Amasno andhkar - 7 in Gujarati Adventure Stories by શિતલ માલાણી books and stories PDF | અમાસનો અંધકાર - 7

Featured Books
Categories
Share

અમાસનો અંધકાર - 7

વીરસંગના ગામના મંદિરનું ભૂમિ પુજનનું ટાણું નજીક આવી ગયું છે. શ્યામલી પણ સજીધજીને પહોંચે છે..ભીડ ઊભરાય છે. ગાયન, સંગીત અને રાસની રમઝટ બોલી રહી છે...હવે આગળ....

રાસડાની રમઝટે યૌવન હિલોળે ચડ્યું છે અને નાના-મોટા સહુ આનંદમય છે. આ બાજુ વિધવાઓને તો ખાલી એ બધા આનંદનો અવાજ જ સંભળાય છે. મનમાં પીસાતા દર્દના ઘંટુલીયે લાગણીઓ પીસાય છે અને એ લાગણીઓ અમુક ચહેરે શ્રાપ બનીને ઓકાય છે તો ક્યાંક વિરહની વેદના પ્રકટે છે. ક્યાંક તો નસીબનો દોષ મંડાયો છે તો કોઈએ આજ ભગવાનના અન્યાયની વાતો ચાલું કરી છે...અંતે બધી જ વિધવાઓ આજ ખુલ્લા મનથી જુવાનસંગની ક્રુરતાને પડકાર આપવા રણચંડી બનવા પણ તૈયાર છે..

વીરસંગની માતા પણ એમાં સાથે છે. એ પણ પોતાની હાથની હથેળીમાં કઈ રેખા કાળી છે એ જોવા પોતાના હાથને ઘસીને ઘસીને કિસ્મત બદલવા ભગવાનને કાકલૂદી કરે છે. એનો જુવાનિયો આજ કુમળી કળીને મળવાનો છે એ વાતની ખુશી એના અંતરના મનમાં દબાવી એ પણ એના જેવી વિધવાઓ સાથે ઊપર આભને નીચે ધરતી એ સ્થિતિમાં જે માર્ગ આપે એમાં સમાઈ જવું જોઈએ એવા રૂદનનાં છાજિયાં લે છે...

આ બધાનો અવાજ મંદિરના ધમધમતા માનવમહેરામણ અને સંગીતના સૂરમાં દબાઈ જાય છે..વીરસંગને દસેક વાર એવું થાય છે કે જુવાનસંગને પૂછી માવલડીને આ સમારોહમાં હાજર કરૂં. એ પણ જાણતો જ હતો જુવાનસંગની નિતી એટલે પ્રભુને કેદી બનેલી તમામ માતા અને મહિલાઓને જલ્દી છુટકારો મળે એવી પરમેશ્વરને પ્રાર્થના કરે છે...

હવનનો ધુમાડો આભને અડે છે અને જુવાનસંગની પ્રતિષ્ઠા પણ..એની બેય પત્નીઓ પણ સાથે જ હોય છે. એ પણ આજ ભેદભાવ ભૂલીને પોતાને ભાગ્યશાળી ગણે છે. સોનાના અને અભિમાનના ભારથી લદાયેલી બેય આજ બહું ઝગારા મારી રહી હતી.. છેલ્લી આહુતિ સાથે વિધી સમાપ્ત થાય છે. વીરસંગ સતત જુવાનસંગની હાજરીમાં જ હોય છે પણ આંખો તો બીજાં કોઈને જ શોધે છે.

શ્યામલી તો રાસ રમી હવે પૂજા કરવા માટે મંડપમાં પ્રવેશે છે. એની તીરછી નજર પણ વીરસંગને જ શોધે છે. ખિલખિલાટ કરતા ચહેરા પર નિર્દોષ હાસ્ય છલકે છે અને ત્યાં જ એની સખીનો હળવો ઠોંસો એને નજર ફેરવવા ઈશારો કરે છે. ત્યાં તો સામે યશોદાનો કાનુડો સમો વીરસંગ એક આગવી છટાથી ઊભો હોય છે. એકબીજાને મળવાની ને શોધવાની વેળા અહિં જ ભેગી થાય છે. બેય મૌન શબ્દે વાતો કરે છે. આજ શ્યામલીની ચંચળતા અદ્રશ્ય થઈ ગઈ છે..

જમણવારમાં પણ સુંદર આયોજન હોય છે. એની દેખરેખ આજ ચતુરદાઢી કરે છે. આજ એનો રૂઆબ મહામંત્રી જેવો લાગે છે. એ જેવી શ્યામલીને જોવે છે કે જુવાનસંગ પાસે પહોંચી શ્યામલીને એક નજર જોવા ઈશારો કરે છે. જુવાનસંગ એ અપ્સરાને જોઈ કટાક્ષમાં જ બોલે છે કે " કબૂતરી એના ઝાડવે કેટલા દિ મ્હાલશે..એક દા'ડે જુવાનસંગને પાંજરે જરૂર પૂરાશે જ.. ત્યારે એ કપાયેલી પાંખોવાળી કબૂતરીનો ફફડાટ મારે હૈયે ટાઢક દેશે...."

ત્યાં જ નાનાગઢનો સરપંચ કાળુભા પોતાના ગામ તરફથી રાધા કૃષ્ણની પ્રતિમા જુવાનસંગના હાથમાં ભેટ ધરે છે. ત્યાં જ વીરસંગ પણ પહોંચે છે. એમની ઓળખાણ અને પોતાના સગપણની વાત કરવા વીરસંગ એમની કાકીઓ એટલે જુવાનસંગની પત્નીને કહે છે. આ વાત જુવાનસંગ પણ જાણે જ છે અને એ પણ એની પત્નીની સાથે નાટકીય અંદાજે બે‌ હાથ જોડી વીરસંગ માટે શ્યામલીનો હાથ માંગે છે..

એ નાની કક્ષાનો માણસ ભાવવિભોર થાય છે અને જુવાનસંગને પગે પડે છે પણ કપટી જમીનદાર એને ભેટીને ભરોસો જીતવાનો પ્રયાસ કરે છે. એટલા ગામની પ્રજા અને આગેવાનોની વચ્ચે વીરસંગનુ ઘડીભરમાં સગપણ રચાય છે.
એક ધાર્મિક પ્રસંગ હવે સગપણના પ્રસંગમાં પલટાઈ જાય છે....પણ એક કમી વર્તાય છે વીરસંગને.....................


----------------- ( ક્રમશઃ) ---------------

લેખક : શિતલ માલાણી

૬-૧૦-૨૦૨૦

મંગળવાર..