Jivan Aek Sangharsh - 13 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | જીવન એક સંઘર્ષ - 13

Featured Books
Categories
Share

જીવન એક સંઘર્ષ - 13

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-13

યુ એસ એ માં ઘણાં બધાં સંઘર્ષનો સામનો કર્યા બાદ આશ્કા નિસર્ગ સાથે મેરેજ કરીને ખુશીની લહેર સાથે લઇને, ઐશ્વર્યાને લેવા માટે ઇન્ડિયા આવી હતી.

ઘણાં લાંબા સમય પછી ઘરમાં બધાએ તેને જોઈ એટલે જાણે આખા ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આશ્કા યુ એસ એ થી બધાને માટે કંઇ નું કંઇ લઇને આવી હતી. હવે તેણે ઘરની બહારની દુનિયા શું છે...?? તે જોઇ લીધું હતું. જુદા જુદા પ્રકારની વ્યક્તિઓનો તેને અનુભવ થઇ ગયો હતો. હવે તેને જિંદગી કઇરીતે જીવવી તે સમજાઇ ગયું હતું. તેણે મમ્મી-પપ્પાને પણ કહી દીધું હતું કે આ વખતે હું છેતરાવાની નથી.

આ વખતે કિસ્મતે પણ તેને સાથ આપ્યો હતો. નિસર્ગ તેને ખૂબ સારું રાખતો હતો. રોજ રાત્રે નિસર્ગનો ફોન આવી જતો હતો. આશ્કાની સવાર નિસર્ગના ફોન સાથે પડતી અને બંને જણાં ખૂબજ પ્રેમથી વાત કરતાં. નિસર્ગ ઐશ્વર્યાને મળ્યો ન હતો છતાં પોતાની દીકરી સમજી તેની સાથે ખૂબજ પ્રેમથી વાત કરતો. અને રોજ તેને લાડથી કહ્યા કરતો કે, " જલ્દીથી અહીં યુ એસ એ આવી જા મારી પાસે મારી લાડકી દીકરી, તું અહીં આવીશ એટલે આપણે શોપિંગ કરવા જઇશું, તારે જે જોઈએ એ બધું જ હું તને અપાવીશ બેટા. " અને પછી ઐશ્વર્યા લાંબું લિસ્ટ આપતી નિસર્ગને....
તેને પણ હવે પિતાનો પ્રેમ મળી ગયો હતો બંને બાપ-દીકરી કલાક સુધી વાતો કર્યા કરતા, ઐશ્વર્યા આશ્કાના હાથમાં ફોન આપતી નહિ અને આશ્કા બૂમો પાડ્યા કરતી, " તમારી બાપ-દીકરીની વાતો પૂરી થઇ હોય તો હવે મને ફોન આપ " અને ઐશ્વર્યા મોં બગાડી બોલતી, " લે હવે, એ તો મારા માટે જે લાઇને રાખવાનું હતું, તેનું લિસ્ટ આપતી હતી પપ્પાને.." અને પછી વિચારોમાં ખોવાઈ જતી કે હું યુ એસ એ પહોંચીશ ત્યાં સુધીમાં પપ્પાએ મારે માટે બધું જ લાવીને રાખ્યું હશે. પપ્પાને લિસ્ટ લખાવી દીધું એટલે શાંતિ. દીકરીઓ કેટલો હક કરતી હોય છે માતા-પિતા ઉપર...!!

સમય પસાર થયે જતો હતો. નિસર્ગ વર્ષોથી એકલો યુ એસ એ રહેતો એટલે તેને ડ્રીંક કરવાની એકદમ ખરાબ હેબિટ પડી ગઇ હતી. આશ્કા તેને ખૂબ સમજાવ્યા કરતી પણ આ આદત તેની છૂટતી ન હતી.
હવે ઐશ્વર્યાને વિઝા મળી ગયા હતા એટલે નિસર્ગે આશ્કાને ઐશ્વર્યાને લઇને યુ એસ એ આવી જવા માટે કહ્યું.

અને આશ્કાએ ઐશ્વર્યાનું અને પોતાનું પેકિંગ શરૂ કરી દીધું હતું. કપડાના પેકિંગની સાથે સાથે આશ્કા મમ્મી-પપ્પાની મીઠી વાતો, છૂપો પ્રેમ અને અઢળક સલાહ પણ પેક કરી રહી હતી. અને જેટલી વાર પપ્પા તેને સાવચેત રહેવા કહે તેટલી વાર કહ્યા કરતી હતી કે, " પપ્પા, તમે ચિંતા ન કરશો અને આ હવે પહેલાની દબાઇ ગયેલી આશ્કા નથી રહી, સમીરે ડાયવોર્સ આપ્યા અને મીતુલે ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તે આશ્કાનું મૃત્યુ થયું હતું, તમારી સામે જે આશ્કા ઉભી છે પપ્પા એ બહાદુર આશ્કા છે. કોઇના કાઢી મૂકવાથી હવે ઘર છોડીને રોડ ઉપર આવી જાય તે આશ્કા નથી. મારી કે ઐશ્વર્યાની તમે જરાપણ ચિંતા કરશો નહીં અને હવે તમે પણ તૈયારી રાખજો ,છ મહિના પછી હું તમને પણ યુ એસ એ બોલાવી લઇશ પપ્પા.

અને મનોહરભાઇ અને રમાબેનની આંખમાં આંસુ આવી ગયાં. તેમને પણ થયું કે આશ્કા હવે જીવનના કડવા અનુભવોને કારણે ઘડાઇ ગઇ છે. હવે અમારી દીકરી ક્યાંય પાછી નહિ પડે...!! ( સમય માણસને ઘણું બધું શીખવાડી જાય છે. )

અને હવે ક્યારે આશ્કા યુ એસ એ જાય છે વાંચો આગળના પ્રકરણમાં....