સીધાંશુનાં મગજમાં અનેક વિચારો એ જાણે યુદ્ધ માંડ્યું હતું. રૂહાની એની વ્હાલી દીદીની જે દશા એણે હમણાં જોઇ હતીએ વારે વારે એની આંખોમાં ભીનાશ બનીને પ્રસરતી હતી. વલ્લભભાઇએ ઉદાસીમાં ગરકાવ દીકરાંને બોલતો કરવાં પૂછ્યું, " તારું ભણવાનું તો પતી ગયું ને.. હવે આગળ શું કરવાનું છે કાંઈ નક્કી કર્યુ તે..??તારી માંને તો તારાં લગ્નની ભારે હોંશ છે.. ત્યાં કોઈને પરણીને નથી બેઠો ને.. તો તારાં માટે કેટલાંય માંગા આવ્યાં છે.. છોકરીઓ જોવાનું ચાલું
કરશું ને..??
સીધાંશુ અકળાઈને બોલી ઉઠ્યો " પપ્પા તમને કેમ આવું સૂઝે છે અત્યારે, મારી એકની એક લાડકી બહેન જીવતી લાશ જેવી બની ગયી હોય અને હું એને ફરી જીવતી અને હસતી કરવાં માટે કાંઈ નાં કરી શકું ત્યાં સુધી શું મને હક છે કોઇ બીજી છોકરીની જવાબદારી સ્વીકારવાનો..??
"પણ બેટાં અમને વહું લાવવાની હોંશ હોય ને.. !! તો હવે આગળ શું કરવું છે તારે એ કહે મને..?? "
સીધાંશુ ઉંડો શ્વાસ ભરી દ્રઢતાથી બોલ્યો " આગળ તો બસ અત્યારે તો ઘરે જ જવુ પડશેને આપણે. બાકી હવે તો રૂહાનીદીદીને ફરી પહેલાં જેવી નોર્મલ બનાવવા સિવાય કાંઈ જ દેખાતું નથી મને .. "
"પણ બેટાં એ સાજી થાય એવું લાગ્યું તને..?? હું તો એની હાલત જોઈને સમજી ગયો છું કે એ હવે.. " જાણીજોઈને વલ્લભભાઈએ વાક્ય અધૂરું મુકી દીધું, તો ય ફફડી ગયો સીધાંશુ એ વાક્ય પાછળનાં મર્મથી..
સીધાંશુને એ દુઃખદ વાત યાદ આવી કે એનાં પિતાએ તો રૂહાનીની હાલત છુપાવી જ હતી એનાંથી,પણ પાંચેક દિવસ પહેલાં એનાં સ્કૂલ સમયનાં ગામનાં જ એક મિત્ર ગૌતમને અમેરિકા આવવાનું હોવાથી એણે સંપર્ક કર્યો તેનો અને દિલાસો દેવાં ખાતર એ બોલ્યો હતો, " યાર રૂહાની દીદીની હાલત વિષે જાણીને મને પણ દુખ થયું તો તને કેટલી તકલીફ પડી હશે સમજી શકું છું." ત્યારે સીધાંશુને ખ્યાલ આવ્યો કે એની વ્હાલી બહેન પર જરુર કોઈક સંકટ આવ્યું છે.
પછી અમંગળની આશકાંથી ઘેરાયેલા સીધાંશુ એ ધ્રૂજતાં હાથે પિતાને ફોન કર્યો અને પૂછ્યું હતું, " પપ્પા રૂહાનીબેન વિષે તમે મારાથી શું વાત છુપાવી છે..?? "
વલ્લભભાઈએ વાતને ઢાંકતા કહયું, " બેટા એ વાત તું ઇન્ડિયા આવે ત્યારે કરશું."
"પપ્પા, હું પહેલી ફ્લાઇટમાં ત્યાં આવું છું. " સીધાંશુએ દુખ, ચિંતા અને ગુસ્સા મિશ્રીત અવાજે કહીને કોલ કટ કરી નાંખ્યો હતો .
પછીનાં બૌતેર કલાકમાં એ ભારતમાં પગ મુકી ચુકેલો અને વલ્લભભાઈને પણ ફોન કરીને બોલાવી લીધાં. એણે પિતા પાસે એરપોર્ટથી સીધાં જ રૂહાનીને મળવાની જીદ કરેલી. પણ જયારે પોતાની વ્હાલી બહેનને એણે પાગલ બનેલી જોઇ એ ક્ષણનો ભાર હજી સીધાંશુ માટે સહનશક્તિ બહાર લાગતો હતો.
વલ્લભભાઇએ શૂન્યમનસ્ક બેઠેલાં સીધાંશુને ખભેથી પકડી ઢંઢોળ્યો અને બોલ્યાં, " બેટાં ઘર આવી ગયું. "
આઘાતથી શુન્યમનસ્ક બનેલાં સીધાંશુએ ઘરને જોયું.આજે પાંચ વરસ પછી એ પોતાનાં ઘરે આવ્યો હતો. પણ.. પણ..
બહેન વિનાનું ઘર એને અધૂરું જ લાગવાનું હતું એ પણ
નક્કી જ હતું. પોતાની સાથે લાવેલ હેન્ડબેગ ઉપાડી તેણે
અને થોડાંક જુનવાણી ઘાટનાં એ બેમાળિયા મકાન
"માતૃવંદના " નો ઝાંપો ખોલીને સીધાંશુ અંદર પ્રવેશ્યો.
પણ ઓહ.. આંગણામાં બાંધેલા ઝૂલા સામે નજર પડી
તો ત્યાં દેખાઈ એમાં ઝૂલતી એની રૂહાનીદીદી અને ઝુલાને
પોતાનાં હાથથી ઝુલાવતો નાનકડો સીધાંશુ.. !! ઝૂલાની ગતિ સાથે ખીલતું અને આંગણામાં ફૂલડાંની જેમ વેરાયેલું હાસ્ય હજીય સીધાંશુનાં કાનોમાં સચવાયેલું અનુભવ્યું એણે, બારણાં પાસે રંગોળી ચિતરતી વખતે ચહેરાં પર આવતી વાંકડિયા વાળની લટોને કાન પાછળ ગોઠવતાં ગાલો પર લાગેલો કેસરી અને આસમાની કલર જોઈને સીધાંશુને
બહેનનાં માસુમ ચહેરાં પર આકાશ ઉતરી આવ્યું હોય
એવું લાગેલું, જયારે એ અમેરિકા ભણવા માટે જતો હતો ત્યારે બારણાંનો ટેકો લઈને ઉભેલી એ રડીને સૂજેલી ઉદાસ આંખો અને હીબકાંને માંડ રોકતી રૂહાનીદી પણ દેખાણી સીધાંશુને..!!
ત્યાં એ ભૂતકાળની યાદોનાં સાગરમાં ગડથોલિયાં ખાતાં
સીધાંશુને અવાજ સંભળાયો, " બેટા કેમ ઝાંપે જ ઉભો
માંડ વર્તમાનમાં આવતાં સીધાંશુને સામે દેખાઇ પોતાની
માં, એ નાનાં બાળકની જેમ દોડીને મમ્મીને ગળે વળગાડીને ફરિયાદ કરી ઉઠ્યો એ , " મમ્મી રૂહાનીદીદીને જોઈ મેં, પણ મારાથી તો એમની હાલત જોઇ જ નાં શકાઈ. કેમ તે ય આ
બધું છુપાવ્યું મારાંથી..?? " હૃદયમાં ધરબી રાખેલી ફરિયાદ
કરાઇ જ ગયી માં પાસે સીધાંશુથી.
ત્યાં હોલમાં બેઠેલાં ગોદાવરીબાનો ભારેખમ અવાજ સંભળાયો, " અરુણાવહું, દીકરો તમારાં એક નો નથી, આ
શું બારણે ઊભાં રહી ગયાં છો.. ઝટ અંદર લઇ આવો મારાં
અરુણાબેને ઈશારાથી સીધાંશુને દાદીને મળી લે પેલાં એમ
સમજાવ્યું. સીધાંશુ અંદર જઇને ગોદાવરીબાને પગે લાગ્યો,
દાદી એનાં ઓવારણાં લઈને બોલ્યાં, " આવ મારાં કુલદીપક, માં ભવાની તને હંમેશા સાજો નરવો રાખે.
"બાં હું તો સાજો નરવો જ છું તમારાં આશીર્વાદથી, પણ
રૂહાનીદીની હાલત કેમ આવી થઇ ગયી ..?? દીદીને પણ
મને આપ્યાં એવાં આશીર્વાદ આપ્યાં હશે ને તમે..?? "
દાદીના સ્વભાવને ઓળખતાં સીધાંશુને નહોતું બોલવું તો
"એ તો દીકરી છે ને , પરણાવીએ એટલે પછી પારકી જ કેવાઈ. આપણે પછી એનાં સંસારમાં બહું માથું નાં મરાય, જેવું એનું નસીબ બીજું આપણે શું કરી લઈએ .." દાદી જે કાંઈ બોલ્યાં એનાંથી સીધાંશુ સમજી શક્યો કે એમને
રૂહાનીની આ હાલતનું પણ કાંઈ દુખ નથી .
એને યાદ આવી ગયું કે જ્યારે તે અને રૂહાની નાનાં હતાં
ત્યારે પણ દાદીને રૂહાની માટે કેટલો અણગમો હતો. એ
હર એક વાતમાં રૂહાનીને ગુસ્સે થતાં. રૂહાની અને પોતાનાં
વચ્ચે ફક્ત દોઢ વર્ષનો જ ફેર હોવાં છતાં બંને બાળકો વચ્ચે
દાદી કેટલો ભેદભાવ રાખતાં. જયારે નાનકડાં સીધાંશુને રમવાં જવાનું કહેતાં ત્યારે ફુલ જેવી કોમળ રૂહાનીને ઘરમાં સાવરણી લઈને કચરો વાળવાનું કામ સોંપી દેતાં દાદી. પોતાની માસુમ બહેનને હેરાન થતાં ત્યારે પણ સીધાંશુ જોઇ નહોતો શકતો. આજે ય દાદીના શબ્દોંમાં પોતાની બહેન પ્રત્યે થયેલી ઉપેક્ષા સહન નાં કરી શક્યો એ લાગણીશીલ ભાઇ. એને ગુંગળામણ થવાં લાગી પોતાનાં જ ઘરમાં..!!
એ બોલ્યો, " મમ્મી મને એક કામ યાદ આવ્યું, હું આવું છું
હમણાં.. જાણે પોતાની બહેનનાં અપરાધીઓથી દૂર ભાગવા માંગતો હોય એમ જલ્દી જ બુટ પહેરી પાછળથી આવતાં પિતાનાં અવાજને પણ અવગણી ભાગ્યો જાણે એ ભાઇ .. એનાં કદમ એને લઇ ગયાં એની વર્ષો જુની પસંદની જગ્યાએ. એ ગામની બહાર આવેલાં ડેમની પાળીએ
જઈને બેઠો હતો.
હિલોળાતાં પાણી પર રૂહાનીનો બાળપણનો સુંદર માસુમ ચહેરો દેખાતો હતો. રુહાનીનાં વાંકડિયા વાળ એનાં ચહેરાં
પર ફરકતાં હતાં. ખીલખીલાટ હસતી એ બાળકીનાં ગાલોના ખંજન રૂપકડાં લાગી રહ્યાં હતાં. ત્યાં પાણી પર દેખાતો એ માસુમ ચહેરો પાણીમાં ઓગળવા લાગ્યો. એની જગ્યાએ
એક વિખરાયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો અને
તરડાઈ ગયેલાં સૂકા હોઠ વાળો ડરામણો લાગતો ચહેરો
ઉપસી રહ્યો હતો. સીધાંશુ પાણીમાં ડૂબી રહેલી રૂહાનીને બચાવવાં માટે હાથ લંબાવે છે અને પૂરો પ્રયત્ન કરતાં
રૂહાની.. રૂહાની.. બૂમો પાડતાં પાણીમાં જંપલાવા જ જતો હોય છે, ત્યાં પાછળથી એક નાજુક હાથ આવીને અચાનક આવીને પાણીમાં પડવાં જ જતાં સીધાંશુને ઝાલી લે છે.
સીધાંશુની આંખોમાં અંધકાર છવાઈ રહ્યો હતો એ બહું
પ્રયત્ન કરીને પોતાને બચાવી રહેલ નાજુક હાથવાળી વ્યક્તિને જોવા આંખોની બિડાતી પાંપણ ખોલવા મથી
રહ્યો , પણ ચાર દિવસનાં ઉજાગરાવાળું મગજ અને રૂહાનીની હાલત જોઈને તૂટેલું હૃદય એને બેહોશ બનાવી
રહ્યું હતું..!! માંડ એને દેખાયો એક આછો ધુંધળો ચહેરો. ઓહ.. એને ઓળખાયો એ આકાર કદાચ પણ.. એક અસ્પષ્ટ નામ બબડતાં, બેહોશ થઇ ગયો સીધાંશુ એ યુવતીની બાહોમાં.
((કોણ હતી એ વ્યક્તિ જેણે પાણીમાં જંપલાવતાં સીધાંશુને
પકડી લઈને બચાવ્યો..?? બેહોશ થતાં પહેલાં સીધાંશું જેનું નામ બોલ્યો એ યુવતી કોણ હતી ..?? શું થશે પાગલ બનેલી
રૂહાનીનું..?? એ રહસ્યસ્ફોટ આવતાં અંકમાં રજૂ કરીશ.આપ સહું વાંચકોને આ ધારાવાહિક નવલકથા કેવી
લાગી રહ્યી છે..?? આપના અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનોની રાહ રહેશે . ))