તેત્રીસ
વરુણના મનમાં આ વિચાર સતત ચાલુ રહ્યો હતો.
“ઉતરવું નથી? ઓ...ઓ ભાઈ? ઉતરવું નથી?” વરૂણનું ધ્યાનભંગ કરતાં કૃણાલ બોલ્યો.
કૃણાલે સુંદરીના મેસેજ મોકલવા પાછળના કારણોમાં ખોવાઈ ગયેલા વરુણનો ખભો પકડીને તેને હલાવ્યો.
“હેં? શું?” વરુણ જાણેકે મંગળ ગ્રહ પરથી કોઈએ એને ખેંચીને પૃથ્વી પર લાવીને ઉભો કરી દીધો હોય એમ આશ્ચર્યથી બોલી પડ્યો.
“આપણું સ્ટેન્ડ આવી ગયું. ઉતરવાનું નથી? બધાં ઉતરવા લાગ્યા, જલ્દી કર નહીં તો હમણાં બસ ઉપડી જશે.” કૃણાલ પોતાના સ્થાને ઉભો ઉભો જ વરુણને કહી રહ્યો હતો.
“હા, ઉતરવાનું તો હોય જ ને? ચલ.” વરુણે કૃણાલથી આંખ ચોરી અને બસના ઉતરવાના દરવાજા તરફ ચાલવા લાગ્યો.
હજી બીજા બે સ્ટુડન્ટ્સ ઉતરવાના બાકી હતા એટલે ડ્રાઈવર એમ તરત બસ ઉપાડે એમ ન હતું એટલે વરુણને શાંતિ હતી.
“ક્યાં ખોવાઈ ગયો હતો?” બસમાંથી ઉતરતાની સાથેજ કૃણાલે વરુણને પ્રશ્ન કર્યો.
“ક્યાં? કશેય નહીં.” વરુણે કૃણાલની વિરુદ્ધ દિશામાં જોઇને કહ્યું.
“મારી સાથે જુઠ્ઠું તો બોલતો જ નહીં ઓકે?” કૃણાલે એની ટેવ પ્રમાણે ગુસ્સો કર્યો.
“હું ક્યાં જુઠ્ઠું બોલ્યો? તું બી છે ને યાર...” વરુણે હવે પોતાની જાતને બચાવવા માટે કૃણાલના ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપ્યો, પણ એનો ગુસ્સો ખોટો હતો.
“સોનલબેનને કારણે ચૂપ છું નહીં તો...” કૃણાલે વાક્ય અધૂરું રાખ્યું.
“નહીં તો? નહીં તો શું હેં?” વરુણે ફરીથી ગુસ્સો કર્યો.
“જવા દે ને યાર.” કૃણાલે ઝડપી ડગલાં ભરવાના શરુ કરી દીધાં.
વરુણ સમજી ગયો કે કૃણાલને આશંકા તો થઇ જ ગઈ છે કે એ સુંદરીના વિચારમાં ખોવાયેલો હતો, પણ સોનલબાને એણે વચન આપ્યું હતું કે તે સુંદરી અંગેનો મુદ્દો ફરીથી વરુણ સમક્ષ નહીં ઉપાડે એટલે એ વચનનો ધર્મ નિભાવી રહ્યો છે. વરુણે વિચાર્યું કે જો કૃણાલ એનું વચન નિભાવી રહ્યો છે તો એણે પણ હવે વાતને આગળ વધારવી ન જોઈએ. એટલે વરુણ હવે કૃણાલથી બે-ત્રણ ડગલાં પાછળ ચાલવા લાગ્યો.
થોડીજ વારમાં કૉલેજનો પાછલો દરવાજો આવી ગયો જ્યાંથી દરરોજ વરુણ અને કૃણાલ બસ સ્ટેન્ડે આવ-જા કરતાં હતા.
“તારે તો રિપોર્ટ આપવાનો હશેને?” પોતાનાથી થોડો દૂર ચાલી રહેલા વરુણને કૃણાલે પાછળ વળીને પૂછ્યું.
“હા, તું પહોંચ ક્લાસમાં હું પાંચ મિનિટમાં આવું છું.” વરુણને હાશ થઇ કે કૃણાલને એ ખ્યાલ નથી આવ્યો કે રવિવારે જો સુંદરી પ્રેક્ટીસમાં જોડે જ હોય તો એને રિપોર્ટ આપવાની શી જરૂર.
“ઠીક છે.” કૃણાલે પોતાનો અંગુઠો ઉંચો કરી વરુણ તરફ એક સ્મિત કરીને કૉલેજના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો.
વરુણે પણ કૃણાલને વળતું સ્મિત કર્યું.
“સાવ પાગલ છે આ. હજી પાંચ મિનીટ પહેલાં જ મને પકડી પાડ્યો હતો ત્યારે કેવો ગુસ્સે હતો? અને હવે? સ્માઈલ આપે છે. ભોળો છે, પણ એને મારી ચિંતા પણ છે. એ મને તકલીફમાં નથી જોઈ શકતો એટલે આવું કરે છે એની મને બરોબર ખબર છે. પણ એને એ ખબર નથી કે પ્રેમ થાય એટલે શું થાય. એકવાર તને પ્રેમ થવા દે બેટા, પછી જોવું છું કે તું કેવો ઘાંઘો થઈને ફરે છે... મારી જેમ.” વરુણ સ્વગત બોલ્યો અને પછી થોડું હસ્યો.
કૃણાલના ગયા પછી વરુણ એ સ્થાન તરફ ચાલવા લાગ્યો જ્યાં તે છેલ્લા એક અઠવાડિયાથી સુંદરીને દરરોજ સવારે વીતેલા દિવસનો રિપોર્ટ સોંપતો હતો. વરુણ થોડું ચાલ્યો ત્યાં તેને દૂર એ જ જગ્યા પર સુંદરી ઉભી રહેલી દેખાઈ.
વરુણને નવાઈ લાગી કારણકે દરરોજ તો તે આ સ્થાને પહેલા પહોંચતો હતો અને સુંદરી તેના ત્યાં પહોંચ્યા પછી લગભગ બે થી ત્રણ મિનીટ બાદ આવતી હતી. વરુણને ખ્યાલ આવી ગયો કે નક્કી સુંદરી કોઈ તકલીફમાં છે અને એટલેજ તેણે પહેલાં તો તેને વહેલી સવારે પોતાને મળવાનો મેસેજ કર્યો અને હવે તે તેની પહેલાં જ ત્યાં આવીને ઉભી રહી ગઈ છે.
પરંતુ, સુંદરી તરફ ડગ માંડતા માંડતા વરુણે એમ પણ નક્કી કરી લીધું કે તે સામેથી તેને તેની જે કોઇપણ તકલીફ છે તેના વિષે કશું જ નહીં પૂછે. સમય સમયનું કામ કરશે. જો સુંદરીને કોઈ તકલીફ હશે અને તેનો ઉકેલ પોતાના દ્વારા જ આવવાનો હશે તો એક દિવસ તે તેને સામેચાલીને કહી જ દેશે.
કૃણાલના છૂટા પડવાથી માંડીને સુંદરી જ્યાં ઉભી હતી તે બંને જગ્યાઓ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હતું પરંતુ આટલા ટૂંકા અંતરને કાપતી વખતે વરુણે કેટલું બધું વિચારી નાખ્યું?
“ગૂડ મોર્નિંગ!” સુંદરીની સામે ઉભા રહેતાની સાથેજ વરુણ બોલ્યો.
“જુઓ કાલે થયું એ અચાનક જ થયું. એક્ચ્યુલી મને ગઈકાલે ખૂબ એકલતા લાગી રહી હતી અને હું અરુમાની રાહ જોઈ રહી હતી. મને ખબર ન હતી કે સામે ઉભા હતા એટલે... આઈ એમ સોરી. પ્લીઝ તમારા મનમાં કોઈ આડોઅવળો વિચાર ન લાવતા!” સુંદરીએ વરુણ સાથે પોતાની આંખ ન મળે એનું ધ્યાન રાખતાં કહ્યું.
“તમે જરાય ચિંતા ન કરશો. હું સમજી શકું છું.” વરુણે ટૂંકમાં જ જવાબ આપ્યો.
“થેન્ક્સ. કાલે મળીએ, રિપોર્ટ માટે.” છેવટે સુંદરીએ વરુણને એ સ્મિત આપ્યું જેના પર વરુણ ગાંડો હતો.
સુંદરીના ગયા બાદ પોતાના ક્લાસરૂમ તરફ ચાલતાં વરુણને એક વિચાર તો જરૂર આવી ગયો કે અડધા કલાકમાં તો એ પોતાનો મોબાઈલ લેવા સુંદરીના ઘરે પરત થયો હતો તો અડધા કલાકમાં સુંદરીને એવી તે કેવી એકલતા લાગવા માંડી હતી?
==::==
“તું પસંદ કરી લે ને કોઈ સરસ ડ્રેસ?” અરુણાબેને સુંદરીને કહ્યું.
“ના અરુમા, અહિયાં મારી ચોઈસના ડ્રેસીઝ નથી મળતાં. મને આવી ચમકદમક ન ગમે.” સુંદરીએ સંખ્યાબંધ હેન્ગર્સમાં મુકેલા ડ્રેસીઝમાંથી એક ડ્રેસને સહેજ બહાર ખસેડીને તેની સામે જોતાં મોઢું મચકોડ્યું.
“તું આટલી સુંદર છે, થોડીક ચમકદમક તો રાખ! તારી સુંદરતામાં ચારગણી વધી જશે.” અરુણાબેને સુંદરીને આગ્રહ કર્યો.
“જો હું સાદા ડ્રેસમાં પણ તમને સુંદર લાગતી હોઉં તો પછી આવા ભડકતા ડ્રેસ પહેરવાની મારે કોઈ જરૂર ખરી અરુમા?” સુંદરી હસતાં હસતાં બોલી.
“ખરી છે તું. અરે! કોઈને ગમવા માટે. હવે તારા લગ્ન પણ કરવાના છે ને?” અરુણાબેને સુંદરીનો ગાલ પકડીને સહેજ ખેંચતા કહ્યું અને એ પણ હસી પડ્યા.
“એ તો જ્યારે કોઈને ગમવાની હોઈશ ત્યારે પણ મારે તો પરણવું જ નથી.” સુંદરીએ પોતાનું હાસ્ય ચાલુ રાખ્યું.
“હોય કાઈ, હું અને પ્રમોદરાય એમ તને નહીં છોડીએ.” અરુણાબેન પણ હસ્યાં.
“મે’મ, મે’મ... કોઈ મારો પીછો કરી રહ્યું છે.” સુંદરી અને અરુણાબેન મોલમાં આંટો મારતાં વાતો કરી રહ્યા હતા કે ત્યાં જ સુંદરીનો ખભો કોઈએ પકડ્યો.
“અરે! સોનલ, તમે?” સુંદરી પાછળ ફરી તો સામે સોનલબા હતા.
સોનલબા મોલના એસીમાં પણ પરસેવે રેબઝેબ હતા. એમના ચહેરા પર ખૂબ ચિંતા હતી.
“કોણ છે? ક્યાં છે?” સુંદરીએ આસપાસ જોતાં સોનલબાને પ્રશ્ન કર્યો.
“ત્યાં... ઇલેક્ટ્રોનીક્સનું બોર્ડ છે ત્યાં નીચે.” સોનલબાએ પોતાની પાછળ વળ્યાં વગર પોતાનો જમણો હાથ વાળીને ઈશારો કર્યો.
સુંદરી અને અરુણાબેન બંને એ તરફ જોવા લાગ્યા.
“અરુમા... આતો પેલો જ છે. રવિવારવાળો.” સુંદરી પણ આટલું જ બોલી અને અરુણાબેનની પાછળ લપાઈ ગઈ.
“તું કોઈ વાહન લાવી છે?” અરુણાબેને સોનલબાને પૂછ્યું.
“ના હું તો કેબમાં આવી છું.” સોનલબા હજી પણ ગભરાઈ રહ્યા હતા.
“ચાલો આપણે કારમાં બેસીને અહીંથી નીકળી જઈએ.” અરુણાબેને સુંદરી અને સોનલબા બંનેને રીતસર હુકમ કર્યો.
બંને અરુણાબેનની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સુંદરીએ પોતાની આંખોના જમણે ખૂણેથી પેલા વ્યક્તિને જોયો. પણ એ વ્યક્તિ કદાચ ઇલેક્ટ્રોનીક્સની કોઈ વસ્તુ પોતે જોઈ રહ્યો હોય એવો ડોળ કરી રહ્યો હતો એટલે સુંદરી, સોનલબા અને અરુણાબેન સામે તેની પીઠ હતી.
===::==
“તમે અંકલને વાત કેમ ન કરી?” વરુણ ગુસ્સામાં હતો.
“વાત મારા એકલાની હોત તો હું પપ્પાને જરૂર કહેત પણ સુંદરી મેડમનો પણ એ પીછો કરી રહ્યો છે એટલે મને લાગ્યું કે પહેલાં હું સુંદરી મેડમને પૂછી લઉં...” સોનલબાએ જવાબ આપ્યો.
“શું? એ વ્યક્તિ એમને પણ હેરાન કરી રહ્યો છે?” વરુણ વધુ ગુસ્સે થયો.
“હેરાન એટલે આમ પીછો કરીને. મેડમે કહ્યું કે રવિવારે પેલા એ આપણી કોલેજના ગ્રાઉન્ડથી છેક એમના ઘર સુધી એમનો પીછો કર્યો હતો અને પછી તો લગભગ અડધો પોણો કલાક એમના સોસાયટીના નાકે પણ ઉભો રહ્યો હતો અને સતત એમના બંગલા સામે જોઈ રહ્યો હતો.” સોનલબાએ કહ્યું.
“અચ્છા... અચ્છા... અચ્છા... ઓકે! હવે મને ખબર પડી કે રવિવારે એમ કેમ થયું!” વરુણ રેડ રોઝ રેસ્ટોરન્ટની છત સામે જોતાં બોલ્યો.
“શું થયું હતું રવિવારે? ભઈલા બોલ તો? આજે ગુરુવાર થવા આવ્યો અને તે મને હજી પણ નથી કહ્યું?” સોનલબાના ચહેરા પર આશ્ચર્ય હતું.
“મને એમણે કોઈને એ વિષે કશું કહેવાની આડકતરી રીતે ના પાડી હતી એટલે.” વરુણે જ્યુસનો એક ઘૂંટડો ભર્યો અને કહ્યું.
“મને જરા સીધી રીતે કહીશ કે શું થયું હતું રવિવારે?” સોનલબાએ જરા કડક થઈને પૂછ્યું.
“રવિવારે અમારે પ્રેક્ટીસ હોય છે ને? અને એ પણ આવ્યા હતા રવિવારે કો ઓર્ડીનેટર છે એટલે. પ્રેક્ટીસ તો તે દિવસે ન થઇ કારણકે બહુ ઓછા પ્લેયર્સ આવ્યા હતા. પણ જ્યારે શિંગાળા સરે પ્રેક્ટીસ ન કરવાનું નક્કી કર્યું ત્યારે અચાનક તેમણે વધુ ડિસ્કશન કરવા મને પોતાની સાથે પોતાના ઘેર આવવાનું કહ્યું. બેનબા, ત્યારથી માંડીને છેક અમે બંને એમના ઘરે પહોંચ્યા ત્યાં સુધી એમનું વર્તન મને અજીબ લાગ્યું. પણ ઘરે પહોંચ્યા પછી તો એ બહુ ખુશ લાગતા હતા. અમારા માટે એમણે મસ્ત નાસ્તો પણ બનાવ્યો અને અમે ખૂબ વાતો પણ કરી અને હું મારા ઘરે આવવા નીકળી ગયો. ઘરે પહોંચ્યો ને મને ખ્યાલ આવ્યો કે હું મારો મોબાઈલ તો એમને ઘરે ભૂલી ગયો છું અને જ્યારે હું એ લેવા એમને ઘરે લગભગ અડધા કલાક પછી પાછો પહોંચ્યો ત્યારે ત્રણ બેલ મારી તો કોઈ જવાબ જ ન આવ્યો પણ જ્યારે ચોથી બેલ મારી કે તરતજ એમણે બારણું ખોલ્યું ત્યારે એમના હાથમાં એક લાકડી હતી અને મને જોઇને એમનું મોઢું આમ ખુલ્લું જ રહી ગયું અને લાકડી એમના હાથમાંથી નીચે પડી ગઈ અને એ મને વળગી પડ્યા અને ખૂબ રડવા લાગ્યા.” વરુણ શ્વાસ ખાવા થોડું રોકાયો.
“મેડમ તને વળગીને રડી પડ્યા?” સોનલબાને વિશ્વાસ જ ન થયો કે વરુણ શું કહી રહ્યો છે.
“હા બેનબા, તમે નહીં માનો એવું જ થયું. એ અરુણા મેડમની રાહ જોઈ રહ્યા હતા. કદાચ પેલા વ્યક્તિને એમણે જોઈ લીધો હશે જે તમે હમણાં કહ્યું એમ એમના ઘર પાસે પેલો વ્યક્તિ એમના પર નજર રાખીને ઉભો હતો એ એમણે જોઈ લીધું હશે.” વરુણ આખી વાતનો તાળો મેળવતા બોલ્યો.
“મને એક વાત નથી સમજાતી ભઈલા, એવો તો એ કેવો વ્યક્તિ છે જે મારો અને મેડમ બંનેનો પીછો કરે છે? અમે બંને કોલેજ સિવાય તો ક્યારેય મળતાં જ નથી. નથી મેડમ મારા કોઈ ખાસ સબંધમાં... એવી કઈ કડી છે જે મને અને મેડમને જોડે છે?” આટલું કહીને સોનલબા વિચારવા લાગ્યા.
“એક કામ કરીએ તો?” વરુણને જાણેકે કોઈ આઈડિયા આવ્યો હોય એમ બોલી પડ્યો.
==:: પ્રકરણ ૩૨ સમાપ્ત ::==