Suryoday - ek navi sharuaat - 27 - last part in Gujarati Fiction Stories by ધબકાર... books and stories PDF | સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ - ૨૭ (અંતિમ)

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ - ૨૭ (અંતિમ)

ભાગ - ૨૭ (અંતિમ)


સૂર્યોદય - એક નવી શરૂઆતના આ અંતિમ ભાગ સાથે આપણી આ ભાવનાત્મક સફરનો અંત થવા જઈ રહ્યો છે. એક દીકરી, એક પત્ની, એક પ્રેમિકા, એક માતા દરેકે દરેક રૂપમાં એક સ્ત્રીને કેવીરીતે સમય તકલીફો આપે છે અને એ સમયને પર થઈ એક સ્ત્રી કઈ રીતે પોતાના માટે એક સૂર્યોદય સાથે આગળ વધે છે એની સફરમાં આપ સૌ મિત્રો, સ્નેહીઓ એ ખુબ સાથ આપ્યો. આપના સાથ વિના આ સફરનું કોઈજ ઔચિત્ય ના રહેત. સુંદર પ્રતિભાવો સાથે હંમેશા મને માર્ગદર્શન અને હિંમત આપી સાથ આપવા બદલ આ સૌ મિત્રો, સ્નેહીઓનો ખુબ ખુબ આભાર. અંતિમ ભાગમાં પણ ખુબજ સુંદર પ્રતિભાવ આપી આ સફરને યાદગાર બનાવશો એ અપેક્ષા સહ આપની સાથે આ અંતિમ ભાગ રજૂ કરું છું.

*****

આગળના ભાગમાં આપણે જોયું કે સૃષ્ટિને મનસ્વી જોડે અમદાવાદ શિફ્ટ થયે આઠ વર્ષ થયા છે. જ્યાં એ સમય પસાર કરવા અને અંગત આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા નાના મોટા એકાઉન્ટ લખવાનું કામ કરે છે. તો એની દીકરી મનસ્વીએ પણ MBBS પૂરું કરીને એના પ્રેમ મન સાથે લગ્ન કરીને સૃષ્ટિની સાથે જ એના ફ્લેટમાં પોતાનું નવજીવન ચાલુ કર્યું છે. મન અને મનસ્વીએ અમદાવાદમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં નોકરી લઈ લીધી છે અને આજે આવેલા એક માતા અને પાંચેક વર્ષની બાળકીના અકસ્માત કેસમાં થયેલા માતાના મૃત્યુથી વ્યથિત મન એની વાત મનસ્વી અને સૃષ્ટિને કરે છે હવે આગળ...

*****

બીજા દિવસે મનસ્વી અને મન બંનેની ડ્યુટી એક સરખા સમયે હોવાથી બંને સાથે જ હોસ્પિટલ પહોંચે છે. ત્યાં પહોંચીને મનસ્વી સૌથી પહેલા એક્સીડન્ટ કેસ વાળી બાળકીને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મન મનસ્વીને ચિલ્ડ્રન વોર્ડના એ બેડ આગળ લઈ જાય છે જ્યાં એ બાળકી એના નાની જોડે હોય છે.

પોતાની નજર સમક્ષ મમ્મીને ડમ્પરની ટક્કરથી ઉછળતા જોઈને હેતબાઈ ગયેલી એ બાળકીએ કાલનું કંઈ ખાધું નહતું કે ના એક શબ્દ પણ બોલી હતી. શરીર પણ એનું તાવથી ધગધગતું હતું. એના નાની કાકલૂદી કરીને એને દૂધ પીવા સમજાવી રહ્યા હતા. આ જોઈને મનસ્વીનું સ્ત્રી હૃદય દ્રવી જાય છે અને એ તરત જ બેડ પર બેસીને એ બાળકીને પોતાના ખોળામાં બેસાડે છે અને પર્સમાંથી બહુ બધી ચોકલેટ કાઢીને આપે છે. એ ધીમે ધીમે વાત કરીને બાળકીને પોતાના વિશ્વાસમાં લે છે અને એનું નામ પૂછે છે. "વિશ્વા" બાળકીના નામ બોલતા જ બાજુમાં એના નાની રડી પડે છે અને એમના હાથમાં રહેલો દૂધનો ગ્લાસ મનસ્વીને આપે છે. મનસ્વી પોતાના મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરે છે અને એ બતાવતા બતાવતા વિશ્વાને દૂધ પીવડાવવામાં સફળ થાય છે. પેટમાં દૂધ જતાં જ રડી રડીને થાકી ગયેલી વિશ્વા ઊંઘી જાય છે. મનસ્વી એના નાનીને પોતાનો મોબાઈલ નંબર આપે છે અને કંઈ પણ કામ હોય તો વિના સંકોચે ફોન કરવા કહીને બંને જણ ત્યાંથી નીકળી જાય છે.

લગભગ દસેક વાગ્યાની આસપાસ મનસ્વીના ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવે છે. એ ફોન રીસિવ કરે છે તો સામેથી કોઈ એકદમ હતાશ અવાજે એક વ્યક્તિ એનો આભાર વ્યક્ત કરે છે. એમની ઓળખ પૂછતા જ એ વ્યક્તિ વિશ્વાના પપ્પા તરીકે એમની ઓળખ આપે છે. એને એ અવાજમાં કંઇક અલગ પોતાપણું લાગે છે, જાણે પહેલા કેટલીય વાર સાંભળ્યો હોય એવો અવાજ.! ફોન મૂક્યા પછી ક્યાંય સુધી એ યાદ કરવાનો પ્રયત્ન કરે છે પણ એ નિષ્ફળ જ રહે છે.

"સમયની પરત જોને કેવી જામી છે.!
જે હતું સ્પષ્ટ એ આજે ધૂંધળું છે.
જે અવાજ ક્યારેક હતો ખુશીનું કારણ,
એને આજે ઓળખવું પણ અઘરું છે."

એનો એ આખો દિવસ વિશ્વાની ચિંતામાં જ જાય છે. સાંજ સુધીમાં તો બે ત્રણ વાર એ એને મળી આવે છે અને રિપોર્ટસ આવ્યા કે નહીં એના વિશે પૃચ્છા કરી આવે છે. દરેક વખતે એના મનમાં એ જાણીતા લાગેલા અવાજની ઓળખાણ કાઢવાની અપેક્ષા હોય છે એટલે એ આડકતરી રીતે વિશ્વાના પપ્પા વિશે પૃચ્છા કરે છે પણ હજી એમનો મળવાનો યોગ્ય સમય નહતો થયો કદાચ...

રાતે ઘરે જતા પહેલા મનસ્વી અને મન વિશ્વાને મળવા જાય છે. એ વખતે એના રિપોર્ટસ આવી ગયા હોય છે. એ ચેક કરતા એનું ધ્યાન વિશ્વાના આખા નામ પર જાય છે અને એની નજર વિશ્વાના પપ્પા સાર્થકના નામ પર અટકી જાય છે. એ સીધી આઠ વર્ષ પહેલાના સમયમાં પહોંચી જાય છે જ્યાં આ નામ એની અને એની મમ્મીની ખુશીનું કારણ હતું. "એજ નામ, એવો જ અવાજ... શું આ એજ સાર્થક અંકલ હશે.!?" એ મનોમન બોલે છે. એને વિશ્વા પર વ્હાલ ઉભરાઈ આવે છે અને એના માથે પ્રેમથી હાથ ફેરવે છે.

ઘરે જઈને રાતે મનસ્વીના મનમાં ફરી એજ સવાલ ભરડો લઈ લે છે કે સાર્થક અંકલ અચાનક જ કેમ એમના જીવનમાંથી જતા રહ્યા. મમ્મીને ઉદાસ જોઈને એણે ઘણીવાર વિચાર્યું હતું કે મમ્મીને આ વિશે પૂછે પણ ખબર નહીં કેમ સહેલી જેવા મા દીકરીના સંબંધમાં આમન્યાની દિવાલ વચ્ચે આવી જતી. જોકે એણે પહેલા પણ ક્યાં કંઈ પૂછ્યું હતું મમ્મીને એના અને સાર્થક અંકલના સંબંધ વિશે.! એતો બસ મૂક સાક્ષી બનીને એની મમ્મીની ખુશી જ ચાહ્યા કરતી હતી. પણ હવે એને અફસોસ થઈ રહ્યો હતો એની મમ્મીની એકલતા જોઈને. એ જાણતી હતી કે એની મમ્મી હજી પણ સાર્થક અંકલને ચાહે છે અને એટલે જ જીવનમાં હાજાર ન હોવ છતાં પણ સાર્થક અંકલની હાજરી ઘરના ખૂણે ખાંચરે એમણે આપેલી વસ્તુના સ્વરૂપે વર્તાય છે. એની નજર સામે સૃષ્ટિએ બાલ્કનીમાં બનાવેલા નાના ગાર્ડનમાં લગાવેલી વિન્ડચાઈમ આવી ગઈ જેને જોઈને અને જેના મધુર અવાજમાં ખોવાઈને સૃષ્ટિ આખી સૃષ્ટિને પળભર માટે વિસરી જતી.

મનસ્વીના મનમાં વિશ્વાના પપ્પાને જોવાની ઈચ્છા પ્રબળ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે જ જ્યારે ડ્યુટી જોઈન કરતા પહેલા એ અને મન વિશ્વાને મળવા જતા હોય છે ત્યાં થોડે દૂરથી જ એની નજર વિશ્વા જોડે ઉભેલા સાર્થક પર પડે છે. એ મનને જવાનું કહીને પોતે ત્યાં જ રોકાઈ જાય છે. મનસ્વીના અચાનક બદલાયેલા નિર્યણથી મન અચંબિત થઈ જાય છે અને કારણ પૂછે છે તો મનસ્વી શાંતિથી જણાવવાનું કહીને બીજે રાઉન્ડ પર નીકળી જાય છે. બપોરે લંચ ટાઈમમાં મનસ્વી એના પપ્પા નિરવે એની મમ્મી સૃષ્ટિ પર કરેલા અન્યાયથી લઈને સાર્થકના સૃષ્ટિના અને એના જીવનમાં લાવેલા બદલાવ અને અચાનક ગાયબ થવા સુધીની બધી હકીકત કહે છે. એના ધાર્યા પ્રમાણે જ મન એકદમ પરિપક્વ અભિગમથી મનસ્વીને હૈયાધારણ આપે છે અને પોતે વિશ્વાનું અંગત ધ્યાન રાખશે એવું કહે છે.

વિશ્વાને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. એ ત્રણ દિવસ દરમિયાન મન સતત સાર્થકને સાંત્વના અને સહારો આપવા પ્રયત્ન કરતો હતો. મનસ્વી પણ જ્યારે સાર્થક ના હોય એવા સમયે જુદા જુદા રમકડાં અને ચોકલેટ્સ લઈને વિશ્વાને મળી આવતી. સાર્થકને એ વાતનો અફસોસ રહેતો કે એ ડૉ મનસ્વીને નથી મળી શક્યો અને એણે આ વાત મનને કહી પણ ખરી તો મન ભવિષ્યમાં મનસ્વી જોડે એમના ઘરે વિશ્વાને મળવા આવશે એમ કહીને વાત ટાળી જાય છે.

વિશ્વાને હોસ્પિટલમાંથી રજા આપવાની હોય છે. સાર્થક ડિસ્ચાર્જ થતાં પહેલા ડૉ મન અને ડૉ મનસ્વીને મળવા કોલ કરે છે. મનસ્વી કામનું બહાનું કાઢીને મળવાની અસમર્થતા બતાવે છે જ્યારે મન સાર્થક અને વિશ્વાને મળવા ચિલ્ડ્રન વોર્ડમાં પહોંચી જાય છે.

સાર્થક જોડે વાત કરતા કરતા એને રાત્રે મનસ્વીએ કહેલી એ વાત યાદ આવે છે કે, "સાર્થક અંકલ હવે એકલા છે. એકલા હાથે વિશ્વાને મોટી કરવી પણ એમના માટે અઘરું છે તો શું એવું ન બને કે સાર્થક અંકલ અને મમ્મી ફરી એક બની જાય.?" અને કંઇક વિચારીને એ પોતાનું કાર્ડ કાઢી પાછળની સાઈડ ઘરનું એડ્રેસ લખીને સાર્થકને આપે છે અને જોડે ઉમેરે છે કે ક્યારેક વિશ્વાને લઈને ઘરે આવશો તો એમને ખૂબ જ ગમશે. વિશ્વા પણ બાય કરતાં ડૉ મનને વળગી પડે છે અને ટૂંક સમયમાં જ વ્હાલી બની ગયેલી એની મનસ્વી દીદી વિશે પૂછે છે. મન કોલ કરીને વિશ્વાની વાત મનસ્વી જોડે કરાવે છે. મનસ્વી વિશ્વાને એના ઘરે મળવા જવાનું પ્રોમિસ આપે છે અને સાર્થક આ ઋણાનુબંધ વિશે વિચારતો હોસ્પિટલમાંથી વિશ્વાનો ડિસ્ચાર્જ લઈને ઘરે જવા નીકળી જાય છે.

સાર્થકની પત્નીના દુઃખદ અવસાન થયે ત્રણ મહિના વીતી ગયા હોય છે. ઉદાસ સાર્થક હવે પરિસ્થિતિને સ્વીકારીને ધીમે ધીમે રોજિંદા જીવનમાં ગોઠવાઈ રહ્યો હોય છે. વિશ્વા એના દાદા દાદી અને નાના નાનીની દેખરેખમાં ઉછરી રહી હોય છે પણ રોજ રાતે એની મમ્મીના ભગવાનના ઘરે જવા વિશે પૂછેલા પ્રશ્નોના જવાબમાં સાર્થક નિ:શબ્દ થઈ જાય છે.

આ સમયગાળા દરમિયાન મન ફોનથી સાર્થકના સંપર્કમાં રહે છે અને એને આઘાતમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો નાની વિશ્વા પણ ઈચ્છા થાય ત્યારે મનસ્વી દીદી જોડે વાત કરી લે છે. એની જીદ અને પ્રેમ આગળ મનસ્વી એના ઘરે જવા વિવશ થઈ જાય છે પણ સાર્થક એ સમયે ગેરહાજર હોય એનું એ પૂરું ધ્યાન રાખે છે, તો બે ત્રણ વાર તો એ વિશ્વાને પોતાના ઘરે પણ લઈ આવે છે. પહેલી વારમાં જ વિશ્વા સૃષ્ટિ જોડે હળી મળી જાય છે અને જતા વ્હેંત જ સૃષ્ટિને વળગી પડે છે, તો સૃષ્ટિ પણ એની તરફ જાણે કોઈ અલગ ખેંચાણ અનુભવતી હોય એમ એને હૈયા સરસી ચાંપી દે છે.

"શું જન્મથી જ બાળક લઈને આવતું હશે મા બાપના હૈયાની વાત.!?
કે નિયતિના મનમાં હશે જિંદગી માટે કોઈ અલગ જ સૌગાત.!?"

મનસ્વીના મનમાં આ ખાલી સાર્થક અંકલે એના અને સૃષ્ટિના જીવનમાં લાવેલી ખુશીઓને ઋણ સહિત પાછા વાળવું એવું નહતું પણ એની મમ્મી સૃષ્ટિના જીવનમાં પાછી જીવંતતા લાવવાનું હતું. અને નાનકડી વિશ્વા જાણે એના વિચારોનો પડઘો પાડતી હોય એમ એની મનસ્વી દીદીની જેમ જ સૃષ્ટિને મમ્મી કહેવા લાગી હતી. સૃષ્ટિ તો વિશ્વાના મોઢે પોતાના માટે મમ્મી સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ હતી પણ મનસ્વી અને મન આને શુભ સંકેત માનીને એકબીજા સામે જોઈને મંદ મંદ સ્મિત આપી રહ્યા હતા. વિશ્વા જેટલો પણ સમય ઘરે રહેતી સૃષ્ટિ જાણે ફરી એવી ચંચળ બની જતી જેવી એ હતી. એના માટે વિશ્વા એંજલ બનીને આવી હતી જે એને કોઈ અલગ ભાવવિશ્વમાં ખેંચી જતી.

"એમ જ થોડા કહેવાતા હશે બાળકો ભગવાનનું સ્વરૂપ,
જીવનમાં આવીને બદલી દે છે એતો જાણે જીવનનું રૂપ.!"

આજે રવિવારનો દિવસ હતો. મન અને મનસ્વી કોઈ કામથી બહાર ગયા હતા. સૃષ્ટિ હજી સવારના કામ પતાવીને પરવારી જ હતી ને દરવાજે બેલ વાગ્યો. એ જઈને દરવાજો ખોલે છે તો નાનકડી વિશ્વાને તેડીને સાર્થક ઊભો હોય છે. સાર્થકને દરવાજા પર જોઇને અવાચક બનેલી સૃષ્ટિ આવકાર આપવાની જગ્યાએ એમ જ ઊભી રહી જાય છે તો સાર્થક પણ આટલા વર્ષે એની સૃષ્ટિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. વિશ્વા મમ્મી કહીને સૃષ્ટિ તરફ નમે છે એ સાંભળીને સાર્થક રીતસર ચોંકીને એને રોકવા જતો હોય છે તો એને તેડતા સૃષ્ટિ આંખોથી જ સાર્થકને એના માટે સંમતિ આપે છે. અને મન અને મનસ્વીના બંનેને મેળવવાના પ્લાનને જાણે આજે નિયતિ એની રીતે જ સાકાર કરે છે.

સૃષ્ટિ અને વિશ્વાની પાછળ સાર્થક ઘરમાં અંદર આવે છે. વિશ્વાને નવા લાવેલા રમકડાં આપીને બેસાડ્યા પછી સૃષ્ટિ બંને માટે પાણી લઈને આવે છે. વિશ્વા તો જાણે પોતાના જ ઘરમાં હોય એવી આરામથી રમવામાં લાગી જાય છે પણ સાર્થકના મનને ક્યાં ચેન હોય છે. સૃષ્ટિના જીવન વિશે જાણવાની ઉત્કંઠામાં એ ઘરમાં ચારે બાજુ નજર ફેરવે છે. એકદમ સુઘડ રીતે ગોઠવાયેલા ઘરની દીવાલો પર મનસ્વી, મન અને સૃષ્ટિના ફોટા હતા પણ ક્યાંય નિરવની હાજરી નહતી વર્તાતી એ જોઈને એને નવાઈ લાગે છે એટલામાં જ પવનથી બાલ્કનીમાં રહેલી વિન્ડચાઈમમાંથી મધુર ધ્વનિ સંભળાય છે અને એનું ધ્યાન એ તરફ જાય છે. એ અચંબિત થઈને સૃષ્ટિ સામુ જુવે છે અને બોલે છે, "આ તો એજ..."

"હા, એજ છે. જ્યારે દારૂના નશામાં નિરવે માનસિક બળાત્કાર કરીને ભોગવેલા એના પતિ તરીકેના હકથી હું એકદમ હતાશ થઈને ગુમસુમ થઈ ગઈ હતી અને તેં આવીને મને સધિયારો આપીને પુરુષમાં મારા વિશ્વાસને કાયમ રાખતા આ આપી હતી."

મને યાદ છે હજી તારા એ શબ્દો, "વસુ, હું આ પરિસ્થિતિ બદલી શકવા સમર્થ નથી. હું ઈચ્છવા છતાં પણ મર્યાદાના લીધે તારી સાથે રહી શકું એમ નથી. પણ આ વિન્ડચાઈમમાંથી નીકળતો ધ્વનિ તને મારી હાજરીનો એહસાસ આપશે. જ્યારે તું ઉદાસ હોઈશ ત્યારે તારી સાથે આ આવાજ તને મારી અનુભૂતિ કરાવશે.!" આંખો બંધ કરીને ભૂતકાળમાં ખોવાઈ જતા સૃષ્ટિ બોલી...

"સોરી સૃષ્ટિ, હું મારા સ્વાર્થ માટે વચનથી પાછો પડ્યો. જાણું છું હું માંફી માંગવાને લાયક નથી રહ્યો પણ બની શકે તો મને માફ કરી દેજે." બે હાથ જોડીને ચોધાર આંસુએ રડતાં સાર્થક બોલ્યો...

"બસ સાર્થક, શાંત થા..! તું તારી જગ્યાએ સાચો જ હતો અને જ્યારે મને એ વાતનો એહસાસ થયો ત્યારે મેં તારા જીવનમાંથી દૂર થવાનો નિર્ણય લઈ લીધો અને એટલે જ તને નિરવના જીવનમાં પાછા ફરવાનો ખોટો મેસેજ કરીને બધે બ્લોક કરી દીધો અને મારા થકી મળેલા સંબંધ એટલે અનુરાધા, શ્યામ, પાયલ, રાકેશ અને અનુજથી પણ તને દૂર રહેવા બાંધી લીધો જેથી તું તારા જીવનનો યોગ્ય નિર્ણય લઈ શકે અને તારું તથા તારા મા બાપનું સ્વપ્નું પૂરું કરી શકે." એકદમ સ્વસ્થ અવાજે સૃષ્ટિ બોલી...

"ઓહ સૃષ્ટિ.! એટલે તું અને નિરવ..??" સાર્થકે પ્રશ્ન અધૂરો છોડ્યો...

"મનસ્વીનું બારમાનું રીઝલ્ટ આવ્યું પછી એનું અહીંયા અમદાવાદમાં જ એડમિશન લીધું અને હું અને મનસ્વી અહિયાં શિફ્ટ થઈ ગયા. આઠ વર્ષથી કોઈ કાનુની દસ્તાવેજ વિના અમે અલગ જ રહીએ છીએ. નિરવ પણ એ વાત સમજી ગયા હતા કે હવે મારી જિંદગીમાં એમને પતિ તરીકેનું માનભેર સ્થાન નહીં મળે એટલે કોઈ પણ આનાકાની વગર મારી વાત માનીને એમણે અહીંયા મારી અને મનસ્વી માટે બધી વ્યવસ્થા કરી આપી." સૃષ્ટિએ કહ્યું...

સૃષ્ટિની વાત સાંભળી નિ:શબ્દ થઈ ગયેલો સાર્થક, સૃષ્ટિના ચહેરા પર દેખાતી ખુમારી જોઈને મનોમન એની ઉપર ગર્વ અનુભવી રહ્યો હતો. થોડી ક્ષણો એમ જ મૌન પસાર થઈ ગઈ પછી ખામોશી તોડતા સૃષ્ટિ બોલી, "વિશ્વાની મમ્મી વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. જે દિવસે આ બધું બન્યું એ દિવસથી જ મન અને મનસ્વીના મોઢે વિશ્વા વિશે અને એના પપ્પા વિશે સાંભળતી આવી છું. જ્યારે આ ઢીંગલી પહેલી વાર આવી ત્યારે એક અલગ જ પોતાપણું લાગ્યું હતું એની જોડે, એ વખતે સ્વપ્નેય ખ્યાલ નહતો કે આ વિશ્વા તારો જ અંશ હશે. કદાચ આજ કારણથી એની ઉપર વધુ વહાલ આવતું હશે મને."

"હમમ્..." એ બનાવ યાદ આવતા જ સાર્થક ઢીલો પડી ગયો અને એની આંખોમાં પાણી આવી ગયા.

એના હાથ પર હાથ મૂકીને સાંત્વના આપતા સૃષ્ટિએ પૂછ્યું, "શું નામ હતું એની મમ્મીનું.?"

"સુનિધિ..." આટલું બોલીને સાર્થકે સૃષ્ટિની સામે જોયું. સૃષ્ટિના ચહેરા પર બધું જાણવાની ઉત્કંઠા સ્પષ્ટ દેખાઈ આવતી હતી એટલે એણે પોતાનો વાત આગળ વધારી. "એકદમ દુઃસ્વપ્ન જેવા દિવસો હતા મારા માટે જ્યારે તેં મને ખાલી એક મેસેજ કરીને તારા જીવનમાંથી દૂર કર્યો હતો. મારા મનમાં તારા માટે કોઈ ગુસ્સો કે ફરિયાદ નહતા પણ એક અફસોસ હતો કે આપણે ફોન પર કે રૂબરૂ મળીને પણ વાત કરી શક્યા હોત આ. પછી થતું કે મેં જે પણ કંઈ કર્યું એ પછી કદાચ હું આજ લાયક હતો. સુનિધિ આગળ પણ મેં મારો ગુનો કબુલી લીધો હતો અને બધી જ વાત જણાવીને એની માફી માંગતા લગ્ન કરવા માટે અસંમતિ જાહેર કરી દીધી હતી. તોય એ મને કોઈ પણ આશા વિના સાથ આપતી રહી અને આખરે એના પ્રેમ આગળ હું ઝૂકી ગયો. આપણા અલગ થયાના છ મહિના પછી અમે એકદમ સાદાઈથી પરિવારની હાજરીમાં લગ્ન કર્યા. દોઢ વર્ષમાં તો વિશ્વા અમારી જિંદગીમાં આવી ગઈ હતી. આ દરમિયાન મેં ભાડે જગ્યા રાખીને મારી ઑફિસ ખોલી. શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ ધીમે ધીમે કામ વધવા લાગ્યું. ખૂબ જ સુંદર ચાલતો હતો અમારો સંસાર..."

સાર્થક સહેજ અટક્યો અને પછી બોલ્યો, "એનો મતલબ એ નથી વસુ કે હું તને ભૂલી ગયો. એવો એક પણ દિવસ નહીં હોય કે મેં તને યાદ ના કરી હોય અને એટલે જ તો દીકરીનું નામ પણ વિશ્વા રાખ્યું. સૃષ્ટિનો એક અર્થ વિશ્વ અને એના ઉપરથી વિશ્વા."

"તો આ સુનિધિ જોડે અન્યાય ના કહેવાય સાર્થક.?" સૃષ્ટિ બોલી...

"સુનિધિને પણ મેં એટલો જ પ્રેમ અને સન્માન આપ્યા છે જેની એ હકદાર હતી. ક્યારેય કોઈ પણ વાતે એને ઓછું નથી આવવા દીધું, પછી એ પ્રેમ હોય કે એનું આત્મસન્માન." સાર્થક ગર્વ સાથે બોલ્યો...

સુનિધિને થયું કે આતો કેવી પ્રેમની પરાકાષ્ટા કહેવાય.! એક વ્યક્તિને ફક્ત હૈયામાં રાખીને બીજી વ્યક્તિને જીવનમાં માનભેર એજ સ્થાન આપવી. બહુ જૂજ વ્યક્તિ કરી શકે આવું, એ મનોમન સાર્થકને વંદી રહી.

અને એવામાં જ બેલ વાગ્યો. સૃષ્ટિએ દરવાજો ખોલ્યો તો મન અને મનસ્વી હતા. સાર્થકને ઘરે બેઠેલો જોઈને બંને જણ ખુશ થઈ ગયા. વિચારેલી એ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી જેના માટે એ લોકો આતુર હતા, તો એમને જોઈને સાર્થક પણ ઊભો થઈ ગયો હતો. મનસ્વી સીધી જ સાર્થકની નજીક ગઈ અને સાર્થક અંકલ બોલીને એને ભેટી પડી. આ જોઈને અત્યાર સુધી શાંતિથી રમકડાં રમતી વિશ્વા પણ એની મનસ્વી દીદી જોડે પહોંચી ગઈ. મનસ્વીએ હોસ્પિટલમાં પહેલી વાર સાર્થકને જોયો ત્યારથી લઈને અત્યાર સુધીની બધી વાત કરી દીધી અને એ પણ કહ્યું કે એ સાર્થક અંકલને મળવા યોગ્ય સમયની રાહ જોતી હતી. જોકે એણે સૃષ્ટિ અને સાર્થકના ફરી એક થવાના પોતાના વિચારો જાણી જોઈને કહેવાનું ટાળ્યું.

***

એક વર્ષ પછી...

મન અને મનસ્વી આજે બપોરથી જ સૃષ્ટિ અને સાર્થકના ઘરે આવ્યા છે અને ઘર શણગારવામાં પડ્યા છે, તો નાનકડી વિશ્વા પણ એનાથી બનતી મદદ કરી રહી છે. સાત વાગતા તો ઘર મહેમાનોથી ભરાઈ જાય છે. સાર્થક અને સૃષ્ટિના પરિવારના સભ્યોની સાથે સાથે સૃષ્ટિના મિત્રો અનુરાધા, શ્યામ, પાયલ, અનુજ, રાકેશ બધા સપરિવાર આવ્યા છે તો નિરવ પણ એનાથી દસ વર્ષ નાની એની સેક્રેટરી કમ પત્ની જોડે હાજર છે. અનુરાધા અને શ્યામ બધાની નજર ચૂકવીને એકબીજા જોડે આંખો આંખોમાં જ વાતો કરી લે છે. હસાહસ અને શોરથી ઘર ભરાઈ ગયું છે. પોતાની સખી સૃષ્ટિના જીવનમાં થયેલા સૂર્યોદય પછીની નવી શરૂઆત વધાવવા ઉતાવળી થઈને અનુરાધા પૂછે છે, "હજી કેટલી રાહ જોવી પડશે પાર્ટીના ચીફ ગેસ્ટ માટે.?" અને ફરી હસાહસ ચાલુ થઈ જાય છે.

એટલામાં જ મનસ્વી પર કોઈક કોલ આવે છે અને એ ફટાફટ ઘરની લાઈટ બંધ કરી દે છે. દસ મિનિટમાં ઘરનો મુખ્ય દરવાજો ખૂલે છે અને હેપ્પી બર્થ ડે ટુ સૃષ્ટિના અવાજ સાથે જ પાર્ટી લાઈટથી ઘર ઝળહળી ઉઠે છે. એના પ્રકાશના લીધે કહો કે જીવનમાં થયેલા નવા સૂર્યોદયના લીધે, પણ સૃષ્ટિના ચહેરા પર અલગ જ આભા દેખાતી હતી.!

"ખુશ હું પણ છું, ખુશ તું પણ છે,
સૂર્યોદય સાથેની શરૂઆત પણ છે,
બાંધી રાખી ચીરહરણ કરવું સંબંધોનું,
એથી સારું થયું જે બંધાયું સગપણ છે."

*****

મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. અંતિમ ભાગને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી યાદગાર બનાવજો.


Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ