Madhurajni - 1 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 1

Featured Books
Categories
Share

મધુરજની - 1

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧

રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની.

હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે રહેલો હાથ કંપન અનુભવતો હતો.

તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં.

માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી?

મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ તેણે માનસીને નિહાળી હતી. છેલ્લા બે વર્ષથી લગભગ.

સહુ પ્રથમવાર પ્રોફેસર સુમંતભાઈને તેમના નિવાસ-સ્થાને મળવા ગયો ત્યારે થોડી હિંમત ભેગી કરીને તેણે કોલબેલ પર હાથ મૂક્યો હતો.

તેણે મળવાનો સમય ક્યાં લીધો હતો? તેને સહુએ એમ જ કહ્યું હતું – ‘એ ક્યાં કોઈને મળે જ છે?’ ‘અરે, અપમાન જ કરી નાખે, આ રીતે જનારનું. પેલા શર્માને કેવો તતડાવી નાખ્યો હતો – એ દિવસે? જાણે એની દીકરીનો હાથ ન માગ્યો હોય!’

આવું સાંભળવા છતાં પણ મેધે એ દુઃસાહસ કર્યું હતું. સાંજના સમયે તે પહોંચ્યો હતો. હાથમાં એક-બે પુસ્તકોય હતાં, તેના અભ્યાસક્રમના.

અને બે ચાર ક્ષણ પછી વીસ વર્ષની લાવણ્યમયી માનસીએ દ્વાર ખોલ્યું હતું. થીજી ગયો હતો મેધ. ઓહ! આટલી સુંદરતા! અને છતાં પણ નરી સાદગી? મેધ જોઈ જ રહ્યો એ સૌન્દર્યપુંજને.

માનસી સભાન થઈ ગઈ હતી. તેને કોઈ એકીટશે નીરખી રહ્યું હતું. કોઈ શા માટે – એક યુવક, જેને તેણે ક્યારેક ક્યાંક જોયાનો અણસાર પણ આવી ગયો હતો – એ જ...

એક પળ લજ્જાની ઝાંય પથરાઈ ગઈ તેના રૂપાળા લંબગોળ ચહેરા પર. તેણે ખભા પરની ઓઢણી ઠીકઠાક કરી હતી અને પછી સ્વસ્થ થઈને પૂછ્યું હતું.

‘કોનું કામ છે.... તમારે ?’

‘સરને મળવું છે મારે.’ મેધે કહ્યું હતું.

સુમંતભાઈએ એ યુવકને આવકાર્યો હતો. જોકે તાકીદ પણ કરી હતી કે તેઓ આ રીતે કોઈને મળતા નહોતા. મેધે ક્ષમા માગી હતી.

‘સર, મને ખ્યાલ નહોતો કે આપ...!’

એ મુલાકાત ખાસ્સી લાંબી ચાલી હતી. સુમંતભાઈને રસ પડ્યો હતો, એ સૌમ્ય યુવકમાં. અંગ્રેજી સાહિત્યની રસપ્રદ વાતો ચર્ચાઈ હતી. વર્તમાન અંગ્રેજી સાહિત્ય સુધી વાતનો દોર લંબાવ્યો હતો.

ના, આ યુવાન સામાન્ય નહોતો. છીછરાપણું નહોતું. ઊંડો અભ્યાસી ભલે નહોતો, પરંતુ બરાબર મહેનત કરીને આવ્યો હતો. ‘ભાઈ મેધ, તારી સાથે વાતો કરવી ખૂબ ગમી. તું આવશે ને મને મળશે તો મને જરૂર ગમશે. જરા ફોન કરીને આવજે એટલે મને અનુકૂળતા રહે. બોલ... શું લઈશ, મને ગમતી ચાહ કે માનસીને ગમતી કોફી?’

અને એ સમયે, માનસી બારણાની આડશમાં ઊભી ઊભી આ યુવકને નિહાળી રહી હતી.

તેની એકાકી જિંદગીમાં પ્રથમવાર જ તેને કશુંક લાગણી જેવું જન્મ્યું હતું. મહિલા કોલેજમાં દાખલ થઈ હતી, તેની ઇચ્છાથી જ. તેને એવી વૃત્તિ જ થતી નહોતી કે તે કોઈ પુરુષને ધારીને જુએ, કશો રસ લે... વાતચીત કરે. બસ, દૂર ને દૂર રહેતી હતી પુરુષજાતથી.

પોતાની જાતને એક એક દંડીવામાં પૂરીને બેછી હતી. હરપળે સાવધ બની જતી કે રખે કોઈ પુરુષ તેની પાસે આવે. પ્રોફેસરો સાથેય.... ખપ પૂરતો જ વહેવાર માનસીનો. ઘરમાં આવેને નિરાંતનો શ્વાસ લે. બસમાં, રીક્ષામાં, સડક પર... કાંઈ એકલી સ્ત્રીઓ થોડી જ હોય? પુરુષ પ્રતિની એક ચીડનો પડછાયો તેની સાથે જ રહેતો.

બસ..... એક પિતા. સુમંતભાઈ અપવાદ હતા. પણ એ તો તેના પ્યારા પપ્પા હતા. ઘરમાં એક વૃદ્ધ ફોઈ પણ હતાં. જેમણે તેને મોટી કરી હતી.

તે માંડ બાર-તેર વર્ષની હતી ને.... માતા ચાલી ગઈ હતી. લાંબા ગામતરે જ્યાંથી પાછા ફરવું શક્ય નહોતું. એક ગ્રંથી રચાઈ ગઈ હતી એ બાળકીમાં, જે અત્યારે પણ બળવતર બનીને ધરબાઈ ગઈ હતી માનસીમાં આખું જીવન બદલાઈ ગયું હતું.

તેણે તો તેની એકમાત્ર સખી સોનલદેને કહ્યું પણ હતું.

‘મારે એ રસ્તે જવું જ નથી. મને નફરત છે એ જાતની. તને મારી શુભેચ્છા છે કે તું સુખી થા, કોઈ પુરુષ સાથે!’

‘માનસી.... સમય આવશે ત્યારે તું જ પાનેતર ઓઢીને કોઈ પુરુષ પાસે ગોઠવાઈ જઈશ, માંડવામાં. આ તો બધાં તકલાદી વિચારો છે તારા. તું ય સ્ત્રી જ છે, અમારા જેવી.’ સોનલદે હસીને કહી દેતી.

જોકે તેને ય ક્યારેક ડર લાગતો. આ મૂરખી ખરેખર આમ કરશે તો? પુરુષોથી દૂર દૂર ભાગે છે. જાણે છળી મરતી ન હોય! ક્યાંથી લઈ આવી આ ફોબિયા? વર્તન તો એવું જ હોય છે. પ્રોફેસર વિપુલ દવેએ ગુજરાતીના નિબંધ માટે પ્રશંસા કરી તો પણ મૌન જ રહી. સહેજ મલકી પણ નહીં. બીજી કોઈ હોય તો એ ફાંકડા પ્રોફેસરની પાસે જ પહોંચી જાય. કાંઈક વિચિત્ર તો છે જ આ છોકરી!

વૃદ્ધ ફોઈ ઘર સંભાળતાં હતાં ત્યારે પણ માનસીને કાયમ સાંભળવું પડતું.

‘જો દીકરી, આપણે સ્ત્રીઓએ પારકે ઘેર જવાનું જ હોય. રાજાની રાજકુંવરીનું ય ન ચાલે.’

તે ભડકી જતી. પ્રતિકાર પણ કરી બેસતી ક્યારેક.

‘ફોઈ મારે એ નિયમ તોડવો છે.’

‘એ તો કાંઈ ચાલતું હશે? જો.... સુમંત તો તને પસંદ પડે એ છોકરા સાથે પરણાવશે. બાકી અમતે તો કોઈએ પૂછ્યું જ નહોતું. બસ, બેસી જાવ બાજોઠ પર. એ પુરુષને પૂરો જોયો પણ નહોતો – લગ્ન પહેલાં.’

માનસીને ગમ્મત પડતી. પણ પછી તરત જ ઉદાસ થઈ જતી.

ટ્રેન સતત વણથંભી ચાલી રહી હતી.

મેધ નવપરણેલી માનસીને દૃષ્ટિથી પી રહ્યો હતો.

આ પહેલીવારનુ દર્શન અંતે લગ્નમાં પરિણમ્યું હતું. એ આખી વાત મેધના સ્મરણ પર તરવરતી હતી.

પહેલી મુલાકાત સમયે, મેધને એ છોકરી ગમી હતી. તેની સૌમ્યતા એ તેને વ્યગ્ર બનાવ્યો હતો. એ રાતે તેને પ્રોફેસર સુમંતભાઈના વિચારો તો આવ્યા જ હતા, પણ સાથે સાથે માનસી પણ વળગી હતી.

“વાહ ! કેવો ભવ્ય માણસ ? આટલું જ્ઞાન છતાં.....નાં સ્હેજેય અભિમાન. બસ, સરળતા જ.. અને માનસી પણ કેવી ? આવા પુરુષની પુત્રી પણ આવી જ હોય ને ?

રાત વેરણ થઈ ગઈ હતી. નાઇટ લેમ્પના આછા અજવાસમાં માનસીની આકૃતિ ખડી થતી હતી અને વિખેરાતી હતી.

એ પછી તેણે એ ઘરે જવાનું ચાલુ રાખ્યું. અલબત્ત કોલેજમાં જ પૂછી લેતો હતો, ‘સર, આજે સાંજે અનુકૂળતા હોય તો...’ સુમંતરાય હસીને કહેતા, ‘મેધ... તારે રજા માગવાની જરૂર નથી. તું આવી શકે છે, ગમે તે સાંજે. માનીશ, હવે તો મને તો તરી હાજરીની આદત પડી ગઈ છે.’

તે એમ એ નાં છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા આપવાનો હતો. ભાષા રસિક વિષય ગણાય પરંતુ પ્રથમ વર્ગ મેળવવાનુ એટલુંજ મુશ્કેલ. સુમંતભાઈની સૂચનાઓ તેને ઉપયોગી બનતી હતી. ‘કેટલોપરિશ્રમી છે મેધ ?આવો શિષ્ય હોય તો ગુરુ બનવામાં ગૌરવ મળે. માનસી, મારી બધીજ સુચનાઓનો તરત અમલ કરે છે. બહુ વર્ષો પછી આવી ધગશવાળો છોકરો જોયો.તને નથી દેખાતો, ઉજાગરો એની આંખોમાં ? ‘

માનસી ગૂંચવાઈ ગઈ હતી કે શો ઉત્તર આપવો. અલબત્ત તેને પણ વિચાર તો આવતા જ હતા, મેધના. અમુક સમયે તે અવશ્ય વિચારતી કે હમણા એ આવશે. તે તત્પર પણ બની જતી કે તે આવે ને તરત જ દ્વાર ખોલે, જરા સ્મિત કરીને તેને આવકારે.

તેણે આજે કયો પોશાક પહેર્યો હશે, એ વિશે પણ ચિંતન થતું. એમ પણ વિચારી રાખતી કે કૉફી પણ તરત જ બનાવી નાખવી કશી ઔપચારિકતા વિના......કોફીનો મગ તેના હાથમાં મુકવો. અને તેણે પણ સોફાપર સામે બેસી જવું.

તેણે અનેકવાર મેધને તેની બનાવેલી કૉફી પીતો જોયો હતો. તેના થાકેલા ચહેરા પર કોફીની આહલાદક ઘૂંટથી

પ્રસન્નતા છવાઈ જતી. પછી તરતજ તેની દૃષ્ટિ અંદરના દ્વાર પ્રતિ લંબાવી જ્યાં સંભવત માનસી ઊભી હોય.

આ બધુજ એક રસપ્રદ રમત જેવું બની ગયું હતું. એક નવો ક્રમ રચાઈ ગયો હતો, દિનચર્યાનો.

તે ખાસ વાત કરતી નહોતી. ક્યારેક એક બે શબ્દોની આપલે થતી પણ એ તરત જ સમેટાઈ જતી. તેણે અનુભવ્યું હતું કે મેધ અને તેના પપ્પા.......તરતજ ગંભીર વિષયોમાં અટવાઈ જતાં હતા. તે ત્યાં હાજર હોય કે ના હોય,

સ્થિતિમાં ખાસ ફરક પડતો નહોતો.

માનસીને પણ થતું કે તેનું આ રીતે ત્યાં બેસી રહેવું યોગ્ય નહોતું જ. તે કોફીના મગ મૂકીને ચૂપચાપ સરકી જતી. તેણે એ પણ નોંધ્યું હતું કે મેધ,તેના ગયા પછી પણ ખાલી સોફા પર થોડા થોડા સમયે જોઈ લેતો હતો.

કોઈ વાર અછડતી દૃષ્ટિ અંદરના દ્વાર લગી પણ લંબાઈ જતી. પરદાની આડશમાં ઊભેલી માનસી હસી પડતી હતી.

‘ભણેસરીનું અર્ધું ધ્યાન તો મારામાં છે.’

તેને આવા વિચાર આવી જતાં, ખાસ કરીને રાતના એકાંતમાં. તેને આ પુરુષ ખરેખર ગમવા લાગ્યો હતો.આ તેના સ્વભાવથી વિપરીત હતું. તેને તો ભારોભાર નફરત હતી, પુરુષ જાત પર. કેમ આવું થયું હતું ?

તેના જીવનમાં એક પળ એવી આવી હતી કે તે થીજી ગયી હતી.કેટલા વર્ષ થયા એ વાતને ?

પણ નાં, એ ઘટના હજી તાજી બની હોય તેમજ લાગતી હતી.તેનું શરીર પુન:અક્કડ બની જતું હતું.

અ પળથીજ અણગમો શરૂ હયો હતો---પુરુષ માટે.સમજણી થઈ પછીતો એ ઘટનાના અનેક સૂચિતાર્થો મળ્યા હતા.તેને બધુજ દિવા જેવું સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું---પછી તો પુરુષો પ્રતિની એક ગ્રંથી જન્મી હતી---નફરતની.નાં, એ લોકો તો જરા પણ સારા નહિજ.

બસ એક પપ્પા અપવાદ. અને આ મેધ પણ જે મનને હચમચાવતો હતો. ભયગ્રંથી તો હતી જ.એમાં મેધ પણ અપવાદરૂપ ન હતો. માત્ર-----તેને, ગમતો હતો.

આ હાલડોલમાં થોડો સમય વહી પણ ગયો. એક દિવસે વિદાય લેવા આવ્યો ત્યારે સુમંતભાઈ પણ નહોતા. એમ એનું પરિણામ હજી આવ્યું નહોતું. મેધ આવતો ખરો પણ પહેલાં જેવું નિયમિત નહિ.

‘માનસી......કાલે વતનમાં જાઉં છું. સર, નથી?’

તે એવીરીતે બોલ્યો કે જાણે તેને તેની સાથેજરા જેટલોય સંબધ પણ ના હોય. માંઠું લાગ્યું માનસીને, મો પર ઉદાસી વ્યાપી ગઈ.

પણ પેલો તો ઉતાવળમાં હતો.

‘જુઓ, સરને કહેજો,લગભગ પંદેરેક દિવસ પછી આવીશ. બસ......નો સમય થયો છે એટલે.....’ અને તે ત્વરાથી ચાલ્યો ગયો હતો. આંખો ભીની થઈ માનસીની. છે જરાય ખેવના?

તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે તે હવે મેધ પ્રતિ જરા પણ ઉમળકો નહિ દર્શાવે. શક્ય હશે ત્યાં સુધી દૂર જ રહેશે એ પુરુષથી. કોફીના મગ મૂકીને ચૂપચાપ તેના ખંડમાં ચાલી જશે. પિતા મેધ વિશે કશું કહેશે તો તે પ્રતિભાવ જ નહીં આપે.

તે તેના કિલ્લામાં હતી એ જ યોગ્ય હતું.

આ મેધ પણ પુરુષ જ હતો. શો તફાવત હતો, એ કે આ વચ્ચે ? અને તેને અતીત યાદ આવ્યો હતો.

એકાંત.......પાણી ભરવાની મોટરની કર્કશ ચિચિયારી........ પેલો લજ્જાહીન પુરુષ અને તેર વર્ષની નાસમજ બાળકી –તે !

એ સમય ભાતે વીતી ગયો હતો પણ.....માનસી સ્મરણમાત્રથી અધમૂઈ થઈને ફરસ પર બેઠી હતી. ચહેરો ફિક્કો પડી ગયો હતો.

બરાબર એ સમયે સુમંતભાઈ ડોક્ટર ખારોડના ક્લિનિકમાં હતા. ‘પ્રોફેસર.....તમને આંતરડામાં કેન્સર છે.’ ડોક્ટરે....તુમંતભાઈના ખભા પર હાથ મૂકીને ધીમેથી કહ્યું હતું.