Darkness of the moon - 6 in Gujarati Adventure Stories by શિતલ માલાણી books and stories PDF | અમાસનો અંધકાર - 6

Featured Books
Categories
Share

અમાસનો અંધકાર - 6

શ્યામલીની વાત વીરસંગ એની માતાને કરે છે. માતા પણ ખુશ થાય છે હવે આગળ....

વહેલી સવારે પુજાની સામગ્રીઓ, ભોજનના પ્રબંધો અને મહેમાનોને આપવામાં આવતા ઉતારાની દેખરેખ માટે જુવાનસંગ પોતે નિહાળવા નીકળે છે. બધી બાજુ જુવાનસંગના જયકાર સંભળાય છે. એ મૂંછાળો મનમાં મલકાય છે. પણ એક વાત હૈયે ખટકે છે જે વીરસંગના કરેલા સાહસની...જે જુવાનસંગની સામે જ સીધો શ્યામલીનો પ્રસ્તાવ મુકયો છે એ.. જુવાનસંગ બધું વિચારતો વિચારતો આગળ વધે છે કે એક બુઝુર્ગ જુવાનસંગની સામે વટથી ઊભો રહે છે ને એ બુઢીયો જુવાનસંગને પડકારે છે કે 'હું એક સાક્ષી છું તારી કાળી કરતૂતોનો.. ક્યાં સુધી આમ ચાલશે ???
જા, તને પણ કુદરત આ ભુમિમાં લોહીયાળ મોત દે એવી ઊપરવાળાને પ્રાર્થના...'

જુવાનસંગ ઈશારાથી એ બુઢિયાને કારાવાસમાં કેદ કરવાનું કહે છે.. એ બુઢિયો વીરસંગનો મામા હતો. એ એના ભાણેજ તેમ જ બહેન પાસેથી છીનવાયેલુ માન સમ્માન પાછું અપાવવા જુવાનસંગનો વિરોધ કરે છે પરંતુ એ સફળ થતો નથી. જુવાનસંગના માણસો એને સરાજાહેર રસ્તા પર ઢસડીને લઈ જઈ કેદ કરે છે. ત્યાં મોટાભાગના માણસો આ દ્રશ્ય જુએ છે પરંતુ, અવાજ ઊંચો કરવાનું સાહસ કોઈનામાં ન હતું. એ લાચાર વ્યક્તિએ જયારથી એની બહેન વિધવા બની ત્યારથી વિરોધ ચાલુ રાખ્યો હતો પરંતુ, લાચાર ,ગરીબ અને વિધવાઓનો સહારો કોઈ જ ન હતું.

આ બાજુ શ્યામલીનો બાપ પણ વિચારે ચડયો છે કે એવડા મોટા ઘરમાં શ્યામલીનું સગપણ કરવું ઠીક રહેશે કે નહીં ?? ચંદા અને શ્યામલીની ખુશી જોઈને એ પોતે આ પ્રસ્તાવ સ્વીકારે છે.. ચંદાને થોડો ખચકાટ થાય છે મનમાં પરંતુ, શ્યામલીના સપના મુજબનું ઘર અને વરણાગી વર એવો વીરસંગ એને પણ પ્રભાવિત કરી ગયો. શ્યામલી તો વીરસંગમાં એવી ખોવાણી કે પોતાના ઘરમાં પણ ભૂલી પડેલી હોય એવી લાગતી. એને દરેક સમયે પાઘડીયાળો, મૂંછાળો અને હસતા ચહેરાવાળો વીરસંગ બધી જગ્યાએ દેખાતો. એણે તો મનોમન વીરસંગ સાથે બંધનમાં બંધાઈ જન્મોજન્મના વચનો નિભાવવાની કસમો પણ ખાઈ લીધી હતી.

શ્યામલીની આવી પ્રિતની વાતો સખીઓથી ક્યાં સુધી છુપી રહેવાની. તેણીનું રૂપ, અલબેલી ઉંમર, સખીઓનો સાથવાળું ગમતીલું ટોળું હોય ત્યાં વીરસંગની હાજરી હર એક વાતમાં હોવાની જ. આજની રાત તો બેય પક્ષે ભારી પડી. ચંદ્રની શિતળ છાંયા પણ બેયના હૈયાને દઝવતી હોય એમ બન્ને સારસબેલડી પથારીમાં પડખાં ફેરવતા રહ્યાં. બેયના એક જ વિચાર અને વિરહની તડપની કથની તો એ જ કહી શકે..

શ્યામલી :

રાત અંધારી નથી પણ આંખે આ શેનો અંધાપો..
તારા સિવાય ન કોઈ હ્રદયમાં, નથી રહ્યો કોઈ સાથે નાતો..

વીરસંગ :
ઉપર ઊડુ કે જમીને બેસુ તુ જ સિવાય કોઈ ન સમજતું..
ક્યારે મળશે એવી રાતો કે કરું હું તને બધી વાતો..

આ ઘટના તો હવે રોજની હતી.. મનોમંથનમાં સૂરજ કયારે ઊગે અને આથમે એ આ પ્રેમીપંખીડા ક્યાં જાણતા. એમની દુનિયા તો એમનું પોતાનું શમણું જ હતું. કદાચ આ ઉંમરમાં આ થવું એ સામાન્ય હશે પણ આ સારસબેલડીને તો એની મુલાકાત, વીરસંગનું આમંત્રણ આપવા આવવું અને ફરી એકવાર એકબીજાને મળવું એ ભગવાનનો અસામાન્ય સંકેત જેવું લાગી રહ્યું હતું.

હવે એ મંદિરના ભુમિપુજનની ઘડીઓ ગણાય છે ત્યાં શ્યામલી અને વીરસંગને એકબીજાને જોવાની, મળવાની અને લગ્નગાંઠે બંધાવાની ઝંખના જાગી છે..કયારે સવાર પડે ને કયારે વીરસંગને ગામ સખીઓ સાથે જાવ એ જ હૈયાડોકામાં શ્યામલી અધીરી બની છે. વીરસંગ પણ પોતાને અનુભવાતી લાગણીઓથી ઘાયલ હતો. એ પણ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ કરવાની સાથે સાથે આંખ અને હૈયાને પણ દિલાસો આપતો કે 'હવે એ ઘડી દૂર નથી જ્યારે એની પ્રિયતમાનું આગમન થશે.' એના માટે પણ એક એક ઘડીઓ વિતાવવી અઘરી જ હતી. એને તો અગત્યના કામકાજની જવાબદારીઓના પણ ઢગલા સોંપાયા હતા.

આખર એ ટાણું આવી જ પહોંચ્યું. વીરસંગ પણ આંટીયાળી લીલી પાઘડી, કેડીયું ને ચોરણી તેમજ મોજડી પહેરી કલૈયાકુંવરની જેમ સજીને સમારંભના સ્થળે પહોંચે છે.આ બાજુ શ્યામલી પણ મેળામાંથી લીધેલા નવા ઘાઘરાને કમખાની સાથે આભલિયાળી ઓઢણી ઓઢી સાથે કાજળઘેરી આંખે જોવે છે કે હવે ફકત હાથમાં મહેંદીની જ કમી છે.

આ બાજુ પુજાવિધી ચાલું થાય છે. જાણે કિડીયારૂં ઉભરાયું હોય એવો જનસમૂહ દેખાય છે. મંગળ શ્ર્લોક સાથે ભકિતમય ભજનનો પણ મધુરો પ્રવાહ વહેવા લાગે છે..ઢોલ, તાસક અને મંજીરાના નાદે વાતાવરણ પ્રભુમય થઈ ગયું છે..
ગામની સધવાઓ રાસડે રમે છે અને બાકીની વિધવાઓ.......
......................................................


------------------ ક્રમશઃ ---------------------

લેખક : શિતલ માલાણી
૩૦/૯/૨૦૨૦
બુધવાર