લવ રિવેન્જ
પ્રકરણ-32
નવમું નોરતું.....!
“સિડ....! હે ભગવાન....!” લાવણ્યા બેડમાં સફાળી જાગી ગઈ અને આમ-તેમ જોવાં લાગી.
“ભયંકર ખરાબ સપનું હતું...!” માથે બાઝેલો પરસેવો લૂંછતાં-લૂંછતાં લાવણ્યા બબડી.
બેડમાં પડેલો તેનો ફોન તરતજ ઉઠાવી લાવણ્યાએ સિદ્ધાર્થને whatsappમાં મોકલેલો મેસેજ જોવાં માંડ્યો. મેસેજમાં બ્લ્યુ ટીક ક્યારની આવી ગઈ હોવાં છતાં હજી સિદ્ધાર્થે કોઈ રિપ્લાય પણ નહોતો આપ્યો કે કૉલ પણ નહોતો કર્યો.
“હજી કોઈ રિપ્લાય નઈ આયો...!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “સવાં પાંચ વાગ્યાં....!”
લાવણ્યા હવે મોબાઇલમાં ટાઈમ જોઈને બબડી. સવારના લગભગ સવાં પાંચ થયાં હતાં.
“સવાર-સવારનું સપનું....! હે ભગવાન સાચું ના પાડતાં....!” લાવણ્યા બેડરૂમમાં શૂન્યમનસ્ક જોઈ રહી.
રાત્રે સૂતી વખતે લાવણ્યા નાઈટ લેમ્પ બંધ કરવાનો ભૂલી ગઈ હોવાથી રૂમમાં હજી સારું એવું અજવાળું હતું. બેડમાંથી ઊભાં થઈને લાવણ્યા આમ-તેમ આંટા મારવાં લાગી.
જ્યારથી લાવણ્યાએ સિદ્ધાર્થ અને નેહાનાં “વિથ માય વૂડ બી” કેપ્શનવાળાં ફોટોઝ જોયાં હતાં, ત્યારથી તેનું મન બેચેન થઈ ગયું હતું. એમાંય મલ્ટીપ્લેક્સની સીટમાં સિદ્ધાર્થનાં ખોળાંમાં બેઠેલી નેહાનો ફોટો જોઈને તો લાવણ્યાનું હ્રદય જાણે ભાંગીજ પડ્યું હતું. અનેક પ્રયત્નો છતાંપણ તેણીની આંખો સામેથી સિદ્ધાર્થનાં ખોળાંમાં બેઠેલી નેહાનો એ ફોટો હટતોજ નહોતો.
થોડીવાર રૂમમાં આમતેમ આંટા માર્યા પછી લાવણ્યા બેડ ઉપર પાછું પડતું મૂક્યું.
----
“હ....હજી ફોન નઈ કર્યો તે....!” કોલેજનાં પાર્કિંગમાં ઊભેલી લાવણ્યા તેનાં મોબાઇલમાં સિદ્ધાર્થનાં ફોટાં સામે જોઈને રડમસ ચેહરે બોલી “ન...ન...નારાજ હોયતો....તો...મને કે’તો ખરો....! કમસે કમ અ....એકવાર તો વાત કરીલે....! આવ....આવું...નાં કરને....!”
સવારમાં વહેલાં ઉઠી તૈયાર થઈને લાવણ્યા કોલેજ આવી ગઈ હતી. નવમાં નોરતે સિદ્ધર્થે પાછાં આવાનું વચન આપ્યું હોવાથી લાવણ્યા વહેલાં કોલેજ આવીને પાર્કિંગમાંજ સિદ્ધાર્થની રાહ જોઈ રહી હતી.
“તને ટ્રસ્ટજ નથી ......! તો કોઈ મતલબ નથી આપડાં રિલેશનનો લાવણ્યા....!” વહેલી સવારે જોયેલાં એ ખરાબ સપનામાં સિદ્ધાર્થે કહેલું લાવણ્યાને યાદ આવી જતાં તેણીની આંખ હવે ભીંજાઇ ગઈ.
“એવું ના કરતો....!” લાવણ્યા હવે એ સપનું યાદ કરી whatsappમાં સિદ્ધાર્થનાં DP સામે જોઈને ડૂસકાં ભરતી મનમાં બબડી “મ...મારી જોડે ....! એ રીતે સબંધ નાં તોડતો....!”
“લાવણ્યા....!” ધીમી સ્પીડે એક્ટિવાં પાર્કિંગ શેડમાં લાવતાં-લાવતાં અંકિતા બોલી “હું તને લેવાં ઘરે ગઈ’તી....! અને તું અહિયાં આવતી રહી....!?”
અંકિતાએ હવે એક્ટિવાં પાર્કિંગ શેડમાં પાર્ક કરેલાં બે ટૂ વ્હીલરની વચ્ચેની ખાલી જગ્યામાં પાર્ક કર્યું અને નીચે ઉતરી સ્ટેન્ડ કરવાં લાગી.
“મ્મ....! સિડ આવ....આવનો છે આજે....!” ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા પરાણે બોલી “લ....લેટ થાય...તો....તો....! ન....નારાજ થઈ જાય એ ….! “
“અરે પણ મને ફોનતો કરવો’તો....!” અંકિતા તેનું બેગ પેક ખભે ભરાવી લાવણ્યાની જોડે આવી “હું ખોટો ધક્કો નાં ખાતને તારાં ઘરે...!”
“સ.....સોરી....!” લાવણ્યા એવાંજ ઈમોશનલ સ્વરમાં બોલી “ભ....ભૂલી...ભૂલી જવાયું....! ઘ....ઘાઈ...ઘાઈમાં....!”
“શું થયું...!? કેમ આવી ઢીલી છે...!?” અંકિતાએ ચિંતાતુર સ્વરમાં લાવણ્યાનાં ગાલે હાથ મૂકીને કહ્યું.
“ક...કઈં નઈ....! એવ...એવું કઈં નઈ.....!”
“ઓહ લવ.....! બેબી....! સિડનો ફોન હજી નઈ આયો ને....!?”
લાવણ્યાએ ઢીલું મોઢું કરી નકારમાં માથું ધૂણાવ્યું.
“સવારમાં વ....વે’લ્લાં....બ....બવ ખરાબ સપનું આયું.....!” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા બોલી.
“શ....શું ...!?”
લાવણ્યા ઢીલાં સ્વરમાં વહેલી સવારે આવેલાં એ સપનાં વિષે બધું કહી સંભળાયું.
“તું પણ....! નાહકની ચિંતા કરે છે....!” અંકિતા માથું ધૂણાવતી લાવણ્યાને મનાવતાં બોલી “અરે સિડ તારી જોડે કોઈ દિવસ આટલું rudely વાતજ ના કરેને....! એ તો કેટલો ડીસન્ટ છે.....! અને તારી જોડે કેટલું વ્હાલથી બિહેવ કરે છે....!”
“હમ્મ....! સાચું કીધું તે....!” લાવણ્યા તેનું મોઢું લૂંછતાં બોલી “એ કોઈદિવસ મારી જોડે એવું ના કરે...! હુંય ડફોળ જેવી છું...! આવાં ફાલતું સપનાં જોઈને સિડ વિષે આવું વિચારી બેઠી....!”
“તો શું વળી....!” અંકિતા બોલી “અને તું સાચું કે’તીતી....! નેહાએ જોરજબરદસ્તીથી ફોટાં પાડ્યાં હશે....! સિડ બિચારો કેવો ટોર્ચર થયો હશે...!”
“હમ્મ....! સાચી વાત...!” લાવણ્યા હવે વિચારે ચઢી ગઈ “જ્યારે એણે ફોટાં પાડવાં માટે મલ્ટીપ્લેક્સમાં જિદ્દ કરી હશે....!” લાવણ્યાએ ફોટોને યાદ કરતાં-કરતાં બોલી “ત્યારે એ નાં પણ નઈ પાડી શક્યો હોય....! બ....બધાં આજુબાજુ હોયને....! તો કેમની નાં પાડે....!”
“હમ્મ....! ના પાડે તો ઓલી ચાંપલી બધાંની વચ્ચે માથાકૂટ કરવાં બેસી જાય...!” અંકિતા બોલી.
“હાં...! મને ખબર છે...! એ બવ ઈનોસંન્ટ છે...!” લાવણ્યા હવે સિદ્ધાર્થનાં ચેહરાંને યાદ કરતાં બોલી.
“કોણ.....! નેહા...!?” અંકિતા લાવણ્યાનું મૂડ ઠીક કરવાં તેને ચિડાવતાં બોલી.
“નાં રે.....! એ તો ચાંપલી છે....!” લાવણ્યા સહેજ ચિડાઈ પછી સ્મિત કરીને બોલી “ટોર્ચર મશીન....!”
બંને હસી પડ્યાં.
“હવે તારું મૂડ ઠીક થયું...!?” અંકિતાએ લાવણ્યાનાં ચેહરાનાં બદલાયેલાં ભાવ જોઈને કહ્યું.
“હમ્મ...! બસ ખાલી એકવાર એની જોડે વાત થઈ જાય...!”
“અરે તું ચિંતા ના કર....! એને મેળ પડશે...! એટ્લે એ ચોક્કસ કૉલ કરશેજ....!”
“મ્મ....! મને ટ્રસ્ટ છે એની ઉપર....! સાચે....! પણ .....! એ નારાજ હોય....! મારાંથી....તો....તો...મને કેવું જોયેને....!”
“આવું કઈં નઈ હોય લવ....! તું જાણેજ છેને ....! એ બિચારો ફસાઈ ગ્યો હશે....! હમ્મ...!”
“પ...પણ....! એણે.....કયારનો મેસેજ રીડ કરી લીધો....! તો પણ ફોન નઈ કર્યો....! એ....એક મેસેજ તો કરવો જોઈને....!” નાનાં બાળકની જેમ નારાજ થતી હોય એમ લાવણ્યા મોઢું બનાવીને બોલી.
“તો તું એનાંથી નારાજ કેમ નથી થતી કોઈ દિવસ....!” અંકિતા તેણીને ધમકાવતી હોય એમ નાટક કરતાં બોલી “એ આવે એટ્લે દર વખતે એને દોડીને ચોંટી શું કામ પડે છે....!? હમ્મ....! બોલ....!?”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર દયામણું મોઢું કરીને વિચારી રહી.
“આજે એ આવેને તો એનાથી બરાબરની રૂઠી જા.....! અને એ બઉ ટ્રાય કરેને એ પછીજ માનજે...! હોને....!”
“એનાથી ન...નારાજ થવાતુંજ નથી....!” લાવણ્યા પરાણે બોલી “એ.....એ....છેજ એવો....!”
“તો નારાજ થવાનું નાટક કરજે....!” અંકિતાએ લાવણ્યાનાં ગાલ ઉપર ટપલી મારી “એટલું તો કરવુંજ જોઈએને....! તો એને પણ ખબર પડે....! કે એ જ્યારે ફોન નાં કરે....! મેસેજ નાં કરે...! લેટ થાય....! ત્યારે તને કેવું ફીલ થાય છે....! તારી ફીલિંગ એનાં સુધી પોં’ચવી તો જોયેને....!? હમ્મ....!”
“હમ્મ....!” લાવણ્યાએ નાનાં બાળકની જેમ હકારમાં માથું હલાવ્યું “આવાંદે એને આ વખતે....! બવ બધી નારાજ થઈ જવ....! ને....ને....! માનુંજ નઈને....!”
“તો પછી....! ચાલ હવે....!” અંકિતા હાથ પકડીને લાવણ્યાને ખેંચવાં લાગી.
“ક....ક્યાં....!?” લાવણ્યા તેનો હાથ ખેંચીને બોલી.
“અરે....! કેન્ટીનમાં નઈ જવું...!? ચાલને....!?” અંકિતાએ ફરીવાર લાવણ્યાનો હાથ ખેંચ્યો.
“નાં...નાં...!” પાર્કિંગમાં પાર્ક કરેલાં કોઈકનાં બાઇકની સીટનાં પાછલાં હેન્ડલને પકડીને લાવણ્યા બોલી “સ.....સ...સિડતો આહિયાંજ અવાનો ને...!?”
“અરે કેમ આવું કરે છે....!? હાલતો વાત થઈ….! કે આ વખતે તું નારાજ થઈશ એનાંથી...! તો પછી અંહિયાં શું કામ એની વેઈટ કરવાની....!”
“પ...પણ...!”
“લાવણ્યા....! કીધુંને ચાલ...!” અંકિતા આંખો મોટી કરીને બોલી અને પછી લાવણ્યાને ખેંચીને લઈ જવાં લાગી “સાવ નાનાં બાળક જેવું બિહેવ કરે છે....!”
લાવણ્યાએ બાઇકનું હેન્ડલ છોડી દીધું અને અંકિતાની પાછળ ખેંચાતી હોય એમ ચાલવાં લાગી. જતાં-જતાં લાવણ્યાએ પાછાં ફરીને પાર્કિંગ શેડ બાજુ જોયું. ત્યાં એને સિદ્ધાર્થ અને તેનાં આલિંગનનું દ્રશ્ય દેખાયું.
“જલ્દી....! આયને.....! કેમ દર વખતે આટલી બધી રાહ જોવડાવે છે...!?” ભીની આંખે એ દ્રશ્યને જોઈ રહેલી લાવણ્યા મનમાં બબડી.
------
“હું કામ્યાને કૉલ કરીને પૂછી લવ છું કે કે એ કેન્ટીનમાં છે કે લેકચરમાં....!” કોલેજ બિલ્ડિંગ તરફ જતાં પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલતાં-ચાલતાં અંકિતાએ તેનો ફોન કાઢ્યો અને લાવણ્યાને કહ્યું.
“હમ્મ.....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ હકારો ભર્યો.
“બીપ...બીપ....!” ત્યાંજ લાવણ્યાના ફોનની નોટિફિકેશન ટોન વાગી.
સિદ્ધાર્થનો મેસેજ હશે એમ માની લાવણ્યા ઝડપથી તેનો ફોન તેનાં જીન્સનાં પોકેટમાંથી કાઢવાં લાગી.
“ક્યાં છો તમે લોકો....!?” ત્યાં સુધી અંકિતાએ કામ્યાને ફોન જોડી દીધો હતો અને વાત કરવાં લાગી હતી.
“હું તો વૉશરૂમમાં છું...! બીજાં બધાં કેન્ટીનમાં બેઠાં છે....!” કામ્યાએ સામે છેડેથી જવાબ આપ્યો.
“સારું….! અમે કેન્ટીનમાંજ આઈએ છે....!” અંકિતાએ કહ્યું અને ફોન કટ કર્યો.
“અંકિતા.....!” પોતાનાં ફોનમાં મેસેજ વાંચીને લાવણ્યા પેવમેંન્ટ ટ્રેક ઉપર અટકી.
“હાં....! શું થ્યું.....!?” સહેજ આગળ ચાલી ગયેલી અંકિતાએ ઊભાં રહી પાછાં ફરીને પૂછ્યું.
“નેહાનો મેસેજ છે....!” લાવણ્યાએ ચોંકી ગઈ હોય એમ આંખો મોટી કરીને કહ્યું “એણે ડ્રામા સ્ટુડિયોમાં બોલાયાં છે....! આપડને બેયને.....!”
“એ અમદાવાદ ક્યારે આઈ ગઈ....!?” અંકિતાએ આશ્ચર્યપામીને પૂછ્યું.
“ખબર નઈ......!?” વિચારે ચઢી ગયેલી લાવણ્યા શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી “એણે શું લેવાં બોલયાં હશે....!?”
બેય થોડીવાર મૌન થઈ ગયાં અને વિચારે ચઢી ગયાં.
“કદાચ.....! તારાં અને સિદ્ધાર્થનાં બાલ્કનીવાળાં ફોટાંને લઈને કોઈ બબાલ કરવી હશે....!” અંકિતા વિચારતાં બોલી.
“હમ્મ.....! કદાચ....!”
“નાં.....!” અંકિતા જાતેજ માથું ધૂણાંવાં લાગી “જો એને બબાલ કરવીજ હોયતો....! તો એ કેન્ટીનમાં બધાંની વચ્ચે ભવાડો કરે.....!”
“તો પછી ડ્રામાં સ્ટુડિયોમાં શું કામ....!?” લાવણ્યા ફરીવાર ચિંતાતુર સ્વરમાં બોલી.
“એતો હવે ત્યાં જઈનેજ ખબર પડશે....!” અંકિતા પણ એવાંજ ચિંતાતુર ચેહરે બોલી “ચાલ...! તું ચિંતા નાં કર....!”અંકિતાએ લાવણ્યાનાં ખભે હાથ મૂક્યો “હું છુંને તારી જોડે....! હમ્મ...! આજે એણે કોઈ બબાલ કરી....! તો ગઈ એ સમજીલે....!”
“નાં....નાં.....! એવું કઈં નઈ કરવું મારે....!” લાવણ્યા હવે કોલેજનાં બિલ્ડિંગ તરફ ચાલવાં લાગી “એ સિડની ફિયાન્સ છે....! તું સિડને ખોટું લાગી જાય એવું કઈં નાં કરતી....!”
“અરે પણ.....!” અંકિતા પણ જોડે ચાલવાં લાગી.
“મેં કીધુંને …..! “ લાવણ્યાએ હાથ કરીને અંકિતાને વચ્ચે ટોકી “મારે કોઈ માથાકૂટ નઈ કરવી....! બસ એ શું કે’છે એ સાંભળી લેવું છે....!”
અંકિતાએ મોઢું મચકોડયું. બંને હવે કોરિડોરમાં આવી ગયાં. થોડું ચાલી તેઓ કોલેજનાં ડ્રામા સ્ટુડિયો તરફ જવાં કોરિડોરમાં વળી ગયાં.
-----
“બધાં પાછાં કેમ જાય છે.....!?” ડ્રામા સ્ટુડિયોની બહાર નીકળી રહેલાં અન્ય સ્ટુડન્ટ્સને જોઈને અંકિતા બબડી “યૂથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવાંવાળાં સ્ટુડન્ટ્સ છે આ બધાંતો...!”
નેહાનો મેસેજ વાંચી લાવણ્યા અંકિતા જોડે કોલેજનાં ડ્રામા સ્ટુડિયો આવી પહોંચી હતી. તેઓ હજી સ્ટુડિયોનાં દરવાજે પહોંચ્યાંજ હતાં ત્યાં અંદરથી યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેવાંવાળા સ્ટુડન્ટ્સ બહાર નીકળી રહ્યાં હતાં.
“ઓયે...! તમે લોકો પાછાં કેમ જાવ છો...!?” સ્ટુડિયોનાં દરવાજેથી નીકળી તેમની જોડેથી પસાર થઈ રહેલી એક છોકરીને ઊભી રાખીને અંકિતાએ પૂછ્યું.
“નેહાએ અમને અમારી એક્ટની તૈયારીનું કામ સોંપી દીધું....! એટ્લે હવે અમે અમારી તૈયારી કરીએને...!” તેણીએ કહ્યું અને ચાલવાં લાગી.
અંકિતા અને લાવણ્યાએ એકબીજાંનાં મોઢા તાકયાં અને છેવટે ધિમાં પગલે અંદર સ્ટુડિયોમાં દાખલ થયાં.
----
અંદર પ્રવેશતાંજ લાવણ્યા અને અંકિતાએ જોયું કે ડ્રામા સ્ટુડિયોમાં બનેલાં સ્ટેજની જોડે એક ચેયરમાં નેહા બેઠી હતી. તે નોટપેડમાં કઈંક લખી રહી હતી.
નેહાની નજર બંને ઉપર પડતાંજ તે ચેયરમાંથી ઊભી થઈ ગઈ અને સામે ચાલીને અંકિતા અને લાવણ્યા તરફ આવી.
“ન....નેહા....!” લાવણ્યા તેણી જોડે આવીને બોલવાંજ જતી હતી ત્યાંજ તે નેહાનાં કપડાં જોઈને અટકી ગઈ.
આજ સુધી કોલેજમાં કદી નાં પહેર્યા હોય એવાં મોડર્ન કપડાં તેણીએ પહેર્યા હતાં.
બ્લેક કલરની નેટવાળી બાંયોવાળી હાલ્ફ ટી શર્ટ જેમાં તેની આખી કમર ખુલ્લી દેખાતી હતી. નીચે અતિશય ટાઈટ લૉ-વેઈસ્ટ જીન્સ જે તેણીની નાભીથી ખાસું નીચું હતું. તેણે પોતાનાં વાળ હાઈલાઇટ કરાવ્યાં હતાં અને ખુલ્લાં રાખ્યાં હતાં. એકદમ મોડર્ન લૂકમાં “હોટ” લાગી રહેલી નેહાને લાવણ્યા બે ઘડી જોઈજ રહી.
“Wow....!” લાવણ્યાની જોડે આવીને ઊભેલી અંકિતાથી પણ નેહાને જોઈને બોલાઈ ગયું “તને શું થઈ ગ્યું...!?”
“યૂથ ફેસ્ટિવલની તૈયારીઓ કેવી ચાલે છે....!?” નેહાએ અંકિતાનાં સવાલને અવગણીને પૂછ્યું “યૂથ ફેસ્ટિવલમાં તું કયું સોંગ ગાવાની છે...!?” નેહાએ લાવણ્યા સામે જોયું.
“ત....તે કીધુંતુંને....! બેપનાહવાળું.....! એજ...!”” લાવણ્યાએ ડરતાં-ડરતાં જવાબ આપ્યો. તેણીની નજર હજીપણ નેહાની ખુલ્લી કમર ઉપરથી હટી નો’તી રહી.
“અને સોલો રેમ્પ વૉકમાં ક્યાં કપડાં અને થીમ ડીસાઇડ કર્યા....!?” નેહાએ હવે નોટપેડનાં પાનાં ઊથલાવતાં- ઊથલાવતાં ફરીવાર લાવણ્યાને પૂછ્યું.
“મ્મ....! થીમતો....! તું કેવાની હતીને...!?” લાવણ્યાએ એજરીતે જવાબ આપ્યો અને ફરીવાર નેહાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ “બ...બવ મસ્ત લ.....લાગે છે તું આજે....!”
લાવણ્યા બોલી. અંકિતાએ દયાજનક ચેહરે લાવણ્યા સામે જોયું. લાવણ્યાનાં ચેહરા ઉપર પોતાનાં માટે જે લઘુતાગ્રંથીનો જે ભાવ નેહાને જોઈને જાગ્યો હશે તે સ્પષ્ટપણે દેખાઈ આવ્યો.
નેહાએ કોઈપણ જાતનાં હાવભાવ વિનાં નોટપેડમાં જોયે રાખ્યું અને તેનાં પાનાં ઊથલાવે રાખ્યાં. કેટલીક ક્ષણો તે એમજ કરતી રહી. અંકિતા અને લાવણ્યા તેણીને જોઈ ચૂપચાપ જોઈ રહ્યાં.
“અમ્મ...! હું...! યૂથ ફેસ્ટિવલની બીજી તૈયારીઓમાં બીઝી છું....!” નેહા હજીપણ નોટપેડમાં જોઈ રહીને બોલી “મારે કપલ રેમ્પ વૉકની તૈયારીઓ પણ કરવાની છે...! અમ્મ...! એક કામ કર....!” નેહાએ હવે તેણીની નજર ઉઠાવી લાવણ્યા સામે જોયું
“બેપનાહવાળું સોંગ રે’વાંદે....! એ ઓલરેડી વાઈરલ થઈ ગયેલું છે....! તું તને ગમે એવું બીજું કોઈપણ સોંગ ગાઈલેજે....! રોમેન્ટીક હોય એવું...! હમ્મ....! અને સોલો રેમ્પ વૉકમાં પણ તને જે ઠીક લાગે એ કપડાં ચૂઝ કરી લેજે....! અમ્મ....! થીમ પણ...! તુંજ ડીસાઇડ કરીલે....! અને સોલો રેમ્પ વૉકમાં આપડી કોલેજની જે બીજી ગર્લ્સ છે એ બધાંને પણ તું થીમ અને કપડાં ડીસાઇડ કરીને કહી દેજે.....!”
નેહા બોલે જતી હતી, બોલતાં-બોલતાં તે કોઈ-કોઈવાર નોટપેડમાં જોઈ લેતી.
“યૂથ ફેસ્ટિવલનું ઓપેનિંગ તો આવતીકાલે સાંજે છે....! એટલે આજે અને કાલે સાંજ સુધી રિહર્સલ પણ કરી લેજો....! ઓકે...!”
એટલું બોલીને નેહા સ્ટુડિયોનાં મેઇન ડોર તરફ જવાં લાગી.
અંકિતા અને લાવણ્યા બેય નવાઈપૂર્વક નેહાને જતી જોઈ રહયાં.
“અને હાં....! અંકિતા....!” જતાં-જતાં નેહાએ પાછાં બેય તરફ જોઈને કહ્યું “સોલો રેમ્પ વૉકમાં એક-બે ગર્લ્સ ઓછી પડે છે.....! તો તું પણ લાવણ્યા અને બીજી ગર્લ્સ જોડે વૉક કરી લેજેને પ્લીઝ….!”
“હ.....હાં.....!” નેહાનાં બદલાયેલાં વર્તનને હજીપણ પચાવી નાં શકેલી અંકિતાથી પરાણે બોલાયું “શ....શ્યોર....!”
“અને તૈયારીમાં લાવણ્યાની થોડી મદદ પણ કરી દેજે હોં....! મારે હજી ઘણું કામ બાકી છે....! બાય...!” નેહાએ માથું ધુણાવ્યું અને પાછી ડ્રામા સ્ટુડિયોનાં મેઇન ડોર તરફ ચાલી ગઈ.
બંને નેહાને જતી જોઈ રહ્યાં. તેનાં સ્ટુડિયોનાં ડોરમાંથી બહાર નીકળી ગયાં પછી બંને મૂંઝાઈને એકબીજાંનાં મોઢા તાકી રહ્યાં.
“હું શ્યોર છું....!” થોડીવાર પછી એવાંજ ચેહરે લાવણ્યા સામે જોઈને અંકિતા બોલી “આ નેહા નો’તી.....!”
“એણે...કોઈ બબાલજ ના કરી.....!?” લાવણ્યા પણ હતપ્રભ ચેહરે મેઇન ડોર તરફ જોઈ રહીને બોલી “એવું કેવીરીતે શક્ય છે....!?”
“હમ્મ...! કોઈ ટોંન્ટ નઈ....! કોઈ ઇન્સલ્ટ નઈ....! કશુંજ નઈ.....! ખબર નાં પડી....!?” અંકિતા પણ મૂંઝાઈ રહીને બોલી.
“ફોટોઝ વિષે પણ કશું બબાલ નાં કરી....!” લાવણ્યા હવે પરેશાન થઈ ગઈ હોય એમ બોલી.
“એજ તો.....! આ તો હદ થઈ ગઈ....!”
“તને શું લાગે છે.....!?” લાવણ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું.
અંકિતા થોડીવાર સુધી વિચારે ચઢી ગઈ પછી બોલી –“કદાચ.....! તોફાન પે’લ્લાંની શાંતિ....!”
“અ....એટ્લે...!?”લાવણ્યા ડરી ગઈ હોય એમ બોલી.
“મારે કે’વું તો નો’તું પણ.....! પણ....! મલ્ટીપ્લેક્સવાળો ફોટો જોઈને એવું લાગે છે કે...કે.....!” અંકિતા સહેજ અટકી અને લાવણ્યા સામે જોઈને સહેજ ખચકાઈ.
“બ...બોલને....! કેમ અટકી ગઈ...!”
“શક્ય છે કે….. એ બંને એકબીજાંની વધુ નજીક આઈ ગ્યાં હોય....!”
અંકિતા બોલી અને લાવણ્યાનાં કાનમાં એ વાક્યનાં પડઘાં પડવાં માંડ્યાં.
“બંને એકબીજાંની વધુ નજીક આઈ ગ્યાં હોય....!”
તે શૂન્યમનસ્ક થઈ ગઈ અને તેણીની નજર સામે સિદ્ધાર્થ અને નેહાનો એ ફોટો તરવરી ઉઠ્યો.
-----
“ઓહો....! કેન્ટીનમાં જબરો કોલાહલ ચાલે છે....!” અંકિતાએ લાવણ્યાને કહ્યું.
ડ્રામા સ્ટુડિયોમાં નેહાને મળ્યાં બાદ બંને કેન્ટીનમાં પોતાનાં ગ્રૂપનાં ટેબલ તરફ જઈ રહ્યાં હતાં.
“આજે તો બધાં આઈ ગ્યાં છે....!” ટેબલની આજુબાજુ બેઠેલાં પ્રેમ અને બીજાં ફ્રેન્ડ્સને જોઈને અંકિતા બબડી.
લાવણ્યાએ એ તરફ જતાં-જતાં બધાં તરફ એક નજર નાંખી.
“ગૂડ મોર્નિંગ....!” અંકિતાએ ટેબલ જોડે પહોંચતાંજ બધાંને ઉદ્દેશીને કહ્યું.
“અરે આજેતો ખરેખર બહુ જોરદાર મોર્નિંગ થઈ ગઈ....!” પ્રેમ જોડે બેઠેલો રોનક બોલ્યો.
“કેમ શું થયું....!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.
“અરે નેહા.....!” રોનક બોલ્યો અને પ્રેમની સામે સ્મિત કરીને જોયું.
પ્રેમે તેનાં મોબાઇલમાં જોઈ રાખી સ્મિત કરીને માથું ધૂણાવ્યું.
“તું કઈશ હવે.....!” અંકિતા સહેજ ચિડાઈ.
“અરે એ હમણાંજ આવી’તી....! તમારું બેયનું પૂછતી’તી....!” રોનક બોલ્યો “બે યાર શું લાગતી’તી કઈં આજે....! ઝક્કાસ.....!”
અંકિતાની જોડે ઊભેલી લાવણ્યાનું મોઢું ઉતરી ગયું.
“ખરેખર મસ્ત લાગતી’તી.....!” પ્રેમ પણ તેનું સ્મિત દબાવી રાખીને બોલ્યો.
“તમે છોકરાઓ બધાં એક જેવાંજ હોવ છો...!” અંકિતા મોઢું બગાડી માથું ધૂણાવતાં બોલી “ચીકણી કમર જોઈ નથી કે લપસ્યાં નથી....!”
“સાચી વાત હોં....!” ત્રિશા જોડે બેઠેલી કામ્યા બોલી.
“અરે પણ આખી કેન્ટીન એનેજ જોતી’તી....!” પ્રેમ બોલ્યો અને રોનકને કોણી મારી.
લાવણ્યાની હાલત હવે જાણે કાપોતો લોહી નાં નીકળે એવી થઈ ગઈ.
“તો શું.....! કેન્ટીનનાં બધાં છોકરાઓનાં મોઢા જોવાં જેવાં હતાં....!” રોનક જાણે પ્રેમને સપોર્ટ કરતો હોય એમ બોલ્યો “હજીય બધાં છોકરાંઓ એનીજ વાત કરે છે.....! એનાં ગ્યાં પછીજ કેન્ટીનમાં આટલો કોલાહલ ચાલું થઈ ગ્યો....!”
“હું....! અ....! વૉશરૂમ જઈને આવું....!” એટલું કહીને લાવણ્યા તરતજ પાછી ફરી અને જવાં લાગી.
“અરે....!” અંકિતાએ હાથ કરીને લાવણ્યાને રોકવાંનો પ્રયત્ન કર્યો પછી પાછાં ફરી ચિડાઈને પ્રેમ અને રોનક સામે જોયું.
“સોરી.....!” રોનક કાન પકડીને બોલ્યો.
માથું ધૂણાંવતી અંકિતા લાવણ્યા પાછળ ગઈ.
----
“સિડ.....! ક્યાં છે તું....!?” લાવણ્યા ફોનમાં સિદ્ધાર્થનો ફોટો જોઈને મનમાં બબડી.
એકાઉન્ટનો લેકચર ચાલી રહ્યો હતો. જોકે લાવણ્યાનું ધ્યાન એક સેકંન્ડ માટે પણ લેકચરમાં નહોતું લાગતું. સવારે નેહાએ જે “સારું” બિહેવિયર કર્યું એને હજી સુધી લાવણ્યા કે અંકિતા પચાવી નહોતી શકી. એટલું ઓછું હોય તેમ અંકિતાએ જે કહ્યું એ લાવણ્યાનાં મનમાં હજીપણ ઘૂમી રહ્યું હતું.
“બંને એકબીજાંની વધુ નજીક આઈ ગ્યાં હોય....!”
“મને ખબર છે.....! એણે જોરજોરાઈથી ફોટાં પાડ્યાં છે....!” લાવણ્યા તેનાં ફોનમાં નેહાની એફબી વૉલ ઉપર સિદ્ધાર્થનાં ખોળાંમાં નેહાનો ફોટો જોઈને બબડી. તેણીની આંખ ભીંજાઈ ગઈ.
“આખી કેન્ટીન નેહાને જોતી હતી....!” કેન્ટીનમાં પ્રેમે કહેલાં એ શબ્દો પણ લાવણ્યાનાં મનમાં વાગી રહ્યાં હતાં. નેહાને જોઈને લાવણ્યાનો પોતાની ઉપરથી કોન્ફિડેંન્સ જાણે તૂટી રહ્યો હતો.
----
“અંકિતા....! તું આજનો દિવસ રેમ્પ વૉકની તૈયારીમાં મારી હેલ્પ કર....!” લાવણ્યા જોડે ચાલી રહેલી અંકિતાને કહી રહી હતી “હું સાંજે ઘરેજ મારે જે સોંગ ગાવાનું છે એ સિલેક્ટ કરીને રિહર્સલ કરી લઇશ...!”
બપોરે લંચ પછી બંને પાછાં ડ્રામા સ્ટુડિયો તરફ જઈ રહ્યાં હતાં. લાવણ્યાએ મહામુસીબતે પોતનાં મનનાં વિચારોને ડાયવર્ટ કર્યા હતાં અને યૂથ ફેસ્ટિવલની તૈયારીમાં લાગી હતી.
“તે હજી સુધી કયું સોંગ ગાવું એ નથી વિચાર્યું....!?” જોડે ચાલી રહેલી અંકિતા બોલી.
“નાં....! વિચારુંજ છું....!” લાવણ્યા બોલી.
“મારી કોઈ હેલ્પ જોઈએતો કે’જો.....!” બંનેની પાછળ ચાલી રહેલો વિવાન બોલ્યો.
“નાં નઈ જોઈતી....!” અંકિતા સાવ rudely બોલી.
“જોઈએ છે....!” લાવણ્યાએ ચાલતાં-ચાલતાં અંકિતાનાં ખભે ટપલી મારી.
“તું બોયઝનાં સોલો રેમ્પ વૉક માટે થીમ અને કપડાં ડીસાઇડ કરીલેને...!” લાવણ્યા ડ્રામા સ્ટુડિયોનાં દરવાજે ઊભી રહીને બોલી “અને જે છોકરાંઓ સોલો રેમ્પ વૉકમાં રે’વાંનાં છે એ બધાંની જોડે કૉઓર્ડિનેટ કરી એમને રિહર્સલ માટે સ્ટુડિયોમાં લઈ આવ....!”
“હાં સારું...!” વિવાન બોલ્યો અને પાછું ફરીને જવાં લાગ્યો.
“અને હાં સાંભળ....!” અંકિતાએ તેને જતાં ટોક્યો “આ તારી લાંબી જટાંઓ કપાવી નાંખજે....! અને સરખાં કપડાં પે’રજે....!”
અંકિતાએ વિવાનનાં માથેથી નીચે પગ સુધી હાથ કરીને કહ્યું. વિવાને રેડ ચેક્સ શર્ટ પહેર્યો હતો અને તેનાં લાંબાવાળની લટો તેનાં કપાળ ઉપર આવી ગઈ હતી.
“બોયઝનું લિસ્ટ કોની જોડે છે...!?” વિવાને અંકિતા સામે અકળાઈને થોડીવાર જોયે રાખ્યું પછી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.
“નેહા જોડેથી લઇલેજે....!” લાવણ્યાએ કહ્યું.
વિવાને માથું ધુણાવ્યું અને ફરી જવાં લાગ્યો.
“ઓયે ઊભોરે...!” અંકિતાએ ફરીવાર તેને ટોક્યો.
“શું છે પણ હવે તારે....!?” પાછું ફરી વિવાન કંટાળ્યો હોય એમ અકળાઈને બોલ્યો.
“ન....નેહા જોડેથી લિસ્ટ લઈને હું તને વોટ્સએપ કરું છું...!” અંકિતાને નેહાનું “મોડર્ન રૂપ” યાદ આવી જતાંજ તે બોલી પડી “ત...તું એની જોડે નાં જતો....! તું લાવણ્યાની બીજી હેલ્પ કર...!”
“અરે પણ...!”
“જોડે નાં જતો એટલે...!?” લાવણ્યા કઈં બોલે એ પહેલાં વિવાન મૂંઝાઈને બોલ્યો.
“અરે એ ચાંપલી બબાલીયણ છે...!” અંકિતા તેનો પંજો વિવાન સામે કરીને બોલી “તું....!”
“અંકલીઈઈ......!” લાવણ્યા પોતાની કમરે હાથ મૂકીને આંખો મોટી કરીને બોલી “એને જવાંદે....!”
વિવાન થોડીવાર અંકિતા સામે અકળાઈને જોઈ રહ્યો અને પછી માથું ધૂણાવતો જવાં લાગ્યો.
“એનાં મોઢાં સિવાય બીજે ક્યાંય જોતો નઈ....!” જઈ રહેલાં વિવાનને અંકિતા ચેતવણી આપતી હોય એમ મોટેથી બોલી “નઈતો માથું ફોડી નાંખીશ તારું....!”
વિવાને પાછાં ફરી વ્યંગ કરતો હોય એમ કશું બોલ્યાં વગર અંકિતાને સેલ્યુટ કર્યું અને જતો રહ્યો.
“હાય હાય....! અંકલી...!” લાવણ્યા હસી પડી “શું તું પણ...!”
“અરે છોકરાઓ આજરીતે સીધાંરે....!” અંકિતા બોલી “નઈતો નેહા જેવી કમર જોઈને લપસી પડતાં એમને વાર ના લાગે...!”
“વિવાન એવો છોકરો નથી....!”
“હમ્મ….! આઈ નો....! ચાલ હવે....!” લાવણ્યાનું બાવડું પકડીને અંકિતા ડ્રામા સ્ટુડિયોમાં જવાં લાગી “બધી ગર્લ્સ આપડી વેઇટ કરતી હશે...! રેમ્પ વૉકની તૈયારીઓ કરી લઈએ....!”
-----
સાંજે લગભગ છએક વાગ્યા સુધી રેમ્પ વૉકની તૈયારીઓ ચાલી. વિવાન પણ બીજાં બોયઝને લઈને ડ્રામા સ્ટુડિયોમાં આવી ગયો અને તૈયારીઓમાં જોડાઈ ગયો.
લાવણ્યા અને વિવાને પોત-પોતાની રીતે ગર્લ્સ અને બોયઝનાં સોલો રેમ્પ વૉકની થીમ નક્કી કરી લીધી. રેમ્પ ઉપર કેવીરીતે ચાલવાનું છે એની પ્રેક્ટિસ કર્યા પછી લાવણ્યા, અંકિતા અને વિવાન થીમ મુજબ રેમ્પ વૉકમાં પહેરવાં માટેનાં કપડાંની શોપિંગ કરવાં માટે જઈ આવ્યાં.
દિવસ આખો અંકિતા અને વિવાન વચ્ચે મીઠી ચકમક ઝાર્યા કરતી. લાવણ્યા હસતાં-હસતાં બંનેને “છોડવાં”નો ટ્રાય કરતી રહેતી.
નેહા પણ પોતાની રીતે કપલ રેમ્પ વૉકની તૈયારીઓ ડ્રામા સ્ટુડિયોમાં કરી રહી હતી. જોકે યૂથ ફેસ્ટિવલને લગતી ઔપચારિક વાતચીત સિવાય તેણે લાવણ્યા જોડે કોઈ ખાસ વાતચીત નહોતી કરી. “સારાં” કહી શકાય તેવાં નેહાનાં આ બદલાયેલાં બિહેવિયરથી અંકિતા અને લાવણ્યાને ભારે આશ્ચર્ય થતું હતું.
“બાપરે....! કંટાળી જવાયું હોં....!” અંકિતાએ જોડે ચાલી રહેલી લાવણ્યાને કીધું.
“હમ્મ....!”
ડ્રામા સ્ટુડિયોમાં પ્રેક્ટિસ પૂરી કરીને બને લેડિઝ વૉશરૂમ તરફ જઈ રહ્યાં હતાં.
“હું શું કઉ છું....!” અંકિતા બોલી “આજે ગરબાંમાં જવાનું છે....!?”
“હાસ્તો.....!” લાવણ્યા ડોકું હકારમાં હલાવીને ભારપૂર્વક બોલી “આજે છેલ્લું નોરતું છે...! આજેતો ગરબાં ગાવાનાંજને....!”
“અમ્મ....! સિદ્ધાર્થ હજી આયો નઈ...!?” અંકિતા હવે ઊભી રહીને ધીરેથી બોલી “આઈ મીન...! એ કે’તો’તોને....! કે એ....! અ….!”
લાવણ્યાનું મોઢું તરતજ ઢીલું થઈ ગયું. અંકિતા બોલતાં-બોલતાં અટકી ગઈ. ઉદાસ થઈ ગયેલી લાવણ્યા વિચારે ચઢી ગઈ અને બેચેનીપૂર્વક આમ-તેમ જોવાં લાગી.
“એનો ફોન પણ ના આયોને....! નઈ...!?” થોડીવાર પછી અંકિતાએ પૂછ્યું.
દિવસ આખો લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થનાં વિચારો ચાલ્યાં કરતાં હતાં. આમ છતાં, વિવાન અને અંકિતાને મીઠી લડાઈઓને લીધે લાવણ્યાનું મન નેહા-સિદ્ધાર્થનાં વિચારોમાંથી થોડું ડાયવર્ટ પણ થઈ ગયું હતું અને આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો લાવણ્યાને ખબરજ ના પડી.
“તું જોજે લવ...! નવમાં નોરતે સાંજે આઠ વાગે જ્યારે તમે લોકો તૈયાર થઈને પાર્ટી પ્લૉટમાં પહોંચશો....! હું ત્યાં હાજરજ હોઈશ...!” લાવણ્યા હવે સિદ્ધાર્થ સાથે છેલ્લે થયેલી વાતચિત યાદ કરી રહી.
“એણે પ્રોમિસ કરી’તી કે....! એ...એ...! સાંજે આઠ વાગે પાર્ટી પ્લૉટમાં આઈ જશે...!” લાવણ્યા અંકિતાને સમજાવતી હોય એમ બોલી “આપડે તૈયાર થઈને પોં’ચીશું....! ત્યારે એ ત્યાં આઈ ગ્યો હશે....!”
અંકિતા દયાપૂર્વક લાવણ્યા સામે જોઈ રહી. લાવણ્યા કદાચ તેનું મન મનાવી રહી હતી.
“પણ તને યાદ છેને....! આપડે આજે સવારે નક્કી કર્યું હતું....!” અંકિતા હવે લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં એમની વચ્ચે સવારે થયેલી વાત યાદ કરાવાં લાગી “કે આ વખતે એ લેટ આવે તો તારે એનાંથી રૂઠી જવાનું છે....! હમ્મ.....!” અંકિતાએ વ્હાલથી લાવણ્યાની દાઢી ઉપર હાથ મૂક્યો.
લાવણ્યાએ ભીની આખે હળવું સ્મિત કર્યું.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.
“કામ્યાનો ફોન છે...!” લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીન ઉપર નંબર જોઈને કહ્યું.
“અરે તમે લોકો ક્યાં છો....!?” લાવણ્યાએ ફોન ઊપડતાંજ સામેથી કામ્યાએ કહ્યું “પાર્લરમાં નથી જવાનું તૈયાર થવાં....! સવાં છ થવાં આયાં....!”
“હાં....હાં....! અમે બેય આઈએજ છે....!” લાવણ્યાએ કહ્યું.
“અમે લોકો ગેટ આગળ ઊભાં છે....! જલ્દી આવો...!”
“હાં સારું....! બાય...!” લાવણ્યાએ ફોન કટ કર્યો અને અંકિતા સામે જોયું “ચાલ જલ્દી....! ફ્રેશ થઈને જઈએ....!”
“તું ચણિયા ચોલી લાવી છેને....!?” અંકિતાએ લેડિઝ વૉશરૂમમાં એન્ટર થતાં પૂછ્યું.
“હાં....!” લાવણ્યાનાં મોઢા ઉપર સ્મિત આવી ગયું.
“અરે....! વાહ....! મલકાઈ એટલે કઈં ખાસ વાત છે....! બોલ...બોલ...!” અંકિતાએ વૉશરૂમનાં મિરરમાં જોઈને બેઝિનનો નળ ચાલું કરતાં પૂછ્યું.
“એ તને ખબર પડી જશે....!” લાવણ્યાએ આંખ મિચકારી અને નીચાં નમીને પોતાનું મોઢું ધોવાં લાગી.
----
“અરે લાવણ્યા કેટલે રઈ....!?” કામ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું.
ગ્રૂપની બધી ગર્લ્સ સાંજે લૉગાર્ડનનાં પાર્લરમાં તૈયાર થઈને મોલ આગળ વેઇટ કરી રહી હતી. બાકીનાં બધાં રેડી થઈને નીચે આવી ગયાં હતાં. લાવણ્યા હજીપણ પાર્લરમાંજ હતી.
“આઈ ગઈ...!” ત્યાંજ પાછળથી લાવણ્યાનો અવાજ સંભળાયો.
બધાંએ પાછાં ફરીને જોયું.
“wow….! શું જોરદાર ચણિયાચોલી છે લાવણ્યા...!” ત્રિશાએ લાવણ્યાને ઉપરથી નીચે સુધી જોઈ આંખો મોટી કરીને કહ્યું.
“હાં સાચે....!” કામ્યા પણ એજરીતે જોઈને હળવાં સ્મિત સાથે બોલી.
“છેને.....! મસ્ત....!” ખુશ થઈ ગયેલી લાવણ્યા ગોળ-ગોળ ફરીને ચણિયાચોલી બતાવતી હોય એમ બોલી.
“પણ....! આ ચણિયા ચોલી તો તે શોપિંગ વખતે નો’તી લીધીને...!?” ત્રિશાએ યાદ કરીને કહ્યું.
“નાં.....! નો’તી લીધી....!” લાવણ્યાએ અંકિતા સામે જોઈને સ્મિત કર્યું.
“હાં....! અને તારી દાઢી ઉપર આ ત્રણ ટપકાં ....! એકદમ મસ્ત દેસી લૂક લાગે છે હોં....!” અંકિતા આંખ મીંચકારીને બોલી.
લાવણ્યાએ પણ જવાબમાં રમતિયાળ સ્મિત કર્યું.
“હવે અમને કે’શો....! શું વાત છે...!?” અંકિતા અને લાવણ્યાનાં ઇશારાં સમજી ગયેલી કામ્યાએ પૂછ્યું.
“આ ચણિયાચોલી સિદ્ધાર્થે ગિફ્ટ આપી છે....!” અંકિતાએ ફોડ પાડતી હોય એમ સ્માઇલ કરીને બોલી.
બરોડાંમાં જે લેહરિયાની પ્રિન્ટવાળી ચણિયાચોલી સિદ્ધાર્થે ગિફ્ટ આપી હતી લાવણ્યાએ એજ પહેરી હતી. તેમજ એવાંજ દેશી લૂકમાં એ તૈયાર થઈ હતી.
“સિડ...! ક..ક્યારે..! એ આઈ ગ્યો...!?” કામ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.
“ઊંહુ....! નઈ આયો હજી....!” લાવણ્યાએ સહેજ ઉદાસ સ્વરમાં માથું ધૂણાવીને કહ્યું.
“અરે ....છોડોને એ બધી વાત....!” અંકિતા વાત બદલાતાં બોલી “બધાં છોકરાઓ પાર્ટી પ્લૉટ ઉપર પોં’ચી ગ્યાં હશે....! ચાલો જલ્દી...!”
પહેલાં અંકિતા અને પછી તેની પાછળ બીજી ગર્લ્સ મોલનાં ઓટલાંનાં પગથિયાં ઉતરવાં લાગી.
“રઘુનાથ અંકલ પણ ક્યારનાં રાહ જોવે છે...!” ત્રિશા ચાલતાં-ચાલતાં બોલી.
----
“આજે તમે લોકો લેટ પડ્યાં..!” બધી ગર્લ્સ પાર્ટી પ્લૉટ પહોંચીજ હતી ત્યાંજ રોનક બોલી ઉઠ્યો.
“નાં....! હજી પણ બધાં બોયઝ નથી આયાં...!” ત્રિશા બોલી .
“કેમ....!? આઈ તો ગ્યાં....!?” પ્રેમ તેની ભ્રમરો સંકોચીને બોલ્યો.
“અરે કેમ....!” ત્રિશાએ હવે મલકાઈને અંકિતા સામે જોયું “એક “ડોબું” હજી બાકી છે....!”
“એ ત્રિશાડી....!” અંકિતાએ પરાણે પોતાનું હસવું દબાવ્યું અને ત્રિશા સામે હાથ કરીને બોલી.
“અરે એ અંદરજ છે...!” રોનક હસતાં-હસતાં બોલ્યો “પાણીની બોટલ લેવાં ગ્યો છે...!”
“લાવણ્યા....! આજેતો તું એકદમ દેસી લૂકમાં આઈ ગઈ...!?” રોનક બોલ્યો “મસ્ત લાગે છે હોં...!”
“એનાં લૂકની ચર્ચા પછી...!” અંકિતા લાવણ્યાનો હાથ પકડીને બોલી “પે’લ્લાં અંદર ચાલો....! નઈતો ઓલું ડોબું બધી ઘાંસ ચરી લેશે....!”
બધાં હસી પડ્યાં અને અંદર જવાં લાગ્યાં.
પાર્ટી પ્લૉટમાં અંદર પહોંચીને બધાં ટોળુંવળીને એક જગ્યાએ ઊભાં રહ્યાં.
“વિવાન ક્યાં છે....!?” આજુબાજુ ડફોળીયાં મારતી અંકિતા બોલી “દેખાતો નથી...!”
“હું ફોન કરું એને....!” પ્રેમ બોલ્યો અને તેનાં કુર્તાનાં પોકેટમાંથી તેનો મોબાઇલ કાઢી વિવાનનો નંબર ડાયલ કર્યો “એને અહીંયાજ બોલાઈ લઉં.....!”
“હાં....! અમે લોકો ગરબાં ચોકનાં ગેટ આગળ ઊભાં છે....!” વિવાને ફોન ઉપાડતાં પ્રેમ સહેજ ઊંચા સ્વરમાં બોલ્યો.
“આવું ....! બે મિનિટ....!” વિવાને સામેથી કહ્યું.
બંનેએ ફોન કટ કર્યો.
“એ....! જો....!” ત્રિશાએ સામે હાથ કરીને કહ્યું “નેહા.....!”
બધાંએ એ તરફ જોયું. નેહા સિદ્ધાર્થનાં મામા જોડે ચાલતી-ચાલતી ગરબાં સોંગ્સ ગાઈ રહેલાં ઓરકેસ્ટ્રાનાં સ્ટેજ તરફ જઈ રહી હતી. લાવણ્યાએ પણ નેહાને જતી જોઈ. સવાર કરતાં અલગ અત્યારે નેહાએ એકદમ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતાં. કાંચનાં સ્ટોન જાડેલો ક્રીમ કલરનો પંજાબી ડ્રેસ અને એવાંજ સ્ટોન જાડેલો દુપટ્ટો તેણીએ તેનાં એક ખભે નાંખેલો હતો. સિદ્ધાર્થનાં મામા સાથે તે કાઇંક વાત કરતી-કરતી સ્ટેજ તરફ જઈ રહી હતી.
ઢીલી થઈ ગયેલી લાવણ્યા નેહાને સિદ્ધાર્થનાં મામા જોડે ચાલતી જતી જોઈ રહી.
“બહુ સરસ લાગે છે... !” પ્રેમથી બોલાઈ ગયું.
પછી તેણે માફી સૂચક નજરે લાવણ્યા સામે જોયું. લાવણ્યાએ આડું જોઈ લીધું.
“અરે આ ડોબું ક્યાં રઈ ગયું....!?” લાવણ્યાનું મૂડ બદલવાં આજુબાજુ ડાફોળીયાં મારતી અંકિતા બોલી.
ઉદાસ થઈ ગયેલી લાવણ્યાથી હસી પડાયું.
થોડીવાર બધાં મૌન થઈને ઊભાં રહ્યાં. વિવાન પાણીની બોટલ લઈને બધાં પાસે આવ્યો.
પ્રેમ, રોનક અને ત્રિશાએ પાણીની બોટલ લીધી અને પાણી પિવાં લાગ્યાં.
“લાવણ્યા....!? શું ગોતે છે તું...!?” ક્યારની બેચેનીપૂર્વક આમતેમ જોઈ રહેલી લાવણ્યાને જોઈને ત્રિશાએ પૂછ્યું.
“સિડ નઈ દેખાતો...!” ઉચાટભર્યા સ્વરમાં લાવણ્યાથી બોલાઈ ગયું પછી વાત સંભાળતાં બોલી “એટ્લે...! એટ્લે....! એણે કીધું’તું કે ....! એ આપડાં પે’લ્લાં આઈ જશે.....!”
“અમેતો એને અંદર આવતાં નથી જોયો...!” પ્રેમ બોલ્યો “અમે કયારનાં ગેટ આગળજ ઊભા’તા...!”
“પણ....! એ....એ....તમારાં પે’લ્લાંજ આઈ ગ્યો હશેને...!” ચણિયાચોલીની ઓઢણી પોતાનાં હાથમાં ચોળતી લાવણ્યા બધાંને મનાવી રહી હોય એમ બોલી.
બધાં દયાપૂર્વક લાવણ્યાની સામે જોઈ રહ્યાં. લાવણ્યા રઘવાઈ થઈને ફરીવાર પાર્ટીપ્લૉટમાં આમતેમ જોવાં લાગી.
“અરે...! પ...પણ એને ફોન કરીલેને...!” લાવણ્યાનાં રઘવાટને જોઈને ત્રિશા ધીરેથી બોલી “આટલાં મોટાં પાર્ટી પ્લૉટમાં બે કોલેજની ભીડમાં ક્યાં દેખાશે એ...!? હમ્મ....!?”
“અરે હાં....! એતો હું ભૂલીજ ગઈ...!” એટલું કહીને લાવણ્યાએ હાથમાં પકડેલાં તેનાં મોબાઇલનું સ્ક્રીન લોક ખોલ્યું અને સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કર્યો.
“રિંગ વાગી....!” લાવણ્યા ઉત્સાહમાં આઈને બોલી.
“ન...નાં ઉપાડયો....!” આખી રિંગ વાગી જવાં છતાં સિદ્ધાર્થે ફોન નાં ઊપડતાં લાવણ્યાએ નિરાશ સ્વરમાં કહ્યું.
“હું ટ્રાય કરું....!” કામ્યાએ ઉચાટભર્યા સ્વરમાં કહ્યું અને તરતજ તેનાં ફોનમાં સિદ્ધાર્થનો નંબર ડાયલ કર્યો.
“ડચ....! સ્વિચ ઑફ બોલે છે....!” કામ્યા બોલી.
“એણે કીધું છે તો એ આઈ જશે....!” લાવણ્યાને વિશ્વાસ અપાવતી હોય એમ તેણીનો હાથ પકડી સામે જોઈ અંકિતા બોલી “ચાલો હવે આપડે ગરબાં ગાઈએ...!”
બધાં હવે ગરબાં ગાવાં ગરબાં ચોક તરફ જવાં લાગ્યાં.
----
“હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!
હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!”
દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનાં સ્વરમાં ગરબાંની ધૂમ ચાલી રહી હતી. હ્રદયમાં જાણે સુનામીનાં ઊંચા મોજાં ઊછળતાં હોય એમ છેલ્લાં નોરતાંનાં ગરબાંને મનભરીને માણી લેવાં રંગબેરંગી ચણિયાચોલી વગેરે ટ્રેડિંશનલ ડ્રેસિસમાં સજ્જ કોલેજનું યુવાધન હિલોળે ચઢ્યું હતું. સમુદ્રમાં આવેલાં તોફાનની જેમ પાર્ટી પ્લૉટ કોલેજનાં યુવાનોનાં ઉત્સાહથી ઘમરોળાઈ ગયો હતો. લાવણ્યા સહિત અંકિતા વગેરે પણ ગરબાં ગાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ વિના લાવણ્યા જોકે મન વગરની ગરબાં ગાઈ રહી હતી.
“તારા વિના વેરણ લાગે આ રાતડી...!
રાહ જોવે છે મારી આંખડી હો ઓ....!
હે કાના હું તને ચાહું... હું તને ચાહું...!”
ગરબાં સોંગ્સની લાઇન્સ જાણે લાવણ્યાનાં મનનીજ સ્થિતિ કહી રહી હોય એમ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાની આંખોમાં પાણી આવી ગયું. લગભગ સવા અગિયાર વાગવાં આવ્યાં હતાં. છતાંપણ સિદ્ધાર્થ હજી સુધી નહોતો આવ્યો. રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યાની ધીરજ પણ હવે જાણે ખૂટવાં લાગી હતી. લાવણ્યાની મનો:સ્થિતિને સમજતી અંકિતા પણ ગરબાં સોંગ્સની લાઇન્સ સાંભળીને જોડે ગરબાં ગાઈ રહેલી લાવણ્યા સામે દયાપૂર્વક જોઈ રહી.
“મિત્રો....! સવાં અગિયાર થઈ ગયાં છે....!”લગભગ પંદરેક મિનિટ પછી સ્ટેજ ઉપર ગાઈ રહેલાં ફાલ્ગુની પાઠક ગરબાં સોંગ્સ ગાતાં-ગાતાં પાર્ટી પ્લૉટમાં ગરબાં ગાઈ રહેલાં યુવાધનને ઉદ્દેશીને બોલ્યાં “નવરાત્રિ હવે વિદાય લઈ રહી છે...! તો બાકી બચેલાં સમયમાં મનભરીને ગરબાં માણી લેજો...!”
એટલું બોલીને તેઓ ફરી ગરબા સોંગ્સ ગાવાં લાગ્યાં. તેઓ બોલી રહ્યાં હતાં ત્યારે પણ ઓરકેસ્ટ્રાનું મ્યુઝિક ચાલતુંજ હતું.
નવરાત્રિની વિદાયની વાત સાંભળીને લાવણ્યા છેવટે રડી પડી અને રડતાં-રડતાં સર્કલમાંથી બહાર નીકળી ગઈ. સર્કલમાંથી નીકળીને તે ઉતાવળાં પગલે પાર્ટી પ્લૉટનાં લેડિઝ વૉશરૂમ તરફ ચાલી ગઈ.
“અરે લાવણ્યા....!” અંકિતા તરતજ તેણીની પાછળ જવાં લાગી.
બાકીનાં બધાં ગરબાં ગાવાનું છોડી ટોળુંવળીને ઊભાં રહી ગયાં.
----
“લાવણ્યા....! લાવણ્યા....!” અંકિતા હવે લાવણ્યાની પાછળ-પાછળ લેડિઝ વૉશરૂમમાં દાખલ થઈ.
“લાવણ્યા....!” મિરર સામે ઊભાં રહીને રોઈ રહેલી લાવણ્યાની પીઠ ઉપર હાથ મૂકીને અંકિતા ઢીલાં સ્વરમાં બોલી “બસ કર યાર....!”
“એ....એ....નાં.....આયો....!” ડૂસકાં ભરી રહેલી લાવણ્યા મિરરમાં અંકિતા સામે જોઈને બોલી “એણે...પ...પ્રોમિસ કરી’તી....! તોય ના આયો....! ન...નવરાત્રિ....પૂરી થઈ ગઈ....! તો...પણ ન....ના આયો....!”
“લાવણ્યા....! બસ....!” અંકિતાએ લાવણ્યાને ગળે વળગાળી દીધી “જવાંદે હવે....!”
અંકિતાને વળગીને લાવણ્યા ક્યાંય સુધી ડૂસકાં ભરી-ભરીને રડતી રહી. કઈંપણ બોલ્યાં વગર અંકિતાએ તેણીને રડવાં દીધી જેથી તેનું મન હળવું થઈ જાય.
“લે....! મોઢું લૂંછીલે....!” થોડીવાર પછી અંકિતાએ લાવણ્યા સામે તેનો હેંન્કી ધરતાં કહ્યું.
લાવણ્યા હેંન્કી લઈને પોતાનું મોઢું લૂંછવાં લાગી. તેને હજીપણ ક્યારેક-ક્યારેક ડૂસકાં આવી જતાં હતાં.
“કદાચ.....! એ નઈ આવે...!” આડું જોઈ લાવણ્યા ઢીલાં ચેહરે બોલી. રોકવાંનો પ્રયત્ન કરવાં છતાં લાવણ્યાની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી.
“સાચું કહું તો....! તો....!” અંકિતાએ સહેજ અટકાઈને લાવણ્યા સામે જોયું. તે હજીપણ આડું જોઈ રહી હતી.
“તો મને આજે સવારે નેહાનું એ બિહેવિયર જોઈનેજ ખબર પડી ગઈ હતી.....!”
“એટ્લે....!?” લાવણ્યાએ મૂંઝાઇને અંકિતા સામે જોયું.
“આજે નેહાનું બિહેવિયર એવું હતું....! જાણે.....! જાણે એને તારાં અસ્તિત્વથી કોઈ ફરકજ ના પડતો હોય...!” અંકિતા પરેશાન સ્વરમાં બોલી “એને....! જાણે સિદ્ધાર્થ મળી ગ્યો હોય....!”
લાવણ્યાને ફરીવાર એક ડૂસકું આવી ગયું.
“આવ....આવું...! કેમ બોલે છે તું....!”
“યાદ છે...! મલ્ટીપ્લેક્સવાળો ફોટો જોઈને...! સવારે મેં તને નો’તું કીધું….!” લાવણ્યાના બાવડાં ઉપર હાથ મૂકીને અંકિતા બોલી “કે....! શક્ય છે....! એ બંને એકબીજાંની વધુ નજીક આઈ ગ્યાં હોય....!?”
લાવણ્યા શૂન્યમનસ્ક થઈને અંકિતાની વાત સાંભળી રહી.
“કદાચ સિદ્ધાર્થે હવે.....! હવે....! અ....! નેહાને એકસેપ્ટ કરી લીધી હોય....!”
“નઈ....નઈ....! એને એ નઈ ગમતી....! એને એ ....એ....નઈ ગમતી....!” લાવણ્યા અંકિતાનાં ખભે હાથ મૂકીને તેને મનાવી રહી હોય એમ બોલી.
“લાવણ્યા....! કદાચ તને યાદ નથી....! પણ...! નેહા માટેજ સિદ્ધાર્થ અમદાવાદ આયો’તો...!” તેણી સામે દયાપૂર્વક જોઈ રહીને અંકિતા બોલી.
“પણ....એને....! હું....હું....ગમું છું....!”
લાવણ્યા ફરીવાર ઢીલી થઈ ગઈ.
“સિદ્ધાર્થના ખોળામાં નેહા ફોટો પાડવા જ્યારે બેઠી હશે ત્યારે સિદ્ધાર્થે નાં નઈ પાડી હોય......?” અંકિતાએ લાવણ્યાને પૂછ્યું.
“સ...સિડને એ ગમતી નથી એટ્લે એણે નાં પાડી જ હશે...!”
“ખોટુંનાં લગાડતી લવ....!” અંકિતા સમજાવતી હોય એમ ધિમાં સ્વરમાં બોલી “પણ મને લાગે છે સિધ્ધાર્થે ના નહીં જ પાડી હોય......! કેમકે કે મેરેજને બહુ દિવસ બાકી નથી....! અને કદાચ એણે હવે રિયાલીટી એકસેપ્ટ કરી લીધી હોય....! અને’…! હવે નેહા સાથે જ રહેવાનું છે એમ માનીને સિદ્ધાર્થે મન મનાવી લીધું હોય....!” અંકિતા સહેજ અટકી અને લાવણ્યા સામે જોઈ રહી.
સહેજ વધું અટકીને અંકિતા ફરી બોલી “અને સિદ્ધાર્થ પોતાની નજીક આવી ગ્યો એટ્લે જાણે એ જીતી ગઈ હોય એમ...! હવે નેહાને તારાં હોવાં નાં હોવાંથી કોઈ ફરકજ નથી પડતો....!”
“નેહાને ફરક ત્યારે જ પડે જ્યારે સિધ્ધાર્થ મારી જોડે હોય છે.....!”
“હું જેલસીની વાત નથી કરતી લાવણ્યા...!”
“એવું પણ બની શકેને...!” લાવણ્યા થોડીવાર પછી વિચારતાં બોલી “કે નેહાએ શોપિંગ વખતે સિદ્ધાર્થની જોડે ક્લોઝ થવાનો ટ્રાય કર્યો હોય અને....!”
“પણ લાવણ્યા.... એ ફોટાં....!?” અંકિતા વચ્ચે બોલી.
“ક્લોઝ થવાનાં ચક્કરમાં એણે સિદ્ધાર્થ ઉપર જોરજોરાઈ કરીને પાડી લીધાં હશે....!” લાવણ્યા દલીલ કરતાં બોલી “આમ છતાં જ્યારે સિદ્ધાર્થે સહેજપણ ભાવ નાં આપ્યો હોય...! એટ્લે છંછેડાયેલી નેહાએ સિદ્ધાર્થના મોમ-ડેડને કહી દીધું હોય....!”
“જો એવું જ હોય....! લાવણ્યા....! તો....!” અંકિતાએ લાવણ્યા સામે જોયું “તો હવે સિદ્ધાર્થ હવે નઈજ આવે...!”
“અંકિતા....! આવું ના બોલને....!” લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઈ.
“લાવણ્યા....! તુંજ કે’છેને કે....! નેહાએ સિદ્ધાર્થના મમ્મી-પપ્પાને કહી દીધું હશે....! તો પછી તુંજ વિચાર ....! કે મેરેજના ગણીને વીસ દિવસ માંડ બાકી છે....! અને સિદ્ધાર્થનું મન હજીપણ તારાંમાં લાગેલું છે....! કયાં માં-બાપ એવું રિસ્ક લે કે એમનાં જે છોકરાંનાં મેરેજ વીસ દિવસ પછી છે એ છોકરો કોઈ બીજી છોકરીની જોડે ફર્યા કરે.....!? બોલ...!?”
લાવણ્યા વિચારે ચઢી ગઈ. અંકિતાની વાત તેણીને સાચી લાગી.
“ઉલ્ટાનું એ તો કોઈપણ રીતે સિદ્ધાર્થને ત્યાંજ રોકી રાખશે...!”
લાવણ્યા શૂન્યમનસ્ક થઈને જોઈ રહી.
“અને જો એ ખરેખર એ તને સાચો લવ કરે છે તો એ નેહાને ના કેમ પાડી દેતો નથી....!? એણે વચન તોડવું પડેતો તોડી દેવું જોઈએ...! એ નાહકની જિદ્દ કરે છે...!”
“નહીં....નહીં...! અંકિતા....! એ નાહકની જિદ્દ નઈ કરતો....! લાવણ્યા એકદમ સ્પષ્ટ સ્વરમાં વિશ્વાસપૂર્વક બોલી “એ સાચો છે....! વચન નિભાવવાની બાબતે....!”
“લાવણ્યા...! તું....!”
“અંકિતા....! હું પણ એવુંજ સમજતી’તી કે એ...! નાહકની જિદ્દ કરે છે...! પણ....!” લાવણ્યા એજરીતે બોલી “પણ....આજે જ્યારે....! એણે મને આપેલું વચન તોડ્યું....! ત્યારે મને સમજાયું....! કે....કે...! વચન પાલન એટલું મહત્વનું કેમ છે....!”
જાણે સિદ્ધાર્થ ઉપર ગર્વ કરતી હોય એમ લાવણ્યા સ્મિત કરીને બોલી રહી હતી. અંકિતા તેણીને સાંભળી રહી.
“તમે જ્યારે કોઈને વચન આપો છો....! તો સાથે-સાથે એક....એક....! ઉમ્મીદ....! એક હોપ આપો છો....! જેને તમે જેને વચન આપો એનાં ઈમોશન્સ પણ તમારી સાથે જોડાઈ જાય છે....! લાગણીઓ પણ જોડાઈ જાય છે....! તમારો વિશ્વાસ પણ...!
....અને જ્યારે....! એ વચન તૂટે છે....! તો...! બધીજ લાગણીઓ, બધીજ આશાઓ, ઉમ્મીદો, બધીજ ફીલિંગ્સ તૂટી જાય છે....! વિશ્વાસ પણ તૂટી જાય છે....! બધુ જ વહી જાય છે....!”
લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી. અંકિતાની આંખમાંથી હવે આંસુ પડવા લાગ્યાં. તે લાવણ્યા સામે જોઈ રહી.
“સિદ્ધાર્થ આ બધીજ વાતો સમજે પણ છે....! અને જાણે પણ છે....! એટ્લેજ એ વચન તોડવાંમાં નથી માનતો....!”
“પણ લાવણ્યા....! એ નેહાને લવ નથી કરતો....!” અંકિતા બોલી.
“પણ નેહાતો કરે છેને....!” લાવણ્યા સ્મિત કરીને અંકિતા સામે જોઈને બોલી “નેહાતો સિદ્ધાર્થને લવ કરેજ છે....! અને એ વાત સિદ્ધાર્થ જાણે છે...! એ કોઈને હર્ટ નઈ કરે એવો...! એ પોતે હર્ટ થશે...! આખી જિંદગી....! પણ....પણ બીજાંને નઈ કરે...!”
બંને મૌન થઈ ગયાં. લાવણ્યા ભીની આંખે સિદ્ધાર્થનો એ ચેહરો કલ્પી રહી.
“ચાલ....!” અંકિતાનો હાથ પકડીને લાવણ્યાએ પોતાની આંખનાં ખૂણા લૂંછતાં કહ્યું “ગરબાં ગાવાં.....! સાડાં અગિયાર થયાં છે...! હજીતો અડધો કલ્લાક બાકી છે...!”
“પણ....! લાવણ્યા....!?”
“એણે ભલે એનું પ્રોમિસ તોડ્યું.....!” લાવણ્યા સ્મિત કરીને બોલી “પણ હું મેં એને જે પ્રોમિસ આપ્યું હતું....! એ હું નઈ તોડું.....! બધાં નોરતે ગરબાં ગાવાંનું.....!”
લાવણ્યા હાથ ખેંચીને અંકિતાને લઈ જવાં લાગી. અંકિતાથી ફરીવાર રડાઈ ગયું. તે લાવણ્યાની પાછળ દોરવાઈ.
લેડિઝ વૉશરૂમમાંથી નીકળીને બંને હવે ગરબાં ચોક તરફ ચાલવાં લાગ્યાં. ગરબાં ચોક તરફ જતાં લાવણ્યાની નજર ગરબાં ગાઈ રહેલાં યુવાન-યુવતીઓ ઉપર પડી. તેણીને બરોડાંમાં સિદ્ધાર્થ સાથે વિતાવેલી ગરબાંની એ રાત આવી ગઈ. તેની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ.
----
“ચાલો...ચાલો....! જલ્દી સર્કલ બનાવો....!” ગ્રૂપ જોડે પહોંચીને લાવણ્યા ઉત્સાહપૂર્વક બોલી.
બધાં નવાઈપૂર્વક લાવણ્યાને જોઈ રહ્યાં. પછી અંકિતા સામે જોઈ રહ્યાં.
અંકિતાએ સ્મિત કરી ડોકી ધૂણાવીને ઈશારો કર્યો. બધાં સમજી ગયાં હોય એમ સર્કલ બનાવાં લાગ્યાં. સર્કલમાં બધાં ગરબાંનાં તાલે ઝૂમવાં લાગ્યાં.
સિદ્ધાર્થે તોડેલાં પ્રોમિસનાં દુ:ખને ભૂલવાનો પ્રયત્ન કરતી હોય એમ લાવણ્યા ખુશ થઈને ગરબે ઘુમવાં લાગી. હજીતો પાંચેક મિનિટજ વીતી હતી ત્યાંજ સર્કલ ફરી રહેલી લાવણ્યાનાં પગ સામેની બાજુ દેખાતાં એ દ્રશ્યને જોઈને થંભી ગયાં. તેણીની આંખો જાણે પલકારો મારવાંનું ભૂલી ગઈ હોય એમ લાવણ્યા એકીટશે એ જોઈ રહી. તેની આંખ પહેલાં ભીંજાઈ પછી તે રીતસરનું ડૂસકાં ભરવાં લાગી. લાવણ્યાને જોઈને ગ્રૂપનાં બધાં અટકી ગયાં. બધાંની નજર હવે લાવણ્યા જે તરફ જોતી હતી એ તરફ પડી.
એ સિદ્ધાર્થ હતો. લાવણ્યાએ જે બ્લેક કલરનો કુર્તો લઈ આપ્યો હતો એજ કુર્તા પહેરીને તે ગરબાં ચોકમાં અંદરની બાજુ લાકડાંની વાડ જોડે ઊભો હતો. ભીની આંખે તે પણ લાવણ્યા સામે જોઈ રહ્યો હતો. તેને જોઈને અંકિતા અને કામ્યાની આંખ પણ ભીંજાઈ ગઈ.
ધિમાં-ધિમાં પગલે લાવણ્યા હવે સર્કલની વચ્ચેથી ચાલતી સિદ્ધાર્થ તરફ જવાં લાગી. પોતાનાં ડૂસકાંને રોકવાનો પ્રયત્ન કરવાંમાં તેણીની આંખમાંથી આંસુ સરીને નીચે પડવાં લાગ્યાં.
“હવે એ પાછો આવે કે તું એનાંથી બરાબરની રૂઠી જજે....!” લાવણ્યાને હવે અંકિતાની વાત યાદ આવી ગઈ “અને જલ્દી માનતીજ નઈ....!”
જેમ-જેમ લાવણ્યા સિદ્ધાર્થની નજીક પહોંચતી ગઈ તેમ તેમ તેનાં મનમાં અંકિતાની એજ વાત ઘૂમરાવાં લાગી. તેનાં ડૂસકાં હવે શમી ગયાં અને પોતાનો ચેહરો લૂંછી તેણીએ પોતાની અંદર મીઠો ગુસ્સો ભરી લઈ પોતાનું મન કઠણ કર્યું.
“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!”
ત્યાંજ સ્ટેજ ઉપર ગાઈ રહેલાં ફાલ્ગુની પાઠકે ગરબાંનું એ સોંગ ગાયું.
લાવણ્યાએ એક નજર સ્ટેજ તરફની દિશામાં નાંખી અને અટકી ગઈ. પાછું સિદ્ધાર્થ સામે જોઈને તેણી મનમાં મલકાઈ.
પોતાનાં બંને હાથ સીધાં આગળ કરી, બંને હાથની હથેળીઓ જોડી સિદ્ધાર્થ સામે ખુલ્લી રાખી તેણીએ પોતાનો ચેહરો ઢાંક્યો. તેણી હથેળીઓમાં લાગેલી મહેંદીને સિદ્ધાર્થ જોઈ રહયો.
“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!
નહીં મે’લું રે એ.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....!”
ગરબાની તાલે તાલ મિલાવતી લાવણ્યા હવે સિદ્ધાર્થથી નારાજ થઈ હોય એમ ગરબા ગાવાં લાગી. અંકિતા સહિત બધાં હવે મલકાઈ ઉઠ્યા. અને લાવણ્યાની પાછળ આવી એક લાઇનમાં ગાવાં લાગ્યાં.
ગરબાં ગાતી-ગાતી લાવણ્યા હવે સિદ્ધાર્થની નજીક જઈ પહોંચી.
“છોને લાગ્યું છબીલાં મને તારું ઘેલું....! છોને લાગ્યું છબીલાંઆ... મને તારું ઘેલું....!”
સિદ્ધાર્થની છાતી ઉપર હાથ મૂકીને લાવણ્યા તેને હળવો ધક્કો માર્યો અને ઝડપથી સર્કલ ફરીને બે ડગલાં પાછી ગઈ.
“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....! નહીં મે’લું રે.....!”
અત્યાર સુધી ઢીલું મોઢું લઈને ઉભેલાં સિદ્ધાર્થથી હવે પરાણે સ્મિત થઈ ગયું.
“જાણું છું ચિત્તડાંને લાગ્યો તારો ચસકો....!”
એ લાઇન ઉપર લાવણ્યાએ પોતાની કમર હલાવતાં- હલાવતાં તેણીની છાતી ઉપર હાથ મૂકીને સિદ્ધાર્થ સામે જોયું.
“જાણું છું કંઠ તારો સાકરનો કટકો...! જાણું છું ચિત્તડાંને એ...લાગ્યો તારો ચસકો....!”
“છોને રૂપ હોયે તારું અલબેલું અલબેલું....!”
એ લાઇન ઉપર લાવણ્યાએ સિદ્ધાર્થની નજીક જઈ પોતાનાં બંને હાથ ઊંચા કરીને એક માદક અંગડાઈ લીધી.
હાથ ઊંચા કરવાંથી લાંબો થયેલો લાવણ્યાની કમરનો એ ઘાટ સિદ્ધાર્થ સ્મિત કરીને એકાદ ક્ષણ જોઈ રહ્યો પછી એવુંજ સ્મિત કરીને તેણે નજર ફેરવી લીધી.
“નહીં મે’લું રે.....! તારાં ફળિયામાં પગ નઈ મે’લું....! નહીં મે’લું રે.....!”
લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થની છાતી ઉપર એજરીતે ધક્કો માર્યો.
ગરબાંનું સોંગ જેમ-જેમ આગળ વધતું ગયું તેમ-તેમ લાવણ્યા ગરબાં સ્ટેપ્સ કરતી ગઈ. બધાં હવે સિદ્ધાર્થની આજુબાજુ સર્કલ બાનવી ગરબાં ગાવાં લાગ્યાં જ્યારે નારાજ થયેલી લાવણ્યા સિદ્ધાર્થની આજુબાજુ ગરબાં ગાવાં લાગી.
ગરબાં સ્ટેપ્સ કરતી-કરતી સિદ્ધાર્થ સામે કોઈ-કોઈવાર ગુસ્સો કરતી હોય એમ જોઈ લેતી. જોકે ઇચ્છવાં છતાંય તે પોતાનાં ચેહરાં ઉપર વધુ સખત ભાવ નહોતી લાવી શકતી.
સ્ટેપ્સ કરતી-કરતી લાવણ્યા ઘણીવાર સિદ્ધાર્થની વધું નજીક જતી અને પોતાની નારાજગી દર્શાવવાં કોઈવાર સિદ્ધાર્થની છાતી ઉપર તો કોઈવાર તેની પાછળ જઈ પીઠ ઉપર હળવાં પંચ કરતી.
“લાવણ્યા....!” દસેક મિનિટ પછી સિદ્ધાર્થે તેની આજુબાજુ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાને પોતાની નજીક ખેંચવાં હાથ કર્યો.
લાવણ્યા હજીપણ નારાજ હોય એમ તેનાથી સહેજ દૂર ખસી અને ગરબાં ગાવાંનું ચાલું રાખ્યું.
“અરે....! આમ કેમ કરે છે...!?” લાવણ્યા ખસી જતાં સિદ્ધાર્થે નવાઈપૂર્વક કહ્યું.
સહેજ દૂર જતી રહેલી લાવણ્યાની નજીક જઈ સિદ્ધાર્થે ફરીવાર હાથ લંબાવ્યો. લાવણ્યા ફરીવાર દૂર ખસી.
“લાવણ્યા....!?” સિદ્ધાર્થ હવે ઊભો થઈ ગયો અને લાવણ્યા સામે દયામણું મોઢું કરીને જોઈ રહ્યો.
લાવણ્યા ગરબાં ગાતાં-ગાતાં અટકી ગઈ અને ભીની આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી. પોતાનાં ચેહરાંને સખત બનાવી રાખવાનો તેણીએ ઘણો પ્રયત્ન કર્યો તેમ છતાં સિદ્ધાર્થનો ઢીલો થઈ ગયેલો ચેહરો જોઈને તેનાથી નાં રહેવાયું અને છેવટે રડી પડાયું. રડવું છુપાવવાં તેણીએ પોતાનું મોઢું તેણી બંને હથેળીઓમાં દબાવી દીધું.
“અરે....!” લાવણ્યાને રડતાં જોઈ સિદ્ધાર્થ તરતજ તેણી પાસે પહોંચી ગયો અને તેણીની હાથ પકડી લીધાં.
“બસ લવ...! ના રડ પ્લીઝ....!” લાવણ્યાનાં મોઢાં ઉપરથી તેણીની હથેળી દૂર કરવાનો પ્રયત્ન કરતો સિદ્ધાર્થ બોલ્યો.
આમ છતાં પોતાનું મોઢું હથેળીઓમાં દબાવી રાખી લાવણ્યા વધું જોરથી રડી પડી. જોકે ગરબાંનાં લાઉડ મ્યુઝિકમાં તેણીનું રુદન દબાઈ ગયું.
લાવણ્યાને રડતી જોઈ પહેલાં અંકિતા અને વારાફરતી બીજાં બધાં ટોળુંવળીને ઊભાં થઈ ગયાં.
“બસ લવ....! શાંત થઈજા....!” સિદ્ધાર્થે છેવટે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી.
ટોળુંવળીને ઊભેલી અંકિતા, પ્રેમ અને કામ્યાની આંખ પણ ભીંજાઈ ગઈ. અંકિતા ડૂસકાં લઈ ભરી રહેલી લાવણ્યાની પીઠ પસવારી રહી. ઘણાં પ્રયત્નો પછી લાવણ્યા માંડ શાંત થઈ. તેણીએ પણ હવે સિદ્ધાર્થ ફરતે તેનાં હાથ વીંટાળી દીધાં.
“સોરી લવ....!” આલિંગનમાં વળગી રહીને સિદ્ધાર્થે લાવણ્યાનાં કાનમાં કહ્યું.
લાવણ્યાએ ભીની આંખે તેની સામે જોયું અને ફારીવાર તેની છાતી ઉપર માથું ઢાળી દીધું.
“તે મેસેજ જોયો.... તો પણ ...! તે મને રિપ્લાય કેમ ના આપ્યો....!?” પોતાનો સ્વરમાં શક્ય એટલી નારાજગીનાં ભાવ લાવી લાવણ્યા બોલી “ફ....ફોન પણ નાં કર્યોને....!?”
સિદ્ધાર્થની આંખ ભીની થઈ ગઈ. પોતાની આંખમાં આવી ગયેલાં આંસુને રોકવાનાં પ્રયત્નમાં તેણે આમતેમ જોયું અને છેવટે લાવણ્યાનાં ખભે માથું ઢાળી દીધું.
“અરે.....! તું રડે છે....! આમજો...!” લાવણ્યાએ સિદ્ધાર્થનું મોઢું વ્હાલથી પકડી લીધું “આમજોને જાન....!”
લાવણ્યાએ પ્રયત્ન કરવાં છતાંપણ સિદ્ધાર્થે તેણીને આલિંગનમાં જકડી રાખી તેનાં ખભાં ઉપર માથું મૂકી રાખ્યું.
“હું નારાજ નથી તારાથી....! જાન...!” સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવીને લાવણ્યા બોલી.
“તને નારાજ થવાનો હક છે લવ....!”
“ઊંહું....!” સિદ્ધાર્થ સામે જોઈ લાવણ્યાએ નકારમાં માથું ધૂણાંવ્યું “હું સાચે નારાજ નઈ તારાથી....! ખાલી નાટક કરતી’તી....!”
સિદ્ધાર્થે પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.
“આટલાં ક્યૂટ બેબીથી કોણ નાલાજ થાય...!” કાલી ભાષાંમાં બોલીને લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.
સિદ્ધાર્થથી હવે હસાઈ ગયું. લાવણ્યાએ પણ સ્મિત કર્યું.
“મનેતો કેતી’તી કે આ વખતે તું બવ રૂઠી જઈશ....!?” અંકિતા લાવણ્યાની પીઠ ઉપર ટપલી મારતાં બોલી “બઉં જલ્દી માની ગઈ...!?”
“અને તું....!” અંકિતાએ તેની ભીની આંખનાં ખૂણા લૂંછતાં સિદ્ધાર્થને કડક સ્વર કરતાં કહ્યું “આ કઈં ટાઈમ છે આવાનો...!? પ્રોમિસ આપે છે ને પાછો નિભાવતો નઈ...!? હમ્મ..!?”
“અંકલી....! એણે પ્રોમિસ નિભાઈ તો દીધું...!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડી રાખીને બોલી “જો....! હજીતો બાર વાગવાંમાં પાંચ મિનિટ બાકી છે...!”
લાવણ્યાએ સિદ્ધાર્થનું કાંડું પકડી તેણે પહેરેલી વૉચ અંકિતાને બતાવતાં કહ્યું. સિદ્ધાર્થે લાવણ્યાએ ગિફ્ટ આપેલી SEIKO વૉચ પહેરી હતી.
“હમ્મ....! તું કે’છે એટ્લે જવાં દઉં છું....!” અંકિતાએ મજાકીયાં સ્વરમાં કહ્યું.
“કેમ છે સિડ....!” કામ્યાએ સિદ્ધાર્થ સામે જોઈ રહીને પૂછ્યું.
સિદ્ધાર્થે કઈં બોલ્યાં વગર હળવું સ્મિત કર્યું.
“યાર હવે મને ભૂખ લાગી છે...!” ત્રિશા હવે વાતાવરણ હળવું કરવાં બોલી.
“શું લાવવું છે...!? હું લેતો આવું છું.....! બોલો જલ્દી...!” વિવાન સ્મિત કરતો બોલ્યો.
------
“મારાં પગતો એવાં દુ:ખે છેને...! યાર” લૉનની લીલી ઘાંસ ઉપર બેસીને પોતાનાં પગ દબાવતાં-દબાવતાં અંકિતા બોલી.
નાસ્તો કરીને આખું ગ્રૂપ ટોળુંવળીને ફૂડ સ્ટૉલની સામે લૉન ઉપર બેઠું હતું.
“હજીતો સાડાં બાર જ થયાં છે....!” સામે બેઠેલી ત્રિશા બોલી “અને ગરબાં નેક્સ્ટ રાઉન્ડ બાકી છે...!”
“ઘરે પોં’ચ્યાં પછીતો આજે કોઈનાં પગ હલવાનાં નથી...!” સિદ્ધાર્થની જોડે બેઠેલી લાવણ્યા સ્મિત કરીને બોલી પછી તેણીએ સિદ્ધાર્થ સામે જોયું.
લૉનની લીલી ઘાંસને હાથવડે તોડી રમત કરતો સિદ્ધાર્થ પરાણે થોડું મલકાઈ રહ્યો હતો. તેનાં એ સ્મિત પાછળ છૂપયેલો દર્દ અને મૂંઝવણને લાવણ્યાએ તરત વાંચી લીધાં. લાવણ્યાનાં ચેહરાંનું સ્મિત તરતજ “ઓલવાઈ” ગયું.
“શ...શું થયું સિડ....!?” સિદ્ધાર્થની સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી. બધાંની હાજરીમાં લાવણ્યા એ પ્રશ્ન પૂછવાની હિમ્મત નાં કરી શકી “કોઈ મોટી વાત હશે...! એટ્લેજ એ આટલો લેટ આયો....!”
“અરે યાર વિવાન....! તું નાસ્તો લાયો....! અને પાણીતો ભૂલી ગ્યો..!?” કામ્યા નારાજ હોય એમ મોઢું બગાડીને બોલી.
“હું લેતો આવું છું....!” એકદમ ઠંડા સ્વરમાં બોલી સિદ્ધાર્થ ઊભો થયો.
“તું થાકી ગ્યો હોઈશને....!” લાવણ્યા ઊભી થઈને બોલી “તું બેસ....! પ્રેમ કે રોનક લઈ આવશે...!”
“કોઈ વાંધો નઈ....! હું લઈ આવું છું...!” સિદ્ધાર્થ બોલ્યો.
લાવણ્યા તેને જોઈ રહી. પાણી લેવાનાં બહાને બધાંથી થોડીવાર માટે દૂર જવાનો ચાન્સ મળે એટલેજ સિદ્ધાર્થ ઊભો થયો હોય એવું લાવણ્યાને લાગ્યું.
“ચાલ....! તારે પીવું હોયતો....!” લાવણ્યાનો હાથ પકડી લઈને સિદ્ધાર્થ તેણીને ખેંચતાં બોલ્યો.
લાવણ્યા સહિત બધાંને અચરજ થયું. સિદ્ધાર્થ હવે પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયો હતો. જાહેરમાં, ખાસ કરીને ગ્રૂપનાં ફ્રેન્ડ્સની હાજરીમાં તે હવે લાવણ્યાને સ્પર્શ કરતાં, તેણીનો હાથ પકડાતાં સહેજપણ ખચકાતો નહોતો.
સિદ્ધાર્થે તેનો હાથ પકડી લેતાં ખુશ થઈ ગઈ.
“તમારે લોકોને કઈં ખાવુંછે...!?” સિદ્ધાર્થે બધાં સામે વારાફરતી જોઈને પૂછ્યું “તો હું સ્ટૉલમાંથી લેતો આવું...!?”
“નાં...નાં...સિડ...!” લાવણ્યા સામે જોઈ અંકિતા પ્રેમથી બોલી “તમે બંને જાઓ હોં....!”
“હાં...! અમારે કઈં જોઈતું હશે.....! તો અમે લોકો મંગાવી લઈશું...!” પ્રેમ બોલ્યો.
સિદ્ધાર્થે એવુંજ સ્મિત કર્યું અને લાવણ્યા સામે જોઈ તેનો હાથ પકડીને પાછાં ફરીને ફૂડ કોર્ટ તરફ ચાલવાં લાગ્યો. લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોઈને ચાલવાં લાગી.
----
“મને કે’ને શું વાત છે...!?” ફૂડ સ્ટૉલ આગળ ઉભેલાં સિદ્ધાર્થને જોઈને લાવણ્યા મનમાં બબડી.
ફૂડ સ્ટૉલવાળો પાણીની બોટલો થેલીમાં ભરી રહ્યો હતો ત્યાં સુધી બંને ઊભાં-ઊભાં રાહ જોઈ રહ્યાં હતાં. થોડીવાર પછી ફૂડ સ્ટૉલવાળાંએ પાણીની બોટલો ભરેલી થેલી સિદ્ધાર્થને આપી. પેમેન્ટ પહેલાંજ કરી દીધેલું હોવાથી સિદ્ધાર્થ થેલી લઈને ચાલવાં લાગ્યો. લાવણ્યા પણ જોડે ચાલવાં લાગી.
સ્ટૉલ સુધી આવીને તેઓ પાછાં પરત જઈ રહ્યાં હતાં છતાં સિદ્ધાર્થે કોઈજ વાતચીત નહોતી કરી.
“સિડ....!” લાવણ્યાએ છેવટે સિદ્ધાર્થને જોઈને કહ્યું.
“હમ્મ....! શું...!?” લાવણ્યા સામે એક અપલક નજર નાંખી સિદ્ધાર્થે પાછું સામે જોઈને ચાલવાં માંડ્યુ.
“કેમ મારાંથી નજર ચૂરાવે છે....!?”
“અ....એવું કઈં નથી લવ...!” સિદ્ધાર્થે એજરીતે જોઈને કહ્યું.
“સાચે...!?” સિદ્ધાર્થનો હાથ ખેંચીને લાવણ્યા ઊભી રહી “બધાંની વચ્ચે હાથ પકડીને મને અહિયાં લઈને આયો....! તો પણ કઈં વાત નાં કરી....!”
“ એતો હું લેટ થઈ ગ્યો’તો....! એટ્લે મારે સોરી કેવુંતું...!”
“સિડ....! બેબી….!” લાવણ્યાએ વ્હાલથી તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો “તને જૂઠું બોલતાં નઈ આવડતું....! શું કામ આવું કરે છે...!? હમ્મ....!”
સિદ્ધાર્થની આંખ ભીની થઈ ગઈ. તે થોડીવાર લાવણ્યા સામે જોઈ રહ્યો.
“બ....બધાં રાહ જોતાં હશે...!” સિદ્ધાર્થ નજર ચૂરાવીને બોલ્યો અને ગ્રૂપ તરફ ચાલવાં લાગ્યો.
“મને ખબર છે....! તું નેહાને લીધેજ મૂંઝાય છે...! કોઈ વાંધો નઈ...! હું વાત કઢાવી લઇશ...!” લાવણ્યા મનમાં બબડી અને સિદ્ધાર્થની જોડે ચાલવાં લાગી.
----
મોડે સુધી ચાલેલાં ગરબામાં આખાં ગ્રુપે ગરબા એન્જોય કર્યા. સિદ્ધાર્થની હાજરીથી લાવણ્યા ખુશ થઈને ગરબે ઘૂમી. મોડી રાત્રે ગરબાં પત્યાં પછી બધાં છેવટે ઘરે જવાં નીકળ્યાં.
“રઘુનાથ અંકલને ઘરે થોડું કામ હતું એટ્લે એ ઘરે ગયાં....! હું આવું છું તમને બધાંને મૂકવાં....!” કારની ચાવી હાથમાં રમાડતો સિદ્ધાર્થ બોલ્યો.
“બે વાગી ગ્યાં છે....!” અંકિતા બોલી “તું ક્યારે બધાંને મૂકીને ઘરે પોં’ચીશ...!?”
“કોઈ વાંધો નઈ...!” સિદ્ધાર્થ બોલ્યો “મને આદત છે....! લેટ જાગવાની...!”
“તો તું પે’લ્લાં લાવણ્યાને એનાં ઘરે ઉતારીદે....! પછી અમને બધાંને....!” ત્રિશા બોલી.
“એ નાં હોં....!” લાવણ્યા તરતજ બોલી “તમને બધાંને ઉતારીને પછી મને....!”
“ઓહો....! જોતો ખરી....!” ત્રિશાએ આંખો નચાવી.
બધાં હસી પડ્યાં.
“હું કાર લેતો આવું....!” હળવું સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરીને પાર્કિંગ તરફ જવાં લાગ્યો.
“ચાલો ….! અમે પણ જઈએ...!” વિવાન બોલ્યો અને અંકિતા સામે જોયું.
“અમે પણ નિકળીએ...!” પ્રેમે કહ્યું “હું અને રોનક એકજ બાઇક ઉપર આવ્યાં છે..!”
“ગુડ નાઈટ....!” ત્રિશા અને કામ્યા લગભગ સાથે બોલ્યાં.
ઔપચારિક વાતચિત પછી ત્રણેય છોકરાઓ ઘરે જવાં નીકળી ગયાં.
-----
“તું શ્યોર અંદર નઈ આવે...!?” પોતાનાં ઘર આગળ ઊભેલી અંકિતાએ ઝુકીને કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલાં સિદ્ધાર્થને પૂછ્યું.
“નાં....! નાં બવ લેટ થઈ ગયું છે....! પછી શાંતિથી....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.
“સારું....! ચાલ બાય....!” અંકિતા બોલી અને પછી કારની આગલી સીટમાં બેઠેલી લાવણ્યા સામે જોયું “બાય લાવણ્યા....!”
“બાય...!” લાવણ્યાએ પણ કહ્યું. અંકિતા હળવું સ્મિત કરીને અંદર જવાં લાગી.
“ચાલ....! હવે તને ઘરે ઉતારી દઉં.....!” સિદ્ધાર્થ કારને ઘુમાવતાં બોલ્યો.
“નાં....! રિવરફ્રન્ટ જવું છે....!” લાવણ્યા શાંતિથી બોલી.
“પણ ઓલરેડી બવ લેટ થયું છે....! સાડાં ત્રણ થયાં....!” સિદ્ધાર્થે દલીલ કરતાં કહ્યું.
“હમ્મ....! સાચી વાત....! એમ પણ જો કેટલાં બધાં વાદળો ઘેરાયેલાં છે...!” લાવણ્યાએ કાંચમાંથી કારની બહાર જોયું પછી સિદ્ધાર્થ સામે જોયું “વરસાદ પડે એવું લાગે છે....! એટ્લે તું મને ઘરેજ ઉતારીદે ....!” લાવણ્યા મોઢું મચકોડી નાટક કરતાં બોલી.
“અ....! એટ્લે....! અ....!” સિદ્ધાર્થની જીભ થોથવાઈ ગઈ અને તે ઉદાસ ચેહરે કાર ડ્રાઇવ કરવાં લાગ્યો “સ...સારું...! ઉતારી દઉં....!”
“Aww બેબી...! તું કેમ આવો છે....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં “કેવું મોઢું કરી દીધું....! જવું છેને તારે પણ રિવર ફ્રન્ટ...!? હમ્મ...!? બોલ...!?”
સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.
“તો પછી....! હું કઉં છુંતો ખરાં....! તું રિવરફ્રન્ટ લઈલે....! મેં મમ્મીને કીધેલુંજ છે....! કે આજે છેલ્લું નોરતું છે...! એટ્લે લેટજ થશે....! હમ્મ....!”
“પાકકુંને...!?”
“હાં....! જાન....!” લાવણ્યાએ વધું એક વખત સિદ્ધાર્થનાં ગાલ ખેંચ્યાં.
સિદ્ધાર્થે એક હળવું સ્મિત કર્યું અને કારની સ્પીડ વધારી દીધી.
----
“બાપરે....! આ છોકરી...! આવું કરશે એ નો’તી ખબર...!” લાવણ્યાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને કહ્યું.
બંને હવે રિવરફ્રન્ટનાં ઉપરનાં વૉક-વે ઉપર ચાલી રહ્યાં હતાં. રાતનાં લગભગ સવાં ચાર થયાં હોવાથી રિવરફ્રન્ટ ઉપર એ બેય સિવાય કોઈ નહોતું.
“છોડને લવ...! એની વાત....!” સિદ્ધાર્થ માથું ધૂણાવીને ઉદાસ ચેહરે બોલ્યો.
“આમ આવ....!” લાવણ્યાએ તેનાં બંને હાથ ખોલીને કહ્યું.
સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે કેટલીક ક્ષણો જોઈ રહ્યો પછી કચકચાવીને તેણીને વળગી પડ્યો. ક્યાંય સુધી બંને એકબીજાંને વળગી રહ્યાં. લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.
“અરે બાપરે.....!” ત્યાંજ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
“ચાલ જલ્દી કારમાં.....!” લાવણ્યાનો હાથ પકડીને સિદ્ધાર્થ કાર તરફ ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.
કાર પાસે આવીને બંને આગળની સીટનો દરવાજો ખોલીને અંદર બેસી ગયાં. સિદ્ધાર્થ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો.
“પલળી જવાયું....!” કારનો દરવાજો બંધ કરતાં-કરતાં સિદ્ધાર્થ બોલ્યો.
“હમ્મ.....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને સહેજ ભીનાં થયેલાં સિદ્ધાર્થના લાંબા વાળ સામે જોઈ રહી.
“ઠંડી લાગે છે...! હીટર ચાલું કરું....!?” લાવણ્યા બોલી અને કારના ડેશબૉર્ડ ઉપર દેખાતી એક નાની સ્વિચ દબાવી દીધી.
“અરે એતો રેડિયોની સ્વિચ છે....!” લાવણ્યાએ ભૂલીથી રેડિયોની સ્વિચ દબાવી દેતાં સિદ્ધાર્થ બોલ્યો.
“આખરે આજે છેલ્લું નોરતું પણ પૂરું થયું....!” કારમાં લાગેલાં સ્પીકર્સમાંથી કોઈ રેડિયો સ્ટેશનની ફિમેલ RJનો મસ્તી ભર્યો અવાજ આવવાં લાગ્યો “યુવાન હૈયાંઓ માટેતો જાણે પ્રેમની મૌસમ પણ પૂરી થઈ....! નઈ....! Guess What friends…! અત્યારે અહીંયા જોરદાર વરસાદ તૂટી પડ્યો છે...! એક બાજુ વિદાય લઈ રહેલી આપડી વહાલી નવરાત્રિ અને એકબાજુ આ મસ્ત રોમેન્ટીક વાતાવરણ....એક રોમેન્ટીક સોંગ તો બનતાં હૈ રે...!”
“હું પે’લ્લાં આ શો બઉ સાંભળતી’તી....!” લાવણ્યાએ સ્મિત કરી સિદ્ધાર્થ સામે જોઇને કહ્યું.
સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં હળવી સ્માઇલ આપી.
“તો હવે સાંભળો....! મારી પસંદનું આ મસ્ત રોમેન્ટીક સોંગ...! રેડિયો મીરચી 98.3 FM પર હું છું તમારી વ્હાલી રાગિણી....! અને તમે સાંભળી રહ્યાં છો.....! લવ સોંગ્સ....! તો સાંભળતાં રહો....!” સોંગ પ્લે કરતાં પહેલાં રેડિયો સ્ટેશનની RJ રાગિણી થોડું અટકીને બોલી માદક સ્વરમાં બોલી “અને હાં....! જો તમે તમારાં વ્હાલમ જોડે હોવ...! તો થોડું સાચવજો હોં....! આ સોંગ મારું પર્સનલ ફેવરિટ છે....! અને તમારાં પણ રૂંવાડા ઊભાં થઈ જશે....! તો સાંભળો....!”
“એવું તો કયું સોંગ છે...!” સિદ્ધાર્થ પણ સીટમાં સરખાં થઈને લાવણ્યા સામે જોયું પછી ડેશબૉર્ડ ઉપર લાગેલાં રેડિયો સામે જોવાં લાગ્યો.
“હો ....ઓ ......!” સોંગની શરૂઆતમાં મૂળ સાઉથ ઈન્ડિયાના ફેમસ ફિમેલ સિંગર કે.એસ. ચિત્રાનો સુરીલો સ્વર સંભળાયો.
“આ સોંગ તો....!?” સિદ્ધાર્થ સોંગને ઓળખવાનો પ્રયન્ત કરવાં લાગ્યો.
“નાગાર્જુનનું ક્રિમિનલ મૂવી હતું... એનું છે...!” લાવણ્યા ખુશ થઈને તરતજ બોલી “પણ આ ફિમેલ વર્ઝન છે....! અલ્કા યાજ્ઞિકની અવાજમાં....! મારું ફેવરિટ સોંગ છે....!”
“મારું પણ...!” સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું.
“તું મિલે....! દિલ ખીલે...! ઓર જીને કો ક્યાં ચાહીએ....!” હવે સોંગમાં બોલીવૂડના ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિકનો સ્વર સંભળાયો. લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને સોંગના લીરિક્સ જોડે તેણીનાં હોંઠ ફફડાવાં લાગી.
“તું મિલે....! દિલ ખિલે...! ઓર જીને કો ક્યાં ચાહીએ....!
“ના હો તું ઉદાસ ...તેરે પાસપાસ મેં રહુંગી જિંદગીભર……!”
લાવણ્યાની આંખ સહેજ ભીંજાઇ અને તે સીટમાં સિદ્ધાર્થની સહેજ નજીક સરકી અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.
“ના હો તું ઉદાસ ...તેરે પાસપાસ મેં રહુંગી જિંદગીભર……!
.....સારે સંસાર કા પ્યાર મૈંને તુઝીસે પાયા...!
તું મિલે...! દિલ ખિલે....! ઓર જીને કો ક્યાં ચાહીએ....!”
લાવણ્યાએ સીટમાં સિદ્ધાર્થની હજી સહેજ વધુ નજીક સરકીને તેનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું.
“હો ઓ.....! હો ઓ.....!”
સોંગમાં હવે ફરીવાર કે.એસ. ચિત્રાજીનો એવોજ મધુર અને નશીલો સ્વર સંભળાયો.
“યુ નો...! કોરસમાં ચિત્રાજીનાં વોઇસ વગરતો આ સોંગમાં જાણે આત્માજ ના હોત....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભે માથું ઢાળી રાખીને કહ્યું.
“મને નો’તી ખબર કે તને સોંગ્સનો આટલો શોખ છે....!” સિદ્ધાર્થે હળવાં સ્મિત સાથે પૂછ્યું.
“મને સોંગ્સતો બઉજ ગમે....!” લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી “એમાંય આ સોંગ....! ખરેખર બઉજ રોમેન્ટીક છે...!”
“ગમ હે કિસેએ....હો...ઓ...ઓ....! સારા જહાં....! ચાહે દુશ્મન હો....!
ક્યાં ચાહીએ....! હો...ઓ...ઓ....! હાથોમેં જો....! તેરાં દામન હો....!”
લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હાથની આંગળીઓમાં પોતાનાં હાથની આંગળીઓ ભેરવી અને હળવેથી દબાવાં લાગી.
“તું હેં જહાં....! મંજિલ વહાં....! તું હેં જહાંઆ.......! મંજિલ વહાં....!”
સોંગનાં લીરિક્સ ઉપર પોતાનાં હોંઠ ફફડાવતાં લાવણ્યાએ માદક નજરે સિદ્ધાર્થ સામે જોયું.
“ધડકનોકી તરહ...! અપને દિલમે મુઝકો છુપાલો....!” સિદ્ધાર્થની છાતી ઉપર હળવેથી પોતાનો હાથ મૂકી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગળે તેનું પ્રેમથી તેનાં હોંઠ રબ કર્યા.
“તુ મિલે....! દિલ ખિલે....! ઓર જીને કો ક્યાં ચાહીએ....!”
સોંગનાં કોરસમાં હવે ફરીવાર કે.એસ. ચિત્રાજીનો સ્વર સંભળાવા લાગ્યો.
લાવણ્યા હજીપણ તેનાં હોંઠ સિદ્ધાર્થનાં ગળે રબ કરી રહી હતી. બહાર વરસતા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડી વધી ગઈ. કારનાં બધાં દરવાજા અને કાંચ બંધ હોવાં છતાંપણ કારની અંદર બહારની ઠંડી વરતાઈ રહી હતી. જોકે લાવણ્યાનું શરીર સિદ્ધાર્થની ગરદન ઉપર તેણે પહેરેલી નાનાં મણકાંવાળી રુદ્રાક્ષની માળાંમાંથી અને કુર્તાની અંદરથી આવતી સુખડનાં અત્તરની એ માદક મહેકથી ધ્રૂજવાં લાગ્યું.
ઊંડા શ્વાસ ભરીને લાવણ્યા એ મહેકની જાણે પોતાની અંતર આત્મામાં ભરી રહી. તેણે એક હળવું બાઇટ સિદ્ધાર્થની ગરદન ઉપર રુદ્રાક્ષની માળાં પાસે કર્યું.
“પ્યાર કભી હો...ઓ...ઓ....! મરતાં નહીં...! હમ તું મરતે હેં....!”
સોંગમાં આવતી એ લાઇન્સને ગાતાં-ગાતાં લાવણ્યા સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી. પોતાનાં ચેહરાને તે હવે સિદ્ધાર્થનાં ચેહરાં વધું નજીક લઈ ગઈ અને પોતાનાં ગાલ વડે હળવેથી સિદ્ધાર્થનાં ગાલને સ્પર્શવાં લાગી.
“હોતે હો વો..... હો...ઓ...ઓ....! લોગ અમર....! પ્યાર જો કરતે હેં...!
જીતની અદા....! ઉતની વફાં....! જીતની અદા....! ઉતની વફાં....!
ઈક નઝર પ્યારસે દેખલો.... ફિરસે ઝિંદા કરદો..! તું મિલે....! દિલ ખિલે...!”
લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં કાન ઉપર હળવેથી બાઇટ કરી.
સિદ્ધાર્થ હજીતો કઈં સમજે એ પહેલાંજ લાવણ્યા સીટમાં બેઠી થઈ અને ઝડપથી સિદ્ધાર્થનાં ખોળાંમાં બેસી ગઈ. એક નજર સિદ્ધાર્થની આંખોમાં જોઈને લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર તેની આંગળી ફેરવી.
“લવ.....! આ...! તું...અમ્મ....!”
સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનાં હોંઠ વડે સિદ્ધાર્થનાં હોંઠ ભીડી દીધાં. સિદ્ધાર્થનાં વાળમાં પોતાનાં બંને હાથ ભરાવી લાવણ્યા આવેગપૂર્વક સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાં લાગી.
“લવ....! પ્લીઝ...! અમ્મ...!” લાવણ્યા કઈંપણ સાંભળ્યા વગર એજરીતે સિદ્ધાર્થનાં હોંઠને આવેગથી ચૂમી રહી.
લાવણ્યાને રોકવાંનો સિદ્ધાર્થે ઘણો પ્રયત્ન કર્યો છતાં લાવણ્યા નાં અટકી.
“લાવણ્યા સ્ટોપ....!” છેવટે લાવણ્યાની ખુલ્લી કમરનાં ઘાટ ઉપર બંને બાજુ સહેજ બળપૂર્વક પકડીને સિદ્ધાર્થે તેણીને અટકાવી.
“પ્લીઝ નાં રોક જાન.....! પ્લીઝ..! આ ક્ષણ....! અ...આ મોમેન્ટ મને જીવી લેવાંદે....!” લાવણ્યા ભીની આંખે ધ્રૂજતાં સ્વરમાં વિનંતી કરતી હોય એમ બોલી “પ્લીઝ સિડ....પ્લીઝ ના રોક મને...!”
“લાવણ્યા આ....! આ બઉ મોટી ભૂલ....!”
“સિડ...!” લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાને વ્હાલથી પકડીને બોલી “મારાં માટે આ એક ભૂલ કરીલે...! પ્લીઝ...! મારી જોડે આ પળો જીવીલે...! બસ આ એકવાર..!”
“લાવણ્યા...! તું સમજતી કે….!”
“લાઈફમાં દરેક વ્યક્તિ એક ભૂલતો કરેજ છે...! સિડ...! પ્લીઝ....! મારાં માટે.... તું....! તું...આ ભૂલ કરીલે...! પ્લીઝ...! જાન....!” લાવણ્યા રીતસરની કરગરી પડી.
સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.
“સિડ....! હું ક્યારની તરસતી’તી તારાં માટે.....! તારી જોડે આ ટાઈમ જીવવાં માટે...! મને જીવી લેવાંદેને....! પ્લીઝ...!” લાવણ્યા ફરીવાર વિનવણીનાં સૂરમાં બોલી “ક....કાલે શું થશે કોને ખબર...! તું મને મળે કે ના મળે....! પણ...પણ...! આજે મારે તારાંમાં સમાઈ જવું છે....! ત...અને મારાંમાં સમાઈ લેવોછે....!...
.......તારાં જોડે આ એક પળ જીવવાં માટે હું....હું...! બધું હારી જવાં તૈયાર છું...! તું બસ આજે મારો થઈજા....! પ...પછી....! હું તને બીજાં કોઈનો થતાં નઈ રોકું....! તારી અને નેહાની વચ્ચે નઈ આવું....! હું....હું....! તારી લાઈફમાંથી દૂર જતી રઈશ બસ....!”
લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર વધુ એક ચુંબન કરી લીધું.
“લવ..! હું....!”
“સિડ....! તારાં આ એક સ્પર્શથી....!” લાવણ્યાએ પોતાની કમરનાં ઘાટ ઉપર મુકેલાં સિદ્ધાર્થનાં હાથ ઉપર પોતાનાં હાથ મૂક્યાં “મારી અંદર તોફાન મચી ગ્યું છે...! હું હવે સહન નઈ કરી શકું....! પ્લીઝ નાં રોક મને....!”
“બધું ભૂલીજા થોડીવાર માટે....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનો એક હાથ પકડીને પોતાનાં ઉરજોનાં ઊભાર ઉપર મૂકી દીધો અને હળવેથી દબાવ્યો.
“લાવણ્યા....! પ્લીઝ...!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો અને તેની આંખ પણ ભીંજાઈ ગઈ.
લાવણ્યા તો પણ સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી.
“મારાં માટે...! સિડ....!” લાવણ્યા તેની સામે જોઈ રહીને ફરીવાર બોલી “એક ભૂલ....!”
લાવણ્યાએ ફરીવાર તેનાં હોંઠ વડે સિદ્ધાર્થનાં હોંઠ ભીડી દીધાં. આવેગપૂર્વક લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હોંઠ ચૂમતી-ચૂમતી સિદ્ધાર્થની ગરદાન ઉપર ચૂમવાં લાગી.
સિદ્ધાર્થે પોતાની આંખો બંધ કરી અને લાવણ્યાની કમરનાં ઘાટ ઉપર પોતાનાં બંને હાથ મૂક્યાં. તેણીની કમર ઉપર હળવું દબાણ આપી સિદ્ધાર્થે ધીરેથી લાવણ્યાને પોતાનાં ખોળાંમાં વધુ નજીક ખેંચી.
ભીંજાયેલી આંખે બંને કેટલીક ક્ષણો એકબીજાં સામે જોઈ રહ્યાં. સિદ્ધાર્થે તેનો એક હાથ લાવણ્યાની કમરની ઉપર સરકાવાવ્યો અને બેકલેસ બ્લાઉઝની દોરીની સુધી લઈ ગ્યો.
દોરીની ગાંઠ ઉપર હાથ મૂકી સિદ્ધાર્થ લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો. લાવણ્યાએ તેની આંખોમાં રહેલાં મૂંઝવણનાં એ ભાવ પારખી લીધાં.
“હું તો મહેકી ઉઠી છું તારાં અત્તરની આ મહેકથી....!” ધિમાં માદક સ્વરમાં સિદ્ધાર્થનાં હોંઠ નજીક પોતાનાં લઈ જઈને લાવણ્યા બોલી “હવે...! તું પણ બહેકીજા....!”
કેટલીક વધુ ક્ષણો લાવણ્યા સામે જોઈ રહ્યા પછી છેવટે સિદ્ધાર્થે લાવણ્યાનાં હોંઠ સાથે પોતાનાં હોંઠ ભીડી દીધાં અને દોરીની ગાંઠમાં તેની આંગળી ભેરવી હળવેથી ખેંચી. દોરીની ગાંઠની સાથે-સાથે સિદ્ધાર્થનાં મનમાં રહેલી મૂંઝવણની ગાંઠ પણ ખૂલી ગઈ.
********
-J I G N E S H