પ્રકરણ- અગિયારમું/૧૧
‘સર.. હેલ્લો.. સર એક મિનીટ મેં ડ્રાઈવીંગ કર રહા હું તો.. પાંચ મિનીટ બાદ કોલ કીજીયે મેં સહી જગહ ઠીક સે કાર પાર્ક કર લું’
આટલું ખોટું તો લાલસિંગ માંડ માંડ બોલી શક્યો.
લાલસિંગની હાલત જોઇને સ્હેજ ગભરાતાં રણદીપે પૂછ્યું,
‘શું થયું લાલ ? કોનો કોલ હતો ? અને આટલો ગભરાઈ છે કેમ ?
રણદીપે પણ એક સામટો સવાલોનો મારો ચલાવ્યો.
એક મિનીટ ચુપ રહીને લાલસિંગે ફોનની વાત કહી. સાંભળીને એક મિનીટ માટે તો રણદીપના પણ હોંશ ઉડી ગયા.
હજુ બંને આગળ કશું વિચારે એ પહેલાં તો ફરી એ નંબર પરથી કોલ આવ્યો.
કઈ પણ વિચાર્યા વગર એક જ સેકન્ડમાં લાલસિંગે કોલ રીસીવ કરતાં હિંમતથી બોલ્યો,
‘હા, જી સર અબ બતાઈયે, પુરા મેટર ક્યાં હૈ ? ક્યા? કૈસે ઔર કબ હુઆ ? મેં પંદર સાલ સે એમ.પી. હૂં. ઔર આજ તક કભી કોઈ પુલીસ સ્ટેશન નહીં ગયા ઔર...’
લાલસિંગની વાત કાપતાં એ.સી.પી. નીરજ વર્મા કડકાઈથી બોલ્યો ,
‘મૈને આપકી હિસ્ટ્રી જાનને કે લિયે આપકો કોલ નહી કિયા સમજે ઔર આપ. એમ.પી. હો ઇસીલિયે ઇતની નર્મી સે મેં પેશ આ રહા હું. અગર આપ હમારી સહાયતા..., સહાયતા મેં સમજતે હૈ ન આપ ? કિતની સહાયતા કર શકતે હૈ, ઠીક સે સોચ લીજીયે વરના ફિર મુજે યહાં થાને મેં આપકી કૈસી ખાતરીદારી કરની હૈ વો સોચના પડેગા. ઔર...અબ આગે કા હાલ આપ કે પરમ મિત્ર વિસ્તાર સે બતાયેંગે. લીજીયે સુનિયે.
ફોનનું રીસીવર લેતા...
‘સંજય ગુપ્તા બોલ રહું હું, ક્યા છીરોરે પણ કા પ્રદર્શન કિયે હો ચુતુર્વેદી ? મેરી ગલી મેં આકે મુજ હી કાટોગે ? મેં તો ચુટકી બજા કે તુમ્હારી ઇસ નામર્દો વાલી હરકત સે છૂટ જાઉંગા પર તુજે દિનમેં તારે દીખ જાયેંગે યે યાદ રખના. અગર રાજનીતિ સે તેરી સાત પુસ્તો તક કા નામ ન કટવા દિયા તો મેરા નામ સંજય ગુપ્તા નહીં દેખ લેના.’ ધુઆફુઆ થતો સંજયે કોલ કટ કર્યો.
આડેધડ તીખાં શબ્દોની તલવાર ઝીંકીને સંજયે લાલસિંગના મગજના કમાનની એક એક સ્પ્રિંગ છટકાવી દીધી. થોડીવાર તો લાલસિંગએ એમ થયું કે કોઈ કે ઊંધા હાથના સણસણતાં તમાચા ઠોકી દીધા હોય એવી દિમાગમાં તમ્મર ચડી ગઈ.
લાલસિંગ ઊંચા અવાજે ગાળ બોલતાં બોલ્યો,
ગઈકાલ સુધી મારા તળિયા ચાટતો બે બદામનો સંજય મને તું કારે બોલાવે ? આજે એ... (ગાળ) દિલ્હી હોમ મીનીસ્ટ્રીમાં બેઠો બેઠો રાજ કરે છે એ મારા રૂપિયા અને મારી રાજકીય વગને કારણે એ ઈ (ગાળ) ભૂલી ગયો. અને નીચના પેટનો...’
હજુ આગળ બરાડા પડે ત્યાં નીરજ વર્માનો કોલ આવ્યો. એટલે ગુસ્સામાં લાલસિંગ મોબાઈલનું સ્પીકર ઓન કરતાં બોલ્યો,
‘દેખિયે સબ સે પહેલે આપ કીસ બાત કો લેકર મુજ પર યે ચાર્જ લગા રહે હૈ વો બતાઈયે.’
‘સબ સે પહેલે આપકી આવાઝ નીચી કીજીયે, યે તો ગુપ્તાજી જી મહેરબાની સે મૈને અભી તક મીડિયા વાલો કો કોલ નહીં કિયા વરના આપકી હવા ટાઈટ હો જાતી સમજે. અબ કાન ખોલ કર સુનિયે.
હરિયાણા પાસિંગ કી હોન્ડા સીટી કાર, જો એક મહીને પહેલે દીલ્હી સે ચોરી હુઈ થી ઉસ કે ફરજી કાગજાત કે સાથ નંબર બદલ કર એક આદમી વો કાર સંજય ગુપ્તા કો બેચને આયા થા, સંજય ગુપ્તાને સબ છાનભીન કરલી તબ નકલી કાગજાત કા પતા નહી ચલા. જબ વો આદમી સંજય ગુપ્તા કે ઘર પર કાર છોડ કે નિકલ હી રહા થા તબ હમારી ઈમ્ફોર્મેશન કે મુતાબિક હમને ઉસકો ધર દબોચા તબ ઉસકે સાથ સાથ કાર મેં સે ડ્રગ્સ ઔર વિદશી હથિયાર બરામદ હૂએ હૈ, ઔર જબ હમને વહીં પર પૂછતાછ કી તો વો આદમીને યે કબુલ કિયા કી લાલસિંગ ચતુર્વેદીને ઉસે સંજય ગુપ્તાકો બદનામ કરને કે લિયે પૈસે દિયે થે. અભી સંજય ગુપ્તાકી વજહ સે આપ કે ખિલાફ સબ કાગઝી કારવાઈ આપકો ફોન કરને તક બાકી રખી હે. આપ જલ્દી સે સોચ લીજીયે કયું કી મુજે મેરે સિનીયર કો ભી જવાબ દેના હૈ.’
રૂઆબથી એ.સી.પી. એ કોલ કટ કર્યો.
આટલું સાંભળ્યા પછી, રણદીપ કોલ કરવા જતો હતો ત્યાં જ લાલસિંગે તેને રોકતા બોલ્યો,
‘ના, રહેવા દે હમણાં કોઈ ચાળો ન કરીશ. જેણે પણ આ ખેલ નાખ્યો છે એ ખુબ જ શાતિર છે. તું એક કોલ કરીશ બંધ બાજી ઉઘાડી થઈ જશે.
બંને વિચારના ચકડોળે ચડી ગયા.લાલસિંગે વિચાર્યું
આટલું મોટું ષડ્યંત્ર ? અને એ પણ દિલ્હીમાં ? કયાંક સંજય ગુપ્તાની.... ચાલ તો ? ઠીક ઈલેકશન પહેલાં જ ? આટલો મોટો સંગીન આરોપ ?
પંદર વર્ષના રાજકારણમાં પહેલીવાર કોઈએ લાલસિંગ સામે આ રીતે અપમાનિત શબ્દો અને ઊંચાં અવાજમાં વાત કરી હતી. દુશ્મનએ પીઠ પાછળ કળ ન વળે એવો ઘા કર્યા હતો. અત્યારે પરિસ્થિતિને જોતાં લાલસિંગએ વિચાર્યું કે કોઈપણ ચાલાકી વાપર્યા વગર શક્ય એટલું આ કોકડું વહેલું સંકેલવું જ ડાહપણ ભરેલું રહેશે.પહેલાં વિઠ્ઠલ અને ભાનુપ્રતાપનું એક થવું અને અચાનક આ ભેદી કાવતરાથી આવનારા દિવસોમાં લાલસિંગને કોઈ અલ્કપનીય અમંગળના એંધાણનો અંદેશો આવવા લાગ્યો.
‘હું કમિશ્નરનને કોલ કરું ? કંઇક જાણવા મળશે.’ રણદીપે પૂછ્યું
ગુસ્સાથી લાલસિંગ બોલ્યો,
‘અલ્યા તું હમણાં થોડીવાર તારી બાટલી જેવી બુદ્ધિ પર બુચ મારીને બેસીશ ? તને કંઈ ખબર પડે છે... એ હાડકાંનો હેવાયો હલકટ કમિશ્નર આ હાલતમાં બે બટકા વધારે ભરશે. કેટલાંના મોઢે ડૂચા મારીશું ? અને સિંહ ઘાયલ થાયને એટલે કાગડાં પણ ચાંચ મારી જાય સમજ્યો. મને વિચારવા દે થોડીવાર.’
રણદીપને થયું આની છટકેલી ડગરી પાછી ઠેકાણે ન આવે ત્યાં સુધી ગાંધીજીના ત્રણ વાંદરાના ગુણધર્મ અપનાવી લેવામાં જ મજા છે. એટલે ચુપચાપ બિયરનો ગ્લાસ લઈને બાલ્કની તરફ ચાલવા લાગ્યો.
લાલસિંગ ઊંડા વિચારમાં પડી ગયો. થોડીવારમાં તો કંઇક અનુમાન લગાવીને મનોમન શૂન્ય ચોકડીની રમત રમી લીધી. પણ ટકોરાબંધ કાવતરાના કારસ્તાનના કારીગરની કડીનું કોઈ સંકેત મળતું નહતું. અંતે લાલસિંગને સમય, સંજોગની સંગીનતા સમજીને મનોમન સ્વેચ્છાએ શરણાગતિ સ્વીકારી લેવી એ જ યોગ્ય લાગ્યું. વાત વણસે અને આગળ જતા બાપ કહેવા કરતાં અત્યારે ગરજે ગધેડાના ગુલામ બનવામાં જ ભલાઈ છે.
લાલસિંગની અંગત અને સચોટ માન્યતા હતી કે જિંદગીની કોઇપણ સમસ્યા જો રૂપિયાથી સંકેલાઈ જતી હોય તો સરવાળે સસ્તી જ કહેવાય. કારણ કે જિંદગીના તમે બધું જ પાછુ મેળવી શકશો, આબરૂ અને આયુષ્યની આવરદા સિવાય.
નીરજ વર્માનો કોલ આવે એ પહેલાં લાલસિંગે સામેથી કોલ ઠપકારી દીધો અને ઠાવકાઈથી બોલ્યો,
‘લાલીસિંગ બોલ રહા હૂં, વર્માજી આપ કે સહાયતા કી રાશી બતાઈએ.’
‘ક્યા બાત હૈ, અબ આપ ગુણવાન એમ.પી. કી જબાન મેં બાત કરને લગે. ઠીક હૈ મેં આપ કો ઉપર સે નીચે તક કી ગિનતી કર કે થોડીદેર મેં વાપસ કોલ કરતાં હૂં.’
એમ કહીને એ.સી.પી. એ કોલ મુક્યો.
થોડીવાર ચુપ રહ્યા પછી લાલસિંગે બીજા ગધેડાને પણ પંપાળવાનો વિચાર આવ્યો એટલે લાલસિંગે સંજયને કોલ લાગવ્યો.
‘બોલ.’ સંજય બોલ્યો
‘કિસી ઐરે ગૈરે કે કહને પર આપને મેરે નામ સે ઇતની બડી ગલત ફહેમી પાલ લી ? કૌન હૈ વો આદમી ? કહાં કા હૈ ? ક્યાં નામ હૈ ? ઔર મેં આપ કે સાથ કોઈ સાઝીસ કયું કરુંગા ?
‘યે જાનના મેરા કામ નહીં હૈ, વો સબ પુલીસ કર રહી હૈ, મેં સિર્ફ યે જાનના ચાહતા હું કી, તેરી કોઈ મન્નત યા મંશા પૂરી કરને કે લિયે તું મુજે કયું બલિ કા બકરા બના રહા હૈ ? તું અહેસાન મના કે ઇતને સાલ કે રાજનૈતિક સંબંધ કે કારન મૈને અબ તક બાત કાગજી કારવાઈ તક નહીં જાને દી. વરના તું મુંહ છુપાને કે લાયક ભી નહીં રહેતા સમજા.’
મનોમન મન ભરી ભરીને ગાળો દેતા લાલસિંગે વિચાર્યું કે આ વૈશાખનંદન પાસે વ્યાખ્યાન કરવાનો કોઈ મતલબ નથી એટલે માત્ર એટલું જ બોલ્યો,
‘ઠીક હૈ.’ કહીને માંડ માંડ તેના લીમીટ ક્રોસ કરવા જઈ રહેલા આક્રોશને કાબુમાં કર્યો.
ક્યારનો ચુપચાપ બાલ્કનીમાં બિયરના ઘૂંટડા તાણતાં રણદીપને સ્હેજ ઊંચાં અવાજે લાલસિંગે પૂછ્યું,
‘એલા રણદીપ ઓલા વિઠ્ઠલ અને ભાનુપ્રતાપની મિયાં અને મહાદેવ જેવી ગઠબંધનની તપાસનું પગેરું ક્યાં સુધી પહોચ્યું ? અને ઓલો ભૂપતિયો આપણ ને ભૂ પાઈ ગયો કે શું ? અને મહેરબાની કરીને રણદીપ આ ચૂંટણી ન પતે ત્યાં સુધી તું આ બાયુ અને બાટલીથી બાર ગાઉ છેટો જ રે જે હો.
રણદીપને લાગ્યું કે આ ધૂણતા ભુવા સામે, હા એ હા કરીને ડોકું ધુણાવાંમાં સરખાઈ રહેશે.
એટલે અડધો ભરલો બિયરનો ગ્લાસ બાજુમાં પડેલાં કુંડામાં ઢોળી નાખતાં બોલ્યો
‘લે આલે.. આ ઘડી એ થી જ પીવાનું બંધ બસ.’
‘એએએએએએએ.......તારી તો... (ગાળ).. એલા લાગે છે કે તારા મગજની જગ્યાએ મુત્રપિંડ ફીટ થઇ ગયું લાગે છે.’
આંખો પોહળી કરીને રણદીપે પૂછ્યું
‘હવે શું થયું ?’
‘એલા, ઔરંગઝેબની ઔલાદ તે બિયરનો ગ્લાસ જેમાં રેડ્યો એ તુલસી ક્યારો છે, ટોપા.’
આટલું સાંભળતા રણદીપ તુલસી ક્યારાને બે હાથ જોડીને માથું ટેકવવા લાગ્યો.
લમણે હાથ પછાડતા લાલસિંગ બોલ્યા.
‘હાલ,આ બાજુ ગુડા હવે, કુસુમ અત્યારે અહીં હાજર હોત તો તો...તારી હાલત શોલેના ઠાકુર જેવી કરી નાખત, પછી ખાવા, પીવા અને ધોવાના હાંધા પડી જાત. અને મારે આ આખો બંગલો ગંગાજળથી ધોવડાવો પડત એ અલગથી. હમણાં ઓલા ડાઘીયાનો ફોન આવશે. હાલ તું ઝટ રૂપિયાની ભેગા કરવાની કસરત ચાલુ કર.’
‘પણ, કેટલાં ? સોફામાં બેસતાં રણદીપ બોલ્યો.
‘એ (ગાળ) મોઢાં માંથી ભસે તો કંઇક ખબર પડે ને ? આ સંજય વચ્ચે છે નઈ તો આ રોલા ને તો હું વગાડીને કહી દેત જા થાય એ ઉખાડી લે જે. અને આ રમત જેણે શરુ કરી છે એની તો હું...’
ત્યાં નીરજ વર્માનો બીજા નંબર પરથી કોલ આવ્યો.
‘હાં, મંત્રી જી, સબ મિલા કે એક કરોડ સે કામ ચલા લેંગે.’
આંખો પોહળી કરીને સટાક કરતો લાલસિંગ સોફા પરથી કરંટ લાગ્યો હોય એમ ઉભાં થતાં બોલ્યો,
‘કિતને ઝીરો આતે હૈ, વો ભી પતા હૈ એક કરોડ મેં ?’
‘અરે, મંત્રી મહોદય વો તો જબ આપ એક કરોડ દોગે તબ હમેં પતા ચલેગા ના. ઔર નહીં દોગે તો આપકી ઈજ્જત કે પીછે કિતને ઝીરો લગેગે વો આપકો પતા હૈ ?’
‘તો આપ હમેં ધમકી દે રહે હૈ ?’
‘નહીં.. નહીં.. અગર ઉસ અંદાજ મેં બાત કરતાં તો, દો કરોડ મેં ભી બાત નહીં બનતી સમજે. ઔર દેખો યે સબ્જી માર્કેટ નહીં હૈ, ઔર મેરે પાસ ફાલતું કા વક્ત ભી, મેં આપકો દસ મિનીટ દેતા હૂં.’
‘એક કરોડ ? એલા એને કઈ કુતુબ મીનાર નઈ લેવાનો અમારે (ગાળ...)
લાલ હવે શું કરવાનું બોલ ?’ રણદીપ બોલ્યો.
રણદીપ, આ ચૂંટણી માથે ન હોત તો આ (ગાળ..) ની હાલત હું રાંડથી પણ બદ્તર કરી નાખત. હવે કંઈ નહી વધતાં ઓછા કરીને એના મોઢામાં ઠુંસી દઉં,પછી તું જો આ બેય (ગાળ) મારા તળિયા ચાટીને મોતની ભીખ ન માંગે તો..આજીવન રાજકારણ માંથી સંન્યાસ લઇ લઈશ.’
આટલું બોલીને થોડીવાર પછી લગાવ્યો કોલ એ.સી.પી.ને.
‘મેં દસ લાખ દે શકતા હૂં.’ લાલસિંગ સાવ પાણીમાં બેસી જતા બોલ્યા,
રાક્ષસ જેવું અટહાસ્ય કરતાં નિરજ વર્મા બોલ્યો,
‘એ હેલ્લો, દસ લાખ તો મેં હર મહીને સિર્ફ ડાન્સ બાર મેં ઉડાતા સમજે. કિસી જેબ કતરે કો નહીં છુડાના હૈ. આખિર મેં નબ્બે લાખ લૂંગા હા.’
એ પછી આશરે બન્ને વચ્ચેના થોડીવારના શાબ્દિક યુદ્ધ પછી વાત સિંતેર લાખમાં સમગ્ર કૌભાંડનું કોકડું ભીનું સંકેલીને લાલસિંગને કલીનચીટ આપવાની વાત ફાઈનલ થઇ, એ પણ લાલસિંગની એ શરતે સાથે કે જે વ્યક્તિએ લાલસિંગનું નામ આપ્યું હતું તે વ્યક્તિ લાલસિંગને સોંપી દેવાની.
અને એ પછીના ચોવીસ કલાકમાં લાલસિંગ અને રણદીપે સંજયની મધ્યસ્થીમાં રૂપિયા સિંતેર લાખની નીરજ વર્માને ચુકવણી પણ કરી આપી.
અને નિરજ વર્મા પેલી વ્યક્તિને ક્યાં, કેવી રીતે, અને ક્યાં સમયે લાલસિંગના માણસોના હવાલે કરશે એ જણાવ્યા બાદ બે દિવસ રાહ જોવાનું કહ્યું.
સમયે થયો હશે રાત્રીના દશેક વાગ્યાનો. તરુણા બહારે ઓસરીમાં ખાટલામાં પડી પડી, પડખાંની સાથે સાથે પહેલી જેવા પ્રશ્નોના પાસાં પણ ફેરવતી હતી. તેની ગુઢ રહસ્યકથાની માફક વિસ્તરતી જતી વ્યૂહરચનાને એક એવી ડર્ટી પોલીટીક્સની
પૃષ્ઠભૂમિમાં અંજામ આપવાનો હતો કે જ્યાં મિત્ર અને શત્રુની પાતળી ભેદરેખા ઘડીના છટ્ઠા ભાગમાં ભૂંસાઈને ભુલાઈ જતી હતી. જે રાજકારણનું સૌથી મોટું હથિયાર હતું ડર, તે ડરને ડારો આપની ત્યાં ડેરો જમાવવાનો હતો. રણજીત,રાઘવ, ભાનુપ્રતાપ, વિઠ્ઠલ, ભૂપત અને અંતે વનરાજ. તરુણાએ પોતીકા ફાયદા અને કાયદા મુજબ સૌને તેનો ટાર્ગેટ એચીવ કરવાની પેરવી માટે સ્ટેન્ડ બાયની પોઝીશનમાં લાવીને મૂકી દીધા પછી અંતે હવે એક જ અંતિમ કડી ખૂટતી હતી. શિકાર અને શિકારી વચ્ચેના બકરીના બચ્ચાની. .
તરુણા એવું વિચારતી હતી કે, જે કોઈપણ લક્ષ્યવેધ માટે ફાયર કરે, એ ખુદ પોતે જ વીંધાય જાય અને, શિકાર તરુણાએ શરણે થઇ જાય. આ આખા મિશનમાં એક મીસ ફાયર તરુણા માટે જીવલેણ સાબિત થાય તેમ હતું એ વાતની ગંભીરતાનો તરુણાને ખ્યાલ હતો.
તરુણાએ વિચાર્યું કે જો બધા જ લક્ષ્ય એક જ સમાંતર રેખામાં આવે તો એ જ ક્ષણે કચકચાવીને પણછ ખેંચીને એવું તીર તાકવું છે કે જેના અંતે એ કિસ્સાનો એવો સિક્કો ઉછળે જે સિક્કાની બંને બાજુએ જીત માત્રને માત્ર તરુણાની જ હોય.
બીજા દિવસે વનરાજ સાથે મુલાકાતનો સમય નક્કી કરીને એક ગહન ચર્ચાનો દોર
પૂરો કરીને એક સાથે બન્ને ટાર્ગેટને ઉડાવી દેવાની ફૂલપ્રૂફ વ્યૂહ રચનાને કાગળ પર અંજામ આપી દીધો. તારીખ, સમય, સ્થળ સાથે આરંભ અને અંતની સંપૂર્ણ રૂપરેખાને આખરી ઓપ આપ્યા પછી સિગારેટ મોં માં મુકતા વનરાજ બોલ્યો.
‘મને તમારી આ રાજનીતિની રણભૂમિમાં સશસ્ત્ર સૈનિકો અને સેનાપતિ દેખાય છે પણ હજુયે તમારું અંતિમ લક્ષ્ય નથી દેખાતું, એ કેમ ?
એટલે હસતાં હસતાં તરુણા બોલી,
‘વનરાજ ભાઈ જો એ તમને ખબર પડી હોત તો હું અહીં આજે તમારી સામે બેઠી હોત ? રાજકારણનો સૌથી અનિવાર્ય અને પાયાનો નિયમ છે કે પેટ મોટું હોવું જોઈએ, માત્ર બહાર નહીં અંદર પણ.’
એટલે વનરાજ પણ હસવાં લાગ્યો, પછી બોલ્યો
‘પણ મને હજુ એક વાત નથી સમજાતી કે તમે પૈસો,પાવર કે પીઠબળ વગર નિહત્થા અને એકલા એવા ક્યા છુપા પરિબળના આધારે, કોની સામે અને કેમ આ જંગ જીતવા જીદે ચડ્યા છો ? એ ગુત્થીનો છેડો હજુ નથી મળતો.’
એક મિનીટ ચુપ રહીને તરુણા બોલી,
‘વનરાજ ભાઈ, દુનિયાની મને નથી ખબર પણ, જિંદગીની પાઠશાળામાં મને સમજણનું ગણિત સમજાવવા માંડ્યું ત્યારથી, પેટ,પૈસો,પરિવાર,પુણ્ય,પાપ અને પ્રેમ આ પાયાના પરિબળોની પરિસ્થિતિએ મારી સામે જિંદગી જીવવાના ત્રણ પર્યાય મુક્યા, જે પરિસ્થિતિ છે તેને સ્વીકારી લ્યો, તરછોડી દયો અથવા તો તબદીલ કરો. મેં ત્રીજું ઓપ્શન પસંદ કર્યું. અને આ જીતની જીદ તો જન્મજાત છે. આ ત્રણમાંથી એક પર્યાય મને જિંદગીના ૩૬૫ પર્યાય આપશે. અને હા, જક્કી અને જીદ્દી તો છું જ. હવે તો એવી જિદ્દે ચડી છું કે, એક શેર યાદ આવે છે,
‘યે દિલ ભી આજ એક છોટે બચ્ચે કી તરહ જિદ્દ પર અડા હૈ, યા તો ઉસે સબ કુછ ચાહીયે યા તો ફિર કુછ ભી નહીં.’ બસ આવું કંઇક. વનરાજ ભાઈ મને પણ તમારી એક વાત નથી સમજાતી કે તમે કોઈ દામ વગર મારું કામ કેમ કરો છો ?’
‘દમદાર ના દામ ન હોય. અને મને પૈસા કરતાં તમારા પરિચયમાં વધુ રુચિ છે. હું એ જાણવા માંગું છું કે જે ક્ષેત્રમાં મેં મારી અડધી જિંદગી ખર્ચી નાખી છતાં જે નથી જોઈ કે વિચારી શકતો એ તમે ચપટી વગાડતાં કઈ રીતે કરી શકો છો ?’
સિગરેટનો આખરી કસ ખેંચતા વનરાજે પૂછ્યું.
સ્હેજ ઈમોશનલ થઈને તરુણા એ જવાબ આપ્યો .
‘એ મારી બદનસીબી. વનરાજ ભાઈ ઈશ્વર ભૂલથી પણ કોઈ તરુણા જાદવને જન્મ ન આપે. એ હદે પત્થર બનીને જાતને કઠોર કરી નાખી કે ઠોકર મારનારા પણ થાકી ગયા. જિંદગી મફતમાં કંઈ નથી શીખવાડતી. ચલો છોડો હવે એ વાત, મને એ કહો કેઆ ગધેડાઓને દોડાવવા આપણે ક્યારે ઘોડો દબાવવાનો છે ?
‘મને બે દિવસનો સમય આપો.’વનરાજએ જવાબ આપ્યો.
‘બીજી એક ખુબ જ ખાસ વાત જે હું પૂછ્યા વગર નથી રહી શકતી.’ તરુણા બોલી
‘અરે.. બિન્દાસ પૂછો.’ વનરાજ બોલ્યો
‘લાલસિંગને જો જાણ થાય કે તેની પૂંઠે રોકેટ છોડવામાં તમારો હાથ છે તો ?’
ખડખડાટ હસતાં વનરાજ બોલ્યો,
‘એ લાલસિંગ જે દી ચડ્ડી પહેરીને ફરતોને ત્યારે તો મેં પહેલું મર્ડર કરેલું, મુછનો દોરો ફૂટે એ પહેલાં તો મેં ફટાકડી ફોડી’તી, સત્તર વર્ષની ઉમરે. આજ સુધી હું લાલસિંગને કયાંય નડ્યો નથી. હું તો તમારું કામ કરું છું. એ પહેલાં મારી પાસે આવ્યો હોત તો હું તમારી વિરુદ્ધ કામ કરતો હોત. આ શહેરમાં વનરાજનો કોઈ બાપ નથી. અને જેણે પણ બનવાની કોશિષ કરી એ હયાત નથી. વનરાજ સામે ઊંચાં અવાજે વાત કરતાં પહેલાં લાલસિંગે એક વાર તો વિચારવું પડે.’
વનરાજનો જવાબ સાંભળીને તરુણા દિમાગના થંભી ગયેલા વિચારોને વેગ મળી ગયો.
બે દિવસ સુધી નીરજ વર્માનો કોલ ન આવતાં લાલસિંગે કોલ કરતાં નીરજ વર્મા તરફથી મેસેજ મળ્યા કે હમણાં વ્યસ્ત છું, એમ કરતાં કરતાં રાત પડી છેવટે રાત્રે અગિયારેક વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા નંબર પરથી નીરજ વર્માનો કોલ આવ્યો.
તેની વાત કરવાની સ્ટાઈલ પરથી લાગતું હતું કે મદિરા પીધેલી અવસ્થામાં છે
‘હા, બોલ.’
‘ઉસ આદમી કો કબ હમારે હવાલે કર રહે હો ?’
‘આદમી, કૌન આદમી ? ઓહ્હ.. વો કાર વાલા ? અરે.. વો તો ભાગ ગયા જેલ સે.’
નિરજનો જવાબ સાંભળીને લાલસિંગને થયું કે હમણાં આની ગળચી દાબી દઉં, ઉચા અવાજે બોલતા લાલસિંગે પૂછ્યું,
‘ભાગ ગયા મતલબ ? યે કોઈ જવાબ હૈ ? ઔર મૈને સત્તર લાખ કીસ શર્ત પે દિયે થે ? મુજે વો આદમી નહીં મિલા તો મેં..
‘એએએએએએ.. હેલો.. યે તેરે મંત્રીકા રૂઆબ કહીં ઔર જાકે દિખાના સમજે, તેરે જૈસે મંત્રી યહાં દિલ્હીમેં હર નુક્કડ પર ઘૂમતે હૈ સમજા. અબ વો આદમી ઔર પૈસા દોનો ભૂલ જા, ઔર દુબારા યહાં કોલ ભી મત કરના. સમજ લો હાથી ચારા ખા ગયા.’
લાલસિંગના ગુસ્સાનો પારો એટલી હદ સુધી છટકી ગયો કે..બીજી જ સેકન્ડે રણદીપને કોલ કરીને નીરજ વર્માને જેમ બને તમે જલ્દી કોઈપણ કિંમતે ટાળી દેવાની સૂચના આપી દીધી.
વનરાજ તેના બેડરૂમમાં તેની રિવોલ્વર સર્વિસ કરતો હતો ત્યાં જ કોલ આવ્યો.
‘નમસ્કાર, સર જી, આપકે આદેશ કે મુતાબિક કામ હો ગયા હૈ. લગતા ઉસકી હાલત કિસી પાગલ કુત્તેને કાટ લીયા હો વૈસી હો જાયેગી.’
હસતાં હસતાં વનરાજ બોલ્યો,
‘લાલસિંગ જૈસે કમીને આદમી સે સત્તર લાખ એંઠ કે ભી કાટને કા કામ સિર્ફ નીરજ વર્મા નામ કા કુત્તા હી કર શકતા હૈ.’
હસતાં હસતાં નિરજ બોલ્યો,
‘આપ કી દયા હૈ માલિક આગે ભી ઐસી કોઈ હડ્ડીયા હો તો ડાલતે રહેના, ખર્ચા પાણી નિકલતા રહેગા. ઠીક હૈ મેં ફોન રખતા હું.’
-વધુ આવતાં અંકે
© વિજય રાવલ
'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484