‘બે દોકડા’ : વાર્તામાં જોવા મળતું સામાજિક પ્રતિબિંબ
ગુજરાતી વાર્તાનું કલા તત્વ કે વાર્તાનું સ્વરૂપ સતત પરિવર્તિત રહ્યું છે કહેવાય છે કે ‘દર દસકે’ ઘણા નવા વાર્તાકારો પોતાની વાર્તાઓ લઈને આવતા હોય છે નવલિકા ક્ષેત્રમાં સર્જનના પ્રયત્નો એ સાહિત્ય સ્વરૂપ પ્રત્યે આશા જન્માવે છે એવી જ રીતે અમૃત પરમારનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’ (૨૦૧૯)માં આપણને મળે છે. ‘પંખીઘર’માં કેટલીક વાર્તાઓ પ્રમાણમાં લાંબી જોવા મળે છે પરંતુ ટૂંકી વાર્તામાં વસ્તુ પ્રમાણમાં નાનું હોય છે પણ તેના ગર્ભમાં વિશાળ સૃષ્ટિ સમાયેલી હોય છે આ સંદર્ભે ઉમાશંકર જોશી નોંધે છે કે: “ટૂંકી વાર્તા એટલે અનુભૂતિ કણ. એ અનુભૂતિમાં ચમત્કૃતિ હોવી જોઈએ... ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃતાંતની મદદથી લીધેલો કલાઘાટ”. પરંતુ વસ્તુને બાદ કરતા એના વિષય તરફ ધ્યાન દોરીએ તો નિ:સંકોચ કહી શકાય કે વાર્તાઓનું વિષયવસ્તુ કંઈક અંશે ધૂમકેતુ શૈલીની યાદ અપાવે છે, જેમાં ગ્રામજીવન, કૌટુંબિક સમસ્યાઓ, સ્ત્રી-પુરુષની વિંટબણાઓ તથા કાળના ચક્રમાં ભિન્ન ભિન્ન રૂપ બતાવતી વાર્તાઓ જોવા મળે છે જે ભાવકને મોહિત કરે છે.
‘પંખીઘર’માં પંદર વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે જેમાં ‘પંખીઘર’, ‘જેડીઓ’, ‘નોકરી’, ‘મામેરુ’ , ‘તમે કેવા ?’, ‘માંજરી’, ‘આબરૂ’, ‘દોસ્તી’, ‘પડઘા’, ‘બે દોકડા’, ‘ભડાકો’, ‘ગર્વભંગ’, ‘પાણીનું પાઉચ’, ‘એકાંત’ અને ‘માણસની ખોટ’ જોવા મળે છે એમાંથી ફલક સંકુલ ધરાવતી વાર્તા જે સ્ત્રીની વેદના અને મજબૂરીનું સમાજ દર્શન કરાવતી વાર્તા ‘બે દોકડા’ને આસ્વાદવાનો મારો ઉપક્રમ છે.
વાર્તાના વિષયવસ્તુના આરંભે દવાખાનાનું બિલ સળીયામાં પરોવતા કાળીની નજર સ્થિર થઈ. ઘડીભરમાં તો બધા બીલો, સુકવેલા નાણાં, દેવચંદ શેઠનું ઉઘરાણુ, તેને ઠપકો વળી એની વાસના ભરી નજર આ બધું યાદ આવતા કાળીની આંખો આંસુથી છલકાઈ. લખાને ઉધરસ ચડતા કાળી બોલી એ જો પાણી લાવું છું. પાણી આપતા બોલી :‘જીવવું હોય તો આ બીડીના ઠૂંઠાં છોડો’આ સાંભળીને લખાય એને કહ્યું :‘હવે આ જન્મમારામાં બાકીએ શું છે?’ દેવલો હવે દાડીએ જતો થઈ ગ્યો એને પરણવાજે બસ આટલી ભલામણ. સાંજે મોડી રાત્રે કાળીને વિચાર આવ્યો દેવલા ને ભણાવો કે ઉઠાડી દેવો કારણ કે એના બે બાવડાજ ઘરની સાચી આવક. લખાને વર્ષોથી ટી.બીનું દર્દ હતું, એની દવા કાળી પૂરી પાડતી. કાળીના કુટુંબમાં ઝઘડો થયેલો એટલે એની માએ દિયર જેઠના વટ ઉપર કાળીને લખા સાથે પરણાવી, લખો તો વગડાનો વનેરૂજેવો જેથી કાળીના ગામમાં વાતો થતી ‘કાગડો દહીંથરું લઈ ગયો’. બે-ચાર આણા આવતી-જતી થઈને કાલીને દેવલો પેટે રહ્યો. એકવાર દેવચંદની દુકાને કરિયાણું લેવા જતા શેઠની નજર કાંટો ચૂકીને આ ફૂલ પર પડી અને પૂછ્યું :‘અલ્યા કોના ઘરના છો?’કાળીએ બાજુમાં ઊભેલા છોકરાએ વડે જવાબ આપ્યો કે:‘લખા- જેસંગ’ના ઘરથી. શેઠે માથું ધુણાવીતા જણાવ્યું લઈ જવું હોય તે લઈ જાઓ ગભરાતા નહીં, ત્યારબાદ તો કાળી શેઠને ત્યાં રોજ ચા, ગોળ, મીઠું, મરચું, તેલ, તમાકુ બધી જ વસ્તુ લેવા જતી. શેઠ પણ સમજતા હતા કે બીજો કોઈ રસ્તો નથી ‘જવાની પણ ક્યાં જવાની છે?’ચાર છોકરાનો બાપ જાણે ફરી વાર યુવાનીમાં આવતો હોય એવી કાલીઘેલી વાતો કરવા લાગ્યો. નમતું જોખવું અને બે-ચાર બીડી પેટી જેવી વસ્તુઓ લખે પણ નહીં , એક ઘડીએ તો કાળીને આ બધું વહાલું લાગતું હતું. એકવાર શેઠે કાળી ને પૂછ્યું હવે લખાને કેમ છે? રૂપિયા જોવે તો લઈ જજો તમારું વ્યાજ ઓછું લઈશ બીજાના ચાર છ પણ તમારા ‘બે દોકડા’ લેશું. આ સાંભળી કાળી ફેકડો વાળી ચાલી નીકળી પણ ઉભી વાટમાં થયા કર્યું ઓછું વ્યાજ કેમ?. દેવચંદના ચોપડે કાળીનું ખાતું ચાલતું ને વ્યાજે રૂપિયા લેવાતા હતા. આ બધું દેવચંદ દર વખતે યાદ કરાવતો. સમયજતા દેવચંદને ખેતરમાં જાર વાઢવાની આવી તેથી તેણે કાળીને જાર ઉધડી આપીને કહ્યું તું એકલી આવજે જેથી પૈસા તારા જ ઘરમાં રહે વળી તને પાંચ રૂપિયા આપીશ એ પણ રોકડા. કાળી હા પાડીને ગઈ જેથી રાત્રે આખી રાત જાગતી આંખે દેવચંદ એ કાળી ના વિચારો કર્યા.
વાર્તાના અંત તરફ જતા દેવચંદે કાળીને જાર વાઢવા આપી જેથી સવારે વહેલો ઉઠ્યો એના મનમાં જાતજાતના પ્રશ્નો થવા લાગ્યા. કાળી ગઈ હશે કે નહીં ? એકલી હશે ? વગેરે... પછી એ દસ વાગ્યે દુકાન બંધ કરીને ખેતરે ગયો. ખેતરમાં જઈને કાળીને સીંગના દાણા આપવાને બહાને કાળીનું કાંઠું પકડ્યું. કબુતરી જેવી કાળી બોલી આ શું કરો છો શેઠ? ભાનમાં તો છો? શેઠ જવાબ આપ્યો ‘ગાંડી હું તો ભોનમાં છું, તું ભોનમા આય, આ કંચન જેવી કાયા છે’આ શબ્દો ક્યારેય કાળીએ લખા પાસેથી નહોતા સાંભળ્યા , શેઠના મુખેથી સાંભળીને ઘડીભર ભાન ભૂલીને જાણે સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ. ત્રીસ વર્ષથી સાચવી રાખેલું ચરિત્ર આજે શેઠે લૂંટી લીધું. ઘડીભરમાં જીવતર લૂંટાઈ ગયું ને માથોડા જારમાં કાળી ખોવાઈ ગઈ. થોડીવારમાં તેતરનું એક ટોળું દાણા ચણતું ઉડ્યું ને કાળી ફફડાટથી ડરીને જાગીને રડવા લાગી. શેઠે તેને સમજાવી હવે પાછો નહિ આવું અને બોલ્યા:‘કોઈ હોય જોંણ નહિ હો, તારું વ્યાજ માફ અને મૂડીતો તારા હાથમાં જ માનજે અનુકૂળતાએ આપજે’ અને છેલ્લે ખોડી બારામાંથી જતા બોલ્યા તારા વ્યાજના “બે દોકડા” માફ.
પાત્ર નિરૂપણ તરફ નજર કરતા જોવા મળે કે ‘કાળી’ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે, જેનો પતિ લખો ટી.બીની બીમારીથી વર્ષોથી પીડાય છે અને પુત્ર દેવલો જે પાંચમા ધોરણમાં ભણે છે એવામાં કાળી મજૂરી કરીને પતિની દવા અને પુત્રને ભણાવવાની સવલત પૂરી પાડે છે. વાર્તાનો ખલનાયક દેવચંદ શેઠ જે કાળીની મજબૂરીનો લાભ ઉઠાવી એના ચારિત્ર્યને દાગ લગાડે છે સાચી દ્રષ્ટિએ જોતાં અહીં કાળીનું પાત્ર નિર્દોષ જોવા મળે છે.
વાર્તામાં આવતા સંવાદો જોઈએ તો સર્જકની અલગ જ પ્રતિભા જોવા મળે છે અહીં જાત સાથેનો સંવાદ તો વળી પાત્ર પાત્ર વચ્ચે નો સંવાદ જોવા મળે છે. કાળી જ્યારે બે-ચાર આણા આવતી થઈ અને શેઠની દુકાને કરિયાણું લેવા ગઈ ત્યારે શેઠની નજર પહેલીવાર કાંટો ચૂકી ફૂલ પડી ત્યારે શેઠ અને કાળી વચ્ચે નો સંવાદ:- શેઠ: “અલ્યા કોના ઘરના છો?
કાળીએ બાજુમાં ઊભેલા છોકરાના કાન માં કીધું
‘લખા-જેસંગ’
‘લખા-જેસંગ’- શેઠે માથું ધુણાવતા કહ્યું
લઈ જાવ જે જોવ એ લઈ જાવ હો ગભરાતા નઇ”(પૃષ્ઠ - ૬૧). દેવચંદ શેઠ કાળીને જાર ઉધડી વાઢવા આપીને એકલી બોલાવે છે ત્યારે મનમાં થતો જાત સાથેનો સંવાદ: “કાળી પગના અંગૂઠાથી ધરતી ખોતરતી હતી. ઘડીભર તો વિચારોના વમળમાં ડૂબી ગઈ એકલી? માથોડું જારમાં એરુ ઝાંઝરૂ હોય. કોઈ આવતું કરતું અને આમેય માર એકલીનું તો કામ નઇ”(પૃષ્ઠ - ૬૩).
વાર્તામાં આવતા વર્ણનો તરફ નજર કરીએ તો જ્યારે દેવચંદ શેઠ કાળીના ચારિત્ર્યને કલંક લગાડે છે ત્યાર નું વર્ણન:-“પંદર વર્ષ પહેલા પરણીને આવેલી ત્યારે તો પંદર વર્ષની મુગ્ધ કન્યા હતી અને લખો ઓછી બુદ્ધિનો અણધડ યુવાન. યૌવન વીતી રહ્યું હતું. આજે તો આંખના પલકારામાં દુનિયા બદલાઈ ગઈ. 30 વર્ષથી સાચવી રાખેલું ચરિતર આજે શેઠે લૂંટી લીધું. ઘડીભરમાં કાળીનું જીવતર લૂંટાઈ ગયું. માથોડું જારમાં કાળી ખોવાઈ ગઈ”(પૃષ્ઠ - ૬૪). કાળીના ચારિત્રને લૂંટીને રડતી કાળીને સમજાવીને શેઠ કપડા સંકોરતા ઊભા થાય છે ત્યારનું વર્ણન:- “ભાદ્રપદનો મધ્યાન તપે છે. વગડામાં ચકલુંય ફરકતું નથી એકાંત છે. કાળીએ ફરી દાંતરડુ હાથમાં લીધું અને કામે વળી, પણ વળી વળીને શેઠની સામુ જુએ છે. દેવચંદ બોલ્યા ‘ગાંડી છે, તાર તો ઉધડું છે કાલે વાઢજે, થોડો આરામ કર’ કાળી ફફડતી હતી”(પૃષ્ઠ - ૬૪).
ભાષાની દૃષ્ટિએ જોતા વાર્તાકારે શિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો છે, પરંતુ એમાં કેટલીક જગ્યાએ ગ્રામ્ય ભાષા પણ જોવા મળે છે , જેમ કે :- ‘મૉડિયો મેલીન આઇ તારથી પગવારીને બેઠી છું’.
‘હવે લખાને ચ્યમ છ’.
‘કહું છું ચ્યોં કામે જાવ છો ?’.
‘અમારુ પાછા વિધો વાઢવાનું છ.ઉધળું રાખો તો આલિયે’
‘ગાંડી હું તો ભોનમા છું, તું ભોનમા આય, આ કંચન જેવી કાયા છ’.
વાર્તામાં સર્જકે કેટલીક કહેવતો પણ મૂકી છે જેમકે:-‘ કાગડો દહિથરું લઈ ગયો’
‘વ્યાજને તો ઘોડાય ન પોંચે’.
કોઈપણ કૃતિમાં રસ અનિવાર્ય છે તેથી તો ભારતીય કાવ્યશાસ્ત્રીઓ કહે છે કે :-‘रस्यते आस्वाद्यते असौ रस: ।’એમ કહીને રસ દ્વારા આસ્વાદની પ્રક્રિયાનું સૂચન કરે છે. અહી સર્જકે કરુણરસ મુખ્ય અને શાંતરસનું આલેખન કર્યું છે. વાર્તાની શરૂઆત જ કરૂણ રસથી જોવા મળે છે:- કાળી દવાખાનાનું બિલ
સળીયામાં પરોવતી જોવા મળે છે ત્યારે એની નજર સમક્ષ દેવચંદનું ઉઘરાણુ, ઠપકો અને એની વાસના ભરી નજર આંખો સમક્ષ આવતા એ રડી પડે છે જે કરુણ પ્રસંગ છે. જ્યારે કાળીના ચરિતરને લૂંટે છે એ પણ કરુણ પ્રસંગ છે. વાર્તાનો અંત શાંતરસથી થાય છે, દેવચંદ શેઠ કાળીનું વ્યાજ અને ‘બે દોકડા’ માફ કરે છે જે કાળીના જીવન માટે સુખદાયી છે.
મનુષ્યનું જીવન સંઘર્ષોથી ભારોભાર ભરેલી હોય છે ક્યાંકને ક્યાંક તો એવા ભયંકર સંકટોનો સામનો કરવાનું આવતું હોય છે. અહીં નાઈકાનું જીવન પતિ, પુત્ર અને શેઠ વચ્ચેથી પસાર થતી જોવા મળે છે. રાતદિવસ મજૂરી કરીને પતિની દવા અને પુત્રને ભણાવવા માટે પૈસાની સગવડ કર્યા કરે છે. કરિયાણું લેવા જતી વખતે શેઠની વાસના ભરી નજરનો રોજ શિકાર બને છે અંતે તેના ચારિત્ર્યને હોમે છે આવા સંઘર્ષમય જીવન માંથી પસાર થતી નાયિકા જોવા મળે છે.
વાર્તાનું સમગ્ર લક્ષી મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે છે કે વાર્તામાં આવતા દેવચંદ શેઠ જેવા પાત્રથી જાણવા મળે કે સમાજની કાળી જેવી સ્ત્રીઓ બચીને રહે એવા ઉમદા ખ્યાલ વાળી વાર્તાનું વસ્તુ, વર્ણન, સંવાદ ,રસ,ભાષા ,સંઘર્ષ અને સમાજ દર્શન કરાવતી ‘બે દોકડા’ એક ઉત્તમ વાર્તા કહી શકાય.
( ‘પંખીઘર’- લે : અમૃત પરમાર, પ્રકાશક : પોતે, પ્રથમ આવૃત્તિ - ૨૦૧૯, મૂલ્ય -૧૨૫)
( Shanti e jurnalમાં પ્રકાશિત : September 2020, volume 9, issue 35, issn 2278-4381)
સંદર્ભગ્રંથ :-
૧) સત્તર સાહિત્યસ્વરૂપો : પ્રસાદ બ્રહ્મભટ્ટ, પાર્શ્વ પબ્લિકેશન - અમદાવાદ , છઠ્ઠી આવૃત્તિ-૨૦૧૬, (પૃષ્ઠ - ૮૯).
૨) ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા : ડૉ.રમેશ એમ.ત્રિવેદી. શબ્દલોક પ્રકાશન, સાતમી આવૃત્તિ -૨૦૧૯, (પૃષ્ઠ -૬૫).
નામ : તુરી સુરેશકુમાર માંગીલાલ ‘સૂર્યા’
શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ.
અનુસ્નાતક , ગુજરાતી વિભાગ.