Saahasni Safare - 7 in Gujarati Adventure Stories by Yeshwant Mehta books and stories PDF | સાહસની સફરે - 7

Featured Books
Categories
Share

સાહસની સફરે - 7

સાહસની સફરે

યશવન્ત મહેતા

પ્રકરણ – ૭ : બળિયા સામે બાથ

વીરસેનની પાછળ ધીરેધીરે આવનાર માણસ એકદમ અટકી ગયો. થંભી ગયો. એના હાથ ઊંચા થઈ ગયા. વીરસેનની કટારથી દૂર ખસી ગયા. એ શાંતિથી બોલ્યો, ‘એ છરો મારી સામે કાં તાકો છો, વીરસેનભાઈ ?’

આવનાર માણસને જોતાં જ વીરસેન શરમાઈ ગયો. છરો નીચો નમાવી દીધો. માથું નીચું નમી ગયું. સામે તો કાલુ સરદાર ઊભા છે. મરકમરક હસે છે.

વીરસેનથી કશું બોલાયું નહિ.

કાલુ સરદાર કહે, ‘એમાં શરમાવાની જરૂર નથી, વીરસેનભાઈ ! આ પરદેશ છે. ચાંચિયાઓનું અને ગુલામોના વેપારીઓનું થાણું છે. તમે ચાંચિયાઓ સામે લડવા આવ્યા છો. મોતના મોંમાં તમે માથું મૂક્યું છે. એટલે આટલી સજાગતા અને આટલી ચપળતા ન રાખો તો જીવતા જ ન રહો. આવતા ભય સામે આટલી તૈયારી ન રાખો તો ચાલે જ નહિ. તમારી ચપળતા જોઈને મને ખરેખર ખુશી ઊપજે છે. આવા મિત્રની સાથે ખભેખભો મિલાવીને લડવાનું મળે તો કેટલું સારું !’

એ સાંભળીને વીરસેન વીલુંવીલું હસી પડ્યો. એનો ચહેરો ઉદાસ થઈ ગયો.

કાલુ સરદારે પૂછ્યું, ‘કેમ આમ ઢીલું ઢીલું હસો છો, વીરસેનભાઈ ? ચહેરો કેમ આટલો ઉદાસ બની ગયો છે ?’

વીરસેન કહે, ‘એ હમણાં નહિ કહીએ. પહેલાં તો તમે કહો કે બદમાશ લૂંટારાઓના આ ગામમાં તમારું આવવાનું શાથી થયું છે ? અને અમારી પાછળ ચોરીછૂપીથી કેમ આવતા હતા ?’

કાલુ સરદાર કહે, ‘તમારા બીજા સવાલનો જવાબ અમે પહેલાં આપીશું. અમે તમને દૂરથી જોયા. તમે અમારા મિત્ર. એટલે થયું કે ચાલો મિત્રને નવાઈ પમાડીએ. પાછળથી જઈને આંખો દાબી દઈએ. કોણ છીએ તે પૂછાવીએ. મઝા આવશે. પણ તમારી સજાગતા અને ચપળતાએ અમને હરાવી દીધા. હવે પહેલા સવાલનો જવાબ દઈએ. આ પણ્યબંદર છે. અમારા દેશથી નજીકમાં નજીકનું બંદર છે. એના પર હાલ ચાંચિયાઓનું જાણે રાજ ચાલે છે. એથી અમારા દેશનો આ બંદરેથી ચાલતો વેપાર અટકી પડ્યો છે. અમારા દેશના વેપારીઓ માટે તો આયાત-નિકાસનો દરિયાઈ માર્ગ જ તદ્દન બંધ થઈ ગયો છે. એથી, આ દુષ્ટ ચાંચિયાઓની જાળમાંથી કશોક માર્ગ કાઢીને આ બંદરેથી વેપાર શરૂ કરાવવો છે. આ માટે અમે અહીં તપાસ કરવા આવ્યા છીએ. હવે તમે હસ્યા કેમ હતા તે કહો.’

વીરસેન કહે, ‘તમે ઉતાવળમાં છો ?’

કાલુ સરદાર કહે, ‘ના. આ ચાંચિયાઓનો અડ્ડો કાંઈ એકલદોકલ માણસથી એક-બે દિવસમાં સાફ થાય તેમ નથી. અમે હાલમાં તો મુસાફરનો વેશ કરીને મહિનોમાસ અહીં ફરીશું. કોણ કેટલી ચાંચિયાગીરી કરે છે અને કોણ કેટલાં પાણીમાં છે, એ જોઈશું. એમ દુશ્મનની તાકાતનું માપ કાઢી લઈશું. એ પછી એમના કરતાં સવાઈ તાકાત લડાવીને હુમલો કરીશું. આ તપાસ પણ ધીમેધીમે કરવી પડે. કશી બાબતમાં ઉતાવળ કરવા જઈએ તો દુશ્મનને વહેમ પડી જાય.’

વીરસેન કહે, ‘ત્યારે તો અમે હસ્યા કેમ એ તમને કહીએ. તમે કહ્યું કે અમારી સાથે ખભેખભો મિલાવીને લડવાનું તમને ગમે. એમ તમે કહ્યું ને અમે હસ્યા. કારણ કે એ રીતે લડવાની તક ઊભી થઈ છે. એવો પ્રસંગ બની ગયો છે.’

કાલુ સરદાર કહે, ‘તો અમે લડવા છૂટા છીએ. તમને આફતને વખત મદદ કરવાનું વચન અમે આપેલું જ છે. આ છરો એની સાક્ષીરૂપે છે.’

વીરસેન કહે, ‘ત્યારે તમે અને તમારા ચાર-છ ચુનંદા લડવૈયાઓ અમને મદદ કરો, એવી અમારી નમ્ર વિનંતી છે.’

કાલુ સરદારે પૂછ્યું, ‘અમને આખી વાત કરો. ખરેખર શું બન્યું છે તે અમને સમજાવો.’

વીરસેને પોતાની મુસાફરીની, ઠાકોર શ્યામસિંહની, પોતે રાજા ગુમાનસિંહનો વેશ સજીને ઠાકોરને મહેલે ગયો તેની, જાલીમસિંહની બદમાશીની, પોતે હકીમવેશે કરેલા સાહસની, મીરાને છોડાવ્યાની અને મીરાએ બતાવેલા નીકના મારગની, એમ બધી વાતો કાલુ સરદારને કહી.

સાંભળીને કાલુ સરદાર કહે, ‘તો ચાલો, જલદી. વહેલાવહેલા જઈએ. સમય બગાડવો પોસાય તેમ નથી. તમને અમે કરેલા અન્યાયનો બદલો ચૂકવવાની આ તક મળી છે. તો ચાલો ઉતાવળા.’

વીરસેને કહ્યું, ‘મેં અગાઉ કહ્યું ને કે આમાં એકલદોકલ માણસનું કામ નથી. આપણે બે જણા આ કામમાં પૂરતા નહિ થઈ પડીએ.’

કાલુ સરદાર હસ્યા. એ કહે, ‘મેં ક્યાં કહ્યું કે આપણે બે જણે જ જવું છે. તમે મારી સાથે જરાક ચાલો તો ખરા.’

કાલુ સરદાર શૂરવીર છે. શૂરવીરને પિછાનવાની શક્તિવાળા છે. વીરસેનની હિંમત એમને ગમી ગઈ છે. ચાંચિયાઓ, ઠાકોર શ્યામસિંહ મોટા શત્રુઓ છે. એમને સામે એકલે હાથે લડવા વીરસેન નીકળી પડ્યો છે, તે એમને ગમ્યું છે. એટલે એને મદદ કરવા તત્પર છે.

બંને ચાલ્યા.

પહેલાં તો વીરસેન જ્યાં ઊતરેલો તે વીશીવાળાને ત્યાં ગયા.

ત્યાંથી શરગતિને લીધો.

આટલા દિવસ પછી પોતાના માલિકને પાછો આવેલો જોઈ શરગતિના હણહણાટનો પાર ન રહ્યો. સાથે કાલુ સરદાર હોવાથી એનો આનંદ ઓર વધી ગયો.

એને દોરીને બંને જણા એક બીજી વીશીએ ગયા. ત્યાં કાળા અસવારોનો મુકામ હતો. કાલુ સરદાર પોતાની સાથે સાત ચુનંદા અસવારોને લાવેલા. એ સાતેને પરિસ્થિતિની સમજણ પાડી. સાતે જણા પોતાના સરદાર અને સરદારના શૂરવીર મિત્ર વીરસેનની સાથે રહીને લડવાની વાત સાંભળી રાજી થઈ ગયા.

વીશીની ઘોડારમાં એમના ઘોડા હતા. કાલુ સરદારનો ઘોડો પણ ત્યાં જ હતો. સૌએ ઘોડા પલાણ્યા.

પછી ગયા અરબસ્તાનના હકીમજીને ત્યાં. હકીમજી અને મીરા તો બધાને જોઈ આનંદમાં નાચી ઉઠ્યાં. હકીમનાં બીબીજી તો કાલુ સરદાર પર ઓવારી જ ગયાં. કહે કે તમને જોઈને એવું લાગે છે જાણે અમારો બીજો દીકરો મળ્યો. હકીમજીએ નવે કાળા અસવારોને પ્રેમથી ભોજન આપ્યું. નવે કાળા ઘોડાઓ માટે ચંદી તેમજ કૂણા લીલા ઘાસની જોગવાઈ કરી.

અને પછી નવે કાળા અસવાર એમના નવ કાળા ઘોડાઓ પર સવાર થઈને નીકળી પડ્યા.

સાંજ પડતાં તો ઠાકોર શ્યામસિંહના મહેલ નજીક પહોંચી ગયા. એટલે થોભ્યા. એક ઝાડીમાં ઘોડા ઊભા રાખ્યા. બાંધ્યાં. પછી પગે ચાલતાં મહેલ તરફ ગયા. પેલા સ્મશાન પાસેના ઝાડ પર ચડીને બેઠા. મહેલમાં ચાલતી હિલચાલ જોવા લાગ્યા.

એક કાળો અસવાર લપાતોછુપાતો તળાવનો કાંઠો તપાસવા લાગ્યો. એ કાંઠો એક જગાએ શ્યામસિંહના મહેલને અડતો હતો. ત્યાં મોટાં બધા ગરનાળા જેવી રચના હતી. મહેલમાંથી પેલા ફુવારાનું પાણી ત્યાં વહી આવતું હતું. ગરનાળું ખાસ્સું પહોળું હતું. માણસ વાંકો વાળીને અંદર ચાલી શકે એટલી એની પહોળાઈ હતી. રાતે આ જ નાળા વાટે મહેલની અંદર પેસવાની સૌની યોજના હતી.

સાંજ ઢળી. સૂરજ આથમ્યો. અંધારાં ઊતર્યાં. શ્યામસિંહના મહેલમાં દીવા થયા. રાત વધી. સૌ સૂવાની તૈયારી કરવા લાગ્યાં. દીવા એક પછી એક હોલવાવા લાગ્યા. ઝાડ પર બેઠેલા નવ કાળા બહાદુરો બધું જોઈ રહ્યા.

આખરે છેલ્લા દીવા પણ હોલવાઈ ગયા. મહેલમાં સૌ કોઈ ઊંઘી ગયું. ફક્ત પાછળના ગુલામમહેલની ઓસરીના દીવા ચાલુ રહ્યા. અને મુખ્ય મહેલની બે પાંખના છેડાના સાત માળના મીનારાના દીવા બુઝાયા નહિ. ત્યાં ચોકી ચાલુ હતી. ચોકીદારો જાગતા રહ્યા. પણ કાળા અસવારો એ માટે તો તૈયાર જ હતા. એ માટે તો આવ્યા હતા.

એ બધા ઝાડ પરથી ઊતર્યાં. બધા શસ્ત્રસજ્જ છે. તલવારો, કટારો ને જમૈયા બાંધી લીધા છે. ફુવારાના થાળા નીચેનો પથ્થર ખસેડવા માટે લોખંડની કોશો પણ સાથે લીધી છે.

ઊતરીને નવે જણ તળાવને કાંઠે ગયા.

પેલી નીકના મોં સુધી પહોંચવા માટે તળાવમાં તરવાનું હતું. નવે જણ તળાવમાં પડ્યા. તરતા તરતા નીકના મોં સુધી પહોંચી એમાં પેઠા. આગળ કાલુ સરદાર. પાછળ વીરસેન. પાછળ બીજા સાત કાળા અસવાર.

‘નીકમાં અંધારું ઘોર છે. પણ વાંધા જેવું કશું નથી. રોજ એમાં થઈને ધોધમાર પાણી વહે છે. એટલે વીંછી જેવી જીવાત થવાનો સંભવ નથી. પથ્થરની ચણી લીધેલી નીક છે. એટલે સાપનું દર પણ એમાં હોવાનો સંભવ નથી. બધા નિર્ભયપણે ભાંખડભડિયા સરકવા લાગ્યા.

નીકમાં સૌ આગળ વધતા રહ્યા. ઘણી વારે નીકનો છેડો આવી ગયો.

કાલુ સરદારે ઊંચે નજર કરી. કાણાં દેખાયાં. કાણાંમાંથી આભના તારા હસતા દેખાયા.

એમને સમજાઈ ગયું. અહીં જ પેલો ફુવારો. આ કાણાં ફુવારામાં આવતું પાણી નીકમાં વહેવડાવવા માટેનાં છે. અત્યારે ફુવારો બંધ છે. ફુવારાનો હોજ ખાલી છે. એટલે આ કાણાંમાંથી આકાશ દેખાય છે.

એમણે એ કાણાં પાસેના પથ્થરને કોશ મારી. પથ્થર મજબૂત હતો. ઘણી વાર સુધી ટસથી મસ ન થયો. પણ આ તો કાલુ સરદાર ! જેણે દેશની ગુલામીની સાંકળ તોડી નાખી, એની સામે એક પથ્થરનું શું ગજું ?

પથ્થરના સાંધા કોશના ઘાથી ઢીલા થઈ ગયા. આખરે કાલુ સરદારે પોતાનો ખભો એ પથ્થર સાથે ટેકવીને કર્યું જોર. પથ્થર ઊંચો થઈ ગયો. ઊભો થયો. આઘો ખસી ગયો. એની જગાએ ભોંયરામાં ઊતરવાના નાના દરવાજા જેવી જગા ખુલ્લી થઈ ગઈ.

એ જગામાં થઈને કાલુ સરદાર અને બીજા બધા બહાર નીકળી પડ્યા. તેઓ શ્યામસિંહના મહેલના ચોકમાં પહોંચ્યા હતા. ચોક અત્યારે સાવ ખાલી હતો. મહેલના ચોકીદારો મહેલને મુખ્ય દરવાજે ઊભા હતા. મીનારાઓના ચોકીદાર બંને મીનારાઓને દરવાજે હતા. બાકીના એ લોકો નિરાંતે ઊંઘતા હતા.

સાહસી મિત્રો પહેલાં જમણી બાજુના મીનારા તરફ ગયા. ત્યાં રૂપા કેદ હતી.

નીચેના માળે એક કાળો, કદાવર, હાથી જેવો સૈનિક ઉઘાડી તલવારે પહેરો ભરતો ઊભો હતો. એની આ નવ જણ તરફ નજર જાય અને એ કશી બૂમ પાડે તે પહેલાં તો એક છરો સમ્મ્મ્ કરતો છૂટ્યો. એના ગળામાં પરોવાઈ ગયો. પેલો ચોકીદાર કપાયેલાં ઝાડની જેમ હેઠો પડ્યો. એના હાથપગ તરફડતા રહ્યા. પણ શ્વાસનળી કપાઈ ગઈ. બોલાયું નહિ. જિવાયું નહિ.

કાલુ સરદારે વીરસેનનો ખભો થાબડ્યો. આટલી ચપળતા અને સિફતથી ધાર્યું નિશાન પાડતો કોઈ માણસ એમણે જોયો નહોતો.

મીનારાના પહેલા માળે ગોઠવાયેલો પહેરેગીર ઊંઘતો હતો. એને પકડીને મોંએ ડૂચો મારી મુશ્કેટાટ બાંધી દીધો. એને પણ બિચારાને બોલવાની તક મળી નહિ.

પણ એને કોઈએ માર્યો નહિ.

કોઈને મારવાની ઈચ્છા નહોતી. પણ જો કોઈ બૂમ પાડી ઊઠશે કે બીજાને ચેતવી દેશે, એવી સ્થિતિ થાય તો જ મારવાનો હતો. એટલા માટે જ પેલા હાથી જેવા ચોકીદારને મારવો પડ્યો હતો.

બીજા માળનો પહેરેગીર પગથિયાં પાસે જ ઊભો હતો. આગળ ચડતા વીરસેને બિલ્લીપગે જઈને એનું મોં દાબી દીધું. પાછળ આવનારાઓએ એને પૂરો બાંધી દીધો. એના મોંમાં પણ એવો ડૂચો મારી દીધો કે એ ચૂં કે ચાં ન કરી શકે.

એમ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળના પહેરેગીરોને પકડી બાંધ્યા.

પણ સાતમા માળનો પહેરેદાર પગથિયાંને મથાળે જ ઊભો હતો અને એના હાથમાં ખુલ્લી તલવાર હતી. એ કોઈ લડાયક માણસ હતો. મરી જાય પણ બૂમ પાડે તેવો લાગતો નહોતો. સાચા શૂરવીર હોહા મચાવતા નથી. આ પણ કોઈ શૂરવીર દેખાતો હતો.

એટલે વીરસેન આગળ ગયો. બીજા કાળા અસવારો થોડાં ડગલાં પાછળ રહી ગયા.

તલવાર સાથે તલવાર ટકરાઈ. તણખા ઝર્યા.

પછી તો તલવારબાજીની જબરી હરીફાઈ જામી પડી – ફક્ત આ હરીફાઈ હારજીતની નહોતી, જિંદગી યા મોતની હતી.

બેય બરોબરિયા હતા. બેય શૂરવીર હતા. આવડતવાળા હતા. બેયની તલવાર વીંઝાતી ત્યારે સબકારા થતા. બેયની તરવાર ટકરાતી ત્યારે સેંકડો તણખા ઝરતા.

કાળા અસવારો જોઈ રહ્યા. કોણ જીતશે ? કોણ હારશે ? કોણ જીવશે ? કોણ મરશે ?

કાળા અસવારો જુએ છે અને ઊંચાનીચા થાય છે. કોઈ છરો કાઢે છે ને તાકે છે. કોઈ જમૈયો કાઢે છે ને નિશાન લે છે. કોઈ તલવાર કાઢીને ધસવાની તૈયારીમાં છે. વીરસેન હારતો લાગે તો એની મદદે જવું છે. દુશ્મનને પૂરો કરવો છે. આ કાંઈ પટ્ટાબાજીના ખેલ નથી. બે નિર્દોષ બાળાઓને કેદખાનામાંથી છોડાવવી છે. એમાં લડાઈના ધર્મ પાળવાના ન હોય. સામો માણસ માનવીનો ધર્મ ચૂક્યો છે. માનવી માત્ર મુક્ત જન્મે છે. મુક્ત રીતે જીવવાનો એને હક છે. એના આવા હક ઉપર તરાપ મારે તે માણસ નહિ, પરંતુ હિંસક પશુ છે. એ ધર્મ ચૂકે છે. પછી આપણે લડાઈનો ધર્મ કાં જાળવવો ? વીરસેનને મરવા નથી દેવો. આ તો થોડી વારનો ખેલ છે. શત્રુનું પાણી મપાય છે. એટલે બધા શત્રુ પર તૂટી પડવા તૈયાર છે.

પણ કાલુ સરદાર બધાને રોકે છે. એમને વીરસેનમાં વિશ્વાસ છે. એની શક્તિમાં વિશ્વાસ છે. એની કુશળતામાં વિશ્વાસ છે. એની ચપળતામાં વિશ્વાસ છે.

- અને વીરસેને એ વિશ્વાસ સાચો ઠેરવ્યો. એક વાર ચપળતાથી હટી જઈને શત્રુનો ઘા એણે ચુકાવ્યો. આટલી ઝડપની શત્રુએ આશા રાખેલી નહિ. કલ્પના કરેલી નહિ. એણે હતું એટલું જોર કરીને તલવાર વીંઝેલી. હમણાં વીરસેનને ઊભો ચીરી નાખું, એમ એણે માનેલું. આથી હતું એટલું જોર કરીને ઘા મારેલો.

પણ વીજગતિના વીરસેને ઘા ચુકાવ્યો. શત્રુ પોતાના ઘાની પાછળ ખેંચાયો. તલવાર ખાલી હવામાં વીંઝાઈ અને નીચે ગઈ. પાછળ શત્રુ પણ વાંકો નમી ગયો.

એ જ વખતે વીરસેનની તલવારે એને કાપી નાખ્યો. કમરમાંથી એના બે ટુકડા થઈ ગયા.

કાલુ સરદાર અને કાળા અસવારો વીરસેનની આ અદ્દભુત વીરતા ને ચતુરાઈ જોઈ જ રહ્યા !

વીરસેને પોતાની લોહિયાળ તલવાર મરેલા શત્રુનાં કપડાં પર લૂછીને મ્યાન કરી. શત્રુની પાઘડી છોડી એના દેહ પર ઢાંકી. ઢાંકતાં પહેલાં એની કમરે લટકતી ચાવી લઈ લીધી. એ ચાવીથી મીનારાના સાતમા માળના કમરાનું તાળું ખોલ્યું.

તાળું ખૂલતાં જ અંદર પુરાયેલી રૂપા દોડી આવી. ભાઈને જોતાં વાર જ એને ભેટી પડી.

ભાઈબહેનની આંખોમાંથી હેતનાં આંસુ વહેવા લાગ્યાં.

ઘણી વાર સુધી ભાઈબહેન આંસુભરી આંખે એકબીજાને નીરખતાં રહ્યાં.

આખરે વીરસેન કહે, ‘છાની રહે, બહેની ! અને ધીરજ રાખ. હજુ તો સોનાને છોડાવવાની છે.’

એટલે સૌ જમણી બાજુના એ મીનારા પરથી નીચે ઊતર્યાં. સીધાં ગયાં ડાબી બાજુના મીનારા તરફ. ત્યાં સોના કેદ હતી.

પણ આ મીનારાના બધા પહેરેગીરો ગજબના ઊંઘણશી નીકળ્યા. આઠેઆઠ પહેરેગીરોને કાળા અસવારોએ ઊંઘમાં જ દાબ્યા. દાબીને બાંધ્યા. બધાને મોંએ માર્યો ડૂચો. આ રીતે, કશીય હિંસા વગર એ મીનારો જીતાયો તેથી વીરસેનને આનંદ થયો. કાલુ સરદારને પણ આનંદ થયો. બંને એક જ પ્રકૃતિના મિત્રો છે. વિના કારણ લોહી વહાવવું એમને ગમતું નથી.

આ કારણે જ એ બંને મહાન છે. માણસમાં શક્તિ ન હોય અને એ શાંતિની વાત કરે, એમાં મોટાઈ કશી નથી. પણ જે ધારે તો હજારોને મારી નાખે એવા બળિયા હોય, તેમ છતાં તેઓ શાંતિ અને દયાની વાત કરે, એ મુજબ સાચેસાચ વર્તન કરે, તે ખરેખર મોટાઈ કહેવાય. એવા લોક જરૂર સફળતા પામે છે. જ્યારે બળિયા હોય પણ મારફાડમાં જ માનતા હોય તે આખરે હારે છે. અનિષ્ટનાં પરિબળો શરૂઆતમાં કદાચ જીતતાં દેખાય. પરંતુ આખરે તો હારે જ છે.

વીરસેન અને કાલુ સરદારને પણ સફળતા મળી. સોનાના બંદીખાનાની પણ ચાવી એમણે મેળવી. સોનાને છોડાવી. સોના રૂપાને ભેટી પડી. ભાઈ વીરસેનને પણ ભેટી.

પછી સૌ નીચે ઊતર્યાં. પેલા ફુવારા પાસે જઈને ઊભાં રહ્યાં. પેલો પથ્થર ખસવાથી થયેલી જગામાં થઈને ઊતરવાની સૌએ તૈયારી કરી.

ત્યારે જ કાલુ સરદાર કહે, ‘તમે બધાં જાવ. હું પાછળ આવું છું.’

વીરસેને નવાઈથી પૂછ્યું, ‘એમ કેમ ?’

કાલુ સરદાર કહે, ‘મારે અહીં એક જૂનો હિસાબ ચૂકવવાનો છે.’