રોકીની આત્માને મુક્તિ મળી ગઈ છે એ જાણી કાવ્યા ખુબ જ ખુશ હતી. સોમવારનો આખો દિવસ ખુશીમાં પસાર થઈ ગયો. સાંજે પાંચેક વાગ્યે તે બગીચામાં રાખેલ હીંચકા પર બેસીને ચા પી રહી હતી અને સાથોસાથ મોબાઇલ પર ટાઇમપાસ કરી રહી હતી ત્યાં અચાનક પાછળની ઝાડીઓમાં કંઈક સળવળાટ થયો. કાવ્યા એ પાછળ ફરીને જોયું તો ત્યાં કંઈ નહોતું. તેની થોડી વાર પછી જાણીતો અને ભયાનક અવાજ આવ્યો, "કાવ્યા...."
કાવ્યાના રુવાડા ઉભા થઇ ગયા. તેણે મનમાં કંઇ કેટલીય કલ્પનાઓ કરી લીધી કે પડછાયો પાછો આવી ગયો અને પાછો આવી ગયો તો પોતે તો વિધિ કરી હતી એમાં કોને મૂક્તિ અપાવી અને પડછાયો પાછો આવી ગયો છે તો પોતાનું શું થશે. તેનાં શરીરમાં ધ્રુજારી આવી ગઈ. ઘડીભર તે ચુપ રહી તેનાં મોંમાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો. પછી તેણે જોરથી ચીસ પાડી, "મમ્મી...."
કાવ્યાની ચીસ સાંભળી રસીલાબેન અને કવિતાબેન બહાર કાવ્યા પાસે દોડી આવ્યા. કાવ્યા હીંચકા પર જડ બનીને બેઠી હતી અને તેના હોઠ ધ્રુજી રહ્યાં હતાં. તેઓ કાવ્યા પાસે જઈને બેઠાં અને પૂછવા લાગ્યા કે તેણે ચીસ શા માટે પાડી. કાવ્યા એ હાથ ઊંચો કરી આંગળી વડે ઝાડીઓ તરફ ઈશારો કર્યો અને ધીમેથી બોલી, "ત્યાં પડછાયો છે, મેં તેનો અવાજ સાંભળ્યો."
આ સાંભળી રસીલાબેન અને કવિતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ કેવી રીતે શક્ય છે કાવ્યાને મિસઅન્ડરસ્ટેન્ડિગ થયું હશે. પણ કાવ્યા કસમ ખાઈને બોલી કે તેણે બબ્બે વખત અવાજ સાંભળ્યો છે.
રસીલાબેન ઘરમાં અંદર ગયા અને એક ચાદર તથા સાવરણી લઈને બહાર આવ્યા. કવિતાબેન બોલ્યાં, "આ શા માટે લાવ્યા તમે?"
"જે મળ્યું એ ફટાફટ લાવી છું, લો આ ચાદર તમે લો અને સાવરણી હું રાખું છું. આજે તો ગયો એ પડછાયો.." રસીલાબેન જોશભેર બોલ્યાં અને બંને જણી ઝાડીઓ તરફ ધીમે પગલે ગઈ.
ઝાડીઓ વટાવીને બીજી તરફ ગયા તો ત્યાં એક યુવક પાછળ ફરીને ઉભડક બેઠો હતો. એને જોઈને રસીલાબેને કવિતાબેન તરફ ઈશારો કર્યો અને કવિતાબેન જાણે ઈશારો સમજી ગયા હોય એમ તે યુવક તરફ અગ્રેસર થયાં અને પાછળ રસીલાબેન સાવરણી પર પકડ મજબૂત કરીને ચાલી રહ્યા હતા.
કવિતાબેને યુવકની એકદમ નજીક પહોંચી તેનાં પર ચાદર નાખીને ઓઢાડી દીધી અને રસીલાબેન સાવરણી વડે પીટવા લાગ્યા. કવિતાબેન પણ તે યુવકને હાથ વડે મારવા લાગ્યા. કાવ્યા પણ ત્યાં આવી ગઈ અને આ પીટાઈ જોવા લાગી.
એ યુવક માંડ પોતાની જાતને સંભાળી ઊભો થયો ત્યાં ફરી પાછો રસીલાબેન એ તેને પછાડી દીધો અને પીટવા લાગ્યા. કાવ્યા પણ જાણે ચિયર કરતી હોય એમ પોતાના મમ્મી અને સાસુને તે યુવકને પીટવા માટે ઉપસાવવા લાગી. જેની અસરરૂપે બંને જણી વધુ જોર લગાવી યુવકને પીટવા લાગી.
"મમ્મી, આ હું છું અમન.." થોડી વાર પીટાઈ ખાધાં પછી એ યુવક હિંમત કરીને ચાદર દૂર કરી ચિલ્લાઈને બોલ્યો અને હાંફવા લાગ્યો. બધાં તેને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી ખુશ થઈ ગયા. રસીલાબેન તો સાવરણી ક્યાંય દૂર ફેંકીને અમન પાસે આવીને તેનાં માથે હાથ ફેરવવા લાગ્યા અને હાથ પગ અને મોં પર જોવા લાગ્યા કે ક્યાંય વધુ લાગ્યું હોય તો. અમન આહઉહ કરતો રહ્યો.
કવિતાબેન અમન પાસે જઈને તેની માફી માગતા બોલ્યા, "ઓહ માય ગોડ.. આઈ એમ વેરી સોરી અમન બેટા, આ શું થઈ ગયું અમારાથી, તારી જ પીટાઈ થઈ ગઈ."
"ઈટ્સ ઓકે મમ્મી, આઉઉઉ..." અમન કમર પર હાથ ફેરવી બોલ્યો.
કાવ્યા અમનને જોઈને એકદમ ખુશ થઈ ગઈ અને સીધી અમન પાસે જઈને કોઈની પરવા કર્યા વગર તેને વળગી ગઈ. અમન પણ કાવ્યાને ગળે વળગી ગયો. બંને જણાં જાણે વર્ષોના વિરહ બાદ મળ્યાં હોય એમ એકબીજાને વળગીને એમ જ રહ્યા. આ જોઈ રસીલાબેન અને કવિતાબેન ચુપચાપ ઘરમાં અંદર જતાં રહ્યાં.
અચાનક કાવ્યા એ અમનને પોતાનાથી અળગો કરીને જોરથી તમાચો મારી દીધો. અમન તો ગાલ પર હાથ રાખી કાવ્યા તરફ અચરજથી જોઈ રહ્યો અને પછી બોલ્યો, "મારે છે શા માટે?"
કાવ્યા કંઈ પણ બોલ્યા વગર ચુપ રહી અને ફરી પાછો તમાચો મારી દીધો. અમન તો તેનાથી દૂર જ ખસી ગયો અને ગાલ પર હાથ રાખી પંપાળવા લાગ્યો.
"દૂર ક્યાં જાય છે તું? અહીં જ ઊભો રહે, મારો ગુસ્સો હજુ ઉતર્યો નથી." કાવ્યા ગુસ્સામાં બોલી અને અમનને પોતાની નજીક ખેંચીને મુક્કા મારવા લાગી.
"અરે પણ મારે છે શા માટે એ તો જણાવ.. પછી હું માર ખાઈ લઈશ." અમન કાવ્યા ના હાથ પકડીને બોલ્યો.
"પડછાયાનો અવાજમાં શા માટે બોલ્યો તું? હું કેવી ડરી ગઈ હતી અને હજુ હમણાં કાલે જ તો વિધિ કરી છે તો પડછાયો ફરી પાછો થોડો આવી શકે." કાવ્યા વિધિ વાળી વાત છુપાવવા માંગતી હતી પણ એના મોઢેથી નીકળી ગયું.
"કેવી વિધિ?"
"એ તો બસ એમ જ કરાવી હતી અમે લોકોએ, જેથી એ પડછાયો આપણો પીછો છોડી દે."
"તો શું પડછાયા એ પીછો છોડી દીધો?" અમન હસતાં હસતાં બોલ્યો.
"હા.." કાવ્યા અમનના પેટમાં મુક્કો મારતાં બોલી અને બંને હસી પડ્યા અને પાછાં એકબીજાને ગળે વળગી ગયા. થોડી વાર પછી બંને ઘરમાં અંદર જતાં રહ્યાં.
**********
વધુ આવતા અંકે