આગળ આપણે વૃંદાવનના વિવિધ સ્થળો વિશે તથા જીંગાભાઈના યુદ્ધ વિશે જાણ્યું.
હવે આગળ....
જીંગાભાઈની વાંદરા સાથેની લડાઈના વિચારો કરતાં કરતાં હું નિધિવન પહોંચ્યો અને અમારા ગ્રુપ સાથે સામેલ થઈ ગયો.
નિધિવન આજે પણ એક રહસ્યમય જગ્યા ગણવામાં આવે છે. આ નિધિવનમાં મોટાભાગના વૃક્ષો (છોડ) તુલસીના જ છે.અહીંયા શ્રી કૃષ્ણ અને રાધા વિશ્રામ કરતા અને રાસલીલા પણ રમતા હતા.
બે અલગ અલગ પ્રકારના તુલસીના છોડ એક સાથે ઉગેલા છે. જેના થડ તો અલગ જોઈ શકાય પણ ડાળો એકબીજામાં ગૂંથાયેલી હોવાથી કઈ ડાળ ક્યાં છોડની છે એ કહેવું મુશ્કેલ છે.આ છોડને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીનું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા એક વિશાખા કુંડ પણ છે જે, રાધાજીની સખી વિશાખના નામ પરથી વિશાખા કુંડ નામ રાખવામાં આવ્યું છે.આ કુંડ પાછળની પૌરાણિક કથા એવી છે કે રાસ રમ્યા બાદ વિશાખા સખીને તરસ લાગે છે એટલે કૃષ્ણ પોતાની વાંસળીથી અહીંયા થોડી જમીન ખેંચીને કુંડ બનાવે છે.
અહીંયા એક રંગમહેલ પણ નયનરમ્ય છે.આ મહેલ વિશે એવી માન્યતા છે કે રાધાજી કૃષ્ણની વાંસળી લઈને લલીતા સખી સાથે અહીંયા છુપાયા હતા. હાલમાં આ રંગમહેલમાં સંધ્યા આરતી બાદ પુજારી દ્વારા ચંદન જડિત પલંગ સજાવવામાં આવે છે. ચાંદીના પાત્રમાં જળ રાખવામાં આવે છે.લીમડાનું દાતણ તથા પાનનું બીડું રંગમહેલમાં રાખી મહલ બંધ કરવામાં આવે છે.સવારે રંગમહેલ ખૂલે ત્યારે પલંગ પર કોઈ સૂતું હોય એવો અસ્તવ્યસ્ત હોય છે. જળ હોતું નથી, દાતણ વપરાયેલ હોય છે અને બીડું ખવાયેલું હોય છે.હવે આ વાત સાચી કે ખોટી એ બાબતની સત્યતા હજુ સુધી મળી નથી.પણ ધાર્મિક માન્યતા મુજબ આ વાત સત્ય છે.
અહીંયા સાંજની આરતી બાદ કોઈને પણ પ્રવેશ મળતો નથી. પૂજારીઓ પણ સંધ્યા આરતી બાદ આ જગ્યા છોડીને ચાલ્યા જાય છે.એવું પણ કહેવાય છે કે રાત્રે પશુ-પક્ષી પણ આ જગ્યા છોડીને ચાલ્યા જાય છે.ભગવાન રાત્રે અહીંયા રાસ રમે છે, એવી પ્રબળ માન્યતા છે. અહીંયા તુલસી છોડને ગોપીઓનું પ્રતીક પણ ગણવામાં આવે છે. જે રાત્રે ગોપી બને છે અને સવારે પાછા તુલસીના છોડ બને જાય છે.હજુ સુધી અહીંયાથી કોઈ તુલસીના છોડને પોતાને ઘેર લઈ જઈ શકતું નથી આવી પણ એક માન્યતા છે.
નિધિવનમાં એક કેસી કુંડ પણ આવેલ છે, જે કેસી નામના રાક્ષસ પરથી પડ્યું છે. ભગવાને આ કેસી નામના રાક્ષસ સાથે અહીંયા યુદ્ધ કર્યું હતું અને તેનો અહીંયા વધ કર્યો હતો.
નિધિવનમાં સંગીત સમ્રાટ સ્વામી હરિદાસજીનું સમાધિ સ્થળ પણ છે તથા બાકે બિહારીનું પ્રાગટ્ય સ્થળના પણ અમે દર્શન કર્યા.
રાત્રી સમયમાં જો કોઇ છુપાઈને અહીંયા આવે તો એ આંધળો, મુંગો કે પાગલ બની જાય છે, એવું સ્થાનિક લોકોનું કહેવું છે.
અમે નિધિવનમાં ખૂબ વિહર્યા અને ત્યાંથી સીધા બસ તરફ રવાના થયા. મારા પ્રવાસી મિત્રોને જીંગાભાઈના યુદ્ધના સમાચાર આપ્યા ન હતા.
અમે હરતા-ફરતા વૃંદાવનની બજારોમાં ઘૂમતા ઘૂમતા લગભગ અડધી પોણી કલાકે બસે પહોંચ્યા. અંધારું વધવા લાગ્યું સાથે સાથે અમારી ભૂખ પણ વધવા લાગી હતી.
બધા લગભગ આઠ અને પિસ્તાળીસ મિનિટે ભોજન આરોગવા લાગ્યા. દસ ને પંદર મિનિટે બસમાં ગોઠવાયા.હવે બધા મિત્રોને જીંગાના યુદ્ધ વિશે જાણ મળી ગઈ હતી.કેમ કે મંછા બહેન ચૂપ ન રહેને! અમારી બસ પાવન -પવિત્ર ભૂમિ હરિદ્વાર તરફ આગળ વધવા લાગી.
જીંગાભાઈ સાવ સૂનમૂન બેઠા હતા. હવે તો રસ્તામાં અમે બધા કહીએ જીંગાભાઈ વાંદરી અને તેનું બચ્ચું, તો જીંગો પોતાનું મુખ ફેરવી લે.જીંગાની આવી હાલત જોઈ અમારા કાઠિયાવાડના લોકડાયરામાં હાસ્ય કલાકારો એક બકરી અને શેઠનો જોક્સ બહુ કહેતા.જે જીંગાભાઈની આજની પરિસ્થિતિને એકદમ મળતો આવે છે માટે અહીંયા રજૂ કરું છું. (આ જોક્સ લોક સાહિત્યકારો કહે છે અને મેં સાંભળેલ છે.મારો સ્વરચિત નથી)
એક નગરમાં એક શેઠે બકરી લીધી.હવે શેઠતો કંઈ બકરી ચરાવવા જઈ શકે નહીં.એટલે જાહેરાત કરી કે જે કોઈ આ બકરીને ચરાવીને ધરવી દેશે એને પાંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે.
આ સાંભળીને નગરનો એક જુવાન તૈયાર થયો. સવારે ગયો શેઠ પાસે અને કહે;"લાવો શેઠ બકરી, આજતો ચરાવી ચરાવીને ટેપરા (જાજુ ખાય અને તાજા દેખાય એને દેશી ભાષામાં ટેપરા જેવું કહેવાય) જેવી કરી દઈશ."
શેઠ બોલ્યા;" જા દિકળા (દીકરા) લઈ જા. પણ જોજે હો ભૂખી ન રહેવી જોઈએ. નીતર (નહિતર) રૂપિયા નય(નહીં)મલે (મળે)."
"શેઠ તમે ચિંતા ન કરો. બાણોબાણ (ખૂબ બધું ખવડાવીશ) ધરવી દઈશ બસ."
જુવાન તો બકરીને નદી કાંઠે લઇ ગયો. લીલું લીલું ઘાસ ખવડાવીને બકરીને તાજીમાજી કરી દીધી. સાંજે બકરી લઈને શેઠને ઘરે લઈ ગયો અને બોલ્યો;" જુઓ શેઠ બકરીને ધરવી દીધી ને?"
દીકળા (દીકરા) એમ ખબર ન પળે (પડે),પરીક્ષા કરવી પડે પરીક્ષા... એમ બોલી શેઠે રજકાની કોરી ( હાથમાં સમાય એવડો પૂરો) લઈને બકરી સામે રાખી બોલ્યા;" ગીદી....ગીદી...ગીદી..."
હવે બકરાની જાત રજકો દેખે એટલે ગમે તેટલું ખાધું હોય તો પણ ખાય.એટલે બકરીએ રજકો જોયો ને ખાવા લાગી.
"જો દીકળા (દીકરા) ભૂખી છે ભૂખી.. આવું ન હાલે (ચાલે)... જા મારા દીકળા (દીકરા) સવારે પાછો આવજે ને પૂરી ધરાવીને આવજે હો... તો જ પાંચસો રૂપિયા મલશે(મળશે)."
જુવાન તો નિરાશ થઈને જતો રહ્યો.બીજા દિવસે બીજો જુવાન તૈયાર થયો એની હાલત પણ પહેલાં જેવી જ થઈ!
આવું પાંચ-છ દિવસ ચાલ્યું.શેઠ મફતમાં બકરીને ચરવા મોકલે ને ઝલસા કરે. નગરનો એક નટખટ જુવાન હાથમાં એક ધોકો લઈને આવ્યો અને બોલ્યો ;"લાવો શેઠ બકરી. આજ તો તમારા 500 રૂપિયા લીધે જ છૂટકો."
"લઈ જા દીકળા (દીકરા) પણ ધરાવીને આવીશ તો જ હો!"
"હા હા શેઠ એવી ધરવું એવી ધરવું કે બે-ત્રણ દિવસ ખાવાની જરૂર નહીં પડે."
જુવાન તો બકરી લઈને ગયો નગરની ભાગોળે.એક બાવળના ઠુંઠે બકરીને બાંધી. બપોર સુધી કંઈ ખાવા ન દીધુ. બપોર પછી હાથમાં રજકાની કોરી લઈને બકરીને કહે;" ગીદી....ગીદી...ગીદી..."એટલે બકરી ખાવા માટે જેવું મોઢું રજાકા તરફ કર્યું કે જુવાને એક ધોકો વળગાડ્યો મોઢા ઉપર! વળી થોડીવાર પછી રજકો બતાવીને કહે " ગીદી.... ગીદી... ગીદી..." બકરી પાછું રજકા તરફ મોઢું ફેરવે તો પાછો ધોકો મારે. આવું સાંજ સુધી ચાલ્યું.સાંજે બકરીનું મોઢું સોજી ગયું. પછી તો રજકો બતાવે ને ગીદી ગીદી બોલે ત્યાં તો બકરી મોઢું અવળી બાજુ ફેરવી લે મારી બીકે!
સાંજે આવ્યો શેઠ પાસે ને બોલ્યો "શેઠ આલ્યો બકરી.. કરી લો પરીક્ષા."
"હા. દીકળા (દીકરા) પરીક્ષા તો કરવી જોઈએને.. પણ મને તો આ બકરી ભૂખી હોય એવું લાગે છે!"
"તમે પરીક્ષા કરી જુઓ.. ધરાઈને ટેપરા જેવી છે."
શેઠ રજકો લઇને બકરીને કહે; " ગીદી.... ગીદી... ગીદી..." પણ,રજકો જોતા જ બકરી મોઢું બીજી તરફ ફેરવી લે છે.
"જોવા શેઠ ધરાઈ ગઈ છે ને. લાવો હવે પાંચસો".
શેઠે વીલે મોઢે પાંચસો રૂપિયા આપ્યા અને જુવાન ચાલતો થયો.
આજે અમારા જીંગાભાઈ પણ વાંદરાને જુએ અને મોઢું ફેરવી લેવા લાગ્યા. અંતે મૂંગા મૂંગા બેસીને કંટાળો આવતો હતો એટલે મેં પણ નિંદર ખેંચવાની શરૂઆત કરી અને સૂઈ ગયો.
વચ્ચે એક દોઢ વાગ્યાની આસપાસ બસ ચા પાણી માટે ઊભી રહી. પણ, અમે બધા થાક્યા હતા તો કોઈ નીચે ઉતાર્યું નહીં. જીંગાભાઈ તો આજ બોલવાનું સાવ ભૂલી ગયા હોય એવું લાગતું હતું.
વહેલી સવારે પાંચને ત્રીસ મીનીટે હરિદ્વારની એક ધર્મશાળાની પાર્કિંગમાં ઉતર્યા.બધા નાહવાની અને ફ્રેશ થવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ સાડા છ વાગ્યે પાછા બસ પાસે આવ્યા નાસ્તો કરવા.
નાસ્તો કરી અમે નીકળ્યા હરિદ્વારની સફરે.
હરિદ્વાર ભારતીય સંસ્કૃતિ અને વિકાસનો કેલિડોસ્કોપ રજૂ કરે છે. પ્રાચીન લખાણોમાં ગંગાદ્વાર, કપિલ સ્થાન ,માયાપુરી જેવા અલગ અલગ નામો સાથે ઉલ્લેખ થયેલ છે. આ ઉપરાંત બદ્રીનાથ ,કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી આ ચાર મુખ્ય તીર્થસ્થળ માટેનો હરિદ્વાર એક માર્ગ છે.
હરિદ્વાર ગંગા નદીની જમણા કાંઠે, શિવાલિક પર્વતની તળેટીમાં આવેલું છે. હિન્દુઓ માટેનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હરિદ્વાર એટલે હરિનું દ્વાર.હરિ એટલે ભગવાન અને દ્વાર એટલે રસ્તો, મતલબ ભગવાન પાસે જવાનો રસ્તો, એટલે કે મોક્ષનો માર્ગ એવો અર્થ થાય છે.
સાત પવિત્ર સ્થાન અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, અવન્તિકા અને દ્વારકા. આમ સાત પવિત્ર સ્થાનોમાનું એક સ્થાન હરિદ્વારમાં આજે અમે પાવન પવિત્ર બનવા નીકળી પડ્યા. અમારે સૌપ્રથમ જવાનું હતું વિષ્ણુ ઘાટ પર.
વિષ્ણુ ઘાટ હરિદ્વારના શાંતિપૂર્ણ સ્થળોમાંથી એક છે. જ્યાં તમે તમારી જાતને આ શહેરની આધ્યાત્મિકતામાં પલાળી શકો છો. આ ઘાટ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીંયા જોઈ ન શકાય તેવું એકાંત છે!(મતલબ તમે માત્ર અનુભવી શકો, વર્ણવી ન શકો) અહીંયા આદરણીય ગંગા નદીમાં પવિત્ર ડૂબકી મારી શકો છો.
દંતકથા અનુસાર આ વિષ્ણુઘાટ પર ભગવાન વિષ્ણુએ સ્વર્ગીય નદી ગંગામાં ડૂબકી લગાવી હતી. તેથી જ ઘણા શ્રદ્ધાળુઓ માને છે કે પવિત્ર ઘાટ પર ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી આપણે પાપોથી મુક્ત બનીએ છીએ.
આ ઘાટ પર ગંગાનાદીમાં અવરોધો બનાવવામાં આવ્યા છે,જેથી ભક્તો નાહતી વખતે પાણીના ખેંચાણને લીધે તણાઈ ન જાય.તથા ઘાટમાં પગથિયાં પાસે લોખંડની સાંકળ પણ બાંધેલ છે.જેને પકડીને આપણે સ્નાન શકીએ છીએ.આમ અહીંયા આપની સલામતી (સેફ્ટી) વિશે પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.અહીંયાથી અમારે જવાનું હતું પાવન ધામ.
ક્રમશ::::
શું જીંગો આમ સૂનમૂન જ રહેશે?? કે પછી પાછો પોતાના મૂળ સ્વભાવમાં આવી જશે???
પાછો મૂળ સ્વભાવમાં લાવવો જ પડશે ને??
તો કઈ રીતે પાછો મૂળ સ્વભાવમાં આવે છે એ જાણવા તથા હરિદ્વારના વિવિધ સ્થળોની જાણકારી માટે વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 12
આપના પ્રતિભાવની રાહે રાજુસર....