Space in Gujarati Short Stories by Atul Gala books and stories PDF | મોકળાશ

Featured Books
Categories
Share

મોકળાશ

મીલન અઢાર વર્ષ ની નાની વયે ગામડે થી મુંબઈ કમાવા માટે આવી ગયો હતો.
કહેવાય છે કે મુંબઈ માં રોટલો મળે પણ ઓટલો ના મળે મીલન ને પણ એવું જ હતુ. મુંબઈ આવી તો ગયો પણ કામના કે રહેવાના ઠેકાણાં નહીં.
થોડા દિવસ ની રઝળપાટ પછી એક ઓળખીતા ને ત્યાં રૂમ ની બહાર ઓટલા પર સગવડ થઈ જે ફક્ત ઉંઘવા માટે કામ આવે, બે જોડી કપડા સીવાય બીજુ કોઈ સામાન ન્હોતું એટલે કામ ચાલી જતું. નજીકમાં જ આવેલ કુવા પર વહેલી સવાર નાં ન્હાઈ ધોઈ કામ માટે નીકળી જતો.
વધુ ભણેલો નહીં પણ મહેનતી એટલે છૂટક મજૂરી કરી કમાઈ લેતો પોતા પૂરતું રાખી બાકી પૈસા દેશમાં મોકલતો એનાથી એના બાપુજી દલપત ભાઈ જે ખેતી કરતા એમને ટેકો થઈ જતો.
મહેનત અને ઈમાનદારી થી કામ કરતો એટલે સારું એવુ કામ મળવા લાગ્યુ એટલે એકાદ વર્ષ માં એક સીંગલ રૂમ ભાડે લીધી અને બા બાપુજી ને મુંબઈ લઈ આવવા વિચાર્યુ અને એનો અમલ પણ કર્યો.
એકતો સીંગલ રૂમ, કોમન ટોયલેટ, પાણી પણ ગણતરી પૂર્વક મળે એટલે દેશમાં ખુલ્લા માં રહેવા ટેવાયેલ બા બાપુજી થોડા દિવસ માંજ કંટાળી ગયા અને મીલન ને કીધું બેટા અમને અહીંયા નહીં ફાવે, અમને દેશમાં મુકી આવ.
મીલન બોલ્યો તમે લોકો અહીં રહો તો મને નિરાંત રહે તમે નજર સામે હોવાથી મને ચિંતા નહીં અને મને રસોઈ પાણી ની તકલીફ નહીં, દલપત ભાઈ બોલ્યા બેટા અમારી પ્રત્યે તારી લાગણી સમજી શકું છું, અમારી પણ મજબૂરી છે અને તારી સગવડ સચવાય એની માટે આપણાં ગામની એક છોકરી મીનલ મારી નજરમાં છે જેને તું પણ ઓળખે છે એના ઘરવાળા સાથે તારી માટે વાત કરું એટલે તારો સંસાર વસી જાય અને અમને તારી ચિંતા ઓછી.
મીલન બોલ્યો બાપુજી હજી તો મને વીશ વર્ષ પણ નથી થયા અને તમે લગ્ન ની વાત લઈ બેઠા.
દલપત ભાઈ બોલ્યા મને એ કાંઈ ખબર નથી હું તને અહીંયા એકલો નહીં છોડું. ઘણી રકઝક પછી મીલને હાર માની લીધી અને બા બાપુજી ને ગામડે છોડી આવ્યો.
ગામમાં પહોંચી બીજે દિવસે દલપત ભાઈ જગદીશ ભાઈ ના ઘરે જઈ વાત કરી કે મારો દિકરો મીલન મુંબઈ રહે છે અને તમારી છોકરી મીનલ માટે વાત કરવી છે. અમને ફક્ત તમારી દિકરી જોઈએ દહેજ માં હું માનતો નથી, બાકી કાંઈ ન જોઈએ.
જગદીશ ભાઈ તો સાંભળીને રાજી થઈ ગયા મુંબઈ ના છોકરા માટે માંગુ આવ્યું એ પણ વગર દહેજ લીધે, તો પણ એમણે કીધું હું મીનલ અને એની બા જોડે વાત કરી એક-બે દિવસ માં જવાબ આપું.
જગદીશ ભાઈ એ પત્ની અને મીનલ થી વાત કરી, મીનલ પણ મીલન ને ઓળખતી હતી એટલે વાત વધુ ન લંબાવતા એણે હા પાડી દીધી.
બે દિવસ પછી જગદીશ ભાઈ એ દલપત ભાઈ ને મળી એમના તરફ થી હા પાડી આમ ટુંક સમય માં બધી તૈયારીઓ કરી ઘડીયા લગ્ન લેવાયા અને મીનલ મુંબઈ આવી અને પોતાનો સંસાર વસાવવા લાગી.
મીનલ ના પગલા મીલન માટે શુભ પુરવાર થયા, છુટક મજૂરી ના અનુભવ ને લીધે એને એક કંપનીનો કોન્ટ્રાકટ મળ્યો અને એણે લોન લઈ વન રૂમ કીચન ખરીદી લીધો.
મીનલ હોંશથી ઘરને સજાવતી, બાલ્કનીમાં ફૂલો ના કુંડા માં અવનવા છોડ લગાડી માવજત કરતી.
લગ્ન ને એક વર્ષ પુરું થતા થતા એના ધરે એક દિકરા નો જન્મ થયો નામ પાડયું અંશ.
જન્મ પછી અંશ ની તબિયત નરમ ગરમ રહેતી એટલે એનું બહુજ ધ્યાન રાખવું પડતું, ડોક્ટર ના ચક્કર પણ વધી ગયા હતા અને ખર્ચા ની તો વાત ન પુછો, ટુંકી આવક માં આ વધારાનો ખર્ચ મીલન ને વધુ સમય મજૂરી કરાવતો, રાતપાળી પણ કરવી પડતી અને ઘણીવાર આઠ દસ દિવસ ઘરે ન્હોતો આવતો.
એની અસર રૂપે અંશ પુરી રીતે મીનલ પર નિર્ભર થઈ ગયો હતો એક મિનિટ મમ્મી ને અલગ થવા ન દે.
નાની ઉંમર માં લગ્ન થયા અને એક વર્ષ માં છોકરો જન્મતા એ લોકોએ હજી પોતાની જીંદગી માણી ન્હોતી અને દિકરા ની જવાબદારીઓ સંભાળતા એમનો જવાની નો કિંમતી સમય આમજ પસાર થવા લાગ્યો.
જોતજોતાંમા દિકરો મોટો થવા લાગ્યો હતો એની સામે બન્ને છુટ લઈ ન્હોતા શકતા, રૂમ નાની પડવા લાગી મીલન અને મીનલ ને પ્રાયવસી સાચવવી મુશ્કેલ પડવા લાગી.
એક વખત અંશ મીનલ પાસે પથારી માં ઉંઘી ગયો હતો અને મીનલ ઊઠી બેડ પર સુતેલા મીલન પાસે આવી, મીલન પણ મોકાનો ફાયદો ઉપાડવા તૈયાર હતો અને મીનલ ને બાહૂપાશમાં જકડી એક દીર્ઘ ચુંબન ચોડી દીધું અને આગળ વધે એ પહેલા અંશ ઊઠી ગયો અને પડખા માં મમ્મી ને ન જોતા રાડારાડ કરી મૂકી, તરતજ મીનલ ઊભી થઈ અંશ પાસે આવી ગઈ અને બન્નેની ઈચ્છા મનની મનમાં રહી ગઈ.
હમણાંજ હજી બેન્કના હપ્તા પુરા થયા હતા પણ અંશ ના ભણતર ના ખર્ચાઓ અને કામકાજ માં મંદી ને હીશાબે મોટો રૂમ લઈ શકાય એમ ન્હોતું કે ચાર દિવસ ક્યાંક ફરી આવે એ પણ શક્ય ન્હોતું.
ધીરે ધીરે માનસિક અને શારીરિક રીતે મીનલ નો અસંતોષ વધતો જતો હતો, એ તડપી રહી હતી પણ પરિસ્થિતિ સામે મજબૂર હતી એ સમજતી હતી આમાં મીલન નો કોઈ વાંક નથી છતાંય સતત હિજરાતી રહેતી અને ધીમે ધીમે હંમેશા ખુશમિજાજ રહેતી મીનલ યંત્રવત બની અતડી રહેવા માંડી, બાલ્કની માં લગાડેલ છોડ મૂરઝાવા લાગ્યા, મીલન પણ બધુ સમજતો હતો પણ સમય એની સાથે ન્હોતો એટલે એ ચૂપચાપ રહેતો.
અંશ કોલેજ ના છેલ્લા વર્ષ માં આવી ગયો હતો ઘરની પરિસ્થિતિ સમજી પાર્ટ ટાઈમ જોબ ગોતવા લાગ્યો અને એક ઓફિસ માં એકાઉન્ટન્ટ તરીકે જોઈન્ટ થઈ ગયો.
મીલન સવારના વહેલો કામ પર નીકળી જતો અને
સાંજે કામ પરથી પાછો આવે એ પહેલા અંશ ઘરે આવી ગયો હોય એટલે હજી એ લોકોને એકલતા મળતી ન્હોતી.
એક વખત મીલને નુકસાન સહન કરી ને રજા પાડી ઘરે રહ્યો અને અંશ ઓફિસ જવા નીકળ્યો ઘણા દિવસો પછી મળેલી એકલતા મળતા મીનલ પણ ખુશ થઈ ગઈ
જમી ફ્રી થઈ બન્ને જણ બેઠા હજી તો એક આલિંગન આપ્યું એટલા માં ડોરબેલ રણકી, રંગ માં ભંગ પડતા મીનલ ગુસ્સામાં બડબડ કરતા સહેજ દરવાજો ખોલી જોયું તો અંશ ઊભો હતો દરવાજો ખોલી કપડા સરખા કરતા બોલી અરે તું ? કેમ જલ્દી આવી ગયો ? તબિયત તો સારી છે ને ?
અમારા બોસ નો જન્મદિવસ હતો એટલે સેલિબ્રેશન કરી બધાને રજા આપી બોલી અંશ ઝટપટ ફ્રેશ થવા બાથરૂમ માં ચાલ્યો ગયો.
અંશ નાનો બાળક ન્હોતો પરિસ્થિતિ જોઈ સમજી ગયો પોતે ખોટા ટાઈમે ઘરે આવી ગયો હતો.
આમ મોકળાશ ના અભાવે મીનલ ના જીવન માં ઘણીવખત ઘનઘોર વાદળા આવ્યા પણ વરસ્યા વગર એને તરસાવી ગયા.
એક દિવસે સાંજે અંશ ઘરે આવ્યો અને બોલ્યો બોસ મને ઓફીસ ના કામસર દર મહીને ચાર દિવસ સુરત મોકલવાના છે સવારે વહેલો નીકળી જઈશ.
સવારે પોતાના ચાર જોડી કપડા લઈ અંશ સુરત જવા રવાનો થાય છે. અને દર મહીને ચાર દિવસ ની સુરત ટુર પર જવાનું થતું.
આમ દર મહીને ચાર દિવસ ની મોકળાશ મળતા મીનલ મિલન નો ઘણાં દિવસ નો રહેલ અસંતોષ દૂર થાય છે અને મીનલ પાછી પહેલા ની જેમ રહેવા લાગી.
અંશ પણ ઘરનું વાતાવરણ બદલાયેલું જોઈ આનંદ પામ્યો, મમ્મી ના ચહેરા પર હળવાશ દેખાઈ અને બાલ્કની માં ફૂલ ના છોડ પાછા લીલાછમ થઈ ગયેલા જોઈ એને સંતોષ થયો અને મનોમન ખુશ થવા લાગ્યો.
બીજા દિવસે ઓફિસ માં જઈ મુંબઈ માંજ એકલા રહેતા એના મિત્ર ઓમ ને ભેટી પડ્યો અને બોલ્યો દોસ્ત દર મહીને ચાર દિવસ મને તારા ઘરે રોકાવા આપે છે એ બદલ આભાર.
ઓમ ને હજી સુધી સમજ નથી પડતી અંશ નું ઘર અને મમ્મી પપ્પા હોવા છતાંય દર મહીને ચાર દિવસ મારા ઘરે રહેવા શું કામ આવે છે ?

~ અતુલ ગાલા (AT) કાંદીવલી, મુંબઈ