Revenge Third Issue: - 1 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 1

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 1

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-1

આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો.

સૂર્યા પંડિત સિરીઝની પ્રથમ નવલકથા એવી પ્રતિશોધનાં આગળનાં બે અંકના અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વાચકોના આવતા મેસેજ એ દર્શાવવા કાફી છે કે આ નવલકથામાં આગળ શું બનવાનું છે એ જાણવાની વાચકોની ઉત્કંઠા કેટલી બળવત્તર બની છે.

કાળી શક્તિઓ, ડિમન, ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત, ધર્માંતરણ, તાંત્રિકોના ગામ મયાંગ, બ્રહ્મરાક્ષસ, ભૂતકાળને ધરબીને ઊભેલો કિલ્લો, મેલી વિદ્યા જેવી ઉત્કંઠા જગાડનારી વસ્તુઓને સમાવતી નવલકથાનો આ ત્રીજો અને અંતિમ ભાગ તમારી સઘળી અપેક્ષાઓ પર ખરો ઉતરે અને તમારા મનમાં ઉદ્દભવેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ કરે એવી આશા.

-જતીન. આર. પટેલ (શિવાય)

ભાગ 1

કાલી સરોવર નજીક આવેલી ગુફાઓમાં ભંડારીબાબા દ્વારા આધ્યા અને સમીરને શોધવા આવેલી ટોળીને તથા રાજા તેજપ્રતાપ દ્વારા આદિત્ય ઉર્ફ સૂર્યાને માધવપુરના પતન અંગેની વિતકના આખરી અંશ સંભળાવી રહ્યા હતાં.

200 વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

અડધી રાતે રાજ્યાશ્રય મેળવવા આવેલા વણઝારાઓને આશ્રય આપવો કે નહીં એ વિષયમાં વિચારતા રાજા વિક્રમસિંહ દરવાનની પાછળ-પાછળ કિલ્લાના દરવાજે આવ્યા ત્યારે એમને જોયું કે ત્યાં વીસથી પચ્ચીસ લોકોનું એક ટોળું દરવાજે ઊભું હતું, જેમાં મોટાભાગની સ્ત્રીઓ હતી.

"માધવપુરના રાજાને ઘણી ખમ્મા.!" વિક્રમસિંહને નજીક આવતા જોઈ એક પચાસેક વર્ષનો વ્યક્તિ વિક્રમસિંહ તરફ શીશ ઝુકાવી આદર દર્શાવતા બોલ્યો. એને અનુસરતા એની પાછળ ઊભેલાં બાકીનાં પહેરવેશ પરથી વણઝારા જેવા લાગતા લોકોએ પણ 'રાજાજીને ઘણી ખમ્મા' કહી પોતાનું શીશ નમાવ્યું.

 

"તમે જ આ લોકોનાં આગેવાન છો.?" વિક્રમસિંહે ટોળાની મોખરે ઊભેલી જૈફ વયની વ્યક્તિને સવાલ કર્યો.

"હા હુકમ..!" એ વ્યક્તિએ વિનયપૂર્વક કહ્યું. "મારુ નામ કૈલાસ છે, હું આ લોકોનો મુખીયા છું."

"અમે અત્યારે જેસલમેર જતા હતાં ત્યાં રસ્તામાં લૂંટારું ટોળકીએ અમારા ઉપર હુમલો કરી અમારું બધું લૂંટી લીધું..આટઆટલી બાઈઓ જોડે હોવાથી અમે હવે આ પરિસ્થિતિમાં આગળ જવા અસમર્થ છીએ. તમે અમને થોડા દિવસ આશરો આપો તો અહીં જે મળશે એ કામ કરી, બે-ચાર પૈસા રળી અમે અમારા રસ્તે નીકળી જઈશું."

 

કૈલાશના અવાજમાં રહેલી પીડા જોઈને રાજા વિક્રમસિંહનું હૈયું નરમ પડી ગયું. આમ શરણે આવેલા લોકોને રાજ્યાશ્રય આપવો એક ક્ષત્રિયનો ધર્મ હતો. આ ઉપરાંત વણઝારાની આ ટોળીમાં મોજુદ મોટા ભાગની મહિલાઓ હોવાથી વિક્રમસિંહે એ લોકોને રાજ્યમાં રોકાણ કરવાની અનુમતિ આપતા કહ્યું.

 

"સારું તમે અહીં રહી શકો છો. પણ, ધ્યાન રાખજો આ રાજ્યની ગરિમાને આંચ આવે એવું પગલું ભૂલથી પણ ભર્યું છે તો.."

"અરે હુકમ, અમે તમને ફરિયાદનો એક પણ અવસર નહીં આપીએ..દૂધમાં સાકર ભળે એમ અમે તમારા રાજ્યના લોકો સાથે ભળી જઈશું." વિક્રમસિંહ તરફ બે હાથ જોડી ગળગળા અવાજે કૈલાશે કહ્યું.

"દરવાન, આ લોકોની ધર્મશાળામાં રહેવાની સગવડ કરાવી દે, અને આમને ભૂખ લાગી હોય તો કંઈક જમવાની પણ વ્યવસ્થા કરાવી દેજે." દરવાનને આદેશ આપી વિક્રમસિંહ પોતાના મહેલ તરફ ચાલી નીકળ્યા.

 

વિક્રમસિંહના જતા જ દરવાને કૈલાશને ઉદ્દેશીને કહ્યું.

"સારું, તમે લોકો મારી પાછળ-પાછળ આવો."

 

આટલું કહી દરવાન માધવપુર કિલ્લાની અંદર આવેલી ધર્મશાળા તરફ ચાલી નીકળ્યો. નિરાશ્રિત અને મુસાફર લોકોના રહેવા અને જમવા માટે વિક્રમસિંહના પિતાજી ઉદયસિંહ દ્વારા આ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

 

દરવાનની સાથે-સાથે કૈલાશ અને બાકીના વણઝારા લોકો ધર્મશાળા તરફ ચાલી નીકળ્યા.

 

વિક્રમસિંહને મહેલ તરફ એકલા આવતા જોઈ પોતાના કક્ષના ઝરૂખે ઊભેલી રેવતીને પહેલા તો આંચકો લાગ્યો હોય એવું એના ચહેરાની તંગ રેખાઓ પરથી પ્રતીત થઈ રહ્યું હતું.

 

રેવતી ગંભીર મુખમુદ્રા સાથે કંઈક વિચારી રહી હતી ત્યાં એની નજર ધર્મશાળાનાં રસ્તે આગળ જઈ રહેલા દરવાન અને દરવાનની પાછળ આવતા વણઝારાઓના સમૂહ પર પડી. આ દ્રશ્ય જોતા જ રેવતીનું મુખ પણ પ્રસન્નતાથી છલકાઈ ગયું.

 

વણઝારાના ટોળામાં મોજુદ સ્ત્રીઓએ એમની રહેણીકરણી મુજબ આખો ચહેરો ઢંકાય એવો ધૂંધટ તાણેલો હતો. આ ઘૂંઘટના લીધે એ સ્ત્રીઓને ઓળખવી લગભગ અશક્ય હતી. આમ છતાં દૂર ઝરૂખામાંથી જ એ ટોળાની છેલ્લે ચાલી રહેલી સ્ત્રીને જોતા જ રેવતીના ચહેરા પર કટુ સ્મિત ફરી વળ્યું.

 

એ સ્ત્રીએ પણ ધર્મશાળામાં પ્રવેશ કર્યા પહેલા મહેલ ભણી નજર ફેંકી ત્યારે એની નજર પોતાને જોઈ રહેલી રેવતી સાથે ટકરાઈ ગઈ.

 

એ સ્ત્રીની મોટી-મોટી મેશ આંજેલી આંખો, ભારે ગોળાકાર ચહેરો અને ચહેરા પર બનેલા ડઝનેક છુંદણા એને ભયાવહ બનાવતા હતાં. એ સ્ત્રી રેવતી સામે જોઈ ખંધુ હસી અને ઝડપભેર પોતાના ટોળા સાથે ધર્મશાળામાં પ્રવેશી ગઈ.

 

"હવે હું પણ જોઉં છું.." ઝરૂખામાંથી પોતાનાં કક્ષમાં આવીને રેવતીએ પલંગમાં લંબાવતા મનોમન કહ્યું. "..કે કોણ મારા જોરાવરના હકમાં ભાગ પડાવવા આવે છે."

************

વર્તમાન સમય

 

એક અંધારિયા ઓરડામાં એક વ્યક્તિને મુશ્કેટાટ બાંધીને ખૂણામાં સબડવા માટે છોડી દેવામાં આવી હોય એવી પ્રથમ નજરે જોતા લાગી રહ્યું હતું. એ વ્યક્તિની કમરથી ઉપરનો ભાગ ખુલ્લો હતો. ખુલ્લી જમીન પર હાથ-પગ બાંધીને રાખવામાં આવી હોવાથી એ વ્યક્તિ ઠંડીથી ધ્રુજી રહી હતી.

 

આ ઓરડામાં પ્રકાશ આવી શકે એવી કોઈ જગ્યા નહોતી પણ એની નજીકના રૂમમાંથી આવતા પ્રકાશના લીધે અહીંનું દ્રશ્ય થોડું-ઘણું જોઈ શકાય એમ હતું. જ્યાંથી પ્રકાશ આવી રહ્યો હતો તે સ્થાને અમુક લોકો મોજૂદ હોવાનું એમની વચ્ચે થતી વાતચીતનાં ધ્વનિ પરથી જણાઈ રહ્યું હતું.

 

બંધનાવસ્થામાં મોજુદ એ વ્યક્તિની છાતીના ભાગમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે થયેલો ઘસરકો હતો, જેમાંથી નીકળતું રક્ત ધીરે-ધીરે સુકાઈ ચૂક્યું હતું. મોંની અંદર કપડાંનો ડૂચો મારેલો હોવાથી એ વ્યક્તિ ઈચ્છવા છતાં પણ કોઈને મદદ માટે અવાજ આપી શકવામાં પણ અસમર્થ હોય એવું લાગી રહ્યું હતું.

 

"જા, એને કંઈક જમવાનું આપી આપ." બાજુના ઓરડામાંથી એક પહાડી અવાજ પડઘાયો.

"પણ ભાઈ, એ સાલો જમવાની ના પાડી દે છે.." એ વ્યક્તિએ આપેલા આદેશના પ્રત્યુત્તરમાં એક અન્ય વ્યક્તિ બોલી.

"તો પણ એને જમાડવું તો પડશે ને.." આદેશ આપનારી વ્યક્તિ અવાજમાં સ્નેહનો રણકો લાવીને બોલી. "આને આવતીકાલ સવાર સુધી સાચવવાની જવાબદારી આપણે લીધી છે તો એ પૂરી તો કરવી પડશે ને."

"ચાર દિવસ થઈ ગયાં, હવે એક દિવસ વધુ સાચવવાનો છે..જો આને ભૂલેચૂકે કંઈપણ થઈ ગયું તો પચ્ચીસ લાખ હાથમાંથી ગયાં સમજવાના."

"સારું રાકા ભાઈ, હું કોશિશ કરું છું." આદેશનો વિરોધ કરનાર વ્યક્તિ પચ્ચીસ લાખની વાત સાંભળી ઢીલી ઘેંશ જેવી થઈ ગઈ.

"શાબાશ કાલુ..!" રાકાભાઈ નામક એ વ્યક્તિએ પોતાના સાગરીતના વખાણ કરતા કહ્યું.

વાતચીત પરથી અમુક વસ્તુઓ સ્પષ્ટ થતી હતી, રાકા અને એના માણસોએ પચ્ચીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ માટે થઈને કોઈકનાં કહેવાથી બાજુના ઓરડામાં બંધનાવસ્થામાં રહેલી વ્યક્તિને કેદ કરી હતી.

 

રાકાનો આદેશ માથે ચડાવી એનો કાલુ નામક સાગરીત હાથમાં જમવાની થાળી લઈને બાજુના ઓરડામાં બાંધેલી વ્યક્તિ નજીક આવ્યો અને બોલ્યો.

"લે તારા માટે જમવાનું લાવ્યો છું..થોડું જમી લે, તે કાલનું કંઈ ખાધું નથી."

 

જેના પ્રત્યુત્તરમાં બંધનાવસ્થામાં રહેલી વ્યક્તિ પહેલા તો ગરદન નકારમાં હલાવી જમવાની ના પાડવા લાગી પણ પછી કાલુએ જોર કરતા એને પોતાની હઠ છોડી અને જમવાની હામી ભરી દીધી. જેવો કાલુએ એના મુખમાંથી ડૂચો નિકાળીને એના હાથ છોડયા એ સાથે જ એ ભોજન પર તૂટી પડી. જાણે મહિનાઓથી જમી જ ના હોય એમ પગલની માફક એ ફટાફટ બધું ભોજન આરોગી ગઈ.

પોતાના બોસનું સોંપેલું કામ યોગ્ય રીતે કરી શકવાનાં આનંદ સાથે કાલુએ એ વ્યક્તિના હાથને ફરીથી બાંધ્યા અને એના મોંમાં ડૂચો ઠૂસીને ત્યાંથી ચાલતો થયો.

કાલુ બધું કામ તો યોગ્ય રીતે કરવામાં સફળ થયો હતો પણ આ વખતે એને હાથ પર જે રસ્સી બાંધી એ ઉત્સાહમાં અને ઉત્સાહમાં જોઈએ એવી મજબૂત નહોતી બંધાઈ.

આ વાતની જાણ કેદીની માફક બંધાયેલી પેલી વ્યક્તિને આવી ગઈ હોય એમ એ સરકીને દીવાલ નજીક આવી અને પોતાના હાથ પર બાંધેલી રસ્સીની ગાંઠ છોડવાની પળોજણમાં લાગી ગઈ.

આ કાર્ય કરતી વખતે એ વ્યક્તિ પોતાનું સઘળું દુઃખ ભૂલી ચૂકી હોય એવું એની મુખમુદ્રા પરથી લાગી રહ્યું હતું. કેદમાંથી છૂટવાની આ તક કોઈપણ રીતે હાથમાંથી નહીં છટકી જવી જોઈએ એવા દૃઢ ઈરાદા સાથે એ પોતાના કાર્યમાં લાગી ગઈ. આ કાર્ય કરતી વખતે એના હાથ પર બનેલું મ્યાનમાં મોજુદ બે તલવારોનું છૂંદણું દ્રશ્યમાન થઈ રહ્યું હતું.

મ્યાનમાં રહેલી આ તલવારો માધવપુર રિયાસતની વંશપરાગત નિશાની હતી..જેનો અર્થ હતો કે બંધનાવસ્થામાં કેદ એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ સમીરસિંહ રાજપૂત હતી.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)