આગળ આપણે મસુરીમાં ફર્યા અને ત્યાં મંછાબહેન ગુમ થયા.એમની પતો પોલીસ સ્ટેશનમાં મળ્યો.
હવે આગળ....
"તુમ્હારી બસ કા ડ્રાઇવર કોન હૈ?"
"મૈ હું સાહેબ."વિજયભાઈ જમાદાર પાસે જઈને બોલ્યા.
"તો સાથ મેં લેકે આતે હો તો પૂરા ખયાલભી રખા કરો ભૈયા.યે બહનને હમકો બહોત પરેશાન કર દિયા."
"ઓહ.. સાહબજી મેં ઉસકી ઔરસે માફી ચાહતા હું."
"ઠીક હૈ.અચ્છા હુઆ બડે સાહેબ હાજર નહીં હૈ, વરના આપપે બહોત ગુસ્સા હોતે. મહિલાઓકો આકેલે છોડ દેતો હો. અભી લેકે જાઓ બહનજી કો."
બધા પોલીસ સ્ટેશનથી બહાર આવ્યા, ત્યાં તો જીંગો મંછાબહેન ઉપર ટુટી પડ્યો.
"એ બળબમ તારે પાણીપુરી ખાઈ ત્યાંજ ઉભા રેવાઈને."
"તે હું ન્યાજ (ત્યાંજ) હતી.પણ ડોબા તું ખોવાય ગયો,એટલે હું તને ગોતવા નીકળી.પણ એમાં તો હું જ ભૂલી પડી.હું પાછી વળી તો ત્યાં બે ત્રણ બહેનો મળ્યા.એટલે મેં એમને પૂછ્યું. હે યહાસે બસ ઉભી રહે એ કેટલાક દૂર હૈ. મુજે ન્યા (ત્યાં) જવાના હૈ. તમે સબ મને મૂકી જાશો."
હવે ખબર નય (નહીં) આએ શું સમજ્યું,પણ એ મારી સાથે બાજવા (ઝઘડવા) લાગી.. બોલો.
પછી મેં પણ ચાલુ કર્યું. અમે બજાતા (ઝઘડતા) હતા ત્યાં પોલીસ આવી ગઈ. અમને બધાને ઉપાડી ગયા પોલીસ સ્ટેશને. ત્યાં મને પૂછ્યું તો મેં કહ્યું;"મે ભૂલી પડ ગઈ હૈ. એટલે આમને પૂછતી'તી તો મેરે સાથ બાજવા (ઝઘડવા) લાગતી'તી."તો એ સાહેબ કહે તમે ગુજરાતી બોલો મને ગુજરાતી આવડે છે. "મેં એમને બધું કહ્યું.એમને જમાદાર ને કહ્યું;" થોડી વાર અહિયાં રાહ જુવો.કોઈ આમને ગોતતા આવે નહીં તો પછી ગાડી લઈને એમની બસ શોધજો."
"પણ હે મંછાળી તું જેની હારે (સાથે) બજતી'તી એને છોડ્યા કે નહીં."
"અરે ના ડોબા..એ તો પોલીસ વાળા એમ કંઇક કહેતા હતા કે આ જેબકતરી હૈ.એટલે એને નહીં છોડ.એની સર્વિસ કરવા મહિલા પોલીસ બોલવાવાનું કહેતા હતા."
"મંછાળી તારી સર્વિસ કરી કે નય (નહીં)."
"ડોબા મારી સર્વિસ શું કામ કરે?"
"આયાં (અહીંયા) ફરવા આવી છો તોય (તોએ) બાજે (ઝઘડો) તો શું તારી આરતી ઉતારે હે વળવાંદરી."
"હવે તમે બંને ચૂપચાપ ચાલશો કે અહીંયા જ મૂકીને જતા રહીએ. બહું સારું કામ કર્યું છે ને પાછા બકબક મંડ્યા છો ક્યારના!" વિજયભાઈનો ગુસ્સો જોઈ કોઈ કંઈ પણ બોલ્યા વિના ચાલતા થયાં.
બધા બસ પાસે પહોંચ્યા. રસોઈ તૈયાર હતી.બધા ભોજન કરવા બેસી ગયા.
અમારી બસ સીધી ચાલી નીકળી દિલ્હીના માર્ગ પર. વહેલી સવારે કમલાનગર દિલ્હી- 7 પંચાયતી ધર્મશાળામાં ઉતર્યા. બધા નાહવા અને ફ્રેશ થવા લાગ્યા. રસોઈયા મંડળી સવારના નાસ્તાની તૈયારીમાં લાગી ગઇ. જીંગાભાઇ પોતાનું નિયમિત કામ બસનો આગળનો કાચ સાફ કરવા લાગ્યા. બસને એક ઝાડ નીચે પાર્ક કરી હતી. ઝાડ ઉપર વાંદરા બેઠા હતા, કદાચ એમને એવી આશા હશે કે આજે સવારનું શિરામણ (સવારનું ભોજન) મળી રહેશે, પણ એ બિચારાઓને ક્યાં ખબર હતી કે એમનો ભવોભવનો દુશ્મન નીચેથી એમને જોવે છે.
બસનો કાચ સાફ કરતા કરતા જીંગાએ વાંદરાને જોયા ને ભાઈ રાતો પીળો થઇ ગયો. ટેબલ ઉપર ઊંચો થઈ બસના બોનેટમાં પગ ટેકવી ઝાડની ડાળ પકડીને એકદમ જોશથી હલાવી. બેધ્યાન વાંદરાઓએ બેલેન્સ ગુમાવ્યુંને આવ્યા નીચે ગડગડતા. બિચારા વાંદરા... પણ આ શું? એક વાંદરો નીચે મંછાબહેન બેઠા હતા એમની માથે પડ્યો. લોટ બાંધવામાં મશગુલ મંછાબહેનનું મોઢું લોટની કાથરોટમાં ગયું એટલે આખું મોઢું લોટ લોટ ભરાઈ રયું (રહ્યું).
"એ ડોબા સવાર સવારમાંતો હખ (નિરાંત) કર. તારા બાપને ન્યાં (ત્યાં) આ લોટ બગડ્યોને વળી મારી ડોક મચકોડાઈ ગઈ એ નોખું."
"મંછાળી મને થોડી ખબર હોય કે તું વાંદરા નીચે બેઠી હઈસ. બળબમના પેટની ઝાડ ઉપરથી પડે એ થોડા પૂછીને પડે વળવાંદરી."
"પણ તારે હવાર હવારમાં (સવાર સવારમાં) વાંદરાની હળી (ચારો) કરવાની શું જરૂર હતી. કામમાં ધ્યાન દેવાય.આવવા દે વિજયભાઈને!તારી ફરિયાદ કરવી છે આજ તો જો."
"એ પેલા તારું મોઢું ધો.ભૂત જેવી લાગે છે. કોઈ જોઈ જશે તો બિચારો ડરી જશે આ મંછાળી ભૂત જોઈને. અને હા વિજયભાઈ આવે એ પહેલાં મોઢું ધોઈ નાખ. જો વિજયભાઈ જોઈ જશે તો પાછા ખીજાશે.હજુ સાંજનો ગુસ્સો શાંત થયો નહીં હોઈ."
"હા હાલ (ચાલ) ઝડપથી ધોઈ લઉં."
અમે બધા ચા ભાખરીનો નાસ્તો કરી દિલ્હી જોવા નીકળ્યા.દિલ્હી દર્શનની શુભ શરૂઆત લાલ કિલ્લાથી કરવાની હતી.
લાલ કિલ્લો જૂની દિલ્હીમાં આવેલ ખૂબ પ્રચલિત અને ઐતિહાસિક સ્થળ છે.આ કિલ્લાનું નિર્માણ શહેનશાહ શાહજહાંએ કરાવ્યું હતું.એમ કહેવાય છે કે આ કિલ્લાનું બાંધકામ લગભગ 10 વર્ષ જેટલું ચાલ્યું હતું.આમાં મુખ્ય ફાળો આર્કિટેક ઉસ્તાદ હામિદ અને ઉસ્તાદ એહમદ નો હતો.સતત દસ વર્ષ મહેનત કરી ત્યારે 1648માં કિલ્લો તૈયાર થયો હતો.
આખો કિલ્લો યમુના નદીના કિનારે અષ્ટકોણીય આકારમાં બનેલ છે.ખૂબ ઊંચી કિલ્લા ફરતી દિવાલો કિલ્લાની સુરક્ષા મજબૂત હશે એવુ દર્શાવે છે.વળી બધી બાજુ ખાઈ પણ છે.આમ આ કિલ્લો સુરક્ષા માટે ખૂબ ખ્યાતનામ બન્યો હતો.
પહેલા આ કિલ્લો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો.એ સમયે અહીંયા રાજ પરિવારનું રહેઠાણ હતું. આ કિલ્લામાં મુખ્ય બે દરવાજા છે. એક લાહોર ગેઇટ અને બીજો દિલ્હી ગેઇટ. શાહજહાંએ આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કરાયા છે. ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં મોટા ભાગના સુધારાઓ કરવામાં આવેલ છે. બહાદુર શાહ એ છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ હતો. સંપૂર્ણ સુરક્ષા ક્ષમતા ધરાવતો હોવા છતાં બહાદુર શાહ ૧૮૫૭માં અંગ્રેજો સામેની લડાઇમાં હારી જાય છે.તેઓને ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે લવ્યામાં આવ્યા હતા. અલબત એમને દીવાને ખાસમા રાખવામાં આવ્યા હતા.અહીંયા જ બહાદુર શાહ પર જાન્યુઆરી ૨૭ ને ૧૮૫૮માં કેસ ચાલ્યો અને ઓક્ટોબર ૭નાં તેમને અહીંયાથી રંગૂન મોકલી દેવામાં આવ્યા હતા.૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની નિષ્ફળતા બાદ અંગ્રેજ સલ્તનતે આ કિલ્લામાં ઘણા ભૌતિક ફેરફારો કર્યા હતા.એવું કહેવાય છે કે પહેલા આ કિલ્લામાં બે થી ત્રણ હજાર જેટલા આવાસો હતા જે બ્રિટિશરોએ તોડી પાડ્યા હતા. અંગ્રેજોના શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો. આપણા દેશની સ્વતંત્રતા પછી ૨૦૦૩ સુધી આ કિલ્લાનો મહત્વનો ભાગ લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો.
આપણી આઝાદીના દિવસે, એટલે કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા આ લાલકિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી આ કિલ્લાપર આ દિવસે ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા ચાલુ છે.
આ કિલ્લાને યુનેસ્કો દ્વારા 2007માં વિશ્વ ધરોહરમાં સમાવેશ કર્યો છે.
આ કિલ્લાની અંદર જોવાલાયક સ્થળોમાં મુખ્ય દીવાને આમ, નહરે બહિસ્ત, ઝનાના, મોતી મસ્જીદ, હયાત બખ્શ બાગ વગેરે છે.
આ કિલ્લા પર ડિસેમ્બર ૨૦૦૦માં એક આતંકવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
મિત્રો આ હુમલો અમે ગયા ને લગભગ ત્રણ કે ચાર દિવસ બાદ થયો હતો.અમે અમારી કોલેજ પહોચ્યા બાદ અમારા સરે ન્યુઝ પેપરમાં બધું વાંચી સંભળાવ્યું હતું.
એક એવું માન્યતા છે કેકિલ્લાના પથ્થરો લાલ નથી, પણ અંગ્રેજોએ કબ્જો મેળવ્યા પછી આખા કિલ્લાને લાલ રંગથી રંગાવ્યો હતો. આથી જ તો એ લોકો આ કિલ્લાને રેડ ફોર્ટ કહેતા.
હવે અમે ચાંદની ચોક તરફ ચાલી નીકળ્યા.લાલ કિલ્લાથી માત્ર દસથી બાર મિનિટ ચાલ્યા ત્યાં આવી ગયો ચાંદનીચોક.
એવું માનવામાં આવે છે કે ચાંદની ચોક એક સમયે રાજકીય સહેલગાહ અને મોગલ યુગમાં શાહી સરઘસનો માર્ગ હતો.રાજધાની શાહજહાનાબાદના ભાગ રૂપે તેનું નિર્માણ 17 મી સદીના વચગાળાના સમયમાં કરવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવે છે કે ચાંદની ચોક પાણીનાં તળાવમાં ચંદ્રના પ્રતિબિંબથી જે દ્રશ્ય નિર્માણ થતું તેને કારણે આ નામ આપ્યું છે. અત્યારના ટાઉનહોલની સામેના ચોકમાં તળાવ હતું. પરંતુ અંગ્રેજોએ તેના ઉપર એક ઘડિયાળ ટાવર બનાવ્યો હતો, જે લગભગ 1951માં પડી ગયો.ધીરે ધીરે આ શેરી થતા શેરીની આસપાસનો વિસ્તાર ચાંદનીચોક તરીકે જાણીતો થઈ ગયો.
અહીંયા ખરીદી માટે મોટું માર્કેટ છે.પણ છેતરાવ નહીં એની તકેદારી રાખવી પડે.અમે ખૂબ બધું આ ચોકમાં ફર્યા અને નીકળી પડ્યા.અલબત ખરીદી કરી ન હતી. કુતુબ મિનાર જોવા.
કુતુબમિનાર દિલ્હીમાં મહરૌલી વિસ્તારમાં આવેલ ઈંટો થી બનેલ વિશ્વનો સૌથી ઊંચો મિનારો છે. તેની ઊંચાઈ લગભગ ૨૩૬ ફૂટ જેટલી છે. તળિયા નો વ્યાસ 47 ફૂટ જેટલો છે, જે ઉપર જતા નવ ફૂટ જેટલો બની જાય છે. જૂની દિલ્હીથી ૧૧ માઈલ જેટલો દૂર કુતુબમિનાર આવેલ છે.
કુતુબમિનાર સાત માળનો હતો પણ હાલ પાંચ માળનો રહ્યો છે. આમાં ઉપર સુધી જવા માટે લગભગ ત્રણસો પંચોતેર જેટલા પગથિયા છે.
અફઘાનિસ્તાનમાં સ્થિત જામના મિનારથી પ્રેરાઈને તથા તેનાથી કંઈક વિશેષ બનાવવાની લાલસાના ભાગરૂપે દિલ્હીના પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું નિર્માણ ૧૮૯૩માં શરૂ કરાવ્યું હતું.
એવું કહેવાય છે કે શાહ કુતુબુદ્દીન એ પહેલાં ગુલામ હતો. રાજા બન્યા પછી પોતાની બહેન માટે યમુના દર્શન તથા પોતાની યાદગીરી માટે આ મીનારો બનાવ્યો છે.
૧૮૬૯માં સૌથી છેલ્લા માળ પર વીજળી પડી ત્યારે આ મિનારાને ખૂબ નુકસાન થયું હતું. ફિરોજશાહ તઘલક એ ફરીથી કુતુબમિનાર નિર્માણ કરવાનું ચાલુ કર્યું અને દર વર્ષે બે નવા માળો બનાવતા ગયા હતા. કુતુબમિનાર ઐતિહાસિક સ્થળોથી ઘેરાયેલ છે.જેમાં આયરન પિલર,કુવત ગુલ ઇસ્લામ મસ્જિદ, અલાઈ દરવાજા, અલાઇ મિનાર, અલાઉદ્દીન મદ્રેસા જેવા ઘણા નાના-મોટા ઐતિહાસિક સ્થળો છે .૧૯૮૧થી ઉપર જવાનું બંધ છે. કુતુબમિનારની આસપાસનો સ્થળ કુતુબુદ્દીન કોમ્પ્લેક્સથી ઘેરાયેલ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે.
કુતુબ મિનાર જૂની દિલ્હી ઢિલ્લિકાના પ્રાચીન કિલ્લા તથા લાલકોટના અવશેષો પર બન્યો છે. ઢિલ્લિકા એ છેલ્લા હિન્દુ રાજાઓ ચૌહાણ અને તંવર શાસનની રાજધાની હતી.
પ્રાચીન માન્યતા મુજબ મુસ્લિમ સલ્તનતની દિલ્હી પરના વિજયના પ્રતીકના રૂપમાં આ કુતુબ મિનાર બનાવાયો. એવી પણ એક માન્યતા પ્રચલિત છે.સાથે સાથે આ મીનારાના નામ રાખવા બાબતમાં પણ વિવાદ સામે આવે છે. ઘણા પુરાતત્વવિદોનો મત છે કે આનું નામ પ્રથમ મુસ્લિમ સુલ્તાન કુતુબુદ્દીન ઐબકના નામ પરથી પડ્યું.જ્યારે અમુક લોકો એમ માને છે કે આનું નામ બગદાદના પ્રસિદ્ધ સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાફીના નામ પર છે.ઇલ્તુતમિશ તેમનો ખૂબ આદર કરતો હતો, માટે કુતુબ મિનારાને આ નામ આપવામાં આવ્યું. આ બધી બાબતના ઐતિહાસિક પુરાવાઓ ક્યાંય મળતા નથી. એટલે આપણે જે સાંભળીએ એ સાચું એમ જ સમજવાનું.
અમે અહીંયા બહુ બધા ફોટો પડ્યા અને મન ભરીને ફર્યા.આજુબાજુમાં આવેલ વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી.પાર્કિંગ માં અમે બધાએ બપોરનું ભોજન આરોગ્ય.અહીંયા વાંદરા જોવા ન મળ્યા એટલે શાંતિ હતી. નહિતો અમારો વાંદરો શાંત ન બેસે. થોડો આરામ કરી નીકળી પડ્યા રાષ્ટ્રપતિ ભવન તરફ.
ક્રમશ:::
આગળ આપણે રાષ્ટ્રપતિ ભવન તથા બીજા સ્થળો વિશે જાણીશું અને જીંગાભાઈ તો હોઈ જ સાથે...
તો વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 18..
આપના પ્રતિભાવની રાહે રાજુસર....