માંહ્યલો
એપિસોડ-૬
નિ:સ્પૃહીની નજર દીવાલ પર ટાંગેલ મા આમ્રપાલીની છબી પર ગઈ. નિ:સ્પૃહીની આંખોમાંથી અણધાર્યા-અનાયાસે ધડધડ આસું સરી પડ્યા. નિ:સ્પૃહીની બંને હાથની આંગળીઓ એકમેક સાથે પરોવાય ગઈ. નિ:સ્પૃહી જાણે સાક્ષાત મા આમ્રપાલી સાથે વાત કરવા મંડી. “મા! આ પરિસ્થિતિમાં મારે શું ડીસીઝન લેવું જોઈએ. વંટોળ વાય ચૂંક્યું છે. ધરાશય થવા માટે હવે વધારે સમયની જરૂર નથી. એલાર્મ વાગી ચૂક્યો છે. શું મા! મારે શાલીગ્રામાને મુક્ત કરી દેવો જોઈએ. શું મા! અમારા વચ્ચે હવે ફકત બંધન જ રહ્યું છે કે સ્નેહનાં તાંતણે બંધાયેલ રેશમની આ મુલાયમ ગાંઠની માવજત કરી ફરી મજબૂત કરવી જોઈએ? મા! મારો આત્મા રહી-રહીને અંદરથી પુકારે છે હું આ જીંદગીને ફરી એક ચાન્સ આપું. આ મહામૂલી જીંદગીને આમ સાવ વિખેરી તો નહિં નંખાય ને મા. આવું તેં જ મને શીખવ્યું છે. સમજણનાં સાત અવસરે જ જીંદગી જીવી શકાય એવું તેં મને શીખવ્યું હતું. સ્વાભિમાનનાં આડમાં તો ક્યારેય કોઈનું ભલું નથી થતું. અને મા! મધુમાનું શું!!! આ બધી જીંદગીની રમત-ગમતમાં મધુમા સૌથી વધુ ભીસાઈ રહ્યા છે એમની વેદના મારાથી સહેવાતી નથી.” નિ:સ્પૃહીની સમજણ અને પોતાની પરવરીશ માટે આમ્રપાલીની છબીમાંથી મરક મરક હાસ્ય રેલાય રહું એવો નિ:સ્પૃહીને અહેસાસ થયો. શાલીગ્રામ જાણે સૂવાનો ડોળ કરી રહ્યો હતો. મધુમા પણ માથે ઓઢીને સૂવાનો ઢોંગ કરી રહ્યા હતા. ત્રણેમાંથી એકેયને જરા પણ ચેન પડતું ન હતું. ઘરમાં નિરવ શાંતિ વર્તતા શાલીગ્રામ ઉભો થયો. રૂમમાં આંટાફેરા કરતો રહ્યો. એક પર એક ચા ગટગટાવતો રહ્યો. આખરે મધુમાની ધીરજ ખૂટી શાલીગ્રામનાં આવા વલણથી તેઓ ગભરાયા તેમને ભયાનક વિચાર આવ્યો કે આવી રીતે તો શાલીગ્રામ કોઈપણ એડિકશનનો ભોગ બની શકે. એમને વિચારમાત્રથી ઝણઝણાટી થઈ ગઈ. એકી ઝાટકે બેડમાંથી ઉભા થયા અને ઝડપભેર નિ:સ્પૃહીણા રૂમમાં ગયા. નિ:સ્પૃહીને જોતા વેંત જ એમનો મિજાજ ઠંડો પડી ગયો. તેઓ નિ:સ્પૃહીનાં બેડ પર એના માથા પાસે બેઠા. ગળગળા અવાજે નિ:સ્પૃહીનાં માથે હાથ ફેરવતાં બોલ્યા ‘બેટા! નીહુ! હવે બસ કર. હું જાણું છું અમે તારા ગુનેગાર છીએ. અમે તારી સારપનો ગેરફાયદો ઉઠાવ્યો. પણ, આ ફેસલો કુદરત કરશે. પણ નીહુ બેટા! હમણાં તું અમને માફ કર. આ રીતે કોઈ સુખી નહિં થાય. તું એકવાર શાલીગ્રામને માફ કરી દે. હું શૈલીને પણ સમજાવીશ. બધું સારાં વાના થશે. જીંદગી છે ક્યારેક ખરાબ સમય આવે. એને અમાસની રાત સમજી ભૂલી જવાનું. બેટા! હવે આવનાર પૂર્ણિમાને ખુલ્લા હૃદયે આવકારી લે બેટા! હું જાણું છું બેટા! તારા દિલમાં પણ આ જ ગડમથલ ચાલી રહી છે. તું જેટલો ડોળ કરી રહી છે ઉપરથી એટલી અંદરથી તું કઠોર નથી બેટા! તું મા આમ્રપાલીનાં પેટમાં હતી ત્યારથી તને પારખું છું બેટા! તું તારી જાતને પણ બહુ કષ્ટ આપી રહી છે. બેટા નીહુ! તારી આ મધુમાની એક સલાહ સ્વીકારી લે સ્ત્રીહઠથી આખાયે ભર્યાભાદર્યા સંસારને ખાખ થતા વાર નથી લાગતી બેટા. તું સમજું છે મારે તને આ બધું સમજવવાનું ન હોય. પ્રભુ તમારું ઘર વસાવવા તત્પર છે આ તકને ઝડપી લે બેટા. ચાલો આપણે ફરીથી જીંદગીની નવી કેડી ચાતરીએ.
શાલીગ્રામ લગભગ પંદર-વીસ કપ ચા પી ચૂક્યા હશે. એને પોતાની જાત પર અને પોતાનાં નબળાં મન પર ગુસ્સો આવી રહ્યો હતો. આટલો મોટો IAS ઓફિસર જીંદગીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા લાચારી અનુભવી રહ્યો હતો. મધુમા નિ:સ્પૃહીનો હાથ પકડી શાલીગ્રામ પાસે લઈ આવી. શાલિગ્રામની સામેની ખુરશી પર નિ:સ્પૃહીને બેસાડી મધુમા પોતે પણ બેઠા. જાણે ત્રણેય વચ્ચે હૃદયનું ત્રિકોણ રચાયું પણ નિ:શબ્દ ત્રણે બેસી રહ્યા. ત્રણેયનાં હૃદય જીંદગીનાં કડવા ઘૂંટ ડૂમા સાથે ગળી રહ્યા હતા. ત્રણેયના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો. જિંદગીને ફરીથી જીવી લેવાનો. વાતાવરણનું મૌન તોડવા શાલીગ્રામે નિ:સ્પૃહી અને મધુમાને ચા ઓફર કરી. મધુમા શાલીગ્રામ અને નિ:સ્પૃહીનું સતત નિરીક્ષણ કરી રહ્યા હતા. શાલીગ્રામ ઘણું કહેવા માંગતો હતો પણ એની વાચા એને સાથ આપતી ન હતી. નિ:સ્પૃહી શાલીગ્રામને કળી ગઈ આથી નિ:સ્પૃહીએ વાત શરૂ કરવાની પહેલ કરી. “શાલુ! સોરી શાલીગ્રામ! હું ઈચ્છું છું કે આપણે ચારેય ભેગા મળી કોઈ ચોક્કસ નિર્ણય લઈએ. આમ, ગૂંગળાયને મરી-મરીને જીવવાનો કોઈ મતલબ નથી. એકવાર શૈલીને મળીએ.” મધુમાનાં ધબકારા વધી ગયા જાણે હૃદય પર ધમણ ચાલી રહી હોય એમ. મધુમા મનોમન બોલ્યા “ હવે વળી પાછું નવું શું હશે?” નિ:સ્પૃહી મધુમાની બોડીલેન્ગ્વેજ સમજી ગઈ એણે કહ્યું “મધુમા! રીલેક્ષ-રીલેક્ષ. મારી આખી વાત સાંભળો આમ ગભરાય જવાની જરૂર નથી. હું ભૂતકાળ ભૂલવા તૈયાર છું” મધુમા અને શાલીગ્રામ ઉંડો રાહતનો દમ લીધો.
મધુમા નિ:સ્પૃહી અને શાલીગ્રામ બંનેના માથા પર હાથ પોસવારતાં બોલ્યા “બધું જ સારાવાના થઈ જશે.” શાલીગ્રામ બોલ્યો “મારે પણ એક મુકામ પર પહોંચવું છે. હું ખૂબ ગૂંગળાય ગયો છું. તમારા બધાનાં સાથની અપેક્ષા રાખું છું ભૂલ મારી છે પણ હું ભૂલ સુધારવા હું એકલો અસમર્થ છું હું તમારા ત્રણેયનાં સહકારની આશા સેવું છું.”
શાલીગ્રામના લેપટોપમાં સીગ્નલ ઝળક્યો. જોયું તો શૈલીનો ઈમેઈલ હતો. શાલીગ્રામે કહ્યું મધુમા તમે જ વાંચો. શાલીગ્રામે મધુમા તરફ લેપટોપ ખસેડ્યું. મધુમાએ ચશ્મા સરખા કર્યા અને મોટેથી વાંચવાનું શરૂ કર્યું. “ડિયર શાલીગ્રામ! સોરી! ટુ બી લેટેડ હેપ્પી ધનતેરસ. હમણાં રાત્રીના બે વાગ્યા છે. તમે બધા નીંદરમાં હશો. પણ મારે કન્ફેશ કરવું છે. ગઈકાલે આખો દિવસ તને ખૂબ મિસ્ડ કર્યો. આખો દિવસ વિચાર-મંથન-મનન કરતી રહી. આજના ધનતેરસના શુભદિને શાલીગ્રામ મારી પાસે હોવો જોઈએ એ કેમ નથી? અને આખા દિવસનાં મનોમંથન પછીનાં વિશ્લેષણ પરથી મને સમજાયું કે શાલીગ્રામ તારી લક્ષ્મી નિ:સ્પૃહી છે. હું નથી. એથી જ કુદરત પણ તને ખેંચીને આજના શુભદિને નિ:સ્પૃહી પાસે જ લઈ ગયો. કુદરતનાં ન્યાયને સ્વીકારવો રહ્યો. શાલીગ્રામ! મને સમજાયું કે નિ:સ્પૃહી જ તારી લક્ષ્મી છે તારી રૂકમણી છે. હું એનાં પછી તારા જીવનમાં આવી છું આથી રાધા પણ બની નહિં શકું હું તારી ગોપી બનીને જીવન જીવી લઈશ. તારી ગોપી બનવાનો મને રાજીપો રહેશે. શાલીગ્રામ! તારો સંસાર નિ:સ્પૃહી સાથે જીવી લે. મને સમજાય ગયું છે કે તમે બંને એકમેક માટે જ સર્જાયા છો. તું ખૂબ નશીબદાર છે તને નિ:સ્પૃહી મળી. બની શકે નિ:સ્પૃહી થોડો સમય તને અવગણે, ગુસ્સો કરે. પણ તું સમય સાચવી લે જે. તું સમયને સાચવશે તો જગનિયતા તને સાચવી લેશે. તું નિ:સ્પૃહીની સંવેદના સમજશે તો આપોઆપ બધું સરળ થઈ જશે. બસ વધુ કહેવું નથી. લિખિતંગ શૈલી.