પ્રણયભંગ ભાગ – 17
લેખક - મેર મેહુલ
ચોમાસાનો પહેલો વરસાદ આ વર્ષે રાત્રે વરસ્યો હતો.સવારે ભીંની માટીની સુગંધ વાતાવરણને ખુશનુમા બનાવી ગઈ હતી. સૌ કોઈ આ વાતવરણનો આનંદ માણી રહ્યું હતું પણ અખિલ જ એક એવો વ્યક્તિ હતો જે ખુશ નહોતો.
એક તરફ એ સિયાની સાથે રહેવા જવાનો એ વાતથી ખુશ હતો તો બીજી તરફ ચિરાગનાં અણધાર્યા આગમનને કારણે એ દુઃખી હતો. સવારે સિયાને મળ્યાં વિના એ ઑફિસે ચાલ્યો ગયો હતો. તેણે સિયાને મૅસેજ કરી સાંજ સુધીમાં ઘર ખાલી કરી આપશે એવો મૅસેજ કરી દીધો હતો.
અખિલ માટે હવે જોબનું આ છેલ્લું અઠવાડિયું હતું, એ પછી અખિલ એક મહિના માટે લિવ લઈ રહ્યો હતો. તેની જોબ સુરક્ષિત નથી એ અખિલ જાણતો હતો પણ પોતાનાં ભવિષ્ય માટે અખિલ આવી હજારો જોબ કુરબાન કરવા તૈયાર હતો.
“હું એક મહિનાની લિવ લઉં છું” અખિલે કહ્યું.નિયતી અને અખિલ બંને લંચ માટે મળ્યાં હતાં. અખિલે નિયતીની મદદ કરી એનાં બદલામાં આજે નિયતી અખિલને લંચ માટે લઈ આવી હતી.
“એ લોકો બીજાં કોઈને હાયર કરી લેશે” નિયતીએ ઉદાસ થતાં કહ્યું.
“ખબર છે મને, પણ મારી પાસે બીજો કોઈ ઑપ્શન નથી”
“મને નહિ મજા આવે યાર” નિયતીએ કહ્યું, “અહીં તારાં સિવાય મારો કોઈ ફ્રેન્ડ નથી”
“હું જોબ છોડીશ, તને નહિ”અખિલે હળવું હસીને કહ્યું, “આપણે દોસ્ત છીએ અને રહેશું”
“તો પણ આપણે રોજ મળીએ એવી રીતે નહીં મળી શકીએને ?”
“એ તો છે પણ તારે મળવું હોય ત્યારે કૉલ કરજે, હું આવી જઈશ” અખિલે કહ્યું.
“સારું” નિયતીએ કહ્યું, “અને મને મદદ કરવા માટે થેન્ક્સ”
“એમાં શું, મેં તો મારી ફરજ બજાવી”અખિલે કહ્યું, “અને આમ પણ બીજાને મદદ કરવામાં આપણું નુકસાન ન થતું હોય તો કોઈ પણ વિચાર કર્યા વિના આગળ વધી જવું જોઈએ”
નિયતી અખિલ સામે એકીટશે જોઈ રહી, પછી હળવું સ્મિત કરીને પૂછ્યું, “તારી કોઈ ગર્લફ્રેન્ડ છે ?”
નિયતીના સવાલથી અખિલ વિચારમાં પડી ગયો. તેણે સિયા વિશે નિયતીને નહોતું જણાવ્યું અને હવે એનાં વિશે જણાવે તો એ ખોટો પડે એટલે અખિલ ખોટું બોલ્યો, “ના, કેમ ?”
“તારાં જેવો છોકરો મળે એ છોકરી ખુશનસીબ હશે” નિયતીએ ધીમેથી કહ્યું.
“એવું કશું નથી. જો એકબીજાને સમજીએ, એડજસ્ટમેન્ટ કરીએ તો બધાં એકબીજા માટે પરફેક્ટ જ હોય છે”
નિયતીએ બિલ પૅ કર્યું, બંને રેસ્ટોરન્ટની બહાર આવ્યા.
“ક્યાં દિવસ સુધી આવવાનો છે તું ?” નિયતીએ પુછ્યું.
અખિલે બાઇક સ્ટેન્ડ પરથી ઉતારીને બાઇક પર સવાર થતાં કહ્યું, “કદાચ આ શનિવાર સુધી”
“શનિવારે બપોર પછી આપણે બંને ફરવા જશું” નિયતીએ બાઇક પર બેસતાં કહ્યું.
“વિચારીએ” કહેતાં અખિલે બાઇક હંકારી લીધું.
*
“આ શનિવારે શું કરે છે તું ?” ચિરાગે સિયાને પુછ્યું. સાંજનું જમવાનું પતાવી ત્રણેય સોફા પર બેસીને વાતો કરતાં હતાં. વાતો તો ચિરાગ અને સિયા વચ્ચે જ થતી હતી, અખિલ છેલ્લી અડધી કલાકથી મૌન ધારણ કરીને બધું સાંભળતો હતો.
“હજી તો કોઈ પ્લાન નથી, કેમ શું છે શનિવારે ?” સિયાએ પુછ્યું.
“હું થોડી શોપિંગ કરવાનું વિચારતો હતો, એ બહાને સીટી પણ જોઈ લઈશ” ચિરાગે મૃદુ સ્વરે કહ્યું.
“નાઇસ” સિયાએ કહ્યું, “આપણે ત્રણેય સાથે જશું, હું પણ હજી એક-બે વાર જ માર્કેટમાં ગઈ છું”
“હું ફ્રી નથી” અખિલે ઉતાવળાથી કહ્યું, “મતલબ મારે આ શનિવારે છેલ્લો દિવસ છે તો હું ફ્રી નથી. તમે લોકો જઈ આવો”
“એમ ના મજા આવે” સિયાએ અખિલ સામે ઘુરકીને જોયું, “સાથે જઈએ તો વધુ મજા આવે”
“હું આવી શકું એમ નથી” અખિલે ઘસીને ના પાડી, “નહીંતર હું જરૂર આવેત”
“એ કામમાં વ્યસ્ત છે તો રહેવા દે ને સિયા, આપણે બંને જઈ આવશું” ચિરાગે કહ્યું. સિયાએ પરાણે ડોકું ધુણાવ્યું. અખિલ જાણીજોઈને સાથે નથી આવતો એ સિયા જાણતી હતી.
“આપણી મુલાકાત શોપિંગ કરતાં જ થઈ હતી યાદ છે ?” ચિરાગે જૂની વાતો ઉખેળી. આ તરફ અખિલનાં ચહેરાનો રંગ બદલાય રહ્યો હતો.
“કેવી રીતે ભૂલું એ દિવસ” સિયાએ હસીને કહ્યું, “તમે લોકો બધી જ જગ્યાએ અમારો પીછો કરતાં રહેતાં”
“ઓ હેલ્લો” ચિરાગે હાથનો પંજો ઊંચો કર્યો, “હું કોઈનો પીછો ના કરતો,એ દિવસે એક્સિડન્ટલી આપણે ટકરાઈ ગયાં હતાં”
“તું કેવી રીતે કોઈનો પીછો કરે, તું તો બધી છોકરીઓનો ક્રશ હતો” સિયાએ હસીને કહ્યું.
“તને એક વાત નહિ ખબર હોય” ચિરાગે કહ્યું, “બધાં છોકરાનો ક્રશ તું હતી અને મારો પણ”
“ઓહ માય ગોડ, સાંભળે છે અખિલ, “કોલેજનો મોસ્ટ હેન્ડસમ છોકરો એમ કહે છે કે હું એનો ક્રશ હતી” સિયાએ અખિલ તરફ જોયું, અખિલનું ધ્યાન મોબાઈલમાં હતું.
“એ સમયે ઓલરેડી તું રિલેશનમાં હતી નહીંતર તને પ્રપોઝ કરવા લાઇન લાગી હોત” ચિરાગે હસીને કહ્યું.
અખિલે મોબાઇલમાંથી ડોકિયું ઊંચું કર્યું, તેને સિયા અને ચિરાગની વાતોથી ઈર્ષ્યા થવા લાગી હતી.
“છોડને એ વાત” સિયાએ વાત બદલતાં કહ્યું, “તે કેમ હજી સુધી લગ્ન નથી કર્યા ?”
“ડીગ્રી મેળવવામાં બધું જ ભૂલી ગયો હતો” ચિરાગે કહ્યું, “હવે એક-બે વર્ષમાં લગ્ન કરી લેવાનો વિચાર છે”
“હું વાંચવા જઉં છું” અખિલ ઉભો થયો. તેની સહનશક્તિ લગભગ ચરમસીમાએ આવી ગઈ હતી.
“હું પણ નીકળું હવે” ચિરાગે ઘડિયાળમાં નજર કરીને કહ્યું.
“સારું, સવારે નાસ્તો કરવા વહેલો આવી જજે” સિયાએ કહ્યું.
“ગુડ નાઈટ” ચિરાગે ઊભાં થતાં કહ્યું.
સિયાએ ચિરાગનું અભિવાદન કર્યું એટલે ચિરાગ જતો રહ્યો.અખિલ અને સિયા બંને સામસામે ઊભાં હતાં.
“શું કરતો હતો તું ?” સિયાએ ખિજાઈ.
“શું કર્યું મેં ?”
“સામે કોઈ વાતો કરતું હોય ત્યારે મોબાઈલમાં વ્યસ્ત રહેવું ક્યાંની સભ્યતાં થઈ ?”
“હું મારું કામ કરતો હતો” અખિલે કહ્યું, “અને હું હાજર હતો-નહોતો, તમને ક્યાં કંઈ ફર્ક પડ્યો હતો ?”
“અખિલ તું બદલાઈ રહ્યો છે” સિયાએ કહ્યું.
“હું બદલાઈ રહ્યો છું ?, તારી નજર સામે હતો તો પણ હું તારી ફ્રેમમાં નહોતો. શું મારાં કરતાં એ વધુ ઈમ્પોર્ટન્ટ છે તારાં માટે ?”
“અરે યાર, એ હજી મહેમાન છે. જ્યાં સુધી એ કમ્ફર્ટેબલ ફિલ ના કરે ત્યાં સુધી તેને સાચવવો તો જોઈએને?”
“સારું તું સાચવ તારાં મહેમાનને, હું વાંચવા જઉં છું” અખિલે કહ્યું અને રૂમ તરફ ચાલ્યો.સિયા તેની પાછળ દોડી, પાછળથી અખિલને હગ કરી લીધો.
“તું પઝેસિવ બને છે બકા” સિયાએ હસીને કહ્યું.અખિલે જવાબ ના આપ્યો, સિયાનાં હાથને દૂર કરી એ રૂમમાં ચાલ્યો ગયો. સિયા ફરી તેની પાછળ દોડી.
“શું છે ?” અખિલ ગુસ્સામાં બોલ્યો.
“તું ગુસ્સામાં ક્યૂટ લાગે છે” સિયાએ સ્માઈલ કરતાં કહ્યું.
“વાંચવા દઈશ મને ?” અખિલે કહ્યું.
“પહેલાં એક સિગરેટ..”
“મૂડ નથી…”
“કિસ.. ?”
“કહ્યુંને મૂડ નથી” અખિલે કહ્યું.
“તો પછી….” સિયાએ અખિલ સામે આંખ મારી.
“તું છે ને…”
“ચાલાક છું, મને ખબર છે”
સિયા હસવા લાગી. અખિલ તેની નજીક ગયો. સિયાનાં વાળમાંથી રીબીન હટાવી અખિલે સિયાનાં વાળ ખુલ્લાં કરી દીધાં, પછી સિયાની કમર ફરતે હાથ વીંટાળી તેને પોતાનાં તરફ ખેંચી.
સિયાએ ધીમેથી અખિલનાં હોઠ પર પોતાનાં હાથ રાખી દીધાં અને બંને ફરી એકબીજાને તૃપ્ત કરવાની હરીફાઈ લાગી ગયાં.
બંનેના સંબંધ મંજિલ વિનાની દિશામાં આગળ વધી રહ્યાં હતાં. આગળ શું થશે એની ચિંતા કર્યા વિના બંને એકબીજાની નજીક આવતાં હતાં. દિવસેને દિવસે બંનેના સંબંધમાં નવી કૂંપળો ફૂટી રહી હતી, જેમાં વધારાની ડાળી તરીકે ચિરાગ અને નિયતી જોડાય ગયાં હતાં.
અતિને ગતિ નથી હોતી. જ્યારે માણસ એક જ દિશામાં કોઈપણ અડચણ વિના આગળ વધતો જાય છે ત્યારે આગળ સ્પીડ બ્રેકર નથી આવતો, ત્યાં સીધો રસ્તાનો અંત આવે છે જ્યાંથી યુ ટર્ન નથી લઈ શકાતો.
સિયા અને અખિલનાં સંબંધો પણ અડચણ વિના આગળ વધતાં જતાં હતાં. જેને કોઈ અટકાવવાળું નહોતું, કોઈ યોગ્ય દિશા ચીંધનાર નહોતું.હતો તો માત્ર સિયા અને અખિલનો પ્રેમ.
આગળ જતાં આ દિશા વિહીન સંબંધમાં સ્પીડ બ્રેકર આવશે કે સંબંધનો અંત થશે એ બંનેમાંથી કોઈ નહોતું જાણતું અને આમ પણ માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે તેનું મગજ વિચારવાનું બંધ કરી દેતું હોય છે.
( ક્રમશઃ )