Adhura premni anokhi dastaan - 5 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 5

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 5

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૫


સવારે રાજુ કોલેજે અને સુજાતા તેની શાળાએ જતી રહી. જતી વખતે બંનેએ પોતાનો પ્લાન યાદ કરી લીધો. બપોરે ઘરે મળવાનું કહીને છૂટાં પડ્યાં.

રાત્રે કલ્પેશભાઈ અને કમલાબેનની સાંભળેલી વાતોથી સુજાતાનું તો આજે ભણવામાં ધ્યાન જ નહોતું લાગતું. સુજાતાને આજે રાત્રે શું થાશે? તેનાં પપ્પા સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળશે કે નહીં? એજ વિચારો આવી રહ્યાં હતાં. માંડ કરીને સુજાતાએ બપોર સુધી ભણવામાં ધ્યાન લગાવ્યું. જેવો બપોરનો સમય થયો, સુજાતા ફટાફટ ઘરે જવા નીકળી ગઈ.

ઘરે પહોંચીને પણ સુજાતાને ક્યાંય ચેન નહોતું પડતું. રાજુને પણ આજે કોલેજેથી આવવામાં મોડું થયું હતું. આથી સુજાતા વધુ પરેશાન થઈ રહી હતી.

આખરે બરાબર એક વાગ્યે અને પાંત્રીસ મિનિટે રાજુ આદિત્યની સાથે ઘરમાં પ્રવેશ્યો. રાજુના આવતાની સાથે જ સુજાતાએ તેને સંભળાવવાનું ચાલું કરી દીધું, "ક્યારની રાહ જોતી હતી તારી, ક્યાં હતો અત્યાર સુધી? હજું મમ્મી પાસેથી પાર્ટીમાં જવાની પરવાનગી પણ લેવાની છે, અને મારે હજું તને એક વાત પણ કહેવાની બાકી છે."

"એય ચકી, હવે તારું ચીં... ચીં...બંધ કર. ક્યારનો જોવ છું. બસ બોલ્યે જ જાય છે." આદિત્યએ સુજાતાને ચીડવતા કહ્યું.

"તું તારું મોઢું બંધ કર. હું મારાં મોઢે બોલું છું. એમાં તને શું થાય છે? વિદેશી વાંદરા." સુજાતાએ આદિત્યની મજાકનો વળતો જવાબ આપતાં કહ્યું.

સુજાતા બહું બોલ-બોલ કરતી, તો આદિત્ય તેને ચકી કહીને ચીડવતો, અને આદિત્ય દેખાવે એકદમ ગોરો હતો, ને ભૂરી આંખો સાથે તે એકદમ વિદેશી છોકરાં જેવો લાગતો. તો સુજાતા તેને વિદેશી વાંદરો કહીને બોલાવતી. આ તેની જૂની આદત હતી. આમ તો સુજાતા અને આદિત્ય એક જ શાળામાં ભણતાં હોવાથી એકબીજાને પહેલેથી ઓળખતાં હતાં. તેમ છતાંય સુજાતા અને આદિત્ય રાજુના આવ્યાં પછી એક સારાં મિત્ર બની ગયાં હતાં.

"હવે તમારું બંનેનું પત્યું હોય, તો આપણે જઈને આંટીની પરવાનગી લેતાં આવીએ?" રાજુએ સુજાતા અને આદિત્યની સામે જોઈને પૂછયું.

"હાં, હું તો આંટી પાસે પરવાનગી લેવાં જ આવ્યો હતો. પણ આ ચકીને જોને! એ બંધ થાય તો હું આંટી પાસે જાવ ને!" આદિત્યએ સુજાતા સામે જોઈને કહ્યું.

"હાં તો જાને, કોણે રોક્યો છે તને?" સુજાતાએ આદિત્ય તરફ મોઢું બગાડીને કહ્યું.

"ચાલો હવે તમે બંને બંધ થાવ. આપણે જે કરવાનું છે, એ કરીએ." રાજુએ સુજાતા અને આદિત્યનો હાથ પકડીને કમલાબેનનાં રૂમ તરફ લઈ જતાં કહ્યું.

ત્રણેય કમલાબેનનાં રૂમમાં પ્રવેશતાં, કમલાબેને તરત કહ્યું, "અરે, આદિત્ય. કેટલા દિવસે આવ્યો. ક્યાં હતો આટલાં દિવસ સુધી?"

"આંટી એ બધું પછી કહું. પહેલાં તમે મને આશીર્વાદ આપો. આજે મારો જન્મદિવસ છે." આદિત્યએ કમલાબેનના ચરણ સ્પર્શ કરતાં કહ્યું.

"હાં, બેટા. સદાય ખુશ રહે, ને એક સફળ વ્યક્તિ બનીને તારાં મમ્મી-પપ્પાનું નામ રોશન કર." કમલાબેને આશીર્વાદ આપતાં કહ્યું.

"થેંક્યું આંટી." આદિત્યએ કમલાબેનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.

"પણ આંટી ખાલી આશીર્વાદ આપવાથી કાંઈ નહીં થાય. તમારે રાજુ અને સુજાતાને આજે સાંજે મારે ત્યાં પાર્ટીમાં આવવાં દેવાં પડશે. હું ખાસ એજ કહેવા માટે અહીં સુધી આવ્યો છું." આદિત્યએ મુદ્દાની વાત કરતાં કહ્યું.

"અરે બેટા, તારાં ઘરે પાર્ટી હોય, ને હું રાજુ અને સુજાતાને આવવાની નાં પાડું. એવું તો બને જ નહીં ને! જા લઈ જા, બંનેને. પણ હાં બેટા સમયસર પાછા ઘરે આવતાં રહેજો." કમલાબેને માતા સહજ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"આંટી, આજે એ લોકો મારાં ઘરે જ રોકાશે. પ્લીઝ આંટી નાં ન પાડતાં. મારાં મમ્મીએ પણ કહ્યું છે. સુજાતા અને રાજુ કેટલાં સમયથી મારાં ઘરે નથી આવ્યાં." આદિત્યએ વિનંતી કરતાં કહ્યું.

રાત્રે આદિત્યની ઘરે જ રોકાવાની વાત તો રાજુએ કરી જ નહોંતી. તો સુજાતા થોડીવાર વિચારમાં પડી ગઈ. થોડું વિચાર્યા બાદ સુજાતાને થયું, "રાજુએ જે વિચાર્યું હશે, એ પાછળ કોઈ તો મતલબ હશે જ. હાલ તો મમ્મી બસ હાં પાડી દે તો ઘણું."

રાત્રે આદિત્યની ઘરે જ રોકાવાની વાત પર કમલાબેને થોડો વિચાર કર્યા બાદ કહ્યુ, "હું સુજાતાના પપ્પાને ફોન કરીને પૂછી લઉં. પછી કોઈ નિર્ણય લઈ શકું."

"ઓકે આંટી, વાંધો નહીં. અમે બહાર રાહ જોઈએ છીએ. તમે નિરાંતે વાત કરીને કહો." આદિત્યએ કહ્યું.

કમલાબેને કલ્પેશભાઈને ફોન કરીને, બધી વાત જણાવી. આદિત્ય અને તેનાં પરિવારને કલ્પેશભાઈ ઘણાં સમયથી ઓળખતાં હતાં. આથી કલ્પેશભાઈએ 'હા' પાડી દીધી. કલ્પેશભાઈ સાથે વાત કર્યા પછી, કમલાબેને નીચે આવીને કહ્યું, "તારાં પપ્પાએ હાં પાડી છે. તમે લોકો જઈ શકો છો."

"થેંક્યું મમ્મી." સુજાતાએ ખુશ થઈને કહ્યું, ને તેનાં મમ્મીનાં ગળે વળગી ગઈ.

કમલાબેન અને કલ્પેશભાઈની પરવાનગી મળતાં, રાજુ અને સુજાતા આદિત્યની ઘરે જવા નીકળી પડ્યાં. ઘરની બહાર નીકળતા જ સુજાતાએ પૂછ્યું, "આપણી રાત્રે આદિત્યની ઘરે જ રોકાવાવાળી વાત તો નહોતી થઈ. તો આમ અચાનક આ પ્લાન ક્યારે બન્યો?"

"તું પહેલાં કારમાં બેસ. પછી તને બધું સમજાવું." રાજુએ કહ્યું.

આદિત્ય ડ્રાઈવરની સીટમાં, રાજુ તેની પાસેની સીટમાં અને સુજાતા પાછળની સીટમાં એમ ગોઠવાઈ ગયાં. કાર ઘરથી થોડે દૂર પહોંચી, એટલે રાજુએ કહેવાનું ચાલું કર્યું, "તું પૂછતી હતી ને કે, રાત્રે આદિત્યની ઘરે રોકાવાનો પ્લાન ક્યારે બનાવ્યો? તો સાંભળ, મેં આદિત્યને તારાં ઘરનું એડ્રેસ આપ્યું હતું. તો મને જાણવાં મળ્યું કે, ત્યાં એક ચોકીદાર તમારા ઘરનું ધ્યાન રાખે છે, ને રાત્રે આમ પણ બધાં મોડાં સુધી જાગતાં હોય. તો એક વાગ્યા પહેલાં ત્યાં જાવું, એ મુસીબતને આમંત્રણ આપવા જેવું છે."

"રાજુનો પ્લાન સાંભળ્યાં પછી, મેં જ રાજુને આજની રાત મારાં ઘરે જ રોકાવાની સલાહ આપી. કેમકે, તમે એક વાગ્યા પછી, ત્યાં જાવ તો પાછાં આવવામાં મોડું થઈ જાય. હવે એ સમયે ઘરે જવા કરતાં મારાં ઘરે રહેવું મને વધું યોગ્ય લાગ્યું." આદિત્યએ રાજુની વાત પૂરી કરતાં કહ્યું.

"મતલબ, તને પણ બધી વાતની ખબર છે?" આદિત્યની વાત પૂરી થતાં, સુજાતાએ પૂછ્યું.

"હાં, કેમકે, આ બધું કરવામાં આપણે કોઈ બહારનાં વ્યક્તિની પણ જરૂર પડે એમ હતી. એ પણ એવો વ્યક્તિ જેનાં પર તારાં મમ્મી-પપ્પા ભરોસો કરતાં હોય. તો મને આદિત્ય સિવાય કોઈ નજરમાં નાં આવ્યું. તો મેં તેને બધી વાત કહી દીધી, ને એ આપણી મદદ કરવાં પણ તૈયાર છે." રાજુએ સુજાતાને બધી વાત સમજાવતાં કહ્યું.

"ઓકે, તો હવે આગળ શું કરવાનું છે?" સુજાતાએ પૂછ્યું.

"હવે બસ આદિત્યની પાર્ટી પૂરી થાય, પછી એક વાગ્યે આપણે તારાં ઘરે જઈને, કોઈ એવી વસ્તુ શોધવાનું કામ ચાલું કરશું. જે તને તારાં અસલી પપ્પા સુધી પહોંચાડી શકે." રાજુએ કહ્યું.

"પણ આદિત્યના મમ્મી-પપ્પા આપણને એટલી રાતે બહાર જવા દેશે?" સુજાતાએ તેને ક્યારનો સતાવી રહેલો સવાલ પૂછતા કહ્યું.

"આપણે ક્યાં મારાં મમ્મી-પપ્પાની પરવાનગી લઈને જવું છે. એ લોકો સૂઈ જાય પછી આપણે નીકળશુ." આદિત્યએ કહ્યું.

"પણ એ લોકોને ખબર પડી જશે તો?" સુજાતાએ ડર મિશ્રિત અવાજે કહ્યું.

"એ બધું તું મારાં પર છોડી દે. મારાં મમ્મી-પપ્પાને સમજાવતાં મને આવડે છે, તો જો પકડાઈ જાશું. તો પણ કોઈ ચિંતા નથી." આદિત્યએ કહ્યું.

"ઓકે, ઠીક છે." સુજાતાએ બધી વાતોને સમજીને કહ્યું.

આદિત્ય તેની ઘરે પહોંચીને, સુજાતા અને રાજુને તેનાં મમ્મીનાં રૂમમાં લઈ ગયો. આદિત્યના મમ્મી આશાબેન સુજાતા અને રાજુને જોઈને ખૂબ જ ખુશ થયાં.

"આવો બેટા, મને ખુબ જ ખુશી થઈ કે, તમે બંને આદિત્યના જન્મદિવસ પર અહીં આવ્યાં." આશાબેને પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું.

"થેંક્યું આંટી, અમને પણ તમને મળીને બહું ખુશી થઈ." સુજાતા અને રાજુએ કહ્યું.

આશાબેનને મળીને બધાં નીચે હોલમાં ગયાં. જ્યાં પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. બધાએ બેસીને થોડીવાર વાતો કરી. આશાબેન પાર્ટીની તૈયારી જોવામાં લાગી ગયાં. આઠ વાગતાં આદિત્યના પપ્પા કિશનભાઈ પણ આવી ગયાં. સુજાતા અને રાજુએ તેમને નમસ્તે કહીને, તેમનાં હાલચાલ પૂછ્યાં. કિશનભાઈ પણ સુજાતા અને રાજુના હાલચાલ પૂછી પોતાનાં રૂમમાં ચાલ્યા ગયાં.

બરાબર નવ વાગ્યે પાર્ટી શરૂ થઈ. એક પછી એક બધાં મહેમાનો આવવાં લાગ્યાં. કેટલાંય સમયથી નિરવ શાંતિથી છવાયેલો હોલ મહેમાનોના અવાજ અને હાસ્યથી ગુંજી ઉઠ્યો. પાર્ટીમાં આવેલાં બધાં મહેમાનો આદિત્યને જન્મદિવસની શુભકામનાઓ અને ભેટ આપવા લાગ્યાં.

ભેટ અને શુભકામનાઓની વિધિ પૂરી થતાં, કેક કાપવાનો કાર્યક્રમ ચાલું થયો. કેક કાંપીને કોઈ વાતોમાં, તો કોઈ ડાન્સ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. આખરે બરાબર બારના ટકોરે પાર્ટી પૂરી થઈ, ને બધાં મહેમાનોએ વિદાય લીધી. બધાનાં ગયાં પછી, આશાબેન અને કિશનભાઈ પણ પોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં.

રાજુ આદિત્ય અને સુજાતા ત્રણેય આદિત્યના રૂમમાં ગયાં. ત્રણેય થોડીવાર આડાં અવળી વાતો કરી, આદિત્યના મમ્મી-પપ્પાનાં સૂવાની રાહ જોવા લાગ્યા. સાડા બાર વાગે આદિત્ય પોતાના રૂમની બહાર નીકળી, તેના મમ્મી-પપ્પાના રૂમ તરફ ગયો. આદિત્યએ છૂપી રીતે રૂમમાં નજર કરી, તો આશાબેન અને કિશનભાઈ આરામથી સૂતાં હતાં. બંનેને સૂતેલાં જોઈ આદિત્ય પોતાનાં રૂમમાં પરત ફર્યો, ને સુજાતા અને રાજુને અંગૂઠો બતાવી, પ્લાન ચાલું એવો ઈશારો કર્યો.

આદિત્યનો ઈશારો મળતાં જ ત્રણેય ચોરીછૂપી ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયાં. આટલી રાતે ઘરની અંદરથી કાર લઈને જવામાં મુશ્કેલી પડશે, એવી આદિત્યને ખબર હતી. તો તેણે પોતાનાં ઘરની નજીક રહેતાં એક ફ્રેન્ડને પાર્ટીમાંથી જતી વખતે પોતાની કાર સાથે લઈ જવાં કહ્યું હતું, ને એ કાર તેનાં ઘરથી થોડે દૂર એક મેદાનમાં મૂકી દેવાનું કહ્યું હતું. આથી બધાં એ મેદાન તરફ ચાલવા લાગ્યાં.

થોડું ચાલતાં જ એ મેદાન આવી ગયું, ને ત્રણેય કારમાં બેસી ગયાં, ને આદિત્યએ કારને સુજાતાના ઘર તરફ ભગાવી મૂકી.

*****

આદિત્ય, સુજાતા અને રાજુના ગયાં પછી, કિશનભાઈએ ઉઠીને કોઈકને ફોન કર્યો. એક જ રિંગ પૂરી થતાં સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો. ફોન ઉપડતાં જ કિશનભાઈએ કહ્યું, "તે જેમ કહ્યું હતું, એમ જ એ લોકો સુજાતાની ઘરે જવા નીકળી ગયાં છે. હવે આગળ શું કરવાનું છે?"

કિશનભાઈના સવાલથી પેલાં વ્યક્તિએ કહ્યું, "અત્યાર સુધી તો જેમ મેં વિચાર્યું હતું, એમ જ થઈ રહ્યું છે. હવે આગળ પણ એમ જ થશે. પણ જે થશે એ આપણે નહીં, એ લોકોએ જ કરવાનું છે. આપણે તો બસ એ લોકોને રસ્તો બતાવવાનો છે."

કિશનભાઈ આટલી રાતે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં હતાં, એ બીજું કોઈ નહીં, પણ કલ્પેશભાઈ જ હતાં. કલ્પેશભાઈની વાત સાંભળી કિશનભાઈએ કહ્યું, "પણ તું આ બધું શાં માટે કરી રહ્યો છે? તે અને કમલાભાભીએ જ સુજાતાથી બધું છુપાવ્યું હતું, તો હવે બધું કહેવાનો શું મતલબ છે?"

"હું કાંઈ કહી નથી રહ્યો. સુજાતાએ જાતે જ હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો છે. તેણે જ રાજુ સાથે મળીને બધું જાણવાનો પ્લાન બનાવ્યો છે. જો સુજાતા જ બધું જાણવા માંગતી હોય, તો હું તેને રોકવા નથી માંગતો. બસ આ જ મારો વિચાર છે." કલ્પેશભાઈએ કહ્યું.

"કમલાભાભીને આ વાતની ખબર છે?" કિશનભાઈએ પૂછ્યું.

"નહીં, અને હાલ પૂરતું તેને કાંઈ જણાવવાનું પણ
નથી. નહીંતર તે સુજાતાને હકીકત જાણવા નહીં દે. જ્યારે મને લાગે છે કે, સુજાતાએ હવે બધી હકીકત જાણી લેવી જોઈએ." કલ્પેશભાઈએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું.

"ઠીક છે, જેવી તારી ઈચ્છા. જ્યારે તું સુજાતાથી હકીકત છુપાવવા માંગતો હતો, ત્યારે પણ હું તારી સાથે હતો, ને આજે જ્યારે તું તેને બધું જણાવી દેવા માંગે છે, ત્યારે પણ હું તારી સાથે છું. તારો આ મિત્ર હંમેશા તારો સાથ આપશે." કિશનભાઈએ કલ્પેશભાઈને ભરોસો અપાવતાં કહ્યું.

"થેંક્યું, દોસ્ત. પણ હું સુજાતાને હકીકત જણાવવા માંગુ છું, એ વાત તું ભૂલી જા. સુજાતા ખુદ હકીકત જાણવા માંગે છે, એ વાત જ યાદ રાખ. હું તો બસ તેને હકીકત જાણવાથી રોકવા નથી માંગતો." કલ્પેશભાઈએ કિશનભાઈને સમજાવતાં કહ્યું.

"હાં, વાંધો નહીં. તું જેમ કહે એમ. ચાલ હવે મોડું થઈ ગયું છે, કમલાભાભીને શંકા જાય એ પહેલાં તું સૂઈ જા." કિશનભાઈએ કહ્યું.




(ક્રમશઃ)