આપણે આગળ જોયું કે શ્યામલી અને વીરસંગ એની માતાને મળવા જાય છે. શ્યામલી ત્યાંનો માહોલ જોઈ એકદમ વિચારે ચડે છે. વીરસંગ પણ શ્યામલી પર કોઈ નકારાત્મક અસર ન પહોંચે એટલે સાથે જ રહે છે..હવે આગળ...
શ્યામલીનો પગ એ દરવાજામાં પડે છે કે શુભ શુકન થતા હોય એમ આભ થોડીવાર અમીછાંટણા કરે છે. રૂકમણીબાઈ તો એની પુત્રવધુને જોતા હરખઘેલી થાય છે. શું કરવું કે શું ન કરવું એ વિચારે એનું મન ચગડોળે ચડયું છે. ત્યાંના વડીલ એવા રળિયાત બા પણ વીરસંગ અને શ્યામલીના ઓવારણા લે છે. ખુબ સુખી થાવ એવા આશિર્વચનથી શ્યામલીને બેસાડે છે. શ્યામલીના મુખની આભા ચંદ્રમાને ઝાંખી પાડે એવી છે. વીરસંગ એ હવેલીના અંદર આવેલ ઠાકોરજીને નમન કરવા દાખલ થાય છે. શ્યામલી પણ એ જ અનુસરવા જાય છે કે રૂકમણીબાઈ એમ કરતા રોકે છે અને કહે છે " દીકરી, આ દોજખમાં તારે પગ જ નથી મેલવો. તારા માટે તો આ ઠાકોરજીને અમે મનાવશું કે તું સદા સુહાગણ રહે.
શ્યામલીએ આશિષ લેતી વેળાએ હવેલીને દરેક ખૂણે ઊભેલી સ્ત્રીઓની લાચારીને નરી આંખે વાંચી... જ્યાં
'એક અબળા નારી, સંજોગ સામે હારી' એ વેદના સ્પષ્ટપણે દ્રશ્યમાન થતી હતી. એક કૂવામાંના દેડકાની જેમ પોતાની જ દુઃખી જીંદગીની જાળમાં ખુદ લપેટાયેલી એ તમામ વિધવાઓ સાક્ષાત કાળની દાસીઓ જ લાગતી હતી. એ હવેલીની વિધવાઓમાં ઉંમરવાળી અને નાની વયની યુવતીઓ પણ હતી જ. શ્યામલીના રૂપ રંગ અને વસ્ત્રોનો રંગ આજ એ તમામને આંખમાં ખૂંચી રહ્યો હોવા છતા બધી વિધવાઓએ બેયના નવા જીવનની સફરની શુભ શરૂઆત અને આવનાર સંસારમાં પણ જીંદગી ખુશહાલ બની રહે એવી જ મંગલકારી શુભેચ્છાઓ દિલથી જ બક્ષી.
ઠાકોરજીને ધરાવેલી મિશ્રી સિવાય ત્યાં મીઠાઈમાં કશું ન હતું. રળિયાત બાએ બેયના હાથમાં એ ભોગ આપી પ્રેમથી પંપાળ્યા. રૂકમણીબાઈએ પણ વીરસંગની એકલતા હવે દૂર થશે એવો ભાવ પ્રકટ કર્યો. એણે પોતે શ્યામલીને બે હાથ જોડી વિનંતી કરી કે ' મારા દીકરાને જીવનભર સાથ આપજે. જે પ્રેમથી વીરસંગ વંચિત રહ્યો છે એ પ્રેમની જગ્યા તું સાચવી લેજે. ' આ વિનંતી વખતે આંખ અને હોઠ બેય બોલતા હતા. હ્રદય પણ ભીનું ભીનું થયું હતું ભાવથી. શ્યામલી આવી દીનતા કયારે કહેવી પડતી હશે એ સમજી શકનાર યુવતી હતી. એણે એ હાથને પોતાના માથા પર ગોઠવી એટલું જ કહ્યું કે " મારા પર અતૂટ વિશ્વાસ રાખજો. બીજું કશું નથી માંગવું."
આવી વાતચીત ચાલુ હતી ત્યાં જ જુવાનસંગે મોકલેલ બગીનો ચાલક ઉતાવળ કરતા કહે છે કે " જમીનદારબાપુએ વેળાસર પહોંચવા જણાવ્યું છે તો જરાં-.....
વીરસંગ અને શ્યામલી ફરી રળિયાત બા અને રૂકમણીબાઈને ફરી પગે લાગ્યા પછી પાછા વળવાની અનુમતિ માંગે છે. ભારે હૈયે હા પણ ન કહી શકનાર માતાએ ઓઢણાના ખૂણેથી પોતાની આંખ લૂછી બેય હાથ ઊંચા કરી બગી સામે જોયું. બેય પ્રેમીપંખીડા મંદિરના પ્રાંગણમાં પહોંચવા નીકળી ગયા. આખા રસ્તે ચાલતા મનોમંથનના તાર ગુંચવાતા જતાં હતા. કોઈ ઉપાય જ નહોતો. જમીનદારનો નિયમ એટલે છેલ્લો બોલ, જો ન માની શકાય તો જીવ પણ આપવાની તૈયારી રાખવાની.
બેય પરિવાર આ સંબંધથી ખુશ જ હતા. ચતુરદાઢી તો પોતાની દાઢી પર હાથ ફેરવતો બોલે છે કે ' જમીનદારે સિફતતાથી પંખીડું પાંજરે પૂર્યુ ખરા. ક્યાં સુધી ઊડશે ગગનમાં..આ તો જમીન ને જોરુ.. બધું જ જમીનદારનું...
કાળુભા અને બીજા સભ્યો વિદાય લે છે ત્યારે જુવાનસંગ લગ્ન માટે છ મહીના પછી ફરી મળીશું એવું જણાવે છે. ત્યાં સુધી વીરસંગને પણ કામકાજમાં રોકી એનો વિશ્વાસ સંપાદિત કરવાની રાજરમત ચતુરદાઢી અને જુવાનસંગ બેય ઘડે છે.
થોડા દિવસ પછી જમીનની સોદાબાજી અને નાણાના વહીવટનો એક મોટો મામલો નિપટાવવાનું અઘરું કામ વીરસંગને શિરે નાખવામાં આવે છે. એમાં સહાયતા કરવા માટે એનો વિશ્વાસુ ચતુર પણ સાથે રહે છે.
------------- (ક્રમશઃ) -----------------
લેખક : શિતલ માલાણી
૮/૧૦/૨૦૨૦
ગુરુવાર.