેક્ટ કરી ફોનને ખિસ્સામાં રાખી દીધો.
ફોનને ખિસ્સામાં મૂકી મુસ્તફાએ આજુબાજુ નજર કરી અને ધીરેથી ચાલીને માધવ અને નગમા જ્યાં બેઠાં હતાં એ બેન્ચને ટેકે રાખેલી બીજી બેન્ચમાં બેસી ગયો.
"મારી પાછળ-પાછળ આવો." ત્યાં બેસતા જ મુસ્તફા એકદમ ધીરા અવાજે બોલ્યો અને ત્યાંથી ઊભો થઈને ચાલવા લાગ્યો.
માધવ અને નગમા પણ કોઈ જાતનો પ્રશ્ન કર્યાં વિના એની પાછળ-પાછળ વીસેક ડગલાં જેટલું અંતર રાખીને ચાલવા લાગ્યાં. જિન્નાહ ગાર્ડનની નજીક આવેલા ચાર રસ્તા પર મુસ્તફાએ ડાબી તરફ ટર્ન લીધો અને ચાલવા લાગ્યો. સો મીટર જેટલું ચાલ્યા બાદ મુસ્તફા એ પાછળ ફરીને માધવ અને નગમાની તરફ જોયું, ઈશારાથી ત્યાં મોજુદ એક ગેરેજ આગળ જઈને ઊભાં રહેવા કહ્યું.
માધવ અને નગમા ત્યાં આવેલા એક ગેરેજ જોડે આવીને ઊભાં રહી ગયાં પણ મુસ્તફા સીધી લીટીમાં આગળ ચાલતો રહ્યો.
જેવા માધવ અને નગમા ત્યાં ગેરેજ જોડે ઊભાં રહ્યાં એ સાથે જ એમના કાને દિલાવરનો પહાડી અવાજ સંભળાયો.
"બેસી જાઓ આ કારમાં." ગેરેજની બહાર ઉભેલી એક સફેદ રંગની ઑલ્ટો કારમાં દિલાવર બેઠો હતો. દિલાવરનો દેખાવ અત્યારે સાવ અલગ લાગી રહ્યો હતો. એને પોતાના વાળનો રંગ લાલ કરી દીધો હતો અને આંખો પર મોટા ચશ્મા ધારણ કરી રાખ્યા હતાં.
માધવ અને નગમા ફટાફટ ઑલ્ટોમાં બેસી ગયાં એટલે દિલાવરે કારના એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને યુટર્ન લઈને રાવલપિંડીનાં લાઇ નુલ્લાહ નામક ગીચ વિસ્તાર તરફ ભગાવી મૂકી. જેમ મુંબઈમાં ધારાવીની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર કુખ્યાત છે એમ જ પિંડીમાં લાઈ નુલ્લાહનો વિસ્તાર કુખ્યાત છે. અહીં રહેતા ગરીબ લોકો બેકારી અને નિરક્ષરતાના લીધે ગુનાખોરીનાં રસ્તે વળી ગયેલા છે.
પોતે સરળતાથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓનાં હાથમાં ના આવે એટલે જ બલવિંદરે હમીદ અંસારી નામ ધારણ કરી અહીં એક મકાન ભાડે રાખ્યું હતું અને મકાનની જોડે આવેલી કુબા મસ્જિદ જોડે પરવરદિગાર નામક એક મોબાઈલ શોપ પણ ખોલી હતી.
દિલાવર રાવલપિંડીની દરેક ગલીઓથી વાકેફ હોવાથી એ શહેરના વિવિધ વિસ્તારોનાં સાંકડા અને તંગ રસ્તાઓનો ઉપયોગ કરી પોતાની મંજીલ તરફ કાર ભગાવી રહ્યો હતો. રસ્તામાં દિલાવરે નગમાને એક નાની બેગ આપી; જેની અંદર ગ્રેનેડ, સેટેલાઇટ ફોન, મોબાઈલ ફોન, રિવોલ્વરની બુલેટ અને પ્લાસ્ટિક એક્સપ્લોઝીવ ભરેલા હતાં.
દિલાવર પોતે જણાવ્યા મુજબની બધી વસ્તુઓ લઈ આવ્યો છે એ જોઈ નગમાને ઘણો આનંદ થયો. પોલીસની નજરોથી બચતો-બચાવતો દિલાવર આખરે એક કલાક બાદ લાઈ નુલ્લાહ આવી પહોંચ્યો.
દિલાવર પોતાની કારને બલવિંદર જ્યાં રહેતો હતો એ મકાનથી થોડે દુર પાર્ક કર્યાં બાદ નગમા અને માધવને કારમાં બેસવાનું કહી આજુબાજુમાં એક ચક્કર મારતો આવ્યો. આસપાસ કોઈ સંદિગ્ધ વ્યક્તિ નજરે ના ચડતા એ પાછો કાર જોડે આવ્યો.
"હવે આપણે બલવિંદરના ઘરમાં જઈ શકીએ છીએ." દિલાવરે નગમા અને માધવને ઉદ્દેશીને કહ્યું. "રસ્તો ક્લિયર છે.!"
દિલાવરની વાત સાંભળી માધવ અને નગમાએ પોતપોતાની રિવોલ્વરને સાચવીને પીઠ પાછળ છુપાવી અને કારમાંથી હેઠે આવ્યા.
"સામે જે ત્રણ માળની ઈમારત છે એમાં બીજા માળે જમણી તરફનું મકાન." આટલું કહી દિલાવર ઉતાવળા ડગલે ચાલીને એ ઈમારતમાં પ્રવેશી ગયો. બે-બે મિનિટના અંતરે માધવ અને નગમા પણ સાવધાની સાથે ત્યાં આવી પહોંચ્યા.
"હું બીજા માળે પહોંચી અંગૂઠો બતાવું એટલે તમે બીજા માળે આવજો." દિલાવરે માધવ અને નગમાના કાન જોડે ફુસફૂસાવતા કહ્યું.
માધવ અને નગમાએ હકારમાં ગરદન હલાવી એટલે દિલાવર બિલ્લીપગે બીજા માળે જતા દાદરા ચડવા લાગ્યો. બીજા માળે પહોંચીને દિલાવરે દાદરા નીચે ઊભેલા માધવ અને નગમાને અંગૂઠો બતાવી થમ્સઅપનો સંકેત કર્યો એટલે એ બંને પણ બીજા માળ સુધી લઈ જતો દાદરો ચડવા લાગ્યા.
માધવ અને નગમા જ્યારે બીજા માળે આવ્યાં ત્યારે દિલાવર પોતાના હાથમાં એક લોખંડની પીન લઈને બલવિંદર જ્યાં રહેતો હતો એ મકાનનું તાળું ખોલવાના પ્રયત્નમાં લાગી ગયો. આજુબાજુ બધાં મકાનને પણ તાળું હતું એટલે એ લોકોને અચાનક ત્યાં કોઈ આવી ચડવાની વધુ ચિંતા નહોતી, છતાં માધવ નીચેની તરફ અને નગમા ઉપરની તરફથી કોઈ આવે છે કે નહીં એનું ધ્યાન રાખી રહ્યાં હતાં.
પાંચેક મિનિટની કોશિશ બાદ દિલાવરે મકાનનું તાળું ખોલી દીધું..તાળું ખૂલતાં જ એને ખૂબ ત્વરાથી મકાનનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કરી લીધો. નગમા અને માધવ પણ એને અનુસર્યા.
માધવ, નગમા અને દિલાવર જેવા બલવિંદરના મકાનમાં પ્રવેશ્યા એ સાથે જ ઈકબાલ મસૂદના ફોનની રિંગ વાગી.
"અસલ્લા વાલેકુમ.!" સામેથી એક ઓળખીતો અવાજ મસૂદના કાને પડ્યો.
"વાલેકુમ અસ્સલામ શું ખબર છે તાહીર? કંઈ નવા-જૂની?"
"ભાઈજાન, પેલા મોબાઈલશોપવાળાના ઘરમાં હમણા ત્રણ લોકો એ એન્ટ્રી લીધી છે..એમનું શું કરવાનું છે?"
**********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)