આગળ આપણે ઋષિકેશ વિશે જાણ્યું.
હવે આગળ.....
ઋષિકેશથી અમે દહેરાદૂન પહોંચ્યા.
દહેરાદૂન હિમાલયની ગોદમાં લગભગ 435 મીટરની ઉંચાઈ પર આવેલ છે. તે ઉત્તરાખંડની રાજધાની છે. અત્યારે સાંજનો સમય થયો હતો, એટલે અહીંયાની જૈન ધર્મશાળામાં ઉતર્યા.જેનું મૂળ નામ દિગંબર જૈન પંચાયત ધર્મશાળા છે.
બધા બસમાંથી ઉતરતા હતા.હું છેલ્લે હતો. જીંગો ભગતબાપાને કંઇક કહેતો હતો એટલે મેં થોડું વધારે ધ્યાનથી સંભાળવાનો પ્રયત્ન કર્યો.
"બાપા આજ રાતે બધા સૂઈ જાય એટલે મારું પાકું ને?"
"હા પણ, વિજયને ખબર પડશે તો તારી સાથે મને પણ ધોકા મારશે."
"એને કેમ ખબર પડે.એ સૂઈ જાય પછી જ આપણે જાશું. તમે ખાલી બસની ચાવી લઇ લેજો."
"એ તો તું જ માગી લેજે,બસ સાફ કરવાના બહાને. મને તો આપશે જ નહીં."
"હા આજે જમીને સૂવા જાય એટલે ચાવી લઈ લઈશ."
"પણ ગઈ વખતની જેમ બસ ચાલુ થશે ત્યાં એ આવી જશે તો.. હું તો ક્યાંક સંતાઈ જાઈશ.પછી તું આપજે જવાબ હો."
"અરે બાપા આ વખતે મોડા જાશું શીખવા.ગયા વખતે ઉતાવળ થઈ ગઈ હતી."
"એય જીંગા આ શું માંડ્યું છે હે? આવા પહાડી વિસ્તારમાં બસ શીખવાની તૈયારી કરે છે. ભાગતબાપા તમે પણ ના નથી પડતા આ ભાઈને."
"પણ રાજુ એ ગમે એમ કરીને મને માનવી લ્યે છે."
"હા પણ, બાપા આવા પહાડી વિસ્તારમાં જો જરાક પણ બેધ્યાન બની જાય તો ખબર છે ને શું થાય એ?"
"હા એ હાચુ (સાચું).હવે અત્યારે બધું બંધ બસ.પણ રાજુભાઈ તમે વિજયભાઈને અમારો પ્લાન બતાવતા નહીં હો.નકર (નહીતો) એ ક્યારેય રાતે ચાવી નય (નહીં) આપે."
"હા નહીં કહું..પણ તમે શીખો ત્યારે મને કહેવું પડશે હો."
"લે કેમ તમારે પણ શીખવી છે."
"અરે ના ના જીંગા પણ મને ખબર હોય તો શીખાય એવી જગ્યા પર હા પાડું એટલે."
"હા ભલે.તમને પેલા (પહેલા) કહી દઈશ બસ."
અમે બધા રાત્રી ભોજન બાદ આરામ દાયક નિંદરમાં પોઢી ગયા.
વહેલી સવારે ચા નાસ્તો કરી નીકળી પડ્યા રોબરની ગુફા જોવા.
રોબરની ગુફાને લૂંટારુંઓની ગુફા પણ કહેવાય છે. આ કુદરતી ગુફા છે. જેમાંથી નદીઓ વહે છે. દહેરાદૂનથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર આવેલ આ ગુફા લગભગ છસો મીટર લાંબી છે. આ ગુફા એક લોકપ્રિય ફરવા લાયક સ્થળ છે જેનું સંચાલન હાલ રાજ્ય સરકાર છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે લૂંટારુઓ આ ગુફાઓનો ઉપયોગ કિંમતી વસ્તુઓ છુપાવવા માટે કરતા હતા. એક માન્યતા મુજબ આ ગુફાને ભગવાન શિવનું ઘર પણ માનવામાં આવે છે.
અમે આ મનોહર સ્થળમાં ખૂબ ફર્યા.ગુફા અને એમાંથી નીકળતા પાણીના ઝરણાં... ખરેખર આવા કુદરતી સૌંદર્યને માણવું એ એક અદ્ભુત લાહવો છે.પછી નીકળ્યા એફ.આર.આઇ. (ફોરેસ્ટ રીચર્સ ઇન્સ્ટિટ્યૂટ ) જોવા.
સંશોધન સંસ્થા (એફઆરઆઈ) એ ભારતીય વનીકરણ સંશોધન અને શિક્ષણ પરિષદની એક સંસ્થા છે.તે ભારતમાં વન સંશોધન ક્ષેત્રની એક ખૂબ જ પ્રખ્યાત સંસ્થા છે.
૧૮૭૭માં ડાયરેક બ્રાન્ડેડ દ્વારા બ્રિટિશ શાળા તરીકે સ્થાપના કરવામાં આવી હતી. 1991માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તેને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી. હવે અમે પહોંચ્યા બુદ્ધ મંદિર.
આ બુદ્ધ મંદિર એક બુદ્ધ મઠ છે. જેને 'માઈન્ડ્રોલિંગ મઠ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૬૫માં આ મઠ બનાવવામાં આવ્યો હતો. જાપાની સ્થાપત્ય શૈલીમાં બનેલુ આ મંદિર અને તેનું સંકુલ બૌદ્ધ સાધુની સમાન માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ મંદિર તિબેટીધર્મની ચાર શાળાઓમાંની એક છે.
આ મંદિર સંકુલને નીગ્માં તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉંચાઇ 220 ફૂટ છે,તથા આ મંદિર પાંચ માળનું છે.શરૂઆતના ત્રણ માળ આકર્ષક બને તે રીતે તેમની દિવાલ ઉપર પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ભગવાન બુદ્ધના જીવનના આ ચિત્રોને શુદ્ધ સોનાના રંગોથી દોરવામાં આવ્યા હતા. આ જટિલ ચિત્રો દોરવામાં લગભગ ૫૦ જેટલા કલાકારોએ ત્રણ વર્ષનો સમય લીધો હતો.
ચોથા અને પાંચમા માળની વિશિષ્ટતાતો શબ્દ સ્વરૂપે વર્ણવવી ખૂબ અઘરી છે.
અહીંયા ભગવાન બુદ્ધની 103 ફૂટની મૂર્તિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.આ મૂર્તની રચના એની ડિઝાઇન ખરેખર અદભૂત છે.
હવે બપોરનો સમય થવા આવ્યો એટલે અમે પહોંચ્યા સહસ્ત્ર ધારા.બસ એક ઘટાદાર વુક્ષ નીચે ઊભી રાખી રસોઈની તૈયારી ચાલુ કરી અને અને નીકળી પાડ્યા સહસ્ત્ર ધારા ફરવા.
દહેરાદૂનથી લગભગ ૧૬ કિલોમીટર દૂર આવેલા આ જગ્યાએ કુદરતનો કરિશ્મા છે. અહીંયા પહાડોમાંથી હજારો ધારાઓ ટપકે છે,તેથી જ તો આ જગ્યાને સહસ્ત્રધારા કહેવામાં આવે છે. અહીંયા વર્ષોજૂની ગુફા તથા પ્રાચીન શિવ મંદિર પણ આવેલ છે.
અહીંયા ગુફામાં ગુરુ દ્રોણાચાર્યે તપસ્યા કરી હતી, ત્યારે ભગવાન શિવે શિવલિંગ સ્વરૂપે દર્શન આપ્યા હતા.આજ પણ આ શિવલિંગ પર કુદરતી ધારા વહે છે. શિવલિંગ ઉપરનો ગુફાનો આકાર શેષ નાગ જેવો દેખાય છે, તથા શિવલિંગની બાજુમાં ગુફાની દીવાલનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો દેખાય છે. ગુફામાં પણ સહસ્ત્ર ધારા ઓ ટપકતી જોવા મળે છે.તથા મુખ્ય શિવલિંગ પાછળ ઘણા કુદરતી શિવલિંગ રચાય છે.સમયાંતરે આ શિવલિંગ પાણીમાં ભળી જાઈ અને પાછા બીજા શિવલિંગ રચાય છે. આ ગુફાને દ્રોણગુફા પણ કહેવામાં આવે છે.
અહીંયા આ ધારાનું પાણી ગંધક યુક્ત છે, જેનાથી ચામડીના રોગો મટી જાય છે. અહીંયા હજારો ચર્મ રોગીઓ આ પાણીનો લાભ લે છે,અહીંયા પણ ભક્તો પોતાની ઈચ્છા પૂર્તિ માટે દોરા બાંધે છે.આ બધી માહિતી અહીંના મંદિરના પૂજારીએ અમને આપી.
અહીંયા સરકાર દ્વારા નાના-નાના ઘણા બધા તળાવ બનાવ્યા છે સ્નાન કરવા માટે.ખરેખર સહસ્ત્રધારાનું કુદરતી સૌંદર્ય જોઇને આપણે આભા જ બની જઇએ છીએ.લીલોતરીથી ઘેરાયેલ પહાડો તથા એ પહાડોમાં થી ટપકતી હજારો પાણીની ધારા આવા દ્રશ્યની કલ્પના પણ રોમાંચિત કરી આપે છે. અલબત્ત ચોમાસાના ચાર મહિના અહીંયા ન જવાની સલાહ આપવામાં આવે છે.
બપોરનું ભોજન આરોગી પાછા નીકળી પાડ્યા પહાડો અને એમાંથી ટપકતી ધારા ઓનો લાભ લેવા.
અમે દ્રોણગુફા તથા ગુફાની અંદર ભગવાન શંકરના દર્શન કર્યા અને પછી આ પહાડીઓ અને એમાંથી વહેતી ધારામાં ખૂબ ફર્યા અને આનંદવિભોર બનીને સ્નાન પણ કર્યું.
આ કુદરતનો કરિશ્મા છોડવાની ઈચ્છા જ થતી ન હતી. પણ, સમયના ચક્ર સાથે ચાલવાનું હોવાથી અમે લગભગ ચારેક વાગ્યાની આસપાસ રાજાજી નેશનલ પાર્ક જવા રવાના થયા.
રાજાજી નેશનલ પાર્ક લગભગ બે કલાકની મુસાફરી બાદ પહોંચ્યા.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા,સ્વતંત્ર ભારતના બીજા ગવર્નર જનરલ અને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારતરત્નના પ્રથમ પ્રાપ્તકર્તાઓમાંના એક, રાજાગોપાલાચારી કે જેઓ રાજાજીના નામથી પણ ઓળખાતા હતા. એમના નામ ઉપરથી આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જેની સ્થાપના 1983માં કરવામાં આવી હતી.આ ઉદ્યાન 820 કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. તેમજ ગંગાનદી અને સોંગનદી આ ઉદ્યાનમાંથી પસાર થાય છે.
રાજાજી નેશનલ પાર્ક હાથીઓ માટે સૌથી પ્રખ્યાત છે. આ ઉપરાંત વાઘ અને ચિત્તો આ જંગલના મુખ્ય શિકારી પ્રાણી છે. આ જંગલમાં હાથી, બંગાળી વાઘ,ચિતો, જંગલી બિલાડી, સસલું, રીંછ, હિમાલયના રીંછ, કિંગકોબ્રા, અજગર જેવા ઘણા બધા પ્રાણીઓ વસવાટ કરે છે. સાથે સાથે આ પાર્કમાં ૩૧૫થી વધુ પક્ષીઓની પ્રજાતિ પણ જોવા મળે છે. તેમજ વિદેશી પક્ષીઓ પણ અહીંયા સવિશેષ જોવા મળે છે.અલબત આ વિદેશી પક્ષીઓ ઋતુ પ્રમાણે અહીંયા આવતા જતા રહે છે.
કુદ્રેમુખ (કર્ણાટક) અને રાજાજી ઉદ્યાનને ૧૫મી એપ્રિલ 2015માં વાઘ અભ્યારણ તરીકે જાહેર કરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આથી રાજાજી ઉદ્યાન ઉતરાખંડનું બીજું વાઘ અભ્યારણ બન્યું.
અહીંયાથી હવે આમારા પ્રવાસના અંતિમ પડાવ મસુરી તરફ પ્રયાણ કરવાનું હતું.મસુરીથી અમારે પાછા ફરવાનું હતું.મસુરી જવા માટે લગભગ બે - ત્રણ કલાક જેટલી મુસાફરી કરવાની હતી.હાલ રાતના સાત વાગવા આવ્યા હતા.અમે બધા બસમાં ગોઠવાયા અને ચાલી નીકળ્યા 'મિશન મસુરી' પર.
લગભગ એકાદ કલાકની મુસાફરી બાદ એક પેટ્રોલ પંપ પાસે બસ ઉભી રાખી ને ત્યાં રસોઈની તૈયારી ચાલુ કરી.
જીંગા પાસે તમાકુની પડીકી પૂરી થઈ ગઈ હતી એટલે એ આવ્યો મારી પાસે.
"રાજુભાઈ ચાલો ને મારી સાથે.મારે તમાકુ પતી ગયું છે તો દુકાન ગોતીને લાવીએ."
"તે જીંગા એમાં મારી શું જરૂર.તું એક જ કાફી છો.ભગતબાપાને પણ બીડી લેવી હશે તો એમને સાથે લેતો જા."
"એ આવે તોય તમારે આવવું પડશે.કેમ કે ત્યાં એ શું બોલે એ અમને સમજાવવું તો જોઈએને."
"સારું ચાલ..ભગતબાપાને પૂછી જો આવવું હોઈ તો એમને પણ લેતા જઈએ."
"હાલો (ચાલો) એને બોલાવી લવ (લઉં)."
હું, જીંગો અને ભગત બાપા નીકળ્યા દુકાનની શોધમાં.
થોડું ચાલ્યા ત્યાં એસટીડી પીસીઓ આવ્યો,એટલે કે જીંગાને કહ્યું;"તમે થોડી વાર ઉભા રહો તો હું મારે ઘેર વાત કરી લઉં."
"રાજુભાઈ સામે જ વળાંક પર દુકાન હોઈ એવું લાગે છે,કેમ કે ત્યાં માણસોની ભીડ દેખાય છે તો અમે ત્યાં પહોંચી. ત્યાં તમે આવી જજો."
"જીંગા તું ત્યાં જા.મારે પણ ઘેર ફોન કરવો છે."
જીંગો એકલો દુકાન બાજુ ગયો.હું ફોન કરવા લાગ્યો અને ભગત બાપા બહાર ઉભા રહ્યા.
મારી વાત પૂરી થઇ પછી ભગત બાપાએ એમના ઘેર ફોન કર્યો.લગભગ દસથી પંદર મિનિટ બાદ અમે દુકાન બાજુ ગયા.પણ દુકાન પાસે એક ચકુલ પણ ફરકતું ન હતું.દુકાન પણ બંધ હતી. અમને એમ કે જીંગો તમાકુ લઈને કદાચ બસ પાસે જતો રહ્યો હશે,એવું વિચારી હું અને ભગતબાપા બસ તરફ ચાલતા થાય.
બસ પાસે આવીને પૂછ્યું તો અહીંયા પણ જીંગો આવ્યો ન હતો.
"મારો દીકરો ક્યાંક ભૂલો તો નહીં પડ્યો હોઈને?"
"ભગતબાપા આપણે એટલે બધે પણ ક્યાં દૂર ગયા હતા કે એ ભૂલો પડે."
"તો રાજુ એ ક્યાં ગયો હશે?અહીંયા ક્યાં ગોતીશું?"
"ચાલો આપણે જમી લઈએ.એટલા વખતમાં આવી જશે.એ ખોવાય જાય એટલો સીધો નથી." થોડા ગુસ્સા સાથે વિજય ભાઈ બોલ્યા.
બધા ભોજન આરોગવા બેઠા.ભોજન પૂરું થયું તો પણ જીંગો આવ્યો નહીં.એટલે અમે બધા ચાર - પાંચની એક એવી છ ટુકડી બનાવી જીંગાની શોધ માટે નીકળી પડ્યા.
હું, ભગત બાપા,વિજય ભાઈ,મંછાબહેન અને અમારા સર પણ અમે પહેલા જે દુકાન પાસે ગયા હતા એ બાજુ નીકળી પડ્યા.હાલ તો અમારો પ્રવાસ મિશન મસુરી ને બદલે મિશન જીંગા થઈ ગયો.
અમે દુકાન હતી ત્યાં પહોંચ્યા.હજુ પણ દુકાન ખુલ્લી ન હતી.થોડા આગળ ચાલ્યા તો સાત આઠ માણસો ઉભેલા દેખાયા.
"વિજયભાઈ સામે માણસો દેખાય છે.ચાલો ત્યાં જઈને પૂછીએ."
"હા ચાલો તપાસ તો કરીએ.કઈ ખબર મળે તો આગળ કઈ બાજુ જવું એ પણ ખબર પડે ને."
"તમને પણ બીડી વગર ચાલતું નથી.રાતના સમયે ના ગયા હોય તો શું કઈ ભાંગી પડે.દરેક ટુરમાં કંઇક આવા કામાં હોય જ તમારા અને જીંગાના."ભગત બાપાને ખીજાતા વિજયભાઈ બોલ્યા.
"વિજય ભાઈ બાપા તો ના પાડતા હતા પણ મે જ સાથે લીધા હતા." ભગતબાપાનું ઉપરાણું લેતા હું બોલ્યો.
રાજુ આ વખતે તે આ બંનેના ઉપરાણા વધુ લીધા છે.
"વિજયભાઈ તમાકુનું વ્યસન હોઈ તો જરૂર પડે ત્યારે લેવું તો પડેને."
"લેવાની હું ક્યાં ના પાડું છું,પણ રાતના સમયે જવાનું કોણ કહે છે તમને બધાને. આખા રૂટની પથારી ફેરવી નાખે આ ડોબા જેવો."
આવી વાતો કરતા કરતાં અમે જે માણસો ઊભા હતા ત્યાં પહોંચ્યા.
"ભૈયા યહાં એક ગુજરાતી લડકા દેખા હૈ આપને?"
"નહીં યહાં કોઈ આયા તો નહીં,મગર થોડી દેર પહેલે લડાઈ હુઈથી સાયદ વહા ગયા હો."ત્યાં ઉભેલ આધેડ ઉંમરના એક ભાઈએ અમને જવાબ આપ્યો.
"કહા પર લડાઈ હુઈથી?"
"વો સમાન દુકાન હૈ ઉસકી બગલમે થોડે આગે ચોક આયેગા વહા પર."
"મગર વો લડાઈ તો યહાકે દો સ્થાનિક લોગ કે બીચ હુઈ થી ઉસમે આપકા લાડકા સામેલ નહીં હોગા ભૈયા."એક જુવાન જેવા દેખાતા ભાઈ બોલ્યા.
"હા યહ બાત આપકી સહી હૈ, મગર હમે વહા જાના તો ચાહીયે સાયદ વહા કીસિકો પાતા હો."
"અભી અભી વહાસે પુલિસ ગઈ હૈ. ઇસ લિયે સાયદ વહા કોઈ નહીં મિલેગા.મગર વાહાસે થોડે આગે ચલોગે તો વહા પણ કુછ લોગ મિલેગે વહા પતા કરો."
ક્રમશ::
જીંગાભાઈ ક્યાં ગુમ થયા હશે?
શું લડાઈમાં સામેલ હશે જીંગા?
આ બધું જાણવા વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 15..
આપના પ્રતિભાવ ની રાહ રાજુસર...