અમદાવાદમાં અનીતાનું ઘર એક ખુબજ સારા કહી શકાય તેવા વિસ્તાર માં હતું. તે એક જૂની સોસાયટીમાં હતું. તે જેવા ગાડી માં ઘરે પહોચે છે, અનીતાની મમ્મી તેમને સામે લેવા આવે છે. વિધ્યાબેન રશ્મિને પણ પોતાની દીકરીની જેમ જ રાખતા. તેમને કદી પણ અનીતા અને રશ્મિમાં કોઈ પણ જાતનો ભેદ રાખ્યો ન હતો. જ્યારથી રસિકભાઈએ તેમને રશ્મિ વિષે વાત કરી ત્યાંરથી તેમને રશ્મિની ખૂબજ ચિંતા થતી હતી. તે આખો દિવસ ભગવાન પાસે રશ્મિની સલામતી માટે પુજા કરતાં. તેમને એવું જ લાગ્યા કરતું કે રશ્મિને કોઈ વળગાડ થયો છે. વિધ્યાબેન આ બધી ભૂત પ્રેત વાળી વાતો માં વધારે માનતા, જ્યારે તેમનાથી વિપરીત રસિકભાઈ સાયન્સમાં માનતા. રસિકભાઈનું એવું માનવું હતું કે દરેક વસ્તુ પાછળ કોઈ ને કોઈ સાયન્સ જરૂર હોય છે. તેમણે વિધ્યાબેનને પહેલેથી સમજાવી દીધું હતું કે છોકરીઓ આવે એટલે તેમની આગળ આ બધી ભૂત પ્રેતની વાતો કરે નહીં, ખોટી તેઓ વધારે ગભરાઈ જશે.
ગાડીમાથી સામન કાઢી તેઓ ઘરમાં પ્રવેશ કરે છે, અનીતાનું ઘર ખરેખર ખૂબ જ ભવ્ય લાગતું હતું. જ્યારે રશ્મિ અને અનીતા અહી આવતા ત્યાંરે તેમના બગીચામાં ખૂબ જ રમતા. વિધ્યાબેન તેમનો સામાન અનીતાના રૂમમાં મુકાવે છે અને તેઓને ફ્રેશ થઈને આરામ કરવા કહે છે.
સાંજે જમીને બધા ડ્રૉઇંગ રૂમમાં વાતો કરતાં બેઠા હતા. ત્યાંરે રસિકભાઈ અનીતાને કહે છે,
“મારા મિત્ર ડોક્ટર સમીરને તો તું ઓળખે જ છે ને, હું રશ્મિને તેમની પાસે જ લઈ જવાની વાત કરતો હતો. મે તેમની પાસે કાલે બપોર પછીની એપોઈંટમેંટ નક્કી કરી લીધી છે. તમે બપોરે મળી લેજો તેમને. તમે સાથે જ જજો, હું આવીશ નહીં એટલે તમને એકલતા મળશે, તમે એકલા હસો તો રશ્મિ છૂટથી વાત કરી શકશે."
“હા પપ્પા, એમને તો હું મળેલી જ છું, તે રશ્મિને ડોક્ટર સમીર વિષે વાત કરે છે.
“વિધ્યાબેન તરત જ વચ્ચે બોલે છે, એ પહેલા આપણે આપણાં કુળદેવતાના મંદિરે સવારે જવાનું છે, ત્યાંના મહારાજ કૃષણદેવ ખુબજ વિદ્વાન છે. આપણે તેમને પણ મળીશું.“
રસિકભાઈએ તેમની સામે થોડું ગુસ્સાંમાં જોયું એટલે વિધ્યાબેન ચૂપ થઈ જાય છે,
"આટલું બધું સમજાયું છતાં પણ!”
“ઓકે, બેટા તમે રૂમમાં જઈને આરામ કરો થાકી ગયા હશો.”
અનીતા અને રશ્મિ તેમના રૂમમાં આવી ને પલંગ પર આડા પડે છે. રશ્મિ, અનીતાનો હાથ પકડીને જ સૂઈ જાય છે, હવે તે ઊંઘથી એટલી બધી ડરવા લાગી હતી કે તેને આંખો બંધ કરતાં પણ બીક લાગતી હતી.
રશ્મિ ભલે અમદાવાદ આવી ગઈ હોય પણ જાણે તેના સપના પણ તેનો પીછો કરતાં કરતાં અમદાવાદ આવી ગયા હોય તેમ, એ રાત્રે પણ રશ્મિને સુવા દેતા નથી.
◆◆◆
સવારે તૈયાર થઈને વિધ્યાબેન અનીતા અને રશ્મિને તેમની સાથે તેમના કુળદેવતાના મંદિરે લઈ જાય છે. તેમના કુળદેવતાનું મંદિર મહાદેવનું એક ખુબજ જૂનું પૌરાણિક મંદિર હતું. મદિરમાં પ્રવેશ તાજ સામેજ મહારાજ કૃષ્ણદેવ મંદિરના ગર્ભગૃહ આગળ બેઠા હતા. ત્રણે જણા દર્શન ઈત્યાંદી પતાવીને મહારાજને પગે લાગે છે. પછી વિધ્યાબેન અનીતાને બહાર ગાડીમાં રાહ જોવા માટે કહે છે, એટલે અનીતા અને રશ્મિ મદિર ની બહાર નીકળે છે, અનીતા જાણતી હતી કે તેની મમ્મીને મહારાજ સાથે અનીતા વિષે વાત કરવી હતી, એટલે તેમને એકલતામાં વાત થઈ જાય એટલે તેમને જવાનું કીધું. જ્યારે વિધ્યાબેન મંદિરની બહાર આવે છે અને ગાડીમાં બેસે છે ત્યાંરે તેમના ચહેરા પર એક અનોખો સંતોષ દેખાય છે, જાણે મહારાજ કોઈ મોટા ડોક્ટર હોય અને અનીતાને માટે કોઈ દવા આપી હોય જે દવા લગાવવાથી અનીતા ને સારું થઈ જાય.
રશ્મિ જ્યારથી મંદિર માથી નીકળી હતી, ત્યાંરથી તેના મનમાં એક અજીબની શાંતિ અનુભવતી હતી. તે મન માં વિધ્યાબેનનો આભાર માને છે કે તે તેને અહી મંદિરમાં લાવ્યા. ગાડી ઘર સુધી પહોચતા તે ચૂપચાપ ગાડીની બહાર ચાલતા દ્રશ્યો પર નજર રાખીને બેઠી હતી, અને ગાડીની સ્પીડની જેમ તેના મગજમાં પણ વિચારો ચાલી રહ્યા હતા, અચાનક તેના જીવનમાં આવેલું તુફાન એને કયા રસ્તે લઈ જશે. મા જેવી મેડમનું ખૂન થઈ જવું, અને સપનામાં તેની જન્મદાતા માનું મિલન થવું. આમ વિચારતા વિચારતા ગાડી ઘરે આવી જાય છે, તેનું રશ્મિને ભાન રહેતું નથી.
***
મંદિરેથી ઘરે આવીને અનીતા અને રશ્મિ જમીને થોડો આરામ કરીને બપોરે ફ્રેશ થઈ ને ડોક્ટર સમીરને મળવા તેમની ઓફિસ પર જવા નીકળે છે.
ડોક્ટર સમિરની ઓફિસ એક બહુજ ઊંચા પંદર માળના બિલ્ડિંગના બારમાં માળે આવેલી હતી, એટલે રશ્મિ અને અનીતા લિફ્ટમાં બારમાં માળે પહોચે છે. લિફ્ટ ખૂલતાં સામેજ ડોક્ટરની ઓફિસનો મુખ્ય દરવાજો દેખાય છે. રશ્મિ એક નજર આજુબાજુ આખા ફ્લોર પર નાખે છે, આખા ફ્લોરની બધી ઓફિસ ભેગી કરીને ડોકટોરે તેમની ક્લિનિક બનાવ્યું હતું.
તેઓ રિસેપ્શન પર જઈને તેમની ડોક્ટર સાથેની આપોઈંટમેંટ કન્ફર્મ કરાવે છે. જ્યારે રશ્મિ અને અનીતાનો નંબર આવે છે ત્યાંરે તેઓ ડોક્ટરની ઓફિસમાં પ્રવેશે છે, પહેલા અનીતા રૂમમાં જાય છે તેની પાછળ રશ્મિ અંદર આવે છે. અનીતા પહેલેથી જ ડોક્ટર સમીરને ઓળખતી હતી, એટલે ઉતાવળા પગલે તેમના ટેબલ આગળ રાખેલી ખુરશીમાં જઈને બેસે છે, તેની પાછળ રશ્મિ રૂમમાં એક નજર નાખતી તેની બાજુમાં આવીને બેસે છે. રશ્મિને ખૂણામાં પડેલા એક પલંગ જેવા દીવાનને જોઈને નવાઈ લાગે છે. એણે કોઈ દિવસ કોઈ ડોક્ટરની ઓફિસમાં આવો દીવાન જેવો પલંગ જોયો નહોતો. અનીતા ડોક્ટરની સાથે ઔપચારિક વાતો કરતી હતી તે દરમિયાન રશ્મિ ડોક્ટરની ખુર્શી પાછળ દીવાલમાં બનાવેલા એક સેલ્ફ પર નજર કરે છે, જેમાં ઘણા બધા સર્ટિફિકેટ ફ્રેમ કરી ને મૂકેલા હતા, નીચે એક ખૂણામાં કોફી મશીન પણ રાખેલું હતું. સૌથી અગત્યની વાત જે રશ્મિ આ રૂમ માં આવી ત્યાંરે તેને નોંધી હતી, તે આ રૂમની શાંતિ હતી. તે જ્યારે મંદિરમાં હતી ત્યાંરે જેવો શાંતિનો અનુભવ કર્યો હતો તેવો જ અનુભવ તેને અહી ડોક્ટરની ઓફિસમાં થઈ રહ્યો હતો. અનીતા તેની ઔપચારિક વાતો પૂરી કરીને રશ્મિની સામે જોઈને ડોક્ટર સાથે તેનો પરિચય કરાવે છે. અને ડોક્ટર રશ્મિ સામે જોઈને તેને પૂછે છે,
"તો બોલો શું પ્રોબ્લેમ થયો છે?"
એક મીનીટ આપણે ચર્ચા ચાલુ કરતાં પહેલાં એક વાત ચોખવટ કરી લઇએ, તું મને જે પણ માહિતી આપે નાનામાં નાની વાત, કોઇ વસ્તુ જે પણ તને યાદ આવે તે, જે પરિસ્થિતિમાં જોયું હોય એવી જ રીતે મને વર્ણન કરવાનો પ્રયત્ન કરજે, એમાં કોઈ બનાવટ કે વધારો કરવાનો પ્રયત્ન કરતી નહીં. ડોક્ટરની સૂચના મુજબ રશ્મિ તેના મેડમનું ખૂન પછી જે પણ થયું, જે સપના જોયા, પહેલાં ધૂંધળા દેખાતા હતા, ફરી વખતના સપના સ્પષ્ટ દેખાતા હતા, સપનામાં દેખાતી સ્ત્રી તેની માતા છે, તેણે તેના પરથી બનાવેલાં ચિત્રો, એ બધું જ તેમને વિગતવાર કહે છે.
આ દરમિયાન ડૉક્ટર બહુ જ ધ્યાનથી વાત સાંભળતા હતા અને તેમાંથી કેટલાંક પોઇન્ટ્સ તેઓ તેમની ડાયરીમાં નોંધ પણ કરે છે, તેઓએ રશ્મિ દ્વારા બનાવેલા ચિત્રો ધ્યાનથી જુવે છે, રશ્મિઍ ખરેખર ખૂબ જ સારા ચિત્રો બનાવ્યા હતા.
“ડોક્ટર જ્યારે રશ્મિના ચિત્રો જોતા હતા અને તેમને લખેલા પોઈન્ટ્સ વિશે વિચારતા હતા ત્યાંરે, અનીતા ડોક્ટરને રીક્વેસ્ટ કરે છે કે, તે રશ્મિને હિપ્નોટીઝમની મદદથી સારી કરી દે.”
“કેમ તને એવું લાગે છે કે હિપ્નોટીઝમથી એને ફાયદો થશે તેમણે ડાયરીમાં જોતા-જોતા અનીતાને કહ્યું?”
"એટલે એમાં એવું છે ને કે ડોક્ટર સાહેબ મને આનો કોઈ અનુભવ નથી પણ આ તો પિક્ચરમાં આવું જોયું હતું કે ડોક્ટર પેશન્ટને હિપ્નોટાઈઝ કરે અને જ્યારે પેશન્ટ ભાનમાં આવે ત્યાંરે સાજો થઈ જાય છે”
ડોક્ટર અનીતા સામે જોઈને હસે છે “લાગે છે તુ પિક્ચરો બહુ જ જુએ છે, હા એ વાત સાચી છે કે હિપ્નોટીઝમથી દર્દી સાજો થાય છે પણ એ બધું જ દર્દીના મન પર આધાર રાખે છે કે તે મનથી કેટલા મજબૂત છે અને મારી સૂચનાઓને કેટલી સારી રીતે પાલન કરે છે કેટલી સારી રીતે ગ્રહણ કરે છે"
“હું તો બસ એટલું જ ઈચ્છું છું કે રશ્મિને આવતા સપના બંધ થઈ જાય અને તે પહેલાની જેમ એકદમ સામાન્ય થઇ જાય, આ ઘટનાને લીધે અમારું આખું સ્કૂલનું વર્ષ પણ બગડશે એવું લાગે છે" અનીતા ડોક્ટરને કહે છે.
ડોક્ટર ફરી વખત તેની ડાયરીમાં લખેલા પોતાના પોઈન્ટ ઉપર એક નજર નાખે છે,પછી એક નજર રશ્મિ ઉપર પણ નાખે છે રશ્મિ એકદમ શાંત બેઠી હતી.
“જો અનીતા એવું તને લાગે છે કે હિપ્નોટીઝમથી એને ફાયદો થશે પણ હાલ જે માહિતી રશ્મિએ મને આપી છે તે જોતાં મને એવું લાગે છે કે રશ્મિ પોતે પણ એવું નથી ઇચ્છતી કે, એ આ સપના જોવાનું બંધ કરે”
આ સાંભળીને બંને જણાને એકદમ આશ્ચર્ય થાય છે.
“પણ ડોક્ટર એવું કઈ રીતે બને, જ્યારથી રશ્મિને આ સપના આવવાના ચાલુ થયા છે ત્યાંરથી તેની તબિયત ખરાબ થતી જાય છે, અમે એટલા માટે તો છેક નૈનીતાલથી અમદાવાદ તમારી પાસે આવ્યા છીએ કે, તમે એનો ઈલાજ કરો અને તે સામાન્ય થઇ જાય” અનીતા થોડી અકળાઇ જાય છે.
“જો અનીતા શાંત થઇ જા હું તને સમજાઉં છું, એમાં એવુ છે કે રશ્મિ અનાથ છે તે નાનપણથી જ માતા-પિતાના પ્રેમથી વંચિત છે, એટલે જ્યારે તે સપનામાં તેની માતા સાથે હોય છે ત્યાંરે તે ખૂબ જ ખુશ હોય છે, તે સમયે તે જાણે સપનાની દુનિયામાં નહીં પણ વાસ્તવિક દુનિયામાં હોય એવી રીતે વર્તે છે. ઉદાહરણ તરીકે તેણે એક સપનું જોયું હતું જેમાં તેની મમ્મીનું ખૂન નથી થતું, એ વખતે જ્યારે સવારે જાગે છે ત્યાંરે તે એક અનેરો આનંદ અનુભવે છે, જે એણે પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો પણ જ્યારે તે સપનામાં તેની મમ્મીને મરતા જુવે છે એટલે તેને તે સપના તેની વાસ્તવિક દુનિયાની યાદ અપાવે છે, જ્યાં તેની મમ્મી હતી જ નહીં અને વધારામાં પૂરું કે તમારા પ્રિન્સિપાલ ને પણ પોતાની મમ્મીની જેમ જ માને છે, હવે તે પણ હયાત નથી એટલે વધારે દુઃખી થઇ જાય છે અને ઊઠીને રોવા લાગે છે”
મારા મત મુજબ હાલના સ્ટેજ ઉપર હિપ્નોટીઝમ નહીં પણ યોગબળ વધારે મદદ કરશે. રશ્મિ તું એક કામ કર તું હમણાં એક અઠવાડિયું સવારે વહેલા ઊઠી પ્રાણાયામ કરવાનું ચાલુ કર, બને તો મંદિર પણ જા, અને સૌથી અગત્યની વાત એ કે, હાલ જે ઘટનાઓ બની છે, તેમાં પોતાની જાતને જોયા વગર તે ઘટનાઓનો સ્વીકાર કર, કે હવે તારા પ્રિન્સિપાલ મેડમ હયાત નથી, તારી મમ્મીતો પહેલેથી જ હતી નહીં.
ઠીક છે, આપણે એક અઠવાડિયા પછી ફરી મળીશું ત્યાંરે, મને કહેજે કે તને કોઈ ફરક લાગ્યો કે નહીં?
◆◆◆
રશ્મિ અને અનીતા ડોક્ટરને મળીને ઘરે આવે છે. રાત્રે બધા સાથે બેસીને જ્યારે વાતો કરતા હતા, ત્યાંરે અનીતા રસિકભાઈ અને વિદ્યાબેનને ડોક્ટરની સાથે થયેલી વાતચીતની બધી જ વાત કરે છે.
વિદ્યાબેન, ડોક્ટરની મંદિરમાં જવાની અને યોગ પ્રાણાયામ કરવાની વાત સાંભળીને એકદમ ખુશ થઈ જાય છે.
“અનીતા, તો તમે કાલે જ કૃષ્ણદેવ મહારાજને મળવા જઈ આવો, તને ખબર જ છે ને તેમનો આશ્રમ મંદિરની પાછળ જ છે, ત્યાંં સવારમાં તેઓ યોગ પ્રાણાયામ પણ શીખવે છે”
અનીતા રશ્મિ સામે જોવે છે, ધીમેથી બંને જણા હશે છે. કારણ કે ડોક્ટરની ઓફિસથી નીકળતા જ અનીતાએ રશ્મિને કીધું હતું કે આપણે ઘરે મમ્મી પપ્પાને વાત કરીશું ત્યાંરે, મમ્મી આ સાંભળીને એકદમ ખુશ થઇ જશે, કેમકે વિદ્યાબેન પહેલીથી જ ઇચ્છતા હતા કે રશ્મિ મહારાજના સંપર્ક માં આવે.
“ઠીક છે, મમ્મી અમે સવારે વહેલા મંદિર જવા માટે નીકળી જઈશું."
“ચાલ રશ્મિ, સવારે વહેલા ઉઠવું હશે તો અત્યાંરે વહેલા સૂઈ જવું પડશે અને આજે ભગવાન કરે તને સપના આવે નહિ, નહીં તો તારી ઊંઘ બગડશે અને તું સવારે વહેલા ઉઠી નહીં શકે"
રશ્મિ કંઈ પણ બોલ્યા વગર અનીતાની સાથે રૂમમાં આવીને તેની સાથે સૂઈ જાય છે.
◆◆◆
સવારે તેઓ વહેલા ઊઠીને તૈયાર થઈ ને મંદિર જવા નીકળે છે. તેઓ પહેલા દર્શન કરવા માટે મંદિરમાં જાય છે. રશ્મિ મંદિરમાં જતા જ એક અનેરો આનંદ અનુભવે છે. તેઓ દર્શન કરીને મંદિરની પાછળના ભાગમાં જાય છ.મંદિર અને આશ્રમ એક મોટા મેદાનમાં બનાવેલા હતા.
જેમાં આશ્રમમાં જવા માટે મંદિર ની પાછળ થીજ રસ્તો હતો. રશ્મિ અને અનીતા આશ્રમના દરવાજામાં પ્રવેશે છે. ત્યાં મહારાજના અનુયાયીઓ તેમનો રસ્તો દોરે છે, જ્યાં ઘણા બધા લોકો એક મોટા મેદાનમાં બેસીને યોગ કરી રહ્યા હતા. સવારનું શાંત અને ખુશનુમા વાતાવરણ, અને મંદિર અને આશ્રમની પવિત્રતાને લીધે અનીતા અને રશ્મિના મન એકદમ અભિભૂત થઇ જાય છે. ઘાસના મેદાનની સામે એક ઉંચી બેઠક ઉપર કૃષ્ણદેવ મહારાજ પણ યોગની મુદ્રામાં બેઠેલા દેખાઇ રહ્યા હતા. રશ્મિ અને અનીતા એક ખૂણામાં શાંતિથી બેસીને તેઓ પણ મહારાજનું અનુકરણ કરી યોગ કરવાનું શરૂ કરે છે. લગભગ અડધા કલાક પછી મહારાજ એક ઊંડો શ્વાસ લઈ, જોરથી ઓમ ના નામનું ઉચ્ચારણ કરે છે, અને જ્યાં સુધી શરીરમાંથી શ્વાસ નીકળે છે ત્યાંં સુધી એ ઉચ્ચારણ એકધારું ચાલુ રાખે છે. મેદાનમાં બેઠેલા બધાં જ ભકતો તેમનું અનુકરણ કરે છે. ઓમના ઉચ્ચારણથી વાતાવરણમાં ઉદ્ભવેલી પોઝિટિવ એનર્જી બધાં જ ભક્તો પોતાની અંદર અનુભવી રહ્યા હતા.
યોગ કાર્ય પૂર્ણ કર્યા પછી બધા જ ભક્તો ધીરે ધીરે બહાર નીકળવાની શરૂઆત કરે છે, અનીતા અને રશ્મિ બધા ભક્તો નીકળી જાય ત્યાંં સુધી રાહ જુવે છે, થોડીવાર રહીને તેઓ મહારાજને મળવા તેમની બેઠકની પાસે જાય છે. મહારાજ તેમને આવતા જોઈને તેમને આવકારે છે, અને તેમની પાસે બેસવા માટે વિનંતી કરે છે. અનીતા અને રશ્મિ મહારાજને પગે લાગીને તેમની સાથે બેસી જાય છે.
“મહારાજ આ મારી મિત્ર રશ્મિ છે, તે મારી સાથે જ ભણે છે, હમણાં થોડા દિવસથી તેની તબીયત સારી નહીં રહેવાથી તે અમારી સાથે અહીં આવી છે."
"હા દીકરા, ગઈકાલે વિદ્યાબેને મને રશ્મિ વિશે બધી જ વાત કરી છે. એ છતાં તું મને એક વખત માંડીને વાત કરીશ તો વધારે સારું રહેશે."
“અનીતા મહારાજને માંડીને બધી જ વાત જે ગઈકાલે ડોક્ટરની ઓફિસમાં કરી હતી તે ફરી વખત મહારાજને પણ કહે છે”
અનીતાની વાત સાંભળીને મહારાજ થોડા ઊંડા વિચારમાં પડી જાય છે, કારણકે વિદ્યાબહેને તેમને જે વાત કરી હતી અને આજે અનીતા જે વાત કરી છે, એના પરથી રશ્મિની માનસિક પરિસ્થિતિ અલગ જણાતી હતી.
થોડીવાર વિચાર્યા પછી રશ્મિને કહે છે “જો બેટા, માણસને સપના આવવા એ બહુ જ સ્વાભાવિક વાત છે, સપના એ આપણા અંતર મનમાં રહેલા વિચારો નું એક પ્રતિબિંબ છે. માણસ કોઈ વાત કોઇને કહી ન શકતો હોય એ તેના મનની અંદર રહ્યા કરતી હોય એ પોતાની જાત સાથે વાત કરતો હોય એ વાતો અંતર મનમાં છુપાયેલી રહે છે. જ્યારે દિવસ દરમિયાન કોઈ ઘટના એવી બને કે જે આપણા અંતર મનમાં રહેલી વાત જોડે સંયોગ કરતી હોય, ત્યાંરે તે વાત રાત્રે આપણને સપના દ્વારા જોવા મળે છે. પણ તારા કેસમાં એક ના એક જ સપના વારે ઘડીએ આવે છે, એનો મતલબ એવો થઇ શકે કે તારું અંતરમન કોઇ વાત જાણે છે જે તારું ચેતન મન ભુલી ગયું છે. એટલે તારું અંતર મન સપના દ્વારા તને યાદ કરાવવાની કોશિશ કરી રહ્યું છે. તારે એક વખત ઊંડાણપૂર્વક વિચારવાની જરુર છે. તારા દરેક સપના વિશે ઊંડાણ પૂર્વકનો વિચાર એમાં કોઈ એવો સંકેત હશે, જે તારા ચેતન મનને જાણવો જરૂરી છે. જો તું એ જાણવામાં સફળ રહી તો તારું અવચેતન મન શાંત થઇ જશે અને શક્યતા છે કે તને સપના આવતાં પણ બંધ થઇ જાય."
રશ્મિ અને અનીતા એકદમ ધ્યાનથી મહારાજ ની વાતો સાંભળતા હતા, મહારાજ ની વાત પૂરી કર્યા પછી રશ્મિ અનીતાની સામે જોઈને કઈ વિચારે છે અને પછી બંને જણા મહારાજને પગે લાગી ત્યાંંથી નીકળે જાય છે.
◆◆◆
આશ્રમમાંથી બંને નીકળી ને ગાડીમાં બેસીને ઘરે પહોંચે છે, ઘરે પહોંચતા સુધીમાં બન્ને એકદમ શાન્ત રહે છે, તેમના મનમાં મહારાજની વાતો નું મંથન ચાલી રહ્યું હતું.
ઘરે પહોંચતાં જ વિદ્યાબેન એકદમ હરખાતા હરખાતા રશ્મિ ને પૂછે છે "કેવું લાગ્યું બેટા?”
“રશ્મિને ખરેખર સારું લાગ્યું હતું એટલે તે આંટી ને કહે છે, મગજમાં ખુબ જ શાંતિ લાગે છે આંટી.”
“તું જોજે રશ્મિ, મહારાજના સંસર્ગમાં તને જલદી સારું થઈ જશે. ચલ અનીતા તમે જમી લો આજે તારું ભાવતું જમવાનું બનાવ્યું છે.
જમીને અનીતા અને રશ્મિ રૂમમાં જઈ બેસે છે.
“અનીતા હું મહારાજની વાતો વિષે વિચારતી હતી એમનું કહેવું છે કે મારા સપનામાં કોઇ સંકેત હોવો જોઈએ તને શું લાગે છે?"
“હું પણ એ જ વિચારતી હતી, મહારાજે આપણને વિચારવા માટે એક નવી જ દિશા આપી છે. તો એક કામ કરીએ આપણે એમના કહેવા મુજબ તેં અત્યાંર સુધી જે સપના જોયા છે, એની કડીઓ મેળવવી જોઈએ કદાચ એમાંથી કંઈક મળે,તું તારા ચિત્રોની બુક પણ લઈ આવ”
બંને જણા ખાસ્સો સમય ચિત્રો જોવા માં વિતાવે છે, રશ્મિ ફરી વખત અનીતા ને તેને જોયેલા સપનાઓ કહી સંભળાવે છે.
“જો રશ્મિ અત્યાંરસુધી તો આપણને આટલી માહિતી મળી છે.
સપના માં તુ જે સ્ત્રી જોવે છે તે તારી મમ્મી છે.
સપના માં તું જે ઘર જોવે છે તેનું નામ "માતૃ સદન”છે.
કોઇ તારી મમ્મી ને ગોળી મારીને તેનું ખૂન કરે છે, તે પણ બિલકુલ આપણા પ્રિન્સિપાલનું ખૂન થયું છે તે જ રીતે.
"આ બધી ઘટનાઓ પર એક પછી એક વિચાર કરતાં મને પણ એવું લાગે છે કે કદાચ તારી મમ્મીનું સાચે જ માં ખૂન થયું હોવું જોઈએ અને બીજી એક મહત્ત્વની વાત તારી મમ્મીનું ખૂન થયું છે, તો તારા પિતા ક્યાં છે? અત્યાંર સુધી એમના વિષે કોઈ જ માહિતી મળી નથી.
“અનીતાની વાત સાંભળીને રશ્મિને પણ વિચાર આવે છે જો મમ્મી નું ખૂન થયું છે તો પિતા નું પણ ખૂન થયું હશે, તે કોણ છે? હવે તે જાણવાની પણ બેચેની થવા લાગી હતી”
"અનીતા આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઇએ મને તો એ પણ નથી સમજાતું, મને તો એ પણ નથી ખબર કે હું ક્યાંની વતની છું મારું ગામ શહેર કયું છે આપણી પાસે બસ નામ છે તો ખાલી એક ઘરનું "માતૃસદન"
"મળશે રશ્મિ એ પણ મળશે, તું થોડી ધીરજ રાખ હવે તો તારું મૂળ ક્યાંનું છે તે શોધીને જ રહીશું તું હવે આરામ કર હું કંઈક વિચારું છું"
પછી આખો દિવસ અનીતા વિચારો કરવામાં ગાળે છે પણ કોઈ જ રસ્તો મળતો નથી, સાંજે તે રશ્મિ ને લઈને શોપિંગ કરવા માટે બહાર નીકળે છે તેઓ શોપીંગ કરી ને ઘરે આવે છે ત્યાંરે ખૂબ જ થાકેલા હતા. વિદ્યાબેન જમવા માટે આગ્રહ કરે છે પણ બન્ને બહાર નાસ્તો કરીને આવેલા હોવાથી જમવા માટે બેસતા નથી અને સીધાજ પોતાના રૂમમાં ચાલી જાય છે.
"રશ્મિ જ્યારે બાથરૂમમાંથી નાહીને બહાર આવે છે ત્યાંરે અનીતા વિચારોમાં ખોવાયેલી હતી."
"શું વિચારે છે અનીતા?"
" મને એક વિચાર આવે છે કે આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ?"
" આ સાંભળી રશ્મિ એકદમ દોડીને તેની નજીક આવીને બેસી જાય છે, બોલ શું કરવું જોઈએ એ મને જલદી કહે"
"જો અત્યાંર સુધીની બધી જ માહિતી આપણને સપના માંથી જ મળી છે તો હવે આગળની માહિતી પણ આપણને સપના માંથી જ મળવી જોઈએ"
"રશ્મિને કઈ સમજાતું નથી, તું શું કહેવા માંગે છે?"
"મારું એવું કહેવું છે તું હવે જ્યારે સપનામાં તારી મમ્મી જોડે હોય ત્યાંરે એમને જ પૂછ ને કે આપણે ક્યાં રહીએ છીએ કે આપણું ઘર કયા શહેરમાં છે તારા પિતા કોણ છે? તારું ખૂન કોણે કર્યું"
"પણ એવું કઈ રીતે બની શકે મે સપના માં હજી સુધી મમ્મી જોડે વાત જ નથી કરી"
" પ્રયત્ન કરી જો સવારે મહારાજે કીધું તો ખરા ke આપણા સપના આપણા મનનું પ્રતિબિંબ છે, તો જે મનમાં હોય એ સપનામાં પણ આવી શકે."
"અનીતા ની વાત સાંભળીને રશ્મિ કંઈક વિચારમાં પડી જાય છે" તારી વાત તો સાચી છે હું પ્રયત્ન કરી જોઈશ હવે એવું કોઇ સપનું આવે જેમાં એ ખૂની ના હોય અને હું અને મમ્મી એકલા જ હોઇએ તો વાત કરવાનો સમય મળે"
ઠીક છે ચાલ હવે સુઈ જઈએ તો બની શકે કે એ સપનું તને આજે જ આવી જાય.
◆◆◆