Pavanchakkino Bhed - 1 in Gujarati Adventure Stories by Yeshwant Mehta books and stories PDF | પવનચક્કીનો ભેદ - 1

Featured Books
Categories
Share

પવનચક્કીનો ભેદ - 1

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રસ્તાવના

ઢીલાશંકર પોચીદાસનું પરમવીર સાહસ !

રામ, મીરાં અને ભરત એમનાં માસીને ગામ રજાઓ ગાળવા ગયાં. તાર કર્યો હોવા છતાં સ્ટેશને કોઈ સામે લેવા ન આવ્યું. કેમ ? રસ્તે ચાલતાં એવું લાગ્યું કે જાણે ઝાડીમાં કોઈ વાઘ-દીપડો સળવળાટ કરતો હોય. એ કોણ ? ઘરની કાચની બારી બહાર કોઈ ભૂતના જેવો ચળકતો ચહેરો દેખાયો. એ શું ? રાતની વેળા કોઈ ભૂતના જેવા ઠપકારા સંભળાયા. શું સાચે જ ભૂત ? છોકરાંઓ જૂની પવનચક્કી જોવા જતાં હતાં ત્યારે એમને મારની બીક બતાવીને રોકવામાં આવ્યાં. શું પવનચક્કીમાં કશો ખજાનો દાટેલો હતો ? એક ચાંચિયાના ભૂત અને એના ભયંકર કૂતરાની વાત એમને કહેવામાં આવી. શું એમને ડરાવવા માટે ? ગામના લોકો કૂતરા લાલુને મારી નાખવાનો ઠરાવ કરીને બેઠા હતા. શું લાલુ હડકાયો થઈ ગયો હતો ?

કાંઈ કેટલાય ભેદ –

કાંઈ કેટલાંય રહસ્ય –

કાંઈ કેટલાય ભય –

એ ભેદ, એ રહસ્ય અને એ ભય સામે એક નાનકડો કિશોર કમર કસે છે. આમ તો સૌ એને શીલાશંકર પોચીદાસ કહેતા. પણ એ જ ઢીલાશંકર પોચીદાસ કેવી રીતે ‘પરમવીરલાલ’ બન્યો ? જાણવા માટે વાંચો ‘પવનચક્કીનો ભેદ.’


પ્રકરણ – ૧ : વૅકેશનમાં માસીને ઘેર

ગામડાની કેડી છે. ચારે બાજુ ઝાડઝાંખરાં અને કાંટા છે. થોરની કાંટાળી વાડો છે. વચ્ચે સાંકડી કેડી ચાલી જાય છે. એ કેડી ઉપર ત્રણ મુસાફરો ચાલ્યાં જાય છે. ત્રણેય મુસાફરો કિશોર વયનાં છે.

કેડી પાવાગઢ નજીકના એક ગામની છે. ગામનું નામ નવાપુર છે. એ લોકો નવાપુરના રેલવે સ્ટેશને ઊતરીને માસીના ખેતર ભણી જઈ રહ્યાં છે.

દિવસ ઉનાળાનો છે. માથે ધોમ તડકો ધખે છે. આ છોકરાંઓ પોતાની ઉનાળાની રજાઓ ગાળવા માટે માસીને ખેતરે જવા નીકળ્યાં છે.

સૌથી આગળ રામ ચાલે છે. એ લગભગ પંદર વરસનો છે. પાતળો અને ઊંચો છે. પણ એના હાથપગ કસાયેલા જણાય છે. ચહેરા ઉપર ખુમારી દેખાય છે. એ અખાડિયન હોય એવું જણાઈ આવે છે. એની પાછળ એની બહેન મીરાં છે. એકબીજા સાથે વાતચીત કરી શકે એટલાં નજીક છે. જોકે પોતાના લાંબા ભાઈની સાથે રહેવા માટે મીરાંએ પોતાના પગને ઠીક ઠીક તકલીફ આપવી પડે છે. એની ઉંમર બારેક વરસની હશે. એના વાળ વાંકડિયા છે અને ખભા સુધી કપાયેલા છે. એ વાંકડિયા વાળનાં ઝુલ્ફાં એના ખભા ઉપર એવી રીતે ઊછળી રહ્યાં છે કે જાણે કાળા સમુદ્રનાં કાળાં મોજાં ઉછાળા મારતાં હોય. રામ અને મીરાં ભાઈ-બહેન છે.

આ બંનેની પાછળ અને ખૂબ ખૂબ દૂર, નાકની દાંડી ઉપરથી લપસી પડતાં ચશ્માંને વારંવાર ઊંચાં ચડાવતો, હાંફતો, પરસેવે નીતરતો અને બહાવરો, લગભગ દોડી રહેલો છોકરો ભરત છે. ભરત રામ અને મીરાંનો માસિયાઈ ભાઈ છે. એની ઉંમર દસેક વરસની છે, પણ ચશ્માંનો નંબર સિત્તેર વરસના બુઢ્ઢા જેટલો છે. ચશ્માંના કાચ એની હથેળી જેટલા જાડા છે. ગરમી અને પસીનાને કારણે એ કાચ આડું વરાળનું પડ જામી જાય છે અને એને પરિણામે ભરત ઘણી વાર કેડી પરના પથ્થરોના ટુકડા, ડાળડાંખળાં અને ઝાડનાં બહાર નીકળી આવેલાં મૂળિયાં ઉપર ઠોકર ખાઈ જાય છે. એકાદ વાર તો પડી પણ ગયો હોવાથી એનાં લૂગડાં ધૂળિયાં બની ગયાં છે.

ભરતને માટે આ રસ્તો, આ સીમ, આ સફર – બધું અજાણ્યું છે. રામ અને મીરાં તો આ અગાઉ પણ જયા માસીને ખેતર જઈ આવેલાં છે. પરંતુ ભરત આ પહેલવહેલી વાર માસિયાઈ ભાઈબહેન સાથે આવી રહ્યો છે. માસીનું ખેતર કાંઈ સાદુંસીધું ખેતર નથી. એ તો મોટું ફાર્મ છે. મોટો બગીચો છે. ત્યાં અનેક જાતનાં ફળફળાદિ ઊગે છે... વગેરે વગેરે અનેક વાતો એણે સાંભળી છે. એ ખેતર જોવાના તાનમાં એ મીરાં અને રામની પાછળ ટાંગા ઘસડી રહ્યો છે. બાકી થાક તો એટલો લાગ્યો છે કે હમણાં જ કેડી વચાળે બેસી પડે.

એને યાદ આવ્યું. એની મમ્મી વચલાં માસીને ઘેર એને મૂકવા આવી હતી. વચલાં માસી એટલે રામ અને મીરાંનાં મમ્મી. ત્યાં મીરાંને નાનકડા ભરતની સંભાળ રાખવાનું જણાવીને એ કહેતી હતી કે તમને કશી તકલીફ નહિ પડે. મોટાં માસી – જયા માસીના ખેતરે તાર કરી દીધો છે. એનો મુનીમ બહાદુર નામનો એક બુઢ્ઢો સિપાઈ છે. એ તમને લેવા માટે નવાપુરના સ્ટેશને ગાડી લઈને સામો આવશે.

પણ નવાપુર સ્ટેશને તો કોઈ દેખાયું નહોતું. ન કોઈ ગાડી દેખાઈ કે ન બહાદુર દેખાયો. જે થોડાક મુસાફરો નવાપુરના સ્ટેશને ઊતર્યા હતા એ સૌ ચાલતા થયા. રામ, મીરાં અને ભરત એક કલાક સુધી બહાદુરની અને એની ગાડીની રાહ જોતાં રહ્યાં. આખરે કોઈ જ દેખાયું નહિ ત્યારે એમણે એકાદ ટપ્પો ભાડે કરવાનું નક્કી કર્યું. ભાવ પૂછ્યો. જયા માસીના ખેતર સુધીનું ભાડું સવા રૂપિયો નક્કી થયું. પછી ત્રણેય જણે પોતપોતાનાં ગજવાં તપાસ્યાં. રામ અને મીરાંનાં ગજવાઓમાંથી કુલ સંપત્તિ સત્યાશી પૈસા નીકળી. પછી ભરતે પોતાનાં ગજવામાં હાથ નાખ્યો. ખૂબ ધીમે અને પડેલે ચહેરે એણે હાથ પાછો કાઢ્યો. પણ હાથ ખાલી હતો ! કારણ કે ખીસું ખાલી હતું ! હા, દીકરાને વિદાય આપવાની ઉતાવળમાં અને ભાળભળામણમાં મમ્મી ખિસ્સાખર્ચી આપવાનું તો ભૂલી જ ગઈ હતી !

ત્રણે જણાએ જોર જોરથી ડોકાં ધુણાવીને ટપ્પાવાળાની વિદાય લીધી. ટપ્પાવાળોય મૂર્ખ હતો. ખેતર પરથી ભાડું લઈ લઈશ, એટલી પણ એણે તૈયારી ન બતાવી. અને આ ત્રણ નાનાં છોકરાંઓને તો એવું સૂઝે જ ક્યાંથી ? એમણે ચાલી નાખવાનું નક્કી કર્યું.

રામ અને મીરાંને તો રસ્તાની ખબર હતી. પોતપોતાના થેલા ખભે ચડાવીને એમણે ચાલવા માંડ્યું. ભરત એમની પાછળ પાછળ ઘસડાયો.

મે મહિનાની અધવચ હતી અને તડકો ખૂબ હતો. છતાં દૂર દૂર આકાશની ધાર ઉપર કાળાં વાદળાં પણ દેખાતાં હતાં. કદાચ વરસાદ પણ આવી જાય.

રામે ભરત ભણી એક દયામણી નજર નાખી. ભરત ઘણો પોચટ હતો. રંગે ગોરો અને દેખાવે સુંવાળો. એની મમ્મી એને ખૂબ લાડ લડાવતી હતી, અને એટલે જ કદાચ માંકડ, મચ્છર, ચાંચડ અને એવાં એવાં જંતુઓને ભરતનું લોહી બહુ ભાવતું. કોઈક વાર એ ઘરના કમ્પાઉન્ડની બહાર પગ મૂકીને પાછો આવતો ત્યારે શરીર આખું લાલ ચકામાથી ભરાઈ જતું.

ત્રણે જણ આ રીતે ચાલતાં ચાલતાં જયા માસીના ખેતર ભણી ચાલી રહ્યાં હતાં. એમને ખબર નહોતી કે બહાદુર એમની સામો ન આવ્યો એમાં એક જબરો ભેદ રહેલો છે.

***