Madhurajni - 6 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 6

Featured Books
Categories
Share

મધુરજની - 6

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૬

નવી દિલ્હીના રેલવે પ્લેટફોર્મ પર મેધ અને માનસી ઊતર્યા ત્યારે ખુશમિજાજમાં હતાં. માનસીએ નવો ડ્રેસ પરિધાન કર્યો હતો, જેમાં તે બિલકુલ પતંગિયા જેવી આકર્ષક લાગતી હતી. નવી હવામાં જૂની જિંદગીના ચિત્રો ભૂંસાઈ ગયાં હતાં. તેનું રોમેરોમ જાણે નર્તન કરતું હતું. આમ તો માનસીએ સોનલદેની સોનેરી સલાહને અમલમાં મૂકી હતી.

‘જો...તું કાંઈ ભક્તિ ફેરીમાં નથી જતી. બરાબર લાગવું જોઈએ મેધને...કે આ છોકરીને મારે તરબોળ કરવાની છે.’ મેધ જોઈ જ રહ્યો માનસીના નવાં રૂપને. ‘માનસી, એમ થાય છે કે રહેવા દઈએ પર્વતીય રાણી પર જવાનું. એક રાણી બસ છે.’ મેધ ઉત્તેજીત થઈ ગયો હતો. માનસી હસી પડી હતી. તે ધીમેથી બોલી હતી- ‘આભાર સોનલદે.’

દહેરાદુનની વૈભવી બસ તરત જ મળી ગઈ હતી. અને ત્યાંથી પર્વતીય રાણી.....

મેધ એક વેળા અહીં સુધી પ્રવાસમાં આવીચૂક્યો હતો. શાળા તરફથી પ્રવાસ યોજાયો હતો

. અને એજ સ્થળે તે મધુરજની માણવા જઈ રહ્યો હતો,

માનસી સાથે. તે પુરેપુરો રંગમાં આવી ગયો હતો.

બસની આરામદાયક સુંવાળી બેઠકો પર, તે બંને અડોઅડ ગોઠવાયા ત્યરે મેધ માન્સીમય અને માનસી મેધમય બની ગયા હતાં.

જોકે બસમાં આવાં જોડકાઓની હાજરી વિશેષ હતી. આમાં લજ્જા અનુભવવાની વાત જ નહોતી. સાવ ઝાંખી રોશની હતી. પરદાઓ બાહ્ય ઉજાશને આવવા દે તો ને? વાતાનુકુલ વ્યવસ્થા હતી, અને કર્મચારીઓની ખાસ ખલેલ પણ નહોતી.

માનસીને લાગ્યું કે આમાંના કેટલાક ગુજરાતીઓ હતા, જે તેમની આગવી ખાસિયતોથી ઓળખાઈ જતાં હતા.

માનસી મેધ પર ઢળીને બેસી ગઈ એ મેધને ગમ્યું. એક સ્ત્રી શરીર તેના દેહને વળગીને, ચપોચપ વળગીને...આ કલ્પના જ ઉત્તેજક હતી.

મેધને થયું કે આ પરંપરા- સ્ત્રી પુરુષના સાયુજ્યની ખરેખર અદભુત હતી ! કોણે કરી હશે આ રચના ? કોણે પુરુષ સર્જ્યા, અને કોણે આ....માનસી જેવી.....સ્ત્રી ? બધું જ કેટલું સંપૂર્ણ હતું, અને કેટલું અર્થપૂર્ણ ? આખી વ્યસ્થા જ રમણીય, મનોહર અને પ્રસન્નતાથી સભર.

મેધનો હાથ વધુ લંબાઈને માનસીને ભીંસવા લાગ્યો. ‘ઓહ ! ભારે પ્રબળ છહો તમે, મેધ. શક્તિમાન....!’ માનસીને હસીને અભિનય કર્યો હતો- લજ્જાનો.

બરાબર.....એ સમયે શાંતિ- આશ્રમના એક ખંડની આરામદાયક પથારીમાં સુમંતભાઈ સૂતા હતા. તેમણે આંખો ખોલી હતી, એ જોવા કે તે ક્યાં હતા.

નાનકડો બારી વાળો ખંડ હતો. પાસે એક ખુરશીમાં એક કિશોર બેઠો બેઠો કશું વાંચી રહ્યો હતો. છત નીચી હતી. એક ગીતાનો એક શ્લોક લખાયેલો અંકિત થયો હતો. બહારથી થોડો સ્વરો સંભળાતા હતા – વિહંગોના, માનવીઓના.

થોડી ચહલપહલ હતી બહાર.

સુમંતભાઈએ આંખો ચોળી. તેમને યાદ આવ્યું કે તે તો ભરૂચ રેલ્વે- સ્ટેશનની બહાર કોઈ રિક્ષાવાળા પાસે હતા. તે કશુંક બોલ્યા હતા- સાવ અજાણ્યાં જેવું. કદાચ કોઈ આશ્રમ વિશે.

તરત જ રિક્ષાવાળો બોલ્યો હતો – ‘ગફૂર, આ તો તારી સવારી. તું જ લઈ જા, સાહેબને.’

તેમને યાદ આવ્યું કે તે કોઈ ગાડીની પાછલી બેઠકમાં ગોઠવાયા હતા, અને તરત જ આડા પડી ગયા હતા એ બેઠક પર.

ત્યારે કદાચ બપોર હતી. તડકો પણ તેજ હતો. વસ્ત્રો શરીર સાથે જાણે ચોંટી ગયા હતા.

અને અત્યારે તો સાંજે ઢળી ચૂકી હતી. બારીમાંથી ઉજાસ અને પવન, બંને આવતાં હતાં. જળ વહી રહ્યું હોય એવી ખળખળ પણ સંભળાતી હતી. જે પવન આવતો હતો એમાં જળની ભીનાશ હતી.

તેમને લાગ્યું કે તે કોઈ મંદિર કે આશ્રમમાં હતા, અને એ સ્થળ ભરૂચથી નજીક હતું. તો પછી આ જળપ્રવાહ ? ઓહ ! એ તો.....એ તો નર્મદા, મૈયા....નર્મદા !

બે ચાર પળ, સુમંતભાઈ નર્મદામય બની ગયા. ઓહ ! નર્મદા ? આટલી પાસે ? પેલી બારીમાંથી તો કદાચ, દર્શન પણ થઈ શકે ! પંડની પીડા ભૂલી જઈને સુમંતભાઈ બોલી ઉઠયા - ‘નામાનિ, દેવી નર્મદે !

તરત જ તિલક ચમક્યો હતો. તેને મહેમાનનું ધ્યાન રાખવાનું કામ સોપયેલું હતું. સોમેશ્વરજીએ સોપ્યું હતું. ‘ઓહ ! આપ જગ ગયે....’ તે બોલી ઉઠ્યો. તેની મુગ્ધ આંખો જરા ચમકી હતી.

અને તે તરત જ દોડીને સોમેશ્વરજીને કહેવા દોડી ગયો હતો. તેની ટૂંકી ધોતી અને ખુલ્લો ઝભ્ભો.....હવામાં ઝૂલ્યાં હતાં. જે પુસ્તક તે વાંચી રહ્યો હતો એ તો ફરસ પર જ પડી ગયું હતું.

સુમંતભાઈને થયું કે તે એ પુસ્તક.....ઊંચકીને ટિપોય પર મૂકે. આમેય પુસ્તકનું માન જાળવવાનું તેમને કેટલું ગમે !

તે ઊભા થવા જતા હતાં ત્યાં જ એક ગેરુઆ વસ્ત્રધારી યુવાન પ્રવેશ્યો, એ કિશોરની સાથે.

‘રહેવા દો પ્રોફેસર, શ્રમ ઉઠાવવાનું રહેવા દો. તમારે થોડા આરામની જરૂર છે.’ તેમણે સસ્મિત સૂચના આપી અને આવીને પાસેની ખુરસીમાં બેસી ગયો.

સુમંતભાઈને પ્રોફેસરના સંબોધનની જરૂર નવાઈ લાગી. આ વ્યક્તિ- અરે, સંન્યાસી જ લાગતા હતા, એ ક્યાંથી જાણે તેનો વ્યવસાય ? અને બીજું વિસ્મય થયું, આ યુવાનનું. આટલી નાની વયે આવાં સંન્યસ્તના વસ્ત્રો ?

આ વયે તો આ યુવાન કોઈ વિદ્યાલયમાં......હરતોફરતો હોય, સડકો પર બનીઠનીને હાહાહીહી કરતો હોય, કદાચ મેધની જેમ અભ્યાસના વિષયોની ચર્ચા કરતા હોય !

તેમને માનસી અને મેધ યાદ આવ્યાં હતાં. ક્યાં હશે એ બંને ? બેય ચહેરાઓ આંખો સામે તરવરી રહ્યાં.

સુમંતભાઈ હસીને પથારીમાં લેટી ગયા. આ છોકરા જેવાં સંન્યાસીની સૂચના તેમણે પાળી હતી.

‘પ્રોફેસર સાહેબ.....તમે નિશ્ચિંત સ્થાને જ આવ્યા છો. આ શાંતિ- આશ્રમ છે. તમારે અહીં જ આવવું હતુંને ? ગફુર.....જ તમને લાવ્યો હતો, સાંભળીને લાવ્યો હતો.’

સુમંતભાઈએ સંકેતથી હા ભણી હતી, પણ તેમના ચહેરા પરનું વિસ્મય હજી યથાવત હતું. તેમને ખબર પણ ક્યાં હતી કે...તે ક્યાં સ્થળે જઈ રહ્યાં હતાં.

‘ગફુંરનું ટેક્ષી ભાડું....’ સુમંતભાઈની ચિંતા બોલકી થઈ ગઈ.

‘એ ચૂકવાઈ ગયું. તમે હળવા થઈ જાવ. તમારે પુનઃ સાજા થઈ જવાનું છે.’ એ સંન્યાસીએ શ્રદ્ધાપૂર્વક જાહેર કર્યું.

અને સુમંતભાઈને તેમનો મહારોગ યાદ આવી ગયો.આ યુવાન સાજા થવાનું કહે છે પણ તે ક્યાં જાણે છે રોગ અને રોગની છેલ્લી અવસ્થા? આ તો આયુષ્યને સંકેલવાનો સમય હતો.

પેલા સન્યાસીએ તેમનું વિસ્મય વાંચી લીધું.

‘સુમંતભાઈ....મેં તમારા રોગની આખી ફીલે વાંચી લીધી છે.માફ કરજો, તમારા વિશે જાણવા માટે તમારો સામાન તપાસવો પડ્યો હતો. અને તેમાંથી તમારી ઓળખાણ મળી, તમારા રોગની પણ ઓળખાણ મળી. મારા મિત્ર, તમે આને જિંદગીનો અંત સમજતાં નહિ.મારી પાસે ઔષધો છે. યથામતિ જ્ઞાન પણ છે. નર્મદામૈયાની કૃપા થશે તો તમે અવશ્ય સ્વસ્થ થઈ જશો.’

સુમંતભાઈ ચકિત થઈને સંભાળતા રહ્યા. કાન પર, મન પર વિશ્વાસ ન બેસે તેવી અશક્ય વાત હતી આ તો?

‘પ્રોફેસર....તમે તો લગભગ જિંદગીની આશા છોડી જ દીધી છે, ખરુંને?’ તે બોલ્યા. આ શબ્દોમાં સચ્ચાઈ હતી.

‘હા...સ્વામીજી ‘સુમંતભાઈ એ કદાચ પ્રથમ વખત યોગ્ય સંબોધન કરીનેભાવ પ્રદર્શિત કર્યા. કશુંક અવનવું તત્વ જણાયું આ મૂર્તિમાં અને એના શબ્દોમાં.

‘બસ...આ જીર્ણશીર્ણ જિંદગી મને સોંપી દો. આ તો તમે છોડી જ દીધી છે ને?’

‘હા...સ્વામીજી ‘મારે તો કોઈ નવીન વાતાવરણમાં અસ્તિત્વને મિટાવવું હતું જ્યાં માનસી ના હોય –દુઃખી થનારી. માનસી મારી એકમાત્ર સંતાન...’ સુમંતભાઈ બોલ્યા.

‘બસ હવે તમારા પર મારો અધિકાર. મારે તમને સ્વસ્થ બનાવીને, પુત્રી પાસે મોક્લ્ચાં છે. થર્ડ સ્ટેજના કેન્સરના ઉપાયો કોઈ પાસે નથી.મને ઉપચારો કરવા દો.મને મારા જ્ઞાન પર ખૂબ શ્રદ્ધા છે. આસપાસનાં જંગલો તો ઔષધાલય છે મારું. વૃક્ષેવૃક્ષને જાણું છું. અને માનવ શરીર ને પણ.

પ્રોફેસર...બસ, શ્રદ્ધાવાન બનો. તમને જિંદગી મળશે જ.’ સ્વામીએ બોલવાનું બંધ કર્યું.

તરત જ તેમણે સુમંત ભાઈના હાથની નાડી હાથમાં લીધી હતી.આંખો તપાસી હતી. એ પછી હોઠો, જીભ, શ્વાસોશ્વાસ....કંઈક નોંધાયું કાગળપર.

અને તરત જ ઉપચારો શરૂ થઈ ગયા. પેય તૈયાર થયું હતું. એ અપાયું, સર્વપ્રથમ.

‘મારું નામ સોમેશ્વર, તમે મને એ સંબોધન કરશો તો પણ ઠીક રહેશે. આ.......છોકરા જેવડો હતો ત્યારથી અહીં- આ શાંતિ- આશ્રમમાં છું. જ્ઞાન છે એને વિસ્તૃત કરું છું. વગડામાં અને વનમાં ફરું છું- ઔષધો માટે. અહીં જે આવે છે, એ રોગીઓની સેવા અને ઉપચાર કરું છું. મેં તો ગ્રંથો તૈયાર કર્યાં છે- રોગોના, ઉપચારોના.

એમ માનજો, પ્રોફેસર....તમને ઈશ્વરે જ અહીં મોકલ્યા છે.’ ‘હા.....સોમેશ્વરજી. મને ઈશ્વરે જ અહીં મોકલ્યો- ગફુર દ્વારા.’ સુમંતભાઈ આભારવશ થઈ ગયા. તેમણે બે હાથો જોડ્યા- નમસ્કારની મુદ્રામાં.

‘આવો.....તમને આશ્રમ......દેખાડું.....કદાચ......આવતીકાલે......સ્વામીજી પણ મળી શકશે. તેઓશ્રી પ્રવાસમાં છે.....’

હવે તેમના પગ જમીન પર સ્થિર રહેતા હતા.

પહેલી નજરે જ આશ્રમ- દર્શનથી મનને શાંતિની અનુભૂતિ થઈ. બરાબર નદીના કાંઠા પર, સ્હેજ ઢોળાવ પર આશ્રમ હતો. થોડે દૂર નીચાણમાં વિશાળ પટ પર નર્મદા વહી રહી હતી, પશ્ચિમ દિશા ભણી જઈ રહી હતી, સાગરને મળવા. ગતિમાં એટલી ત્વરા હતી કે એનો નાદ સતત કાનમાં ગુંજતો રહે.

ઢોળાવ વાળી જગ્યામાં ચડ ઉતર જેવાં બાંધકામો હતા. રહેવાના નિવાસો, ગાયોની ગમાણો, એક બે શિખરબંધ મંદિરો અને એ વચ્ચે પગથિયાંઓ અને ઢાળવાળી પગથીઓ.

અને વૃક્ષો ય કેટલાં ? એક મોટો ભાગ ઔષધો માટેની વનસ્પતિનો.

સોમેશ્વર સાથે ફરીને બધું જ, રસપૂર્વક બતાવ્યું હતું. ‘પ્રોફેસર સાહેબ, તમારાં ઔષધો જ પણ અહીં જ બનશે. હું ખુદ બનાવીશ. તમારે સવાર-સાંજ અહીં જ આવવું પડશે. આપણે થોડી ગોષ્ઠી કરીશું, અને સાથોસાથ ઉપચાર પણ થશે.

‘હવે,...ચાલો..રાત્રિભોજન કરી લઈએ. તમને કદાચ, ક્ષુધા અકળાવતી હશે.’ સોમેશ્વર બોલ્યા અને હસી પડ્યા. તેમનું હાસ્ય સાવ સહજ હતું. એમ લાગતું હતું કે તે સુમંતભાઈના આગમનથી પ્રસન્ન હતા, ઉપચારો કરવામાં પણ તેમને આનંદ હતો.

‘સોમેશ્વરજી...મને શીખવી દેશો તો હું પણ તમને સહાય કરીશ. મેં તો જિંદગી વિશે વિચાર કરવાનું જ બંધ કર્યું હતું. આ તો તમે જ મને જિંદગી પ્રતિ આણ્યો.’

સુમંતભાઈને પણ આ પરિવર્તન ગમ્યું.

આશ્રમમાં આશરે પચીસેક વ્યક્તિઓની હાજરી જણાઈ. સંકુલ વિશાળ હતું.છેક ઊંચાઈ પર શિવમંદિર હતું. પીળી ધજા ફરકતી હતી. પવન સુસવાટા મારતો હતો. અને ત્યાંથી નર્મદાની સપાટી ચોખ્ખી દેખાતી હતી. સંધ્યાના રંગો નદીના જળપર ઝાંય પાડતા હતા.

મંદિરમાં થતો જયઘોષ ક્યાંય સુધી પડઘાતો હતો કારણ કે આસપાસમાં ઊંચાઈવાળી ટેકરીઓ પણ હતી. વૃક્ષો ની વનરાજી વચ્ચે લાલ, પીળી, સફેદ,કેસરી ધજાએ ફરકી રહી હતી. કોઈ પણ સમયે, ક્યાંય જયઘોષ કે ઘંટનાદ થતાં અને આખો નદીકાંઠો દિવ્ય બની જતો સુમંતભાઈ આટલા પ્રસન્ન ક્યારેય નહોતા. અહીં આવ્યા પછી આટલી પ્રસન્નતા મળી હતી.સોમેશ્વર સાથે આત્મીયતા બંધાતી જતી હતી. સ્થળનું મમત્વ જાગતું હતું.

રાતે પથારીમાં પડ્યા ત્યારે મન વાગોળતું રહ્યું, આ પરિવર્તનને. પ્રાંગણમાં એક મશાલ જલતી હતી. જેની જ્વાળાઓ આખા સંકુલ પર થરથરતી હતી.

મશાલ બરાબર,યજ્ઞશાળાની વચ્ચે હતી. યજ્ઞની વેદીની પાસે જ એ જલતી હતી.

ઉપરના મંદિરના ગર્ભભાગમાં દીપો જલતા હતા. ઉપર આકાશ તગતગતું હતું, અગણિત તારકોથી.

આથી વિશેષ પ્રકાશની જરૂર પણ નહોતી જણાતી કોઈને. ‘સાહેબ...આ બેટરી રાખજો પાસે. કદાચ જરૂર પડે તો...’ કરતો તિલક આવી ગયો.

ખંડના દ્વાર અધખુલ્લા હતા. સોમેશ્વર અને બીજા લોકોએ પ્રાર્થના ગાઈ. પછી ઓમ...શાંતિ...શાંતિ થયું. અને રાતનો પ્રારંભ થયો. થોડી ક્ષણોમાં પદરવો પણ શમી ગયા. આખું સંકુલ ગાઢ નિદ્રામાં પોઢી ગયું જાણે.

સુમંતભાઈને માનસી યાદ આવી. ક્યાં હશે એ તથા મેધ? થોડા વિહ્વળ પણ થઈ જવાયું એ ક્ષણે. પણ પછી થોડીવારમાં જ કદાચ ઔષધને કારણે હશે કે દવા કારણભૂત હશે, તે ગાઢ નિદ્રામાં સરી ગયા.

સોમેશ્વર આવી, જોઈને ચાલ્યાં ગયા એ પણ ક્યાં જાણતા હતા?

એ સમયે માનસી અને મેધ ટુરીસ્ટ બસમાં હતાં. માનસી તો નાની બાળકીની જેમ જ મેધના ખભા પર ઢળીને જંપી ગઈ હતી. આછી આછી ઉજાસ-વ્યવસ્થા, શાંતિ, વાહનની હીંચકા જેવી ગતિ અને પ્રિયપાત્રનું સામીપ્ય આ અંધારી રાતે મનને ખળભળાવવા માટે ઉદીપકની ગરજ સારતા હતા.

મેધ વિચારતો હતો, ‘ઓહ! કેટલી શ્રદ્ધાથી મારા પર ઝળુંબીને સૂતી છે? સ્ત્રી કેટલી સહજતાથી, પ્રબળતાથી, શ્રદ્ધાથી પ્રેમ કરતી હોય છે- એક અજાણ્યા પુરુષને? સ્વાર્પણ કરી દે છે એક પળમાં.’

રોજ સાંજે કોફીનો મગ લઈ આવતી માનસીને તો ખ્યાલ પણ નહીં હોય- તેની આ નિયતિનો?

આવી શ્રદ્ધા માત્ર સ્ત્રી જ મૂકી શકે.

તેણે તત્ક્ષણ નક્કી કરી નાખ્યું હતું કે તે માનસીને સુખી કરશે, સુખથી તરબોળ કરશે. સાહેબે રાખેલી અપેક્ષા પૂર્ણ કરશે.

બસ પર્વતીય માર્ગ પર મંથર ગતિએ વહેતી હતી.

અચાનક માનસીએ પૂછ્યું, ‘મેધ, ક્યાં છીએ આપણે?’ એ સ્વરમાં માદકતા હતી.

‘માનસી, હું બસમાં છું. અને તું મારા આશ્લેષમાં.’ અને તે વધુ સમીપ આવી હતી.