Sodh ek rahshymay safar sapanathi sachchaini - 6 in Gujarati Fiction Stories by Niraj Modi books and stories PDF | શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 6

Featured Books
Categories
Share

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 6

ફરી એક વખત અનીતા અને રશ્મિ આજે ડોક્ટર સમીરની ઓફિસમાં તેમની આગળ બેઠા હતા.

" હા, તો રશ્મિ તને કેવું રહ્યું? ગયું અઠવાડિયું યોગઅભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો? કોઈ નવા સપના આવ્યા હતા આ અઠવાડિયામાં?"

રશ્મિ એકદમ ચૂપ જ રહે છે, તે ડોક્ટરના સવાલના જવાબ પણ આપી શકતી નથી. એટલે આખરે અનીતાએ જ વાત આગળ વધારવી પડે છે.

અનીતા ગયા અઠવાડિયાનો આખા ઘટનાક્રમનો ચિતાર ડોક્ટરને કહી સંભળાવે છે.

" હું " ડોક્ટરના ગળામાંથી એક ભારે હુંકાર નીકળે છે.

"તમે જે મહારાજને મળ્યા એમને તમને જે કીધું એ પણ સાયન્સની દૃષ્ટિએ થોડા અંશે સાચું જ છે. આપણા સપના આપણા અંતરમનમાં રહેલા ભાવો દર્શાવે છે. અનીતા તમે એક કામ સારું કર્યું છે કે તમે જાતે જ બેસીને આખું વિવરણ કર્યું. લગભગ આવા બધા કિસ્સામાં દર્દી પોતે જેટલો મનથી મજબૂત રહે અને તેની સાથે તેને કોઇ સમજવા વાળું હોય તો દર્દી નો પ્રોબ્લેમ જલદી ઊકલી જાય છે"

"સમીર સાહેબ રશ્મિના સપના હવે પહેલા કરતાં વધારે ખરાબ થતા જાય છે, અને તેની તબીયત પણ પહેલા કરતા વધારે ખરાબ થતી જાય છે"

"ડૉક્ટર થોડીવાર માટે ચૂપ થઈ જાય છે અને પોતે બનાવેલા પોઈન્ટ્સના લિસ્ટ માં જોઈ ને પોતાની ગોળ ફરી શકતી ખુરસીને થોડી સાઈડમાં કરીને જાણે કંઈક ઉંડા વિચારમાં ખોવાઇ ગયા હોય તેમ આંખો બંધ કરીને બેસી રહે છે"

અનીતા અને રશ્મિ ચૂપચાપ એકબીજાની સામે જોઇને તે પણ શાંતિથી બેસી રહે છે, અને ડોક્ટરના કંઇક બોલવા ની રાહ જુએ છે. થોડીવાર પછી ડોક્ટર રશ્મિ સામે જુએ છે.

" રશ્મિ મને એક વાત બરાબર વિચારીને જવાબ આપજે, તે જે ગયા અઠવાડિયે સપના જોયા અને એની પહેલા જે સપના જોયા તેમાં કોઈ વખત તે ખૂનીનો ચહેરો જોયો હતો?"

રશ્મિ ડોક્ટરનો સવાલ સાંભળી ઊંડા વિચારમાં સરી પડે છે તે પહેલેથી વિચારવાની કોશિશ કરે છે. ખરેખરમાં સપના આટલા જલદી યાદ રહેતાં નથી, તમે જ્યારે સપનામાં હોવ ત્યાંરે તે એકદમ વાસ્તવિક લાગે છે, પણ જેવા તમે જાગી જાવ છો અને તમે તેને યાદ કરવાનો પ્રયત્ન કરો તો પણ તે યાદ આવતા નથી, બહુ ઓછા સપના એવા હોય છે જે તમને લાંબો સમય યાદ રહે છે. અને સપનાની બીજી એક ખાસિયત એ છે કે તે તમે જ્યારે સપનામાંથી જાગીને સપના વિશે વિચારો છો તો તમે પોતે સપનામાં ક્યાંથી આવ્યા, તેની શરૂઆત ક્યાંથી થઇ તે યાદ રહેતી નથી.

"ના સાહેબ, મેં ખૂનીને સપનામાં છેલ્લા ચાર દિવસ પહેલાં જ જોયો, આની પહેલા મને તેની હયાતીની ખબર રહેતી પણ તે કોઈ દિવસ સામે આવતો નહીં"

" તેં સપનામાં તેનેતારી સામે ઉભેલો જોયો તો તું એને ઓળખી ના શકી?, તે એનો ચહેરો પણ ના જોયો?"

" મને એના કપડા યાદ છે, તે ઊંચો હતો, તેને જેકેટ અને જીન્સ પહેરેલું હતું, તેના જમણા હાથમાં બંદૂક હતી. રશ્મિએ ચિત્રોમાં બંદૂક કેવી દેખાતી હતી, તેનું પણ વર્ણન પણ કર્યુ હતું. તે છ ગોળી સમાઈ શકે તેવી બંદૂક હતી. જેવી ટીવી માં પોલીસવાળાઓ રાખે છે એવી જ, પણ બહુ જ વિચિત્ર વાત એ હતી કે તેનો ચહેરો દેખાતો ન હતો"

" દેખાતો ન હતો મતલબ? એ કઇ રીતે બને? તે તો કીધું દરવાજો ખોલીને એ અંદર આવી ને તમારી સામે ઊભો હતો તો તે એનો ચહેરો ના જોયો?"

ડોક્ટરે થોડા આશ્ચર્યથી રશ્મિને પૂછ્યું,

" ખરેખર કહું સાહેબ, મને તેનો ચહેરો દેખાતો જ ન હતો, કે પછી તે ધૂંધળો હતો, કે પછી મને યાદ નથી એના વિશે, હું કંઈ ખાસ વધારે કહી શકું એમ નથી. મને બસ એટલું જ યાદ છે કે તેણે ગોળી મારી, ગોળી મને વાગી, પછી મમ્મી ને કપાળમાં વાગી. અને મે તેને દરવાજા તરફ જતાં જોયો, પછી મેં મમ્મીને જોઈ અને થોડીવાર રહી ને મારી આંખો બંધ થઈ ગઈ અને હું જાગી ગઈ"

"આ એક કુદરતી પ્રક્રિયા છે, આપણા શરીર તરફથી જ ઉદાહરણ તરીકે આપણે જ્યારે છીક ખાઈએ છીએ ત્યાંરે આપણી આંખો બંધ થઇ જાય છે, જ્યારે આપણને બગાસુ આવે છે ત્યાંરે આપણું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું બંધ કરી દે છે, એવી જ રીતે જ્યારે આપણે સપનામાં મરી જઈએ છીએ, ત્યાંરે આપણે જાગી જઈએ છીએ.”

રશ્મિ અનીતા ની સામે જોવે છે, તે બંને જણા જાણતા હતા કે રશ્મિ ની તકલીફ એટલી સામાન્ય ન હતી, જેટલી સાહજિકતાથી ડોક્ટરે તેમને સમજાવી હતી,રશ્મિ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તે જ્યારે જાગી ત્યાંરે તેનો પાયજામો ભીનો થઇ ગયો હતો, પણ શરમ ના લીધે તેમણે ડોક્ટરને એ વાત કરી ન હતી.

ડોક્ટર ફરી એક વખત પોતાના લખેલા પોઇન્ટ તરફ નજર નાંખી રશ્મિને આગળ પુછે છે.

"તારું સપનું પૂરું થવાનું ચોક્કસ સમય કયો હતો? જ્યારે તેન ગોળી વાગે છે ત્યાંરે, કે એના પછી પણ તું સપનામાં હોય છે"

રશ્મિ ફરી વખત વિચારે છે. છેલ્લા ત્રણ દિવસમાં આ સપનું એને ઘણી વખત આવ્યું હતું, જેમાં કોઈ વખત ખૂની દરવાજો તોડીને અંદર આવતો, કોઈ વખત હેન્ડલ ફેરવીને દરવાજો ખોલતો, કોઈ વખત ગોળી મારીને દરવાજાનું લોક તોડી નાખતો, એવી જ રીતે કોઈ કોઈ વખત ગોળી રશ્મિના પેટમાં વાગતી, કોઈ વખત છાતીમાં વાગતી પણ મમ્મીને ગોળી કપાળમાં વચ્ચે જ વાગતી અને રશ્મિ તેની તરફ ફરીને તેનું મોઢું પણ જોતી અને ખૂનીને દરવાજા બહાર નીકળતો પણ જોતી.

રશ્મિ ઉંડા વિચારોમાં હતી અનીતા અને ડોક્ટર તેના જવાબની રાહ જોઈ રહ્યા હતા.

"ના ડોકટર, હું ચોક્કસપણે કહી શકું છું કે મને ગોળી વાગ્યા પછી પણ હું ત્યાંં જ હતી અને મેં ખૂનીને દરવાજાની બહાર દોડતો પણ જોયો હતો"

"હું" ફરી એજ ઊંડો ભારે હુંકાર ડોક્ટરના ગળા માથી નીકળે છે.

"મતલબ એ થાય કે તું ત્યાંં સુધી સપનામાં હાજર હતી, જ્યાં સુધી સપનાએ તને ત્યાંં હાજર રહેવાની મંજૂરી આપી. બરાબર છેક અંત સુધી તું એને બહાર જતો જુવે છે ત્યાંં સુધી."

" રશ્મિ અને અનીતાના ચહેરા પર મુંજવણના ભાવ દેખાય છે, તે ડોક્ટર ની વાત હજી સુધી સમજી શક્યા ન હતા"

" અનીતા અકળાઈને પુછે છે" એ અમે સમજી ગયાં પણ એના થી શું ફરક પડે છે?"

" ફરક પડે છે અનીતા તુ સમજ રશ્મિ નું ચેતન મગજ સપના જોવા ઇચ્છતું નથી પણ, તેનું અવચેતન મન ચેતન મન કરતાં વધારે શક્તિશાળી છે એટલે તે આ સપનામાં રહેવા ઇચ્છે છે"

" એ બધુ બરાબર તો હવે શું કરવું, તમે એને હિપ્નોટિઝમની મદદથી સારું કરી દોને બસ"

" ના એવી ઉતાવળ ના કરાય કમસેકમ હાલ ના સ્ટેજ પર તો ના જ કરાય, મગજ ના કામમાં ઉતાવળ ના કરાય, જો હિપ્નોટિઝમ કોઈ રમત વાત નથી એમાં મારાથી ગરબડ થઈ જાય તો રશ્મિ નું અવચેતન મગજ મારા કાબૂમાં ન રહે તો રશ્મિ કોમાં માં જતી રહેશે, તે હંમેશ માટે સપના માં જ રહી જશે."

"આ સાંભળી અનીતા ચૂપ થઈ જાય છે"

ડોક્ટરની વાત સાંભળી રશ્મિના મનમાં એવો વિચાર સ્ફૂરે છે, કે જો એ સપનામાં રહી જાય તો તે તેની મમ્મી સાથે રહી શકે, તેના પિતાને પણ તે મળી શકે, પણ બીજી જ ક્ષણે એને આ વિચાર એકદમ બાલીશ લાગે છે.

" આ દરમિયાન ડોક્ટર તેમના લખેલા પોઇન્ટ્સને જોઈને એક પછી એક તેના ઉપર ટીક મારી રહ્યા હતા"

" ઠીક છે હવે આગળ વધીએ ડોક્ટરે રશ્મિ ને કહ્યું"

" તે કીધું કે રૂમમાં ટેબલ પર એસટ્રે પડેલી હતી તેમાં સિગારેટના ઠૂંઠા પણ પડેલા હતા?"

" હા એ વાત સાચી છે"

"હવે હું જે પૂછું એનો પૂરેપૂરો સાચો જવાબ આપજે પૂરી ઇમાનદારીથી. તે કોઈ દીવસ સીગરેટ પીધી છે?"

" આ સવાલ સાંભળીને એ બંને જણા ને એકદમ આશ્ચર્ય થાય છે"

" રશ્મિ એકદમ બોલી ઉઠે છે આ શું બક્વાસ કરો છો સાહેબ મેં કદી સિગરેટ પીધી નથી"

અનીતા રશ્મિને શાંત પાડે છે" રશ્મિ તું શાંત થા ડોક્ટર સાહેબ એમનું કામ કરે છે એમાં એમને લાગે એ સવાલ પૂછે છે"

" ના ડોક્ટર સાહેબ, હું રશ્મિને નાનપણથી ઓળખું છું તેણે કદી સિગરેટ પીધી નથી"

" ઠીક છે અને તે સિગરેટના ધુમાડા ની વાસ તેં રૂમમાં અનુભવી બરાબર?"

રશ્મિ થોડી અકળાઇ જાય છે, ડોક્ટર કેમ ફરી ફરીને એક જ સવાલ પૂછે છે.

" હા મને બરાબર યાદ છે કે એ સિગરેટની જ વાસ હતી હું સિગરેટ પીતી નથી પણ બીજા પીતા હોય, એટલે એની વાસ કેવી હોય એ તો મને ખબર જ હોય ને"

" રશ્મિની વાત સાંભળીને ડોક્ટરના ચહેરા પર એકદમ આશ્ચર્યના ભાવ આવી જાય છે. તે જાણે પોતાની જાત સાથે વાત કરતાં હોય એમ બબડે છે "આ કઈ રીતે શક્ય બને?"

અનીતા ડોક્ટરની આમ પોતાની જાત સાથે વાત કરતા જોઈ તેમને પૂજે છે" કેમ શું થયું ડોક્ટર કંઈ પ્રોબ્લેમ?"

" અનીતા મારા આટલા વર્ષોના અનુભવમાં આવું ક્યારેય જોયું નથી કે કોઇ માણસને સપનામાં વાસ નો અનુભવ થયો હોય"

" કેમ ડોક્ટર સપનામાં વાસ ના આવે?"

" તે શક્ય નથી માણસ સપનામાં જોઈ શકે છે, હસી શકે છે, એ રડી શકે છે, અરે મરી પણ શકે છે, પણ તે વાસના અનુભવી શકે આ સાઇકોલોજિકલ રીતે સાચું નથી"

" જ્યારે રશ્મિ એકદમ મક્કમપણે કહે છે કે તેને વાસ આવે છે, એ પણ સિગરેટની, જ્યારે એ પોતે પીતી નથી છતાં પણ"

"તો હવે આગળ શું? આનું કારણ શું હોઈ શકે? રશ્મિ ડોક્ટરને પૂછે છે"

ડોક્ટર પોતાની ખુરશી પરથી ઉભા થઇને ઓફિસમાં આમતેમ આંટા મારે છે.

"અનીતા એક કામ કર તું આપણા માટે મશીનમાંથી કોફી બનાવ, હું ત્યાંં સુધી કંઈક વિચારું છું"

અનીતા ઊભી થઈને ત્રણેય માટે કોફી લાવે છે, ડોક્ટર જાણે ગરમ કોફી પીધા બાદ મગજ ચાલતું હોય તેમ, તેમના રૂમમાંથી કબાટમાંથી કોઈ ચોપડી લાવી ટેબલ પર મૂકી જોવા લાગે છે, તેમાં આમ તેમ થોડા પના ફેરવે છે, પછી અનીતા અને રશ્મિ સામે જુએ છે.

"રશ્મિ તારા કેસમાં કદાચ એક વસ્તુની શક્યતા રહેલી છે તમે જે મહારાજને મળ્યા હતા એમણે પણ એવી શક્યતા ની વાત કરી હતી, મને એવું લાગે છે કે, રશ્મિ જે સપના જોવે છે તે સપનાઓ છે, પણ તેની યાદમાંથી જન્મેલા સપના છે. જે તેના અંતર મનના ઉંડાણમાં ક્યાંય સંગ્રહ થયેલ છે. તેનું અંતર મન કોઈ વસ્તુ તરફ ઇશારો કરી રહ્યું છે અને જ્યાં સુધી રશ્મિ તે જાણી નહિ લે ત્યાંં સુધી આ સપના બંધ થઈ શકશે નહીં"

આ સાંભળી અનીતા ડોક્ટરને પૂછે છે "મતલબ જેમ રશ્મિ ને સપનામાં ખબર પડે છે કે તે અમદાવાદની જ છે. તેનું "માતૃસદન" ઘર પણ અમદાવાદમાં જ આવેલું છે, તેમ જો અમે આની સચ્ચાઇ સુધી પહોંચી શકીએ તો એ પણ ખબર પડી શકે કે રશ્મિની મમ્મીનું સાચે જ માં ખૂન થયું છે?, એના પિતા ક્યાં છે? એ પણ જાણી શકીએ"

"હા અનીતા, બની શકે છે કે તે હાલ જેટલા પણ પ્રશ્ન કર્યા તેમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણને પુરાવા સાથે વાસ્તવિક દુનિયામાં મળી જાય તો એ સાબિત થાય છે કે રશ્મિને આવનારા સપનામાં કોઇ સંકેત છુપાયેલો હોવો જોઈએ અને તે આપણે શોધવો જોઈએ"

" એટલે તમે પણ મદદ કરશો અમને?"

" હા હા કેમ નહીં! આ સાયન્સ માટે પણ એક નવી એચીવમેન્ટ બની રહેશે"

ડોક્ટર ની પોતાને મદદ કરવાની વાત સાંભળીને અનીતા અને રશ્મિ ખુશ થઇ જાય છે, અને કહે છે તો ડોક્ટર સાહેબ આપણે શરુ કરીએ આપણી સપના થી સચ્ચાઈ સુધીની સફર.

***