Yog-Viyog - 63 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 63

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

યોગ-વિયોગ - 63

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૩

અલયની જાણ બહાર સામેની દિશામાં શ્રેયાની ઓટો પસાર થઈ. શ્રેયાએ અલયને આમતેમ જોતો જોયો, પણ રોડ ડિવાઇડરને કારણે એ ઊતરે અને આ તરફ આવે એ પહેલાં તો અલય સામેથી આવતી ઓટોને હાથ કરીને અંદર બેસી ગયો.

શ્રેયા ઓટોના પૈસા આપીને આ તરફ આવી. કોણ જાણે કઈ સિક્સ્થ સેન્સથી કે અલયની ચિંતાને કારણે એણે તરત જ પાછળ આવેલી બીજી ઓટોને હાથ કર્યો અને એમાં બેસીને કહ્યું, ‘‘વો આગે વાલી ઓટો કે પીછે લે લો...’’

અલયની ઓટો સડસડાટ જઈ રહી હતી. શ્રેયાની ઓટો એની પાછળ હતી. જે રીતે રસ્તો જઈ રહ્યો હતો એ રીતે શ્રેયા સમજી શકી કે ઓટો અનુપમાના ઘર તરફ જઈ રહી હતી !

‘‘અનુપમાને ઘેર જતો હશે ? અત્યારે ? શા માટે ? મારી સાથે ઝઘડો થયો એટલે ? હું નહીં તો અનુપમા ?’’ શ્રેયાના મનમાં સળંગ સવાલો ચાલતા હતા... અને શ્રેયાનું મન ઓટો કરતાં પણ ઝડપથી ચાલતું હતું.

અલયે જઈને અનુપમાના બંગલાની બહાર ઓટો છોડી દીધી. શ્રેયાએ પોતાની ઓટો અલયથી થોડે દૂર ઊભી રખાવી, પણ એવી રીતે કે એ સામે થતી દરેક હિલચાલ જોઈ શકે. અનુપમાનો બંગલો શ્રેયાની ઊભેલી ઓટોથી લગભગ સો મીટર દૂર હતો. શ્રેયાને અહીંથી બધું સ્પષ્ટ દેખાતું હતું, પણ કોઈએ બંગલામાંથી જોવું હોય તો જરા ધ્યાનથી જોવું પડે એવું એન્ગલ બનતું હતું. પર્સમાંથી છૂટ્ટા પૈસા શોધવાના બહાને થોડી વાર સમય જવા દઈને શ્રેયાએ પણ પોતાની ઓટો છોડી અને ઊતરી. ત્યાં સુધીમાં અલય અનુપમાના બંગલાનો ગેટ ખોલીને અંદર પ્રવેશી ચૂક્યો હતો. એ એટલો બધો વિચારમાં અટવાયેલો હતો કે એને આજુબાજુ જોવાની ફુરસદ સુધ્ધાં નહોતી.

‘‘હું આ શું કરું છું ?’’ શ્રેયાએ જાતને પૂછ્‌યું, ‘‘અલયની જાસૂસી! આ શોભે છે મને ?’’

‘‘કદાચ તારા ઈશ્વરે જ તને અહીંયા મોકલી હોય, એ જ ઇચ્છતો હોય કે સત્ય શું છે એ તું જાણી લે.’’ શ્રેયાના મને એને જવાબ આપ્યો.

આમ પણ એવું જ હોય છે, દરેક બુદ્ધિશાળી માણસ પાસે પોતે જ કરે, અથવા કર્યું હોય એને સાચું સાબિત કરવાનાં સો કારણો હોય છે. એણે એમાંથી એક પસંદ કરીને સામેના માણસને આપવાનું હોય છે, બસ.

શ્રેયાનું મન પણ અત્યારે પોતે જે કરી રહી હતી એ વિશે પોતે સાચી છે એવું સાબિત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યું હતું. એ ધીમે ડગલે વૃક્ષની આડશ લેતી, પાર્ક કરેલી ગાડીઓની પાછળ થઈને અનુપમાના બંગલા તરફ આગળ વધી.

‘‘ખરેખર અંદર જવું છે તારે ?’’ શ્રેયાના મને એને પૂછ્‌યું.

‘‘જવું પણ છે અને નથી પણ.’’ એણે સાવ ઇમાનદાર થઈને જવાબ આપ્યો, ‘‘મારે જાણવું છે કે અલય અહીં કેમ આવ્યો છે અને સાથે જ મારું મન અલય પર શંકા કરવાની ના પાડે છે. શું કરું ?’’

‘‘તું જ નક્કી કર.’’ એના મને કહ્યું, ‘‘પછી જે થાય એ ભોગવવાની તૈયારી રાખજે.’’

‘‘એટલે ?’’ એનું જ મન એને જ સવાલ પૂછી રહ્યું હતું.

‘‘તું એક વાર અંદર દાખલ થઈશ એટલે અનેક શક્યતાઓના દરવાજા ખૂલી જશે. ગુરુવારના પ્રીમિયર માટે કંઈ કામની વાત કરતા અલયને જોવાથી શરૂ કરીને અનુપમાના બાહુપાશમાં લપેટાયેલા, એને ચુંબન કરતા અલય સુધી કંઈ પણ જોવાની માનસિક તૈયારી છે તારી?’’ એના મને એને ડરાવી, ‘‘અને સામે પક્ષે આવી રીતે પાછળ પાછળ તને આવેલી જોઈને હમણાં જ જે રીતે ગુસ્સો કરીને ગયો છે એ રીતે અલય શું કરશે એ પણ તારે જ વિચારી લેવાનું...’’

એ ત્યાં જ ઊભી રહી ગઈ. અંદર જવા માગતી હતી, પણ એના બે મનની લડાઈ વચ્ચે જાણે એ પોતે જ ભીંસાઈ ગઈ હતી. એનું એક મન એને ઉશ્કેરીને અલયને પકડી પાડવા, ખોટો સાબિત કરવા ઉતાવળું થઈ ગયું હતું. જ્યારે એનું બીજું મન એને કહી રહ્યું હતું કે, ‘‘શંકા સૌથી નકામી વસ્તુ છે. જે માણસે તારાથી ડર્યા વિના તને રજેરજ સત્ય કહી દીધું એ માણસને ખોટો સાબિત કરીને શું મળશે તને ?’’

વિચારોમાં ગૂંચવાયેલી શ્રેયા ત્યાં જ, અનુપમાના બંગલાના ગેટથી પચીસ ફૂટ દૂર ઊભી હતી, જ્યારે અંદર દાખલ થયેલો અલય આશ્ચર્યચક્તિ થઈને લંચની તૈયારી જોઈ રહ્યો હતો.

પોતે જ્યાં હતો ત્યાંથી અહીં આવતા એને ભાગ્યે જ વીસ-પચીસ મિનિટ થઈ હશે. એટલી વારમાં ડાઇનિંગ ટેબલની બાકીની બધી ખુરશીઓ ખસેડાઈ ગઈ હતી. બે જ જણા જમી શકે એવી તૈયારી સાથે ડાઇનિંગ ટેબલ ભરચક કરી દેવાયું હતું. ફૂલો, રેડ વાઇન અને જાતજાતની વાનગીઓ અને સલાડ આકર્ષક રીતે સજાવાઈ ગયાં હતાં.

ધીમું ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વાગી રહ્યું હતું. વાતાવરણમાં કોઈક સેન્ટની માદક ખુશ્બૂ હતી. એ જેવો રૂમમાં દાખલ થયો કે તરત અનુપમા આગળ વધી, એને ભેટી.

‘‘કોન્ગ્રેચ્યુલેશન્સ.’’

‘‘થેન્કસ.’’ અલય છૂટો પડ્યો, ‘‘સંજીવ નથી ?’’

‘‘આવી જશે. એક મિટિંગ માટે ગયો છે.’’ પછી અનુપમા હસી, ‘‘એકલા બીક લાગે છે ? કંઈ ખાઈ નહીં જાઉં તને.’’

‘‘ઓહ કમ ઓન ! તું મને શું કામ ખાય ? આટલું બધું ખાવાનું છોડીને... સખત ભૂખ લાગી છે.’’ અલય ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધ્યો અને ખુરશી ખેંચીને બેસી ગયો.

‘‘મેરી...’’ અનુપમાએ બૂમ પાડી. રસોડામાંથી એક વેઇટર અને એક છોકરી બહાર આવીને જમવાની તૈયારી કરવા લાગ્યાં.

બંગલાની બહાર ઊભેલી શ્રેયા ખાસ્સા અડધો કલાકથી અલયની રાહ જોતી હતી. એને અનેક વાર એવો વિચાર આવ્યો કે પાછી ચાલી જાય, પણ એનું બીજું મન એને ત્યાં ઊભી રહેવા મજબૂર કરી રહ્યું હતું. ન અંદર જવાની હિંમત હતી, ન પાછા જવાની તૈયારી. અજબ અને વિચિત્ર મનઃસ્થિતિમાં એ જ ત્યાં જ ઊભી ઊભી કોણ જાણે કેટલુંયે વિચારી રહી હતી.

રિયાએ નીરવ માટે બધું ફેવરિટ બનાવ્યું હતું. તદ્દન ગુજરાતી ‘ઘરનું ખાવાનું’.

નીરવ થાકેલો હતો તેમ છતાં એણે પેટ ભરીને ખાધું. પછી ઊભો થઈને મોટી આળસ મરડીને બોલ્યો, ‘‘ચાલો, ત્યારે હું નીકળું.’’

‘‘અત્યારે ?’’રિયાએ ઘડિયાળ જોઈ, ‘‘બપોરે બાર વાગે છે. સૂઈ જા થોડી વાર.’’

‘‘નોટ પોસિબલ...’’ નીરવે ફરી એક મોટી આળસ મરડી અને પોતાની ઘડિયાળ જોઈ, ‘‘સાડા ચારે ન્યૂયોર્ક.’’

‘‘વ્હોટ નોન સેન્સ ?’’ રિયાએ લગભગ બૂમ પાડી.

‘‘અરે વાહ ! આપણે જ્યારે કલાકો ભવન્સના બસસ્ટોપની બહાર ઊભા રહેતા હતા ત્યારે વાંધો નહીં...’’

રિયાથી હસી પડાયું. એના ગાલના ખાડા શરમમાં સહેજ વધારે ઊંડા થઈ ગયા, ‘‘એટલે તારી પાસે દસ મિનિટ મા માટે નથી.’’

‘‘સાડા ચાર કલાક જોડે જ છીએ ને ?’’

‘‘હું નથી આવવાની.’’

‘‘તો મારાં લગનની વાત કોણ કરશે ?’’

‘‘પણ ઉતાવળ શી છે ?’’

‘‘મને છે...’’ નીરવ રિયાની નજીક આવ્યો. એણે એના બંને હાથ રિયાના ગાલ પર મૂક્યા. રિયાની આંખોમાં આંખો નાખી, ‘‘મોમ! એનો વિચાર બદલાઈ જાય એ પહેલાં હા પડાવી દેવી છે.’’

‘‘એનો વિચાર બદલાય એ પહેલાં કે તારો વિચાર બદલાય એ પહેલાં ?’’ રિયાએ એકદમ શાર્પલી સવાલ પૂછ્‌યો, ‘‘નીરવ, એક વાત કહી દઉં તને, મેં એ છોકરીને ઓળખી છે. તારા મનમાં સહેજ પણ અવઢવ હોય તો તારી જાતને સો વાર પૂછી લેજે, પણ એને દુઃખી નહીં કરતો.’’

‘‘અવઢવ ? અવઢવ હતો. મને એવું લાગતું હતું કે હું લગ્ન કરીને કોઈની સાથે જીવી નહીં શકું.’’ નીરવે એકદમ પ્રામાણિકતાથી કહ્યું, ‘‘એના કારણમાં તારા અને ડેડીના ઝઘડા અને મારું ચૂંથાયેલું બાળપણ, પણ લક્ષ્મીને મળ્યા પછી મને લાગ્યું કે બે નેગેટિવનો સરવાળો પોઝિટિવ થઈ જતો હોય છે એ વાત સાવ સાચી છે. મા વગર જાતને શોધતા ઊછરેલી એ છોકરીએ મને મારી ઓળખાણ કરાવી એમ કહું તોયે ખોટું નથી.’’ પછી એક ક્ષણ અટકીને ઉમેર્યું, ‘‘મોમ, તું કેમ ના કરી શકી આવું ? તેં સહેજ પ્રયત્ન કર્યો હોત તો તું ડેડને બદલી શકી હોત એવું નથી લાગતું ?’’

નીરવની વાત સાંભળીને રિયાના ચહેરા પર સહેજ ઝાંખપ આવી ગઈ, ‘‘બેટા, તું આખી જિંદગી મારા પર આક્ષેપ જ કરતો રહીશ ?’’

‘‘આક્ષેપ નથી, સવાલ છે આ.’’ નીરવના હાથ હજી રિયાના ગાલ પર હતા. એણે એ હાથ સહેજ દબાવ્યા. રિયા એના વહાલની ઉષ્મા અનુભવી શકી, ‘‘અને આ સવાલ મને લક્ષ્મીને મળ્યા પછી ઊભો થયો છે. જ્યારે જ્યારે વસુમાને જોતો ત્યારે એવી એક ફિલિંગ આવતી... કે સ્ત્રી આવી પણ હોઈ શકે. બસ એટલું જ, એથી વધારે કંઈ નહીં. કારણ કે જ્યારે જ્યારે ડેડીને જોતો ત્યારે એ મને વધારે અઘરા, વધારે કોમ્પ્લિકેટેડ અને જડ ઇગોઇસ્ટિક લાગતા.’’

‘‘બેટા, દરેક વખતે દરેક પસ્થિતિ દરેકને માટે જુદી હોય છે.’’ રિયાની આંખોમાં પાણી આવી ગયાં, ‘‘હું આનાથી વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે મેં તારા ડેડી સાથે રહેવાનો પ્રયત્ન નથી કર્યો એવું તું માનતો હોય તો એ ખોટું છે.’’

‘‘મોમ, મેં તને ક્યારેય નથી પૂછ્‌યું, આજે એક વાત પૂછવી છે. પૂછું ?’’

‘‘તું મને કંઈ પણ પૂછી શકે દીકરા.’’ રિયાની આંખોમાંથી આંસુ હવે બહાર ટપકી ગયાં હતાં. એના ગાલ પર મુકાયેલી નીરવની હથેળીઓ ભીંજાવા લાગી હતી. નીરવે બંને હથેળી ઊંચકીને રિયાનાં આંસુ લૂછી નાખ્યાં.

પછી નીરવે હળવેથી એના માથે હાથ મૂક્યો અને એને પાસે ખેંચીને છાતીસરસી ચાંપી દીધી, ‘‘મોમ, તું વધુ પડતી મહત્ત્વાકાંક્ષી હતી ? તારી કરિયર તારે માટે બહુ અગત્યની હતી ?’’ એનો અવાજ પલળી ગયો હતો, ‘‘તારા દીકરાથી પણ વધારે ?’’

રિયાના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘મને ખબર છે આ સવાલ વહેલો મોડો તું મને પૂછવાનો જ હતો.’’ એની આંખોમાં હજીયે પાણી હતાં અને આંસુ ગાલના ખાડાને સ્પર્શીને નીચે ઊતરી રહ્યાં હતાં, ‘‘ખરેખર તો આ સવાલ મને તું નહીં, વિષ્ણુપ્રસાદ ચોકસી પૂછી રહ્યા છે.’’

‘‘તો એમને આપે છે એમ માનીને જ જવાબ આપ.’’

‘‘એવું નહીં થઈ શકેે બેટા, કારણ કે એમના માટેનો જવાબ અને તારા માટેનો જવાબ બંને જુદા છે.’’ રિયાએ નીરવથી સહેજ દૂર થઈને એની આંખોમાં જોયું, ‘‘એમણે આવું ધારી લીધું છે અને તેં એમની પાસેથી સાંભળ્યું છે- એ પહેલો ફેર છે. અને બીજો ફેર એ છે બેટા કે જો હું ખરેખર મહત્ત્વાકાંક્ષી હોત તો વિષ્ણુ પાસે ફરિયાદ કરવાનું કદાચ કોઈ કારણ નથી, પણ તારી પાસે છે. હું મા છું તારી. મારી પહેલી ફરજ તારા પ્રત્યે જ હોય મારા દીકરા !’’

‘‘મા !’’ હવે નીરવની આંખો પણ ભરાઈ આવી હતી, ‘‘તું એવું ના માનીશ કે ડેડીએ મને ચડાવ્યો છે.’’

‘‘હું જાણું છું તને તારા ડેડી બહુ વહાલા છે.’’ રિયાના ચહેરા પર ફરી એક વાર સ્મિત આવી ગયું, ‘‘હોવા પણ જોઈએ. મેં ક્યારેય નથી ઇચ્છ્‌યું કે તું વિષ્ણુને ધિક્કારે, પણ એણે જાણે-અજાણે એ જ ઇચ્છ્‌યું.’’ રિયા નીરવથી ઊંધી ફરી ગઈ અને રૂમમાં આંટા મારવા લાગી. નીરવ ત્યાં પડેલા સોફામાં ધબ દઈને પછડાયો અને પગ લાંબા કરીને હાથ સોફાની પીઠ પાછળ ફેલાવીને એકદમ પહોળો થઈ ગયો.

‘‘મોમ, તું ડેડને સમજતી નથી.’’ નીરવે સીધું જ કહી નાખ્યું.

‘‘હું નથી સમજતી ?’’ રિયાનો અવાજ જાણે તરડાઈ ગયો, ‘‘આ તું કહે છે કે તારા ડેડે કહ્યું છે તને ?’’ રિયાએ નીરવની સામે જોયું, ‘‘હું જોઈ શકું છું કે આ વખતે તારો આખો અપ્રોચ બદલાઈ ગયો છે મારા પ્રત્યે.’’

‘‘મોમ...’’ નીરવ જાણે એને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો.

રિયાનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો, ‘‘તમે બધા પુરુષો એકસરખું વિચારો છો. કોઈ સ્ત્રી મહત્ત્વાકાંક્ષી હોય, જાત વિશે જ વિચારતી હોય, સ્વાર્થી હોય તો જ એ ઘર છોડી દે ? સ્વમાન નામની કોઈ ચીજ નથી હોતી સ્ત્રીને ? આ જ વિષ્ણુપ્રસાદ ચોકસી જે મારા પપ્પાના ઘરની બહાર મને જોવા માટે, મને મળવા માટે કલાકો ઊભા રહેતા એને માટે રિયા અચાનક જ નકામી થઈ ગઈ... કારણ કે રિયા હવે એની પત્ની હતી.’’

રિયા ઉશ્કેરાઈ ગઈ હતી. એનું શરીર અને અવાજ બંને ધ્રૂજી રહ્યા હતા, ‘‘મારા પિતાએ વિષ્ણુને એટલું જ કહ્યું હતું કે એમના ઘરના નોકરનો પગાર વિષ્ણુ કરતા વધારે હતો.’’ રિયાએ નીરવ સામે જોયું, ‘‘તો શું ખોટું કહ્યું હતું ? એ સત્ય હતું, પણ મને એનાથી ફરક નહોતો પડતો. મેં મારા પિતાની વાત નથી માની... જેને વિષ્ણુએ છાતીમાં ખૂપેલા તીરની જેમ પકડી રાખી. એ તીર એને તો ખૂંચતું જ રહ્યું, પણ મને પીડા આપવામાં એણે કંઈ બાકી નથી રાખ્યું.’’

રિયા ખરેખર ગુસ્સે થઈ ગઈ હતી. નીરવે પોતાની માને આટલી ઉશ્કેરાયેલી, આટલી ગુસ્સામાં ક્યારેય નહોતી જોઈ, ‘‘હું ભાગીને પરણી છું તારા બાપ સાથે. કેટલો વિશ્વાસ હશે ત્યારે ઘર છોડ્યું હશે ? પાછા જવાના બધા રસ્તા બંધ કરીને નીકળી ગઈ હતી હું...’’ એનું ગળું ભરાઈ આવ્યું, ‘‘નાની નાની વાતમાં વિષ્ણુને ઓછું આવતું. તારા જન્મ પછી મારા મા-બાપે મોકલેલા ચેન અને પેન્ડન્ટ... રમકડાં... અને ઝબલાં વિષ્ણુએ કચરાના ડબામાં નાખી દીધાં, તને ખબર છે ?’’

‘‘એ જૂની વાતો છે મોમ, આટલી બધી ઉશ્કેરાઈને શું કામ કરે છે? કુલ ડાઉન !’’

‘‘આઇ કાન્ટ ! વિષ્ણુપ્રસાદ ચોકસી માટે એ એના સસરાએ કરેલો પૈસાનો દેખાડો હતો અને મારા માટે મારા મા-બાપનો પ્રેમ હતો એ. એમના દોહિત્ર માટે મોકલેલી વસ્તુઓ પૈસાનો દેખાડો ન જ હોઈ શકે...’’

‘‘હું સમજી શકું છું.’’ નીરવના આ વાત કાઢ્યાનો અફસોસ થયો. અહીં આવતાંની સાથે આવી રીતે મન ઊંચાં થઈ જશે એવું નહોતું ધાર્યું એણે.

‘‘ના ! નથી સમજતો તું અને ક્યારેય સમજી નહીં શકે એક સ્ત્રીના મનને, માના મનને. તું જે વિષ્ણુપ્રસાદ ચોકસીને ઓળખે છે એ તારા પિતા છે નીરવ અને મારા માટે એ પતિ છે. મારાં મા-બાપ પૈસાવાળા હતાં એ મારો ગુનો નહોતો...’’ રિયા નીરવની નજીક આવી ગઈ, ‘‘પૂછી જોજે વિષ્ણુપ્રસાદ ચોકસીને, જો હૃદય પર હાથ મૂકીને જવાબ આપી શકે તો. મેં ક્યારેય એમની પાસે સગવડો માગી છે ? ક્યારેય મારાં મા-બાપના ઘરને યાદ કરીને અહીંની સગવડો ઓછી છે કે મને તકલીફ પડે છે એવી ફરિયાદ કરી છે ?’’

‘‘હું જાણું છું મોમ, તું એવી છે જ નહીં.’’

‘‘તો પછી શું જોઈને પૂછ્‌યો આ સવાલ તેં મને ?’’ રિયા ખરેખર ગુસ્સે થઈ ગઈ હતી. આ સવાલે જાણે એના આખા અસ્તિત્વને હચમચાવી મૂક્યું હતું. બે-અઢી દાયકા પાછળ ધકેલી દીધી હતી એને, આ સવાલે.

‘‘નીરવ, વિષ્ણુ મારી સાથે અઠવાડિયું- અઠવાડિયું બોલતો નહીં, હું ઘૂંટણિયે પડીને, એની પાસે કરગરીને વાત કરવાની વિનંતીઓ કરું... એ દિવસો યાદ છે મને.’’ રિયાએ ધ્રૂસકે ધ્રૂસકે રડવું હતું, પણ એની મજબૂતી એને રોકી રહી હતી, ‘‘અને નહીં બોલવાનું કારણ શું ? હું મારા બીમાર બાપને જોવા જતી હતી એ. મારી મા ક્યારેક તને રમાડવા અમારે ઘરે આવતી હતી એ. વેર એનું હતું, મારું નહીં.’’

‘‘મા !’’ નીરવ ઊભો થઈ ગયો. એણે આવીને રિયાને વહાલ કરી દીધું, ‘‘હું માની શકું છું, ડેડ આવું કરી જ શકે.’’

‘‘તું અઢી વર્ષનો હતો...’’ રિયાની આંખો જાણે શૂન્યમાં જોઈ રહી હતી, ‘‘મને બરાબર યાદ છે, મને એક દિવસ વિષ્ણુપ્રસાદે કહ્યું હતું- નક્કી કરી લે, તું તારા બાપની દીકરી છે કે મારી પત્ની ?’’ રિયાની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં, ‘‘કોઈ કેવી રીતે નક્કી કરે? મારા પિતા બીમાર હતા. નહીં જીવે એ નક્કી થઈ ગયું હતું અને એમણે તને જોવાની જીદ કરી. મને વિષ્ણુએ સૂચના આપી હતી કે મારે ક્યારેય તને એમના ઘેર ન લઈ જવો... મારામાં રહેલી દીકરીએ જોર કર્યું અને હું મારા મરતા બાપને એના દોહિત્રનું મોઢું બતાવવા લઈ ગઈ.’’ રિયા હવે છૂટ્ટા મોઢે રડવા લાગી હતી, ‘‘હું પાછી આવી ત્યારે વિષ્ણુએ તને ઘરમાં લઈને બારણું બંધ કરી દીધું. નીરવ ચોકસી, તમારા પિતાશ્રીની મહેરબાનીથી હું આખી રાત ઘરની બહાર પડી રહી. મારો ગુનો માત્ર એટલો હતો કે મેં એમની સૂચનાનું પાલન નહોતું કર્યું.’’ નીરવ એની ધ્રૂસકે ધ્રૂસકે રડતી માની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો.

એને વિચાર આવ્યો કે, જે થયું તે સારું જ થયું. એ બહાને રિયાની અંદર વર્ષોથી ધરબાયેલી પીડા આંસુ બનીને વહી તો નીકળી.

રડતી રડતી રિયા બોલી રહી હતી, ‘‘તમારી સાથે કોઈ વાત ના કરે, તમને ફર્નિચરના પીસની જેમ ટ્રીટ કરે, તમારા હાથમાં કોઈ વસ્તુ ના આપે, તમે પૂછો એનોે જવાબ ના આપે તો કોઈ ક્યાં સુધી સહે ? એટલી હદ સુધી કે મારા પિતા ગુજરી ગયા તો વિષ્ણુ સ્મશાને પણ ના આવ્યો... એમના બેસણામાં કે બીજી કોઈ વિધિમાં વિષ્ણુ ન જ આવ્યો. ’’

ખાસ્સી વાર સુધી ઓરડામાં શાંતિ છવાયેલી રહી. રિયા જાણે ખરેખર પોતાના મૃત્યુ પામેલા પિતાને અત્યારે પણ ભૂલી ન શકી હોય એમ અન્યમનસ્ક થઈ ગઈ હતી. નીરવનો હાથ હજી એની પીઠ પર ફરી રહ્યો હતો.

થોડી વાર પછી રિયાએ મૌન તોડ્યું, ‘‘મેં નોકરી લઈ લીધી. એટલિસ્ટ ઘરની બહાર નીકળીને બે માણસો સાથે વાત કરી શકું એટલો તો મને અધિકાર હતો, ખરું ને ?’’ રિયા હવે સ્વસ્થ થઈ હતી. ધીમે ધીમે પોતાની વાત કહી રહી હતી, ‘‘ત્યાં સુધીમાં વિષ્ણુ ખૂબ સારું કમાવા લાગ્યો હતો. એણે આગ્રહ રાખ્યો કે હું નોકરી છોડી દઉં, પણ મારે માટે એ શક્ય નહોતું. હું વિષ્ણુથી ડરવા લાગી હતી. પળે પળે પલટાતો એનો મિજાજ અને એનો ઇગો હવે મારાથી નહોતા સહેવાતા. મેં આ બધા માટે ઘર નહોતું છોડ્યું...’’ હવે રિયાએ નીરવના ખભે માથું મૂકી દીધું, ‘‘ને તોય હું તારા માટે રહેત એની સાથે, જો એણે મારી બેગ ઘરની બહાર ના મૂકી હોત તો.’’

નીરવ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. એના માતા-પિતાના સંબંધની આ એક એવી બાજુ હતી જેને વિશે એને કશી જ ખબર નહોતી.

‘‘મારી મમ્મી મારા પપ્પાના મૃત્યુ પછી એક વરસની અંદર ગુજરી ગઈ અને બધી સંપત્તિ મારા નામે થઈ. નીરવ, હું શું કરું ? ફેંકી દઉં એ બધું ? ના પાડું એ સ્વીકારવાની ? શું કામ ?’’ એણે માથું ઊંચકીને નીરવ સામે જોયું, ‘‘મેં જે દિવસે પ્રોપટર્ીના પેપરમાં સહી કરી એ દિવસે વિષ્ણુપ્રસાદ ચોકસી નામના એ માણસે મારી બેગ ભરીને ઘરની બહાર ઓટલા પર મૂકી દીધી હતી. એણે મને ઘરમાં દાખલ પણ ન થવા દીધી... તું સ્કૂલેથી આવે એટલી રાહ પણ ના જોવા દીધી એણે મને...’’ રિયા ફરી રડી પડી, ‘‘હું એને માફ નહીં કરું ! નહીં કરી શકુંં ! મારા દીકરાના બાળપણથી દૂર કરી છે એણે મને.... હી હેડ નો રાઇટ.’’

રિયા ફરી એક વાર ધ્રસકે ધ્રૂસકે રડી રહી હતી અને નીરવ સાવ અસહાય થઈને એને રડતી જોઈ રહ્યો હતો. આ ભૂતકાળનું એક એવું પાનું હતું, જેને માત્ર વાંચી શકાય એમ હતું, એમાં કોઈ ફેરફાર, કોઈ કરી શકે એમ નહોતું. ખુદ ઈશ્વર પણ નહીં !

અજય ઓફિસથી પાછો ફર્યો ત્યારે જાનકી બેસીને સાંજના જમવાની તૈયારી કરતી હતી. મુંબઈના ઘરમાં તો આટલા બધા માણસોની રસોઈ જાનકીની આખી સાંજ ખાઈ જતી.

પણ અહીં ઈલેક્ટ્રોનિક સાધનો અને માઇક્રોવેવ, ફૂડ પ્રોસેસરની સાથે સાથે રસોઈ એટલી ઝડપથી થતી હતી કે કલાકમાં જાનકી ફ્રી થઈ જતી. વળી, ઓપન કિચન હોવાને કારણે ટી.વી. ચાલુ કરીને હૃદયને રમાડતાં રમાડતાં પણ રસોઈ કરવી જાનકી માટે અઘરી નહોતી.

અહીં આવતાં પહેલાં એણે વસુમાને બધું જ પૂછી લીધું હતું અથવા કહો કે વસુમાએ જાનકીને બધું જ કહી દીધું હતું...

સૂર્યકાંતના ભાવ-અભાવ, ગમા-અણગમા, ભોજનના સ્વાદ અને ટેવોથી માહિતગાર જાનકી એવી રીતે વર્તતી હતી જાણે એ વર્ષોથી સૂર્યકાંતની સાથે રહેતી હોય.

બપોરે ચાર વાગ્યે ચાની સાથે ગરમ ગરમ બાજરીના ખાખરા લઈને જાનકી સૂર્યકાંતના રૂમમાં દાખલ થઈ ત્યારે તો સૂર્યકાંતની આંખોમાં પાણી આવી ગયાં.

કાળા મરી અને મીઠું નાખેલા બાજરીના કડક ખાખરા સૂર્યકાંતને ગોદાવરી માની યાદ અપાવી ગયા.

‘‘તમારાં સાસુમાને તો જોડીને ત્રીજું માથું જ નમાવવું પડે.’’ સૂર્યકાંતે જાનકીને નજીક બોલાવી અને પાસે બેસાડી, ‘‘બેટા, આવતા અઠવાડિયાથી હું નહીં હોઉં. આ ઘર હવે તમને સોંપ્યું.’’

‘‘શું કામ ચિંતા કરો છો પપ્પાજી ?’’ જાનકીથી કહેવાઈ ગયું.

‘‘ચિંતા નથી કરતો. ઊલટાનો ચિંતામુક્ત થતો જાઉં છું.’’ સૂર્યકાંતે સ્મિત કર્યું અને બેઠા થઈને ચાનો એક ઘૂંટડો ભર્યો, ‘‘વાહ ! આ લીલી ચા ક્યાંથી લાવ્યાં ?’’

‘‘મુંબઈથી. માએ સૂકવણી કરીને ભરી આપી છે. બેગ ખાલી નહોતી કરી એટલે...’’

‘‘તમારાં માને તો...’’ સૂર્યકાંતના ચહેરા પર વસુમા માટેનું વહાલ છલકાઈ રહ્યું. આટલાં વર્ષો પછી પણ પોતાને લીલી ચાનાં પત્તાં નાખેલી આદુવાળી ચા ભાવે છે એટલી નાનકડી કાળજી લઈને જાનકીને સૂચના આપનાર પત્ની માટે સૂર્યકાંતને અહોભાવની સાથે સાથે મોહ પણ થઈ ગયો.

‘‘બેટા, એક વાત કહું ?’’ સૂર્યકાંતે જાનકીની સામે જોઈને થોડું શરમાળ સ્મિત કર્યું, ‘‘હું બાસઠ વર્ષે તમારાં સાસુના પ્રેમમાં પડતો જાઉં છું. જે બાવીસે ના થયું એ બાસઠે કરાવે છે તમારાં સાસુમા.’’

જાનકી ખડખડાટ હસી પડી અને સંકોચ મૂકીને સૂર્યકાંતને ભેટી પડી. સૂર્યકાંતે એના માથા પર હાથ ફેરવ્યો, ‘‘દીકરી મારી, હવે એક એક દિવસ અહીં ભારે પડે છે. મારે વસુ પાસે જઈને રહેવું છે.’’ પછી ઘડીભર અટકીને ઊંડો શ્વાસ લીધો અને ચાના ઘૂંટડા ભરતા રહ્યા. થોડીક ક્ષણોની શાંતિ પછી એમણે કહ્યું, ‘‘આખી જિંદગીમાં ક્યારેય જે નથી કહ્યું તે કહેવું છે તમારાં સાસુમાને.’’

જાનકીની વંકાયેલી ભ્રમર અને ચહેરા પરનો પ્રશ્નાર્થ જોઈને સૂર્યકાંતે ફરી એવું જ શરમાળ સ્મિત કર્યું,‘‘આઇ લવ યૂ...’’ જાનકી એમની સામે જોઈ રહી, ‘‘એવું કહેવું છે મારે તારાં સાસુને.’’

જાનકી ફરી સૂર્યકાંતને ભેટી પડી, ‘‘હું આજે જ કહું છું મધુભાઈને, હવે તો તમારે મુંબઈ જવું જ પડે... બને એટલા જલદી !’’ બંને જણા એકબીજાને એકબીજાના વહાલથી ભીંજવતા રહ્યા અને સૂર્યકાંત ક્યાંય સુધી કેટલીયે જૂની વાતો યાદ કરીને જાનકી સાથે વહેંચતા રહ્યા- વાગોળતા રહ્યા.

જાનકી પોતાના કામે વળગી એ પછી પણ સૂર્યકાંત ક્યાંય સુધી જૂના દિવસો વાગોળતા રહ્યા.

સાંજ ક્યાં ઢળી ગઈ એની ઓરડામાં બેઠેલા સૂર્યકાંતને ખબર જ ના રહી.

મધુભાઈ સૂર્યકાંતના રૂમમાં દાખલ થયા ત્યારે સૂર્યકાંત ફરી એક વાર પેલા આલબમ જોઈ રહ્યા હતા. ફ્રોક પહેરેલી અંજલિ, નાનકડો અજય અને અભયની સાથે ઊભેલાં વસુમા અને સૂર્યકાંત પોતે !

‘‘આ કુટુંબ આમ જ સાથે રહી શક્યું હોત.’’ સૂર્યકાંતને વિચાર આવ્યો, ‘‘આજે ફરી સાથે રહીએ તો પણ આખું કુટુંબ તો કદાચ ક્યારેય ભેગું નહી ં થઈ શકે.’’ એમની આંખોમાં પાણી આવ્યાં અને એમણે ઝળઝળિયાં લૂછ્‌યાં એ જ વખતે મધુભાઈ દાખલ થયા.

‘‘ભાઈ, મુંબઈની ટિકિટ ક્યારની કરાવવી છે ?’’ મધુભાઈએ હળવેથી પૂછ્‌યું.

‘‘જેટલી વહેલી થઈ શકે એટલી. હવે અહીંયા મારી કોઈ જરૂર નથી.’’ સૂર્યકાંતે સ્મિત કર્યું.

‘‘જરૂર તો તમારી સદાય રહેવાની ભાઈ.’’ મધુભાઈએ સૂર્યકાંતનો હાથ પકડી લીધો, ‘‘પણ હવે તમારી વધારે જરૂર મુંબઈમાં છે અને અજય ડાહ્યો છોકરો છે.’’

‘‘ગોઠવાઈ જશે ને ?’’ સૂર્યકાંતે થોડું ચિંતાથી અને થોડું આત્મવિશ્વાસથી પૂછ્‌યું.

‘‘મહેનત કરે છે એટલે ગોઠવાઈ જશે. ગઈ કાલે પહેલે જ દિવસે એક્સપોર્ટનું લગભગ બધું જ સમજી લીધું એણે અને એક-બે સજેશન્સ કર્યાં, જે બહુ અગત્યનાં હતાં.’’

‘‘કોનું કામ, કોણ, ક્યાં કરે છે- જુઓને !’’ સૂર્યકાંત જાણે શૂન્યમાં જોઈ રહ્યા, ‘‘ આ જ બધું રોહિતે કર્યું હોત તો એને બધું સોંપીને ક્યારનો મુંબઈ ભેગો...’’

રોહિતની યાદે બંનેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મધુભાઈ આ કુટુંબનો ભાગ હતા અને એમાંય સ્મિતાના ગયા પછી તો કૃષ્ણપ્રસાદને ડગલે ને પગલે મધુભાઈની જરૂર પડતી. રોહિતને મધુભાઈએ ખોળામાં રમાડ્યો હતો...

‘‘આપણા હાથમાં કાંઈ હોતું નથી ભાઈ.’’ મધુભાઈએ સૂર્યકાંતને આશ્વાસન આપ્યું, ‘‘તમે તો થાય તે બધુંય કર્યું.’’

‘‘ક્યાં કર્યું છે મધુભાઈ ? આ અજય, અભય અને અંજલિ માટે ક્યાં કંઈ કરી શક્યો હું ? અલયની ફિલ્મનું રિલીઝ છે. મારે એ દિવસે મુંબઈ પહોંચવું છે.’’

‘‘એ તો આવતા અઠવાડિયે...’’ મધુભાઈની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ ગઈ, ‘‘તમારી તબિયત...’’

‘‘તબિયતને પાણાય પડતાં નથી.’’ સૂર્યકાંત બોલ્યા અને સાથે જ એમને હીંચકે બેઠેલા દેવશંકર મહેતા યાદ આવી ગયા. ગોદાવરી બા જ્યારે જ્યારે એમને તબિયત સાચવવાનું કે પોતાનું ધ્યાન રાખવાનું કહેતાં ત્યારે દેવશંકર મહેતા આ જ વાક્ય બોલીને હીંચકાને ઠેસ મારતા.

‘‘સ્મિતાના ટ્રસ્ટનું શું થયું ?’’

‘‘લક્ષ્મી કામ કરી રહી છે.’’ મધુભાઈએ કહ્યું અને સૂર્યકાંત હસી પડ્યા.

‘‘લક્ષ્મી ? એ શું કરવાની ? અડધો કલાકથી ફોન ઉપર છે. પ્રેમમાં પડેલો માણસ કોઈ કામનો રહેતો નથી.’’ સૂર્યકાંતે કહ્યું અને બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા.

અનુપમાના બંગલાની બહાર ઊભેલી શ્રેયા ખાસ્સા અડધો કલાકથી અલયની રાહ જોતી હતી.

અંદર જવું કે નહીં એના અવઢવ વચ્ચે એણે ખાસ્સી વાર સુધી મનમાં ને મનમાં દલીલો કરી. પછી કોણ જાણે કેમ અચાનક જ એણે નક્કી કર્યું અને પોતાનો સેલફોન કાઢીને અલયને જોડ્યો.

‘‘બોલ.’’ અલયનો અવાજ સહેજ ઠંડો હતો, પણ જે થયું એ પછી શ્રેયાનો ફોન આવ્યો એ વાત એને સારી લાગી એ એના અવાજ પરથી સમજાતું હતું.

‘‘ક્યાં છે ?’’ શ્રેયાએ ડરતાં ડરતાં પૂછ્‌યું અને પછી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી, ‘‘હે પ્રભુ, અલય જુઠ્ઠું ના બોલે તો સારું.’’

‘‘હું ?’’ અલયનું મગજ સો ગણી ગતિએ ચાલવા માંડ્યું.

‘‘જે થયું હતું એ પછી સાચું બોલવાથી વાત વણસી જાય તો ?’’ એને વિચાર આવ્યો, ‘‘હું માત્ર જમવા આવ્યો છું, જૂઠ્ઠું શું કામ બોલું?’’ વસુમાના સંસ્કારે માથું ઊંચક્યું, ‘‘કંઈ ગુનો નથી કરતો.’’

પણ વળી પાછો વિચાર આવ્યો, ‘‘જે થયું તે પૂરતું છે. સાચું કહીશ તો એ વળી આડુંઅવળું ધારશે. ને સાચું બોલવાનું પરિણામ તો જોઈ જ લીધું છે. કદાચ મળવાનું કહેશે તો...’’

અલય અને શ્રેયા વચ્ચે આવું ઘણી વાર થયુંં હતું. કોઈ બાબત પર ગરમ ગરમ ચર્ચા થાય, સામસામે ગમેતેમ કહેવાઈ જાય અને બે જણા છૂટા પડી જાય એ પછીના અડધા કલાક-કલાકમાં બેમાંથી એક જણ ફોન કરીને મળવાની વાત કરે... અને ઝઘડાની સુલેહ થઈ જાય.

‘‘કદાચ મળવાનું કહેશે તો...’’ અલયનું વિચારવાનું ચાલુ જ હતું, ‘‘તો તરત જ મળી લઈશ.’’

‘‘હું અહીં...’’ અલયે ફરી એક પોરો ખાધો, ‘‘જૂહુમાં છું.’’

‘‘જૂહુમાં ક્યાં ?’’

‘‘હું...’’ કોણ જાણે કેમ, પણ અલયથી સત્ય ના કહેવાયું, ‘‘એક જણની ઓફિસમાં છું.’’

અનુપમાએ ભવાં ઉલાળીને અલયને પૂછ્‌યું, ‘‘કોણ છે ?’’

જવાબ આપ્યા વિના અલયે વાત ચાલુ રાખી, ‘‘બોલને... શું હતું?’’

‘‘કંઈ નહોતું.’’ શ્રેયાએ કહ્યું અને સામે બેઠેલી અનુપમાના પલટાતા ભાવ જોઈને અલયથી પાછળ જોવાઈ ગયું.

શ્રેયા ફોન હાથમાં લઈને અનુપમાના ઘરના દરાવાજે ઊભી હતી. અલય બરફની જેમ ત્યાં જ થીજી ગયો.

(ક્રમશઃ)