૧. પાનખરની વસંત
મને પાનખરની વસંત ખીલી છે,
કાયમ મેં પીળાશને જ ઝીલી છે.
આવ્યા એ બધાએ લડાવ્યા પૅચ,
પતંગની એ દોર જરા ઢીલી છે.
અગનમાં લૂખ્ખું ભલે ભડભડ બળે,
પણ એ ડાળી હજુ સહેજ લીલી છે.
મઝધારે ય ડૂબવું સહેજ પણ નથી,
તરણાની જીદ પણ કેવી હઠીલી છે!
પૂનમ કહીને ગ્રહણ પણ દઇ દીધું,
વરસવાની એ જ તો જિંદાદિલી છે.
સ્ત્રી ગમે તેટલી આગળ વધે તોય એની સાથેનો વ્યવહાર ચર્ચાસ્પદ જ રહ્યો છે, તેને આદર સાથે એક અલગ અને અનન્ય વ્યક્તિ હોવાનો દરજ્જો ભાગ્યે જ મળે છે. છતાં તેણે પોતાનું આત્મસન્માન ખેરવીને પણ હરિયાળા જ રહેવાનું છે.
૨. હવે મારામાં મને કંઇ પણ જડતું નથી
ઢોલ પીટીને કહું છું કે મને કંઇ પણ આવડતું નથી,
હું મરું કે જીવું, કોઇને કંઇ પણ અડતું નથી,
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
આંસુનો દરિયો વહે, અંદર કંઇ પણ રડતું નથી.
યુગો વીતી ગયા, હાસ્યને કંઇ પણ પરવડતું નથી.
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
ખાઇ હો કે કૂવો, મનમાં કંઇ પણ ફફડતું નથી,
હાંક્યે રાખ્યા પછી, પેટ કંઇ પણ બબડતું નથી.
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
કોઇ દુશ્મનીમાં ય કંઇ પણ બાખડતું નથી,
ઘરમાં ય હાશ નથી, કંઇ પણ ખખડતું નથી,
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
બારણાં ખૂલી ગયા પછી, ઇચ્છામાં કંઇ પણ રખડતું નથી,
અંગારો ઠરી ગયા પછી, ચામડીને કંઇ પણ તતડતું નથી,
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
આરામનો ય થાક, આળસ કંઇ પણ મરડતું નથી,
દેખાવનો ય દેખાવ, બહાર અંદર કંઇ પણ કરડતું નથી.
હવે મને મારામાં કંઇ પણ જડતું નથી.
શુન્યાવકાશ સર્જાયા પછી ચિત્તની અવસ્થામાં જે સ્થિતિ સર્જાય તેનું શબ્દ ચિત્ર
૩. સમજદાર મળે
બસ, મને કોઇક એવું મળે,
મુઝથી સહેજ સમજદાર મળે.
સાવ અધ્ધર શ્વાસે જીવવું ય કેમ?
ઘડીભર બસ, નક્કર એક આધાર મળે.
આ ચોપાસ કેવી દિવાલો મળે,
કોઇક તો બસ, એમ જ આરપાર મળે.
પગલું હંમેશા રાખ્યું પાછળ પાછળ,
કદીક તો બસ, એમ હારોહાર મળે.
મોટી હવેલીની જુઓ તો આ ઝાકઝમાળ,
કહે આવો ને પછી બારોબાર મળે.
બધું જ તારું, નક્કી નિરાધાર છું,
છેલ્લા શ્વાસે એ જ એક ધારદાર મળે.
સમજ કરતાં ગેરસમજનું વિશ્વ જ્યારે ઘેરી વળે ત્યારે જીવન અકારું બની જાય છે.
અધ્ધર પધ્ધર શ્વાસોને પણ એક નક્કર આધારની જરૂર હોય છે.
૪. આખરી વિસામો
તમને ધોળા વાળ ગમતાં નથી,
એટલે મારે બનાવટી કાળા કરવા!
તમે ખોટ ખોટું પણ રીસાવો નહીં,
એ લ્હાયમાં મારે કેટલા ચાળા કરવા?
આખરી વિસામો ક્યાંય નથી,
જાણ્યાં છતાં, મારે કેટલા માળા કરવા?
જ્ઞાન કે અજ્ઞાનની નથી કોઇ કૂંચી,
ખુલ્લા દરવાજાને હવે શું તાળા કરવા?
ટૂકડાઓમાં જ ખુદ વહેંચાઇ ગયા હોઇએ,
સાંધવા હવે તેને કેટલા જાળા કરવા?
લોકોની જ ફીકર માટે વ્યક્તિ કેટકેટલા ઉધામા કરે છે. પોતે ‘કોણ’ અને ‘શા માટે છે’ એની છેલ્લા શ્વાસ સુધી પરવા કરવાની જ નહીં! બધું જ બીજાં માટે જ કરવાનું? ખુદ ટૂકડાઓમાં જ જીવવાનું!!
૫. શું જરૂરી છે?
મૂર્તિને નિખારવા ટાંચણ જરૂરી,
જ્ઞાનને ફૂટવા એમ વલોપાત જરૂરી!
છોડીને દૂર જવું હોય તો ય!
ઘડીભરની એક મુલાકાત જરૂરી!
જવાબ નથી મળવાનો, છે ખાતરી,
એના એ જ નકામા સવાલાત જરૂરી!
ઘડીભરનો ક્યાંય કોઇ જંપ નથી,
ઊઠવા હાટું એના એ હાલાત જરૂરી!
તમે માંગી રાહત, ને મેં માંગી ચાહત!
અવઢવની આ દોડમાં યાતાયાત જરૂરી.
અદ્રશ્ય દીવાલોમાં એકે એક કેદ છે.
મુક્તિની ઝંખના માટે આ હવાલાત જરૂરી!
જીવન બે વિપરીત છેડાઓ પર અવલંબિત છે. મળવા માટે પણ વિયોગ જરૂરી છે. મુકિતના અહેસાસ માટે બંધન પણ જરૂરી છે.
૬. નિરાંત લાગે છે
નિરાંતે ઊંઘે કેટલો સમય થઇ ગયો હશે?
પાંપણ પલકે તો ય નિરાંત લાગે છે.
હવાથી ભલે હલે પડદા તો ય,
શ્વાસમાં સંગાથની મિરાત લાગે છે.
ભલે ને દિવસે બતાવી દો તારા,
ઘડીભર તો ઝગમગાટ રાત લાગે છે.
આંધિ તો અણધાર્યા તોફાનની જ હતી,
એ જ રસ્તે પસાર થયેલી બારાત લાગે છે.
એકલતાના સૂનકારને હવા પણ ડરાવી નાંખે છે. કોઈ છેતરીને જાય તો પણ બે ઘડી જીવ્યાનું આશ્વાસન લાગે છે.
૭. શબ્દોનો મિજાજ
શબ્દોના મિજાજમાં એમ તું ન અવતરે!
હું છટપટું ને મારામાં તું ન અવતરે!
ખુલ્લી આંખો શૂન્યમાં તાક્યા કરે,
ખોખલા આકારોમાં અર્થ કોઇ ન અવતરે!
આંધળે બહેરું કૂટાય, કહી ગયો અખો,
હાથમાં હાથ છતાં ક્ષણનું મિલન ન અવતરે!
છેલ્લી ઘડીનો જ આ સાદ હતો,
ડૂબતાં એ શ્વાસોમાં જીવન ન અવતરે!
આંસુઓના વહાવી નાંખો દરિયા,
ખારાશ તો દૂર, એમ રેલાં ન અવતરે!
અપેક્ષાઓનું ગણિત નિરાળું છે, પછી એ સંબંધોનું હોય કે શ્વાસનું! જ્યાં લાગણીઓ જડબેસલાક હોય ત્યાંથી જ પાછાં વળવાનું બને, તેમ પણ બને!