આજના બર્થડે સર્જક
*સુમન શાહ*
(લેખન સંકલન અને સ્કેચ:
'શિલ્પી' બુરેઠા કચ્છ)
*રખેવાળ દૈનિક 01/11/2020*
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર,સમીક્ષક, અનુવાદક અને તંત્રી/સંપાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ 1 નવેમ્બર 1939ના રોજ વડોદરા પાસેના ડભોઈમાં થયો હતો. તેમનું આખું નામ સુમનચન્દ્ર ગોવિંદલાલ શાહ છે. તેમના માતાનું નામ કુંદનબેન છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ડભોઈ પ્રાથમિક શાળામાંથી અને માધ્યમિક શિક્ષણ 1957માં વિભાગ માધ્યમિક શાળા ખાતેથી લીધું હતું. તે વાણિજ્ય શાખામાં સ્નાતકના અભ્યાસ માટે એમ.એસ. યુનિવર્સિટીમાં જોડાયા પરંતુ 1959માં આર્ટ્સ કોલેજ, ડભોઈમાં પ્રવેશ મળતાં એમ.એસ. યુનીવર્સિટીનો અભ્યાસ છોડી દીધો હતો. તેઓએ 1962માં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય અને ગૌણ વિષય તરીકે સંસ્કૃતમાં સ્નાતકની પદવી મેળવી.1964માં તેમણે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતેથી ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી.અને 1978માં મોહનભાઇ શંકરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાંથી “સુરેશ જોષી : સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્ય પર તેની અસરો”વિષય પર શોધનિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક તરીકેની બેતાલીસ વર્ષની કારકિર્દીમાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર-ઇમૅરિટસ પદે હતા. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટ રૂપે પણ એમણે સેવાઓ આપી છે. પીઓરીઆ ઇલ્લિનૉય કૉલેજ સૅન્ટરમાં એમણે ભણાવ્યું છે. એમનાં 77થી વધુ પ્રકાશનો છે. પીએચ.ડી પદવી માટેનો એમનોશોધનિબંધ 'સુરેશ જોષીથી સુરેશ જોષી' ગ્રન્થસ્વરૂપે પ્રકાશિત છે. વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે.
તેઓ કૉલમનવીસ પણ છે. 1985થી 2020 દરમ્યાન એમણે 'સમકાલીન' 'ગુજરાત સમાચાર' 'સમભાવ' અને'નવગુજરાતસમય' દૈનિકોમાં મુખ્યત્વે સાહિત્યવિષયક કૉલમો લખી છે. તેઓ ફેસબુક પર પણ અવારનવાર લખતા રહે છે.
એ ખેવનાને એઓ પોતાનો કાયમી ધ્યાનમન્ત્ર ગણે છે. એ ખેવનાભાવથી પ્રેરાઇને એમણે બાવીસ વર્ષ લગી 'ખેવના' સામયિક ચલાવ્યું, ઉપરાન્ત, 'સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ', 'સન્નિધાન' તેમજ 'પુનરપિ' જેવાં અનૌપચારિક સંગઠનો રચીને ઉપકારક કાર્યશિબિરો કર્યા.
એમના છ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા છે. એમનો દાવો રહ્યો છે કે એમની પ્રત્યેક વાર્તારચના ચોખ્ખા અર્થમાં 'સર્જન' છે. જોકે, 57-થી વધુ વર્ષથી વાર્તાસર્જન કરતા આ વાર્તાકાર ઇચ્છે છે કે પોતે 200-થી વધુ વાર્તાઓ લખી શકે, જેથી, વિશ્વ-સાહિત્યમાં બેસે એવી કદાચ બે-એક બની આવે.
ચેખોવની 'થ્રી સિસ્ટર્સ'નો ત્રણ બહેનો (1965), દોસ્તોવ્યેસ્કીની ધ મીક વન નો વનિતા (1985), બેકેટ્સની વેઇટીંગ ફોર ગોદોતનો ગોદોતની રાહમાં (1990), એમ.કે.નાયકની હિસ્ટરી ઓફ ઇંડીયન ઇગ્લીશ લિટરેચરનો ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ (1999) અને હારોલ્ડ પિંટરની અ સ્લાઈટ એચ નો ભમરી (2007) વગેરે અનુવાદ કર્યા છે. તો કન્નડ લેખક મીર્ગી અન્ના રે ની નવલકથા નિસર્ગનો પણ હિંદીમાંથી અનુવાદ કરેલ છે.
આ ઉપરાંત સંપાદન ક્ષેત્રે મહત્વની ભૂમિકા રહી છે. સાત પુસ્તકોના સંપાદનથી સાહિત્ય સ્વરૂપોનો પરીચય કરાવ્યો. આત્મકથા, નવલકથા, ટૂંકી વાર્તા, સોનેટ, લલિત નિબંધ અને ખંડકાવ્ય 1983-87 દરમ્યાન પ્રકાશિત થયાં છે. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓનું સંપાદન કરેલું છે. જેમાં સુરેશ જોષીથી સત્યજીત શર્મા (1975), કેટલીક વાર્તાઓ (1992), કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ (1993) (ગુલાબદાસ બ્રોકરના સહયોગમાં), કેટલીક વાર્તાઓ (1995), ઊજાણી (2004), (સુરેશ જોશી સાહિત્ય ફોરમ અંતર્ગત વાર્તાસંગ્રહ) અને વાર્તા રે વાર્તા (2015) (47ટૂંકી વાર્તાઓનો સંપાદકીય નોંધ સાથે સંગ્રહ)નો સમાવેશ થાય છે. અન્ય નોંધનીય સંપાદન કાર્યોમાં આઠમા દાયકાની કવિતા (1982), આત્મનેપદી (1987), સુરેશ જોશીના સાક્ષાત્કાર અને વાંસલડી (1990) (દયારામ કાવ્યસૃષ્ટિ સંદર્ભે લખાયેલાં લેખોનો સંગ્રહ) મુખ્ય મુખ્ય છે.
કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દૉસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હૅમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વગેરે એમને સદા ગમતા સાહિત્યકારો છે. ભરત મુનિ, કુન્તક, ઍરિસ્ટોટલ, એલિયટ, દેરિદા વગેરેનાં સાહિત્ય-દર્શન એમનાં ગમતીલાં વિચાર-મનનક્ષેત્રો છે.
એમણે ભારતના વિવિધ શહેરોના તેમજ ઈન્ગ્લૅન્ડ અમેરિકા ધ નેધરલૅન્ડ્સ આફ્રિકા થાઇલૅન્ડ વેટિકન-રોમ ગ્રીસ દેશોના પ્રવાસ કર્યા છે.
શૈશવથી એમને ભક્ત-કવિ દયારામ ઘણા પ્રિય, કેમકે પોતે દયારામના ગામના છે. અઠવાડિયે ઓછામાં ઓછી એક વિદેશી ફિલ્મ જોવી કે સાથી જડી આવે તો એની જોડે ચેસ રમવી એ એમના કાયમના શોખ છે.
2002થી ઔપચારિક રીતે નિવૃત્ત આ સાહિત્યકાર નિરંતર શબ્દોપાસનાને કારણે વર્તમાનમાં ય એટલા જ સક્રિય રહ્યા છે.
તેઓ 1962માં રવીન્દ્રનાથ ટાગોર ચન્દ્રક, 1964માં હરગોવિન્દદાસ કાંટાવાલા સુવર્ણચન્દ્રક, 2008માં એમના 'ફટફટિયું' વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અવૉર્ડ, 2013માં પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક અને 2014માં સાહિત્યકાર ગૌરવપુરસ્કાર અને 2017માં એમને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સમીક્ષા-પારિતોષિકથી વિભૂષિત થયા છે.
********
💐💐💐💐
Happy birthday
*Suman Shah*
1/11/2020