"હેય મે'મ!, કેમ રડો છો? ઇઝ એવરીથિંગ ઓલરાઇટ?" મારી બાજુમાં એક 20-22 વર્ષની છોકરી બેઠી હતી, એ છેલ્લી 15 મિનિટથી રડ્યા કરતી હતી. અંતે મારાથી ન રહેવાતા મેં પૂછ્યું. હું અને એ બંને લગભગ લાલ દરવાજાથી જ બેઠા હતા. અને અમારે વસ્ત્રાલ જવાનું હતું. હું આમ તો બારી પાસે બેઠી હોઉં એટલે બીજું કંઈ જ આજુબાજુ જોવાનું સુઝે નહિ, પણ ખબર નહિ એ દિવસે સૂઝ્યું. માત્ર સૂઝ્યું જ નહીં મેં એ છોકરીને એના રડવાનું કારણ પણ પૂછી લીધું, એણે મને કંઈ ન કીધું. બસ રડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવાર પછી મેં એને મારી પાણીની બોટલ આપી, પાણી પીવા માટે ઓફર કરી. એણે લીધી, પાણી પીધું, અને મને બોટલ પાછી આપી દીધી. એ બાદ શુ થયું છે એ મેં એને પૂછવાની દરકાર ન કરી, અને પાણીની બોટલ બેગમાં મૂકી દીધી. મારી અને એની ઉંમર વચ્ચે મને કંઈ તફાવત ન લાગ્યો, પણ સમસ્યાઓમાં જમીન-આસમાનનું અંતર હતું.
અરે સોરી યાર, હું તો તમને મારુ નામ અને મારું કામ જ કહેવાનું ભૂલી ગઈ. હું સિયા, નામથી સીતા અને કામથી ગીતા. એવું કહી શકાય. કારણકે હું બહુ જ મસ્તીખોર. મારા ઘરમાં કાઈ પણ આડુંઅવળું થાય, સમજી લો ને કે કોઈ સામાન તૂટવાથી લઈને કોઈની સાથે બબાલ કરવાની હોય, બધામાં હું તો હોઉં જ. બધા મને એક શાંત, સરળ અને વિચિત્ર પ્રકારના નેચરવાળી છોકરી તરીકે જુએ. હું હતી પણ એવી. શાંત, સરળ અને ખુરાફાતી. મારા ઘરમાં કદાચ જ કોઈ મારી શેતાનીઓથી બાકાત રહ્યું હશે. બધા એટલે જ જલ્દીથી જલ્દી મારાથી પીછો છોડાવવા ઇચ્છતા હતા.
આજુબાજુના લોકો પણ હવે તો મારા પરિવારજનોને ખૂબ કંમ્પ્લેઇન કરવા લાગ્યા હતા. "તમારી સિયા અમારી છોકરીને બગાડે છે.", "એના લગ્ન નથી થવા દેતી," વગેરે-વગેરે.. આ બધું રોજનું હતું. ત્યાં સુધી વાંધો નહિ, પણ હવે તો ઘણા છોકરાઓ પણ મને પ્રપોઝ કરી ચુક્યા હતા, પણ આપણું નક્કી હતું, જ્યાં સુધી કોઈની સાથે સાચો પ્રેમ ન થાય ત્યાં સુધી આવા કોઈ વહેમમાં નહિ પડવાનું, એટલે બસ હું પણ ધીરે-ધીરે બધાને ના પાડતી રહેતી. કોલેજ, સોસાયટી બધે જ લોકો પૂછે અને હું એમને ના પાડી દઉં.
પછી તો અજીબ અફવાઓ ઉડી, મારી કોલેજમાં. કે મને છોકરીઓ પસંદ છે. ગુસ્સો તો બહુ આવતો પણ કોને સમજાવું? યાર જો અત્યારના સમયમાં કોઈ છોકરીનો બોયફ્રેન્ડ (બી.એફ) ના હોય તો યા તો એને લેસ્બિયન માનવામાં આવે, નહિતર કોઈ માનસિક રીતે બિમાર. છોકરી બિચારી શાંતિથી ભણી જ ન શકે. અને એવું મારા કેસમા થયું. મને લોકો લેસ્બિયન માનવા લાગ્યા. પણ હું ક્લિયર હતી. મારે તો નક્કી જ હતું, કે ચાહે જે થાય હું જો પ્રેમ કરીશ તો પુરા દિલથી. એ સિવાય કોઈપણને મારુ જીવન ખરાબ નહીં કરવા દઉં. એક રીતે કહી શકાય કે બોલીવૂડનો ખુબ મોટો ફાળો મારી આવી વિચારસરણી પાછળ રહ્યો અને દિવસે-દિવસે મારી એ વિચારધારા ખૂબ મજબૂત થઈ. મને બસ મારા સાચા પ્રેમની ઇંતેજારી હતી. ક્યારે પુરી થશે એ ખબર નહતી પણ જરૂર પુરી થશે એ ખબર હતી.
અને એક રીતે એ વિચારધારા બસની આવી ઘટનાઓને લીધે પણ મજબૂત થાય છે. એ છોકરી બસમાં પોતાના બી.એફ.ના લીધે રડતી હતી એ એના પાણી પીધા પછી એની પર આવેલા કોલને કારણે મને ખબર પડી. કાશ પહેલા ખબર પડી હોત તો કદાચ મેં એને પાણી ના આપ્યું હોત. પણ નસીબ મારા ખરાબ હતા, કે એને પાણી આપ્યું અને એ બધું પી ગઈ. આઈ મીન એક બેકાર છોકરાને કારણે એક અજાણી છોકરી મારી બોટલનું પાણી પી ગઈ. શુ યાર? લાઈફ ઇઝ સો અનફેર. મને મારી પર બહુ ગુસ્સો આવ્યો. આજ પછી જો આવું કોઈ મેટર હોય તો હું વચ્ચે નહિ જ પડું એવું મે જાતે નક્કી કર્યું.
ખબર છે ખબર છે તમે લોકો શુ વિચારતા હશો? પાણી પીવડાવવું એ પુણ્યનું કામ છે. મોટો સબબ છે. હા જાણું છું પણ એ એવા લોકો માટે જે કોઈ જેન્યુન પ્રોબ્લેમમાં હોય યાર! આવા બી.એફ. અને જી.એફ.ના નહીં. જે છોકરા કે છોકરીઓ ભણવા સિવાય આ ઉંમરમાં આવા સંબંધમાં પડે તો ખરે જ આ તકલીફો તો થવાની જ. અને પાછું અમુક લોકોનો સાચા પ્રેમનો દાવો. જે સાચો પ્રેમ દર વર્ષે બદલાતો હોય. છોડો એમા નથી પડતા. મારી માટે હું, મારો પરિવાર અને મારી પાણીની બોટલ, જે એ છોકરીએ એઠી કરી.........
શુ યાર....... મુડ ખરાબ..... એણે બધું પાણી પૂરું કરી દીધું હતું. એટલે હું ના પી શકી. રસ્તામાં ક્યાંયથી પાણી મળ્યું નહિ. ઘરે ગઈ તો મારા સંબંધની વાતો ચાલે. અને હું દુઃખી. એ જ વિચાર આવે કે આના કરતાં તો ઘરે જ ના આવી હોત તો સારું હતું. મને બધાની મદદ કરવી ગમતી પણ આજે જેની મદદ કરી, એણે મને મારી મદદનું "સારું" એવું પરિણામ આપી દીધું. મારી માટે દુઃખનો પહાડ તૂટી પડ્યો. ભગવાન..... હવે હું શું કરું??????
હજી તો માંડ ગ્રેજ્યુએશન પત્યું અને આટલી જલ્દી મારા લગ્ન. મમ્મી અને પપ્પા બંનેને સમજાવવા પ્રયત્ન કર્યો મેં. પણ એ માને તો ને! અને ઉપરથી મામા, માસીઓ, કાકા, ફઈ બધા મારા લગ્નની ફેવરમાં. ફઈએ જ છોકરો પસંદ કર્યો હતો. ફુઆના ભાઈબંધનો દીકરો. એના ગુણ ગાવામાં એ બંનેએ કઈ બાકી રાખ્યું નહિ. મને બહુ ગુસ્સો આવ્યો. પણ એમની સામે કઈ બોલાય એવું હતું નહીં. એટલે હું ચૂપ રહી અને નક્કી કર્યું છોકરા સાથે જ સામસામે વાત કરીશ. અને એ દિવસ પણ આવી ગયો જે દિવસે છોકરાવાળા અમારા ઘરે આવવાના હતા.....
(નમસ્કાર વાંચક મિત્રો, તહેવારોની આ સુહાની મોસમમાં હું પ્રિયાંશી આપની સમક્ષ પ્રેમની એક નાની સરખી લઘુનવલ રજૂ કરી રહી છું. માત્ર 4 પ્રકરણ ધરાવતી આ લઘુનવલને તમારો પ્રેમ મળશે એ આશા સાથે હું એના અન્ય ભાગો પણ જલ્દી મુકવા પ્રયત્ન કરીશ.)