MOJISTAN - 9 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 9

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 9

મોજીસ્તાન (9)

ડો.લાભુ રામાણી ગામના સરકારી દવાખાનામાં છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા હતા.પહેલા તેઓ અમદાવાદ જેવા શહેરમાં સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત હતા પણ રિટાયરમેન્ટના બાકી બચેલા દસ વરસ એમને આ ગામમાં કાઢવા પડે એવું કર્મોનું ફળ એમની ઝોળીમાં પરાણે આવી પડ્યું હતું.

આશરે પાંચ ફૂટ ઉપર એકાદ ઇંચ જેટલી બાંઠી કદકાઠી, ગોળ મોઢું...તેલ નાખીને એક તરફ પાંથી પાડીને ઓળેલા સફેદવાળ, કાળી ફ્રેમમાં સોડા બાટલીના તળિયા જેવા જાડા કાચવાળા ચશ્માં...અને એ ચશ્માંમાંથી દેખાતા એમના મોટા ડોળા, સફેદ પેન્ટ અને શર્ટમાં સુસજ્જ એકાવન વટી ચૂકેલું શરીર અને ડાબા હાથે હથેળી તરફ ડાયલ રહે એ રીતે બાંધેલી કાંડા ઘડિયાળ અને પગમાં દરરોજ પોલીશનું સુખ પ્રાપ્ત કરતા બૂટ...!

ડો.લાભુ રામાણીના વધુ નંબરના ચશ્માંને કારણે એમની આંખના ડોળા મોટા દેખાતા...અને તેઓ સરકારી દવાખાનાના સ્ટાફ ક્વાર્ટરમાં એકલા જ રહેતા હોવાથી ગામના સ્ત્રીવૃંદમાં એમની આંખો જીવનના ઉતરતા ઢાળનો સંગાથ શોધવા ક્યારેક ચકળવકળ થતી રહેતી. એમની આ હરક્ત ગામની ડોશીઓથી અજાણી રહી શકી નહોતી.
"મુવો આ દાગતર... કોણ જાણે શું સકળવકળ જોયા કરે સે...મારો હાળો બાયું પધોરથી (સામેથી) એનું ડાસુ ફેરવતો જ નથી."

જોકે ડો.લાભુ રામાણીને આ ઉતરતા ઢાળનો સંગાથ શોધવામાં ક્યારેક કોક ગોથું મારીને ગલોટીયું ખવડાવી દેશે એ વાતનો ખ્યાલ હોવાથી તેઓ ઘણી સાવધાની રાખતા...છતાં એમનું નામ ગામમાં 'સકળવકળ સાહેબ' પડી ગયું. કોઈ બીમાર હોય તો કહેવાતું કે ઝટ સકળવકળને બોલાવો. ચંચા જેવા તો મોઢામોઢ દવાખાને જઈને કહેતા કે "સકળવકળ સાહેબ, ઝટ ચાલો...મારી બોનને પેટનો દુખાવો ઉપડયો છે...!!"


બિચારા ડોકટર લાભુ રામાણી...! એમણે હમેશાં દર્દીની સેવા કરતી વખતે એમના નામ પ્રમાણે પોતાનો 'લાભ' જોવાની જે ભૂલ કરેલી એ એમને નડી હતી. તભાભાભાનો તાવ ઉતારવામાં એમને પણ જ્યારે તાવ આવી ગયો ત્યારે તભાભાભાએ એમને શ્રાપ આપવાને બદલે પૂછેલું, "દાગતર, પેલા તમે ઢોર સાજા કરતા...?"

"શું વાત કરો છો, ભાભા...! યાર તમે પણ મજાક કરો છો હો..હું તો અમદાવાદ હતો અમદાવાદ.. શું છે કે મને ગામડાનાં શરીરો જરા અઘરા લાગે છે..હે..હે..હે.." કહીને તેઓ હસી પડેલા.

"તો જાવ...તમારાથી મારો તાવ નો ઉતરે.. સમાયે ઇન્જીશન ભરવું જોવે...જરીક જેટલી દવા મારા શરીરમાં કામ નો આપે." તભાભાભાને ઇન્જેક્શન ખૂબ નાનું લાગતું.

"એવું ના હોય..એતો માપ પ્રમાણે જ આવે..." ડોક્ટરે પોતાની આંખો ચકળવકળ કરતા કહ્યું.

"ઈમ નો હોય હવે...ઓલ્યો સલપાંખડી જેવો હમણે જ્યો ઈનેય તે આ આવડું ઇન્જીશન દીધું..અને હું દોઢ મણની તો ફાંદ રાખું છું તોય એવડું જ ઇન્જીશન દ્યો તો ચયાંથી દવા પોગે..આ તો ઓલ્યા હબલાનેય હમજાય એવી સીધી વાત છે..મારે ખાવા જોતું હોય ઇના પ્રમાણમાં દવા સ્હોતે જોવે કે નહીં.. શું ભલા માણા...દાગતર થઈને આટલીય ભાન નથી... પસી અમદાવાદમાં કોણ બાપો રાખે...?" તભાભાભાએ પોતાનું ગણિત રજૂ કરતા કહ્યું હતું.


ડો.લાભુ રામાણીને બે ઇન્જેક્શન ઠોકી દેવાનો મોળો વિચાર ઘડીભર આવીને જતો રહેલો. એમની અંદર રહેલો 'લાભુડો' લાકડી લઈને ગોરને ગોળ કરી દેવા તત્પર પણ થયો પણ આખરે એ ડોકટર હતા. નડે નહીં એવું વિટામીનનું એક વધુ ઇન્જેક્શન મારીને એમણે ભાભાનું માન રાખ્યું અને પોતાની આંખ ઉઘડવા બદલ એમનો આભાર પણ માન્યો.

ત્યારબાદ ભાભાએ ડોકટરને ગામમાં ઓછી સમજણવાળો જાહેર કરી નાખ્યો. એને કારણે સરકારી દવાખાનું થોડો સમય શાંત રહેવા લાગેલું, પણ થોડા સમય પછી લોકોને ડોક્ટરની આવડત અસર કરતી થઈ ગઈ.

* * *

બસસ્ટેન્ડ પાસે ધીરુ ધમાલનો પાન બીડીનો ગલ્લો હતો. આ ધમાલ પાન સેન્ટર પર કમાલના કામ થતા હતા. બીડી તો માત્ર દેખાવ પૂરતી જ ગલ્લામાં રાખવામાં આવતી. અસલ ઘરાક તો કૅબિન પાછળ ચાલ્યા જતા. કાળા પ્લાસ્ટિકના ઝબલામાં પીળા પ્રવાહીની ગાંઠ મારેલી પારદર્શક કોથળીઓ ઘરાકના હાથમાં ટીંગાતી ટીંગાતી નીકળતી.કેટલીક કોથળીઓ સ્થળ પર જ તૂટીને ઘરાકના મોઢામાં ઠલવાતી.મોડી રાતે ધમાલનો ગલ્લો દસ અને વીસની મેલી નોટુથી ઉભરાઈ જતો, પણ ધીરુ ધમાલે લક્ષ્મીને ક્યારેય મેલી માની નહોતી..!


ગંભુને ક્યારેય કોથળીમાં ક્સ દેખાયો નહોતો, પણ માનસંગને રોજ તો નહીં પણ અઠવાડિયે દસ દિવસે મોજ લેવી પડતી...!

એક દિવસ રાતના સાડા આઠે માનસંગ દસવાળું ઝભલું પેટમાં પધરાવીને ડોલતો ડોલતો અને મનમાં આવે એવું બોલતો બોલતો જતો હતો.

બસસ્ટેન્ડથી રાણપુર તરફ જતી પાકી સડક પર અંધારું ફરી વળ્યું હતું. થોડે દુર ગામની સ્ટ્રીટ લાઇટના બલ્બ એ અંધારા સામે જાત બાળીને બાજી રહ્યાં હતાં.

એવે વખતે ડો.લાભુ રામાણી પોતાના પરિવારને મળીને અમદાવાદથી આવી રહ્યા હતા.
મોટેભાગે તેઓ ક્યારેય ગાડી લઈને જતા નહીં પણ આ વખતે પોતાની મારુતિ અલ્ટો લઈને ગયેલા. અમદાવાદથી નીકળવામાં તો ઘણી ઉતાવળ રાખેલી પણ રસ્તામાં ટ્રાફિક નડી જતા બરવાળા પહોંચતા એમને અંધારું થઈ જ ગયું.

હવે ચકળવકળ થતી આંખો નક્કી નહોતી કરી શકતી કે ગાડીની હેડલાઈટ આગળ ખરેખર રસ્તો ખુલ્લો છે કે કોઈ જઈ રહ્યું છે..! એમાં પણ જો સામેથી વાહન આવતું દેખાય તો દૂરથી જ તેઓ સાઈડમાં ગાડી ઊભી રાખીને આંખો મીંચી જતા. આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે એટલે તેઓ ક્યારેય રાતે ગાડી ચલાવતા નહીં, પણ સમય અને સંજોગ માણસને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચાડી જ દેતો હોય છે...ગમે તેટલી કાળજી રાખવા છતાં ન ઇચ્છેલી ઘટના ઘટીને જ રહેતી હોય છે કદાચ...!

માપસરની સ્પીડમાં આવી રહેલી અલ્ટોની હેડલાઇટના પ્રકાશનો શેરડો સડકને દૂર સુધી અજવાળી રહ્યો હતો. ડો.રામાણી એમની ચકળવકળ આંખો પરાણે પહોળી કરીને ગાડી હંકારી રહ્યા હતા.

"કોને લાયટ કયલી...હેય કોન સે...બન કલ...બન કલ..હેય.. લાયટ બન કલ...કોન સે...કોને માનસંગની વાંહે લાયટ... ચીમ કલી..." ચડી ગયેલા નશાને કારણે જીભના લોચા વાળતો માનસંગ અવળું ફરીને રોડ પર આવી ગયો.

ડોક્ટરે ઝડપથી સજ્જડ બ્રેક મારી ન હોત તો અલ્ટો માનસંગ ઉપર જ ચડી જાત, પણ ડોકટર અને માનસંગ બેઉના સદ્દનસીબે અલ્ટોએ સમજીને માનસંગને જરાક નહીં જેવો જ ધક્કો માર્યો.

એટલો ધક્કો બસ થઈ પડ્યો. ડોલી રહેલો માનસંગ એ ધક્કાથી ધબ લઈને રોડ પર ઢળી પડ્યો... અને ડોકટરના ધબકારા વધી ગયા..

"હે..ય...કોન..ચે... હે..ય..મને ચીમ પાડી દીધો..હેય..કોન ચે..." લવારા કરતો માનસંગ કારના બોનેટ આગળ પડ્યો હતો.

ડોકટર ધડકતા હૈયે ગાડીમાંથી નીચે ઉતર્યા. રોડ પર સૂનકાર વ્યાપી ગયો હતો. ડોક્ટરની આંખો ચિત્ર સ્પષ્ટ કરી શકતી નહોતી.

"અલ્યા ભાઈ.. કોણ છો..? અને આમ રોડ ઉપર દારૂ પીને કેમ રખડતો હતો...અલ્યા વાગ્યું તો નથીને...?" ડોક્ટરે ગભરાતા ગભરાતા ગાડી આગળ પડેલા માનસંગને હલાવ્યો.

"કોન ચે.. હેય..કોન ચે..." માનસંગે જરીક માથું ઊંચું કરીને ડોકટર સામે અધખુલ્લી આંખોથી જોયું.

"હેય...ડોકતલ....સકલવકલ.. હેય.. ડોકતલ તમે મારું એક્સિડન કયલુ હેય...પૈયસા... લાવો..." કહીને માનસંગે બેઠા થઈને ડોકટરના શર્ટનો કોલર પકડી લીધો.

ડોકટરને બિચારાને આવા વિપરીત સંજોગોનો સામનો ક્યારેય કરવો પડ્યો નહોતો પણ અત્યારે આ દારૂડિયો, પોતે અને લાઇટ ફેંકી રહેલી પોતાની અલ્ટો સિવાય કોઈ હાજર હતું નહીં.દારૂડિયો અડધો બેભાન હોવા છતાં એ પોતાને ઓળખી ગયો હતો એ માઇનસ પોઇન્ટ હતો, છતાં અહીંથી અત્યારે હંકારી જવામાં જ ફાયદો હોવાનું એ સમજી ગયા હતા.


માનસંગના હાથમાંથી પોતાનો કોલર છોડાવવા એમણે માનસંગને ધક્કો દીધો. ડોકટરના ધક્કાથી બેઠા થયેલા માનસંગનું માથું જોરથી રોડ સાથે ભટકાયું.ડોક્ટરે ઝડપથી એના બંને પગ ખેંચીને એને ઢસડ્યો અને રોડની સાઇડમાં ખેંચી લાવીને સુવડાવ્યો.પણ ત્યાં તો માનસંગ ઉભો થવા ગયો અને રોડની સાઈડમાં ઊંડા ખાળીયામાં ગબડી પડ્યો..


"હેય...કોન ચે... ડોકતલ હું તને જીવતો નહીં ચોલું...હેય..હેય.." કરતો માનસંગ ખાળીયામાં પડ્યો એટલે તરત જ બોલતો બંધ થઈ ગયો.

ડોક્ટરે ચારે તરફ ચકળવકળ આંખે જોયું અને ઝડપથી ગાડી મારી મૂકી.

બરાબર એ જ વખતે ધીરુ ધમાલ આજનો વકરો ખિસ્સામાં ઠુસાવીને આવી રહ્યો હતો. ડોક્ટરની અલ્ટો રોડ પરની ઝાંખી લાઇટોના અજવાળે એણે ઓળખી. ડોકટર કોઈને ઢસડી રહ્યા હતા અને પછી ભાગ્યા હતા.એ પણ એણે જોયું.



ધમાલે અકસ્માતના સ્થળે આવીને રોડના ખાળીયામાં ટોર્ચનું અજવાળું ફેંક્યું તો માનસંગ ઊંધા માથે પડ્યો હતો.

થોડીવાર પહેલા જ પોતાની દુકાનેથી કોથળી મારીને ગયેલા માનસંગને ધમાલે ઢસડીને બહાર કાઢ્યો ત્યારે એના મોંમાંથી
ફીણ નીકળી રહ્યા હતા.

હવે ડો. લાભુ રામાણીનું આવી બનવાનું હતું...!

****

વજુશેઠ જેવો વેપારી ગામમાં બીજો કોઈ રહ્યો નહોતો. એમની હાટડી બસસ્ટેન્ડથી થોડા આગળ વધીને ગામમાં પ્રવેશો એટલે તરત આવતી. વજુશેઠના ચાર દીકરાઓ મુંબઈમાં ધમધોકાર ધંધો કરતા, પણ વજુશેઠને ક્યારેય મુંબઈની આબોહવા માફક આવે તેમ નહોતી...!

" મુંબઈની હવા મને નો ફાવે ભાઈ..હું તો આ ગામમાં જન્મ્યો છું અને આ ગામમાં જ મરીશ." વજુશેઠ ગામના લોકોને આવી પટ્ટી પઢાવતા રહેતા.

વજુશેઠના કુટુંબમાં વજુશેઠ પોતે, એમના પત્ની કલાવતી, જેમને ગામ કલી શેઠાણી કહેતું, અને વૃદ્ધ પિતા કેસાશેઠ એમ ત્રણ જણ દુકાનની લગોલગ આવેલા એમના પેઢીઓ જુનાં ઘરમાં રહેતાં. આ કેસાશેઠનું ઓરીજનલ નામ તો કેશવલાલ હતું પણ એ તો છેક એમની જુવાનીમાં....!

હવે એ લાલ મટીને સાવ પીળા પડી ગયા હતા. એમની હેડીના લોકો કેસાભાઈ, નાના હોય એ કેસાકાકા અને સાવ નાના હોય એ કેસાદાદા કહેતું...આ કેસાદાદાએ એમની જુવાનીમાં ઘણી તડકી છાંયડી જોઈને પૈસા બનાવ્યા હતા.

વજુશેઠની દુકાન આગળ એક મોટો ઓટલો હતો. જેના પગથિયાં ઓટલાની બંને બાજુ દિવાલ પાસે હતા, કારણ કે બજાર દબાવીને ચણેલા આ ઓટલાની આગળ પગથિયાં કરી શકાય એમ નહોતું.

દુકાનનો લાકડાનો દરવાજો ઘણો પહોળો હતો. એ દરવાજાના બારણાંમાં વચ્ચે બીજા મિજાગરા નાખીને અડધા ખોલી શકાય એવી વ્યવસ્થા કરી હતી. બહુ મોટો સામાન લઈ જવા કે લાવવાનો હોય ત્યારે આખા બારણાં ખોલવામાં આવતાં. બાકીના સમયમાં બારસખની બંને બાજુ બે બે ફૂટ પછી બારણાંને ખોલીને ઓટલા બાજુ વાળી દેવામાં આવતા.

દુકાનમાં ડાબી તરફની દિવાલે એક જાડા ગાદલા પર એકદમ સ્વચ્છ અને સફેદ ચાદર અને એવા જ લંબગોળ તકિયા પડ્યા રહેતા. એ ગાદલું પૂરું થાય એટલે એક લાકડાનું ઢળતું મેજ (desk) હતું. જેની ઉપર બહારની કિનારીથી ચાર ઇંચ જગ્યા છોડીને મેજનો ઢોળાવ બનાવેલો હતો. એ મેજ આમ તો લાકડાનું એક બોક્સ જ હતું. જેનું ઉપરનું ઢળતું પાટિયું એ બોક્ષના ઢાંકણાનું કામ કરતું. ગામના ભલભલા ચમરબંધીઓ પાસેની ઉઘરાણીની યાદી સાચવીને કેટલાક લાલ પૂંઠાવાળા ચોપડા એ મેજમાં પડ્યા રહેતા. આ ચોપડામાં જે સૌથી જૂનો ચોપડો હતો એ કદાચ વજુશેઠની પાંચમી પેઢીના વડવાએ લખવાનો શરૂ કર્યો હતો. એકવાર જેનું નામ આ ચોપડે ચડતું એ કદી આ દુકાનના દેવામાંથી બહાર નીકળી ન શકે એવો જ હિસાબ એમાં હમેશાં કરવામાં આવતો. ભલભલા ભણેલાના હિસાબમાં ભૂલ બતાવીને એમને ગૂંચવી નાખતું પોલાદી દિમાગ વજુશેઠની ખોપરીમાં પેઢી દર પેઢીથી ચાલ્યું આવતું... તખુભાબાપુ હોય, હુકમચંદ હોય કે રવજી સવજી હોય...બધાના ખાતા સાચવીને વજુશેઠ ખાતા પીતા હતા.


જ્યારે કોઈપણ ખાતેદાર હિસાબ સમજવા આવે ત્યારે કેસાશેઠ કાયમ હાજર રહેતા. દેવું ચૂકતે કરી નાખવાનું નક્કી કરીને એ પ્રમાણે પૈસા લઈને આવેલા ખાતેદારને એના દાદા વખતની બાકી રકમ બતાવવામાં આવતી.અને એના વ્યાજમાં એની લાવેલી રોકડી રકમ જમા થઈ જતી અને મુદ્દલ મોઢું ફાડીને ખાતેદારને ફરીવાર ખાવા માંડતુ.


નવા ચોપડામાં આગળ જમા કરાવેલી રકમ ક્યારેય જમા નહીં પાડવાની આગવી કળા કેસાશેઠે પોતાના વારસામાં વજુશેઠને પણ શીખવાડી હતી.

વજુશેઠના બંને કાનની ઉપરના કેટલાક વિસ્તારમાં વાળની સફેદી ચોંટી હતી.માથાના બરાબર વચ્ચેના ભાગમાં છેક કપાળથી લઈને ડોક તરફના અડધા માથા સુધી ચળકતી અને સુગંધી તેલ પાયેલી ટાલનું સામ્રાજ્ય હતું. સપાટ મેદાનમાં વચ્ચે ઉપસેલી ટેકરી જેવું એક ઢીમચું વજુશેઠના કપાળમાં ઊગી નીકળ્યું હતું. ધીમેધીમે એ વધી રહ્યું હોવાની વાત એમણે કોઈને કહી નહોતી.

કાનની બુટ આગળ સફેદ લંબચોરસ ટીસીઓ, આંખ ઉપર અર્ધ ગોળાકાર નેણના સાવ ધોળા વાળ, ઊંડા કૂવાના તળિયે ઝબૂકતા પાણી જેવી આંખો ઉપર ગાંધીજીના ચશ્માં જેવા જ ગોળ ચશ્માં, ખાડા ટેકરાવાળું ખરબચડું અને લાંબા રીંગણા જેવું નાક, મૂછની ગેરહાજરીને કારણે નાક નીચે ખુલ્લી જગ્યામાં... રસ્તામાં બાજુ બાજુમાં કરેલા બમ્પની જેમ ઉપસેલી ચામડીમાં દેખાતો ખાડો, ઉપરાઉપર બે લાંબા ચપટા પથ્થર પડ્યા હોય એવા જાડા અને કાળા હોઠ, એ હોઠ નીચે થોડી ઊંડાઈમાંથી ઊગી હોય એવી આગળ પડતી દાઢી.

વજુશેઠની પાતળી ડોકમાં સોનાના એક બે અછોડા લટકતા રહેતા. એમના પાતળા શરીરના પ્રમાણમાં બંને પાતળા હાથની આંગળીઓમાં એક એક વીંટી તેઓ પહેરતા. ઝભ્ભા ઉપર કાળી બંડી અને નીચે સફેદ ધોતિયું અને બહાર જવાનું થાય ત્યારે પેલી તેલ ચોપડેલી ટાલને ઢાંકવા માટે એક કાળી અને લંબચોરસ લાંબી ટોપી એમના પોશાકમાં સામેલ થતી.એમના માટે હરજી મોચી સ્પેશિયલ અને કૂંણા ચામડાની મોજડીઓ સીવી લાવતો. જોકે આ હરજી મોચીના બાપદાદાઓ પણ આ શેઠનાં કુટુંબની મોજડીઓ સીવીને કાયમ માટે એમની કૃપા પાત્ર બન્યા હતા...!

કેસાશેઠ લગભગ સિત્તેર વટી ગયેલા. એમના મોંમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ ચાવી ચાવીને બત્રીસે બત્રીસ દાંત વિદાય લઈ ચૂક્યા હતા. એની જગ્યાએ સારામાં સારું ગણાતું ચોકઠું છેક મુંબઈ જઈને એમણે કરાવ્યું હતું. ચોકઠું ક્યારેક નાહવા ધોવા ગયું હોય ત્યારે એમની દાઢી દોડીને નાકને બથ ભરી લેતી...પણ એમની ઊંડી ઊતરી ગયેલી આંખો, ઢીંચણે હાથ દઈને ચાલતી મોંઘી ડોશીથી માંડીને ગામમાં સાવ છેલ્લે પરણીને આવેલી શામજી ભવાનના છોકરાની વહુ ચમેલીને પણ ઓળખી લેતી.

એમના મગજની હાર્ડડિસ્કમાં સ્પેસ પણ હતી અને એમનું મેમરીકાર્ડ અનેક જીબીની કેપેસિટી ધરાવતું હતું. પચાસ વરસ પહેલાં જે લોકો ઉધાર લઈ ગયા હતા...એમનો ઉધ્ધાર હજી પણ એમણે થવા દીધો નહોતો.

વજુશેઠની સામે દીવાલ અડતું ગોદડું પાથરીને, એક નાના ગોળ તકિયાના ટેકે આખો દિવસ એ બેઠા રહેતા. ઉધરસને કારણે કેસાશેઠના મોંમાંથી નીકળેલો ગળફો બંદૂકની ગોળીની જેમ વછૂટીને દુકાનના ઓટલા આગળ કાયમ ભર્યા રહેતા ખાબોચીયામાં ખાબકતો...!

મુખ્યત્વે વજુશેઠની પેઢી ધિરાણનો ધંધો કરતી. કપાસ, તલ અને જીરું જેવી ખેતપેદાશોની ખરીદીમાં પણ વર્ષોથી વજુશેઠ આગળ હતા.

છ મહિના પહેલા વજુશેઠે મુંબઈ જતા રહેવા મન બનાવેલું, પણ ચાર છોકરાઓના બહોળા પરિવારમાં આ બેઉ ડોસાઓના મન સચવાયા નહોતા.

મોટાભાઈને ઘેર આવેલા માબાપ અને દાદાને મળવા અલગ રહેતા નાના ત્રણમાંથી એકેય ડોકાયા પણ નહોતા, એવો એ ચારેય વચ્ચે સંપ હતો..!

અઠવાડિયા પછી મોટો દીકરો બીજા નંબરના દીકરાના ઘર પાસે માબાપ અને ડોસાને ઊતારીને જતો રહ્યો. વળી અઠવાડિયા પછી બીજા નંબરે મોટાનું અનુકરણ કરીને ત્રીજાના ઘરે આ ત્રણેયને ધકાવી દીધાં. ત્રીજા નંબરે સૌથી નાનાને ઘેર ઉતર્યા તે દિવસે છઠ્ઠો દિવસ હોવાથી એ બંને એક દિવસ વહેલા મૂકવા આવવા બદલ ઝઘડી પડ્યા. એ બંનેને માંડ સમજાવીને ત્રણેય જણ નાનાને ઘેર ચાર દિવસ તો માંડ રહ્યાં. પાંચમા દિવસે નાનો રેલવેસ્ટેશને આવીને ગાડીમાં બેસાડી ગયો ત્યારે એમને વળાવવાય કોઈ આવ્યું નહોતું.

પોતાના પરિવારનો આટલો પ્રેમ જોઈ વજુશેઠે, કેસાશેઠના ખભે માથું મૂકીને પોક મૂકી ત્યારે ડબ્બાના બીજા પેસેન્જરો એમને ઘેરી વળ્યાં હતાં.

કેસાશેઠને કરમની કમાણીની કોઈ મહારાજે કરેલી વાતો યાદ આવી ગઈ.દીકરાને છાનો તો રાખ્યો પણ પોતાની પેઢીના ચોપડામાં કેદ કરેલા ગરીબોનું કલ્યાણ કરવાનું આ પરિણામ છે એ સમજતા એમને વાર લાગી નહીં.

બસ એ દિવસ પછી વજુશેઠના હિસાબ બદલાયા છે. એમણે વ્યાજે ચડાવેલી રકમના તમામ વ્યાજમાં લાલ લીટો મારી દીધો છે. મૂડી કરતા અનેકગણું વ્યાજ ચૂકવાઈ ગયું હોવા છતાં હિસાબ બાકી બતાવતા તમામ ચોપડાઓ બંને બાપદીકરાએ બાળી મૂક્યાં છે..!

ગામમાં ન નંખાયેલી ગટરલાઇન અને નાખવામાં આવી રહેલી પાણીની લાઇનમાં વજુશેઠ અંગત રસ લઈને તાલુકા કચેરીએ ત્રણવાર જઈ આવ્યા હોવાથી ભૂતપૂર્વ સરપંચ ઉપર તપાસની નોટિસ આવી હતી. ક્યાં ક્યાં ગટરલાઇન નાખી છે એની તપાસ ટૂંક સમયમાં શરૂ થવાની હતી અને પાણીની લાઇનનું ઈંસ્પેકશન પણ આવવાનું હતું.

તખુભાના મોઢા પર ઉડેલા કાદવને કારણે એમના હૃદયમાંથી પસ્તાવાનું ઝરણું તો ફૂટી નીકળ્યું હતું પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.

હુકમચંદને રવા અને સવાના દસ લાખ બે ટકાએ લઈ સરપંચ બનવાનો કોઈ 'લાભ' હવે થવાનો નહોતો.

હુકમચંદના હજૂરીયાએ વજુશેઠની હિલચાલ અંગે માહિતી ભેગી કરી હતી.

ચંચો ટેમુની દુકાને સરપંચના પાંચસો રૂપિયાનો હિસાબ લેવા ગયો હતો...પણ ટેમુ, ચંચાનો હિસાબ લઈ રહ્યો હતો...!!

(ક્રમશ:)