Operation Chakravyuh - 1 - 9 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 9

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 9

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-9

રાવલપિંડી, પાકિસ્તાન

"તો આપણે બલવિંદર જ્યાં રહેતો હતો ત્યાં જઈશું એ વાત નક્કી રહી." નગમાએ દિલાવરને ઉદ્દેશીને કહ્યું.

"હા, હવે જો હજારો-લાખો નિર્દોષ લોકોની જીંદગી બચી શકતી હોય તો આ જોખમ ઉઠાવવું જ રહ્યું." દિલાવરે કહ્યું. "આવતીકાલે રાતે દસ વાગે જિન્નાહ ગાર્ડનનાં પાછલા દરવાજે આવીને ઊભા રહેજો. હું તમારાં મિશન માટે જરૂરી હથિયાર તથા અન્ય વસ્તુઓ સાથે ત્યાં દસ થી સવા દસ વચ્ચે આવી જઈશ."

"સારું તો પછી અમે અત્યારે અહીંથી નીકળીએ." માધવે કહ્યું.

"હા, તમે જઈ શકો છો." દિલાવરે કહ્યું. "પણ, હવેથી તમારું ધ્યાન રાખતા હતાં એનાથી વધુ રાખજો, કેમકે તમે બલવિંદરની મોત બાદ જે તંગ પરિસ્થિતિઓ અહીં ઊભી થઈ છે એમાં મારા ઘર સુધી આવી તમે મોટું જોખમ નોતરી લીધું છે. રખેને કોઈ મને મળવા આવનાર નવા આગંતુકોને જોઈ ગયું હોય, તો હવેથી ચોવીસે કલાક આંખ અને કાન ખુલ્લા રાખજો."

"શુક્રિયા..!" નગમાએ સસ્મિત દિલાવરનું અભિવાદન કરતા કહ્યું.

"ખુદા હાફિઝ." દિલાવરે કહ્યું.

"ખુદા હાફિઝ." પ્રત્યુત્તરમાં આટલું કહી માધવ અને નગમા દરવાજા તરફ અગ્રેસર થયાં.

માધવ અને નગમાના ત્યાંથી જતાં જ દિલાવરે કોઈકને ફોન ઉપર જરૂરી સૂચનો આપીને કોલ ડિસ્કનેકટ કરી દીધો.

દિલાવર સાથે થયેલી મુલાકાત પછી માધવ અને નગમા જોડે બલવિંદર જોડે હકીકતમાં શું બન્યું એની જાણકારી હોવાની સાથે બે રિવોલ્વર પણ હતી જેનાંથી વિકટ પરિસ્થિતિમાં એ લોકો લડી શકે એમ હતાં. આ રિવોલ્વરનું સાથે હોવું એક પ્રકારે માધવ અને નગમા માટે આત્મવિશ્વાસ વધારનારું હતું.

એ મકાનમાંથી નીકળી માધવ અને નગમા સીધા મેઈન રોડ તરફ અગ્રેસર થયાં. માધવ વચ્ચે-વચ્ચે ચહેરો પાછળની તરફ ઘુમાવી એ વાતની ખાતરી અવશ્ય કરી લેતો કે કોઈ એમનો પીછો તો નથી કરી રહ્યું ને?

આખરે એ બંને અઝીઝ કોલોનીથી ગાઝિયાબાદ (રાવલપિંડીમાં ગાઝિયાબાદ અને અહમેદાબાદ બંને આવેલાં છે.) પહોંચ્યાં અને ત્યાંથી બીજી ટેક્સી લઈને હોટલ ખેબર લોજથી અડધો કિલોમીટર પહેલા જ ઉતરી ગયાં. ત્યાંથી ચાલીને બંને જણા જ્યારે હોટલ ખેબર લોજ પહોંચ્યા ત્યારે બપોરનાં ત્રણ વાગી ગયાં હતાં. કકડીને ભૂખ લાગી હોવાથી બંનેએ પોતાના રૂમમાં જ જમવાનું ઓર્ડર કર્યું અને જમ્યા બાદ સુઈ ગયાં.

સાંજે જ્યારે એમની આંખ ખુલી ત્યારે સાડા સાત થઈ ગયા હતાં. સમય પસાર કરવા નગમા અને માધવે બહાર જઈને થોડી ખરીદી કરવાનું વિચારી બંને ટેક્સીમાં બેસી હોટલથી ત્રણેક કિલોમીટર દૂર આવેલાં એક બઝારમાં આવ્યાં. ટેક્સી ડ્રાઈવરના જણાવ્યા મુજબ ત્યાં ઉત્તમ પ્રકારનું અત્તર અને લેધરની વસ્તુઓ મળે છે.

થોડી-ઘણી ખરીદી કર્યાં બાદ માધવ અને નગમા રાતે સાડા નવ વાગે નાસ્તા જેવું કંઈક કરવા એક રેસ્ટોરેન્ટમાં આવ્યાં. નાસ્તો કરતા-કરતા નગમાની નજર એ અને માધવ બેઠાં હતાં એ ટેબલની સામેની તરફ બેસેલા એક યુવક પર પડી. બાવીસેક વર્ષનો એ યુવક માધવ અને નગમા જ્યારથી રેસ્ટોરેન્ટમાં આવ્યા હતાં ત્યારથી એમની તરફ ત્રાંસી આંખે જોઈ રહ્યો હતો.

"જમણી તરફ, સફેદ કુર્તામાં સજ્જ વ્યક્તિને જો.!" નગમાએ ચહેરો ડાબી તરફ કરી ખૂબ ધીમા સ્વરે માધવને કહ્યું.

વેઈટરને બોલાવવાનો ઢોંગ કરતો હોય એ રીતે માધવે ચહેરો પાછળની તરફ ફેરવી એ યુવાનને એક નજર જોઈ લીધો. એને પણ અનુભવ્યું કે એ યુવક માધવ અને નગમા તરફ જોઈ રહ્યો હતો. અચાનક માધવને યાદ આવ્યું કે આ યુવક તો એને ત્યારે પણ જોયો હતો જ્યારે એ અને નગમા હોટલથી નીકળી ટેક્સીની તલાશમાં હોટલથી થોડે દુર આવ્યાં હતાં.

"આ યુવક હોટલથી આપણી પાછળ છે.!" માધવે મેન્યુ કાર્ડમાં મોં ઘાલી ફુસફુસાવતા કહ્યું.

"ચલ, ફટાફટ નાસ્તો ખતમ કરીને અહીંથી નીકળીએ." નગમાએ કહ્યું. નગમાના સ્વરમાં એક વિચિત્ર થડકાટ અનુભવાતો હતો.

પાંચ મિનિટમાં તો બંને હોટલનાં વેઈટરને નાસ્તાનાં પૈસા ચૂકવી રોડ ઉપર આવી પહોંચ્યા. માધવે દૂરથી જોયું તો એ યુવક પણ ઉતાવળમાં બિલ ચૂકવીને એમની તરફ આગળ આવી રહ્યો હતો. એ યુવાન પોતાનો સાચેમાં પીછો કરી રહ્યો હતો, એ જાણવા માટે માધવ અને નગમાએ ઉતાવળા ડગલે ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું.

દોઢસો-બસો ડગલા લઈને માધવ અને નગમાએ એક વળાંક લીધો અને આગળ ચાલ્યાં. એમને હતું કે આમ કરવાથી એ યુવકનો પીછો છૂટી જશે, પણ એવું કંઈ ના થયું. વળાંક લેવા પર પણ એ યુવક પડછાયાની માફક એમની પાછળ હતો.

નક્કી પોતાનો પીછો થઈ રહ્યો હોવાની પૂર્ણતઃ ખાતરી બેસતા એ બંનેને અચાનક ડર સતાવવા લાગ્યો કે આખરે આટઆટલી સાવચેતી છતાં એમની ઓળખ કઈ રીતે બહાર આવી ગઈ?

એ યુવક કોણ હતો અને એમનો પીછો કેમ કરી રહ્યો હતો? એ પ્રશ્નનો જવાબ શોધવા હેતુ નગમા અને માધવે નક્કી કર્યું કે કોઈપણ ભોગે એ યુવકને ભીંસમાં લેવો. એ લોકો અત્યારે જ્યાં હતાં એ એક વ્યસ્ત રસ્તો હતો એટલે અહીં કોઈ જાતની તકરારમાં પડવું એમને ઉચિત ના સમજ્યું.

"માધવ, ત્યાં થોડે દૂર એક સાંકડો રસ્તો દેખાય છે.!" નગમાએ માધવને ઉદ્દેશીને કહ્યું. "સમજી ગયો ને શું કરવાનું છે.?"

માધવે હકારમાં ડોકું હલાવ્યું અને એ રસ્તાની બીજી તરફ આગળ વધ્યો જ્યારે નગમા એ સાંકડા રસ્તા તરફ. નગમાને એ સાંકડે રસ્તે આગળ વધતી જોઈ એમનો પીછો કરનાર યુવક નગમાની પાછળ દોરવાયો.

************

શાંઘાઈ, ચીન

"નુવાન યાંગ લી.!" અર્જુને જાણીજોઈને ગોંગ સામે એવું દર્શાવ્યું કે એને ક્યારેય નુવાન યાંગ લી વિશે સાંભળ્યું જ ના હોય.

"હા, નુવાન યાંગ લી." ગોંગ હવે એ બધું જણાવી રહ્યો હતો જે જે જાણવા અર્જુન અને નાયક અહીં સુધી લાંબા થયાં હતાં.

"શાંઘાઈમાં જેટલું પણ ડ્રગ્સ ઉત્પાદન થાય છે એને માર્કેટમાં લાવવાનું અને દુનિયાભરનાં તમામ દેશોમાં સપ્લાય કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ યાંગ લી જ છે. મારા જેવા બીજા ઘણા બધાં યુવકો એના માટે શાંઘાઈનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સની ખેપ કરે છે."

"જો તમારે વધુ માત્રામાં ડ્રગ્સની જરૂર હોય તો એ કામ યાંગ લી જ કરી આપશે."

ગોંગની વાત સાંભળી અર્જુન નાયકની તરફ જોઈને બોલ્યો.

"રહેમાની, શું વિચાર છે? ક્યાં સુધી આ સોના અને ક્રૂડનાં ધંધામાં મથતા રહીશું. આમ પણ છેલ્લાં અમુક વર્ષોથી વૈશ્વિક રાજકારણમાં આવતી તેજી-મંદીમાં આપણને બહુ નુકશાન થયું છે."

"ભાઈજાન, મને પણ લાગે છે કે આપણે હવે ડ્રગ્સનાં કારોબારમાં ઝંપલાવવું જોઈએ." નાયક અને અર્જુન બરાબરની એક્ટિંગ કરી રહ્યાં હતાં. "જો આ છોકરો આપણને યાંગ લી જોડે મુલાકાત કરાવી આપે તો એક વખત મુલાકાત કરવામાં વાંધો જ શું છે?"

અર્જુન અને નાયક વચ્ચે થઈ રહેલી ચર્ચા સાંભળી ગોંગ મનોમન ખુશ થઈ રહ્યો હતો. નિયમ મુજબ જો ગોંગ શેખ અને યાંગ લી વચ્ચે મુલાકાત ગોઠવી આપે અને એમની ડ્રગ્સ ડિલ ફાઈનલ થઈ જાય તો પોતે ડિલની કુલ રકમનાં દસ ટકા રકમનો હકદાર બને. બસો-ત્રણસો કિલો ડ્રગ્સનો અર્થ હતો પંદર થી સોળ કરોડ યુઆન અને એમાંથી દસ ટકા ગણીએ તો પોતે દોઢેક કરોડ યુઆનનો સીધો હકદાર બની શકે એમ હતો.

આ એક જ ડિલથી પોતાના વારા-ન્યારા થઈ જવાનાં હતાં એવા વિચારોમાં રાચતો ગોંગ હવે કોઈપણ ભોગે શેખના વેશમાં પોતાની સામે ઊભેલાં અર્જુન અને નાયકને યાંગ લી જોડે લઈ જવા ઉતાવળો બન્યો હતો.

"તો ભાઈ, તું લઈ જઈશ અમને યાંગ લી જોડે?" અર્જુને ગોંગની તરફ પ્રશ્નસૂચક નજરે જોતાં કહ્યું.

"અરે કેમ નહીં.!" ગોંગે ઉત્સાહિત સ્વરે કહ્યું. "હું કાલે સવારે જ યાંગ લીને મળીને આપનાં વિશે માહિતી આપી દઈશ, સાથે જણાવીશ કે તમે ડ્રગ્સની એક મોટી ડિલ કરવા માંગો છો. યાંગ લી અવશ્ય તમને મળવા બોલાવશે."

"તો પછી એ ફાઈનલ રહ્યું." અર્જુને ગોંગ જોડે હાથ મિલાવીને કહ્યું. "તું અમારી યાંગ લી જોડે મિટિંગ ફિક્સ કરાવી આપ. જો બધું ઠીક રહ્યું તો હું તને પૈસાથી નવડાવી દઈશ."

"શુક્રિયા જનાબ.." આભારવશ સ્વરે ગોંગ બોલ્યો. એના અવાજમાં હવે લાલચ ભળી ચૂકી હતી. વિશ્વનાં કોઈપણ ખૂણે પૈસાની લાલચ એકસરખી જ હોય છે એનું ગોંગ જીવતુજાગતુ ઉદાહરણ હતો.

"લે આ મારું કાર્ડ, કાલે બધું નક્કી થાય એટલે મને આ નંબર પર કોલ કરજે." અર્જુને અરેબિક અને અંગ્રેજી બંને ભાષામાં મુદ્રીત એક પ્લાસ્ટિકનું બનેલું વિઝીટિંગ કાર્ડ ગોંગને આપતા કહ્યું.

અર્જુનના હાથમાંથી વિઝીટિંગ કાર્ડ લઈ, પોતાના ખભે લટકતા લેડીઝ પર્સમાં મૂકી ગોંગ ત્યાંથી જવાની રજા લઈને ચાલતો થયો. ગોંગના જતાં જ અર્જુને એમનાં રૂમનો દરવાજો બંધ કર્યો અને પલંગ પર બેઠો.

અર્જુને ટેબલનાં ડ્રોવરમાંથી સેન લોટાનો સિગારનું એક બોક્સ કાઢી, એમાંથી એક સિગાર નીકાળી એને સળગાવીને પોતાના હોઠ વચ્ચે ગોઠવી. સિગારનો એક ઊંડો કશ ભર્યાં બાદ અર્જુને નાયક તરફ જોઈ આંખ મીંચકારતા કહ્યું.

"મિયાં રહેમાની, ક્યા બોલતી તુમ? વોહ યાંગ લી હમકો બુલાયેગા મિલને કેલિયે?"

"ભાઈ હુસેની, ઇતની બડી ડીલ કે બારે મેં સુનકર યાંગ લી તો ક્યા ઉસકા બાપ જિયોન્ગ લોન્ગ ભી બુલાયેલા.!"

આટલું કહી નાયક પોતાની વાત પર જ ખડખડાટ હસી પડ્યો, નાયકને હસતો જોઈ અર્જુનનો ચહેરો પણ મલકાઈ ગયો.

રાજવીર શેખાવતની યોજનાને અનુસરતા અર્જુન અને નાયક જિયોન્ગ લોન્ગ સુધી પહોંચાડનારા યાંગ લી સુધી પહોંચવાની અણી ઉપર આવી પહોંચ્યા તો હતાં પણ, શું સાચેમાં એવું હતું કે પછી આવું વિચારવું અર્જુન અને નાયકની મોટી ભૂલ હતી એનો જવાબ તો આવનારો સમય જ આપી શકે એમ હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)