Rajkaran ni Rani - 20 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૨૦

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૨૦

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

સુજાતાએ એક વાત કરવા પરવાનગી માગી કે કહેવા માગે છે એમ વિચારતી હિમાનીને વધારે વિચાર કરવાની જરૂર ના રહી. સુજાતાએ આગળા બોલવાનું ચાલુ રાખ્યું:"હિમાની, આ વાત આમ તો ખાનગી છે પણ એ જનાર્દનથી ખાનગી રાખવાની નથી. મેં જનાર્દન સાથે આ બાબતે વાત કર્યા વગર સીધી તારી સાથે જ કરવાનું યોગ્ય માન્યું છે. એ કદાચ જનાર્દનને ગમશે કે નહીં એ હું કહી શકતી નથી. પરંતુ આ તારા જીવન સાથે સંકળાયેલી વાત હોવાથી પહેલાં તને કરવાનો નિર્ણય લીધો છે..."

સુજાતા બે ક્ષણ અટકી એટલે હિમાનીને એક વાતની શાંતિ થઇ કે જનાર્દન વિશે નથી.

સુજાતાએ આગળ કહ્યું:"હિમાની, તારે મારી સાથે રાજકારણમાં આવવાનું છે. મને ખાતરી છે કે તું ના પાડશે નહીં...."

સુજાતાની વાત સાંભળી હિમાની તો આભી જ બની ગઇ. પોતાને રાજકારણમાં લઇ જવા પાછળ સુજાતાનો આશય શું હોય શકે? અને રાજકારણ તો ગંદું હોય છે. ખુદ જનાર્દન એ વિશે ઘણી વાતો કહી ચૂક્યો છે.

"તારા મનમાં રાજકારણમાં આવવાનો વિચાર ક્યારેય આવ્યો નહીં હોય એટલે નવાઇ લાગી રહી હશે. પણ તારું રાજકારણમાં આવવું જરૂરી છે. મને જે એક અંગત સાથ જોઇએ છે એ માટે મેં તારા પર પસંદગી ઉતારી છે. જે જનાર્દન પુરુષ તરીકે મને આપી શકે નહીં અને હું લઇ શકું નહીં. મને એક મહિલાનો સાથ જોઇએ છે. અને તારાથી વિશ્વાસુ બીજી કોઇ હોય શકે નહીં...."

"બહેન, મેં તો સપનામાં પણ કલ્પના કરી નથી કે હું રાજકારણમાં જોડાઇશ. ભલે જનાર્દન રાજકારણમાં ગળાડૂબ છે અને મને તેનાથી પરિચિત કરાવતો રહ્યો છે પણ રસોડાની રાણીથી આગળ મેં વિચાર્યું જ નથી. તમે મને રાજકારણમાં લાવવા માગો છો પણ મારી એવી કોઇ લાયકાત કે ક્ષમતા ક્યાં છે?"

"હિમાની, તું એમ સમજે છે કે રાજકારણમાં આવવા માટે કોઇ કોર્સ કરવાનો હોય છે? રાજકારણમાં આવવા માટે તો કોઇ પ્રકારનું ભણતર કે ડિગ્રી પણ જરૂરી નથી. કદાચ એટલે જ રાજકારણમાં શિસ્ત કે નૈતિકતા ઓછી છે. એ હમણાં ચર્ચાનો વિષય નથી. વર્ષોની એ પરંપરાને અત્યારે આપણે બદલી શકીએ એમ નથી. પરંતુ રાજકારણમાંથી અનિતી, ભ્રષ્ટાચાર, ગુંડાગર્દી, ગેરકાનૂની કામો વગેરેને દૂર કરી શકીએ એમ છીએ. અને એ માટે તારા જેવી અજાણી મહિલાઓની જ જરૂર છે. મારી પણ ક્યાં કોઇ એવી લાયકાત હતી કે જેના જોર પર હું રાજકારણમાં આવી ગઇ. સમય અને સંજોગોનું એવું નિર્માણ થયું કે મેં આ ક્ષેત્રને પસંદ કરી લીધું. આ ક્ષેત્ર એવું છે જ્યાં તમે ભણેલા ના હોય તો ચાલે પણ બુધ્ધિશાળી જરૂર હોવા જોઇએ! તને કોઇ વાંધો નથી ને રાજકારણમાં કામ કરવાનો? જનાર્દનને તો હું સમજાવી દઇશ..."

"હં...હું રાજકારણમાં મને કલ્પી શકતી નથી? મારે શું કામ કરવાનું હશે? કેટલો સમય આપવાનો હશે? હું મારી જાતને ગોઠવી શકીશ કે નહીં? જેવા અનેક સવાલ મનમાં થઇ રહ્યા છે."

"હિમાની, તું એક વખત કહી દે કે તને કોઇ વાંધો નથી. બાકીનું હું સંભાળી લઇશ. અને જો...તું રાજકારણમાં આવે તો તને જ નહીં જનાર્દનને પણ મોટો લાભ થશે. હું અત્યારે કોઇ લોભ-લાલચ તને આપવા માગતી નથી. તું કોઇ અપેક્ષા વગર રાજકારણમાં જોડાય એ જરૂરી છે....એટલું કહી શકું કે તારી પ્રગતિ થશે...."

"બહેન, આ બહુ મોટો નિર્ણય છે. અભ્યાસ પછી મેં કોઇ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સુધ્ધાં વિચાર્યું ન હતું. રાજકારણની કારકિર્દી વિશે તો વિચાર જ કર્યો ના હોય ને? હું જનાર્દન સાથે વાત કરીને- ચર્ચા કરીને જણાવીશ. મારો જવાબ અત્યારે આપી શકું એમ નથી...."

"હિમાની, રાજકારણ ખરાબ છે એમ ધારીને ગભરાઇ જવાની જરૂર નથી. ક્રાંતિ હંમેશા ધીમે ધીમે આવે છે. રાતોરાત કશું બદલાઇ જતું નથી. એક સ્ત્રી તરીકે તારી ફરજ બને છે કે મને સાથ આપે. હું આશા રાખું છું કે તારો જવાબ હામાં જ આવશે....મને રાજકારણનો કોઇ અનુભવ ન હતો. છતાં હું આવી છું ને? રાજકારણથી ડરવાની જરૂર નથી."

સુજાતા ઊભી થઇ અને હિમાની સાથે રાજકારણ સિવાયની બીજી વાત કરતી બહાર આવી ત્યારે જનાર્દન ઉત્સુક્તાથી બંને તરફ જોવા લાગ્યો.

"જનાર્દન, મેં હિમાનીને રાજકારણમાં જોડાવા માટે સૂચન કર્યું છે. આ વાત હું પહેલાં તને પણ કરી શકી હોત. મેં એમ કર્યું નહીં એની પાછળનું કારણ એ છે કે હું તેને સીધી વાત કરવા માગતી હતી. તું કહે અને હું કહું એમાં ફરક છે. તેં એક પતિ તરીકે એને વાત કરી હોત. હવે એ એક પત્ની તરીકે તારી સાથે વાત કરશે. તમે બંને વિચારી લો. રાજકારણ તારા માટે નવી વાત નથી. હિમાની એ વાતાવરણમાં જ રહે છે. એના માટે એ કામ મુશ્કેલ નહીં હોય..."

"બહેન, અમે આજે વિચારીને તમને કાલે જવાબ આપીશું...." કહી જનાર્દન જવા માટે ઊભો થયો. તેને કલ્પના ન હતી કે સુજાતા હિમાનીને રાજકારણમાં લાવવાની વાત કરશે. તેનું મગજ વિચારે ચઢી ગયું હતું. તે રવિનાને ઓફર આપીને તેને સાથ આપવાનું ગોઠવી રહ્યો હતો ત્યારે હિમાનીને ઓફર આપીને સુજાતાએ મૂંઝવણમાં મૂકી દીધો હતો.

રસ્તામાં હિમાની અને જનાર્દને ખાસ કોઇ વાત કરી નહીં. હિમાનીએ સુજાતાની બધી વાત કહી દીધી. એ પછી બંનેના મગજમાં સુજાતાના વિચારો જ ચાલતા રહ્યા.

ઘરે પહોંચીને હિમાનીએ મસાલાવાળી ચા બનાવી જનાર્દનને આપતાં કહ્યું:"સુજાતાબેનને અચાનક આવો વિચાર કેવી રીતે આવ્યો? મારા રાજકારણમાં આવવાથી એમને શું લાભ થશે? મને લાભની વાત કરીને એમણે તો કોઇ અપેક્ષા વગર જોડાવા કહ્યું છે. પણ પ્રગતિનું આશ્વાસન આપ્યું છે."

"મને પણ નવાઇ લાગી રહી છે. એમનો ઇરાદો શું છે એની કલ્પના કરવાનું સરળ નથી. એવું લાગી રહ્યું છે કે એમને મારી રવિના સાથેની મુલાકાતની ખબર પડી ગઇ હોય અને તને રાજકારણમાં લાવવાની વાત કરી મને એમના માટે રોકી રાખવા માગતા હોય..."

"એમ પણ બની શકે કે તેમને મદદની જરૂર હોય અને નજીકનું કોઇ ન હોય. એમને તમારા કારણે મારો વિચાર આવ્યો હોય કે હું એમને મદદરૂપ થઇ શકું. તમને શું લાગે છે? મારે એમની સાથે રાજકારણમાં જવું જોઇએ?"

"હં...કંઇ સમજાતું નથી. અને હા, રાજકારણમાં તારે જવું છે કે નહીં એ નક્કી તારે જ કરવું જોઇએ. જીવનનો આ મહત્વનો નિર્ણય લેવા માટે તું સ્વતંત્ર છે..."

"જનાર્દન, એવું નહીં, મારે તારો સાથ જોઇએ. તારે પણ નિર્ણય લેવામાં મદદ કરવી પડશે...."

"ચોક્કસ, હું તને રાજકારણના સારા-નરસા અનુભવ તો શેર કરતો જ રહું છું. મને નથી લાગતું કે તું રાજકારણની વાતોથી અજાણ છે. મને અત્યારે સુજાતાબેનનું રાજકીય ભવિષ્ય દેખાતું નથી. ધારાસભ્યની ટિકિટ માટે સુજાતાબેન કે રવિનામાંથી કોઇનું નામ નથી. રાજકારણમાં અનિશ્ચિતતા બહુ હોય છે. હું હજુ સુજાતાબેનને છોડીને રવિનાને મદદ કરું કે નહીં એનો નિર્ણય કરી શક્યો નથી ત્યારે તારો નિર્ણય કરવાનો પડકાર આવી ગયો છે..."

જનાર્દન બોલતો હતો ત્યારે મોબાઇલની રીંગ વાગી. તેણે જોયું તો રતિલાલનો ફોન હતો. જનાર્દનને થયું કે તેની મૂંઝવણ હજુ વધવાની છે.

વધુ એકવીસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. અને હોરરના શોખીનોને 'આત્માની અંતિમ ઇચ્છા' જરૂર પસંદ આવશે.