Jingana jalsa - 16 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 16

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 16

પ્રકરણ 16


આગળ આપણે ભટ્ટાધોધ અને લેક મિસ્ટ વિશે જોયું....
હવે આગળ....

મસુરીના સૌથી વધુ લોકપ્રિય સ્થળમાંનું એક સ્થળ એટલે કેમ્પ-ટી ધોધ. આ ધોધ મસુરીથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલ છે. કેમ્પ-ટી ધોધ સમુદ્ર સપાટીથી આશરે ૧૩૬૪ મીટર(આશરે ૪૫૦૦ ફૂટ)ની ઊંચાઈ પર આવેલ છે. આ ધોધ ૪૦ ફૂટ જેટલી ઊંચાઈથી નીચે પડે છે.આ ધોધને નીચે પડતો જોઇને આપણે આનંદ વિભોર બની જઈએ. આવો ખુબસુરત નજારો જોઈ એમ થાય કે હંમેશ અહીંયા જ રહેવા મળે તો કેવું સારું.હકીકતમાં એ શક્ય પણ નથી ને...એટલે ખાલી યાદોને કચકડાના કેમેરામાં સંગ્રહી મોજ કરતા રહ્યા.

બ્રિટિશ અધિકારી જોન મેકિને ૧૮૩૫ની આસપાસ આ સ્થળને પ્રવાસ-પર્યટન માટે વિકસાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અંગ્રેજો અહીં ટી પાર્ટીનું આયોજન કરતાં, તેથી જ આ ધોધનું નામ કેમ્પ ફોર ટી પરથી કેમ્પ-ટી ધોધ રાખવામાં આવ્યું છે.

મસુરીમાં ઉનાળામાં તાપમાન ૧૦ ડિગ્રીથી ૩૦ ડિગ્રી વચ્ચે અને શિયાળામાં તાપમાન ૧ ડિગ્રીથી ૧૦ ડિગ્રી સેલ્સીયસ જેટલું હોય છે. ઉનાળામાં અહીં પ્રવાસીઓની ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. શિયાળામાં પણ પ્રવાસીઓની ટુરો ખૂબ જોવા મળે છે.

૪૦ ફૂટ ઊંચાઈ પરથી પડતા આ ધોધમાં લોકો સ્નાન કરવાની મજા માણે છે. અહીં કુત્રિમ તળાવોમાં બનાવ્યા છે, જેમાં નૌકાવિહારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.સાથે સાથે ખાવા પીવાની અઢળક દુકાનો પણ ખરી જ!

અમે પણ આ કુદરતી ધોધના બરફથી પણ વધુ ઠંડા પાણીથી સ્નાન કરવાનો લાભ લીધો. અમે ગયાં ત્યારે વધુ ઠંડી હોવાથી અમારા કાનોમાં ધાક પડી ગઈ હોય એ રીતે ઝીણું ઝીણું સંભળાતું હતું.

બપોરે અમે એક ઘેરઘુર વનરાઈ વચ્ચે જમવા બેઠા. પુરી અને સુકી ભાજીનું ભરપેટ ભોજન આરોગ્યા બાદ થોડો આરામ કર્યો. થોડીવાર બાદ નીકળી પડ્યા ગન હિલ જોવા માટે.

"એય મંછાળી અહીંયા વાંદરા નથી જોવા મળતા નય (નહીં)."

"તું વાંદરો જ છે ડોબા.બીજા વાંદરાની શું જરૂર છે?"

"એ બળબમના પેટની તને સરખો જવાબ દેતા આવડશે કે નય."

"તે ડોબા તારે આયા વાંદરાનું શુ કામ છે?કે પછી વાંદરાની હળી (ચારો) કર્યા વગર નિંદર નથી આવતી?"

ગનહિલ જવા માટે અમે પાછા મસુરી આવ્યા. ત્યાંથી ચાલીને પણ જઈ શકાય છે. હાલ તો રોપ-વેની સુવિધા થયેલ છે. અમે નીકળી પડ્યા મસુરી તરફ... પાછા એજ વળાંક ભરેલ રસ્તાઓ, ઊંડી ખાઈઓ, વૃક્ષોથી ઢંકાયેલ પર્વતમાળાઓ, અલ્હાદક સૌંદર્યની વચ્ચે બસ ગતિ કરવા લાગી.

મસુરીમાં અત્યારે તો રસ્તાઓ થોડા પહોળા અને ખીણ બાજુના રસ્તાના કિનારે લોખંડની રેલીંગ કરી દેવામાં આવી છે. પણ અમે ગયા ત્યારે આવી રેલીંગ ન હતી, માટે વધુ ભય લાગતો હતો.

મસુરીના મોલ ચોકથી લગભગ બે કિલોમીટર દૂરી પર આ ગનહિલ આવેલ છે.

ગનહિલ એ મસુરીનું બીજા નંબરનું સૌથી ઊંચું સ્થળ છે. લાલ તિબ્બા પછીનું આ મસુરીનું સૌથી ઊંચું શિખર છે.

બ્રિટિશ સમયગાળા દરમિયાન આ શિખરની ટોચ પર એક બંદૂક રાખવામાં આવતી હતી. બપોર પછીના સમયે નિયમિત રીતે ત્યાંથી એકસાથે જ ફાયરિંગ કરવામાં આવતું, જેથી લોકોને ખબર પડે કે દિવસનો કેટલો સમય થયો છે. અને તેથી જ આ શિખરનું નામ ગનહિલ રાખવામાં આવ્યું છે.

અહીંયાંથી મસુરી તેમજ હિમાલયની પર્વતમાળાનો સુંદર નજારો જોઈ શકાય છે. આ સ્થળ પર ફોટો પ્રેમી લોકો વિશેષ જોવા મળે છે. સાથે સાથે આ એક પારિવારિક પિકનિક પોઇન્ટ પણ છે. ફેમિલી સાથે અહીંયા ખુબ જ મજા લઈ શકાય એવી આનંદદાયક જગ્યા છે.

હવે અમે નીકળ્યા મસુરીની સૌથી ઊંચી ટેકરી લાલ તિબ્બા તરફ.

લાલ તિબ્બા મસુરીનું સૌથી ઊંચું શિખર અને સૌથી વધુ પ્રખ્યાત ફરવા લાયક સ્થળ છે. મુખ્ય પર્વત શિખરો તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવા એ જિંદગીનો અનેરો અવસર સમાન છે. અહીંયાથી હિમાલય પર્વતના શિખરોના વલય વાળા દ્રશ્ય આપણા મનને રોમાંચિત કરી દે છે. ટેલિસ્કોપથી બદ્રીનાથ, કેદારનાથ વગેરેના શીખરોને નજીકથી જોઇ શકાય છે. આ ટેલિસ્કોપ પાલિકા દ્વારા ૧૯૬૪માં સ્થાપિત કરવામાં આવ્યા છે.

હાલ અહીંયા જાપાની ટેકનોલોજી યુક્ત ટેલિસ્કોપ પણ ઉપલબ્ધ છે. અહીંયાનું વાતાવરણ એકદમ શાંત અને આરામદાયક છે. અહીંયા અંગ્રેજોની બાંધકામ શૈલીનું એક હિલ હાઉસ પણ છે. હાલમાં આ હાઉસમાં ભારતીય સૈન્ય સેવા, ઓલ ઇન્ડિયા રેડિયો અને દુરદર્શનનું ટાવર કાર્યરત છે.

અમે અહીંયાથી હિમાલય જોવાની ખુબ મજા લીધી.હિમાલયની બર્ફીલી કિનારી સૂર્ય પ્રકાશમાં ચાંદી જેવી ચમકતી જોતા મન ભરતું જ ન હતું. અહીંયા અમે ખૂબ બધા ફોટો પાડ્યા.હવે અમે નીકળી પડ્યા કેમલ બેક રોડ જોવા.

કેમલ બેક રોડ મસુરીથી ત્રણ કિલોમીટર જેટલો દૂર છે,એટલે અમે ચાલીને નીકળ્યા. ભગતબાપા, જીંગો અને મંછાબહેન પણ અમારી સાથે ફરવા આવ્યા.

ઊંટના પાછળના ભાગનો આકાર ધરાવતો આ વિસ્તાર કેમલ બેક રોડ તરીકે પ્રખ્યાત છે. અહીંયા ચાલીને જ આ કુદરતી રચનાનો લાભ લેવાનો હોય છે.અહીંયાથી દૂન ખીણના સુંદર દ્રશ્યો માણવા મળે છે. અહીંયા 180 વર્ષથી પણ વધુ જૂનું અંગ્રેજોનું કબ્રસ્તાન છે. ચારે બાજુ પ્રકૃતિથી ઘેરાયેલા આ રસ્તામાં ચાલતા ચાલતા મનને અદભુત શાંતિ મળે છે.

પણ અમારી શાંતિ છીનવાઈ ગઈ, જ્યારે અમારા મિત્રએ કહ્યું કે ભગતબાપા, જીંગો અને મંછાબહેન ક્યાંય દેખાતા નથી.

અમે બધા મિત્રોએ આજુબાજુમાં તપાસ કરી,પણ એ લોકો ક્યાંય દેખાયા નહીં. ત્યારે તો અત્યારની જેમ મોબાઈલ હતા નહીં કે કોલ કરીને પૂછી શકાય કે તમે ક્યાં છો?

અમે તરત જ પાછા વળી ગયા ને એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી.

ચાલતાં ચાલતાં અમે બસ પાસે પહોંચ્યા, તો ત્યાં પણ ભગતબાપા, જીંગો કે મંછાબહેન હતા નહીં.

અમે બધા બસ પાસે પહોંચ્યા.

કેમ બધા વહેલા આવી ગયા?

"વિજયભાઈ બાપા અને જીંગો તથા મંછાબહેન અહીંયા નથી આવ્યા?"

"ના એતો તમારી સાથે આવ્યા હતા ને?"

"હા પણ અમે આગળ ગયા ત્યાં ખબર પડી કે આ લોકો તો અમારી સાથે નથી. અમે આજુબાજુ તપાસ કરી તો ક્યાંય દેખાયા નહીં, એટલે અમને એમ કે એ કદાચ અહીંયા આવી ગયા હશે."

"અહીંયા તો કોઈ આવ્યું નથી.આ જીંગાને અને મંછાબહેનને બહાર કાઢવા જેવા નથી.અને મારા બાપા પણ એમની પાછળ પાછળ ચાલે.હવે કઈ બાજુ ગોતીશું એમને?"

"એ આવે ભગત બાપા!"એક પ્રવાસી મિત્ર હાથ લાંબો કરતા બોલ્યો.

અમે બધાએ એ તરફ જોયું તો ભગતબાપા કોઈ અજાણ્યા ભાઈ સાથે આવતા દેખાયા.

"બાપા તમે એકલા જ તો જીંગો અને મંછાબહેન ક્યાં?"

"એ મને નથી ખબર. હું તો તમારા બધાથી અલગ પડી ગયો હતો તે માંડ માંડ આયા (અહીંયા) પોચ્યો (પહોંચ્યો)."

"પણ અલગ કેમ પડ્યા.બધા સાથે ચાલવામાં શું વાંધો આવે?"વિજયભાઈએ થોડા ઊંચા અવાજે કહ્યું.

"વિજયભાઈ હમણાં ગુસ્સે ન થાવ.પહેલા એમને સાંભળો તો ખરા.ભૈયા આપકા બહોત બહોત ધન્યવાદ હમારે બુઝર્ગ આદમી કો હમારે તક પહુચાને કે લિયે."

"ઠીક હૈ, મગર આઈન્દા યહ બુઝર્ગ કો અકેલે મત છોડના.ક્યાં બોલતે હૈ કુછ સમાજમે નહીં આતા."

"હા ભૈયા, હમ ગુજરાતી હૈ ઇસલિએ હિન્દી નહીં બોલ શકતે.ઔર હા હમારે એક આદમી ઔર એક ઔરત ભી યહીં કહીં ગુમ હુએ હૈં.તુમ્હે કહી દિખે તો પ્લીઝ હમારે તક પહૂચા દેના.'

"ઠીક હૈ.લેકિન આગળ વો કિસિકો ઐસી હિન્દી મે કુછ બોલેગે તો કોઈ સમાજ નહીં શકેગા. મૈં તો યહાં ગાઈડ હું ઇસ લિયે થોડી બહોત ગુજરાતી જાનતા હું.મુજે કુછ પાતા ચલેગા તો ઉસે ભી યહાં તક છોડ જાઉંગા."એમ કહી એ ભાઈ નીકળી ગયો.

"ભગતબાપા તમે અલગ પડ્યા ત્યારે તમે અને જીંગો કઈ બાજુ હતા."

"રાજુ હું ટોયલેટ કરવા જાળીમાં ગયો.પાછો રસ્તા પર આવ્યો તો કોઈ દેખાયા નહીં.મને એમ કે આગળ હશો બધા.એટલે હું આગળ ચાલ્યો.પણ જાજુ ચાલ્યો તોય કોઈ દેખાયું નહીં.એટલે હું મૂંઝાયો.ત્યાંથી પાછો વળી ગયો.રસ્તામાં આ ભાઈ મળ્યા.એમને મે કહ્યું;'ભાઈ હમારી બસ આયાં ક્યાક હૈ.મને ત્યાં મૂકી જાવ ને.'એ ભાઈ સમજી ગયો એટલે મને અહીંયા મૂકી ગયો."

"ચાલો હવે જીંગો અને મંછાબહેનને શોધવા નીકળીએ. નહીતો આખી રાત પણ અહીંયા જ કઢાવી પડશે.તમે રાતના ભોજનની તૈયારી કરવા માંડો. અમે જઈએ નમૂનાઓને ગોતવા." રસોઈ મંડળીને ઉદ્દેશીને વિજયભાઈ બોલ્યા.

અમે બધા પાછા કેમલ બેક રોડ તરફ નીકળી પડ્યા.

થોડું ચાલ્યા ત્યાં જીંગો એક ભાઈ સાથે એની હિન્દી ભાષામાં બોલતો દેખાયો.નજદિક ગયા ત્યારે સંભળાયું જીંગાનું હિન્દી.

"જો ભૈયા એક બહેન ખોવાય ગયા હૈ.થોડા જાડા ને મારાથી થોડા ઊંચા દેખાતા હૈ.મોઢું વધારે મોટું દેખાતું હૈ.ઔર કલર થોડા કાળા કાળા હૈ.આવા બહેન તુમને દેખા હૈં ક્યાંય."

"એય જીંગા તું અહીંયા છો તો મંછાબહેન ક્યાં?"

"એમાં ઐસા હૈ કી હમ સાથે સાથે ચલતે થે,મગર વો ક્યારે ગુમ હો ગઈ કુછ ખબર નય (નહીં) પડી."

"એ ભાઈ અમારી સાથે તો ગુજરાતી બોલ, નહીંતો અમારું માથું દુઃખવા લાગશે."

"એ બળબમ ક્યાં ખોવાઈ ગઈ એ ખબર જ ન પડી."

"હા પણ તમારે ભગતબાપની તો રાહ જોવી જોઇએ ને."

"અમે રાહે જ ઉભા હતા,પણ એ બળબમના પેટની પાણીપુરી દેખી ગઈ, તો મને કયે (કહે) હાલ મારે પાણીપુરી ખાવી છે.એટલે હું એને પાણીપુરીની લારી પાહે (પાસે) મૂકીને પાછો આવ્યો.ભગતબાપા દેખાયા નય (નહીં) એટલે હું થોડું આગળ ચાલ્યો. ત્યાં પણ ભગતબાપા ન દેખાયા.ત્યાં આગળ એક બીજો રસ્તો હતો એ બાજુ ગયો ,ત્યાં પણ ભગતબાપા ન મળ્યા. હું પાછો પાણીપુરીની લારી પાસે આવ્યો તો ત્યાં મંછાળી હતી નહીં.હવે હું હલવાનો કોને પેલા (પહેલા) ગોતું.મે આજુબાજુમાં પૂછ્યું પણ અહીંયા સાવ ડોબા જેવા માણા (માણસો) છે. આપણે બોલી એ કંઈ સમજે જ નહીં."

"જીંગા તારું હિન્દી અમને પણ સમજાતું નથી તો બીજા કોને સમજાય."

"તે તમારે શીખી લેવાયને હિન્દી."

"એ બધી લપ હવે મૂકો અને મંછાબહેનને શોધવા આગળ વધો."વિજયભાઈ જીંગા પર ગુસ્સે થતા બોલ્યા.

હું, વિજયભાઈ , જીંગો ,ભગત બાપા અને અમારા સર મંછાબહેનને શોધવા નીકળી પડ્યા.બીજી એક ટીમ બનાવી એમને અમે ગયા હતા એ તરફ પાછા મોકલ્યા.જેમને પણ પહેલા ખબર પડે એ બસ પાસે આવી જશે અને એક મિત્ર બીજી ટીમનાં રસ્તા પર આવીને એ ટીમને જાણ કરી દેશે એટલે ખોટા હેરાન ન થાય.

"આપણે પહેલા પાણીપુરીની લારી પાસે જઈએ. કદાચ એ ભાઈને ખબર હોય કે મંછાબહેન કઈ બાજુ ગયા છે."

"હા રાજુ ચાલો પહેલા એ તરફ જઈએ."

અમે બધા પાણીપુરીની લારી પાસે પહોંચ્યા,ત્યાં તો જીંગો અમારી પહેલા પાણીપુરી વાળા ભાઈને સીધો પૂછવા લાગ્યો;"એ ભૈયા યહાં એક બહેન પાણીપુરી ખાતા હતા વો કહા ગયા.મે ઉસે યહાં મૂકીને ગયા હતા."

"એ જીંગા તું રહેવા દે ને ભાઈ.અમને પૂછવા દે."

"ભૈયા વો બહન તો યહાસે પાનીપૂરી ખાકે ઉસ તરફ ગઈ હૈ."અમે ગયા હતા એથી બીજી તરફના રસ્તા પર હાથ લંબાવતા એ ભાઈ બોલ્યા.

"આ બળબમના પેટની અવળી બાજુ ગઈ તો ક્યાંથી મળે આપણને."

ચાલો આપણે પણ એ રસ્તા તરફ જઈએ.

અમે એ રસ્તા પર ઘણું ચાલ્યા છતાં મંછાબહેન ક્યાંય જોવા મળ્યા નહીં .હવે શું કરવું? ક્યાં તપાસ કરવી?

"એક કામ કરીએ,આપણે પોલીસ સ્ટેશને જાણ કરી દઈએ મંછાબહેનના ગુમ થવાની."

"હા વિજયભાઈ હવે બીજો કોઈ રસ્તો પણ નથી.અંધારું થવા લાગ્યું.રાતે તો ક્યાં ગોતવા એમને."

અમે બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા.ત્યાં જતા જ અમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

"લે મંછાળી તો અહીંયા ગુડાણી છે.એ વળવાંદરી તારી વાહે (પાછળ) એમ આખું જંગલ રખડી વળ્યાં ભૂત જેવી."

"એ ક્યાં બકવાસ કર રહા હૈ.ઔર યહાં કયો આયે હો."જામદારે જીંગાને ખીજાતા કહ્યું.

"જીંગા તું ચૂપ જ રહેજે.એક શબ્દ પણ બોલ્યો છે તો બસે પહોંચીને ખંખેરી નાખીશ."

"નય (નહીં) બોલું વિજયભાઈ બસ."

"સાહબ હમ યહા હમારે એક બહન ગુમ હોને કી રિપોર્ટ લીખવાને આયે થે, મગર હમારે વો બહન તો યહી હૈ."જામાદારે પુછેલ પ્રશ્નનો જવાબ આપતા વિજયભાઈ બોલ્યા.

અચ્છા તો આપ લોગ હૈ ઇસ બહન કે સાથ. તુમ્હારી બસકા ડ્રાઇવર કૌન હૈ.જમાદારે અમારી બાજુ જોઇને અમને પૂછ્યું.

અમને પાછું આશ્ચર્ય થયું કે આમાં ડ્રાઇવર ક્યાંથી વચ્ચે આવ્યા?

ક્રમશ::::

મંછાબહેન પોલીસ સ્ટેશનમાં કંઈ રીતે આવ્યા હશે?

આગળ શું કઇ નવું કારસ્તાન કરશે જીંગાભાઈ?

આ બધું જાણવા વાંચતા રહો જીંગાના ઝલસા ભાગ 17

આપના પ્રતિભાવની રાહરાજુ સર...