VAHUE VAGOVYA MOTA KHORDA - 14 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૪

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૪


વ્યાળું-પાણી કરીને પૂરું સુલતાનપુર શાંત થવાની તૈયારીમાં હતું. ઘેર ઘેર ઢોલિયા ઢળાઈ ચુક્યા હતા. ડેલીએ ડેલીએ ડાયરા પૂરા થઈ ગયા હતા. કાલે સવારે શું કામ કરવાનું છે ? એવું આયોજન ઘેર ઘેર થઈ ગયું હતું. લાલીયા, કાળીયા, ધોળીયા, ઝાફરા, ખહુરિયા, આવી કૂતરાની ફોજ ગામનો ચૉકી પહેરો કરવા તૈયાર થઈ ગઈ હતી. વાતાવરણ સાવ શાંત જ થઈ ચૂક્યું હતું એટલામાં ઝમકુના સમાચારે વેગ પકડ્યો. કોલાહલ વધવા લાગ્યો. પુરુષો ઘરની બહાર નીકળવા લાગ્યા અને શેરીના નાકે ભેગા થવા લાગ્યા. એ ગામ ફરી સજીવન થયું. ધીમે ધીમે માણસો ભેગા થઈને કૂવા તરફ જવા લાગ્યા. આ વાતની જાણ કરણુભાને થતા એ પણ ઘર બહાર નીકળી ગયા. બે ઘડી તો એમ થઈ ગયું કે ' આ ઝમકુના મોતનું કારણ હું છું ' પણ પછી સ્વસ્થ થઈને વિચાર્યું કે ' એ એના પાપે મરી છે. મારો ક્યાં કશો વાંક ગુનો છે ? ' આવા વિચારો સાથે એ, શંકરો અને બીજા બે પાંચ લોકો મળીને કૂવા તરફ ચાલી નીકળ્યા. " દોડજો... દોડજો ... ઝમકુએ કૂવો પૂર્યો છે. " ગામમાંથી જે કંઈ વસ્તુ મળી એ લઈને જુવાનિયાઓ દોડાદોડ કરતા બૂમો પડતા જતા હતા... ગામનું લગભગ સિત્તેરેક માણસો કૂવા કાંઠે ભેગું થઈ ગયું હતુ. અને અમુક લોકોએ તો ઝમકુને કાઢવાનો પ્રયાસ પણ ચાલુ કરી દીધો હતો.

સેજકપરના એ ભુદેવની બેભાન અવસ્થા પણ એના મનને શાંત થવા નહોતી દેતી. ઘણી બધી કોશિશ કરી છતાં વિચારોના વમળ રોકાતા નહોતા. એ આવી પરિસ્થિતિમાં પણ પોતાના મનને ધિક્કારતા હતા. એમને પોતાની ભૂલ પર પસ્તાવો હતો. પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. બસ અફસોસ તો એ વાતનો હતો કે પુરા સુલતાનપુરમાં પોતે એક મામેરિયો હોવા છતાં કશું ના કરી શકયો. પોતાની પાસે ભણેલી, નાનપણથી મોટી થયેલી અને હંમેશા હસતી એ છોકરી આજે અચાનક ચૂપ થઈ ગઈ હતી. એ પોતાના મનમાં ભવિષ્યમાં હમીરભા અને શામજીભાઈ શું સવાલ પૂછશે એનો તાળો મેળવી રહ્યો હતો. કાશીએથી શાસ્ત્રોનો અભ્યાસ કરેલ શાસ્ત્રી અને એક સફળ શિક્ષક આજે પોતાના મનના સવાલોનો જવાબ શોધતો હતો.

ગામલોકો ઝમકુને કૂવામાંથી કાઢવાના પ્રયાસ કરી રહ્યા હતા. બે જુવાનિયા બે દોરડા સાથે લાકડું બાંધીને ગરેડીમાંથી પરોવીને કૂવા અંદર ઉતરી રહ્યા હતા. શંકરો જાણે પોતાની જીત થઈ હોય એમ મનમાં હરખાતો હતો પણ ચહેરો ઉદાસ રાખ્યો હતો. એને તો એમ હતું કે જલ્દી ઘેર જઈને ખુશ થવું છે. કરણુભાનો ચહેરો કળાતો નહોતો. ના તો એ ખુશ લાગતા હતા, ના તો એ નિરાશ લાગતા હતા કે ના તો એ ગુસ્સામાં લાગતા હતા. આ ત્રણેય રેખાઓ એમના મુખ પર વતા-ઓછા પ્રમાણમાં દેખાતી હતી. ઝમકુના મોતથી ગામનો ભાર ઓછો થયો એની થોડી ખુશી હતી, બીજી બાજુ કદાચ ઝમકુ સાચી હતી એવું લાગતા પોતાના ખોટા નિર્ણયનું દુઃખ હતું. તો વળી નાનકડી વાત પર ઝમકુનો આપઘાત એમને ગુસ્સો અપાવતો હતો. એ વારંવાર એ કૂવાની દિવાલના ટેકે બેઠેલા ભૂદેવને તિરસ્કારની નજરથી જોયા કરતા હતા. બીજા ગામલોકો અંદરો અંદર ઝીણી ઝીણી વાતો કરતા હતા. એવામાં કૂવામાંથી અવાજ આવ્યો " એ રાંઢવું ખેસજો જોય !! લાશ મળી જઈ સે. ઈને લઈન અમે અધર આવી સી. " જીવ નીકળી જતા ઝમકુનું નામ ભૂંસાઈ ગયું હતું. હવે એ માત્ર લાશ જ રહી હતી. એટલામાં દોરડા ખેંચાઈ ગયા અને ઝમકુને બહાર કાઢી લીધી.

ઝમકુની કંચનવર્ણી કાયા સાવ કરમાઈ ગઈ હતી. એના મુખ કરતા પણ વધુ હસતી એની આંખ આજે હંમેશા માટે બંધ થઈ ગઈ હતી. જે શરીરને વિઠલ સિવાય કોઈએ નહોતું જોયું એ શરીર આજે ગામલોકો વચ્ચે અર્ધનગ્ન હાલતમાં પડ્યું હતું. જે લોકો ઝમકુના પગની પાની જોવા ઉત્સુક રહેતા હતા એ લોકોના મનમાં આજે કોઈ ભૂંડો વિચાર પણ નહોતો આવતો. ઝમકુનો નમણો ચહેરો કપાળમાં વાગેલું હોવાથી પૂરો સૂઝી ગયો હતો. આથી જ કોઈ વડીલે પોતાના માથે બાંધેલું ફાળિયું કાઢી ઝમકુની પુરી કાયાને ઢાંકી દીધી. હવે બધા ઝમકુને ઘેર પહોંચાડવા માટે ઉતાવળ કરવા લાગ્યા હતા. એટલામાં કરણુભાએ બૂમ મારી " જા કરશન ! તારું ઘર આયા પડખે જ સે ને... તારું ગાડું જોડી આવ.. લાશ ઇમાં જ લઇ જશું. "
" હા બાપુ, હાલો લેતો આવું. " આટલું બોલી કરશન ગાડું જોડવા નીકળી ગયો. સવારે દેનક્રિયા કરીશું, વિઠલને કોણ સાચવશે, શામજીભાઈને વાવડ કોણ આપવા જશે, આવી બધી વાતોમાં ગામલોકો પરોવાયેલા હતા.

" આટલી નાની વાતમાં આપઘાત કોણ કરી લે... આ સોડીમાં તો બુદ્ધિ જેવું હતું જ નઈ. " આવી વાતની શરૂઆત કરી કરણુભા પોતાનો પાંગળો બચાવ કરતા હતા. પણ ત્યાં તો વિષ્ણુરામ અચાનક જ સ્વસ્થ થઈને ઊભાં થઈ ગયા અને એકદમ ગુસ્સામાં બોલવા લાગ્યા.
" આ નાનકડી વાત લાગે સે તમને ? એક સોડીને ગામ વચાળે ઇના ચારિત્ર્ય ઉપર કડવા વેણ બોલો ઇ નાની વાત સે ? હું તમારા બાપા માવસંગભા જીવતા હતા ઇ વખતે ય આવતો હતો. મેં ઇમને જોયા સે. ઇ તમારા જેવા તઘલખી નિર્ણય નો'તા લેતા. તમે તો કોઈને પુસ્યું પણ નઈ કે ઝમકુ કેવી સોડી સે ? મારે તમને વધારે કંઈ નો કે'વાય પણ હવે તો મને તમારું આખું ગામ ભૂતખાના જેવું લાગે સે. મને શ્વાસ લેવો ભારે પડે સે. તમારા ગામની ધરતી પર હાલું તારે મને જાણે પગમાં લાય બળતી હોય એવું લાગે સે. તમારા કાનમાં થોડા ખટપટીયાઓએ ઝેર શું ફૂંકયું તમેં તો મારી સોડીને સાવ નિસ માની લીધી. જ્યમ એક નાનકડી કીડી પર કુંજરનું કટક હુમલો કરે ઈમ તમે બધાયે મારી કીડી જેવી ઝમકુ પર હુમલો કર્યો પસી ઇ જીવતી રે ? આખા ગામમાંથી કોઈએ ઇનો લાચાર ચહેરો નો જોયો ? ઇ કરગરતી સોડીની કોઈને દયા નો આવી ? વાતું કરો સો નાનકડી વાતની. હું બ્રાહ્મણનો દીકરો સુ. શ્રાપ તો નથી આપતો કારણ કે મેં તમારા રોટલા ખાધા સે. પણ ગામ પર હવે કોઈ મોટી આફત આવે.....ને તો ઇ કુદરતનો કોપ જ હમજજો. આવું પાપ તો કુદરત પણ કેમ સાંખી લે !!! મને હવે મૂંઝારો થાય સે હું આ ગામમાં એક ઘડી પણ રોકાવા નથી માંગતો. બસ બે હાથ જોડીને એક પ્રાર્થના સે કે મારી દીકરીની દેનક્રિયા હરખી કરજો. ઈને બળતા તો વાર નઈ લાગે પણ તોય થોડું ઘી નાંખજો. કેરોસીન નાંખીને નો હળગાવતા. બે દી'માં શામજીભાઈ આવશે ત્યારે ઇમને જવાબ દેજો. " આટલું બોલી કાળઝાળ બનેલો એ મહારાજ ઝમકુના માથે હાથ ફેરવી, એના જીવને સદગતિ મળે એવા કોઈ શ્લોકોચ્ચાર કરીને પોતાની નાનકડી ઝોળી ઉપાડીને સેજકપર તરફ રવાના થઈ ગયો.

ગામલોકો સ્તબ્ધ બની વિષ્ણુરામને જતા જોઈ રહ્યા હતા. કોઈનામાં એ બ્રાહ્મણને રોકવાની હિંમત નો'તી થતી કારણ કે એમની આગઝરતી આંખોનો કોઈ સામનો કરી શકે નો'તુ. એ અંધશ્રદ્ધામાં ડૂબેલા સમાજના વડીલોએ તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની આગાહી કરવાનું પણ ચાલુ કરી દીધું હતું. પણ થોડીવાર વિષ્ણુરામના શબ્દોની અસર રહી .... ત્યાં તો કરશન ગાડું લઈને આવી ગયો. લોકો બધી વાતો ભૂલી મૃતદેહને ગાડામાં નાંખવામાં લાગી ગયા. કરણુભા એક તરફ ઊભા રહી કશું વિચારતા હતા અને શંકરો એમની પડખે ઊભો રહી કશું સમજાવતો હતો. કદાચ વિષ્ણુરામની ટીકા જ કરતો હતો. ગાડું ઝમકુની લાશને લઈને એના ઘેર પહોંચ્યું. વિઠલને પણ લોકોએ સમાચાર આપી દીધા હતા એટલે એ પણ એક દિવાલના ટેકે નિરાશ થઈને બેઠો હતો. એ પોતે આજે પસ્તાવાની આગમાં સળગી રહ્યો હતો. પોતાની નશાની આદત અને નાનકડી શંકાએ એની પત્નીને ભરખી લીધી હતી. પોતાનો બાપ બનવાનો અભરખો પણ ઝમકુ સાથે મૃત્યુ પામ્યો હતો.

ગામલોકો દ્વારા ઝમકુનો મૃતદેહ ઘરમાં લાવતા જ વિઠલ એને પકડીને વિલાપ કરવા લાગ્યો. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. આમ પણ વિઠલ માટે ઝમકુ અને ઝમકુ માટે વિઠલ બે જ એકબીજાના સુખ-દુઃખના સાથી હતા. કોઈ ભાઈ-ભાંડરું કે પછી માં બાપ તો હતા નહિ. આથી જ વિઠલનું રુદન ગામને પણ અસહ્ય લાગ્યું. ઘણા વડીલો બને એટલી કોશિશ કરી એને સમજાવતા રહ્યા. થોડા લોકો 'સવારે આવશું ' એવું કહીને પોતાના ઘર તરફ રવાના થયા. પાંચ સાત લોકો જે નજીકના હતા એ રોકાયા. વિઠલ હવે શાંત થઈને એક થાંભલીના ટેકે બેસી ગયો હતો પણ મન ઘણા ઊંડા વિચારમાં હતું.

બીજી બાજુ વિષ્ણુરામ આવતા વિચારોની ગતિ સાથે પગલાંની પણ ગતિ વધારતા અગિયારસના અજવાળા સેજકપર તરફ જઈ રહ્યા હતા. સુલ્તાનપુરની નિરાશ કહી શકાય એવી સવાર પડી ગઈ. ઘરના આંગણે ઝમકુને જલ્દી કાઢી જવાની ઉતાવળ થવા લાગી હતી. નનામીએ બંધાયેલી ઝમકુને ચાર ડાઘુએ ઉપાડી સ્મશાન તરફ રવાના કરી. જે વિધિ થતી એ પ્રમાણે વિસામા આપી ઝમકુને સ્મશાને પહોંચાડી. અને ત્યારબાદ વિઠલ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. લોકોના શબ્દોથી જ બળી ગયેલી ઝમકુને બળતા લાંબો સમય ના લાગ્યો. ગામના સોએક લોકોમાં વિઠલ એક જ દુઃખી હતો બાકી બધા તો જાણે વ્યવહાર સાચવવા આવ્યા હોય એવું લાગતું હતુ. કોઈનો જીવ સવારની ચામાં હતો તો વળી કોઈને ખેતર જવાની ઉતાવળ હતી. તો વળી કોઈક કોઈક તો પોતાની પત્નીના હાથનું શિરામણ રાહ જોતું હશે એવા વિચારમાં હતા.

સાંજના ચારેક વાગ્યા હશે ત્યાં ભૂખ્યો અને થોડો ઘણો તરસ્યો બ્રાહ્મણ સેજકપર પહોંચ્યો. એ તો સીધો ઉતાવળા પગલાં ભરતો હમીરભાના ઘેર પહોંચ્યો પણ હમીરભા ખેતરમાં હતા એટલે એ ખેતર તરફ રવાના થયો. ખેતરે પહોંચ્યો ત્યાં હમીરભા, ભીખુભા, અને શામજીભાઈ ત્યાં જ મોજુદ હતા. હમીરભાએ વિષ્ણુરામને જોતા જ..
" સીતારામ ભૂદેવ ! આવો આવો. "
" સીતારામ. " વિષ્ણુરામનો નિરાશ ચહેરો ઘણું બધું કહેતો હતો.
" શું થયું ભૂદેવ ? ચમ નિરાશ લાગો સો ? ઘરે બધું બરાબર સે
.....ને ? " વિષ્ણુરામ આ વાત સાંભળી હમીરભાનું બાવડું પકડી એકાંતમાં લઈ ગયા અને આખી વાત કરી. પણ આ વાત સાંભળતા જ હમીરભાને થોડીવાર તો કશું સુજ્યું નહિ કે શું કરવું ? એમ થયું કે આ સાચું હશે ? આ વિચારોમાં કરણુભાના કડવા વેણ તો એટલા કડવા લાગ્યા કે પગની મોજડી નીચે રહેલું ખેતરની માટીનું ઢેફુ ભાંગી ગયું.
" ઠીક મા'રાજ હવે આ વાત અતારે પૂરી કરો શામજીને ઘરે પુગાડીને પસી કંઈક નિર્ણય લવ. "
" પણ બાપુ આપડે ઇમ તો હાથ પર હાથ મૂકી નથી બેહવાનું હો. "
" અરે ! ભૂદેવ થોડો સમય આપો ન્યા સુલતાનપુર જઈને બધાની ખબર લઈશ. " ......

ક્રમશ: .........

લેખક: અરવિંદ ગોહિલ.