બેફિકરે...
જાસ્મીન આજે ખૂબ જ ગુસ્સામાં હતી. ફરી આદિત્યએ એનો મેસેજ ઇગ્નોર કર્યો હતો. એ જાણતી હતી કે આદિત્ય કામમાં બહુ વ્યસ્ત હતો તો પણ એ હંમેશા એક જ દલીલ કરતી કે, "એક વાર બિઝી છે એવો મેસેજ કરી દે તો એક સેકન્ડ પણ ના થાય. આ શું મારે મેસેજની રાહમાં ફોન પકડીને બેસી રહેવાનું." પણ આદિત્ય હંમેશની જેમ બેફિકર બનીને વાત ઉડાવી દેતો. ખૂબ પ્રેમ હતો બંને વચ્ચે, પણ સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હતું. તોય કંઇક એવું હતું જે બંનેને જોડી રાખતું હતું. અને એ હતું એકબીજાની કાળજી અને એકબીજાને સમજવાની સતત કોશિશ.
જાસ્મીન રિવર ફ્રન્ટ પર પહોંચી ત્યારે આદિત્ય ઓલરેડી ત્યાં પહોંચી ગયો હતો. જોકે જાસ્મીન જાણતી હતી મળવાનું હોય ત્યારે વહેલા પહોંચવાની આદિત્યની આદતને.! પણ, આજે એ હાથે કરીને અડધો કલાક મોડી પહોંચી. આદિત્ય એજ એના મીઠા સ્માઈલ સાથે હાથમાં બહુ બધી ચોકલેટ્સ લઈને ઊભો હતો પણ જાસ્મીન એની સામે જોવાનું ટાળીને સાબરમતી નદીના પાણીને જ જોયા કરતી હતી.
"ઓય બચ્ચા... મારી સામે તો જો એક વાર." આદિત્યએ લાગણી નીતરતા અવાજમાં કહ્યું...
"નથી જોવું તારી સામે.." પાણીને એકીટસે દેખતા જાસ્મીન નારાજગી સાથે બોલી..
"ઓકે ના જોતી બસ, પણ આ ચોકલેટ્સ તો ખાઈ લે, એમાં એનો શું વાંક.!? જોને બિચારી તને જોઇને એ પણ મારી જેમ પીગળી રહી છે.!" ડેરી મિલ્ક સિલ્કનો એક ટુકડો જાસ્મીનના મોઢા નજીક લઈ જતા આદિત્ય બોલ્યો..
જાસ્મીને એનો હાથ પકડી લીધો અને બોલી, "તને મારી કોઈ વેલ્યુ જ નથી. ખરેખર તો તને મારી જરૂરિયાત જ નથી. છોડી કેમ નથી દેતો તું મને.!?"
આદિત્ય જાણતો હતો જાસ્મીનના ગુસ્સાને, એને ખુબ જ દુઃખ થતું જ્યારે જ્યારે પણ આવી પળો આવીને એમની સામે ઉભી રહી જતી. એમની વચ્ચે રહેલી અમીરી ગરીબી અને નાતજાતની મજબૂત દિવાલના લીધે એ બંને ક્યારેય એક નહતા થઈ શકવાના, તોય જેટલો સમય એમને મળ્યો હતો એમાં આખી જિંદગી ચાલે એટલો પ્રેમ ભેગો કરવાનો હતો. એક એક પળ કિંમતી હતી એમના માટે, તોય કંઈ ને કંઈ એવું કારણ આવી જ જતું કે ભાગ્યેજ થતાં મળવાના યોગમાં એમનો મોટા ભાગનો સમય એકબીજાને મનાવવામાં જ જતો.
આદિત્યના ઘરમાં આજે કંઈ એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી કે એ ખૂબ જ અપસેટ હતો અને એમાંય જાસ્મીનનું બોલાયેલું વાક્ય કે છોડી દે મને એની વ્યગ્રતા વધારી ગયું ને ગુસ્સામાં એનાથી બોલાઈ ગયું, "ઓકે, જેવી તારી ઈચ્છા..!!"
આ સાંભળીને જાસ્મીનની હાલત એકદમ ખરાબ થઈ ગઈ. "સારું છોડી દઈશ તને, જ્યારે મરીશને ત્યારે.." ગુસ્સામાં એ પણ બોલી ગઈ..
વાત વધતી ચાલી.. આજે બંનેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નહતું. જાસ્મીન એકદમ તાડુકી, "હું મરી જાઉંને ત્યારે ખબર પડશે, પછી ના રડતો..."
"હા નહીં રડું..! બસ આકાશ સામે જોઈશ અને બોલીશ, love you bachcha.! miss u bachcha.!" આદિત્ય એકદમ રડમસ અવાજે બોલ્યો.
અને પળવારમાં જાસ્મીનની બધી ફરિયાદો દૂર થઈ ગઈ. આદિત્યના હાથમાં રહેલી ડેરી મિલ્કનો ટુકડો લેતા એ બોલી, "નૌટંકી, ગમે તેમ કરીને થોડી વારમાં મને મનાવી જ લે છે. ખબર છે મને કે ફાયદો ઉઠાવે છે તું મારા પ્રેમનો.!"
"મારી ઈચ્છા.! મારો પ્રેમ છે, મારે જે કરવું હોય એ કરું.!" જાસ્મીનના હોઠ પર લાગેલી ચોકલેટ પોતાના રૂમાલથી લૂછતાં આદિત્યએ કહ્યું...
ને ભવિષ્યમાં થનારી પોતાની જુદાઈને ભૂલીને બંને 'બેફિકરે' એ પળમાં જીવી રહ્યા..
"કાલની ચિંતામાં આજ કેમ ખોવી છે.!?
'બેફિકરે' બનીને જ જિંદગીને જીવવી છે.!
છૂટી જવાનો છે સાથ એનો, ખબર છે.!
તોય, મળી જે પળ એ ભરપૂર જીવવી છે.!"
©શેફાલી શાહ