કાવ્યા રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કરીને ઘરે આવી ગઈ હતી. વિધિ કરવામાં તે ઘાયલ થઈ હોવાથી તે હોસ્પિટલ જઈને ઈલાજ કરાવીને ઘરે જઈને સીધી સૂઈ જ ગઈ હતી. તેના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન તેને સુવડાવી પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા.
બીજા દિવસે સવારના દસ વાગી ગયા હોવા છતાં કાવ્યા હજુ સુતી હતી. કવિતાબેન હાઈસ્કુલ માં ટીચર હતાં આથી તે વહેલી સવારે જ સ્કૂલ ચાલ્યા ગયા હતા. રસીલાબેન પણ વહેલાં ઊઠી પૂજા કરીને ચા નાસ્તો બનાવવા ગયા. પોતે ચા પીને પછી કાવ્યાને જગાડવા માટે તેના રૂમમાં ગયા.
"કાવ્યા, ઉઠો બેટા જુઓ દસ વાગી ગયા છે. ચાલો ઉઠો.." રસીલાબેન જાણે પોતાની દીકરીને જગાડતા હોય એમ લાડથી બોલી રહ્યા હતા.
"અમન, સુવા દે ને મને. તું દરરોજ આમ જ કરે છે, મને હેરાન કરવામાં તને શું મજા આવે છે, સુવા દે મને.." કાવ્યા નીંદરમાં બોલી રહી હતી. રસીલાબેન હસવા લાગ્યા અને કાવ્યાને સૂતી છોડીને બહાર આવી ગયા અને મેગેઝીન પડી હતી તે વાંચવા લાગ્યા.
વાંચવામાં જ એક કલાક વીતી ગઈ અને કાવ્યા આળસ મરડતી પોતાના રૂમમાંથી બહાર આવી અને સીધી રસીલાબેન પાસે આવીને બેસી ગઈ અને બોલી, "મમ્મી, કેટલું મોડું થઈ ગયું ઉઠવામાં, તમે મને જગાડી કેમ નહીં?"
"જગાડવા જ આવી હતી તને, પણ તું તો અમનના સપનામાં ખોવાયેલી હતી આથી તને જગાડ્યા વગર જ બહાર આવી ગઈ." રસીલાબેન હસતાં હસતાં બોલ્યા.
કાવ્યા આ સાંભળી શરમાઈ ગઈ અને હાથ વડે પોતાનો ચહેરો છુપાવવા લાગી. રસીલાબેન આ જોઈ વધુ હસવા લાગ્યા અને કાવ્યા દોડીને પોતાના રૂમમાં જતી રહી અને નાહી ધોઈને બહાર આવી અને પછી બંનેએ ચા નાસ્તો કર્યો.
બંને સાસુ વહુએ વાતોના વડા કરતાં કરતાં બપોરનું જમવાનું પણ બનાવી લીધું. એક વાગ્યે કવિતાબેન ઘરે આવ્યા અને બધાંએ ભરપેટ ભોજન લીધું અને હોલમાં જ બેસી એલસીડી ટીવી પર કોમેડી ફિલ્મ જોવા લાગ્યા અને વચ્ચે વચ્ચે હસી મજાક કરતાં રહ્યાં.
પડછાયારૂપી વાવાઝોડું પોતાના જીવનમાંથી દુર જતું રહ્યું છે એ વિચારથી જ બધાં ખુશ હતાં. બીજી તરફ નયનતારા પણ પોતાના માલિકને પરત મેળવીને ખુશ જણાઈ રહી હતી.
"મારા માલિક, તમને પાછા મેળવવા માટે મેં શું નથી કર્યું, જંગલમાં જઈને ખુંખાર જંગલી પ્રાણીઓને મારીને તેમના હ્રદય લાવી. કાવ્યાને વિશ્વાસ અપાવ્યો કે રોકીની આત્માને મુક્તિ માટેની વિધિ કરવામાં મદદ કરીશ પણ મેં કર્યું તો એ જ છે આપણે કરવા ઈચ્છતા હતા. તમારું રોકીના રૂપમાં ત્યાં આવવું અને એવો દેખાવ કરવો કે રોકીને મૂક્તિ મળી ગઈ છે, પેલા લોકો તો આપણે કરેલા નાટકને સાચું જ માની ગયા." નયનતારા શહેરથી દૂર જંગલ જેવા વિસ્તારમાં રહેલા પોતાના ઘરમાં બેઠી એકલી એકલી બબડી રહી હતી અને ખતરનાક રીતે હસી રહી હતી. તેની સામે એક કાળા રંગની શૈતાનની મૂર્તિ હતી જેની સામે બેસીને એ બોલી રહી હતી.
"મારા માલિક, પેલાં વિવિધ પ્રાણીઓના હ્રદયના લીધે હવે તમે ઘણાં શક્તિશાળી બની જશો. કોઈ તમને હવે રોકી નહીં શકે, કોઈ નહીં." નયનતારા અટ્ટહાસ્ય કરીને બોલી અને શૈતાનની મૂર્તિની આંખો લાલ રંગની ચમકવા લાગી.
આ વાતથી અજાણ કાવ્યા અને તેના મમ્મી અને સાસુ બધા ખુશખુશાલ હતાં. સાંજ પડતાં જ કાવ્યા ચાનો કપ લઈને ઘરના આંગણામાં રાખેલા હીંચકા પર બેસીને પોતાના મોબાઈલમાં ટાઈમ પાસ કરી રહી હતી. ત્યાં જ તેની પાછળ ઝાડીઓમાં અચાનક કંઈક સળવળાટ થયો. તે ઝાટકો મારીને પાછળ ફરીને જોવાં લાગી પણ ત્યાં કશું જ ન દેખાયું. આથી તે આગળ ફરી ગઈ પણ તેનું હ્રદય જોરજોરથી ધડકી રહ્યું હતું.
તેણે ઊંડો શ્વાસ લીધો અને ધબકારાને નિયંત્રિત કર્યા અને ફરી પાછી પોતાના મોબાઈલમાં જોવા લાગી. પાંચ મિનિટ વીતી ગઈ અને ફરી પાછો પાછળથી અવાજ આવ્યો, "કાવ્યા...." એવો જ અવાજ જે કાવ્યા પહેલાં પણ કેટલીય વખત સાંભળી ચુકી હતી.
કાવ્યાએ પાછળ ફરીને જોયું અને ચીસો પાડવા લાગી. તેની ચીસો સાંભળીને કવિતાબેન અને રસીલાબેન ત્યાં દોડી આવ્યા.
********
વધુ આવતા અંકે
નયનતારાએ આ કઈ વિધિ કરી છે અને રોકીને તો મૂક્તિ મળી જ નથી તો શું કાવ્યા પાસે જે આવ્યું એ રોકી જ છે કે પછી બીજું કોઈ કે પછી કાવ્યાનું નસીબ તેને કોઈ નવી જ મુસિબત તરફ લઈ જઈ રહ્યું છે આ જાણવા માટે વાંચતા રહો આ દિલધડક સસ્પેન્સ હોરર નોવેલનો આગલો ભાગ