નવરાત્રી નિમિત્તે કેટલાક ઓછા જાણીતા, કેટલાક ફેરફાર વાળી પંક્તિઓ સાથે ગવાતા અને કેટલાક અલભ્ય ગરબાઓ અત્રે મુકેલ છે.
1. આજ રે સપનામાં..
આજ રે સપનામાં મેં તો ...
આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો જટાળા જોગી દીઠા જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે
ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે
લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે
જટાળો જોગી ઈ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે
પારસ પીપળો ઈ તો અમારો ગોર જો તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે
..
***
2.ઉગમણે આંગણે રહેતી રન્નાદે
ઉગમણે આંગણે રહેતી રન્નાદે
દહાડી દહાડી દર્શનિયા દે
અંબે અંબે આનંદે.
પુત્રને પારણા દેતી રન્નાદે વેલી ને વંશવૃધ્ધિ દે
અંબે અંબે આનંદે.
પાતક ને પાતવે સાચકને સાચવે સાચું સ્મરણ સુખ દે અંબે અંબે આનંદે
ભક્તિ જ્યાં ભાવની મસ્તી ધૂન ધ્યાનની
માગ્યા મુક્તાફળ મા દે
અંબે અંબે આનંદે.
વાણીમાં વિદ્વતા પોતાની પુણ્યતા
બાળકને બુદ્ધિ બળ દે..
અંબે અંબે આનંદે.
સુતાને સાચવે, જાગ્યાને જાળવે
ધન ધાન્ય ધન્ય સુખ દે
અંબે અંબે આનંદે.
***
3.માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!
ક્યાં છે મારા અંબા મા ના ગોરી
આંખલડે અમી ઝરે રે લોલ!
ક્યાં છે મારા બહુચર મા નાં ગોરી
મુખલડે મોતી ઝરે રે લોલ.
ક્યાં છે મારા દુર્ગા મા ના ગોરી
હાથલડે હીરા જડ્યા રે લોલ!
ક્યાં છે મારે રાંદલ મા ના ગોરી
પગલડે પદમ જડ્યા રે લોલ!
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ!
રાધાગોરી, ગરબે રમવા હાલો
સાહેલી સહુ ટોળે વળી રે લોલ!
(અહીં માતાજી ના નામ ને બદલે ગાતી સ્ત્રીઓ ના પતિ નાં નામ પણ ગવાય છે)
***
4. તારી મોરલીને મૂંગી રાખ રે,
તારી મોરલીને મૂંગી રાખ રે,
રાધા કે' નંદના છેલ
કે તું મારો મોરલોને હું તારી ઢેલ
કે તું મારો મોરલો ને હું તારી ઢેલ.
હેજી માજમ રાતને માંડવે
તારી વેરણ વેણુ વાય..
હેજી સપના નું તારું આવવું રે
આવી આવી ને જાય.
એલા છેલ રે છોગાળા તું તો મેલ રે
રાધા કે' નંદના ઓ છેલ
કે તું મારો મોરલો ને હું તારી ઢેલ
કે તું મારો મોરલો ને હું તારી ઢેલ.
***
5. હું તો નિત નિત જોતી વાટ
હું તો નિત નિત જોતી વાટ
મારા બાલકડાંને કાજે.
મારાં બાલકડાં ને કાજે
મારાં લાડકડાં ને કાજે.
મારા નિત્ય ઉઘાડાં દ્વાર મારા બાલુડા ને કાજે.
મારા ખુલ્લા છે દરબાર, મારાં બાળકડાં ને કાજે
મારાં બાલકડાં ને કાજે,
મારા લાડકડા ને કાજે ,
હું તો નિત નિત જોતી વાટ..
કોઈ મા મા કરતા આવે
કોઈ અંબા ધૂન મચાવે ,
પ્રેમે દિલ મારું ઉભરાય , મારા બાલકડાં ને કાજે.
કોઈ ભાવે પુષ્પો લાવે
કોઈ પ્રેમ પ્રદીપ પ્રગટાવે ,
મારું હૃદય ત્યાં દોડી જાય મારા બાલૂડાંને કાજે.
કોઈ ટળવળતાં મુજ માટે કોઈ રોતાં હૈયા ફાટે ,
નહિ નહિ એ જોઈ શકાય , મારા ..............
કલ્યાણ દયા મા તારાં,
મને લાગી તારી માયા
કદી બંધ રહે ના એ દ્વાર,
મારા બાલુડાંને કાજે.
હું તો નિત નિત જોતી વાટ
મારાં બાલુડાં ને કાજે.
***
6. આકાશેથી ઉતર્યાં રે ભોળી ભવાની મા
આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની મા.
ઊતર્યા એવા નોતર્યા રે, ભોળી ભવાની મા.
ઊતર્યા ભાઈને ઓરડે રે, ભોળી ભવાની મા.
બેઠાં ઊંચા બારણે રે, ભોળી ભવાની મા.
ખીર ખાંડ ને રોટલી રે, ભોળી ભવાની મા.
મીઠી મજાની પુરણ પોળી રે, ભોળી ભવાની મા.
ઉપર પાપડનો કટકો રે, ભોળી ભવાની મા.
એવો વહુનો લટકો રે, ભોળી ભવાની મા.
ચોખલિયા ખાંડીને થાકી રે, ભોળી ભવાની મા.
કેડ વળીને થઈ ગઈ વાંકી રે, ભોળી ભવાની મા.
જેવા મેંણા ભાઈ ઘેર ભાંગ્યા રે, ભોળી ભવાની મા.
તેવા મેણાં સહુના ભાંગજો રે, ભોળી ભવાની મા.
જેવો પુત્તર ભાઈ ઘેર દીધો રે, ભોળી ભવાની મા.
તેવો પુત્તર સહુને દેજો રે, ભોળી ભવાની મા.
***
7. અલી પાંદડી આવજે ના વેલી
અલી પાંદડી આવજે ના’વેલી
મારું ઘુમટે ઘેરાઈ જાય રે
મુખડું અલબેલું
અલી વીજળી આવજે ના’વેલી
મારી થર થર કાંપે કાયરે
પાંદડીમાં પોઢેલી
અલી વાદળી આવજે ના’વેલી
મારી ઝટપટ ધોવાઈ જાય રે
પાનીઓ રંગેલી
અલી માલણ આવજે ના’વેલી
મારી નીંદર નાસી જાય રે
અધવચ્ચ આવેલી
*****
સંકલન- સુનીલ અંજારીયા