breakup - beginnig of self love - 19 in Gujarati Love Stories by Sachin Sagathiya books and stories PDF | બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 19

Featured Books
Categories
Share

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 19

“નીક તુ બસ એ જ કહેવા માંગે છે ને કે હું છોકરીઓ પાછળ ભાગવાનું છોડી દવ અને કોઈ ધંધો શોધીને પૈસા કમાવવા પર ધ્યાન આપું?”

“હા. કેમ કે તારા માટે એ જ બરાબર છે.”

“ઠીક છે. તો હવે મશીનની જેમ પૈસા છાપવાનું શરૂ કરી દવ. તારી નજરમાં મારા માટે કોઈ કામ હોય તો જણાવજે.”

“વિજય હજી તુ મારી વાતને સમજી રહ્યો નથી. યાર રિલેશનશીપ કોઈ ખરાબ વસ્તુ નથી. એ તો એક સુંદર અનુભવ છે જે માણસને જીવન જીવવાની પ્રેરણા આપે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે. મારે તને બીજું કોઈ ઉદાહરણ શા માટે આપવું જોઈએ? સૌથી મોટું ઉદાહરણ મારી સામે જ છે. એ છે વિજય. એક સમયે એ જામનગર આવવાથી ડરતો હતો. પોતાને બદલવા પણ ન હતો માંગતો. તેને પોતાના ગુસ્સા પર કન્ટ્રોલ ન હતો. આવી તો ઘણી બધી બાબતો છે જે રીલેશનશીપમાં આવ્યા પછી બદલાઈ ગઈ. મારી વાત તને ખોટી લાગતી હોય તો એક વખત અત્યારના વિજયની નિશાને મળ્યા પહેલાના વિજય સાથે સરખામણી કરજે.”

“યાર હવે તુ મને કન્ફ્યુઝ કરી રહ્યો છે. થોડીવાર પહેલા કહેતો હતો કે આ બરાબર નથી અને હવે વખાણ કરે છે!”

“સોરી હું થોડો વધારે ઊંડો ઉતરી ગયો હતો. હું જસ્ટ એમ કહેવા માંગું છું કે તુ કોઈ વ્યક્તિ શોધીને તેની સાથે રિલેશનશીપ રાખ પણ એ પહેલા પોતાની જાતને તો જણાવ કે તારે કેવી વ્યક્તિ જોઈએ છે? ગમે તેની સાથે સેટ થઇ જવું એ મૂર્ખાઈ છે. જે દિવસે તને એવી વ્યક્તિ મળી જાય ત્યારે પ્રેમના દરિયામાં ડૂબકી લગાવજે. બસ ભાઈ પહેલા તરતા શીખી જા.”

“હું કંઈ સમજ્યો નહિ. મને કેવી વ્યક્તિ જોઈએ છે એટલે?”

“મારા પ્રશ્નનો સાચો જવાબ આપીશ તો તને જવાબ મળી જશે.”

“હા ઠીક છે પૂછ.”

“તારી માટે જી.એફ. શોધવાનું કામ તો આપણે નિશાને આપ્યું હતુ તો તે નિશાને જ કેમ પસંદ કરી? જો તને ખરેખર એ જ પસંદ હોત તો એ કહેવામાં તે અઠવાડિયું ન લગાવ્યું હોત કે તને નિશા ગમે છે. મને સાચું કહીશ કે છેલ્લે નિશાને જ કેમ પસંદ કરી? જો તને જણાવી દવ કે મને જવાબ ખબર છે પણ હું તારી પાસેથી સાંભળવા માંગું છું.”

“સાચું એ જ છે કે નિશા મને પસંદ હતી.”

“ના ભાઈ ના. હજી તુ સાચું નથી બોલી રહ્યો.”

“ના યાર સાચું બોલું છું.”

“ખા નિશાના સમ.”

“હવે તુ મને ઈમોશનલી બ્લેકમેલ કરી રહ્યો છે.” વિજયે હસતા કહ્યું.

“હા તો સાચું બોલો. મને તો ખબર પડે નિશાબેન માટે ખરેખર પ્રેમ જેવું કંઈ હતું કે બસ એમ જ પ્રેમ પ્રેમ કરતા હતા.” નીક હસવા લાગ્યો.

“સાચું કહું તો જ્યારે મેં નિશાને પહેલી વખત જોઈ ત્યારે મને એ ઠીક ઠીક લાગી હતી. તેને જોતા જ મને પ્રેમ... આઈમીન મને ગમી ગઈ એવું ન હતું. એ સમયે મારા મનમાં મારી ભાવી પ્રેમિકાનું કોઈ ચિત્ર ન હતું. સીધી ભાષામાં કહું તો હું કોઇપણ છોકરી જે મને થોડી પણ પસંદ આવે તેને મારી જી.એફ. બનાવવા તૈયાર હતો. નિશાની બે થી ત્રણ ફ્રેન્ડ જોઈ. જોતા મને રસ ન પડ્યો. એનું કારણ એ હતું કે એ મારાથી ઉંમરમાં નાની હોય એવું લાગતું હતું. જ્યારે મેં નિશા માટે વિચાર્યું ન હતું ત્યારે મેં તારી પાસેથી નિશાના વખાણ સાંભળ્યા હતા. તુ કહેતો હતો કે નિશા તને પસંદ છે પણ એ તારાથી નાની છે અને ઉંમરને ધ્યાનમાં ન લઈએ તો એ તને નીકભાઈ કહે છે એટલે તુ તેની સાથે રિલેશનશીપમાં ન રહી શકે. મેં બસ એ દિવસે એટલું જ વિચાર્યું કે નીક જે વ્યક્તિને પસંદ કરે છે એ વ્યક્તિમાં કંઇક તો ખાસ હશે જ. એ દિવસ પછી મેં પણ નિશા પર મારી નજર રાખી અને મને પણ એ પસંદ આવવા લાગી. તેનો ચશ્માવાળો એ નિર્દોષ ચહેરો મને આજે પણ યાદ છે અને હંમેશાં યાદ રહેશે. જ્યારે પહેલી વખત તેને લાખોટા તળાવે લઇ ગયો હતો એ દિવસ મને જિંદગીભર યાદ રહેશે. તને ખબર છે જ્યારે અમે ત્યાં રિલેશનશીપમાં રહેવાનું નક્કી કર્યું ત્યારે કયુ ગીત વાગતું હતું? એ ગીત હતું - વાદા કરો નહીં છોડોંગી તુમ મેરા સાથ. જહાં તુમ હો. વહાં મેં ભી...” વિજયની ભૂતકાળની યાદો તાજી થઇ અને તે પોતાના આંસુઓ રોકી ન શક્યો.

“વિજય યાર પ્લીઝ રડ નહિ.”

“યાર મેં તો તેને જ મારી દુનિયા માની હતી. શું ખબર હતી કે આ દુનિયા બહુ જલ્દી ખત્મ થઇ જવાની છે! હા માનુ છું કે તારી પસંદના લીધે તેને પસંદ કરી હતી પણ પછી મને જે પ્રેમ થયો એ ફક્ત મારો પોતાનો હતો. યાર સાચી વાત તો એ છે કે હું ખુશ રહેવા નહી પણ નિશાને ભૂલવા માટે બીજી છોકરીઓ પાછળ ભાગી રહ્યો છું. હું સારી રીતે જાણું છું કે કોઈ મને મળી જશે તો પણ હું તેને ક્યારેય નહી ભૂલી શકું. મારી બેબીની જગ્યા કોઈ નહી લઇ શકે. હું એ નિશાની વાત નથી કરી રહ્યો જેણે મને છોડી દીધો. હું એ બેબીની વાત કરી રહ્યો છું જેનો હું દીકો છું અને હંમેશાં રહીશ. નીક નિશા મારાથી દૂર ગઈ છે, મારી બેબી નહિ. એ તો હંમેશાં મારી સાથે હોય છે અને મારા છેલ્લા શ્વાસ સુધી રહેશે.” વિજય રડતો રડતો બોલી રહ્યો હતો.

“વિજય સમજી શકું છું કે નિશા તારા માટે શું હતી? યાર પોતાની જાતને સંભાળ. હું તને આમ દુખી નથી જોઈ શકતો.” નીક વિજયને ભેટી પડ્યો.

“નીક તને મારી વાતો પરથી એમ લાગે છે ને કે હું પાગલ થઇ ગયો છું? યાર ચિંતા ન કર. હું ઠીક છું. હું બસ કોઈ વ્યક્તિમાં મારી બેબીને શોધી રહ્યો છું. આશા રાખું છું કે જલ્દી મળી જશે.” વિજયે હસતા કહ્યું.

“હા મને વિશ્વાસ છે. તને તારી બેબી જલ્દી મળી જશે.”

બંને મિત્રો બેડ પર બેસી ગયા અને ચુપચાપ દીવાલ સામે જોઈ રહ્યા. વિજય કંઇક વિચારતો હોય એ તેના ચહેરા પર દેખાઈ આવતું હતું. નીકે તેને પૂછ્યું,

“વિજય શું વિચારે છે?”

“હં... હું તે થોડી વાર પહેલા જે સ્ટોરી કીધી હતી તેના વિશે વિચારી રહ્યો છું.”

“યાર છોડને હવે. એ તો બસ મેં તને વાસ્તવિકતા સમજાવવા કીધી હતી. તેને સીરીયસલી ન લે.”

“ના યાર એ વાત સીરીયસલી લેવા જેવી છે. મારે આઈ લવ યુ કહીને મારો પ્રેમ સાબિત નથી કરવો. હું મારી ભવિષ્યની બેબીને એક સારું જીવન આપીને મારો પ્રેમ સાબિત કરવા માંગું છું. થેંક્યું યાર. મને હવે ખબર પડી ગઈ છે કે હું અત્યાર સુધી પ્રેમના નામે મારો સમય બગાડી રહ્યો હતો. હવે મારે આ સમયનો સારો ઉપયોગ કરીને મારી બેબીને સારું જીવન આપવું છે. તેને કદી એવું ન લાગવું જોઈએ કે તેણે મારા જીવનમાં આવીને કોઈ ભૂલ કરી છે. નિશાને તો હું એ જીવન ન તો આપી શક્યો. ન તો સુખી જીવન આપીશ એવો વિશ્વાસ આપી શક્યો. હવે જે બેબી આવશે તેને હું સારું અને સુખી જીવન આપવા માટે ઘણી મહેનત કરીશ. અત્યારે હું સિંગલ છું તો મારી પાસે ભરપુર સમય છે. હું સારી રીતે જાણું છું કે મોટી મોટી વાતો કરવાથી કંઈપણ નથી થવાનું. એ માટે મહેનત કરવી પડશે અને હું કરવા તૈયાર છું. ક્યારેક હું રાહ ભટકી પણ જઈશ પણ મને કોઈ ડર નથી કારણ કે મારી પાસે નીક છે. એ ફરી મને સાચા રસ્તે લઇ આવશે જેમ આજે લઇ આવ્યો.”

“યાર મેં કંઈ નથી કર્યું તારા માટે. એ વાતનો અફસોસ મને હંમેશાં રહેશે કે મારા રહેતા નિશાને તારાથી દૂર જવા દીધી. મને ખુશી એ વાતની છે કે તુ આજે પણ કોઈ વ્યક્તિમાં નિશાના પ્રેમને જ શોધી રહ્યો છે આઈમીન તારી બેબીને શોધી રહ્યો છે. તારો સમય આવવા દે કોઈને કોઈ વ્યક્તિ તો તને મળી જ જશે જેમાં તને તારી બેબી મળી જશે. સમજી લે આજે તે તારી બેબી માટેના સારા જીવનનો પાયો નાખી દીધો છે. હવે ધીમે ધીમે આ સારા અને સુખી જીવનની ઈમારત પણ ચણવા મહેનત કરવા માંડ.”

“નીક મકોડાને કોલ કરીને ઘરે બોલાવ. મારે તેની પાસે માફી માંગવી છે. યાર મેં તેને ખૂબ હર્ટ કર્યો છે. હું તેને એ ભૂલની સજા આપી રહ્યો હતો જે તેણે કદી કરી જ નથી. પ્લીઝ તેને અહીં બોલાવ.”

નીકે સંજયને કોલ કર્યો અને તેને વિજયના ઘરે આવવા કહ્યું. વિજય જાણતો હતો કે સંજય નીકની વાતને ટાળી નહિ શકે. થોડીવાર પછી સંજય આવ્યો અને નીક સામે જોઇને બોલ્યો,

“ભાઈ કામ હોય એ બોલ. મારે મોડું થાય છે. રિક્ષા મળી ન હતી એટલે પાછો આવી શક્યો. બોલ શું કામ છે?”

“મારે કામ નથી. તારો ભાઈબંધ યાદ કરે છે.”

“હા તો તેને બોલ કામ હોય એ જણાવે.”

“ઓય મકોડા હવે ભાવ ખાવાનું બંધ કર.” વિજય બોલી ઉઠ્યો.

“ભાવ હું ખાવ છું કે તુ? ગેમ પૂરી થઇ ગઈ તારી?”

“સોરી યાર. તને તો ખબર છે કે વાણીને લઈને હું કેટલો દુખી હતો? યાર હું મારા ગુસ્સાના કારણે તને હર્ટ કરવા ન હતો માંગતો. મેં વિચાર્યું કે તુ થોડા દિવસ મારાથી દૂર રહીશ તો આપણી દોસ્તીમાં કોઈ પ્રોબ્લેમ નહિ આવે. પ્લીઝ મને માફ કરી દે.”

“વિજય દોસ્તીમાં પ્રોબ્લેમ પાસે રહેવાથી નહિ પણ દૂર રહેવાથી થાય છે. કોઈ છોકરીને તારા જીવનમાં લાવું તો જ તને મારી મિત્રતા સાચી લાગતી હોય તો આવજે મારી સાથે કાલે જામનગર. મારી એક ફ્રેન્ડ છે. જોઈએ તારો મેચ આવે છે કે નહી?”

“ના ભાઈ સિંગલ જ રહેવા દે. બસ ઈશ્વરે જે બેબી મારા નસીબમાં લખી છે એ સમય આવતા આવી જશે. ફરી પાછો ટાઈમપાસ શરૂ નથી કરવો મારે.” વિજય હસવા લાગ્યો.

“વિજય આ તુ જ બોલી રહ્યો છે ને? મને વિશ્વાસ નથી આવતો.”

“હા ભાઈ હું જ બોલી રહ્યો છું. એ બધું છોડ. તે મને માફ કર્યો કે નહિ?”

“હા કોલેજ આવવાનું શરૂ કરી દે એટલે તને માફ કરી દઈશ.” સંજય હસવા લાગ્યો.

“હા જરૂર. કાલે જ આવું છું.” વિજય હસવા લાગ્યો.

“વિજય અને સંજય. હવે તમારા બંનેની વાત પૂરી થઇ હોય તો આપણે હર્ષના ઘરે જઈએ. હું તને ત્યાં લઇ જવા માટે જ આવ્યો હતો. ચાલો તેના પાંચ મિસ્ડ કોલ આવી ગયા છે.”

વિજય ફટાફટ ફ્રેસ થઈને તૈયાર થઇ ગયો અને થોડીવાર પછી ત્રણેય મિત્રો હર્ષના ઘર તરફ ચાલવા લાગ્યા.....

The end.

પ્રિય વાંચકમિત્રો(જો મારાથી મોટા હોય તો આદરણીય). સૌથી પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે “બ્રેકઅપ-બિગિનિંગ ઓફ સેલ્ફ લવ” છેલ્લે સુધી વાંચી. હું એ સૌનો ઋણી છું જેણે મને આ લેખનના ક્ષેત્રમાં હંમેશાં મદદ કરી છે. ક્યારેક વાંચક તરીકે તો ક્યારેક લેખક તરીકે. હું જાણું છું કે હું ઘણા વાંચકોની અપેક્ષા પ્રમાણે સ્ટોરી લખી નથી શક્યો. ઘણા પ્રકરણમાં કંટાળો પણ આવ્યો હશે. મારી અગાઉની રચનાઓ “એજન્ટ આઝાદ” અને “અ ન્યૂ બિગિનિંગ” એ કાલ્પનિક હતી. જેમાં હું જ્યારે ઈચ્છું ત્યારે સ્ટોરીને વાંચકોના અભિપ્રાય મુજબ બદલી શકતો હતો. આ સ્ટોરીને પૂરી કરવી, તેની ઘટનાઓ અને ખાસ તેના મર્મને જાળવી રાખવો એ મારા માટે ખૂબ અઘરું કામ હતું. કારણ કે આ સ્ટોરી મારી કોઈ કલ્પના નથી. આ સ્ટોરીનો આધાર કોઈ વાસ્તવિક વ્યક્તિના જીવન પર રહેલો છે તેથી હું ઈચ્છું તોય તેમાં ફેરફાર ન કરી શકું. આ સ્ટોરી પ્રેમના અર્થને સમજાવતી નથી બસ પ્રેમની વાત કરે છે. આ સ્ટોરી કોઈને કંઈપણ શીખવવા લખવામાં નથી આવી. જે બન્યું હતું એ જ સ્ટોરી સ્વરૂપે રજૂ થયું છે. આ મારો એક પ્રયાસ હતો. હું નથી જાણતો કે આ કેટલો સફળ રહ્યો? પણ હું જાણું છું કે હું સ્ટોરીને સારી રીતે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છું. અત્યારે હું પોતાને એક લેખક કહી શકું એટલી તો મારી લાયકાત નથી. હું બસ લેખનના ક્ષેત્રમાં પા પા પગલી ભરી રહ્યો છું. ધીમે ધીમે શીખી રહ્યો છું. આપ સૌનો સહકાર મને મળતો રહેશે તો મને ખાતરી છે કે એક દિવસ હું એક લેખક જરૂર બનીશ. આ સ્ટોરીના કારણે કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફી ચાહું છુ. મારા વાંચકમિત્રોનો ફરી એક વાર આભાર માની મારી વાતને વિરામ આપુ છું.

આભાર.