પ્રકરણ-૧૮ નામકરણવિધિ
વૈદેહીએ રેવાંશનો ચેહરો જોયા પછી એના મનમાં આશાનું એક કિરણ ઉગ્યું હતું. પણ એને એ સમજાઈ નહોતું રહ્યું કે, રેવાંશ કેવી રીતે અહી સુધી પહોંચ્યો?
વૈદેહીનું હજુ ઓપરેશન જ થયું હતું એટલે એનો કમરથી નીચેનો ભાગ તો બિલકુલ ખોટો જ પડી ગયો હતો કે જ્યાં સુધી એને ઇન્જેકશનની અસર હતી. એ દરમિયાન વૈદેહી ને ગ્લુકોઝના બાટલા પણ ચડાવાઈ રહ્યા હતા.
વૈદેહીની અને રેવાંશની પુત્રી હવે એક દિવસની થઇ ગઈ હતી. વૈદેહી હજુ હોસ્પીટલમાં જ હતી. એ સમય દરમિયાન રેવાંશ એ વૈદેહીની ખુબ કાળજી લીધી જેવી એ પહેલા લેતો હતો. વૈદેહીને રેવાંશનું આ વિચિત્ર વર્તન સમજાઈ નહોતું રહ્યું. જે માણસ મારું ને મારી દીકરીનું મોઢું જોવા પણ તૈયાર નહોતો એ આજે અહીં મારી સેવા કેમ કરી રહ્યો છે? પણ રેવાંશનું આવું વર્તન જોઇને વૈદેહી એવા બે અલગ તારણ પર આવી કે, રેવાંશને મારા અને મારી દીકરી માટે લાગણી તો છે જ પણ એ જાહેર કરવા નથી માંગતો કે પછી એ માત્ર સમાજના લોકોના ડરથી જ અહીં આવ્યો છે?
બે દિવસ પછી વૈદેહીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. બધાં ઘરે આવ્યા. બાળકીના આગમનથી ઘરમાં બધાં બહુ જ ખુશ હતા. હવે વાત આવી બાળકીના નામકરણની. એટલે રેવાંશ તરત બોલી ઉઠ્યો, “હા, મહેક એ તો એનું નામ પણ નક્કી કરી નાખ્યું છે આસ્થા.” રેવાંશની આવી વાતથી વૈદેહી મનમાં સમસમી ઉઠી કે, “મારી દીકરીના નામકરણનો પણ મને અધિકાર નહિ? એ બરાબર છે કે, ફઇબા નામ પડે પણ એમાં માતાની ઈચ્છા પણ પૂછવી જોઈએને? રેવાંશના મા બાપ અને એની બહેન બંને મારી દીકરીનું મોઢું પણ જોવા નથી આવ્યા અને નામ પાડવાની વાત આવી ત્યારે મા દીકરી બંને પોતાનો હક જતાવે છે. અને ન આવવાનું કારણ એ લોકો એવું આપે છે કે, અમારા પરિવારે એને એની દીકરીનું મોઢું જોવાનું આમંત્રણ પણ નહોતું આપ્યું? મારા પિતાએ મને હોસ્પીટલમાં લઇ ગયા ત્યારે જ મારી સાસુને જાણ કરી હતી અને એટલે જ તો રેવાંશ અહી સુધી પહોંચી શક્યો હતો.” વૈદેહી હજુ પણ મનમાં એ જ વિચારી રહી હતી કે, “આ કેવા માં બાપ છે કે, જેને પોતાના જ દીકરાની દીકરીનું મોઢું પણ જોવાનું મન નથી થતું? એના માટે એ નિમંત્રણની રાહ જુએ છે? અને તેઓ મનમાં તો જાણે જ છે કે, એના દીકરાનું છેલ્લે મારી જોડે જે વર્તન હતું એ શું યોગ્ય હતું?” મનમાં વૈદેહી આવી ખુબ જ ગડમથલ અનુભવી રહી હતી.
વૈદેહીની આવી સ્થિતિ જોઇને માનસીબહેન તરત વૈદેહીના મનની વાત એકદમ કળી ગયા એટલે એ હવે ચુપ ન રહ્યા. એ તરત બોલી ઉઠ્યા, “એ બરાબર છે કે, ફઇબા નો નામકરણ નો હક હોય પણ સાથે એમાં મા ની હા પણ ભેળવવી પડે.”
અંતે વૈદેહીની દીકરીની છઠ્ઠીનો દિવસ આવી જ ગયો. છઠ્ઠીના દિવસે પણ રેવાંશના માં બાપ વૈદેહીના ઘરે ના આવ્યા. રેવાંશ હજુ સુધી વૈદેહીના ઘરે જ રોકાયો હતો. પોતાની પુત્રીની વાત આવી એટલે હવે વૈદેહી ચુપ ન રહી. અત્યાર સુધી રેવાંશના ઘરમાં ચુપચાપ રહેતી વૈદેહીએ હવે બળવો પોકારવાનું શરુ કર્યું. એ તરત બોલી ઉઠી, “મારી દીકરીનું નામકરણ તો હવે હું જ કરીશ. અને વૈદેહીએ પોતાની પુત્રીનું નામકરણ કર્યું, “અરિત્રી” એ સમય દરમિયાન રેવાંશ કશું જ ન બોલ્યો અને એ વિધિમાં સાથ આપતો રહ્યો. પણ મનમાં તો એ સમસમી ગયો કે, “આ વૈદેહીની માતા એ જ એને ચડાવી છે. એને લીધે જ વૈદેહી આવું વર્તન કરી રહી છે. ” નામકરણ વિધિ પતિ ગયા પછી રેવાંશ પોતાના ઘરે જવા રવાના થયો. અને જતા જતા એણે એટલું જ કહ્યું, “હું ફરી આવતા અઠવાડિયે મારે વેકેશન પડે પછી ફરી આવીશ”. આટલું કહી એ પોતાના ઘરે જતો રહ્યો.
અઠવાડિયું વીતી ગયું પણ એ પછી ન રેવાંશ આવ્યો કે ન એનો ફોન આવ્યો. વૈદેહી એને ફોન કરતી રહી પણ એ ફરી પાછો એના ફોન પણ ઉપાડી નહોતો રહ્યો. વૈદેહીને ફરી એક વખત રેવાંશનું આવું વર્તન સમજાઈ રહ્યું નહોતું. એટલે વૈદેહીએ હવે એ દિશામાં વિચારવાનું જ મૂકી દીધું અને એ અરિત્રીના ઉછેરમાં ધ્યાન આપવા લાગી હતી. અરિત્રી ખુબ જ ડાહી હતી. રાત્રે એ ખુબ જ શાંતિથી સુઈ જતી. એ ખુબ ભાગ્યશાળી મા હતી કે એને એક પણ રાત પોતાની દીકરી માટે જાગવું નહોતું પડ્યું. એ પોતાની જાતને ખુબ ભાગ્યશાળી માની રહી હતી. વૈદેહી હવે ધીમે ધીમે રેવાંશ વિષે વિચારવાનું ઓછું કરવા લાગી હતી. પણ ક્યારેક ક્યારેક એને રેવાંશ યાદ આવી જતો ત્યારે એ છાના ખૂણામાં જઈને રડી લેતી.
વૈદેહીને પુત્રી જન્મની બધાઈ આપવા એના બધાં જ સગાઓ એકપછી એક આવી રહ્યા હતા. આજે એના અતુલ કાકા અને સાથે વીણાકાકી પણ આવ્યા હતા. વીણાકાકી ને આજે પોતાના ઘરે આવેલા જોઇને વૈદેહી ખુબ જ ખુશ થઇ ગઈ. અને સાથે સાથે એના મનમાં પ્રશ્નો પણ રમી રહ્યા હતા કે, “વીણાકાકી અત્યાર સુધી કેમ નહોતા આવતા? અને આજે આટલા વર્ષે કેમ આવ્યા? શું અરિત્રી અમારા પરિવાર માટે ભાગ્યશાળી છે?”
વૈદેહીએ આજે તો નક્કી જ કર્યું હતું કે, એ કોઈ પણ હિસાબે વીણાકાકીનું સત્ય જાણીને જ રહેશે.
શું છે વીણાકાકીના જીવનનું રહસ્ય? શું વૈદેહીને એના પ્રશ્નોના જવાબ મળશે? એની વાત આવતા અંકે....